जिंदगी इत्तेफ़ाक हैं!

અસર, વાયરા

જિંદગી એટલે અણધાર્યા અવસરોનો સરવાળો

જિંદગીમાં આયોજન જરૂરી છે. ધંધા, વ્યવસાય, શિક્ષણ, ઉજવણી, સામાજિક પ્રસંગો વગેરેમાં તો આયોજન ખૂબ જ મહત્વ ધરાવે છે.  એમાં ‘હરિ ઇચ્છા બળવાન’ વાળી વાત ચાલતી નથી. ધાર્યું પરિણામ ન મળે ત્યારે ભલે ‘હરિ ઇચ્છા બળવાન’ એમ માનવું પડે, પરંતુ કાર્યની શરૂઆતમાં તો આપણે આયોજનને જ મહત્વ આપતા હોઈએ છીએ.

છતાંય, એ વાત પણ માનવી જ પડશે કે, જિંદગીમાં કેટલીક નાનીમોટી ખુશીઓ આપણને વગર આયોજને પણ મળી જતી હોય છે.  કોઈ માણસ પોતાના ઘરના દરવાજે પતંગિયાનું સુંદર ચિત્ર મુકાવીને ખુશ થવાનું આયોજન કરી શકે છે. પરંતુ ક્યારેક કોઈક જીવતુંજાગતું, સાચુકલું પતંગિયું ઊડતું ઊડતું એના ઘરના દરવાજે આવીને બેસી જાય અને એ જોઈને એને જે ખુશી થાય, એ ખુશી મેળવવા માટે એણે કોઈ જ આયોજન કર્યું હોતું નથી. અરે, એ પતંગિયાને તસવીરમાં કેદ કરવા માટે એને કેમરો પણ હાથવગો હોતો નથી!  કોઈ માણસ જાણીતી જગ્યાએ પ્રવાસે જાય ત્યારે પ્રવાસમાં વચ્ચે કોઈ અજાણી જગ્યા પણ આવે. એ અજાણી જગ્યાએ એને એટલો બધો આનંદ મળે, જેટલો આનંદ એને પેલી જાણીતી જગ્યાએથી પણ ન મળ્યો હોય. એ જગ્યાની મુલાકાત માટે એણે આયોજન પણ ન કર્યું હોય.

ખુશી તો અણધારી ગમે ત્યાંથી મળી જાય. મોંઘેરી હોટેલના બદલે ફૂટપાથ પરના ધાબા પરથી પણ મળી જાય. તમે ઘરની બારી પરથી પરદો હટાવો ને તમને મેઘધનુષ જોવા મળી જાય. વતનની દૂર એવી કોઈ જગ્યાએ વર્ષો પછી વતનનો કોઈ માણસ ભેગો થઈ જાય. તમે મનમાં ઉદ્વેગ લઈને મંદિરે ગયા હો અને કોઈ સાવ અજાણી વ્યક્તિ કોઈ પણ સ્વાર્થ વગર તમને ‘જય શ્રી કૃષ્ણ’ કહે અને તમારું મન શાંત થઈ જાય. તમે જવા ખાતર કોઈ પ્રસંગમાં ગયા હો અને ત્યાં કોઈની સાથે કાયમી મિત્રતા બંધાઈ જાય. ફેસબુક પર ભૂલથી કલિક થઈ જાય, કોઈને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલાઈ જાય, એ ફ્રેન્ડ બનેલી વ્યક્તિ સુખદુઃખમાં તમારી સાથે રહે, એવું પણ બને. જીવનમાં ખુશી માટે અઢળક અઢળક શક્યતાઓ છે. બસ, એને વધાવી લેવી પડે.

રતનભાઈ નામે મારા એક પરિચિત સજ્જન, એમના પોતાના આયોજન મુજબ સફરમાં નીકળ્યા. તેઓ એક બસ ચૂકી ગયા. એમને ખૂબ જ અફસોસ થયો. મોડેથી એમણે  બીજી બસ પકડી. એમને એ બસમાં ઊભાં ઊભાં મુસાફરી કરવી પડી. વચ્ચે એકાદ સ્ટેશન પર બસમાંથી થોડા મુસાફરો ઊતર્યા, એથી રતનભાઈને બેસવા માટે જગ્યા મળી ગઈ. એમણે બાજુમાં બેઠેલા મુસાફર સાથે વાતચીતની શરૂઆત કરી. એ બંનેના રસના વિષયો સરખા હોવાથી એમની વચ્ચે ઘણી વાતો થઈ. છૂટા પડતી વખતે રતનભાઈને એ નવા પરિચિત મુસાફરે પોતાનું ‘વિઝિટિંગ કાર્ડ’ આપ્યું. એ કાર્ડના લીધે રતનભાઈની જિંદગીમાં મોટું પરિવર્તન આવ્યું. બન્યું એવું કે, એ કાર્ડના આધારે એ બંને વચ્ચે વારંવાર મુલાકાતો થઈ, જે મુલાકાતોએ રતનભાઈને એમનો વ્યવસાય જમાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. એ મુલાકાત રતનભાઈ માટે  ચમત્કારિક જ ગણાયને? રતનભાઈએ પોતાના વ્યવસાયના વિકાસ માટે મળેલી તકનો લાભ લેવા માટે પૂરતું આયોજન કર્યું હતું, પરંતુ એ બંને વચ્ચેની પહેલી મુલાકાત માટેનું આયોજન કોણે કર્યું હશે! રતનભાઈ એક બસ ચૂકી જાય અને બીજી બસ પકડે એ કારસો કોણે રચ્યો હશે!

‘છોટીસી મુલાકત પ્યાર બન ગઈ’ એ વાત માત્ર ફિલ્મોમાં જ નથી બનતી, હકીકતમાં પણ બનતી હોય છે. એવી મુલાકાત મોટાભાગે  આકસ્મિક જ હોય છે! કોઈ યુવાન કે યુવતી પ્રેમમાં પડવાનું આયોજન કરીને કે ચોઘડિયાં જોઈને ઘરેથી નથી નીકળતાં! પછી, એમનાં લગ્ન માટે ચોઘડિયાં જોવાય અને નાનાંમોટાં આયોજનો થાય એ જુદી વાત છે.

વિજ્ઞાનની કેટલીય શોધખોળોમાં અકસ્માતે પણ ભાગ ભજવ્યો છે! એવા અકસ્માતો વિશે ઘણું ઘણું લખાયું છે. પરંતુ કેટલીય સ્વાદિષ્ટ વાનગીઓ બનવવાની રીતની શોધ પણ અકસ્માતે જ થઈ છે. કહેવત છે કે: ‘બનાવવા ગયા’તા કંસાર અને બની ગઈ થૂલી.’ એ કહેવત મુજબ જે બનાવવું હોય એ ન બને અને બીજું કશુંક બની જાય. પરંતુ એ બીજું કશુંક એવું બને કે બનવાનારનાં ભાગ્ય ઊઘડી જાય! બીજા કેટલાય લોકોનાં પણ ભાગ્ય ઊઘડી જાય. લોકોને આજીવિકાનું એક નવું માધ્યમ મળી જાય. આજકાલ, સુરતનો લોચો વખણાય છે. એ લોચા માટે એવું કહેવાય છે કે, ‘કોઈનાથી ખમણ બનવાતી વખતે લોચો પડ્યો અને એ લોચાના કારણે લોચો બનાવવાની રીત અમલમાં આવી!’ લોચા જેવી કેટલીય વાનગીઓ આપણે અપનાવી લીધી છે. એવી વાનગીઓ વિશે કોઈકે તો સંશોધન કર્યું હશે. ન કર્યું હોય તો કોઈકે તો કરવા જેવું છે.

મેં ‘પ્રસન્નતા’ શીર્ષકથી એક વાર્તા લખી છે. એ વાર્તાનો નાયક એક લેખક છે, જે સામાન્ય  સ્થિતિનો છે. એ ઘરેથી કેરોસીનની દુકાને કેરોસીન લેવા જાય છે અને લાંબી લાઈનમાં ઊભો રહે છે. એક દારૂડિયાની ગાળ પણ ખાય છે. કેરોસીન ખલાસ થઈ જાય છે. એ કેરોસીન લીધા વગર જ ઘરે પાછો આવતો હોય છે. એ દરમ્યાન એનું મન વિચારે ચડે છે. એ ઘરે પહોંચે છે ત્યારે એનું મન પ્રસન્નતાથી ભરેલું હોય છે. એને કેરોસીન નથી મળ્યું છતાં એ પ્રસન્ન હોય છે. કારણ કે, એને એ દિવસના અનુભવ પરથી એક વાર્તા મળી ગઈ હોય છે! કેટલીય વાર્તાઓ, કવિતાઓ, નવલકથાઓ વગેરેનાં સર્જન માટે અણધાર્યા પ્રસંગો નિમિત્ત બન્યા હોય છે. આયોજનનો વારો પછીથી આવે છે.

