બ્લોગ જગતની બહેનોએ રસોડાં રેઢાં મૂકી દીધાં છે?

આજે અમે ઘણા દુ;ખી છીએ. અમારા દુ:ખનું કારણ છે, અમે ગઈકાલે આમારા આ બ્લોગ પર મૂકેલો લેખ:

બ્લોગ જગતમાં ફરાળી બ્લોગ્સ કેટલા?

અમારા આ સવાલના જવાબમાં હોંશે હોંશે કેટલાય બ્લોગર ભાઈઓએ દાવા કર્યા કે,એમના બ્લોગ ફરાળી છે. પણ બ્લોગજગતની એક પણ બહેને પોતાના બ્લોગને ફરાળી હોવાની વાત તો ન કરી પણ પેલા ભાઈઓના દાવાનું ખંડન પણ ન કર્યું!!!! અરેરે! કોઈક બહેને તો આવું કશુંક કહેવું હતું કે:

–તમારા બ્લોગની ભાષાનું પડ મેંદાથીય જાય તેવું છે!

— તમારા બ્લોગમાં કેટલીય સામગ્રી એવી છે કે જે ફરાળમાં ન ચાલે!!!

— તમારા બ્લોગના તૂટેલા પડમાંથી પોસ્ટસ્  વેરાવા લાગી છે!!!

— તમારા બ્લોગમાંથી દાઝિયા શૈલીની વાસ આવે છે!!!!

–તમારા કહેવાતા ફરાળી બ્લોગમાં સામગ્રીનું પ્રમાણ જળવાયું નથી. એમાં માહિતીનો ભૂકો વધારે પડી ગયો છે.

— તમે તૈયાર સામગ્રીનો વધારે ઉપયોગ કર્યો છે.

… આવા કશા સાચાખોટા વાંધાવચકા તો કાઢવા જોઈએ કે નહીં? આ તો બહેનોનું  ક્ષેત્ર કહેવાય. એમાં બ્લોગર ભાઈઓ આવી દખલગીરી કરી જાય તોય બહેનો ચૂપ?

એમનું ચૂપ રહેવાનું કારણ અમે જાણીએ છીએ! આ વાસ્તવિક જગતમાં પણ તેઓ  રસોડાંમાં પહેલા જેવો રસ દાખવતાં નથી. એટલો સમય પણ એમને નથી મળતો. પરિણામે ખૂમચા અને હોટેલ ઉદ્યોગ ફૂલ્યોફાલ્યો છે. જે  જે ચોક રાત્રે સૂમસામ થઈ જતા હતા ત્યાં હવે  મોડી રાત સુધી તાવડા અને તાવીથાના રણકાર સંભળાય છે! અરે! ફરાળી વાનગીઓના પડીકા બંધાવતા પતિદેવને કોઈ બેન રોકતી નથી કે: રહેવા દો! આ બધું શુદ્ધ ફરાળી ન કહેવાય! ચાલો ઘેર! હું બનાવી દઈશ!

શું કામ એવું ડહાપણ કરે? સદીઓથી ગળે વળગેલો ચૂલો માંડ થોડોઘણો હટ્યો છે! “પડ્ય પાણા પગ પર” એવું કઈ બેન કરે? “તમને શાક લેતા ન આવડે” એવું કહેનારી ઘણી બહેનોએ હવે એ જવાબદારી પણ ધીરે રહીને સરકાવી દીધી છે!! .. જેવું લાવે એવું! કયાં સુધી બધું માથે લઈને ફરવું!!!

પણ અમને ખબર નહોતી કે, બ્લોગ જગતમાં પણ બહેનોએ રસોડાં રેઢાં મૂકી દીધાં હશે!!!

અમારું એમને કહેવું છે કે: જાગો બેનો જાગો! બ્લોગ જગતનાં રસોડાં સંભાળો! એ વિસ્તાર તમારો છે! આમ ફરાળી વાનગીઓના નામે ભાઈઓ ગમેતેવી વાનગીઓ રજૂ કરીને જશ લઈ જાય તોય તમને કશું નથી થતું?

હજુ શ્રાવણ બાકી છે! કાંઈ નહીં તો છેવટે ફરાળી પોસ્ટ બનાવવાની એકાદ રીત તો જણાવો!

Advertisements

બ્લોગ જગતમાં ફરાળી બ્લોગ્સ કેટલા?

જય બ્લોગનારાયણ.

અમારા કમ્પ્યૂટરમાં ખરાબી થવાના કારણે અમે લગભગ  દોઢ મહિના પછી આ ઓટલે આવ્યા છીએ. અમને હતું કે,ઓટલે ઝાળાં બાઝી ગયાં હશે! પણ ઓટલો એકદમ સાફ છે! અમે ભલે હાજર નહોતા પરંતુ લોકોની અવરજવર રહી છે! કેટલાક મિત્રોએ અમારી ગેરહાજરીની નોંધ પણ લીધી છે! એથી અમને સારું લાગ્યું છે!

પોતાની ગેરહાજરીની  થોડીકેય નોંધ લેવાય એ કોને ન ગમે? ને એ પણ આટલા મોટા બ્લોગજગતમાં? હેં? શું કહો છો? નહીં તો એક બ્લોગર થોડાક દિવસો દેખાયો તોય શું ને ન દેખાયો તોય શું? જો કે અમે સમજદાર  છીએ એટલે અમને ખબર છે કે, અમારા ન લખવાથી બ્લોગજગતમાં કોઈ મોટી ખોટ નથી પડી ગઈ!!! કે નથી આભ તૂટી પડ્યું!

મિત્રો, એક વાત યાદ આવે છે. એક કર્મચારી મિત્રને એવો ભ્રમ હતો કે, આખી ઓફિસ અને એના સાહેબનું દિમાગ બંને એના થકી જ ચાલે છે!!! વટના માર્યા એણે બોસને પાઠ ભણાવવા સાવ અચાનક રજા મૂકી દીધી!! ઓફિસ કેમ ચાલે છે તે જાણવા માટે વળી એક મિત્રને છાનાંસપનાં ફોન પણકર્યો!!! ફોન ઉપાડનાર પણ એના માથાનો હતો!!! .. આવો એ સંવાદો યાદ કરીએ…

ગેરહાજર રહેનાર: [ધીરેથી] હલો… હું  બોલું છું. ઓફિસ કેમ ચાલે છે?

ફોન ઉપાડનાર: બરાબર ચાલે છે!!!

: સાહેબ શું કરે છે?

:મજા કરે છે!!

:પણ આજે તો હું નથીને?

:એટલે જ મજા કરે છે!!

: કોઈ પ્રોબલેમ નથીને?

: ના ભાઈ ના! પ્રોબલેમ આજ ગેરહાજર છે!!!!!!!

તો મિત્રો, વાત આમ છે! અમારી હાજરીથી કોઈને રાહત ન થાય તો ચાલે પણ અમારી ગેરહાજરીથી કોઈને રાહત થાય એ દિવસો બ્લોગનારાયણ ન દેખાડે!!

એક બીજી વાત યાદ આવે છે. આજકાલ તો લોકોને મોટાભાગે કોઈની જાનમાં જવાનો પણ સમય નથી! પણ એક જમાનો હતો કે, કોઈની જાનમાં જવા માટે નાનામોટા સહુને ઉમંગ રહેતો હતો. જઈ જઈને ક્યાં જવાનું હોય? પાંચ પચીસ ગાઉ દૂરના ગામે! જમવામાં પણ મોટાભાગે બુંદીના લાડુ અને મોહનથાળ જ હોય! [યાદ કરો.. શાહબુદ્દીનભાઈ રાઠોડ સર્જિત, “વનેચંદનો વરઘોડો”.] પણ તોય મજા મજા થઈ જતી હતી.

