ધાબે ધાબે તડકા તારા ડાયરા

નિબંધ

ઉગ્ર પ્રતિભાવ સમો તડકો સામેના ધાબા પર સવારથીથી ધામો નાખીને બેઠો છે. વહેલી સવારે અગાસીની પાળી પર, એક ક્બૂતરીને રીઝવવા માટે જે બે કબૂતરો વ્યાયામ કરતા હતા એ હવે દેખાતા નથી. કદાચ જોબ પર ચાલ્યા ગયા હશે. અવગતે ગયેલા જીવાત્મા જેવી એક  પતંગ ફાટેલી દશામાં વીજળીના થાંભલે હજી લટકી રહી છે.  કેટલાંક ધાબાં પર  મોબાઈલટાવર વૃક્ષોને ચીડવતા હોય એવી વાઈડાઈથી ઊભા છે. ધાબે ધાબે  જડેલાં ડિસ્ક -ઍન્ટેના સુદર્શન ચક્રની યાદ અપાવે છે. કોઈ ધર્મનો પ્રચાર કરવા અનુયાયીઓ નીકળી પડ્યા હોય એ રીતે વાયરના દોરડાઓ ધાબે ધાબે ફેલાઈ ગયા છે. આકરી તપસ્યાનું પ્રણ લઈને બેઠેલા તપસ્વીઓ જેવાં સોલર કૂકર  સૂર્યને  આહવાન આપી રહ્યાં  છે. લોખંડની નિસરણીઓના પડછાયા એ નિસરણીઓની એકલતા દૂર કરવાના પ્રયાસો કરી રહ્યા છે. બારીઓ પરનાં છાપરાં યથાશક્તિ છાંયાની વહેંચણીકરી રહ્યા છે. સૂર્યને શાંતિસંદેશો આપતાં હોય એ રીતે, એક અગાસીમાં ભીનાં કપડાં સુકાઈ રહ્યાં છે. એ જ ધાબા પર એક સ્ત્રી વારેવારે ઊઠબેસ કરી રહીછે. એ જરૂર સૂર્યદેવને ચોખાની પાપડીનો નિવેદ ધરી રહી હશે.  બીજા એક ધાબા પર કેટલાંક બાળકો દેખાયાં ન દેખાયાં ને જતાં રહ્યાં. એ કદાચ ધાબાને વચન આપવા આવ્યાં હશે કે, ‘અમે સાંજે  જરૂર તારી પાસે આવીશું.’ સમગ્ર વાતાવરણ નીરવ છે. 

આ નીરવપણું દૂર થાય એ માટે , ઉમાશંકર જોશીની કવિતામાં ભૂક્યો હતો એવો કોઈ ગધેડો ભૂકે એની રાહ જોવી જરૂરી નથી.  ટીવી હાજરાહજૂર છે! 

Advertisements

પતંગ અને પોસ્ટ

વાયરા

મિત્રો,

દરેક પર્વો તો પવિત્ર હોય છે પરંતુ આપણી  ગુજરાતમાં ઉજવાતો ઉતરાણનો તહેવાર માત્ર પવિત્ર જ નહિ પરંતુ ચિત્રવિચિત્ર પણ હોય છે. આવાં આ પર્વ નિમિત્તે સહુને પીલ્લાં ભરીને શુભેચ્છાઓ.

આમ જુઓ તો બ્લોગજગતમાં બારે મહિના ઉતરાણ હોય છે.  પોસ્ટ રૂપી પતંગો બારે મહિના ચગાવવાનો રિવાજ છે.  તો માણો પતંગ અને પોસ્ટની સરખામણી.

*જેમ પતંગો વિવિધ કદ, આકાર કે રંગની હોય છે તેમ બ્લોગજગતની પોસ્ટ્સ પણ વિવિધ કદ,આકર કે રંગની હોય છે. કોઈ પોસ્ટ એકદમ નાની તો કોઈ મોટી હોય છે. કોઈ પોસ્ટ કવિતાના આકારમાં તો કોઈ વાર્તા કે નિબંધના આકરામાં!  કોઈ પોસ્ટ ભક્તિના રંગની હોય છે તો કોઈ સુધારાના રંગની! કોઈ હાસ્યના રંગની તો કોઈ માહિતીના રંગની!

*પતંગો ચગાવવા કાજે મકાનના ધાબાં છે તો  પોસ્ટ ચગાવવા કાજે વર્ડપ્રેસ કે બ્લોગપોસ્ટ જેવાં અનેક ધાબાં છે. જેમને ધાબે મજા નથી આવતી એ લોકો ફેસબૂકની wall પર પોતાની પોસ્ટ સાથે પહોંચી જાય છે! બંને ક્રિયામાં જ્યાં વસ્તી વધારે હોય ત્યાં જ વધારે મજા આવતી હોય છે.

*જેમ કેટલાક લોકોને માત્ર પતંગ ચગાવવામાં જ રસ પડે છે અને કાપાકાપીમાં રસ પડતો નથી તેમ કેટલાક નિજાનંદી  લોકોને  માત્ર પોસ્ટ ચગાવવામાં જ  રસ પડે છે. અર્થાત વાદવિવાદથી તેઓ દૂર રહે છે.

*જેમ ઘણાંને પતંગ ચગાવીને કાપાકાપી માટે પેચ લેવામાં જ રસ હોય છે તેમ ઘણાંને પોસ્ટ મૂકીને મંતવ્યોની કાપાકાપીમાં જ મજા આવે છે. એમની પોસ્ટ મુકાણી નથી કે કાપાકાપી શરૂ થઈ નથી. ક્યારેક ક્યારેક તો પોસ્ટ પોસ્ટ વચ્ચે એવા પેચ જામે કે જોનારાઓને પણ રસ પડે.

*કેટલીક પતંગોની નીચે જેમ પૂંછડી હોય છે તેમ કેટલીક પોસ્ટની નીચે પણ પૂંછડી રૂપે કોઈ વિધાન કે પંક્તિ હોય છે.

*પતંગને ચગવા માટે અનુકૂળ પવન જરૂરી છે તો પોસ્ટને ચગવા માટે અનુકૂળ પ્રોત્સાહન જરૂરી છે.

* જેમ કાબેલ પતંગવીર વિપરીત સંજોગોમાં પણ પતંગ ચગાવી જાણે છે તેમ કાબેલ બ્લોગર વિપરીત સંજોગોમાં પણ પોતાની પોસ્ટ ચગાવી જાણે છે. બંને કામમાં અનુભવ ભાગ ભજવે છે.