કોલંબસ જળમાર્ગે નીકળ્યો’તો ભારત આવવા અને પહોંચ્યો અમેરિકા! રાજીવ ગાંધી હતા પાયલોટ અને એમની માતાજીની હત્યાના કારણે તેઓ બની ગયા ભારત દેશના વડાપ્રધાન! શ્રીમતી ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાગુ કરી, ત્યારે કેટલાય યુવાનોને એકાએક જેલમાં જવું પડ્યું. એ યુવાનો જેલમાંથી બહાર નીકળ્યા પછી કેટલાક યુવાનોની રાજકીય કારકિર્દી બની ગઈ. કારણ કે, એ યુવાનોને જેલમાં કેટલાંય અનુભવી નેતાઓનાં સંપર્કનો લાભ મળ્યો. જે કટોકટીએ એમને દુઃખી કર્યા, એ જ કટોકટીએ એમને સુખી કર્યા. આ તો એના જેવી વાત છે કે, રામને વનવાસ ન થયો હોત તો રાવણનો નાશ ન થાત. ઇતિહાસ પણ કેટલાય અકસ્માતોથી હર્યોભર્યો છે!

કહેવાનો આશય એ પણ નથી કે, ‘બધું જ અકસ્માતે થાય છે માટે કોઈ પ્રકારનું આયોજન જ ન કરવું.’  વળી, જેમ સુખદ અકસ્માતો થાય છે એમ  દુખદ અકસ્માતો પણ થતા હોય છે.  કેટલાક લોકો જિંદગીમાં સુખદ અકસ્માતો જ બને અને દુખદ અકસ્માતો ટળે એ માટે અવનવી અને ખર્ચાળ વિધિઓમાં જ રચ્યાપચ્યા રહેતા હોય છે. એ લોકો ભલે ઈશ્વરમાં માનતા હોવાનો ડોળ કરતા હોય, હકીકતમાં ઈશ્વરના નિર્ણયોને ન  સ્વીકારવાનાં એ ધમપછાડા જ હોય છે.

તો ચાલો, તમારા જીવનમાં સુખદ અકસ્માતો થતા રહે એવી શુભ ભાવના સાથે રજા લઉં. કદાચ કોઈ સુખદ અકસ્માત મારી પણ રાહ જોતો હોય!

આવજો અને જલસા કરજો.

 

Advertisements

દિલ છે તો દૂધપાક છે

વાયરા

સન ૧૯૬૭ની આસપાસનો જમાનો હતો. હું આઠમાં ધોરણમાં ભણતો હતો. નિશાળની પાછળનું મેદાન હતું. રીસેસનો સમય હતો. ખુશનુમા મોસમ હતી. કુમળી ઉમર જેવો જ કુમળો તડકો હતો.

નજર સામે કમળધારી તળાવની જાહોજલાલીનું અમૂલ્ય પ્રદર્શન હતું. એ પ્રદર્શનના કાર્યક્રમની પ્રકાશ વ્યવસ્થા સૂરજ એકલપંડે સંભાળી રહ્યો હતો. નગરની કપડાં ધોઈ રહેલી મહિલાઓએ  સંગીત પ્રસારણની વ્યવસ્થા સંભાળી હતી. ધબાક!ધબાક!ના સૂર વાતાવરણમાં ભળી રહ્યા હતા. તળાવને સામેના કિનારેથી તે છેક ક્ષિતિજ સુધી સમગ્ર સૃષ્ટિ શુદ્ધ પ્રસન્નતા વહેંચી રહી હતી.

પ્રસન્નતાના આ રંગમાં કોઈ નબળી વાતને જરા પણ સ્થાન નહતું.

 .. ને મારા એક વર્ગમિત્રે મારી પાસે આવીને કહ્યું: યાર ઠક્કર, તારી પાસેથી ઉછીના લીધેલા પૈસા લાવવાના રહી ગયાં. કાલે લાવું તો ચાલશેને?

જવાબમાં મે કહ્યું: “ચાલશે યાર. ક્યારેય ન લાવે તો પણ ચાલશે.”

“એવું ચાલે ખરું યાર? વહેવારે તો આપવા પડેને?”

“બધું ચાલે” મે કહ્યું.  ત્યારબાદ મારા હોઠ પર એક વાક્ય આવી ગયું: “દિલ છે તો દૂધપાક છે.” 

એ મિત્રને તો વાક્ય સાંભળીને મજા પડી ગઈ પરંતુ હાજર હતા તે બધાને મજા પડી ગઈ!

પછી તો મારા મિત્રવર્તુળમાં વાતવાતમાં ” દિલ છે તો દૂધપાક છે”  એ વાક્ય વપરાવા લાગ્યું. 

જોતજોતામાં તો એ વાક્ય આખી નિશાળમાં વપરાવા લાગ્યું. પછી તો આખા નગરમાં  વપરાવા લાગ્યું! જાણે કે એક કહેવત બની ગઈ કે: ” દિલ છે તો દૂધપાક છે”  

.. સમય પસાર થઈ ગયો. એ નિશાળ છૂટી ગઈ. એ નગર છૂટી ગયું. એ મિત્રો છૂટી ગયા. એ વાક્ય છૂટી ગયું. એનો વપરાશ છૂટી ગયો.

.. ને લગભગ ત્રીસેક વર્ષો પછી એક દિવસ વાતવાતમાં આ જ વાક્ય મે બીજાનાં મોઢેથી સાંભળ્યું:

  ” દિલ છે તો દૂધપાક છે” 

મારી નવાઈનો પાર નહોતો! મારાથી સામી વ્યક્તિને પૂછાઈ ગયું કે: આ વાક્ય તમે ક્યાંથી સાંભળ્યું?

“લે, આ તો જાણીતી કહેવત છે.” એ વ્યક્તિએ જવાબ આપ્યો.

*********

મિત્રો, મારો એવો દાવો નથી કે આ કહેવતની રચના મે જ કરી છે. વર્ષો પહેલાં મારાથી અનાયાસે બોલાયેલું વાક્ય જ ફરતું ફરતું મારા સુધી આવ્યું હોય તો પણ એની સાબિતી આપવી અસંભવ છે.

પણ એક વાત નક્કી છે કે કહેવતો અનાયાસે જ સર્જાઈ જતી હશે. એકાદ નાનકડું વાક્ય, પેઢીઓ સુધી  આપણી વાતચીતનો હિસ્સો બની જાય છે! કેટકેટલી કહેવતોનો આપણે સહજ રીતે વપરાશ કરીએ છીએ પરંતુ એનાં મૂળ સર્જકનો કોઈને ખ્યાલ હોતો નથી!

કેટલી કહેવતો કાળની ગર્તામાં ધકેલાઈ જાય છે તો કેટલીક નવી કહેવતો આપણને ખબર ન પડે તેમ વપરાશમાં દાખલ થતી જાય છે.

“મજબૂરી કા નામ મહાત્મા ગાંધી.”  આ કહેવત જાણીતી થઈ ગઈ છે.  વળી એ વાત પણ ચોક્કસ છે કે એ  કહેવત ચલણમાં આવ્યાને બહુ સમય નહિ થયો હોય. એ કહેવત બહુ બહુ તો ગાંધીજીના જીવનકાળમાં શરૂ થઈ હશે. કદાચ એમના અવસાન પછી જ વપરાશમાં આવી હોવાની શક્યતા વધારે છે. કોઈ મજાકમાં આ વાક્ય બોલ્યું હશે અને જોત જોતામાં એક કહેવત બની ગઈ હશે! આજે ભલે  ભલે આ કહેવત મજાક માં બોલાતી હોય પણ કેવી અસર છોડી જાય છે! ને કેવી ચલણમાં કેવી છૂટથી વપરાય છે!

કહેવત એક વખત ચલણમાં આવી કે પછી એને જાણે કે કોઈ પ્રકારનાં બંધનો નડતાં નથી! વળી એને વિદ્વાનોના પ્રમાણપત્રની જરૂર પડતી નથી!

“મોટી નોટ હોવા”નો મુહાવરો યુવાનોમાં વધારે વપરાય છે.  “ફલાણો તો મોટી નોટ છે.” એવાં વાક્યો આપણે ઘણી વખત સાંભળીએ છીએ. આ મુહાવરો પણ તાજેતરના વર્ષોમાં જ અમલમાં આવ્યો હોવાનું લાગે છે.

ખેર! હવે પછી તમે પણ અવસર આવ્યે,  ” દિલ છે તો દૂધપાક છે” .એ કહેવતનો વપરાશ કરજો.

અને…. બીજું તો શું કહું?

પ્રતિભાવ આપવા હોય તો આપજો નહિ તો અમે પણ માનશું કે: તમારું  દિલ છે તો દૂધપાક છે!   

જલસા કરજો.  

કૉમેન્ટ કૉમેન્ટને ખેંચે

વાયરા

બ્લોગમિત્ર દર્શિતે પોતાનાં બ્લોગ મારો બગીચો  પર મજાકમાં   આજે…રજૂ કરેલું  ફેસબુકિયુ જ્ઞાન :

  • મોટી પ્રોફાઇલવાળાને (એટલે કે ૧૦૦૦ થી વધારે ફ્રેન્ડ વાળાને) બર્થ ડે વિશ કરવાનો કોઇ મતલબ નથી… જેને તેની કિંમત હોય તેને શુભેચ્છા આપી જુઓ… તેમને ઘણો આનંદ થશે.

