સિક્સપૅકવાળો બ્લોગ હોઈ શકે? ..

ગમ્મતસિક્સપૅકવાળો બ્લોગ હોઈ શકે? …

બ્લોગાચાર્યના જણાવ્યા મુજબ બ્લોગદેહના મુખ્ય ત્રણ ભાગ હોય છે.

[1] શીશ વિભાગ: જેમ માનવદેહમાં શીશ કે માથાનું અંગ હોય છે તેમ બ્લોગદેહનું આ અંગ છે. જેમાં બ્લોગનું શીર્ષક કે નામ હોય છે. જેમાં બ્લોગરનો પરિચય, બ્લોગહેતુ, બ્લોગપ્રેરણા, બ્લોગસૂચના વગેરે પેટાઅંગોનો સમાવેશ થાય છે.

બ્લોગજગતમાં અનેક પ્રકારના માથાં ધરાવતા બ્લોગ્સ હોય છે. જેમ કે:માથાં ફરેલા બ્લોગ્સ,માથું કાઢી ગયેલા બ્લોગ્સ, માથાંકૂટિયા બ્લોગ્સ, માથાંફોડિયા બ્લોગ્સ, મુંડનિયા બ્લોગ્સ, જટિયાળા બ્લોગ્સ વગેરે વગેરે. પેટાઅંગોને ધ્યાનમાં રાખીને પણ બ્લોગશીશના  અનેક પ્રકારો પાડવામાં આવ્યા છે. જેવા કે: મૌની બ્લોગ્સ, વાચાળ બ્લોગ્સ,કર્ણવિહિન બ્લોગ્સ,લંબકર્ણા બ્લોગ્સ,દાંતાળા બ્લોગ્સ, હાથીદાંતા બ્લોગ્સ, સૂક્ષ્મ આંખો ધરાવતા બ્લોગ્સ, લાલઘૂમ આંખોવાળા બ્લોગ્સ વગેરે વગેરે.

સમગ્ર બ્લોગદેહને અનુરૂપ આ વિભાગ હોય તો બ્લોગ શોભી ઊઠે છે. અન્યથા બ્લોગ હાંસી કે દયાને પાત્ર બની શકે છે.

[2] બ્લોગધડ : માનવ દેહની માફક બ્લોગદેહને પણ  હૃદય, પેટ, હાથ,,હોજરી, ફેફસાં, આંતરડાં વગેરે અંગો હોય છે.જે અંગો પોસ્ટ,એડિટ,ડ્રાફ્ટ,સેવ,પબ્લીશ વગેરે નામથી ઓળખાય છે. જેમના દ્વારા બ્લોગ શ્વસે છે, ધમધમે છે કે  હાંફે છે, પોસ્ટરૂપી ખોરાક લે છે, પચાવે છે અને નકામો કચરો બહાર ફેંકે છે!!!! આ વિભાગમાં વિવિધ અંગો અંગો દ્વારા પોસ્ટસેવન,પોસ્ટપાચન,પોસ્ટચયન, પોસ્ટપ્રાગ્ટય વગેરે ક્રિયાઓ થાય છે. જેમ મોટાભાગના માણસોને પોતાના દેહમાં આવેલા વિવિધ અંગો બાબત વિશષ જાણકારી નથી હોતી છતાં પણ પણ જીવે છે તેમ ઘણા બ્લોગ્સ આ બ્લોગજગતમાં બ્લોગનારાયણના ભરોસે ગાડું ગબડાવ્યે જાય છે. બ્લોગભગવાન સહુના છે. આ બ્લોગજગતમાં પણ  કીડીને કણ અને હાથીને મણ મળી રહે છે!!!

આ વિભાગમાં સ્વાભાવિક રીતે જ સહુની પ્રથમ નજર બ્લોગદુંદ પર જાય છે! બ્લોગજગતમાં અંદર પેટ હોય એવા  ઘણા બ્લોગ હોય છે જેનું પેટ પકડી નથી શકાતું! દુંદાળા બ્લોગ્સથી તો બ્લોગ જગત ઊભરાય છે. બિનજરૂરી ચરબીથી લથપથ બ્લોગ્સ પોસ્ટસેવનમાં વિવેક રાખતા નથી!  જેમ ઘણા માણસો ઘરનું ખાઈને ધરાતા નથી તો બહારનું  ઝાપટે છે તેમ આવા બ્લોગ્સ ઘરની પોસ્ટથી સંતોષ પામતા નથી અને કૉપીપેસ્ટ દ્વારા બહારની પોસ્ટ આરોગે છે. બ્લોગજગતની આ એક સળગતી સમસ્યા છે. જેનાથી ઘણા બ્લોગસ જાતજાતના રોગોથી પીડાયા કરે છે. સામાપક્ષે યોગ્ય પોષણના અભાવે અતિશય ક્ષીણ દેહ ધરાવનારા બ્લોગ્સ પણ છે. બ્લોગ્સ પેદા કરનારે બ્લોગના પોષણની તેઅમજ વિકાસની પણ જવાબદારી નિભાવવી જોઈએ. એને રેઢા મૂકી દેવાથી બ્લોગસમાજ પર નવો ખતરો ઊભો થઈ શકે છે. આવા બ્લોગસની સારસંભાળ લેવાની જવાબદારી બ્લોગસરકાર અને બ્લોગસમાજે ભેગા મળીને ઉપાડી લેવી જોઈએ.

આ સિવાય 56ની છાતી ધરાવતા બ્લોગ્સ, મજબૂત ખંભા ધરાવતા બ્લોગ્સ, લાંબા નહોર ધરાવતા બ્લોગ્સ, વાંકી આંગળીઓ ધરાવતા બ્લોગ્સ, બેવડ વળી ગયેલા બ્લોગ્સ વગેરે પ્રકારના બ્લોગ્સ હોય છે.

પોસ્ટસેવનના અને બ્લોગશરીરની સંભાળના  નિયમો ન પાળવાથી બ્લોગદેહમાં અનેક વિકૃતિઓ  પેદા થાય છે જેના પરિણામે બ્લોગશરીર કઢંગુ બની જાય છે. બ્લોગ ઉદર એ સર્વ બ્લોગવિકૃતિઓનું મૂળ છે!!

