દવાઓ અને દુઆઓ

વાયરા

કહેવાય છે કે: એકલી દવાઓ કામ નથી લાગતી. દુઆઓની પણ જરૂર પડે છે.

બરાબર છે. બીમાર સ્વજનની સારવાર પાછળ કોઈ કહેતા કોઈ કસર રાખવામાં આવતી ન હોય છતાં પરિણામ ન જોવા મળતું હોય ત્યારે દુઆઓ પર આધાર રાખવો પડે છે.

આ તો જેને વીતી હોય તે જ જાણે.

એ પણ હકીકત છે કે, મુસીબત આવે છે  ત્યારે ભલભલાં લોકો   વિવેકભાન નથી સાચવી શકતાં.  સ્વજનની કે ખુદની બીમારી તેમને  દુઆઓના ધામ સમા મંદિરેથી સીધાં ભુવાના ધામ સુધી લઈ જાય છે.

એ  કૃત્યના બચાવ માટે  મદદે આવનારી એક  કહેવત  છે કે: ડૂબતો માણસ તરણું પકડે!

“અમને તો અમારા ઠાકોરજી અને બાપા પર પૂરી શ્રદ્ધા છે ” એવું રટણ કરનારાં  પણ દાણા જોવડાવવા મજબૂર થઈ જાય છે.

આ ઘણી જ નાજુક બાબત છે.  અત્રે  કોઈનીય ટીકા કરવાનો કોઈ અર્થ નથી.

આવા ટાણે સવાલ માત્ર શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો નથી રહેતો! સવાલ એક બીમાર દીકરાની માની હાલતનો હોય છે.  છેલ્લા શ્વાસો લેતા ભાઈને જોઈને અનરાધાર આંસુઓ વહાવતી બહેનની હાલતનો હોય છે.  દવાખાનાના બિલની વ્યવસ્થા કરતાં કરતાં  દીકરા તરફ નજર કરી લેતા બાપની હાલતનો  હોય છે.

ક્યારેક તો કોઈને એક તરણું છોડીને બીજાં તરણાને પકડવાની ફરજ પડતી જાય છે. દિમાગ જાણે કે બહેર મારી જાય  છે.

આવા ટાણે જો અંધશ્રદ્ધા પણ ક્ષમ્ય ગણાતી હોય તો  પ્રાર્થના, માનતા કે દુઆઓ માટે તો વાંધો જ ન હોયને?

સંજોગો આવે છે ત્યારે ખુદ ઇલાજ કરનારઓ પણ દવા ઉપરાંત દુઆઓની તરફેણ  કરે છે.

એવી જ રીતે ..

માત્ર દુઆઓથી કામ નથી ચાલતું! દવાઓની પણ જરૂર પડે છે!

હા, દવાઓની પણ જરૂર પડે છે. સામાન્ય દર્દીને નહીં પણ ચમત્કારિક અને દૈવી ગણાતા અંશને પણ.

Advertisements