દર્શિતે મજાકમાં પણ ખૂબ જ અગત્યની અને અમલમાં મૂકવા જેવે વાત કહી દીધી છે.  એક જૂની ફિલ્મનો સંવાદ યાદ આવે છે: पानी की जरुरत रेगिस्तान को होती है, समंदर को नहि!
* પરંતુ આપણે સમાજમાં પણ જોઈએ છીએ કે, ધરાયેલાઓ જ વધારે ધરાતાં હોય છે. જેને ભૂખ નથી  એની સામે અઢળક ભોજન છે. જેને ભૂખ છે એને એક ટંકનું પૂરું ખાવા નથી મળતું.
* મોટાભાગણા માણસો  પોતાનાથી જે વધારે સમૃદ્ધ હોય તેના તરફ જ  ધ્યાન રાખતાં હોય છે.  એવી વ્યક્તિની સાથે સંબંધ રાખવાંનો કે વહેવાર જાળવવાનો એક પણ મોકો જવા નથી દેતાં. તો પોતાનાથી ઓછાં સમૃદ્ધ હોય એવાં લોકોની જાણે અજાણે ઉપેક્ષા કરતાં હોય છે.
આ સમાજની વાસ્તવિકતા છે. જે લોકો આ વાસ્તવિકતાને સમજીને સ્વીકારી શકે છે એ લોકો પોતાની ઉપેક્ષાથી દુઃખી થતાં નથી.જ્યારે આળાં હૃદયનાં લોકો આ વાસ્તવિકતાને પચાવી નથી શકતાં જેના કારણે તેઓ સતત દુઃખી થતાં હોય છે અને આ બાબતની ફરિયાદો કરતાં રહે છે.
આપણે એવી અનેક વાર્તાઓ કે વાતો સાંભળીએ છીએ કે :પૈસાદારનું કૂતરું માંદુ પડે તો ખબર કાઢનારાં અનેક હોય છે  પણ  કોઈ ગરીબનું છોકરું માંદુ પડે તો એની ખબર કાઢનારાં ઓછાં હોય છે.
* આપણે પોતે પણ જો કોઈની ઉપેક્ષાથી પરેશાન થતાં હોઈએ તો આપની જાતને જ એ સવાલ કરવો જોઈએ કે :શું આપણે પણ એ લોકની ઉપેક્ષા નથી કરતાં કે જે લોકો આપણાના માટે તરસી રહ્યાં છે! આપણે પણ આપણાથી ઉપર રહેલાં લોકો તરફ જ સતત  નજર રાખી રહ્યાં છીએ અને આપણાથી નીચે રહેલાં લોકો તરફ એક પ્રેમભરી નજર પણ નથી નાખતા.
* બજારનો પણ જાણે કે નિયમ છે કે- પૈસો પૈસાને ખેંચે! જેની દુકાને પાંચ ગ્રાહકો ઊભા હશે તેની દુકાને છઠ્ઠો ગ્રાહક જશે.પણ.. જેની દુકાને એકપણ ગ્રાહક ઊભો નહિ હોય તેની દુકાનમાં પ્રવેશ કરતાં પહેલાં કોઈપણ ગ્રાહક અચકાશે. પછી ભલે એ દુકાને ગમે તેટલી સારી અને સસ્તી ચીજો મળતી હોય! પ્રખ્યાત દુકાને મોંઘા ભાવે મળતી ચીજો ઘણું કરીને સામાન્ય કારીગરોએ જ તૈયાર કરી હોય છે. પરંતુ એ જ ચીજો આપણે એ સામાન્ય કારીગર પાસેથી ઓછી કીમતે પણ લેવાનું પસંદ નથી કરતાં.
*પ્રસિદ્ધ થઈ ચૂકેલા કથાકારની કથામાં તમામ લોકો કથા સાંભળવા નથી જતાં. કેટલાક તો માત્ર હાજરી આપવાનો વહેવાર જાળવવા જ જતાં હોય છે! જ્યારે અજાણ્યાં કથાકારની કથા ગમે તેટલી સારી હશે તો  તેનો ટેસ્ટ કરવા પણ લોકો જતાં નથી.
* ફેસબૂક પર  કે બ્લોગજગતમાં પણ કૉમેન્ટ કૉમેન્ટને ખેંચે એ નિયમ લાગુ પડે એ સ્વાભાવિક છે! સંપત્તિની અસમાન વહેંચણી અહી પણ હોઈ શકે છે. 🙂 કોઈ ખાતાધારક વાંચતાં વાંચતાં થાકી જાય એટલી કૉમેન્ટસ મેળવે તો કોઈના ભાગે સમ ખાવાં પૂરતી પણ ન મળે! આવું જ શુભેચ્છાઓનું છે! ક્યાંક ઢગલો તો ક્યાંક ચપટી! કીડીને કણ અને હાથીને મણ!
તો મિત્રો…આજે ગાંધીજી હોત અને બ્લોગ લખતા હોત તો જરૂર એવું કહેતા હોત કે: પ્યારા બ્લોગજનો; આજથી, તમારા બ્લોગ પર ન આવનારના બ્લોગ પર જજો. તમારું લખાણ ન વાચનારનું પણ લખાણ વાંચજો. તમને પ્રતિભાવ ન આપનારને પણ પ્રતિભાવ આપજો. બ્લોગજગત લેણદાર છે. તમે દેણદાર છો.”
 જ્ઞાન વહેંચવા બદલ મિત્ર દર્શિતનો આભાર માનીને ટળું છું.આવજો અને જલસા કરજો.

મરવા માટે બે ગજ જમીન પણ ન મળે!

વાયરા

મિત્રો, 

આપણે એવાં કેટલાય ભજનો કે ગીતો સાંભળ્યા હશે કે જેમાં ભગવાનને ભીડ ટાળવા માટે આજીજી કરવામાં આવી હોય. અહીં ભીડનો અર્થ થાય છે :અડચણ; મુશ્કેલી; હરકત.આવી ભીડ ટાળવા માટે ભગવાનની મદદ લેવી પડે એ સમજી શકાય તેવી વાત છે. પરંતુ ઘણી વખત આવી ભીડ આવી પડે તે માટે જ જાણે કે માનવ-સર્જિત આયોજનો થતાં હોય છે. એવાં આયોજનો કે જેમાં માનવમહેરામણ ઉમટી પડે. અર્થાત ભીડ થાય. અહીં ભીડનો અર્થ થાય છે:પરસ્પરનો ભીંસો, ગિરદી, ઠઠ, ભરાવો. 

જુઓ. થઈને અજબ ભીડ કી ગજબ કહાની! ભીડ એટલે કે અડચણો કે દુઃખદર્દ વગેરેથી મુક્તિ મેળવવાના બહાને  ભીડ એટલે કે ગિરદીનું  સર્જન કરવામાં આવે. એકલોઅટુલો પડી ગયેલો માણસ ભીડથી મુક્તિ  મેળવવા ભીડ તરફ દોટ મૂકે. પરિણામે ઘણી વખત જે ભીડથી મુક્તિ મેળવવા એ ઘેરથી મોટાં ઉપાડે નીકળ્યો હોય એ ભીડ રહી જાય બાજુ પર અને અણધારી નવી ભીડનો ભોગ થઈ પડે.  

ભગવાન કરે કે ક્યારેય ભીડના કારણે કોઈનો ભોગ ન લેવાય. પરંતું એક નહિ અનેક દાખલાઓ છે કે ભીડના કારણે માણસો ચગદાયા હોય. ખાસ કરીને ધાર્મિક સ્થાનોમાં કે ધાર્મિક કાર્યોક્રમોમાં. આયોજકો લાખો લોકો ભેગાં થાય મોટાં પાયે જાહેરાતો કરે. પરંતું એ વિચાર ન કરે કે આટલાં બધાં લોકો એકઠાં થશે તો જગ્યા કે અન્ય સુવિધાની ભીડ ઊભી થશે.  અહીં ભીડનો અર્થ થાય છે:  ખેંચ, તંગી, અછત, ‘શૉર્ટેઇજ’ .આ ભીડના કારણે ધકામુક્કી થાય અને ન ધારેલી ભીડ ઉભી થાય.   

આપણી શ્રદ્ધાનો ધકામુક્કી સાથે ગાઢ નાતો છે. મંદિરમાં ઘણાંને ધક્કામુક્કી કર્યાં પછી જે પ્રભુદર્શન થાય એમાં જ મજા આવે.કષ્ટ વગરનાં દર્શન આપણને માફક આવતાં નથી. પછી ભલે એવાં દર્શનના કારણે અશક્ત કે ઘરડાં લોકોને ધોળા દિવસે તારાઓનાં દર્શન થઈ જાય. વળી માન્યતાઓ પણ એવી જ સર્જવામાં આવે કે: અમુક સમયે જ  અને અમુક જગ્યાએ જ દર્શન કરવામાં આવે તો અનલિમિટેડ પુણ્ય મળે બસ,આ અનલિમિટેડ પુણ્ય મેળવી લેવાની લ્હાયમાં જ ઘણાં લોકો, અનલિમિટેડ ચરણોની નીચે કચડાવાનું જોખમ પસંદ કરે છે.   ક્યારેક પ્રસાદ માટે ધકામુક્કી થાય તો ક્યારેક ગુરુજી કે સ્વામીજીનાં ચરણસ્પર્શ માટે  થાય. પરિણામે ક્યારેક  ભક્તોને મંદિરેથી સીધાં દવાખા ભેગાં થવું પડે. 