હવે વાત એમ બને કે, કોઈની જાન ઉપડવાની થાય ત્યાં સુધી એ વડીલ જ ન આવે કે જે વડીલ થકી સગાઈ નકી થઈ હોય! તો? જાન ઉપાડાય? આજની વાત અલગ છે! પણ ત્યારે વરના બાપા અને મા બંને એ વડીલને મનાવવા જાતાં! જરૂર પડે તો વરના કાકા ને મામા પણ દોડતા!! આમ તો એ વડીલે જાનમાં જવાની થેલી પણ તૈયાર જ રાખી હોય. છતાંય વિવિધ પ્રકારના બહાનાં કાઢે: જેવાં કે.. તબિયત બરાબર નથી.. મને સરખો આગ્રહ કર્યો નથી… મારી હવે જરૂર નથી… વગેરે વગેરે!!! પણ એ વડીલને માનસહિત જાનમાં લઈ જવાતા. આજે એવા વડીલો નામશેષ થઈ ગયા છે.

ધારો કે આવા કોઈ વડીલથી જાનમાં ન જવાયું હોય:પણ જ્યારે એને ખબર પડે કે, એમની ગેરહાજરીની નોંધ માંડવાવાળાએ પણ લીધી હતી ત્યારે એમને શેર લોહી ચડતું!!!!!

બ્લોગજગતમાં પણ ગેરહાજરીની નોંધ લેવાય એ વાત પણ આનંદ આપનારી કે અહમને સંતોષનારી છે!!!

અટકીએ? બ્લોગાચાર્યનું કહેવું છે કે. લાંબા બ્લોગાપવાસ પછી બ્લોગ ભોજન થોડું થોડું વધારવું! તો આવજો અને જલસા કરજો. જો ઉપવાસ કે એકટાણાં કર્યાં હોય તો ધમધમાવીને  ફરાળ કરજો. આજકાલ તો કેવું કેવું ફરાળી મળે છે! ફરાળી ચેવડો… ફરાળી પેટીસ.. ફરાળી ભજીયાં.. ફરાળી કટલેસ…

કદાચ, ફરાળી પાણીપૂરી કે ફરાળી સેવઉસળ કે ફરાળી પિત્ઝા કે ફરાળી બર્ગર સુધી વાત પહોંચી ગઈ હોય તો અમને જાણ નથી!!! પણ આ પવિત્ર શ્રાવણ મહિનામાં અમારા મનમાં એક પવિત્ર સવાલ એવો થાય છે કે: બ્લોગ જગતમાં ફરાળી બ્લોગ્સ કેટલા?

એક અનોખું વ્યક્તિત્વ:નકલપ્રિયા

હે બ્લોગજનો, અમારા આ ઓટલે આપનું સ્વાગત છે. અમે આગળ વાત કરી હતી કે અમારી કેટલીક પ્રેરણામૂર્તિઓ છે કે જે અમને COPY PASTE બાબત લખવા માટે સતત પ્રેરણા આપતી રહે છે. એમાની કેટલીક પ્રેરણામૂર્તિઓ બાબત અમે અગાઉ વાત કરી છે. આજે અમે એવી જ એક પ્રેરણામૂર્તિનો વ્યક્તિગત પરિચય આપવાનો પ્રયાસ કરીશું.

એ પ્રેરણામૂર્તિનું નામ છે નકલપ્રિયા. કેવું સરસ નામ છે નહીં? એવું જ સરસ તેમનું કામ છે. ખૂબ જ વિશાળ  એમનું દિલ છે.મિત્રો,નકલપ્રિયાનો પરિચય અમને શ્રીચિત્તભ્રમજી મહારાજની શિબિરમાં થયો હતો.જ્યારે એમણે જાણ્યું કે અમે અમારી રચનાઓની COPY PASTE દ્વારા થતી ઉઠાંતરીથી પરેશાન છીએ ત્યારે એમણે મારી તરફ એ રીતે જોયું કે જાણે કોઈ વિશાળકાય પોસ્ટ નાનકડા ગતકડા પર નજર નાખતી હોય! ત્યારબાદ અમારી વચ્ચે થયેલો વાર્તાલાપ અત્રે રજૂ કરું છું.

નકલપ્રિયા ઉવાચ: “નરસિંહ મહેતા, તુલસીદાસ, સૂરદાસ જેવા અનેક લોકોની રચના  COPY PASTE થાય છે છતાંય  એ લોકો વાંધો નથી ઉઠાવતાં તો વાંધો ઉઠાવનારા તમે કોણ? બોલો, એ લોકોએ ક્યારેય ફરિયાદ કરી?”

નકલપ્રિયા એટલાં બધાં ઉત્તેજિત હતાં કે અમે કશી દલીલ જ ન કરી શક્યા. અમારે કહેવું પડ્યું કે “ના”

નહીંતો અમારે કહેવું હતું કે એ લોકો સંત હતા એટલે વાંધો ન ઉઠાવે. વળી એ લોકો હયાત પણ નથી એટલે વાંધો ઉઠાવવાનો સવાલ પણ  નથી. ને સૌથી મોટી વાત તો એ છે કે તેઓ આજે હયાત હોત તો આવી જ  રચનાઓ કરત કે નહીં એ કહેવું મુશ્કેલ છે.

નલકપ્રિયા ઉવાચ: “આજે જ્યારે ગુજરાતી ભાષાને બચાવવા માટે COPY PASTE દ્વારા મહાયજ્ઞ  ચાલી રહ્યો છે. દુનિયાભરની વસ્તુઓનું  COPY PASTE થઈ રહ્યું છે એ તમે નથી જાણતા? અરે ઘોડા ગધેડાઓનું પણ  COPY PASTE થઈ રહ્યું છે! એ લોકો પણ  COPY PASTE નો વાંધો નથી ઉઠાવતા તો વાંધો ઉઠાવનાર તમે કોણ?અત્યારે હવનમાં હાડકાં નાખવાની પ્રવૃત્તિ કરવાને બદલે તમે પણ COPY PASTE કરો એ જ શ્રેષ્ઠ રસ્તો છે.”

અમે નકલપ્રિયાનાં વ્યક્તિત્વ સામે એકદમ વેરવિખેર થઈ ગયા હતા છતાંય  હતી એટલી હિમત એકઠી  કરીને અમે બોલ્યા: : “ અમે COPY PASTEની સગવડતાનો  વિવેક્પૂર્ણ ઉપયોગ કરવામાં માનીએ છીએ. જે લોકો પોતાના બ્લોગમાં અમારી રચનાઓ વગર રજાએ COPY PASTE  કરીને મૂકે છે અને  જે તે બ્લોગની LINK નથી મૂકતા એ  બાબત ઠીક નથી એટલું જ અમે કહેવા માંગીએ છીએ. પણ આટલી અમસ્તી વાતના જવાબમાં તમે પણ  અન્ય લોકોની  જેમ ભળતી દલીલો કરો છો તે ઠીક નથી. આમાં ઘોડાં ગધેડાં COPY PASTEનો વિરોધ નથી કરતાં એવી વાતો  વચમાં ન લાવો તો સારું.”

નકલપ્રિયા: “મિસ્ટર. તમે એક વાત સમજી લો. ગુજરાતી ભાષાને બચાવવી હોય તો એક જ ઉપાય છે. અને એ છે COPY PASTE, COPY PASTE અને COPY PASTE. COPY PASTEનુ પણ COPY PASTE.  COPY PASTEના COPY PASTEનુ પણ COPY PASTE.એનું પણ COPY PASTE. બોલો હવે તમારે કશું કહેવુ છે?”