*પતંગની જેમ પોસ્ટ પણ ઘણી વખત  ફસકી જતી હોય છે.

*પતંગને છૂટ અપાવનારા હોય છે તેમ બ્લોગજગતમાં પણ પોસ્ટને છૂટ અપાવનારા હોય છે. કોઈ પોસ્ટ મૂકે કે તરત જ પ્રતિભાવ દ્વારા પ્રોત્સાહન આપનારાઓ પોસ્ટને છૂટ આપવાનો ધર્મ બજાવે છે. ઘણાં લોકોને માત્ર છૂટ અપાવવામાં જ મજા આવે છે. તેઓ પોસ્ટ ચગાવતા જ નથી!

*ચાલુ પતંગમાં ઝરડું નાખનારાં હોય છે તેમ કોઈની પોસ્ટને કૉપી-પેસ્ટ વડે ખેંચનારા પણ હોય છે. પતંગ લૂંટાય તેમ પોસ્ટ પણ લૂંટાય છે.

*પતંગના કારણે ઝઘડા થાય તેમ પોસ્ટના કારણે પણ નાનામોટા ઝઘડા થતા હોય છે.

**ધાબાં પર સંગીતની મજા છે તો બ્લોગજગતના ધાબે પણ સંગીત પૂરું પાડનારાં છે.

*પતંગ ચગાવાનારાને કોઈ જાતની આર્થિક કમાણી થતી નથી તો પોસ્ટ ચગાવાનારાને પણ કોઈ જાતની આર્થિક કમાણી થતી નથી. બનેમાં શક્તિ અને સમયનો વ્યય છે. પરંતુ બનેમાં જે આનંદ આવે છે તે જ મોટી કમાણી!

મિત્રો, તમને કોઈ વાત ઉમેરવા જેવી લાગે તો પ્રતિભાવ દ્વારા જરૂર ઉમેરી શકો છો.

.. ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

બાબા ક્યોં ભાગે રે આધી રાત કો…

વાયરા

પુલિસ ક્યોં આઈ રે આઈ આધી રાત કો… 

બાબા ક્યોં ભાગે રે ભાગે આધી રાત કો…. 

કપડેં ક્યોં બદલે રે બદલે આધી રાત કો… 

ચાલ ઐસી ક્યોં ચલે રે ચલે આધી રાત કો…. 

મિત્રો… સમાચારની ચેનલ્સ પર આવા સવાલોનો મારો ચાલી રહ્યો છે. સ્વાભાવિક રીતે આપણને પણ આવા સવાલો થાય.

લોકોનો આટલો આટલો  વિશ્વાસ ને  પ્રેમ મેળવનાર અને  યોગી તરીકે નામના મેળવનાર આવું કેમ કરે?જો તેમણે સામે ચાલીને પોતાની ધરપકડ થવા દીધી હોત તો વાંધો શો હતો? શું ખરેખર મૃત્યુ  તેમની સામે આવીને ઊભું હતું? ને જો ઊભું હતું તો એની બીક લાગી?  બાબાએ કહ્યું કે –  મારે એ રીતે નહોતું મરવું!

બાબા ઘણું જીવે. પરંતુ એક વખત જે મૃત્યુની  પરવા કર્યા વગર નીકળે એની પાસે પછી મૃત્ય પામવાની રીતની પસંદગી હોય છે ખરી?

જો બાબાએ ક્રાંતિ માટેના ગોરીલા  યુદ્ધની રીત અપનાવી હોત તો તો  આ ભાગમભાગી, આ કૂદકા, આ વેષપલટા…  એ બધું જ શંકાના ઘેરાવામાં આવત જ નહીં. એટલું જ નહીં .. આ બધી હરકતો  એ પ્રશંસાને પાત્ર ગણાત.

 પરંતુ એકવખત  ગાંધીવાદ અપનાવનાવ્યાની  જાહેરાત કર્યા પછી આવી  રીતરસમો  બરાબર છે?  આ ભાગમભાગી .. આ કૂદકા… આ વેષપલટા… ને ત્યાર પછીના આ ખુલાસા…

એ વાત પણ બરાબર  છે કે તેમણે  શાસન અને વ્યવસ્થા સામે પડકાર ફેંકવાનું સાહસ તો કર્યું જ છે! બાકી જો તેઓ પોતાના આશ્રમમાં જ બેસી રહ્યા હોત તો કદાચ અત્યારે તેમના પર જે મુસીબતો ત્રાટકી છે તે ન ત્રાટકી હોત! જો એમને પોતાની સલામતીમાં જ અને  કારોબારમાં  રસ હોત તો શાસન સામે બાથ ભીડવાનું સાહસ ન કર્યું હોત! તેઓ જે સ્થાન પર પહોંચ્યા છે તે સ્થાન પર પહોંચ્યા પછી ગણત્રીબાજ માણસ તો આવા જોખમોથી દૂર જ રહે! અરે! ઉલટાનો સરકારને માફક આવે એ રીતે જ પોતાની પ્રવૃત્તિઓ ચાલવા દે! તો તો આજે એમને ઠગ કહેનારા પ્રધાનો જ એમના પગમાં પડતા હોત!

હવે સવાલ એ છે કે-  સાધ્યમાં દમ હોય એટલો જ દમ સાધનમાં હોવો જરૂરી છે કે નહી ?

ભલે આપવા ખાતર જવાબ આપણે  ” હા”  માં આપીએ. પરંતુ ખરેખર આપણે એવું માનતા નથી! આપણે ચલાવી લેવામાં જ માનીએ છીએ.  એટલે જ આવા આઘાતો પચાવવાની તૈયારી રાખીને જ બેઠાં છીએ.

ને જ્યારે નથી પચાવી શકતાં ત્યારે બાબા જેવા લોકો પર ટીકાઓના તીર છોડવા લાગીએ છીએ.

શું કરી શકાય?  આપણે જ્યારે કોઈ સારા હેતુ માટે વાતો કરવા સિવાય બીજું કરી ન શકતા હોઈએ ત્યારે, બાબા રામદેવ જેવા લોકો કે જેઓ એક પ્રકારનું જોખમ ખેડી રહ્યા છે,તેમને કમસે કમ મનથી  સહકાર આપવો જોઈએ કે નહીં?

 કે પછી એમને પણ  કસોટીની એરણે ચડાવવા જોઈએ ?

બાબાની સરખામણીમાં અણ્ણાજી વધારે સ્થિર અને ગંભીર નથી જણાતા ?