એક માણસ  બીજા માણસને મળવાનું ટાળે છે. લોકો એક જ ફલેટમાં રહેતાં હોય અને રોજ એકબીજાની નજરે ચડતાં હોય તોય વાતચીત કરવાનું ટાળે છે. નવા વર્ષના અભિનંદન આપવા માટે પણ એમના હાથ સળવળતા નથી.  શહેર કે ગામમાં કેટલાય જાણીતાં સનેહી કે મિત્રો હોય તેમનાથી ભાગી છૂટવું હોય તેમ ઘણાં પ્રવાસને  બહાને અજાણ્યાં લોકોની ભીડમાં ભળવા માટે દોટ મૂકે છે. 

ભીડનો ભોગ ન બનવું પડે તેવી ગણત્રીથી અમે વહેલાસર, દિવાળીને પંદરેક દિવસોની વાર હતી ત્યારે સોમનાથ ગયા તો ત્યાં મોટાભાગનાં ગેસ્ટહાઉસ બૂક થઈ ગયા હતાં.જે ખાલી હતાં તેમાં અસુવિધાઓની ખાતરી સાથે ચારગણા ભાવ બોલાતા હતાં. દેશમાં તો મોંઘવારી છે જ. પરંતું સોમનાથમાં એનાથી પણ વધારે મોંઘવારી ખાબકવાનું કારણ એ હતું કે ત્યાં બીજા દિવસથી શ્રી મુરારીબાપુની સપ્તાહ બેસવાની હતી. અમને થયું કે આજે તો સુવાના ભાવ બોલાય છે તો કાલે કદાચ બેસવાના કે ઊભા રહેવાનાય ભાવ બોલાય! સમય વર્તે સાવધાન! અમે ભોળાનાથનાં દર્શન કર્યાં અને ક્ષમા માંગીને એમના ધામમાંથી વહેલાસર વિદાય લઈ લીધી.

અમે એવી પણ વાત સાંભળી કે દિવાળીના તહેવારોમાં અમુક ધાર્મિક સ્થાનોમાં એટલી બધી ભીડ હતી કે ; સુવા માટે ધાબે એક ગાદલુ મેળવવાના ૧૫૦૦ રૂપિયા ભાવ બોલાતો હતો. 

અમને થયું કે: અરેરે!અમારો અસરનો ઓટલો આવી કોઈ જગ્યાએ હોત તો અમે હોંશે હોંશે કહેત કે: આવતાં રહો બાપલા . ઓટલે બેસવા ઊઠવાનો કે સુવાનો કોઈ ચાર્જ નથી. 

પરંતું લાંબુ વિચારતાં અમને ભાન થયું કે:એવું ય બને કે ઓટલે આશરો લેવા બાપલીયાઓની ધકામુક્કી થાય તો નાં થાવાનું પણ થઈ જાય! માટે જે છે તે બરાબર છે. આ આભાસી ઓટલો જ સારો છે કે જ્યાં વટથી આવો બાપલા આવો એવા હાકલા કરી શકાય છે. ઓટલે ભીડ થવાની બીક લાગતી નથી. 

એ મતલબની જાણીતી પંક્તિઓ છે કે: જીવવા કે મરવા માટે બે ગજ જમીન પૂરતી છે. 

પરંતું નસીબમાં લખાયું હોય તો ભીડમાં મરતી વખતે  બે ગજ  જમીન પણ ન મળે!!  

                                                                ****

ખરેખર દુનિયા મૂળ ચાવી ગયેલાં માણસોની થતી જાય છે?

વાયરા
A line art drawing of a half-elf (or similar c...

Image via Wikipedia

દુનિયા બડી જાલિમ હૈ.

આવું આપણે ઘણી વખત બોલીએ છીએ કે સાંભળીએ છીએ.

સહેજ પણ ભોળા બન્યા કે બાટલીમાં પુરાઈ જવાય અને ઉપરથી બૂચ વાગી જાય!!!

જોજો, માહોલ બહુ ખરાબ છે. એવી ચેતવણી પણ વગર માંગે મળતી હોય છે અને સમય જતાં એવી ચેતવણી આપનારાં જ આપણને બાટલીમાં ઉતારી દેતાં હોય છે! !

સવાલ એ છે કે: શું ખરેખર દુનિયા મૂળ ચાવી ગયેલા માણસોની થતી જાય છે? કે પછી પહેલેથી જ એવી છે?

અચ્છા, માહોલ ખરાબ છે તો આપણે પણ એવા બની જવું જરૂરી છે? શું આપણે સરળ થઈને જીવી ન શકીએ?

” હા” પાડતાં પહેલાં વિચારવું પડે છે ને? નજર સમક્ષ આવીને કેટકેટલાં લોકો આવીને ઊભાં રહી જશે?

કોઈએ સંબધમાં ચાલાકી કરી છે! કોઈએ વ્યવહાર જાળવવામાં ચાલાકી કરી છે!

કોઈ” ભાઈસાબ”  કહીને પૈસા લઈ ગયું પણ હવે પરત કરવામાં ગલ્લાતલ્લા કરે છે!

વેપારી રકમ પૂરતી લે છે ને માલ ઓછો અને ખરાબ આપે છે!

રિક્ષાવાળો આપણને ઢીલા જાણીને વધારે પૈસા પડાવે છે!

મોંઘાભાવે ખરીદેલી ચીજ માથે પડે છે! જરૂરી સેવા મળતી નથી! અગાઉથી પૈસા ચૂકવ્યા છતાં ખરા સમયે જ કામ થતું નથી! જીવ બળી જાય છે!

બધાં જાણે કે આપણું કરી નાંખવા માટે જ મીઠું મીઠું બોલે છે!

આડે દિવસે સામું પણ ન જોનાર, જ્યારે પોતાને કામ પડે છે ત્યારે “જય શ્રી કૃષ્ણ”  “જય શ્રી કૃષ્ણ”  કરતો દોડતો આવે છે!

કોઈ આપણે ત્યાં મહેમાન થતુ હોય ત્યારે આપણે એમને  જાતજાતના ભોજન ધરી અને આપણે જઈએ ત્યારે એકલી  પાણીપૂરી  ખવડાવીને પૂછે કે: જલસો આવી ગયોને?

કાકો લુચ્ચો! મામો ભગવાનનો માણસ પણ મામી લુચ્ચી! જીજાજીએ જ કરી નાંખ્યું! શું કહેવું? કહીએ તો બહેનને દુ:ખ થાય! પોતાનાં હતાં તે આપણાં થયાં નહીં તો  પારકાની શી વાત કરવી?

છે કોઈ અંત?

ધોબી લુચ્ચો! દૂધવાળો લુચ્ચો! મકાનમાલિક સારો પણ એનો દીકરો લુચ્ચો! અને હવે એ જ વહીવટ કરવાનો છે

ડૉકટર લુચ્ચો! પણ મોંઢે નથી કહી શકાતું!

સ્કૂલવાળા અને કોલેજવાળા ઢગલો પૈસા ઓકાવે છે! ધંધો માંડીને બેટાં છે!  કિલોમોંઢે સોનું ભેગું કરે છે!

સરકારી ઓફિસવાળા બધાં જ ચોર છે! હરામનો પગાર લે છે!

પ્રધાનો લુચ્ચા! સરકાર લુચ્ચી!  એન.જી.ઓ. વાળા લુચ્ચા! સામાજિક કાર્યોકરો સેવાના નામે મેવા આરોગે! મીડિયાવાળા સત્ય પ્રગટ કરવાને નામે બ્લેકમેલ કરે!

સ્વામીજીઓ …. હરિ ઓમ ! હરિ ઓમ!

બાકી હોય તેમ પાકિસ્તાન લુચ્ચું! ઓસ્ટ્રેલિયાની આખી ટીમ લુચ્ચી! અમેરિકા ખંધું! બાંગલાદેશ તો કે મેરી બિલ્લી મુજકો મ્યાઉં! ..

કહાં તક નામ ગિનવાયે સભીને હમકો લૂંટા હૈ… એ ગઝલયાદ આવી જાય છે ને?

મિત્રો, કોઈ કટારલેખક જિંદગી આખી બીજું કશું જ ન કરે ને માત્ર દુનિયા કેટલી ખરાબ છે તે બાબત જ લખતો રહે તો એને બીજો કોઈ વિષય જ ન શોધવો પડે!એનું ગુજરાન આખી જિંદગી ચાલતું રહે!