અમે ખૂબ જ નમ્રભાવે કહ્યું કે: “દેવી, અમે અમારા બ્લોગમાં અમારી જાતે તૈયાર કરેલી રચનાઓ જ મૂકીએ છીએ.”

અમારો જવાબ સાંભળીને લાલચોળ ચહેરે નકલપ્રિયાએ કહ્યું: “મૂર્ખાઈની  પણ હદ હોય છે. COPY PASTE નો સહેલો રસ્તો હોવા છતાં જાતે લખવાની જરૂર જ ક્યાં છે? તમે જાતે લખો એટલી વારમાં તો કેટલું બધું COPY PASTE થઈ જાય એનો હિસાબ માંડ્યો છે? આવું કરવા રહેશો તો ગુજરાતી ભાષા બચશે કેવી રીતે?”

અમે કહ્યું: “ COPY PASTE સમજી વિચારીને થવું જોઈએ.  મૂળ લખનારે બ્લોગમાં ખોટું લખ્યું હોય તો એનું COPY PASTE કરવાથી  અર્થનો અનર્થ થઈ જાવાનો ભય રહે છે. જેમ કે  ઘણા COPY PASTE માં જાગને જાદવાને બદલે જાગને જાડવા જ  થઈ ગયું  છે. એને સુધારવાની પણ  તસ્દી લેવામાં આવતી નથી!!”

“તો એમાં તમારું શું ગયું? બધુ એક જ છે. પંતુજીવેડા ન કરો. ભાવને સમજો. શબ્દોને મહત્વ ન આપો. બોલો સામે  સામે શું દેખાય છે?”

“ગલૂડિયું”

“હવે એને હલુરિયુ કહેવાથી કશો ફરક પડશે.”

“નહીં પડે.”

“બોલો હવે સામે શું દેખાય છે?”

“સામે એક મોતરગારી દેખાય છે અને તેમાંથી એક માનસ નીચે  મૂટલે  છે.” અમે કહ્યું.

“ શું બોલો છો?જરા વ્યવસ્થિત બોલો” નકલપ્રિયા ગુંચવાઈ ગયાં.

અમે કહ્યું: “ડેવી, ભાવને સમજો. શબ્ડોને મહટ્વ ન આપો તો સાલું.”

નકલપ્રિયા ખૂબ જ આનંદિત થઈ ગયાં કારણ કે ખ્યાલ આવી ગયો કે અમે એમની શિખામણને માન આપ્યું છે.

“તમારી સમજ શક્તિ સારી છે.”

“અમાલી સમજશક્ટિ જોલડાર છે.”

“હવે જવાબ આપો કે હું કોન છું?” નકલપ્રિયાએ વાત આગળ વધારી.

“તમે સુંડલ મજાના નાડી છો. પણ એ નાડીથી અલગ છો કે જે નાડીના ધબકાલા  વૈદ લોકો તપાસે છે અને ડવા આપે છે. તમે બહુ જ ઉડાર મટવાડી છો કે જેને માતે નલસિંહ મહેટા, સુલડાસ કે સામાન્ય  બ્લોગલ વચે  કોઈ જાટનો ટફાવત નઠી. તમે એવી નાડી છો કે જે ગુજલાટી ભાશાને બચાવવા માતે રાત ડિવસ જોયા વગલ  કૉપિપેસ્ત  કલે છે. ટમે એમ માનો છો કે: એકનું એક લખાણ વાલંવાલ લગાટાર કૉપીપેસ્ટ નહીં કલીએ ટો બિચાલી ગુજરાટી ભાશા ટરફડી ટરફડીને મરી જશે.  તમે એમ માનો છો કે આપલી ભાશાને જીવટી રાખવી હોય તો કોપિ પેસ્ત વગર આડો ઓવાદો નઠી. ટમે એમ માનો છો કે: પોતાના ડિમાગથી બેપાંચ લાઈનો લખવા કલટા કોઈના બ્લોગમાંથી ટોપલા ભરી લેવા એ સહેલો અને સરલ રસ્ટો છે. તમે એમ માનો છો કે રામ અને શ્યામ કે સીટા અને ગીટા એ બઢા જ અડલ બડલ થઈ જાય તો ડુનિયાની માથે કોઈ મોતું આભ તૂતી પલવાનું નઠી. તમે એવી નાડી છો કે જેમને ફાંકો છે કે આવા બ્લોગ બનાવ્યે રાખવાઠી ગુજલાટી ભાષા બચી જશે. .. …”

” ઓહ, મને માફ કરજો. મને એક કામ યાદ આવી ગયું છે. મેં COPY તો કર્યું છે પણ PASTE કરવાનું બાકી રહી ગયું છે. મારે જલ્દીથી જવું પડશે.”

એવું કહીને નકલપ્રિયા ચાલ્યાં ગયાં. પણ એમના વ્યક્તિત્વની ઊંડી છાપ  અમારા પર છોડી ગયાં. જેની એક ઝલક આપવાનો અમે પ્રયાસ કર્યો છે. કાશ, અમે એમનું COPY PASTE  કરી લીધું હોત!!!

બ્લોગનગરના વ્યાપાર સમાચાર!

29000 ની સપાટી કૂદાવતા શબ્દોના ભાવ.

ગતકડાંમાં તેજીની આગેકૂચ, નવલિકામાં ઘટાડો.

બ્લોગનગરની શબ્દબજાર આજે રામનવમી નિમિત્તે સતાવાર બંધ રહી હતી. બંધબજારે હવામાન મક્કમ રહ્યું હતું. વિશ્વબજારના સમાચારો પણ પ્રોત્સાહક રહ્યા હતા. ઘરાઅંગણે વિવિધ ઉત્પાદક મથકોએ બ્લોગોની તથા બ્લોગકારોની માંગ જળવાઈ રહી હતી. આવકો દૈનિક સરેરાશ 70 થી 75 હજાર ગાંસડીની આવી રહી છે. નવી વેચવાલી પણ  ધીમી રહી છે. સ્પોટ પર ભાવો ગુજરાત શબ્દ-સાર્થના વધી 28800 થી 29000 અને ગુજરાત ઊંઝાણના 11400 થી  11 500 રહ્યાના સમાચાર હતા. દરમિયાન ન્યુયોર્ક વાયદાબજારના   ઓવરનાઈટ સમાચારો આજે 40,36,38તથા 42 પોઈન્ટનો નવો ઉછાળો દર્શાવી રહ્યા હતા.

કટાક્ષિયા ખોળના ભાવો  200 વધ્યા.

બ્લોગનગર ખેલબિયાં બજારમાં આજે ગતકડાં વાયદાબજારમાં તેજી આગળ વધે હતી. આરંભમાં ભાવો નરમ ખૂલ્યા હતા. પરંતુ પાછળથી ફરી વધી આવ્યા હતા.1200  પોસ્ટના વેપારો થયા  હતા. અને વાયદા બજારમાં માનસ આજે લેવાલ રહ્યું હતું. આજે 2982 વાળા 2980 ખુલી 2996 રહ્યા પછી 2990 બંધ રહ્યા હતા.દરમિયાન આજે હાજર ગતકડાંના ભાવો 2975 વાળા 2993 રહ્યા હતા.