[3] બ્લોગચરણ: જેમ માનવદેહ એના ચરણોના સહારે ઊભો રહે છે કે ચાલે છે કે દોડે છે તેમ બ્લોગજગતમાં  બ્લોગ એના ચરણોના સહારે આ ક્રિયાઓ કરે છે. પ્રતિભાવોનાં ખાનાં એ  બ્લોગના ચરણ છે. એ જેટલા મજબૂત એટલી બ્લોગની  દોડવાની તાકાત વધારે. ઘણા બ્લોગસ આ ચરણોની દરકાર રાખતા નથી એટલે સમય જતાં તેમણે અન્ય બ્લોગના ખંભા પકડવા પડે છે, બ્લોગલાકડી કે બ્લોગચેરનો સહારો લેવો પડે છે.

બ્લોગચરણની નિયમીત કસરતો કરવી જોઈએ. જેમ માણસો માટે ચાલવું એ એકદમ સરળ વ્યાયામ છે તેમ બ્લોગ માટે પણ  બ્લોગવિહાર એ એકદમ સરળ વ્યાયામ છે.અર્થાત  બ્લોગે પોતાની બ્લોગપથારીમાં પડ્યા રહેવાને બદલે વિવિધ બ્લોગ્સમાં ભ્રમણ કરવું જોઈએ. જેના લીધે તેને ચોખ્ખી હવા મળે,ઉર્જા મળે, ઉમંગ મળે અને આગળ વધવાની પ્રેરણા મળે. ખબર પડે કે બ્લોગજગતમાં શું શું નવું ચાલી રહ્યું છે. અન્યાથા બ્લોગની ગણના  કૂવાના દેડકા તરીકે થઈ જાય છે.

બ્લોગચરણને ધ્યાનમાં રાખીને બ્લોગ્સના જે પ્રકારો પાડવામાં આવ્યા છે તેમાં મુખ્યત્વે પંગુ બ્લોગ્સ, તાડપગા બ્લોગ્સ,હાથીપગા બ્લોગ્સ વગેરે વગેરે છે.

બ્લોગજગતની મોટાભાગની લડાઈઓ બ્લોગચરણની જ હોય છે. જે બ્લોગચરણ માટે અને બ્લોગચરણ દ્વારા જ લડાતી હોય છે.

બ્લોગદેહને અનુરૂપ બ્લોગચરણ ન હોય તો બ્લોગદેહ શોભતો નથી. ઘણા બ્લોગના શીશવિભાગ અને ધડવિભાગના પ્રમાણમાં ચરણવિભાગ ખૂબ જ ફૂલેલો હોય છે જે પણ  એક પ્રકારની વિકૃતિ જ છે. બ્લોગસોજા તરફ વહેલાસર ધ્યાન ન દેવામાં આવે તો એ અસાધ્ય બીમારીમાં પરિણમે છે. ઘણા બ્લોગ્સ અન્ય કુટુંબીજનો પાસે કાયમ પોતાના ચરણ દબાવડાવે છે જે આદત  સારી નથી.

તો મિત્રો વાત આમ છે. હવે વિચારવાનું યુવાન બ્લોગમિત્રોએ છે. શું યુવાન બ્લોગમિત્રો  બ્લોગફિટનેસ બાબત ગંભીર છે? તેઓના ધ્યાનમાં બ્લોગને સિક્સ પૅકવાળો બનાવી દે તેવા કોઈ સ્થાનો હોય તો જણાવે જેથી અન્યયુવાન બ્લોગમિત્રોને લાભ મળે! પણ જોજો. કોઈ લેભાગુ ભટકાય ન જાય!

અમે જ્યારે બ્લોગાચાર્યને પૂછ્યું કે: શું અમારો બ્લોગ સિક્સપૅકવાળો કહી શકાય તો એમણે કહ્યું કે: ના, સિક્સપૅકવાળો તો ન કહી શકાય પરંતુ સિક્સ પેગવાળો જરૂર કહી શકાય!!

હરીઓમ! હરીઓમ!

મિત્રો, આવજો અને જલસા કરજો. અને વિચાર કરજો કે: ઝીરો ફિગરવાળી પોસ્ટ હોઈ શકે?

Advertisements

એક અનોખું વ્યક્તિત્વ:નકલપ્રિયા

ગમ્મત

હે બ્લોગજનો, અમારા આ ઓટલે આપનું સ્વાગત છે. અમે આગળ વાત કરી હતી કે અમારી કેટલીક પ્રેરણામૂર્તિઓ છે કે જે અમને COPY PASTE બાબત લખવા માટે સતત પ્રેરણા આપતી રહે છે. એમાની કેટલીક પ્રેરણામૂર્તિઓ બાબત અમે અગાઉ વાત કરી છે. આજે અમે એવી જ એક પ્રેરણામૂર્તિનો વ્યક્તિગત પરિચય આપવાનો પ્રયાસ કરીશું.

એ પ્રેરણામૂર્તિનું નામ છે નકલપ્રિયા. કેવું સરસ નામ છે નહીં? એવું જ સરસ તેમનું કામ છે. ખૂબ જ વિશાળ  એમનું દિલ છે.મિત્રો,નકલપ્રિયાનો પરિચય અમને શ્રીચિત્તભ્રમજી મહારાજની શિબિરમાં થયો હતો.જ્યારે એમણે જાણ્યું કે અમે અમારી રચનાઓની COPY PASTE દ્વારા થતી ઉઠાંતરીથી પરેશાન છીએ ત્યારે એમણે મારી તરફ એ રીતે જોયું કે જાણે કોઈ વિશાળકાય પોસ્ટ નાનકડા ગતકડા પર નજર નાખતી હોય! ત્યારબાદ અમારી વચ્ચે થયેલો વાર્તાલાપ અત્રે રજૂ કરું છું.

નકલપ્રિયા ઉવાચ: “નરસિંહ મહેતા, તુલસીદાસ, સૂરદાસ જેવા અનેક લોકોની રચના  COPY PASTE થાય છે છતાંય  એ લોકો વાંધો નથી ઉઠાવતાં તો વાંધો ઉઠાવનારા તમે કોણ? બોલો, એ લોકોએ ક્યારેય ફરિયાદ કરી?”

