એક ગામ કે જે નજર સામેથી હટવાનું નથી લેતું નામ!

વાયરા

મિત્રો, 

ચોમાસાનો દબદબો વ્યાપી ચૂક્યો છે. હું પણ એની અસરમાં છું. પરંતુ મન ખામોશીથી ઘેરાયેલું છે. વળી એ વારંવાર  વર્તમાનની નજર ચૂકવીને બાળપણ અને વતન તરફ નીકળી પડે છે. આ બાવરાપણું, જીદે ચડેલા ભમરાની માફક મારા મનની આસપાસ સતત ગુંજ્યા કરે છે.

જિંદગીના નકશા પર  બાળપણ અને વતનને મનના mouse દ્વારા વારંવાર click  કરવાની આ રમત, વર્તમાન સાથે છેતરપીંડી કરનારી હોવા છતાં રમાઈ જતી હોય છે! બદલાતા વાતાવરણના કારણે મનમાં બદલાતા રંગ અને રસાયણોથી ભલભલા નથી બચ્યા તો હું કોણ?   

જ્યારથી આકાશ વાદળાંઓથી ઘેરાવા લાગ્યું ત્યારથી જ મન મીઠા ઝુરાપાથી ઘેરાવા લાગ્યું છે. એ ઝુરાપાનું કેન્દ્ર છે એક ગામ! એક ગામ કે જે નજર સામેથી હટવાનું નથી લેતું નામ! 

કોઈ બાળક પોતાની માતાને ધાવતું હોય એવી અનુભૂતિ સાથે ટેકરીને વળગેલું એ ગામ.

ગીરપ્રદેશની હથેળીની યશરેખા જેવી એક નદીને કિનારે આળોટતું એક ગામ.

“સાવધાન! અહીં સપાટ પ્રદેશ પૂરો થાય છે અને ટેકરિયાળ પ્રદેશ શરૂ થાય છે” એવી જીવતીજાગતી નોંધ સમું એક ગામ.  

ચોમાસાના પહેલા વરસાદના સ્વાગતમાં ગ્રામજનો બોલતાં કે: વરહય મારાજ વરહય! વરસાદને મહારાજનું બિરુદ અપાતું! વરસાદ મન મૂકીને વરસતો તો બાકીના આખા વરસમાં સહુના મન રાજી રહેતા. 

ગીરમાં બહુ વરસાદ વરસ્યો એ ખબર  ગામમાં ફેલાવાવા કાજે  ‘જીવતા જાગતા માણસ’ સિવાય બીજું કોઈ  NETWORK  નહોતું. ને એ ખબર લાવનાર ખેડૂતના કંઠ દ્વારા  જાણે સાક્ષાત સરસ્વતી પ્રગટ થતાં! એ ખબર, માત્ર ખબર ન રહેતા  કુદરતની કૃપાનું જાહેરનામું બની રહેતું. 

વગડામાં અનરાધાર વર્ષાને ઝીલીને ભીંજાયેલા આત્મા સાથે ગામમાં પ્રવેશતો એકેએક ખેડૂત,ગોકુળ-મથુરાની જાત્રા કરીને આવ્યો હોય એટલો રાજી રાજી દેખાતો. ગામના વેપારીઓ હાટડીઓમાંથી ડોકાં કાઢી કાઢીને એ ખેડૂતોના દર્શન કરતા અને એમનાં મનનાં ડબ્બા  ઉધારી પતવાની આશા સાથે છલક છલક છલકાવા લાગતાં! વર્ષાદેવીના પ્રભાવથી ગામના કારીગરો અને મજૂરોનાં મનમાથી પણ દુખના ભૂત ભાગવાં લગતાં. 

વરસાદમાં,મોંઘેરી અમાનત સમું ગાયોનું ધણ લઈને ગામનો ભરવાડ વગડામાંથી વહેલાસર ગામભેગો થતો અને ડેલી કે ખડકીમાં પ્રવેશતી ગાયો ભાંભરડા દ્વારા વગડાના બદલાયેલા રૂપરંગનાં ખબર પ્રસારિત કરતી.

બાળકો!

કાગળની હોડી બનાવવાનું તો એક શહેરી શિક્ષકે શીખવાડ્યું હતું. બાકી તો ખીલાખુતામણી માટે અણીદાર સળિયાઓ અને તૂટેલાં દાતરડાંની બોલબાલા હતી.  વળી ભીના રસ્તા પર લપસી જવાની ઘટનાને  રમતમાં ખપાવી દેતાં કોણ રોકતું હતું? …ને વરસાદ અટકવાનું નામ ન લેતો હોય ત્યારે નાનામોટાં ગમે તેની સાથે  નવકૂકરી, અઢીયું કે ચોપાટમાં મગ્ન થઈ જવાની સેવા વિનામૂલ્યે ઉપલબ્ધ હતી. એ ઉપરાંત નીશાળના મેદાનમાં નવા છોડવા રોપવાનું કામ પણ કોઈ રમત જેટલું જ સુખદાયી હતું.    