દરમિયાન બ્લોગનગર હાસ્યતેલના ભાવો 665 વાળા 672 રહ્યા હતા. નવા શબ્દદાણાની આવકો શરૂ થઈ ગઈ છે પરંતુ માલો નબળા આવી રહ્યા છે. કટાક્ષિયા તેલના ભાવો 437 મથાળે અથડાતા રહ્યા હતા. કટાક્ષિયા ખોળના ભાવો 11600 વાળા  200 વધી 11800 રહ્યા હતા.

નવલિકામાં ઘટાડો.

નવલિકા  બજાર આજે રામનવમી નિમિત્તે સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે ભાવોમાં ઘટાડો આગળ વધ્યો હતો. પોસ્ટ ડિલીવરીના ભાવો આજે 3075 થી 3120 વાળા ઘટી 3035 થી 3105 અહ્યા હતા. માંગ ધીમી રહી હતી.

ગઝલના બિસ્કીટના ભાવો 300 તૂટ્યા

બ્લોગનગરના ગઝલ-ગીતી બજારમાં આજે બંને કિંમતી ધાતૂઓના ભાવોમાં ઘટાડો આગળ વધ્યો હતો. ગઝલના ભાવો 99.50ના 16410 વાળા 16425 ખુલી 16375 બંધ રહ્યા હતા. જ્યારે 99.90ના ભાવો 16495 વાળા 16515 ખુલી 16460 બંધ રહ્યા હતા.

ગીતી  999ના ભાવો 26915 વાળા 26930 ખુલી 26855 બંધ રહ્યા હતા.

વિશ્વબજાર ઘટતા આજે બ્લોગનગર બજારમાં પણ આજે બંને કિંમતી ધાતૂઓમાં બેચનારા વધૂ અને લેનારા ઓછા રહ્યા હતા.

નકલિયાઓમાં ગભરાટ

દરમિયાનમાં બ્લોગતંત્રે  કૉપીપેસ્ટ મામલે કડક હાથે કામ લેવાની હિમાયત કરી હોવાથી નકલિયાઓ  આજે કામકાજથી દૂર રહ્યા હતા.  બ્લોગસરકાર પણ આ મામલે હસ્તક્ષેપ કરે એવા અણસાર છે. કોને નકલ  કહેવી અને કોને ન કહેવી એ બાબતે ભારે ગૂંચવાડો પ્રવર્તતો હોવાથી  બ્લોગબજારમાં  એકંદરે અફડાતફડીનો માહોલ છે.  નકલના મામલે  વહેલી તકે  શ્વેતપત્ર બહાર પડે એવી વિરોધપક્ષની માંગણી  વાજબી હોવાનું બજાર નિષ્ણાતોનું માનવું છે.

[પ્રેરણા: ગુજરાત સમાચાર,વ્યાપાર સમાચાર]


તમારે તમારા બ્લોગની તબિયત મફતમાં બતાવવી છે?

[આગોતરા જામીન: અમે આ અહેવાલ વાસંતી વાયરાની અસર હેઠળ રંગીન મનોદશામાં તૈયાર કરેલો છે! કોઈ મિત્રને ખોટું લાગે તો અમારી પાસે એક જ જવાબહશે કે: બૂરા મત માનો ભાઈ, હોલી હૈ.]

બ્લોગજગતમાં અનેરી ચહલપહલ શરૂ થઈ ગઈ. વાત એમ હતી કે વિવિધ બ્લોગલેખકોના આગ્રહથી  વૈદરાજ શ્રી બ્લોગાચાર્ય પધારવાના  હતા અને તેઓ  બ્લોગની નાડી તપાસી ને યોગ્ય ઔષધ વિના મૂલ્યે આપવાના  હતા. આ અનેરી  તકનો લાભ લેવા કેટલાય બ્લોગલેખકો પોતપોતાના બ્લોગને આંગળીએ  વળગાડીને લાઈનમાં ઊભા રહી ગયા હતા.

યશવંત ઠક્કર પણ પોતાના બ્લોગ અસરિયા કહેતા અસર ને  લઈને  સહુથી પહેલા ઊભા રહી ગયા હતા. એમને એમનો બ્લોગ ગાંઠતો નહોતો! વારેવારે આંગળી છોડાવીને ભાગી જતો હતો.એ ઘડીમાં  ઘડીમાં શાહરૂખખાનની વાત કરતો હતો તો  તો બીજી જ ઘડીએ  વિચિત્ર કહેવાય એવાં ભજન ગાતો હતો!  બધાં હસતાં હતાં એમ એમ એ વધારે ને વધારે ચગતો જતો હતો. યશવંત ઠક્કરને ઘણું નીચાજોયું થતું હતું પણ શું કરી શકે? એક બે વખત ઠપકો આપ્યો તો  એ ભાગી  જવાની વાત કરવા લાગ્યો!.

… ને બ્લોગાચાર્ય  આરોગ્યખંડમાં પધાર્યા. યશવંત ઠક્કર પોતાના અસરને ઢસરડીને અંદર લઈ ગયા. એમણે ફરિયાદ શરૂ કરી દીધી: “વૈદરાજ,આનો કશો ઇલાજ કરો. મનમાં આવે તે બોલ બોલ કરે છે. ચિત્ર વિચિત્ર કલ્પનાઓ કરે છે. ભાતભાતના ગાંડા કાઢે છે. બધાંને હસવાનું થાય છે ને આ ભાઈ ચગતા જાય છે.”

“એમાં વાંધો શો છે? ” વૈદરાજ બોલ્યા.” બીજાને હસાવે છે ને રડાવતો નથીને? “

“પણ એની હદ હોવી જોઈએને? બધું રીતે સારું લાગેને?”

” એ તો ભાઈ , જેવો તમારો ઉછેર!. “

વૈદરાજે અસરિયાની નાડી  પર હાથ મૂક્યો. માથા પર હાથ દબાવ્યો.તો અસરે પણ વૈદરાજની નાડી પર  પોતાનો હાથ મૂક્યો અને વૈદરાજનું માથું દબાવ્યું. યશવંત ઠક્કરે એની સામે આંખો કાઢી પણ અસર પર એની કોઈ અસર થઈ નહીં.

” થોડોક કલ્પના પ્રકોપ થયો છે. આખું માથું કલ્પનાઓથી ફાટ ફાટ થાય છે. પણ  ચિંતા જેવું નથી. ” વૈદરાજ બોલ્યા.

“પણ  મારી તો ઊંઘ  હરામ થઈ ગઈ છે. એના લીધે કોઈની ફરિયાદ આવે તો મને તો મરવા જેવું થાય!. “

“એવું કાંઈ ન થાય.ભલા માણસ,આ જમાનામાં તો બધા બ્લોગ એવા જ હોય. આ કલ્પનાશામક ચૂર્ણ આપું છું. કલાકે કલાકે એને ઠંડા જળ સાથે પીવડાવતા રહેજો.  ધીરે ધીરે સુધારો જણાશે. “

“પણ આવું થવાનું કારણ? “

” પ્રકૃતિ. બીજું કશું નહીં. એમાં તાત્કાલિક ફેર પાડવાના ધમપછાડા કરવાના નહીં.”

યશવંત ઠક્કર પોતાના બ્લોગને લઈને બહાર નીકળ્યા અને  વારો આવ્યો રાઉલજીનો.