નકલપ્રિયા એટલાં બધાં ઉત્તેજિત હતાં કે અમે કશી દલીલ જ ન કરી શક્યા. અમારે કહેવું પડ્યું કે “ના”

નહીંતો અમારે કહેવું હતું કે એ લોકો સંત હતા એટલે વાંધો ન ઉઠાવે. વળી એ લોકો હયાત પણ નથી એટલે વાંધો ઉઠાવવાનો સવાલ પણ  નથી. ને સૌથી મોટી વાત તો એ છે કે તેઓ આજે હયાત હોત તો આવી જ  રચનાઓ કરત કે નહીં એ કહેવું મુશ્કેલ છે.

નલકપ્રિયા ઉવાચ: “આજે જ્યારે ગુજરાતી ભાષાને બચાવવા માટે COPY PASTE દ્વારા મહાયજ્ઞ  ચાલી રહ્યો છે. દુનિયાભરની વસ્તુઓનું  COPY PASTE થઈ રહ્યું છે એ તમે નથી જાણતા? અરે ઘોડા ગધેડાઓનું પણ  COPY PASTE થઈ રહ્યું છે! એ લોકો પણ  COPY PASTE નો વાંધો નથી ઉઠાવતા તો વાંધો ઉઠાવનાર તમે કોણ?અત્યારે હવનમાં હાડકાં નાખવાની પ્રવૃત્તિ કરવાને બદલે તમે પણ COPY PASTE કરો એ જ શ્રેષ્ઠ રસ્તો છે.”

અમે નકલપ્રિયાનાં વ્યક્તિત્વ સામે એકદમ વેરવિખેર થઈ ગયા હતા છતાંય  હતી એટલી હિમત એકઠી  કરીને અમે બોલ્યા: : “ અમે COPY PASTEની સગવડતાનો  વિવેક્પૂર્ણ ઉપયોગ કરવામાં માનીએ છીએ. જે લોકો પોતાના બ્લોગમાં અમારી રચનાઓ વગર રજાએ COPY PASTE  કરીને મૂકે છે અને  જે તે બ્લોગની LINK નથી મૂકતા એ  બાબત ઠીક નથી એટલું જ અમે કહેવા માંગીએ છીએ. પણ આટલી અમસ્તી વાતના જવાબમાં તમે પણ  અન્ય લોકોની  જેમ ભળતી દલીલો કરો છો તે ઠીક નથી. આમાં ઘોડાં ગધેડાં COPY PASTEનો વિરોધ નથી કરતાં એવી વાતો  વચમાં ન લાવો તો સારું.”

નકલપ્રિયા: “મિસ્ટર. તમે એક વાત સમજી લો. ગુજરાતી ભાષાને બચાવવી હોય તો એક જ ઉપાય છે. અને એ છે COPY PASTE, COPY PASTE અને COPY PASTE. COPY PASTEનુ પણ COPY PASTE.  COPY PASTEના COPY PASTEનુ પણ COPY PASTE.એનું પણ COPY PASTE. બોલો હવે તમારે કશું કહેવુ છે?”

અમે ખૂબ જ નમ્રભાવે કહ્યું કે: “દેવી, અમે અમારા બ્લોગમાં અમારી જાતે તૈયાર કરેલી રચનાઓ જ મૂકીએ છીએ.”

અમારો જવાબ સાંભળીને લાલચોળ ચહેરે નકલપ્રિયાએ કહ્યું: “મૂર્ખાઈની  પણ હદ હોય છે. COPY PASTE નો સહેલો રસ્તો હોવા છતાં જાતે લખવાની જરૂર જ ક્યાં છે? તમે જાતે લખો એટલી વારમાં તો કેટલું બધું COPY PASTE થઈ જાય એનો હિસાબ માંડ્યો છે? આવું કરવા રહેશો તો ગુજરાતી ભાષા બચશે કેવી રીતે?”

અમે કહ્યું: “ COPY PASTE સમજી વિચારીને થવું જોઈએ.  મૂળ લખનારે બ્લોગમાં ખોટું લખ્યું હોય તો એનું COPY PASTE કરવાથી  અર્થનો અનર્થ થઈ જાવાનો ભય રહે છે. જેમ કે  ઘણા COPY PASTE માં જાગને જાદવાને બદલે જાગને જાડવા જ  થઈ ગયું  છે. એને સુધારવાની પણ  તસ્દી લેવામાં આવતી નથી!!”

“તો એમાં તમારું શું ગયું? બધુ એક જ છે. પંતુજીવેડા ન કરો. ભાવને સમજો. શબ્દોને મહત્વ ન આપો. બોલો સામે  સામે શું દેખાય છે?”

“ગલૂડિયું”

“હવે એને હલુરિયુ કહેવાથી કશો ફરક પડશે.”

“નહીં પડે.”

“બોલો હવે સામે શું દેખાય છે?”

“સામે એક મોતરગારી દેખાય છે અને તેમાંથી એક માનસ નીચે  મૂટલે  છે.” અમે કહ્યું.

“ શું બોલો છો?જરા વ્યવસ્થિત બોલો” નકલપ્રિયા ગુંચવાઈ ગયાં.

અમે કહ્યું: “ડેવી, ભાવને સમજો. શબ્ડોને મહટ્વ ન આપો તો સાલું.”

નકલપ્રિયા ખૂબ જ આનંદિત થઈ ગયાં કારણ કે ખ્યાલ આવી ગયો કે અમે એમની શિખામણને માન આપ્યું છે.

“તમારી સમજ શક્તિ સારી છે.”

“અમાલી સમજશક્ટિ જોલડાર છે.”

“હવે જવાબ આપો કે હું કોન છું?” નકલપ્રિયાએ વાત આગળ વધારી.