તો માહોલ આવો છે!  રમેશ પારેખની  એક રચના છે…

આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં

આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે , કહેવાય નહીં

આ તો ખરું કહેવાય નહીં? ચહેરા પર ચહેરો ચિપકાવ્યા સિવાય છૂટકો નહીં?  ને  એ જ રચનાની છેલ્લી બે પંક્તિ જોઈએ તો…

ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે

કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં

ભલે વાતાવરણ ગમે તેવું લાગતું હોય પણ આટલી હદે શંકાશીલ બનવું જરૂરી છે! ખરેખર દુનિયા મૂળ ચાવી ગયેલા માણસોની થતી જાય છે?

શું સાચું?

આપ ભલા તો જગ ભલા,

કે પછી..

થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ!

અચ્છા,  આપણે જે ન હોઈએ તે થઈ શકાય ખરું?

પાકા ન હોઈએ તો પાકા થઈ  શકાય ખરું?

ફિલ્મનું નામ નથી યાદ આવતુ. ડૉ. શ્રી રામ લાગુ એક અધિકારીનું પાત્ર ભજવે છે.  જે પહેલી જ વખત લાંચ લેવા જાય છે ને પકડાઈ જાય છે! ત્યારાબાદ તે પાત્ર એ  મતલબનું કહે છે કે: લોકોને તો કેટકેટલાં પાપ માફક આવી જાય છે! હું તો પહેલી વખત પાપ કરવા ગયો ને પકડાઈ ગયો.

સમાજમાં પણ એવું જોવાં મળે છે કે, રીઢા કે ખડ્ડુસનું નામ ભાગ્યે જ કોઈ લેશે! જ્યારે સીધા કે સરળ માણસને વાતવાતમાં દબડાવશે!

તો શું જિંદગી એ જંગલમાં રહેવાનો ખેલ છે?

હંમે કુછ નહિ પતા!

બ્લોગજગતની ગાડી આવી રે રસિયા રાજા

બ્લોગજગત

મિત્રો,

આ બ્લોગજગત એ લાંબા અંતરની લોકલ ગાડી  જેવું છે. જેમ લોકલ ગાડીમાં વિવિધ પ્રકારના મુસાફરો જોવા મળે છે તેમ આ બ્લોગગાડીમાં વિવીધ પ્રકારના બ્લોગમુસાફરો જોવા મળે છે. જેવાં કે:

* ઘણા વખતથી બેઠેલા. જામી ગયેલા. પહોળા અને લાં…….બા થઈને પડેલા.પુષ્કળ બિસ્તરા- પોટલાં સાથે લઈને નીકળેલા. બ્લોગના ડબ્બાને જ પોતાનું ઘર સમજનારા. બ્લોગપાટલી પર જ મોટા ભાગની દૈનિક  ક્રિયાઓ કરનારા. થોડીવાર માટે ન દેખાય તો કોઈને એમ થાય કે, એ કોઈ સ્ટેશને બ્લોગગાડીમાથી ઉતરીગયા હશે! ત્યાં તો એ દેખાય! એ કદાચ બાથરૂમમાં જઈને આવ્યા હોય! એ બ્લોગગાડીના ભોમિયા થઇ ગયા હોય. બ્લોગડબ્બાના પંખા ને બારીઓ ને બટનો વગેરેની એમને પૂરી જાણકારી થઇ ગઈ હોવાથી આત્મવિશ્વાસથી ભરપૂર હોય! ચપટી વગાડતા હોય તેમ તેઓ  પોસ્ટ  મૂકી દે. છીંક ખાતા હોય તેમ પ્રતિભાવ આપી દે. નવા આવેલા અને ઊભા રહેલા બ્લોગમુસાફરો  તરફ એ દયાની નજરે જોતા હોય. આવા જામેલા બ્લોગમુસાફરો  ઊભા થાય ત્યારે ઊભા રહેલા બ્લોગમુસાફરોને એમ થાય કે, હવે  આપણને બેસવા મળશે. પરંતુ પેલા જામેલા બ્લોગમુસાફર તો  કસરત કરવા માટે ઊભા થયા હોય! હા, આવા બ્લોગમુસાફરો પાસે  પુષ્કળ બ્લોગસામગ્રી હોય જેમાં કેટલીક પોતાની હોય તો કેટલીક તૈયાર લીધેલી હોય. આવા બ્લોગમુસાફરો  બ્લોગ લખતાં લખતાં ઊંઘી શકે અને ઊંઘતાં ઊંઘતાં બ્લોગ લખી શકે! આવા બ્લોગમુસાફરોને સારી ભાષામાં “પૂર્ણ સમયના બ્લોગર્સ”  કહી શકાય.

* થોડા વખતથી બેઠેલા ને રાહતના શ્વાસ લેનારા. હવે,પોતાની સાથે લાવેલી સામગ્રીના ડબ્બા ખોલવાની એમનામાં હિમત આવે છે. એમાંના કેટકાલ,પોતે ભોગવેલી તકલીફો ભૂલ્યા ન હોવાથી; અન્ય ઊભા રહેલા બ્લોગમુસાફરોને પણ બેસવાની જગ્યા આપવાની ખાનદાની દાખવે છે. કેટલાક વળી એકબીજાની સામગ્રી વહેંચે છે.  .. લો આ ફલાણા કવિની કવિતા… લો આ ક્યાંકથી આવેલું છે . કોનું છે એ ખબર નથી પણ  છે મજાનું! …ના ના નામઠામ વગર ન મૂકાય!ફજેતી થઇ જાય! … આ ગીત છે કે ગઝલ ખબર નથી પડતી. જે હોય તે ઠપકારોને. આફરડું વાજતું ગાજતું માંડવે આવશે.મુલાકાતીઓ અને પ્રતિભાવોની વધતી જતી સંખ્યાથી આવા બ્લોગમુસાફરો ખુશખુશાલ હોય છે. એમનો ઉમંગ પોસ્ટમાંથી છલકાઈને બહાર ઢોળાતો હોય છે! આવા બ્લોગમુસાફરોને સારી ભાષામાં”વિકાસશીલ બ્લોગર્સ” કહી શકાય.

* ઊભા રહેલા બ્લોગમુસાફરો.  આમાંથી ઘણાના શ્વાસ હજી હેઠા બેઠા ન હોય. ચડી તો ગયા પણ હવે શું કરવું? આ બ્લોગગાડીનું એન્જીન કઈ દિશામાં છે એની પણ એમને ખબર ન હોય! ઘણા તો પહેર્યે લુગડે આવ્યા હોય એવા બેફીકર હોય! એમને એમ કે :આપણી પાસે શું છે તે કોઈ લઈ  જાશે? બ્લોગગાડી કઈ દિશામાં જશે એની પણ એમને પરવા ન હોય.  પરંતુ જેમને બ્લોગગાડીમાં લાંબી મુસાફરી કરવી  છે  તેમને જગ્યા મળે તો સામગ્રીના ડબ્બા ખોલવાની હોંશ હોય છે.  કેટલાક  બ્લોગમુસાફરો તૈયાર સામગ્રીના પેકેટ તોડી તોડીને પોસ્ટમાં મૂકવા લાગે છે.  તેઓ રાજી થાય ન થાય ત્યાં તો .. ચોરીનો માલ.. ચોરીનો માલ… એવી બૂમાબૂમ થવા લાગે! વળી પાછું જાહેર થાય કે: આ તો ગેરસમજ  થઇ ગઈ છે! ઊભા રહેલા બ્લોગમુસાફરોમાથી ઘણા ધીરજ ગુમાવીને બીજા બ્લોગડબ્બે ચાલ્યા જાય છે! પરંતુ જેઓ પૂરી નિષ્ઠા ધરાવે છે તેઓ છેવટે પોતાના માટે સ્થાન મેળવી લે છે.

 આવાબ્લોગમુસાફારોને “અર્ધ વિકસિત બ્લોગમુસાફરો ” કહી શકાય.

 બ્લોગમુસાફરોના આ ત્રણ મુખ્ય પ્રકારો જણાવ્યા છે.  એ સિવાયના પણ ઘણા બ્લોગમુસાફરો હોય છે. જેવાં કે: લટકતા, ભટકતા, ખટકતા, અટકતા વગેરે વગેરે!

જેની વાત આપણે પ્રતિભાવના ડબ્બામાં બેસીને કરીશું.  એ સિવાયની પણ વાતો છે. તો આવજો. અમે પ્રતિભાવના ડબ્બામાં બેસીને તમારી રાહ જોઈએ છીએ.

અને હા, રાહ જોતાં જોતાં અમને ઊંઘ આવી ગઈ હોય તો ઉઠાડજો.  વાંધો નહિ. બને તો ચાવાળાને પણ લેતા આવજો.

બાબા ક્યોં ભાગે રે આધી રાત કો…

વાયરા

પુલિસ ક્યોં આઈ રે આઈ આધી રાત કો… 

બાબા ક્યોં ભાગે રે ભાગે આધી રાત કો…. 

કપડેં ક્યોં બદલે રે બદલે આધી રાત કો… 

ચાલ ઐસી ક્યોં ચલે રે ચલે આધી રાત કો…. 

મિત્રો… સમાચારની ચેનલ્સ પર આવા સવાલોનો મારો ચાલી રહ્યો છે. સ્વાભાવિક રીતે આપણને પણ આવા સવાલો થાય.