ધગધગતા “કુરુક્ષેત્ર”  ને લઈને રાઉઅલજી વૈદરાજ ની સામે બેઠા. બોલ્યા:”વૈદરાજ, આ મારા  બ્લોગ નું શરીર ચોવીસે કલાક અને બારે મહિના ગરમ રહે છે. તમે  હાથ લગાડો તો ખ્યાલ  આવશે. ”

વૈદરાજે કુરુક્ષેત્રને તપાસ્યો ને કહ્યું કે: “આક્રોશજન્ય બીમારીમાં આવું થાય. બ્લોગ હંમેશા ફાટ ફાટ થતો હોય, એની આંખોમાં હંમેશા  લાલાશ રહેતી  હોય અને  વાણીમાં પણ ગરમાવો હોય! ”

” એનું કારણ ? ”

“અસમતોલ આહાર. તમે એને આક્રોશી પદાર્થો વધારે ખવડાવ્યા છે.  એનો પ્રકોપ થયો છે. એનું શમન કરવું પડે. આ લલિત ઘનવટીની ડબ્બી આપું છું. એમાંથી  રોજ સવાર .બપોર અને સાંજ બબ્બે ગોળીઓ  આપજો. આજુબાજુમાપણ  કોઈ કવિ કે શાયર રહેતા હોય તો એની પાસે રોજ એકાદ કલાક બેસાડજો. જેને લીધે એનામાં લલિત ભાવ જાગશે. થોડા દિવસો સુધી  ઐતિહાસિક વાતાવરણથી  દૂર રાખશો એટલે જરૂર ફેરપડશે. ”

“પણ પછી ઊલમાંથી ચૂલમાં પડવા જેવું નહીં થાયને? એ ગીતડાં ગાતો નહીં થઈ જાયને? મને એ નહીં પોસાય. જો એવું જ થવાનું હોય તો  આ લઈ લો તમારી દવા પાછી.”

“બાપુ, તમે આકરા ન થાવ. એવું કશું જ નહીં થાય.  એની ગરમ પ્રકૃતિ તો જળવાઈ જ રહેશે. આ તો જરા કોઠો ઠંડો કરવાની વાત છે. ”

” તો ઠીક”  કહીને રાઉલજી કુરુક્ષેત્રને લઈને બહાર નીકળ્યા.

… ને  વિનયભાઈ પોતાના બ્લોગ funngyan.com [ફનગ્યાનને] લઈને અંદર ગયા.

ફનગ્યાનના હાથમાં  રમકડાની ગન હતી અને તે વારેવારે  એનાથી નિશાન તાકતો હતો! અંદર જઈને તે દવાખાનામાં ખાંખાખોળા કરવા લાગ્યો.વૈદરાજના ટેબલ પર એક ચબરખી પડી હતી જેમાં એક શાયરી લખેલી હતી.

” આ શાયરી કોણે લખી છે? ” ફનગ્યાને પૂછ્યું.

“મેં  હમણા જ લખી છે. કેવી લાગી? ”

“જૂઠું ન બોલો. આ શાયરી મેં વર્ષો પહેલાં વાંચેલી છે. તમે કેવી રીતે લખી  હોય?”

“અરે દોસ્ત, હું ભૂલી ગયો.આ શાયરી તો  મેં  મારા મોબાઈલના મેસેજબોક્ષમાંથી જોઈને લખી છે.  એ ક્યા શાયરે લખી છે એની મને નથી ખબર. ”

“ખબર ન હોય તો એની નીચે “અજ્ઞાત” લખો.  જે  સારું લાગે તે તમારા નામે ચડાવી દેવાની ટેવ સારી નથી “

વૈદરાજે આનાકાની કરી પણ ફનગ્યાને પીછો છોડ્યો નહીં એટલે છેવટે એમણે  પેલી શાયરીની નીચે “અજ્ઞાત’ લખ્યું .

”  વિનયભાઈ, આ તે તમારો બ્લોગ છે કે  જાસૂસ? ”

“શું કરું?આનો કશો ઇલાજ કરો. એને નકલખોરી સિવાય બીજું કશું ધ્યાનમાં જ નથી આવતું! ઘણાં બ્લોગલેખકોની આંખે ચડી ગયો છે!”

” પણ એમાં ખોટું શું છે? આપણા સમાજમાં પોલિસખાતાની જરૂર કેમ છે? એટલા માટે છે કે  સમાજમાં ચોરી કે ઉઠાતંરીના કિસ્સા અવારનવાર બને છે. બ્લોગજગતમાં પણ જાણ્યે અજાણ્યે અન્યની રચનાઓ પોતાના નામે મૂકનારા બ્લોગધારીઓનો તોટો નથી.  શહેરમાં પોતાની ગાયોને છૂટી મૂકનારા માલધારીઓ જેવા જ આ બ્લોગધારીઓ છે.  એ લોકોમાં  તમારા  આ બ્લોગ દ્વારા પર થોડોઘણી સમજ આવતી હોય તો  એ સારું જ છે ને? ”

“પણ આ બીજાંની આંખે ચડવાના ધંધા ક્યાં સુધી? “

“જૂઓ ભાઈ, દરેક બ્લોગજન એવું જ વિચારે કે હું ચૂપ જ રહું , અળખામણો ન થાઉં કે જેમ ચાલતું હોય તેમ ચાલવા દઉં  તો પછીઆ સુંદર મજાના બ્લોગજગતની દશા કેવી થાય? એમાં ને ચોરબજારમાં કશો ફેર રહે ખરો? ”

” પણ તોય કશી દવા આપો. એ  ગીત કે ગઝલ  બોલતો થાય એવું કરો. ”

વૈદરાજ ખડખડાટ હસ્યા. ” હવે આની તાસીર ન બદલાય! પણ એક કામ કરો. એને ખાંખાખોળા તો કરવા જ  દો.એમ કરીને નવા નવા ઉત્સાહી બ્લોગલેખકોને પ્રકાશમાં લાવવા દો. એમને મદદરૂપ થવા દો.  જૂના, જાણીતા અને કહેવાતા વિદ્વાન લેખકોનું એંઠું ચાટનારાં અને ચટાવનારાં તો આ બ્લોગજગતમાં બહુ છે. હરાયા ઢોરની જેમ એની એ જ રચનાઓ  બ્લોગજગતમાં શીંગડાં ઉછાળતી ઘૂમી રહી છે. એની પૂજા કરનારા ભલે કરતાં.પણ તમારો ફનગ્યાન જો  નવા બ્લોગરની રચાનાઓને નકલખોરીથી બચાવશે અને એને પોતાની ઓળખાણ મળે એવું કરશે  તો  બ્લોગજગત માટે  સારું કામ કર્યું કહેવાશે. ફનગ્યાન , નવા બ્લોગલેખકોને બ્લોગરચનામં કોઈ તકલીફો પડતી હોય તો એને સહાય કરશે તો જરૂર એ હકારાત્મક પ્રવૃત્તિ કહેવાશે. બ્લોગજગતમાં તાજગીને અને નવીનતાની જરૂર  છે. બાકી ,તમારો આ ફનગ્યાન ગીત કે ગઝલ  બોલતો થાય એવી કોઈ દવા નથી. અને એ એવું કરે  એ જરૂરી હોવાનું હું માનતો  પણ નથી. માટે એને ખુશીથી ખાંખાખોળા કરવા દો. એને નવરો ન પડાવા દેતા. ”

વિનયભાઈ અને વૈદરાજની મુલાકાત લાંબી ચાલત પણ બહાર લાઈનમાં ઊભેલા બ્લોગલેખકો અધીરા થયા હોવાથી, વૈદરાજ પાસેથી  ફરી મળવાના વચન સાથે વિનયભાઈ પોતાના ફનગ્યાનને લઈને બહાર નીકળ્યા અને હેમંત પુણેકર પોતાના ઊંઘતા બ્લોગ ” હેમકાવ્યો” ને  લઈને અંદર આવ્યા. 