“તમે સુંડલ મજાના નાડી છો. પણ એ નાડીથી અલગ છો કે જે નાડીના ધબકાલા  વૈદ લોકો તપાસે છે અને ડવા આપે છે. તમે બહુ જ ઉડાર મટવાડી છો કે જેને માતે નલસિંહ મહેટા, સુલડાસ કે સામાન્ય  બ્લોગલ વચે  કોઈ જાટનો ટફાવત નઠી. તમે એવી નાડી છો કે જે ગુજલાટી ભાશાને બચાવવા માતે રાત ડિવસ જોયા વગલ  કૉપિપેસ્ત  કલે છે. ટમે એમ માનો છો કે: એકનું એક લખાણ વાલંવાલ લગાટાર કૉપીપેસ્ટ નહીં કલીએ ટો બિચાલી ગુજરાટી ભાશા ટરફડી ટરફડીને મરી જશે.  તમે એમ માનો છો કે આપલી ભાશાને જીવટી રાખવી હોય તો કોપિ પેસ્ત વગર આડો ઓવાદો નઠી. ટમે એમ માનો છો કે: પોતાના ડિમાગથી બેપાંચ લાઈનો લખવા કલટા કોઈના બ્લોગમાંથી ટોપલા ભરી લેવા એ સહેલો અને સરલ રસ્ટો છે. તમે એમ માનો છો કે રામ અને શ્યામ કે સીટા અને ગીટા એ બઢા જ અડલ બડલ થઈ જાય તો ડુનિયાની માથે કોઈ મોતું આભ તૂતી પલવાનું નઠી. તમે એવી નાડી છો કે જેમને ફાંકો છે કે આવા બ્લોગ બનાવ્યે રાખવાઠી ગુજલાટી ભાષા બચી જશે. .. …”

” ઓહ, મને માફ કરજો. મને એક કામ યાદ આવી ગયું છે. મેં COPY તો કર્યું છે પણ PASTE કરવાનું બાકી રહી ગયું છે. મારે જલ્દીથી જવું પડશે.”

એવું કહીને નકલપ્રિયા ચાલ્યાં ગયાં. પણ એમના વ્યક્તિત્વની ઊંડી છાપ  અમારા પર છોડી ગયાં. જેની એક ઝલક આપવાનો અમે પ્રયાસ કર્યો છે. કાશ, અમે એમનું COPY PASTE  કરી લીધું હોત!!!

બ્લોગજગતમાં ટકોરાપંથ

ગમ્મત

[મીઠી ચેતવણી: આગળ જતાં આ બ્લોગપંથ પર બંધબેસતી પાઘડીઓના ઢગલા હશે જે પહેરવાની લાલચમાં આવશો નહીં. હા, જો મલકાટની ટોપી નજરે ચડે તો જરૂર પહેરશો.]

બ્લોગમિત્રો, આજે આપ સહુની સમક્ષ બ્લોગજગતમાં ખૂબ જ ઝડપથી પ્રચાર પામેલા ટકોરાપંથના વર્તમાન ગાદીધારી શ્રી ટકોરાનંદજી મહારાજ ઉપસ્થિત છે. જેમની વાણીનો લાભ આપ સહુ જલદીથી લઈ શકો તે માટે હું અહીંથી કૂદકો મારીને  મારી જગ્યાએ જતો રહું છું. તો આપની સમક્ષ પધારી રહ્યા છે શ્રી ટકોરાનંદજી મહારાજ. બોલો ટકોરાનંદજી મહારાજની જય.

વહાલા બ્લોગજનો,

હું  ટકોરાનંદ આજે આપ સહુને ટકોરાપંથ બાબત બેચાર વાતો કહેવા આવ્યો છું. તમે ટકોરાપંથી હો કે ના હો પરંતુ બેધ્યાનથી મારી વાતો સાંભળવાની તસ્દી લેશો એવી આશા રાખું છું. મારા પ્રવચન દરમ્યાન આપના મોબાઈલને બંધ રાખવાની જરૂર નથી. કારણ કે કોઈ પણ પ્રકારના ટકોરાને રોકવામાં ટકોરાપંથ માનતો નથી.

આપમાંથી ઘણાંને એ સવાલો  સતાવતો હશે કે આ ટકોરા એટલે શું? આ ટકોરાપંથ શા માટે? એનું મહત્વ શું? એ ક્યારે અસ્તિત્વમાં આવ્યો? આ પંથની ખૂબીઓ અને ખામીઓ કઈકઈ? હે શ્રોતાજનો આવા વિવિધ સવાલોના જવાબો થોડા જ સમયમાં આપવા એ મારા વશની વાત નથી. વળી આ ભાગદોડના જમાનામાં  આપ લોકો પાસે એટલો સમય પણ નહીં હોય. માટે હું જે પણ થોડુંઘણું કહીશ એના કારણે આપના અજ્ઞાનમાં થોડોઘણો પણ વધારો થશે તો હું મારી જાતને ભાગ્યશાળી સમજીશ.

આપણે ટકોરાથી શરૂઆત કરીએ. ટકોરા એટલે શું?તો હે બ્લોગજનો, કોઈપણ મંદિરમાં  પ્રવેશદ્વારે લટકતા ઘંટનું જે મહત્વ છે તેવું જ મહત્વ આ બ્લોગજગતમાં બ્લોગના પ્રવેશદ્વારે લટકતા ટકોરાયંત્રનું છે. જેના દ્વારા બ્લોગની મુલાકાત લેનારાઓની નોંધ થતી જાય છે. બ્લોગદ્વારે ટકોરા પાડનારને કોઈ વિઝિટર કહે છે તો કોઈ મુલાકાતી કહે છે! કોઈ અતિથિ કહે છે તો કોઈ મહેમાન કહે છે! કોઈને એમાં વાચક નજરે ચડે છે તો કોઈને એમાં વાચકના રૂપમાં છુપાયેલા  યાચકના  દર્શન થાય છે. જે બ્લોગર પોતાના બ્લોગદ્વારે આવું ટકોરાયંત્ર લટકાવે છે તે બ્લોગર ટકોરાપંથી કહી શકાય.

ટકોરાપંથી હોવું  કે ટકોરાને મહત્વ આપવું એ કોઈ ખોટી વાત નથી. જેમ હૃદયના ધબકારા છે તો આપણી જિંદગી છે તેમ બ્લોગના ટકોરા છે તો બ્લોગની જિંદગી છે! ટકોરા છે તો બ્લોગ છે! ટકોરા જ બ્લોગને ધબકતો રાખે છે! ટકોરા વગરનો બ્લોગ એ નર્યા પૂતળા જેવો છે! પાંદડાં વગરના વૃક્ષ  જેવો છે! કાટ ખાઈ ગયેલી તલવાર જેવો છે. હલેસાને કારણે  સાગરમાં નાવ ગતિ કરે છે તેમ ટકોરાને સહારે આ નેટસાગરમાં  બ્લોગ ગતિ કરે છે.