અણ્ણાજી તેમ જ તેમના સાથીઓ તરફથી અત્યારે રાજઘાટ પરથી જે વિધાનો થાય છે તે વિધાનો  સરકારને ભારે પડે તેવાં  છે. કારણ કે એ વિધાનો ખૂબ જ જવાબદારી પૂર્વક થઈ રહ્યા છે. એમાં લાંબી લડત આપવાની તાકત છે.

શું રામલીલા મેદાન પર જે નુકસાન થયું તે હવે અણ્ણાજીના આંદોલનથી ભરપાઈ થઈ જશે?

આશા રાખી શકાયને?

છેલ્લા સમાચાર મુજબ  બાબા રામદેવની તબિયત બગડી છે.  આશા રાખીએ કે તેઓ   સાજા રહે.

વાંધો  વ્યક્તિની રીત સામે હોઈ શકે. વ્યક્તિ સામે નહીં.

ચતુર હોય તે જવાબ આપે

ગમ્મત

[મંદિરના બાંકડાઓ પર વડીલ પરિવારના સભ્યો  વચ્ચેની વાતચીત  ચલી રહી છે… ] 

ભગુભઈ – ચ્યમ રાવજીભાઈ આજે મોડા પડ્યા?

રાવજીભઈ- ઓ ભઈ! જવાદોને વાત! એક પોસ્ટ લખીને પબ્લિશ કરવા જતોતોને એની માને પૈણે સાલી લાઈટ ગૈ! અર્ધો કલાકે આઈ રઈ! એમાં મોડું થઈ જ્યું. 

ભગુભઈ- પોસ્ટ નહોતી કરવી!

રાવજીભઈ- મારો નિયમ છે  કે એક વખત પોસ્ટ લખાઈ ગૈ એટલે એને રાખી નૈ મૂકવાની. એને  હેડતી કરવાની  એટલે  પ્રતિભાવો  આવતા થાયને?

ભગુભઈ-  કેટલા દસ પંદર આયા હશે?

રાવજીભઈ-ઓ ભઈ! દસપંદરની ક્યાં મેથી મારો છો ? રેઢા પડ્યા છે? બધા આપણી જેમ નવરા નોય! હા બે  પ્રતિભાવ આવી જ્યા!

સોમભઈ – એમાં એક તો પેલા  રાધારમણનો હશે?

રાવજીભઈ- હોવે! તમને ચ્યમ ખબર ?

સોમભઈ- ચ્યમ ના હોય!  મને પણ એ ભઈ પ્રતિભાવ આલે છે હો .

રાવજીભઈ- એ રાધારમણ તો જબરા  છે લ્યા! તમે પોસ્ટ મૂકો ન મૂકો ત્યાં તો એનો પ્રતિભાવ આવીને ઊભો જ હોય!

ભગુભઈ- ઝડપી પ્રતિભાવ સેવા!  

રાવજીભઈ-  વાંચ્યા વગર જ પ્રતિભાવ આલે પછી ઝડપી જ હોયને! તમે લખો  કશું ને એ લખે કશું! સાંધાનોય મેળ નૈ!

સોમભઈ – ઓ ભઈ! એવું બધું નૈ જોવાનું !  પ્રતિભાવ આલે છે એ જ ઘણું!  ધરમની ગાયના દાંત નૈ જોવાના! શું કો  છો ભગુભઈ?

ભગુભઈ- આપણે તો પોસ્ટ મૂકીને  છૂટ્ટા! જેને વાંચવું હોય તે વાંચે ને પ્રતિભાવ આલવો હોય તે આલે! આપણે પાછું વળીને એ પોસ્ટ પર જોવાનું જ નૈ!  રોજ નવી ગીલ્લી ને નવો દાવ! મારા બ્લોગ પર જોજો.. એકદમ શાંતિ! ટાંકણી પડે તોય સંભળાય.

સોમભઈ- સંભળાયજને! તમારા બ્લોગ પર તમારી સિવાય કોઈ હોય જ નૈ તો! આ રાવજીભઈના બ્લોગે તો ભાતભાતની ખોપરીઓ સામસામી ભટકાય!

રાવજીભઈ- હોવે! મને તો ખેંચાખેંચી વગર મજા જ નૈ આવે!

સોમભઈ – હવે એમાં એવું થાય છે કે રાવજીભઈની દાઝ ઘણા મારા બ્લોગ પર કાઢે છે! મારા લખાણ  માટે રાવજીભઈએ પ્રતિભાવ આલ્યો હોય તો એની સામે મોરચો મારા બ્લોગ પર મંડાય!  એમાં મેં શું લખ્યું ને કેવું લખ્યું એની વાત તો બાજુ પર રૈ જાય ને સામસામે પથ્થરમારો થતો હોય એમ પ્રતિભાવો ના ઘા થાય! સાલું આપણે દિમાગનું દઈં કરીને પોસ્ટ  મૂકી હોય પણ પ્રતિભાવોમાં  બીજી જ વાતોની મેથી મરાતી હોય!

ભગુભઈ-  બ્લોગમાં પોસ્ટ  મૂકવા ખાતર  દિમાગનું દઈં કરાય જ નૈ .  

સોમભઈ- તો શું કરાય? 

ભગુભઈ- …… …… 

[હે ચતુર વાચકમિત્રો ભગુભઈએ સોમભઈના સવાલમાં માત્ર બે શબ્દોમાં જવાબ આપ્યો કે બ્લોગમાં પોસ્ટ મૂકવા માટે શું કરાય! એ બે શબ્દો ક્યા હશે તે બાબત આપ સહુ જણાવશો તો અમારા આ લેખની શોભામાં અભિવૃદ્ધિ  થશે. ]

દવાઓ અને દુઆઓ

વાયરા

કહેવાય છે કે: એકલી દવાઓ કામ નથી લાગતી. દુઆઓની પણ જરૂર પડે છે.

બરાબર છે. બીમાર સ્વજનની સારવાર પાછળ કોઈ કહેતા કોઈ કસર રાખવામાં આવતી ન હોય છતાં પરિણામ ન જોવા મળતું હોય ત્યારે દુઆઓ પર આધાર રાખવો પડે છે.

આ તો જેને વીતી હોય તે જ જાણે.

એ પણ હકીકત છે કે, મુસીબત આવે છે  ત્યારે ભલભલાં લોકો   વિવેકભાન નથી સાચવી શકતાં.  સ્વજનની કે ખુદની બીમારી તેમને  દુઆઓના ધામ સમા મંદિરેથી સીધાં ભુવાના ધામ સુધી લઈ જાય છે.

એ  કૃત્યના બચાવ માટે  મદદે આવનારી એક  કહેવત  છે કે: ડૂબતો માણસ તરણું પકડે!