લોકોનો આટલો આટલો  વિશ્વાસ ને  પ્રેમ મેળવનાર અને  યોગી તરીકે નામના મેળવનાર આવું કેમ કરે?જો તેમણે સામે ચાલીને પોતાની ધરપકડ થવા દીધી હોત તો વાંધો શો હતો? શું ખરેખર મૃત્યુ  તેમની સામે આવીને ઊભું હતું? ને જો ઊભું હતું તો એની બીક લાગી?  બાબાએ કહ્યું કે –  મારે એ રીતે નહોતું મરવું!

બાબા ઘણું જીવે. પરંતુ એક વખત જે મૃત્યુની  પરવા કર્યા વગર નીકળે એની પાસે પછી મૃત્ય પામવાની રીતની પસંદગી હોય છે ખરી?

જો બાબાએ ક્રાંતિ માટેના ગોરીલા  યુદ્ધની રીત અપનાવી હોત તો તો  આ ભાગમભાગી, આ કૂદકા, આ વેષપલટા…  એ બધું જ શંકાના ઘેરાવામાં આવત જ નહીં. એટલું જ નહીં .. આ બધી હરકતો  એ પ્રશંસાને પાત્ર ગણાત.

 પરંતુ એકવખત  ગાંધીવાદ અપનાવનાવ્યાની  જાહેરાત કર્યા પછી આવી  રીતરસમો  બરાબર છે?  આ ભાગમભાગી .. આ કૂદકા… આ વેષપલટા… ને ત્યાર પછીના આ ખુલાસા…

એ વાત પણ બરાબર  છે કે તેમણે  શાસન અને વ્યવસ્થા સામે પડકાર ફેંકવાનું સાહસ તો કર્યું જ છે! બાકી જો તેઓ પોતાના આશ્રમમાં જ બેસી રહ્યા હોત તો કદાચ અત્યારે તેમના પર જે મુસીબતો ત્રાટકી છે તે ન ત્રાટકી હોત! જો એમને પોતાની સલામતીમાં જ અને  કારોબારમાં  રસ હોત તો શાસન સામે બાથ ભીડવાનું સાહસ ન કર્યું હોત! તેઓ જે સ્થાન પર પહોંચ્યા છે તે સ્થાન પર પહોંચ્યા પછી ગણત્રીબાજ માણસ તો આવા જોખમોથી દૂર જ રહે! અરે! ઉલટાનો સરકારને માફક આવે એ રીતે જ પોતાની પ્રવૃત્તિઓ ચાલવા દે! તો તો આજે એમને ઠગ કહેનારા પ્રધાનો જ એમના પગમાં પડતા હોત!

હવે સવાલ એ છે કે-  સાધ્યમાં દમ હોય એટલો જ દમ સાધનમાં હોવો જરૂરી છે કે નહી ?

ભલે આપવા ખાતર જવાબ આપણે  ” હા”  માં આપીએ. પરંતુ ખરેખર આપણે એવું માનતા નથી! આપણે ચલાવી લેવામાં જ માનીએ છીએ.  એટલે જ આવા આઘાતો પચાવવાની તૈયારી રાખીને જ બેઠાં છીએ.

ને જ્યારે નથી પચાવી શકતાં ત્યારે બાબા જેવા લોકો પર ટીકાઓના તીર છોડવા લાગીએ છીએ.

શું કરી શકાય?  આપણે જ્યારે કોઈ સારા હેતુ માટે વાતો કરવા સિવાય બીજું કરી ન શકતા હોઈએ ત્યારે, બાબા રામદેવ જેવા લોકો કે જેઓ એક પ્રકારનું જોખમ ખેડી રહ્યા છે,તેમને કમસે કમ મનથી  સહકાર આપવો જોઈએ કે નહીં?

 કે પછી એમને પણ  કસોટીની એરણે ચડાવવા જોઈએ ?

બાબાની સરખામણીમાં અણ્ણાજી વધારે સ્થિર અને ગંભીર નથી જણાતા ?

અણ્ણાજી તેમ જ તેમના સાથીઓ તરફથી અત્યારે રાજઘાટ પરથી જે વિધાનો થાય છે તે વિધાનો  સરકારને ભારે પડે તેવાં  છે. કારણ કે એ વિધાનો ખૂબ જ જવાબદારી પૂર્વક થઈ રહ્યા છે. એમાં લાંબી લડત આપવાની તાકત છે.

શું રામલીલા મેદાન પર જે નુકસાન થયું તે હવે અણ્ણાજીના આંદોલનથી ભરપાઈ થઈ જશે?

આશા રાખી શકાયને?

છેલ્લા સમાચાર મુજબ  બાબા રામદેવની તબિયત બગડી છે.  આશા રાખીએ કે તેઓ   સાજા રહે.

વાંધો  વ્યક્તિની રીત સામે હોઈ શકે. વ્યક્તિ સામે નહીં.

એક રચનાત્મક વાર્તા

વાચકોની કલમ

મિત્રો… પોરબંદરથી શ્રી દુર્ગેશ ઓઝાએ મોકલેલી  વાર્તા વાંચો…

રમેશ તો નવાઇમા ડૂબી ગયો. ઓરડામાં ચારે બાજુ કરોળિયાના ચિત્રો,રંગોંની ડ્બ્બીઓ,કેંનવાસ,કાગળના થપ્પા,ને એની અંદર ખુંપેલા પપ્પા ! પપ્પાનું આવું રૂપ આ પહેલાં એણે ક્યારેય ન્હોતું જોયું.

અચાનક રમેશની નજર મોટા રંગબેરંગી મથાળાવાળા કાગળ પર પડી,જેમાં એક વાર્તા લખેલી હ્તી,જેને એ રસપૂર્વક વાંચવા લાગ્યો.”એક હ્તી કોયલ.તે એક વાર માંદી પડી.તેને ખબર પડી કે તેનો અવાજ થોડા દી’ પૂરતો બેસી જશે..એની ખબર કાઢનારા કહે,’અ ર ર ર,તારો અવાજ બેસી જ્શે?

હાય હાય….હવે તારી જિંદગી.!’કોયલ કહે,’ભલે અવાજ બેસી જતો.એ પાછો ઊભો થઇ જ્શે.બે-ચાર દી’ અવાજ ચાલ્યો જાય એમાં કાંઇ આખું જીવન નકામું નહીં થઇ જાય,કાગડાકાકા !હું કાંઇ એમ હિમત હારું એવી નથી.અવાજ બેસી ગયો એટલે એવું સમજો કે દસમા-બારમાં ધોરણની પરીક્ષાનું પેપર નબળું ગયું કા એમાં નાપાસ થયા,બસ એટલું જ….તમે ખાલી ચોપડીની પરીક્ષામાં જ હારી ગયા,પરંતુ,પરીક્ષા પૂરી એટલે તમારું સાવ પૂરું થઇ ગયું એવું નથી.તમારી સામે આખી જિંદગી પડી છે.

હજી ઘણી બધી તકો,પ્રવત્તિઓ છે.કાળઝાળ ગરમીમાં એક વખત્ પાક સાવ બળી જાય તો ધરતી કાયમને માટે સુકીભઠ્ઠ થઇ નથી જતી,વાંદરાભાઇ !એ એમ નથી વિચારતી કે” આપણી જિંદગી ખતમ”.પાક ખાલી એક જ વાર બગડ્યો છે,પણ ફરી એ જ જમીનમાં વાવશો તો પાછું ઉગશે,એટલું જ નહીં,ચોતરફ અનેરી હરિયાળી લહેરાઇ ઊઠશે,કારણ કે નબળો પાક એ સમજો માત્ર એક પરીક્ષા કે તેનું પેપર છે,તે આખા જીવનનો સાર કે તેનું માપ નથી.અભી તો પિક્ચર બાકી હૈ મેરે દોસ્ત.”કરતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય,તૂટે ઘર તો પાછું નવું બનાવતો જાય.”.એટલે હું નિરાશ થઇ આપઘાતના નબળા વિચાર નહીં કરું.’….ને કોયલ; ખરેખર થોડા દિવસ પછી ફરી એ જ મસ્તીમાં ટહુકવા લાગી ને બીજાનેય ખુશ કરી સાચો રસ્તો બતાવી ગઇ……
……..ને એ રંગબેરંગી કાગળ શોધવા જેવી હિંમતલાલે પાછળ નજર ફેરવી કે તરત જ,…’લે તું ક્યારે રૂમની અંદર ઘુસી ગયો દીકરા!!?અચ્છા,તો એ કાગળ તારા હાથમાં છે એમ ! કેવી લાગી વાર્તા?