પરંતુ એક વાત ધ્યાનમાં રાખજો કે: ટકોરા એ સાધન છે .. સાધ્ય નથી. માર્ગ છે પણ મંઝિલ નથી! ચટણી છે પણ હોજરી નથી. જેમ ચટણી એ ખમણ કે ભજીયાંને હોજરી સુધી ઝડપથી  પહોંચાડવાનું એક માધ્યમ માત્ર છે તેમ ટકોરા એ બ્લોગને ગતિમાન રાખવાનું એક સાધન માત્ર છે! ટકોરાપંથી બનજો પણ ટકોરા મય ન બની જતા. આપમાંથી ઘણાંએ જડભરત મુનીની વાત સાંભળી હશે. અતિ જ્ઞાની એવા આ મુનીએ હરણનું  એક બચ્ચું જે મા વગરનું હતું, એને ઉછેરવાની જવાબદારી સંભાળી. પણ પછી તો તેઓ એવું જ માનવા લાગ્યા કે : આ બચ્ચાનું અસ્તિત્વ મારા થકી જ છે! તેઓ હરણમય બની ગયા. એ મોહને કારણે જીવનના અંતિમ શ્વાસ વખતે પણ એમને એ હરણની ચિંતા  હતી. જે કામ ઇશ્વરનું હતું એ કામ પોતાનું માનવા લાગેલા એ મુનીના જીવની ગતિ ન થઈ!એમનું જિંદગીભરનું બ્લોગિંગ એળે ગયું!

હે બ્લોગજનો, આપના બ્લોગદ્વારે બાંધેલું ટકોરાયંત્ર એ જડભરતની ઝૂંપડીના દ્વારે બાંધેલા હરણ જેવું છે! તમારો જીવ એમાં બંધાયેલો ન રહે તેનું ખાસ ધ્યાન રાખજો. ટકોરાના આંકડાના જોરે દેડકાની જેમ પેટ ફૂલાવતા બ્લોગજનો પોતાના પેટની મર્યાદા સમજે .

હે ગુણીજનો, ટકોરા એ હંમેશા બ્લોગની ગુણવત્તાની ખાતરી આપતા નથી. ઉત્તમકક્ષાનો બ્લોગ અલ્પ ટકોરા ધરાવતો હોય એવું પણ  બને! અને નિમ્ન કક્ષાનો બ્લોગ વિશેષ પ્રમાણમાં ટકોરા ધરાવતો હોય એમ પણ બને! એટલે જ તો ઘણા બ્લોગમિત્રો ટકોરાને નર્યો  ભ્રમ કહે છે.  એ વાત અમુક સંજોગોમાં સત્ય પણ છે. આપણા ઘરમાં માત્ર  ડોકિયું કરીને જતા રહેલી વ્યક્તિને મહેમાન ન કહી શકાય! ઘરમાં ઝગડો ટંટો થયો હોય ને ટોળું ભેગું થાય તો એને મુલાકાતીઓ ન કહેવાય! ટકોરાયંત્ર ભલે એની નોંધ લેતું હોય! ઘણી વખત ટકોરાની પ્રાપ્તી માટે બ્લોગની ગુણવત્તા સુધારવાના બદલે અન્ય પ્રકારના ઉપાયો અજમાવવામાં આવે છે. એક વખત આવા ઉપાયો અજમાવવાના ચાળે ચડેલો બ્લોગર સમય જતા બ્લોગપંથેથી  ભટકી જાય છે! તે માત્ર ટકોરાના મોહમાં પડી જાય છે! ટકોરાની પ્રાપ્તિ માટે ગમે તેવા અનર્થો કરવામાં તેને નાનપ લાગતી નથી! આવા બ્લોગ ક્યારેય પોતાનું તેજ પ્રગટ કરી શકતા નથી. એવા બ્લોગ પરના આંકડા અવાવરુ ભૂમી પર ઊગી નીકળેલા ઘાસ જેવા છે.

આ દૃષ્ટિએ જોઈએ તો ટકોરાપંથીના ત્રણ પ્રકાર પડે છે! સત્વગુણી ટકોરાપંથી જે ટકોરાને ટકોરાને માત્ર સાધન  માને છે અને હંમેશા પોતાનું લક્ષ બ્લોગની ગુણવત્તા તરફ રાખે છે. અને એ રીતે બ્લોગને વધારે ટકોરા પ્રાપ્ત કરાવે છે. બીજો પ્રકાર રજોગુણી ટકોરાપંથીઓનો છે.  જેઓ જેઓ બ્લોગની ગુણવતાની સાથે સાથે ટકોરા તરફ પણ લક્ષ આપતાં રહે છે. વળી વધારે ટકોરા પ્રાપ્ત કરવા માટે ચિત્રવિચિત્ર ઉપાયો અજમાવતા રહે છે.  ત્રીજો પ્રકાર તમોગુણી ટકોરાપંથીઓનો છે કે જેઓ પોતાના બ્લોગને વધારે ટકોરા પ્રાપ્ત થાય તે માટે કોઈ પણ કક્ષાએ જવામાં સહેજ પણ અચકાતા નથી!  આવા ટકોરાપંથીઓની બ્લોગસામગ્રી પણ સત્વહીન હોય છે!

હવે છેલ્લી વાત! કોઈ બ્લોગજન  જો એવું કહેતો હોય કે, તે ટકોરાને જરાપણ મહત્વ આપતો નથી! તો એનું બેમાંથી એક કારણ હોઈ શકે. કાં તો તે સ્થિતિપ્રજ્ઞ બ્લોગર હોઈ શકે અથવા તો પેલી “દ્રાક્ષ ખાટી છે ” એ વાર્તામાં આવતાં શિયાળ સમાન હોઈ શકે!

તો હવે આ પ્રવચન હું  પૂરું કરીશ કારણ  કે હવે સમય થયો છે ટકોરાગાનનો!