“અમને તો અમારા ઠાકોરજી અને બાપા પર પૂરી શ્રદ્ધા છે ” એવું રટણ કરનારાં  પણ દાણા જોવડાવવા મજબૂર થઈ જાય છે.

આ ઘણી જ નાજુક બાબત છે.  અત્રે  કોઈનીય ટીકા કરવાનો કોઈ અર્થ નથી.

આવા ટાણે સવાલ માત્ર શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો નથી રહેતો! સવાલ એક બીમાર દીકરાની માની હાલતનો હોય છે.  છેલ્લા શ્વાસો લેતા ભાઈને જોઈને અનરાધાર આંસુઓ વહાવતી બહેનની હાલતનો હોય છે.  દવાખાનાના બિલની વ્યવસ્થા કરતાં કરતાં  દીકરા તરફ નજર કરી લેતા બાપની હાલતનો  હોય છે.

ક્યારેક તો કોઈને એક તરણું છોડીને બીજાં તરણાને પકડવાની ફરજ પડતી જાય છે. દિમાગ જાણે કે બહેર મારી જાય  છે.

આવા ટાણે જો અંધશ્રદ્ધા પણ ક્ષમ્ય ગણાતી હોય તો  પ્રાર્થના, માનતા કે દુઆઓ માટે તો વાંધો જ ન હોયને?

સંજોગો આવે છે ત્યારે ખુદ ઇલાજ કરનારઓ પણ દવા ઉપરાંત દુઆઓની તરફેણ  કરે છે.

એવી જ રીતે ..

માત્ર દુઆઓથી કામ નથી ચાલતું! દવાઓની પણ જરૂર પડે છે!

હા, દવાઓની પણ જરૂર પડે છે. સામાન્ય દર્દીને નહીં પણ ચમત્કારિક અને દૈવી ગણાતા અંશને પણ.

बन गया टीवी ની ચોંકાવનારી ખબર!

ગમ્મત

મિત્રો,

મોહાલીનો સનેડો બરાબરનો જામ્યો છે!  ટીવી ચેનલ્સના ચતુર સુજાણોએ પોતપોતાની કલ્પના શક્તિના દોર છૂટ્ટા  મૂકી દીધા છે. ખેલાડીઓમાં એમને વીર યોદ્ધાઓના અને ઐતિહાસિક પાત્રોનાં દર્શન થવા લાગ્યાં છે.    મહાભારત.. મહામુકાબલા.. મહાઅભ્યાસ… મહારથી… મહાકુંભ… જેવા રંગબેરંગી  વિશેષણો ઊડી રહ્યાં છે.

આપણા  વડાપ્રધાન પણ આ મહાન ઘટનાના સાક્ષી બનશે.  એમણે હમણા હમણા ખૂબ રાજકીય દબાણ અનુભવ્યું છે. આશા રાખીએ કે, એમને મોહાલીના મેદાનમાં સંસદનું મેદાન યાદ આવ્યા ન કરે!  પાકિસ્તાનથી વડાપ્રધાન ગિલાની પણ આવશે. ત્રાસવાદીઓની જેમ નેતાઓ અને કલાકારોની આવનજાવન  પણ ચાલુ જ રહેવાની. સિલસિલા!  લગ્નટાણે મરશિયાં કોણ ગાય?  એટલે અત્યારે તો એ જ વાતો કે:  શું થશે? કોણ શું બોલ્યું? શા માટે બોલ્યું? કોણે ઊંઘની ગોળીઓ ખાવાની? કોણે કેટલું દૂધ પીવાનું? કોણે યજ્ઞ કર્યા? કોણે ટકામૂંડા કરાવ્યા?.. વગેરે..વગેરે..

જૂઓને .. बन गया टीवी એક નવી જ ચોંકાવનારી ખબર લાવ્યું છે! …

बन गया टीवी

हमारे दर्शकों को बन गया टीवी का नमस्कार!

हमारे प्यारे दर्शकों,  मोहाली के महा कुंभमेले में कौन कौन महानुभाव आनेवाले है ये  बात आप जान चूके होंगे!  लेकिन आप को ये पता नहीं होगा कि: मोहाली में मेच देखने के लिये हमारे दिग्गज देवताए भी आनेवाले हैं!

हा, हमे अभी अभी ही खबर मिली है कि.. मोहाली  की मेच देखने के लिये देवाधीदेव इन्द्र से लेकर  स्वयं भगवान विष्णु भी अपना समय निकानलेवालें है!

सबसे पहले हम बाहुबली श्री हनुमानजी की बात करेंगे!

हा, मोहाली की मेच देखने के लिये  खुद बजरंग बली भी आनेवाले है!

ये बात खुद बजरंग बलीजी ने हमारे जानेमाने जोगी श्री जटानंदजी के सपने में आके बताई है!

आईये हम श्री जटानंदजी से ही बात करते है!

— जटानंदजी, बन गया टीवी में आपका हार्दिक स्वागत है! .. बताईये, आप को हनुमानजी ने सपने में आके क्या कहा?

– मुझे हनुमानजी ने बतायाअ कि: भक्त, मै स्वय़ं मोहाली में महायुद्धा देखने के लिये आनवाला हूं!

– आप बडे नसीबवाले है! जटानंदजी ये बताईए कि हनुमानजी कौन सी जगह बिराजमान होंगे?

– ये बात तो नहीं हो सकी! लेकिन वो तो कहीं भी बिराजमान हो सकते है! उन्हें टिक़िट तो  नहीं लेनी पडती! किसी भी पेड या खंभे पर बिराजमान हो सकते है!

— ये बताईये कि, और क्या बात हुई?

— और बात तो नहीं हो सकी. बस इतनी ही बात कहके वो चले गये!

… तो  दर्शकों आपने सुना कि, स्वय़ं हनुमानजी भी मोहाली आनेवाले है.

और भी कई देवताएं आनेवाले है! जिनके बारेमें हम बाद में बतायेंगे!

अभी लेते है एक छोटा सा ब्रेक!

અંજળ ખૂટે ને ગામ છૂટે!

વાયરા

ગામડાની શોભા મોટાભાગે કુદરત પર આધારિત હોય છે.  ને કુદરતનો સાથ ન મળે તો ગામડામાં ધૂળ ને ઢેફાં જ  નજરે ચડે! ઉપરાછાપરી બે કે ત્રણ  વર્ષો દુકાળનો સામનો કરતાં કરતાં તો માણસ વિચારતો થઈ જાય કે: હવે બહુ થયું! હવે ગામ છોડવું પડશે.