વૈદરાજને નમસ્કાર કરીને હેમંતભાઈએ “હેમક્કાવ્યો”ને ટેબલ પર સૂવડાવી દીધો અને ચિંતા વ્યક્ત કરી. ” વૈદરાજ,  આ મારો બ્લોગ ઊંઘ્યા જ કરે છે. ઊઠવાનું નામ નથી લેતો. “

” કયારથી આવું થયું છે?”

” બે મહિના થવા આવ્યા. જૂઓને, એની નોંધ  “કવિતા’ અને “દિવ્યભાસ્કરે”  લીધી ત્યારપછી જ આવો થઈ ગયો છે. મોટાભાગે સૂનમૂન જ પડ્યો રહે છે. એ  વધારે પડતી ખુશીને લીધે એવો થઈ ગયો હશે? “

“બની શકે.” વૈદરાજે ‘હેમકાવ્યો” ને તપાસ્યો અને આગળ બોલ્યા:”  આનો કોઠો તો ઘણો જ તેજ છે. ભલભલી વાહ વાહ કે ટીકાને પચાવી શકે એવો છે.”

” તો પછી શું થયું હશે? એને હજી ઘણી જ મંઝિલ કાપવાની છે. આમ અત્યારથી જ આળસુ થઈને પડ્યો રહે એ બરાબર તો નથીને? “

“ચિંતાનું કોઈ કારણ નથી. હેમંતભાઈ,તમારો બ્લોગ પહેલીથી જ ઓછું બોલનારો,પણ જ્યારે બોલે ત્યારે ભલભલાનું ધ્યાન ખેંચાય એવું બોલનારો છે. એમાંય થોડાક મોટા માણસોનું ધ્યાન ખેંચ્યા પછી એ હવે પોતાની જવાબદારી વધી ગઈ હોવા નું માનવા લાગ્યો હોય એવું બની શકે છે. એના લીધે એ નિષ્ક્રિય થઈ ગયો  હોય એવું  લાગે છે. એને થોડોક  સક્રિય કરવો પડે! “

“કોઈ દવા?”

“આ ‘ સક્રિયતા લેપ’  આપું છું. એના કપાળે રોજ રાતે લગાડજો. સવારે ઊઠશે ત્યારે એક નવી ગઝલ  લઈને ઊઠશે.

“રોજ એક ગઝલ? મારો બ્લોગ રોજ ઊઠીને  ગઝલ રજૂ કરે એ મને ન પોસાય! એની ગુણવતાને અસર ન થવી જોઈએ. ”

“નહીં થાય. જે  રચનાઓ  એના મનમાં એકઠી થઈ ગઈ  છે એ  બધી પ્રગટ થઈ જશે ત્યારપછી બધું જ રાબેતા મુજબ થઈ જશે.”

વૈદરાજનો આભાર માનીને હેમંતભાઈ બહાર નીકળ્યા એટલે વારો આવ્યો  પંચમ શુક્લનો. પોતાના બ્લોગ પ્રત્યાયન  ને  લઈને તેઓ વૈદરાજની સામે બેઠા.

“તમારા બ્લોગનું કપાળ તો ઝઝગારા મારે છે. ભારે તેજસ્વી બ્લોગ  છે.” વૈદરાજ બોલ્યા.

એટલામામાં પ્રત્યાયનનું ધ્યાન એક લાકડી તરફ ગયું.એ મોટે મોટેથી બોલવા લાગ્યો:”બડીકો!બડીકો!” લાકડીનીબાજુમાં એક પથ્થર હતો.એ જોઈને પ્રત્યાયન ખુશ થઈને બોલવા લાગ્યો કે: “પાણકો!પાણકો!”

“જોયું વૈદરાજ, એ ગીત અને ગઝલમાં એવા એવા જૂના શબ્દો બોલે છે કે લોકોને શબ્દકોષનો સહારો લેવો પડે છે.”

“ભલા માણસ.  તમારે તો  રાજી થવું જોઈએ. આપણી ભાષાના ભુલાયેલા  શબ્દોને વીણી વીણીને રજૂ કરે છે.  એ પણ સાહિત્યમાં!”

“પણ એનો અતિરેક તો સારો નહીંને? મને અતિરેક થવાની બીક લાગે છે? ”

વૈદરાજે પ્રત્યાયનની નાડી પર હાથ મૂક્યો.  “ધબકારા એકદમ  લયબદ્ધ છે. શંકાને કોઈ સ્થાન નથી. ”  તેઓ બોલ્યા.

“કોઈ સારવારની જરૂર? ”

“મને તો જરૂર લાગતી નથી.એની ક્યારેય  કોઈ  ફરિયાદ આવી છે? ”

“ફરિયાદ તો  નથી આવી. પણ કદાચ આવે તો?”

” આવે ત્યારની  વાત ત્યારે. અત્યારે તો મને  દવા આપવા જેવું લાગતું નથી. ”

“દવા નહીં. ઔષધ કહેવાય. ”  પ્રત્યાયન  બોલ્યો.

“જોયું એનું ડહાપણ! ” પંચમજી બોલ્યા.

” અમારા જેવાના કાન પકડે એવો છે. પંચમજી.  આની સારવાર  ન હોય! ‘ વૈદરાજ હસતા હસતાબોલ્યા.

… અને પંચમજી હસતા હસતા બહાર નીકળ્યા.

મિત્રો,  અમે આટલો  અહેવાલ આપીને અટકી એ છીએ.  અમરે બ્લોગલેખન કરવાનું હોવાથી અમે વધારે વખત  બ્લોગલેખનના દવાખાને  રોકાયા નહોતા.  પણ અમે એટલું જરૂર કહીશું કે સહુ બ્લોગલેખકોએ પોતાના બ્લોગની તબિયત મફતમાં બતાવવાનો આ મોકો જતો કરવા જેવો નથી!!

આવજો અને જલસા કરજો.

એક સાલા બ્લોગ આદમીકો ચોર બના દેતા હૈ

આજકાલ સ્વાઈન ફ્લૂ થી બચવાના ઈલાજો ધક્કામૂક્કી કરી રહ્યા છે!! અમને વિચાર આવે છે કે શું આ ઉપાયો બ્લોગજગતમાં  કૉપીપેસ્ટથી બચવા માટે કામ લાગી શકે?  જો લાગતા હોય તો કેવું સારું!

જો ખરેખર એવું હોય તો જાહેરાતો પણ કેવી થાય?

-બ્લોગ  પર લખાણ લખતાં પહેલાં આપના હાથ ડેટોલથી ધૂઓ જેથી બ્લોગનું કૉપીપેસ્ટ ન થઈ શકે.

-કમ્પ્યુટરનો પરદો ટીસ્યૂ પેપરથી લૂછ્યા પછી જ બ્લોગ પર લખાણ  લખવાનું  શરૂ કરો.

-તુલસીનાં પાન  ખાઈને બ્લોગ લખો. તુલસીમાં એ તાકાત છે કે કોઈને કૉપીપેસ્ટ કરતાં અટકાવી શકે.

– અતિશય કડવા ઉકાળા પીઓ અને પછી કૉપીપેસ્ટ વિરુદ્ધ ઉકળતા લેખો લખો જેની અસરથી કૉપીપેસ્ટ કરનારાંને પણ મૌલિક વિચારો આવે.

-શબ્દોની ભીડભાડવાળા બ્લોગની મુલાકાત લેવાનું ટાળો.

-આપના લખાણનું  કોપીપેસ્ટ થયું છે એવી શંકા પડે કે તરત જ કૉપીપેસ્ટનો ઈલાજ કરનારા ડૉક્ટરોની સલાહ લો.

