બ્લોગ જગતની બહેનોએ રસોડાં રેઢાં મૂકી દીધાં છે?

ગમ્મત

આજે અમે ઘણા દુ;ખી છીએ. અમારા દુ:ખનું કારણ છે, અમે ગઈકાલે આમારા આ બ્લોગ પર મૂકેલો લેખ:

બ્લોગ જગતમાં ફરાળી બ્લોગ્સ કેટલા?

અમારા આ સવાલના જવાબમાં હોંશે હોંશે કેટલાય બ્લોગર ભાઈઓએ દાવા કર્યા કે,એમના બ્લોગ ફરાળી છે. પણ બ્લોગજગતની એક પણ બહેને પોતાના બ્લોગને ફરાળી હોવાની વાત તો ન કરી પણ પેલા ભાઈઓના દાવાનું ખંડન પણ ન કર્યું!!!! અરેરે! કોઈક બહેને તો આવું કશુંક કહેવું હતું કે:

–તમારા બ્લોગની ભાષાનું પડ મેંદાથીય જાય તેવું છે!

— તમારા બ્લોગમાં કેટલીય સામગ્રી એવી છે કે જે ફરાળમાં ન ચાલે!!!

— તમારા બ્લોગના તૂટેલા પડમાંથી પોસ્ટસ્  વેરાવા લાગી છે!!!

— તમારા બ્લોગમાંથી દાઝિયા શૈલીની વાસ આવે છે!!!!

–તમારા કહેવાતા ફરાળી બ્લોગમાં સામગ્રીનું પ્રમાણ જળવાયું નથી. એમાં માહિતીનો ભૂકો વધારે પડી ગયો છે.

— તમે તૈયાર સામગ્રીનો વધારે ઉપયોગ કર્યો છે.

… આવા કશા સાચાખોટા વાંધાવચકા તો કાઢવા જોઈએ કે નહીં? આ તો બહેનોનું  ક્ષેત્ર કહેવાય. એમાં બ્લોગર ભાઈઓ આવી દખલગીરી કરી જાય તોય બહેનો ચૂપ?

એમનું ચૂપ રહેવાનું કારણ અમે જાણીએ છીએ! આ વાસ્તવિક જગતમાં પણ તેઓ  રસોડાંમાં પહેલા જેવો રસ દાખવતાં નથી. એટલો સમય પણ એમને નથી મળતો. પરિણામે ખૂમચા અને હોટેલ ઉદ્યોગ ફૂલ્યોફાલ્યો છે. જે  જે ચોક રાત્રે સૂમસામ થઈ જતા હતા ત્યાં હવે  મોડી રાત સુધી તાવડા અને તાવીથાના રણકાર સંભળાય છે! અરે! ફરાળી વાનગીઓના પડીકા બંધાવતા પતિદેવને કોઈ બેન રોકતી નથી કે: રહેવા દો! આ બધું શુદ્ધ ફરાળી ન કહેવાય! ચાલો ઘેર! હું બનાવી દઈશ!

શું કામ એવું ડહાપણ કરે? સદીઓથી ગળે વળગેલો ચૂલો માંડ થોડોઘણો હટ્યો છે! “પડ્ય પાણા પગ પર” એવું કઈ બેન કરે? “તમને શાક લેતા ન આવડે” એવું કહેનારી ઘણી બહેનોએ હવે એ જવાબદારી પણ ધીરે રહીને સરકાવી દીધી છે!! .. જેવું લાવે એવું! કયાં સુધી બધું માથે લઈને ફરવું!!!

પણ અમને ખબર નહોતી કે, બ્લોગ જગતમાં પણ બહેનોએ રસોડાં રેઢાં મૂકી દીધાં હશે!!!

અમારું એમને કહેવું છે કે: જાગો બેનો જાગો! બ્લોગ જગતનાં રસોડાં સંભાળો! એ વિસ્તાર તમારો છે! આમ ફરાળી વાનગીઓના નામે ભાઈઓ ગમેતેવી વાનગીઓ રજૂ કરીને જશ લઈ જાય તોય તમને કશું નથી થતું?

હજુ શ્રાવણ બાકી છે! કાંઈ નહીં તો છેવટે ફરાળી પોસ્ટ બનાવવાની એકાદ રીત તો જણાવો!

Advertisements