ગામડા ગામમાં આમ તો કોઈને ભૂખ્યાં સુવાનો વારો ન આવે.  વરસાદ સારો હોય અને ખેતરોમાં પાક સારો થયો હોય તો સહુને પોતપોતાના ભાગનું મળી જ રહે.  ખેડૂત ખુશ તો બધાં ખુશ!

વેપારીની ઉઘરાણી પતાવા માંડે!  કારીગરોને સામટું અને આગોતરું વળતર મળવા માંડે! ભૂદેવો પંચાગ ખોલીને શુભ ચોઘડિયાં કાઢવા માંડે!

લગનો  મંડે લેવાવા! ગોળધાણાં મંડે વેચાવા! ઢોલ મંડે ઢબૂકવા!

શરણાઈઓના સૂર  ભલે ગમે તેનાં આંગણે વાગે પણ સાંભળનાર દરેકને શેર લોહી ચડે!

માંડવાવાળા માંડે  ગીતો ગાવા! …

તમે કેદુના કાલાવાલ કરતાંતા… તમે ડેલીએ ડોકાં કાઢતાંતાં!

પણ મિત્રો… જો વરસ  નબળું હોય તો ખેડૂત નબળો પડે! ને ખેડૂત  નબળો પડે તો બધાં ઢીલાંઢફ! વેપારી, કારીગર, મજૂર, ભૂદેવો,  બાવાસાધુઓ બધા જ   બધાં જ વેરાન વેરાન લાગવા માંડે!

ભાવાયા કે મદારી કે મલગોડિયાં આવે તોય કયા મોઢેં   આવે?

પછી કોણ કોને કાલાવાલા કરે ?

કૂવાનાં તળ ઊંડાં જાતાં હોય.. ધૂળની ડમરીઓ ઉડતી હોય .. . ઝાડનો છાંયો સાંકડો થાવા લાગ્યો  હોય પછી હાકલા કેવા ને પડકારા કેવા કેવા ?

માણસો  નિમાણાં થઈને ચોરે ચૌટે ને ઓટલે બેઠાં  હોય અને પરાણે પરાણે વાતો કરતાં કરતાં વખત કાઢતા  હોય .. એવી વેળાએ ગામનું કોઈ પરિવાર ખભે થેલાં કે માથે પોટલાં લઈને  રોજીરોટીની આશાએ શહેરની વાટ પકડતું હોય તો એને કોણ રોકી શકે?

પણ ગમે તેમ તોય ગામનો માણસ … એટલું તો બોલે જ કે : ભાઈ ભલે જાવ! રોકવાની તો અમારી ત્રેવડ નથી પણ  પાછા જરૂર આવજો! આવાંને આવાં દાડા રોજ રહેવાના નથી!

અંજળ ખૂટે તો  માણસ  ભારે હૈયે ગામથી શહેરની વાટ પકડે!

તો ગામ છોડવાનું આ એક કારણ ….

પાની રે પાની  તેરા રંગ કૈસા..

હાલો ભેરુ શહેરમાં

અસર

મિત્રો,

અમે ગામડે નિશાળમાં ભણતા હતા ત્યારે સાહેબે અમને બધાંને એક બાળગીત  અભિનય સાથે ગાતાં શીખવાડ્યું હતું :ભીની માટીની ગંધ આવે યાદ રે હાલો ભેરુ ગામડે.. હાલો ભેરુ ગામડે.

કવિ શ્રી નાથાલાલ દવે લેખિત આ ગીત તમે લોકોએ પણ કદાચ ગાયું હશે, સાંભળ્યું હશે કે વાંચ્યુ હશે.

સાચુ કહીએ તો અમે ગામડે રહેતા હતાઅંને   આવાં ગીતો ગાતા હતા છતાંય મન તો પોકારતું હતું કે: હાલો ભેરુ શહેરમાં…. હાલો ભેરુ શહેરમાં.

હા જી! શહેર એક સપનું હતું. સવાલો ઊઠતા હતાકે .. શહેર કેવું  હશે? કેવડું હશે? બહુ મોટું હશે? આપણા ગામ જેવડાં દસ બાર નહીંપણ સો જેટલાં ગામ સામી  જાય એવડું હશે????

શહેરમાંથી આવેલા માણસને જ નહીં  પણ  મોટર,ભારખટારા,રેડિઓ, થાળીવાજુ જેવી નિર્જીવ ચીજોને પણ અમે નિરખતા હતા.

ને… માત્ર નાના બાળકોના મનની આ વાત નહોતી! મોટાઓના મનની પણ આ વાત હતી!

ને એકાદ ગામની આ વાત નહોતી! ગામે ગામની આ વાત હતી!

ગામડાનાં રળિયામણાં ચિત્રો, ગીતો,  વાર્તાઓ વગેરેથી આપણું સાહિત્ય ફાટફાટ થાય છે! શું એ બધું માત્ર કલ્પના પર આધારિત છે ?

શું ખરેખર બધાં  ખરેખર ગોકુળિયાં હતાં.. ત્યાં ઘી દૂધની નદીઓ વહેતી હતી… પનઘટે પનિહારીઓ ગીતો ગાતી ગાતી પાણી ભરતી હતી.. આંગણે મોર ચણવા આવતા હતા.. ખળખળ ઝરણાં વહેતાં હતાં… દુહાઓની રમઝટ બોલતી હતી… બધાં જ ડાહ્યાંડમરાં થઈને અને સંપીને રહેતાં હતાં!

અમારું કહેવું એમ છે કે: આ બધી વાતો ‘આધી હકીકત આધા ફસાના’ જેવી છે!

ગામડાનું ચિત્ર ખરેખર આવું હતું પણ ખરું અને આનાથી સાવ અવળું પણ હતું!

સંજોગો બદલાય તેમ ત્યાં પણ બધું બદલાતું હતું. ઘણું ખરું બદલાયા પછી પણ કવિકર્મના કારણે ઘણુંખરું એનું એ જ લખાતું રહ્યું ને આપણને સહુને ગમતું રહ્યું. સારી વાતો સહુને ગમે એ સ્વાભાવિક છે.

પણ યાદ કરો એ કહેવતો..

બાપના કૂવામાં ડૂબી ન મરાય.

ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે.

મતલબ કે ગામના માણસોમાં શહેર તરફ જવાના ભૂખ અને તરસ જાગ્યાં હતાં.

એવું નહોતું કે શહેરની હાડમારીની વાતો ગામડે નહોતી પહોંચતી.

પહોંચતી હતી. કથાકારો અને ગઢવીઓ ગમડાની ગરવી ગરવી વાતો કહેતા હતા અને શહેરના લોકોના સાંકડા ઘરની અને સાંકડા મનની  વાતો પણ કરતા હતા.