-ગભરાવાની જરૂર નથી. સાવધાનીની જરૂર છે.

….પણ  ખરેખર એવું નથી. સ્વાઈન ફ્લૂ કદાચ કાબુમાં આવી જશે પણ કૉપીપેસ્ટ કાબુમાં નહીં આવે. અમે તો રહ્યા મેન્ગો પીપલ !! એટલે એક સામાન્ય માણસને છાજે એવી વિનંતી બ્લોગ પર મૂકી હતી.  આપે વાંચી ન હોય તો આ રહી:

મારા વાલીડાઓ. “અસર”નો આ ઓટલો અમે જાતે જ તૈયાર કર્યો છે. એ માટે અમે ખૂબ જ મહેનત કરી છે. અમારું કોઈપણ લખાણ તમને ગમે તો તમારા બ્લોગમાં એની link આપશો તો તમને અને સાથે સાથે અમને પણ મજા આવશે. પણ દયાભાવ રાખીને copy-paste નો હાડ્ય હાડ્ય થયેલો રસ્તો કદી ન અપનાવશો. એનાથી સતત નવું લખવાની અમારી લગન પર અવળી અસર પડે છે. તમારી સમજદારી પર અમને વિશ્વાસ છે. આ ઓટલાને હેમખેમ રાખવા કાજે સહકાર આપશો અને નકલ કરવાથી દૂર રહેશો. જય બ્લોગજગત.
—- લિ. બે હાથ જોડેલો યશવંત ઠક્કર

કોઈને એવું થાય કે આ તે કેવી લાચારી? પણ શું થાય? હળહળતો કળિયુગ આવ્યો છે! આપણાં ઘરમાં ચોરી ન થાય એ માટે આપણે બે હાથ જોડીને  નમસ્કારની મુદ્રામાં ઊભું રહેવાનું? હાસ્તો. સામાન્ય માણસ  વિનંતી સિવાય બીજું શું કરી શકે? સામેવાળાની ખાનદાની અને સંસ્કારો પર આધાર રાખવો જ રહ્યો!!!

ઠીક છે અત્યારે તો બ્લોગજગતમાં  મોટાભાગે  બ્લોગ લખનારા મેન્ગોપીપલ છે. પણ જ્યારે મિર્ચીપીપલ બ્લોગ  લખવાનું  શરૂ કરશે ત્યારે?  બધા અમારી માફક જ નમ્ર થઈને ઊભા રહેશે? ના ભાઈ ના! તો તો આ બ્લોગજગતનું  શું થાય?

અમે એવા કેટલાંક નમૂના રજૂ કરીએ છીએ જેઓ બ્લોગ લખે તો  કૉપીપેસ્ટ કરનારાને કેવી કેવી ચેતવણી આપે!!!

[1]   ગુજરાતી ફિલ્મોનો નાયક અને ધગધગતાં લોહીનો ધણી “વીર બ્લોગવાળો”:

ખબરદાર. કોઈએ અમારા બ્લોગ પરથી  કૉપીપેસ્ટનાં કાળાં કારનામાં કર્યા છે તો.  ધીગાણાં થઈ જાહે  ધીંગાણાં. કૉપીપેસ્ટ કરનારાના બ્લોગના ટૂકડે ટૂકડા કરીને ગામના કૂતરાઓને નો ખવડાવું તો મારું નામ બ્લોગવાળો નઈં.

[2] “વાસ્તવ”નો ભાઈ [સંજયદત્ત] :

એ વાચકભાઈ, પઢના હૈ તો પઢ. લેકિન કોપીપેસ્ટકા સપના મત દેખ.  યે ઘોડા દેખ ઘોડા .  દો ખોખેકા હૈ. કિતનેકા? દો ખોખેકા. ચલ જાયેગા તો  ખેલ ખલ્લાસ!!!  તેરી કૉપી  ઈધર રહેગી ઔર તું પેસ્ટ હો જાયેગા  સીધા ઉપર! ક્યા સમજા? કૉપીપેસ્ટ  નહીં કરનેકા.  સપનેમેં ભી નહીં કરનેકા.

[3] “શોલે”નો જય  [અમિતાભ બચ્ચન ખરો પણ  બીગ અડ્ડાવળો નહીં ] :

અગર કિસીને કૉપીપેસ્ટકી કોશિશ કી તો થૂંકકે રખ દૂંગા. કૉપીસિંગ,અપની અંગૂલિયોંકો કહ દે કિ કોપીપેસ્ટકા ધંધા છોડ દે.

[4]  “ગોપી” નો  ગોપી [દિલીપકુમાર] :

હે  રામચંદ્ર કહ ગયે સીયાસે ઐસા કલજૂગ  આયેગા

હંસ લિખેગા બ્લોગ અપના ..કૌઆ બ્લોગ  ચુરાયેગા…

[5] “શોલે”નો જેલર [અસરાની]:

એટેન્શન ..  બ્લોગજગતકે બ્લોગરો. કાન ખોલકર સૂન લો. હમારે જાસુસ ઈસ બ્લોગજગતકે કૌનેકૌનેમેં ફૈલે હુએ  હૈ. યહાં કૌન  કહાંસે કબ કૉપીપેસ્ટ  કરતા હૈ વો સબ હમેં પતા ચલ જાતા હૈ. હમ અંગરેજકે જમાનેકે બ્લોગર હૈ. હમ આધા બ્લોગ ઈધરસે લાતે હૈ …આધા બ્લોગ ઉધરસે લાતે હૈ. ઔર બાકીકા અપની ખોપડીસે લાતે હૈ. આગે…. પઢ.

[6] ગમે તે ફિલ્મનો  નાના પાટેકર :

મૈ અપના સર પટક પટકકર થક ગયા… પાગલ હો ગયા પાગલ .  મગર મેરી સમઝમેં યે નહીં આતા હૈ કિ આપ  લોગ કિસીકે બ્લોગમેંસે કૉપીપેસ્ટ ક્યોં કરતેં હૈ!  ક્યોં કરતેં હૈ ઐસી મનમાની ? અરે ભાઈ. બ્લોગ   દિલસે લિખા જાતા હૈ..દિમાગસે લિખા જાતા હૈ. લેકિન  અગર આપકે દિલકે દરવાજેં બંધ હૈ  …અગર આપકે દિમાગકી બત્તી નહીં જલતી હૈ તો ક્યોં બનાતે  હૈ બ્લોગ? બૈઠે બૈઠે પકોડેં બનાઓ  ઔર પેટ ભરો અપના.  કિસીકે બ્લોગસે સામાન ચુરાકર અપના બ્લોગ ક્યોં ભરતે હો? લેકિન ક્યા કરે? એક બ્લોગ ..એક સાલા બ્લોગ.. આદમીકો ચોર બના દેતા હૈ.