આટલું કહી ટકોરાનંદજી મંચ પરથી નીચે ઉતરીને બ્લોગજનોની પાસે પહોંચી જાય છે અને ત્રણ તાલીના તાલે શરૂ થાય છે… ટકોરાગાન!   તમે કરો  એનું રસપાન!

ટકોરાના તાલે …. ટકોરાના તાલે  બ્લોગી બ્લોગ લખવા જાયરે..

બ્લોગરની જાત કેવી  બ્લોગરની જાત.

રંગબેરંગી… રંગબેરંગી થીમના લહેરણિયાં  લહેરાયરે…

બ્લોગરની જાત કેવી  બ્લોગરની જાત.

ગાંડોઘેલો બ્લોગરિયો ને બ્લોગ એનો ગરબડિયો

ગાંડોઘેલો…  ગાંડોઘેલો બ્લોગરિયો ને બ્લોગ એનો ગરબડિયો

કેવી મજાની નાતરે … બ્લોગરની જાત કેવી  બ્લોગરની જાત.

ટકોરાના તાલે  બ્લોગી બ્લોગ લખવા જાયરે..

બ્લોગરની જાત કેવી  બ્લોગરની જાત.

ઓરો ઓરો આવ બ્લોગી ઓરો ઓરો

ઓરો ઓરો આવ બ્લોગી ઓરો ઓરો

બ્લોગે બેસી ખાઈલે તારાથી ખવાય એટલો પોરો

કેવી મજાની વાતરે … બ્લોગરની જાત કેવી  બ્લોગરની જાત

ટકોરાના તાલે  બ્લોગી બ્લોગ લખવા જાયરે..

બ્લોગરની જાત કેવી  બ્લોગરની જાત.

બ્લોગ  લખો…  બ્લોગી  બ્લોગ  લખો…

લખો ભૂસો…  બ્લોગી લખો ભૂસો..

બ્લોગને કાઠે બ્લોગરિયો પાડે અવનવી ભાતરે…

બ્લોગરની જાત કેવી  બ્લોગરની જાત

ટકોરાના તાલે  બ્લોગી બ્લોગ લખવા જાયરે..

બ્લોગરની જાત કેવી  બ્લોગરની જાત.

શું બ્લોગજગત મિથ્યા છે?

ગમ્મત

[ કડક ચેતવણી: આ એક નર્યો ગમ્મતલેખ છે. અમારી અન્ય ગમ્મત રચનાઓની જેવો જ! જેમાં ‘જગત’ કે ‘જીવન’ કે ‘મિથ્યા’ જેવા શબ્દોથી ગેરમાર્ગે દોરવાઈને;આ લેખ  જીવન કે જગત બાબતે ઉચ્ચ વિચારો ધરાવતો લેખ હશે એમ માની લેવું નહીં.  જેઓ જીવન કે જગત બાબતે ખરેખર ઉચ્ચ અને ગંભીર ચર્ચાની અપેક્ષા રાખતા હોય તેમની અપેક્ષા અહીં સંતોષી શકાશે નહીં. એવા ઘણા સ્થાનો આ બ્લોગજગતમાં ઉપલબ્ધ છે. જે સ્થાનો પર આવી બાબતોની ઘણીજ  નિષ્ઠાપૂર્વક ચર્ચા થાય છે.  જે સ્થાનોની મુલાકાતથી અમને પણ આનંદ પ્રાપ્ત થાય છે. પણ અત્રે, અમે જણાવ્યું તેમ માત્ર યથાશક્તિ  ગમ્મતને જ અવકાશ છે.]

મિત્રો,

અત્રે અમે શ્રી પંચમ શુક્લ (પ્રત્યાયન) સાથે કરેલી બ્લોગછૂટી વાત રજૂ કરીએ છીએ.

[1]અમારો હેતુ હાસ્યરચના રજૂ કરવાનો હોય ત્યાં અન્ય લેખકોની જેમ નિરીક્ષણ કરીને સામગ્રીની નકલ કરીએ છીએ. તેમાં અમારી અક્કલ ઉમેરીએ છીએ. એ રીતે સામગ્રીની શકલ બદલી નાખીએ છીએ. એ રીતે આનંદ મેળવવાની અને આપવાની કોશિશ કરી છીએ. ક્યારેક મહેનત લેખે લાગે તો ક્યારેક ન પણ લાગે.
બ્લોગજગત અમારી મનગમતી જગ્યા છે. અમે એને ખૂબ ખૂબ ચાહીએ છીએ. એટલે તો એના વિષે ઘણું ઘણું લખીએ છીએ. તમે જોયું હશે કે અમે અમારા બ્લોગ પર એક ટેગ “બ્લોગજગત” ની રાખી છે. જેમાં બ્લોગજગતને લગતી વિવિધ બાબતોને લગતી ચર્ચાઓ,વાર્તાઓ,ભવાઈ, સનેડો,પાંચકડાં, હાસ્યરચનાઓ, આરોગ્યકૅમ્પ વગેરે મૂક્યાં છે. જેમાં બ્લોગલેખન, ગઝલલેખન,ગીતલેખન, કૉપીપેસ્ટ, કોમેન્ટ-પ્રાપ્તિ, બ્લોગમુલાકાતીઓ ..જેવી ઘણી બાબતો પર હળવાશભર્યાં લખાણો લખ્યાં છે. અન્ય મિત્રોને પણ પ્રોત્સાહિત કર્યા છે. ગમશે ત્યાં સુધી કરીશું. બાકી જેવી બ્લોગેશ્વરની મરજી.

[2] બ્લોગજગત પ્રત્યેના પ્રેમના કારણે અમને અલગ શબ્દકોષ બને એવા શબ્દો પણ સૂઝતા રહે છે. જેવા કે: બ્લોગાચાર્ય, બ્લોગાનંદજી, બ્લોગેશ્વર, બ્લોગનારાયણ , બ્લોગલેખન, બ્લોગનગર, બ્લોગવાડી, બ્લોગખેતર,બ્લોગબજાર,બ્લોગટેકરી, બ્લોગસાગર, બ્લોગાધિપતિ, બ્લોગવિસ્તાર, બ્લોગદાતા, બ્લોગકહેવતો, બ્લોગભવાઈ, બ્લોગચોર.. વગેરે બગેરે. એટલું જ નહીં પણ “બ્લોગવૈરાગ્ય” જેવો શબ્દ પણ અમને સૂઝ્યો છે. જે કયારેક લેવો પણ પડે!!!! હા! હા! હા!!!!