ભવાયા શહેરના લોકોની તકલીફોની વાતો ગમ્મત ગમ્મતમાં કહેતા હતા.  ફેશનેબલ વહુ બંગાળી સાડી પહેરીને અને બે ચોટલા લઈને  સેનેમા જોવા જાય એવી ગમ્મતો રજૂ થતી હતી.

આંધળી માનો કાગળ પણ ગવાતો હતો.  ને લોકોને મજા મજા થઈ જતી હતી.

પણ સાથે સાથે આવાં ગીતો પણ ગવાતાં હતાં..

તેરા તન ડોલે મેરા મન ડોલે… મેરા દિલકા ગયા કરારરે ..

પ્યાર કિયા તો ડરના ક્યા ..

ને લોકોને એમાં પણ મજા પડતી હતી.  સાંભળીને તરસ જાગતી હતી.. સેનેમા જોવાની…સારું સારું પહેરવાઓઢવાની.. બગીચામાં બેસીને સીંગચણા ખાવાની!

યુવાનો અને યુવતીઓને કોડ જાગતા હતા કે પોતે પણ પ્રેમપત્રો લખે..

ચલી ચલી રે પતંગની માફક પોતે પણ ઊડે!

આ તો હળવા હળવા કારણો થયાં… શહેર તરફ ભાગવાના ભારે ભારે કારણો બાકી રાખીએ! ફરી મળીએ..

ત્યાંસુધી કરો જલસા!!!!

ને એમાં પાછા પડવું નહીં!!!!

આજનું ‘ખેતર’ આવતી કાલની ‘સોસાઇટી’ છે!!!!

વાયરા 

[બ્લોગજનો,  ‘જલારામદીપ’ના મે, 1991માં પ્રગટ થયેલો આ લેખ આજે આપ સહુ સમક્ષ રજૂ કરું છું. સમય ઘણો પસાર થઈ ગયો છે. તેથી ઘણી વાતો કદાચ અપ્રસ્તુત જણાશે. પરંતુ એક બાબત આજે પણ એટલી જ પ્રસ્તુત છે જે ત્યારે હતી. એ બાબત છે: મોટાપાયે ચાલી રહેલું શહેરીકરણ . ખેતરના ભોગે સોસાઇટીનું સર્જન એ જાણે કે અનિવાર્ય પરિવર્તન ગણાઈ ચૂક્યું છે.]

શહેર અને કારખાનાઓની વચ્ચે ઊભાં રહેલાં થોડાંક ખેતરઓમાંનું વધુ એક ખેતર આજે હારી ગયું. થાકીને ઝૂકી ગયું. હવે તે ખેતર નહીં રહે! ત્યાં ‘સોસાઇટી’ થઈ જશે. તેને ‘મધુવન’ જેવું નામ  અત્યારથી  અપાઈ ગયું છે. ‘મધુવન’ની જાહેરાતના મોટા પાટિયામાં એ ખેતરનું ભવિષ્ય વાંચી શકાય છે.

તે જ્યારે ખરેખર લીલુંછમ રહેતું હતું  પંખીઓના ટહુકાઓથી છલકાતું હતું અને ખેડૂતની મહેનતથી શણગારાતું હતું ત્યારે તેને ‘ખેતર’ કહેવામાં આવતું હતું પણ  હવે જ્યારે ત્યાં બ્લોક્સની હારમાળા ઊભી થશે ઈંટ અને રેતી ને કપચીનું સામ્રાજ્ય સોળે કળાએ ખીલી ઊઠશે અને વિજયપતાકાઓ સમાન  ઊંચા એટેના ઊભા હશે ત્યારે  તેને ‘મધુવન’કહેવામાં આવશે.

હવે ત્યાં ઝાડ નડતાં હશે તો માણસના હાથે કપાઈ જશે. માણસ ઝાડની જગ્યાએ દુકાન ઉછેરી હોય તો કેટલો ફાયદો થાય તેની ત્રિરાશી માંડશે. જ્યાં સુધી માટી સંપૂર્ણપણે દેખાતી બંધ નહીં થાય ત્યાં સુધી માણસ તે ખેતર પર ત્રાસ ગુજારશે. તેના પર ધગધગતો ડામર પાથરશે. હવે ખેતરમાં ખાતર નહીં નંખાય કે  બીજ નહીં વવાય! હવે ખેતરના પેટાળમાં ભૂંગળાં વવાશે.  હોંશે હોંશે ટેલિફોન અને વીજળીંના થાંભલા રોપાશે.  હવે કૂવો પુરાઈ જશે ને ધોરિયા પણ પુરાઈ જશે. ખેડૂતના હાકલા પડકારા ભજન અને દુહા બધું સદાયના માટે દટાઈ જશે. સમયની ટેપરેકર્ડર પરથી હવે ખેડૂતના કાલાંઘેલાં ગીતો ભૂંસાઈ જશે. તેની જગ્યાએ છેલ્લામાં છેલ્લી ફિલ્મનાંગીતો વાગશે. વહેલી સવારે પ્રભાતિયાંના બદલે   આખી રાત ચાલેલી  વીડિયો-ફિલ્મના બેસૂરા સંવાદો વાતાવરણમાં ઠલવાશે.

હવે   કોયલ આંબેથી નહીં ટહુકે પરંતુ  ડોરબેલમાંથી  ટહુકશે મોર અને ઢેલ હવે ખેતરનિકાલની સજા ભોગવશે. ચકલાંની ખેતર સાથેની લેણાદેવી પૂરી થઈ જશે.  નસીબદાર કૂતરાઓને જ લીસા ગાલીચા પર આળોટવાનું મળશે. પાંજરામાં પુરાયેલા પોપટો અંગ્રેજી નામો બોલી શકશે.  સ્વર્ગસ્થ સાબરના શીંગડાંને કોઈના દીવાલખંડની દીવાલો પર સ્થાન મળશે. જીવજંતુઓ જંતુનાશક દવાના જોખમ સાથે  માણસની અનુકૂળતાનો ખ્યાલ રાખીને શિસ્તપૂર્વક  હરીફરી શકશે.

હવે ગર્જના, ટહુકા, કેકારવ, કલબલાટ કે ચીંચિયારી જેવા પ્રાણીવેડા માણસ કરશે. પ્રાણીઓને પોતાની ઓળખ ટેલિવિઝનના પરદેથી આપવી પડશે. કોઈ આર્ટ-ફિલ્મમાં ખેતરનું વાતાવરણ રજૂ થશે ત્યારે ટેલિવિઝનની સામે બેઠેલાંને વિચાર સરખો પણ નહીં આવે કે;આવા વાતાવરણના ભોગે પોતે  પોતાના ઘરમાં બેઠાં છે.