પ્રાયમસ યુગ

હે બ્લોગજનો. સૌને ટાઢી સાતમ મુબારક. ચૂલાને એક દિવસ આરામ આપવા કાજે જેનાં  જેનાં રસોડામાં આજે પ્રાયમસનો પ્રયોગ થયો હશે એ સૌએ આજે એક જુદા પ્રકારની સવારનો અનુભવ કર્યો હશે. વાલમની વાંસળીનો નાદ સાંભળીને  વૃંદાવનની વાટ પકડતી ગોપીઓની માફક ઘણાંએ રસોડાં તરફ  કૌતૂહલપૂર્વક દોટ   મૂકી હશે કે :આ નવું શું થાય છે ટોળે વળો

ઘણાં મૂઢ આત્માઓ કશોપણ  સાર ગ્રહણ કરવાના બદલે દુ:ખી થયા હશે કે એકવીસમી સદીમાં આ વીસમી સદીનો ઉપાડો શાંને માટે? પરંતુ  જે  ભાગ્યશાળીઓને અમારા આત્મા જેવો આત્મા પ્રાપ્ત થયો હશે એમણે જરૂર સેવખમણીમાંથી દ્રાક્ષના દાણા  તારવવા જેવો સાર તારવ્યો હશે. કશો વાંધો નહીં. આ રહો તમારાં સૌના  માટે દ્રાક્ષના દાણા સમાન  મીઠો સાર…

*  પ્રથમ તો પ્રાયમસના  અવાજની વાત કરીએ તો  એ અવાજથી ગુણીજનો દુ:ખી થવાના બદલે પ્રસન્નતાનો અનુભવ કરે છે. અહાહા!!! કેવો એકધારો એકધારો નવી ઉર્જા પૂરી પાડતો એ પ્રાયમસ-નાદ! જાણે એકધારો એકધારો વરસતો વરસાદ! જાણે એકધારો એકધારો ખાબકતો ધોધ! જાણે એકધારા  એકધારા ઓમના નાદ સાથે ભક્તોને યોગા શિખવાડતા બાબા રામદેવ!!! ચંચળ ચિત્તને એકાગ્ર કરવાની પ્રેરણા આપતું આવું સાધન હવે ક્યાં વારંવાર જોવા મળવાનું છે? માટે  આજે દર્શનનો લહાવો લઈ લો … કાલ કોણે દીઠી છે!!!

* ઘણાંને એમ થાય કે આતો  જૂના  જમાનાનું સાધન! એનાં દર્શન શાંને? પણ ભાઈ, તમે જૂના કિલ્લાઓ કે ખંડેરો જોવા માટે રૂપિયા ખર્ચીને જાઓ છો કે નહીં? આતો ઘેર બેઠાં ગંગા. એનાં દર્શન કરીને કલ્પના કરો… ગુણીજનો જરા મગજને તસ્દી આપીને કલ્પના કરો કે કેવો હશે એ પ્રાયમસ-યુગ!   જ્યારે ઘેર ઘેર પ્રાયમસનો નાદ ગુંજતો હતો. એ પ્રાયમસ આધુનિકતાનું પ્રતિક ગણાતું હતું.  મધ્યમ વર્ગની નારી હોંશે હોંશે નવા પ્રાયમસની ખરીદી કરાવતી હતી. પ્રાયમસનો અવાજ સાંભળીને  સમજદાર પતિદેવો પથારીનો ત્યાગ કરતા હતા. પ્રાયમસના અવાજ પરથી પાડોશીઓ પણ ધારણા બાંધી શક્તાં હતાં કે કોને ત્યાં ક્યારે ચા બને છે ને ક્યારે રસોઈ બને છે! માતા બાળકને પંપાળી પંપાળીને લેસન કરાવે એમ  એ જમાનામાં નારી પ્રાયમસ પાસેથી કામ લેતી હતી. જરૂર પડે  પતિદેવને  પણ હાકલ કરતી હતી કે : “હજી સુધી પથારીમાં શું પડ્યા છો? ઊભા થાઓ અને આ પ્રાયમસ પેટાવી દો તો ખરા બહાદુર જાણું.” હા.નવલકથાઓમાં,વાર્તાઓમાં,,હાસ્યકથાઓમાં કે લલિત નિબંધોમાં પ્રાયમસનો ઉલ્લેખ થતો હતો. એક આખો યુગ પોતાની ટાંકીમાં સમાવીને એ પ્રાયમસ આજે ઘરના માળિયામાં ઉપેક્ષાનો ભાર સહન કરતો પડી રહે છે અને ટાઢી સાતમના દિવસે એક દિવસ માટે સાફ સફાઈ પામે છે ત્યારે એ શું કહેવા માંગે છે એ જાણવા માટે યોગ્ય કાન  અને મગજ હોવાં જોઈએ અને વિશેષ તો સમય હોવો જોઈએ જે આજકાલ કોઈની પાસે નથી! એટલે જ તો વદનારા વદી નાખે છે કે:

” છોડ આ પ્રાયમસની માથાકૂટ [orkut ની માસિયાઈ બેન!] તારે રિવાજ પાળવો  હોય તો પાળ. હું તો   ચા બહાર પી લઈશ અને જમવાનું  પણ બહાર જમી લઈશ.”

*પ્રાયમસ તમને પરિવર્તનને પચાવવાની સમજ આપે છે. સૌ સૌનો એક જમાનો હોય છે. એકસરખા દિવસો કોઈના હોતા નથી. એક જમાનામાં સૌની  જઠરપૂર્તીનો આધાર જે પ્રાયમસ પર હતો એ પ્રાયમસ પોતાની જરૂરિયાત ગુમાવ્યા પછી જેમ એકબાજુ  પડ્યો રહે છે એમ સૌએ એવી જ તૈયારી રાખવાની જોઈએ. જેથી કરીને વ્યથિત થવાનો વારો ન આવે!!.

*ઘરમાં એક દિવસ માટે પણ પ્રાયમસ પેટાવવો હોય તો તમારી કસોટી થઈ જાય છે તો વિચાર કરો કે એક આખી પેઢીની નારી  રોજ રોજ એ આગનાં રમકડાં સાથે રમતી હતી!!! આજે પણ  પ્રાયમસથી દાઝવાના બનાવો છાપાંમાં આવતા રહે છે. પેટાવવો એ પણ એક કળા હતી. જેમ ઘોડો પોતાના માલિકના સ્પર્શને ઓળખી જાય અને એને જ વફાદાર રહે એમ પ્રાયમસ પણ પોતાની માલિકણને ઓળખતો હતો! અને એને જ વફાદાર રહેતો હતો. અને ક્યારેક તો એને પણ  પરેશાન કરતો હતો. આવું થાય ત્યારે પાડોશીઓ પણ સલાહ આપવા દોડી આવતાં હતાં કે “આમ કરો અથાવા તો તેમ કરો.”  એક કે બે પૈસાની પિન વાંકે પણ ઘણાંની સવાર બગડતી હતી. પિન ઉછીની માગવાનો રિવાજ હતો. “પિન મારો ” એ મુહાવરો કદાચ પ્રાયમસ-યુગની દેન  હશે.

* અને છેલ્લે આ ટાઢું ખાવાની વાત.  એક દિવસ ટાઢું ખાવાનો વારો આવે છે તો  આપણાથી સહન નથી  થતું તો વિચાર કરો કે કેટલાંય લોકો ટાઢું કે લૂખુંસૂકું  ખાઈને ચલાવી લેતાં હશે. એમની તકલીફનો અહેસાસ થશે તો પણ ટાઢી સાતમ કરી લેખે લાગશે. અરે આપણાંમાંથીજ કેટલાંયના માબાપે  કદાચ રોજ રોજ લૂખું સૂકું ખાઈને આપણને ઉછેર્યાં હશેને? ટાઢી સાતમ કદાચ એમણે વેઠેલાં દુ:ખોને યાદ કરવાનું બહાનું તો નહીં હોય!

*ખેર ટાઢું ખાધું હોય કે ન ખાધું હોય પણ મગજને હંમેશા ટાઢું રાખજો અને સાચવજો.

જન્માષ્ટમી અને સ્વાતંત્ર્યદિનનાં  શુભ પર્વ કાજે ખૂબ ખૂબ શુભેછાઓ. આવજો. … અને જલસા કરજો.