‘સરસ છે પપ્પા’રમેશ થોડું મલક્યો ને પપ્પા બોલ્યા,’તને નવાઇ લાગે છે ને કે આ બધું !! એક પુસ્તકે મને જ્ગાડ્યો જેમાં લખેલું કે”તમે જીવનમાં ક્યારેય ન કર્યું હોય એવું સારું,કંઇક નવું. અનોખું કરી બતાવો.”બેટા,નાનો હતો ને ત્યારે હું સરસ ચિત્રો દોરતો,પણ છેલ્લા વીસ વરસથી ધંધા,નફા,પૈસા..વગેરેની હાયવોયમાં હું બધું ભૂલી ગયો હતો,પરંતુ આજ મેં નક્કી કર્યું કે આજકાલ વિધાર્થી નબળા પેપર કે પરિણામથી નાસીપાસ થઇ જીવનનો અંત આણવા સુધી પહોંચી જાય છે;તે ન થાય ને તે ફરી પડકાર ઝીલી લઇ નવી આશા,શ્રદ્ધા સાથે બેઠો થાય એવું કાંઇક કરું.ને દીકરા સાચું કહું?આ વાંચીને વિધાર્થી વગેરેને તો મળશે જ,પણ મને તો અત્યારે જ નવજીવન મળી ગયું.જો આ ચિત્રો.’

પહેલું ચિત્ર કરોળિયો ચડે એવું,બીજું તે નીચે પડે તેનું ને ત્રીજું તે ફરી ઉપર ચડી અંતે ઘર બનાવવામાં સફળ થાય એ પ્રકારનું હતું.રમેશે ચિત્રો જોયા ને પછી તે ઘરની બહાર નીકળ્યો………….. ………દીકરો મોડી સાંજે ઘેર પાછો આવ્યો ને પપ્પાને વળગી રડવા લાગ્યો.પછી થોડું સ્વસ્થ થતા એ બોલ્યો,’પપ્પા,સવારે જ્યારે હું તમને મળવા આવ્યો’તો ત્યારે અમારી પરીક્ષા પૂરી થતાં જ હું કાંકરિયા તળાવની પાળે ફરવા જવાની રજા લેવા આવ્યો’તો.પણ સાચું કહું? હું કાયમ માટે તમારી રજા લેવા આવ્યો’તો.હું ત્યાંથી પાછો ન્હોતો આવવાનો,પણ્ તમારી વાર્તા,ચિત્રો વગેરે જોઇ હું ઘેર પાછો ફર્યો છું.

બધા માબાપ તમારા જેવા હોય જે મિત્ર બની સાચું વહાલ કરે,ખોટું દબાણ ન કરે તો જીવવાની મઝા આવે.થેંક્યુ પપ્પા.’થોડીવાર સાવ શાંતિ છવાઇ ગઇ.ને પછી પપ્પા ગળગળા સાદે કહી રહ્યા,’બેટા,એવા અનેક લોકો છે જે ભણવામાં સાવ ‘’ઢ’’ હતા છતાં સફળ થયા છે.પરીક્ષા મહત્વની છે જે દિલ દઇ પૂરી મહેનત કરી આપો,પણ્ એની જ ફૂટ્ટપટ્ટીથી તમારી કુશળતાને ન માપો.ને ખાલી અભ્યાસક્ર્મના ચોપડા જ ન વાંચો.બીજું પણ વાંચો.થોડું નાચો-ગાઓ,હરો-ફરો તો ટેંન્શન જાશે,આનંદ આવશે,ને ઊલટું વધુ યાદ રહેશે.પરીક્ષા એ જીવનની છેલ્લી તક નથી.એની બહાર પણ એક સુંદર જીવન છે.સચિન તેંડુલકર ઝીરોમાં જાય તો તે કાયમ માટે ક્રિકેટ છોડી નથી દેતો..

ફરી હિંમત બતાવી બીજા મેચમાં સદી ફટકારે છે.ઝીરોમાંથી હીરો બની જાય છે.હારો ભલે,પણ હિંમત ન હારો.બેટા,તું આ પરીક્ષામાં ભલે કદાચ ઓછા ગુણ મેળવ કે નાપાસ થા,પણ જીવનની પરીક્ષામાં તો તું ફર્સ્ટ-ક્લાસ પાસ થયો છે.અભિનંદન.આ સદ્ગુણનું મૂલ્ય પેલી પરીક્ષાના ગુણ કરતાય ક્યાંય વધુ છે..ચાલ,એના માનમાં થોડો મસ્ત ડાંન્સ થઇ જાય.’….ને પિતા-પુત્ર બંને ખુશીમાં નાચવા લાગ્યા.બંનેને કશુંક અનોખું પ્રાપ્ત થયું હતું.

***********************************************************************

“અસર”ના વાચક  મિત્રો,  આ  વાર્તા પોરબંદરના  શ્રી દુર્ગેશ ઓઝાએ મોકલી છે. પ્રેરણા કે બોધ આપતી વાર્તાઓ તો ઘણાંય લખે. પરંતુ દુર્ગેશ ઓઝાએ માત્ર વાર્તા લખીને કે છપાવીને સંતોષ નથી માન્યો.  જેના સુધી આ સંદેશો પહોંચવો જોઈએ તેના સુધી પહોંચાડવાના શક્ય તેટલા ઉપાયો પણ અજમાવ્યા. લીઓ કલબના સહકારથી વાર્તા  અને સાથે સાથે ઉમદા સંદેશો પરિક્ષા વખતે જ પોરબંદરમાં ઘેર ઘેર પહોંચાડ્યો.  જે પ્રયાસ બદલ લોકોએ સારા પ્રતિભાવો પણ આપ્યા.

એક ઉમદા હેતુ કાજે અસર બ્લોગને  યોગ્ય ગણવા બદલ અમે એમના આભારી છીએ.

શ્રી દુર્ગેશ ઓઝાનો સંપર્ક માટે મોબાઈલ નંબર —  9898164988

મિત્રો… બોર્ડની પરિક્ષાના પરિણામો આવે ત્યારે જે  સારા માર્ક્સથી પાસ થયા હોય તેમને ત્યાં આનંદ ..આનંદ  ને આનંદ! ને જેમને પરિક્ષામાં નિષ્ફળતા મળી હોય તેમને ત્યાં રાંધ્યાં ધાન રઝળી જાય! વહાલથી ઉછેરેલાં સંતાનો હીબકા ભરે! મનમાંને મનમાં ગુનાહિત  ભાવો અનુભવે! ઘરની બહાર નીકળતાં શરમ અનુભવે! માબાપને એમ લાગે કે -બસ બધું ખલાસ થઈ ગયું!

ને આવી ભારેખમ ક્ષણોનેના ભારને સહન ન કરી શકનાર સંતાન ન ભરવા જેવું પગલું ભરી લે એ ક્યાંનો ન્યાય ?

ક્યાં સુધી આવું ચાલ્યાકરે?

કેટલાક લોકોને લાગ્યું કે  અટકવું જ જોઈએ.  ને એ લોકોએ  સમાજને એ માટે  સંદેશો પહોંચાડવા પોતાની તાકત કામે લગાડી.કેટલાક લેખકોએ  અને પત્રકારોએ પોતાના લખાણો દ્વારા આ વાત વાચકો સુધી પહોંચાડી.  સમાજના  કેટલાક આગેવાનોએ પોતાની વગ આ સંદેશો લોકો સુધી પહોંચાડવાની પોતાની ફરજ બજાવી.

 અમારો પણ આ એક નમ્ર પ્રયાસ છે.

મિત્રો… જે પરિક્ષામાં પાસ થયા હશે તેમને ત્યાં પેંડા ખાવા તો સહુ જશે! પરંતુ જે નાપાસ થયા હોય તેમને ત્યાં માત્ર આશ્વાસન જ નહીં .. હિંમત અને વિશ્વાસ આપવા જનારા  પણ હોવા જ જોઈએ!

ચતુર હોય તે જવાબ આપે

ગમ્મત

[મંદિરના બાંકડાઓ પર વડીલ પરિવારના સભ્યો  વચ્ચેની વાતચીત  ચલી રહી છે… ] 

ભગુભઈ – ચ્યમ રાવજીભાઈ આજે મોડા પડ્યા?

રાવજીભઈ- ઓ ભઈ! જવાદોને વાત! એક પોસ્ટ લખીને પબ્લિશ કરવા જતોતોને એની માને પૈણે સાલી લાઈટ ગૈ! અર્ધો કલાકે આઈ રઈ! એમાં મોડું થઈ જ્યું. 

ભગુભઈ- પોસ્ટ નહોતી કરવી!

રાવજીભઈ- મારો નિયમ છે  કે એક વખત પોસ્ટ લખાઈ ગૈ એટલે એને રાખી નૈ મૂકવાની. એને  હેડતી કરવાની  એટલે  પ્રતિભાવો  આવતા થાયને?

ભગુભઈ-  કેટલા દસ પંદર આયા હશે?

રાવજીભઈ-ઓ ભઈ! દસપંદરની ક્યાં મેથી મારો છો ? રેઢા પડ્યા છે? બધા આપણી જેમ નવરા નોય! હા બે  પ્રતિભાવ આવી જ્યા!

સોમભઈ – એમાં એક તો પેલા  રાધારમણનો હશે?

રાવજીભઈ- હોવે! તમને ચ્યમ ખબર ?

સોમભઈ- ચ્યમ ના હોય!  મને પણ એ ભઈ પ્રતિભાવ આલે છે હો .