ભૂમીપૂત્રોના હાથે  જોતજોતામાં મકાનો  તો મકાનો તૈયાર થઈ જશે પરંતુ  પછી એ મકાનોમાં બે ઘડી બેસવાનો પણ એમને હક નહીં રહે! મકાનમાલિકો રહેવા આવી જશે ને પછી વધ્યાઘટ્યા ખેતરપણાનો નાશ કરશે.  એ ફેરફારને કાયાપલટ જેવા રૂપાળા નામથી નવાજવામાં આવશે. ને ખેતરનો  માલિક ભવિષ્યમાં ભૂલેચૂકેય જો સોસાઇટીમાં ચક્કર મારવા જશે તો તેને પણ ચક્કર આવી જશે! તેને ખ્યાલ પણ નહીં આવે કે  ક્યાં હતો ખેતરનો શેઢો ને કાયાં હતો ખેતરનો કૂવો? બ્લોક નંબર દર્શાવતાં તીર એના હૃદયને ચીરી નાંખશે.  જે  જગ્યાએ બેસીને એ બપોરનું ભાથું ખાતો હતો એ જગ્યા તો એને શોધી નહીં મળે! પાણી પીવું હશે તો એને પૈસા ખર્ચવા પડશે.  જ્યાં  ખાટાંમીઠાં બોરથી લૂમઝૂમ બોરડીઓ ઝૂલતી હતી ત્યાં હવે ચપટી બોર માટે છોકરાઓ કજિયા કરશે!

… પરંતુ એમ પણ વિચારી શકાય કે ભાડાં ભરી ભરીને થાકેલું કોઈ દંપતી ‘મધુવન’માં પોતાના ઘરના ઓટલે સંતોષથી બેઠેલું જોવા મળશે. કેટલાય ભૂલકાઓને સારી રીતે  ઊછરવા અને રમવા મળશે. હવે હોળીમાં ત્યાં રંગો ઊડશે અને દીવાળીમાં દીવાઓ પ્રગટશે. કેટલીય પેઢીઓ સુધી એ ઘરોમાં સુરક્ષિત રહીને માનવજાત પોતાની સંસ્કૃતિને નવો ઓપ આપશે.  બીજાં એવાં અનેક કારણોસર મધુવન નામ સાર્થક પણ થાય.

પરિવર્તન અફસોસને પાત્ર હોવા છતાં  હંમેશા વિરોધને પાત્ર નથી હોતું. એ પરિવર્તનની પાછળ સમયનો તકાજો હોય છે. સંસ્કૃતિને સ્થિર કરી દેવી તે માણસના હાથની વાત નથી.  તેવું કરવું તે માણસના સ્વભાવમાં પણ નથી. એવું થઈ શકતું હોત તો ખળખળ વહેતી નદીઓ પર બંધો ન બંધાયા હોત્ મથુરાના આકાશમાં કારખાનાઓનો ધુમાડો ન છવાઈ જતો હોત.  ગોકુળની વાત કહેવા માટે તો  શ્રી રમેશ પારેખના કાવ્યની એક પંક્તિ બસ થઈ પડશે…

ગોકુળમાં હોઈ શકે દહીંની દુકાન

ને રાધાને હોઈ શકે ચશ્માં

અમરેલી ગામના મસાણને જોઈને

અલ્યા જીવણિયા તું ખીખીખીખી હસ મા.

…. આજ ખેતરની જગ્યાએ ભૂતકાળમાં  જંગલ, પહાડ, ટેકરી કે ઝરણાં હશે.  તેમાંથી  ખેતરમાં થયેલું પરિવર્તન એ જમાનામાં ઘણાંને નહીં પણ ગમ્યું હોય! ઝાડપાનને પોતાની સ્વતંત્ર રીતે ઊગવા ઊછરવા  દેવાના બદલે માણસની ઈચ્છા મુજબ ઊગવા-ઊછેરવાની વાતથી તે વખતના પ્રકૃતિપ્રેમીઓ નારાજ પણ થયા હશે! પરંતુ પરિવર્તનને કોણ  અટકાવી શક્યું છે ?

ધગધગતી પૃથ્વી ઠંડી પડી ને જંગલ થયું હશે. એ જ જંગલમાંથી ખેતર થયું હશે. એ જ ખેતરમાંથી હવે ‘મધુવન’સોસાઇટી થશે. ને મધુવન સોસાઇટી પણ ક્યાં અમરપટ્ટો લઈને આવવાની  છે ? જે કિલ્લાઓ નગરોની સલામતી કાજે મુખ્ય આધાર ગણાતા હતા એ જ કિલ્લાઓ આજે એ જ નગરની વચ્ચે ઉપેક્ષિત વૃદ્ધોની જેમ પડવા વાંકે ઊભા છે. મિત્ર અરવિંદ ભટ્ટનું એક કાવ્ય યાદ આવે છે:

ગઢની રાંગે હાલને સખી છાણાં થાપવાં જાઈ…

ભવિષ્યમાં તો જે થાય તે પણ આજે તો પરિવર્તનને માન આપીને ખેતર છેલા શ્વાસો લઈ રહ્યું છે…

બચના એ બ્લોગરો લો મૈ આ ગયા

બ્લોગજગત

હસના  એ બ્લોગરો… લો મૈ આ ગયા

હાસ્ય કા આશિક ફિકર કા દુશ્મન

અપના બ્લોગ  હૈ યારોસે જુદા

હૈ હૈ… હૈ  હા હા  અપના બ્લોહા..હૂ.. હૂ..હૂ… હો… હો…હો...

મિત્રો, બ્લોગલેખનના વિષય પર જો  ફિલ્મ બને તો ફિલ્મનો હીરો આવા એકાદ ગીત સાથે  એંન્ટ્રી પાડે!!

પણ, ગમતાંનો ગુલાલ ઉડાડતી ગુજરાતી બ્લોગદુનિયામાં હાસ્યરચનાઓ  લખનારને આવો ફાંકો રાખવો પોસાય નહીં! કારણ કે, આ  બ્લોગદુનિયામાં ..

પહેલું સુખ તે વાચક મળ્યાં

બીજું શુખ તે કૉમેન્ટ  લાવ્યાં

ત્રીજું સુખ તે છાપરે ચડાવ્યાં

ચોથું સુખ તે …

[તમે પૂરું કરો. હેઠે પછાડવા હોય તો પછાડી પણ શકો]

લોકપ્રિય લેખકો કહેતા હોય છે કે: વાચકો છે તો અમે છીએ. વાચકો જ અમને જીવાડે છે!