હે બ્લોગજનો,   ઘણા વખતથી અમારા મનમાં ઘુંટાઈ રહેલી વાત અમે પંચમભાઈ સાથે  વહેંચી. એ જ વાત  આજે અમે તમારી સાથે પણ વહેંચી. આથી પણ વિશેષ એક સવાલ  અમે તમારી સાથે આજે ચર્ચવા માંગીએ છી કે: શું બ્લોગજગત મિથ્યા છે?

આ પવિત્ર બ્લોગોત્તમ  મહિનામાં આ પ્રશ્ન ઘણાં બ્લોગજનોને સતાવતો હશે. અમે આ બાબતમાં સ્પષ્ટ છીએ. અમે એને માણવામાં માનીએ છીએ. હાલના તબક્કે રસ પડે છે કે નહીં એ મહત્વનું છે. જો રસ પડે છે તો પછી : આજની પોસ્ટ લખીએ રે કાલ્ય કોણે દીઠી છે…

જે લોકો બ્લોગજગતને મિથ્યા  કહે છે એ લોકોને અમારો સવાલ છે કે: જો બ્લોગજગત મિથ્યા છે તો ક્યું જગત સત્ય છે? એમ તો આપણે જે જગતમાં રહીએ છીએ કે જેને આપણે વાસ્તવિક જગત કહીએ છીએ તે જગતને પણ મિથ્યા નથી કહેવાતું? ને છતાં એ કહેવાતા મિથ્યા જગતમાં ભોજન કરતી વખતે ભોજન મિથ્યા કેમ નથી લાગતું? જેમ કોઈ બ્લોગર પોતાના બ્લોગમાં એક જ ઝપાટે  ડઝન બે ડઝન પોસ્ટ મૂકતો હોય ત્યારે તેને પોતાનો બ્લોગ પાપી નથી લાગતો પણ અતિપવિત્ર લાગે છે: તેમ ડઝન બે ડઝન પાણીપૂરી પોતાના પેટમાં પધરાવનારને જે તે વખતે પોતાનું પેટ પાપી નથી લાગતું પણ  અતિ પવિત્ર લાગે છે! ચાલો, કદાચ કોઈ એમ દલીલ કરશે કે:ભાઈ, અમે એવો વિકૃત આહાર નથી લેતા. માત્ર સાત્વિક ભોજન જ લઈએ છીએ. તો એ કહેવાતું સાત્વિક ભોજન લેતી વખતે પણ હંમેશા માપ જળવાય છે ખરું? તે વખતે જગત મિથ્યા કેમ નથી લાગતું? ને જેને તમે સાત્વિક ભોજન કહો છો તે હંમેશા સાત્વિક હોય છે ખરું? એમાં ભેળસેળ નથી એની શી ખાતરી? અરે! ક્યારેક ક્યારેક તો સાત્વિક ભોજનના નામે જે ભોજનચટાકા મહોત્સવ ઉજવાય છે એના કરતાં તો ભૂખ્યાજનોનો જઠરાગ્નિ ઠારતું કોઈ સસ્તું પરોઠાહાઉસ સાતગણું સારું!!!

અમારું કહેવું એમ છે કે: આપણે  જેને વાસ્તવિક જગત કહીએ છીએ તે જગત પણ શંકાના ઘેરામાં હોવા છતાં પણ આપણે એને માણીએ છીએ. મિથ્યા કહેતાં કહેતાં પણ માણીએ છીએ!  તેમ બ્લોગજગતને પણ માણીએ. અગર આ જગત એક સપનું છે તો બ્લોગજગત એ સપનામાં આવેલું સપનું છે. અગર આ જગત એક નાટક છે તો બ્લોગજગત એ નાટકમાં પણ નાટક છે!!

આપણે ઘણી વખત કહીએ છીએ કે: અપેક્ષા જ સર્વ દુ:ખોનું મૂળ છે. છતાં અપેક્ષા રાખીએ છીએ ને દુ:ખી થઈએ છીએ. કારણ કે એવું કરવામાં પણ  આપણને મજા આવતી હોય છે!  બ્લોગજગતને પણ આ જ તત્વજ્ઞાન લાગું પાડી શકાય! જેમ કે બ્લોગરચના પછી આપણે જાતજાતની અપેક્ષાઓ રાખીએ છીએ. જેવી કે:

વધુને વધુ મુલાકાતીઓ મળે..[પછી ભલે એમાંથી મોટાભાગના માત્ર ડોકિયાં કરીને જતા રહ્યા હોય.]

વધુને વધુ પ્રતિભાવકો મળે…અને એકે એક પ્રતિભાવ ઠાવકો મળે!

વધુને વધુ બ્લોગચાહકો મળે…

વધુને વધુ બ્લોગમિત્રો મળે…

ને એવી અગણિત અપેક્ષાઓ!

ને આ અપેક્ષાઓ જ્યારે નથી સંતોષાતી ત્યારે મનમાં બ્લોગવૈરાગ્ય જાગે છે. જેમ આપણા માથામાં ક્યારેક પહેલોવહેલો સફેદ વાળ જાગે છે!! પણ આપણે  સફેદ વાળનો પણ ઉપાય કરીએ છીએ. પહેલાં તોડવાનો અને પછી થાકીને એને  મનગમતાં રંગે રંગીને પણ  પાલવવાનો! જાળવવાનો અને જેવો છે તેવો પણ જોઈને રાજી થવાનો!! તો મિત્રો, બ્લોગજગતને પણ જાળવવાનું છે.. પાલવવાનું છે… જોઈને રાજી થવાનું છે… મિથ્યા છે મિથ્યા છે એવા રુદન સાથે પણ માણવાનું છે!