રાવજીભઈ- એ રાધારમણ તો જબરા  છે લ્યા! તમે પોસ્ટ મૂકો ન મૂકો ત્યાં તો એનો પ્રતિભાવ આવીને ઊભો જ હોય!

ભગુભઈ- ઝડપી પ્રતિભાવ સેવા!  

રાવજીભઈ-  વાંચ્યા વગર જ પ્રતિભાવ આલે પછી ઝડપી જ હોયને! તમે લખો  કશું ને એ લખે કશું! સાંધાનોય મેળ નૈ!

સોમભઈ – ઓ ભઈ! એવું બધું નૈ જોવાનું !  પ્રતિભાવ આલે છે એ જ ઘણું!  ધરમની ગાયના દાંત નૈ જોવાના! શું કો  છો ભગુભઈ?

ભગુભઈ- આપણે તો પોસ્ટ મૂકીને  છૂટ્ટા! જેને વાંચવું હોય તે વાંચે ને પ્રતિભાવ આલવો હોય તે આલે! આપણે પાછું વળીને એ પોસ્ટ પર જોવાનું જ નૈ!  રોજ નવી ગીલ્લી ને નવો દાવ! મારા બ્લોગ પર જોજો.. એકદમ શાંતિ! ટાંકણી પડે તોય સંભળાય.

સોમભઈ- સંભળાયજને! તમારા બ્લોગ પર તમારી સિવાય કોઈ હોય જ નૈ તો! આ રાવજીભઈના બ્લોગે તો ભાતભાતની ખોપરીઓ સામસામી ભટકાય!

રાવજીભઈ- હોવે! મને તો ખેંચાખેંચી વગર મજા જ નૈ આવે!

સોમભઈ – હવે એમાં એવું થાય છે કે રાવજીભઈની દાઝ ઘણા મારા બ્લોગ પર કાઢે છે! મારા લખાણ  માટે રાવજીભઈએ પ્રતિભાવ આલ્યો હોય તો એની સામે મોરચો મારા બ્લોગ પર મંડાય!  એમાં મેં શું લખ્યું ને કેવું લખ્યું એની વાત તો બાજુ પર રૈ જાય ને સામસામે પથ્થરમારો થતો હોય એમ પ્રતિભાવો ના ઘા થાય! સાલું આપણે દિમાગનું દઈં કરીને પોસ્ટ  મૂકી હોય પણ પ્રતિભાવોમાં  બીજી જ વાતોની મેથી મરાતી હોય!

ભગુભઈ-  બ્લોગમાં પોસ્ટ  મૂકવા ખાતર  દિમાગનું દઈં કરાય જ નૈ .  

સોમભઈ- તો શું કરાય? 

ભગુભઈ- …… …… 

[હે ચતુર વાચકમિત્રો ભગુભઈએ સોમભઈના સવાલમાં માત્ર બે શબ્દોમાં જવાબ આપ્યો કે બ્લોગમાં પોસ્ટ મૂકવા માટે શું કરાય! એ બે શબ્દો ક્યા હશે તે બાબત આપ સહુ જણાવશો તો અમારા આ લેખની શોભામાં અભિવૃદ્ધિ  થશે. ]

સિત્તેરના દાયકાની સાફસૂફી

ગમ્મત

મિત્રો,

આપણે સિત્તેરના દાયકાની દિવાળી અને નવા વર્ષની ઉજવણીની વાતો કરવાની છે. યાદ છે ને?

ન  હોય તો આ રહ્યાં કેટલાક દૃશ્યો:

મધ્યમ વર્ગના લોકોનાં ઘર છે ને દિવાળીને આવકારવા માટે સાફસૂફી થઈ રહી છે.

માળિયાઓ ખાલી થઈરહ્યા છે. શોભાના ગાંઠિયા જેવા વાસણો ધોવાઈ રહ્યા છે.

ઘરમાંથી જૂનો સામાન નીકળી રહ્યો છે. એમાંથી ક્યો કામનો અને ક્યો ભંગાર એ નક્કી કરવાના કાર્યક્રમો ચાલી રહ્યા છે.

ભંગાર તરીકે કાઢેલી ચીજો કામ લાગશે એમ માનીને ઘરના વડીલ  દ્વારા એ  ફરી પાછી ઘરમાં મૂકી દેવાય છે.

જૂની ડાયરીમાં ચાંલ્લાના વહેવારનો હિસાબ છે જે હિસાબ ફાડવો વડીલને   ઠીક લાગતો નથી.

જૂની તસવીરોમાં પોતાનો તાજગી ભર્યો  ચહેરો જોઈને ઘરની ગૃહિણી અનાયાસે દર્પણ તરફ દોડી જાય છે.

ને એના પતિદેવ આ બધું ક્યારે સરખું ગોઠવાશેની ચિંતામાં વારેવારે અકળાયા કરે છે.

બાળકો ખોવાઈ ગયેલા રમકડાં મળવાથી રાજી રાજી થઈ જાય છે. પણ એમના પર ‘હમણા નહીં રમવા’નો હૂકમ છૂટે છે.

પોટલાની ગાંઠો  ખૂલે છે ને અંદર દબાયેલો ભૂતકાળ પહોળો થઈને વેરાઈ  જાય છે. સ્વર્ગસ્થ દાદાજીનો  મુક્તિ ઝંખતો કોટ   તાજોમાજો થવા કાજે અને ફરીથી પોટલામાં પુરાવા કાજે તડકે મૂકાઈ જાય છે.

જરૂર હતી ત્યારે જ જે નહોતી મળી એ  ખીલીઓનું પડીકું જોઈને પતિદેવને  બીજી ખીલીઓ ખરીદ્યાનો  અફસોસ થાય છે.

“હવે તો આને જાવા જ દ્યો ” કહેતી ગૃહિણી ફાટીતૂટી  સૂટકેશનો ઘા કરે છે.

ને ફેરિયાનો અવાજ આવે છે: એ… ભંગા…ર!

… મિત્રો, શું વિચારી રહ્યા છો? તમને થતું હશે કે: આણે ક્યાં  ભંગાર થઈ ચૂકેલા સમયની વાત માંડી છે!

પણ એ સમય હતો  ગમે તેવા ઘરને પણ સોનાનું ઘર માનવાનો.

દિવાળીના દિવસો પહેલાં એને ચમકતું  કરવામાં રાત દિવસ એક થઈ જતાં.

જાત મહેનત ઝિંદાબાદના એ દિવસો હતા. ચૂનો ને રંગ કરતાં કરતાં આંગળીઓમાં ડંખ પડી જતા. પણ જ્યારે કોઈ આવીને કહેતું કે: વાહ! હવે ઘર સરસ દેખાય છે..  ત્યારે ડંખોની પીડા છૂમંતર થઈ જતી હતી.

એ દિવસો હતા નાનાં નાનાં સપનાં જોવાના. આખું વરસ કરકસર કર્યા પછી એક ટેબલ ફેન ખરીદવાના કે નવું કૂકર ખરીદવાના. ને એવી ચીજો ખરીદ્યાનો આનંદ આખી શેરીમાં વહેંચવાના.

એ દિવસો હતા નવા કપડાં સીવડાવવા માટે દરજીને ત્યાં  ધક્કા ખાવાના.

એ દિવસો હતા જૂનો હિસાબ ચૂકતે કરવાના.

એ દિવસો હતા, છાપાંની પસ્તીમાં પણ કોઈ કવિની કવિતા ચાલી ન જાય એની કાળજી રાખવાના.

સંઘર્યો સાપ પણ કામ લાગે એવી માનસિકતાના.

મિત્રો, કદાચ ત્યારે ઘરમાં અને મનમાં  જગ્યા ખૂબ રહેતી હતી . ઘર વેરવિખેર હોય ને કોઈ અતિથિ આવી ચડે તો પણ  માણસ પોતે વેરવિખેર નહોતો થઈ જતો!

ને આવી કેટલીય તૈયારી કર્યા પછી જે દિવાળી  આવતી એની કિમત પણ ઓછી કેમ આંકવી?

રખેને આપણે ઊંઘતાં રહી ને દિવાળી આવી જાય તો?

ચેવડા ને  મઠિયાં તૈયાર કરવાને બહાને ઘરની ગૃહિણી આખી રાતનો ઉજાગરો કરતી.

ને પરોઢમાં તો  દિવાળીને આવકારવા કાજે આંગણે  નવી રંગોળી તૈયાર થઈ જતી!

ને આજે એ બધું જ કાળના પોટલામાં બંધાઈ ચૂક્યું છે! એમાંથી થોડુંઘણું બહાર ડોકિયાં કરે છે .

જેના દર્શન અમે આપને  ‘ઍક્શન રીપ્લે’ દ્વારા કરાવી રહ્યા છીએ.

આજે બસ આટલું. ફરી મળીશું. ત્યાં સુધી જલસાકરજો .

આજનું લવિંગિયું:

ચેવડો  સાફ થઈ જાય એની પહેલાં મળો

ને મઠિયાં  હવાઈ જાય એની પહેલાં મળો

ઘૂઘરા જે  ડબામાં રહ્યા છે હવે એક બે

એ અમોથી ખવાઈ જાય એની પહેલાં મળો.