આ લેખકો માત્ર મસકો  નથી મારતા. હકીકતની વાત  કહે છે. કારણ કે  તેઓ સમજે છે કે, વાચકો હશે તો પોતાના પુસ્તકો વંચાશે ને વંચાશે તો થોડાંઘણાં વેચાશે!

બ્લોગલેખકને વાસ્તવિક જગતમાં  જીવવા માટે બ્લોગવાચકો કદાચ થોડોઘણો આનંદ પૂરો પાડી શકે પણ બાકીબધું તો પોતાના જોરે જ મેળવવું પડે! પણ અમને કહેવા દો કે, એ જ બ્લોગલેખકને  બ્લોગજગતમાં જીવવા માટે મુલાકાતીઓના માત્ર આંકડા જ  શેર લોહી ચડવનારા હોય છે! ને કૉમેન્ટસ? એ તો બાપુ.. તમે જે ક્યો ઈ! ચરબી કહો તો ચરબી! વિટામિન કહો તો વિટામિન! પ્રોટીન કહો તો પ્રોટીન!

અમે તો અમારી જ વાત કરીશું કે, વાચકો થકી જ અમને વધારે ને વધારે હાસ્યરચનાઓ લખવાનું જોર ચડે છે! ભલે બેપાંચ મિત્રો જ અમારા લખાણને વધાવતાં હોય  પણ અમે ખૂબ જ કલ્પનાશીલ હોવાથી અમને એવું લાગે છે કે; જાણે હજારો બ્લોગવાચકો બૂમો પાડી પાડીને કહેતાં ન હોય કે : યશવંત ઠક્કર .. તુમ આગે બઢો .. [હમ ઘર જાતે હૈ!]

જો કે, અત્યારે અમારો વિચાર તમારી  સમક્ષ હાસ્યરચના રજૂ કરવાનો બિલકુલ નથી!!અમે તો રજૂ કરવા માંગીએ છીએ, “હાસ્યલેખન બાબતના અમારા ગંભીર વિચારો.”. હા, અમે આજે ગંભીર લેખ લખી રહ્યા છીએ. અને હવે પછી અનેક ગંભીર લેખો લખવા માંગીએ છીએ!

આટલું વાંચ્યું ત્યાં સુધીમાં જો તમે હસ્યા નહીં હો તો એ અમારી મોટામાં મોટી સફળતા હશે!! ને જો હસ્યા હો તો પ્લીઝ.. હવે  ન હસતાં. અમને  હાસ્ય બાબત ગંભીર લેખ પૂરો કરવામાં સહકાર આપજો.

તો પહેલો સવાલ અમે જ રજૂ કરીએ છીએ કે: હાસ્યલેખન શા માટે?

અરે, આ જગતમાં પાર વગરની તકલીફો છે.. પીડાઓ ભોગવતી જિંદગીઓ છે…. વેદનાના ગરમ ગરમ વાયરા સહેતાં હૈયાં છે..એક સાંધે ત્યાં તેર તૂટે તેવાં અભાગી માનવી છે.. પીઠ પાછળ ભોંકાતાં ખંજરો છે… ક્યાંક લાગણી-તરસ્યા તો ક્યાંક સ્વાર્થ-ભૂખ્યા સંબધો છે… ડગલે ને પગલે કચડાતાં સપનાં છે…ગોળીએ દેવાનું મન થાય તેવા શેતાનો છે.. જેની છુટ્ટે હાથે લહાણી થાય છે એવી આરાજકતા અને અવ્યવસ્થા      છે.. અરે, લેખક બીજું કશું ન કરે ને માત્ર ને માત્ર આરાજકતા બાબત લખ્યા કરે તોય ખુટે નહીં એટલી આરાજકતાનો ભંડાર છે આ ભૂમી પર… ને તોય હાસ્યરચનાઓ રચવાના અભરખા શા માટે? શા માટે? શા માટે?

શું હાસ્યલેખકને આ બધું અસર નહીં કરતું હોય? એને કોઈ જાતની પીડા નહીં થતી હોય? જે ઝપાટે ચડે એને હાસ્યનો બકરો બનાવી દેવાનો? કોઈ ન મળે તો છેવટે પોતાની જાત તો છે ને? બસ એક જ ધ્યેય કે: હાસ્ય પેદા થવું જોઈએ!!

ને શું હાસ્યલેખકને  ખરેખર ચોવીસે કલાક માત્ર “ફીલગુડ” ના શીતળ વાયરા જ વાયા કરતા હશે? એને ક્યારેય અકળામણ નહીં થતી હોય? ગુસ્સો નહીં આવતો હોય? ને આ બધાંને કારણે એના માથે ટાલ નહીં પડતી હોય? ને એના ચહેરા પર કરચલીઓ નહીં પડતી હોય? હાસ્યલેખક ખરેખર ગુલાબી ગલાબી હશે?  “ઊલ્ટા ચશમાં” સિરિયલમાં આવે છે તેવો તારક મહેતા જેવો જ!

ને હાસ્યલેખન સહેલું છે કે અઘરું છે? ડાબા હાથનો ખેલ છે કે મનનો મેલ છે? હાસ્યલેખકને મંજૂર હોય તે જ હાસ્ય કે વાચકને મંજૂર હોય તે જ હાસ્ય?

બ્લોગ કે પોસ્ટને હાસ્યનું પાટિયું મારી દેવાથી જ કામ ચાલે કે પછી મહેનત કરવી પડે? ને મહેનત કરે તોય દરવખતે એ મહેનત લેખે લાગે ખરી? કે પછી ક્યારેક હાસ્યલેખક  પોતે જ હાસ્યાસ્પદ ન બને?

ને સહુથી અગત્યના સવાલો કે:  શું ક્યારેક હસવામાંથી  ખસવું ન થઈ જાય? ડસવું ન થઈ જાય? ભસવું ન થઈ જાય?

શું લાગે છે તમને? અમે ગંભીર લેખો લખી શકીશું?ને એ પણ હાસ્ય બાબત!  થોડુંઘણુંય આશાનું કિરણ જણાતું હોય તો કહેજો. અમે આગળ વધીશું.  આ તો હજુ શરૂઆત છે એટલે કદાચ થોડીઘણી ખામી જણાય. પણ તમે જોજો આના પછીનો લેખ એકદમ ગંભીર હોય તે માટે અમે પૂરતા પ્રયાસો કરીશું.

બ્લોગકસમ!