આપણું આ ગુજરાતી બ્લોગજગત તો હજી શરૂઆતના તબક્કામાં છે. હજી તો ઘણું ઘણું રચાવાનું બાકી છે. જેમ કે: બ્લોગપુરાણ, બ્લોગગીતા, બ્લોગોપનિષદો, બ્લોગભાષ્ય, બ્લોગરહસ્ય… જેવા અનેક ગ્રંથો રચાવાના બાકી છે. જેની જવાબદારી આજના યુવાન બ્લોગર્સ પર છે.

એવું પણ બને કે : ભવિષ્યમાં તમારાં સંતાનો કે પછી એમનાં સંતાનો ગુજરાતી બ્લોગોલોજીનો વિષય ભણતાં હોય અને એમાં જ્યારે એક સવાલ એવો પૂછાય કે: ગુજરાતી બ્લોગોલોજી બાબત સહુથી પહેલો વિચાર ક્યા મહાબ્લોગરને આવ્યો હતો? ને એના જવાબમાં તેઓ એક માર્કની રોકડી કરવા માટે આંખો મીંચીને અમારું નામ લખી નાંખે!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!હાહાહાહાહાહાહાહાહાહાહા……….

આ માથું ફાડી નાંખે એવી ગરમીમાં આમ્રકુંજેથી પ્રગટતાં કોકિલના  ટહુકા  જેવા વિચારો અમારા મનબાવળિયેથી પ્રગટે છે! હોઈ શકે કે અમને કશું મતિભ્રમ જેવું થયું હોય!!!!

ચલો ત્યારે એ વાત પર અટકીએ! આવજો અને જલસા કરજો.

બોલો શ્રી બ્લોગનારાયણની જય!

શ્રી બ્લોગાનંદ મહારાજની જય!

સ્વામી શ્રી ચિત્તભ્રમજીની જય!

શ્રી બ્લોગિયાબાપુની જય!

સમગ્ર બ્લોગજગતની જય!

રા’નથી ફરતો …રા’નો દી ફરે છે

હાસ્યલેખ

[મિત્રો. આજકાલ કૌભાંડયુગ ટોપ લેવલે પહોંચ્યો હોય તેવું લાગે છે. માની લોકો ચારે પગે ઊભો થઈ ગયો છે! કોઈ પણ મંત્રીના પરિચય આપતી વખતે જે તે મંત્રીના નામ સાથે સંકળાયેલાં કૌભાંડોનો ઉલ્લેખ જરૂરી થઈ પડ્યો છે.   આ વાતાવરણમાં આ જૂનો લેખ પણ નવો લાગશે…]

આજના મુખ્ય સમાચાર છે: ટેલિકોમ પ્રધાન રાજા પર 60 હજાર કરોડના કૌભાંડનો આક્ષેપ.

કોઈને વળી એમ થાય 

તમને ગજની-કટ કેવી લાગી?

જીતુ અને જશુભાઈ

એ…. હું ગજનીનાં દર્શનાર્થે જાઉં છું. કહીને જાઉં છું જેથી પાછળથી વિવાદ ન થાય. જીતુએ ઉચ્ચ કક્ષાની ભાષામાં એના પપ્પાને જણાવ્યું.

ગજનીનાં? જશુભાઈની આંખો પહોળી થઈ ગઈ.

હા.ગજની જોવા જાઉં છું અને એ પણ આઈનોક્સમાં

આઈનોક્સમાં? જશુભાઈની આંખો વધારે  પહોળી થઈ ગઈ.

ભયભીત થવાની જરૂર નથી. હું સ્વખર્ચે  નથી જતો.

તો?

મને મારા મિત્ર નંદુના પપ્પા બતાવે છે.

કઈ ખુશીમાં?

વાત જાણે એમ છે કે નંદુને એની શાળામાં મારા પ્રિય લેખક  વિષે બોલવાનું હતું. એને તો કોઈ લેખક વિષે કશી ખબર જ નહોતી એટલે  એણે મારી મદદ માંગી અને મેં  કરી. પરિણામે એનો પહેલો નંબર આવ્યો. એટલે એના પપ્પા ખુશ થઈને અમને બંનેને ગજની જોવા લઈ જાય છે.

શું વાત કરે છે તું? તું વળી લેખકો વિષે જાણતો થઈ ગયો? ક્યા લેખક વિષે તેં તૈયાર કરાવ્યું હતું એ તો કહે.

ગુજરાતના લોકપ્રિય લેખક શ્રી ટપુભાઈ પોપટભાઈ જોબનપૂત્રા.

ટપુભાઈ પોપટભાઈ જોબનપૂત્રા? એ તો મારા મામા થાય.

તો હું ક્યાં ના પાડું છું?

પણ એ તો સાવરકુંડલાની શાક માર્કેટમાં શાકભાજી વેચે છે

તો હું ક્યાં ના પાડું છું.?

પણ એ લેખક નથી.

શો ફરક પડે છે પપ્પા! નંદુની શાળામાં બધાંએ માની લીધું કે  શ્રી ટપુભાઈ પોપટભાઈ જોબનપૂત્રા નામના લોકપ્રિય લેખક છે. એમણે વીસ નવલકથાઓ લખી છે. દસવાર્તાસંગ્રહો ને પાંચ કાવ્યસંગ્રહો બહાર પાડ્યા છે.. એમને કુલ સાત એવોર્ડ મળ્યા છે ને  શ્રી નરેન્દ્ર મોદી દ્વારા  એમનું સન્માન પણ થયું છે. બધું જ માની લીધું.

આટલું  હળાહળ જૂઠાણું ચલાવતાં તમને શરમ ન આવી?

એ લોકોને સાંભળતાં શરમ ન આવી એનું શું?

પણ તું આવાં ગતકડાં ચલાવતાં શીખ્યો ક્યાંથી?

એ… આપણાં આંખકાન ખુલ્લાં રાખીને જીવીએ તો બધું આવડી જાય. હવે હું જઈ શકું?

જા દીકરા જા. તને રોકવાવાળો હું કોણ?

આભાર.પપ્પા આ આમિરખાનની ગજની-કટ ગજબની છે નહીં? તમને એ કેવી લાગે છે?

મને તો એ… વિચાર કરીને જશુભાઈએ જવાબ આપ્યો કે ભારત-પાકિસ્તાનની સરહદ જેવી લાગે છે.