વાવણીલાયક વરસાદ થાય એટલે સહુના મનમાં  ઉમંગની સપાટી વધવા લાગતી. ઉનાળાની ઋતુ દરમ્યાન મનમાં ધામો નાખીને પડેલી અકળામણ, ઉમંગના વહેણમાં તણાતી તણાતી કોને ખબર ક્યાં મલકમાં જઈને અટકતી! ધરતીમાતાની બેન્કમાં બીયાંની ફિક્સ ડિપોઝીટ મૂકીને આવતાં ખેડૂતોનાં ચહેરાપર એનાં પ્રમાણપત્રો નજરે પડતાં; જે ભણેલાં કે અભણ સહુ કોઈ વાંચી શકતાં. 

વરાપ  નીકળતી ત્યારે એમ લાગતું કે જાણે કુદરતે એક ઓઢણી ઉતારીને બીજી ધારણ કરી છે! વરાપ વૈભવ પ્રદર્શનના કાર્યક્રમમાં ભાગ લેવા કાજે રંગરંગનાં પતંગિયાં ઉતરી પડતાં. પ્રસંગને શોભાવવા પધારેલા અતિથિવિશેષ સમાં અવનવાં જીવજંતુઓ જીવના જોખમે ટહેલવા નીકળી પડતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા કાજે સમગ્ર વનસ્પતિ સમાજ સક્રિય સહયોગ આપતો. સ્વયંસેવકો તરીકેની ફરજ બજાવતા હોય તેમ વૃક્ષો ડાળીઓ નમાવી નમાવીને દર્શકોને આવકારો આપતા હતાં. મોરલા સહીત અન્ય પક્ષીઓ વગર આગ્રહે ગીતો ગાવા કાજે તત્પર રહેતાં. ગામ અને વગડા એમ બંને તરફનાં કિનારા ફેલાવતી નદી ભવ્ય કાર્યક્રમનું  ઉદ્ઘાટન કરતી મહિલા આગેવાન સમી લાગતી હતી. 

ચોમાસામાં ગામમાં તકલીફો પણ ઘણી હતી.

ગામમાં વૈદ કે દાક્તર નહોતા. બાજુના ગામમાંથી વૈદ આવ્યા હોય તો, ગામલોકો એમને આખો દિવસ રોકી રાખતાં.ઘેર ઘેર એમની પધરામણી થતી.મોટાભાગનાં બાળકો બે જણથી બહુ ડરતાં. એક વૈદથી અને બીજા માસ્તરથી. માસ્તરને હક હતો કે, રમતા છોકરાઓને  ઘરભેગાં કરી દે. જે માસ્તર છોકરાઓને  દબડાવે નહિ તે નમાલો ગણાતો.

ઘરની છત પર દેશી નળિયાંઓ  આખું વરસ અઘોરી અવસ્થામાં રહેતાં. વરસાદ પડે ત્યારે તેઓ નહાઈને સાફસુથરાં થતાં. શિવલિંગ પર જળ અભિષેક થતો હોય તેમ ઘરમાં એ દેશી નળિયાંની છતમાંથી ઠેકઠેકાણે જળ ટપક્યાં કરતુ. એ ટપકતી જલાધારાની વચ્ચે પથારી માટે ગાદલાને બદલે ગોદડીનો ઉપયોગ જ યોગ્ય રહેતો.સરકારી બંગલા પર વિલાયતી નળિયાંનો અડ્ડો જળવાઈ રહેતો. બહુ ખમતીધર ગણાતાં લોકોના ઘરની છત પર પણ જ ગોરા અમલદારો જેવાં વિલાયતી નળિયાં જોવાં મળતાં. 

માટીની ભીંતો આમ તો વરસાદ સામે ઝઝૂમવામાં પોતાનાં તરફથી કોઈ કચાશ ન રાખતી. પરંતુ જો લાચાર થઈને ઢળી પડતી તો એણે ફરીથી ઊભી કરવામાં મહિનાઓ પણ ઓછા પડતાં. 

શહેર તરફ જવાના રસ્તા કાચા હતાં. ચોમાસામાં તો કાદવથી એનું રસ્તાપણું લજવાઈ ઊઠતું. શહેર તરફથી આવતી બસ તો, વહીવટી તંત્રના સમયપત્રક પ્રમાણે સમયસર જ બંઘ થઈ જતી.એને વરસાદનાં આવવા ન આવવા  સાથે કશું લાગતુંવળગતું નહોતું. જેને  ફરીથી શરૂ કરાવવા માટે અરજી વ્યવહાર કરવો પડતો. ને બસ ફરીથી પધારતી ત્યારે એવું લાગતું કે જાણે સાક્ષાત માતાજી પધાર્યા છે. 

દીવા અને ફાનસનું અજવાળું જ પર્યાપ્ત ગણાતું. ઘાસલેટના બચાવ કાજે એનો ઉપયોગ વિવેક પૂર્વક થતો. અંધકારને એની ફરજ બજાવવાનો પૂરો અધિકાર હતો. 

હોંશે હોંશે જેને આવકારો આપ્યો હોય એ જ વરસાદ ત્રાગે ચડેલા બાવાની જેમ જવાનું નામ ન લે ત્યારે એને ખમૈયા કરવાનું પણ કહેવું પડતું.

જો કે, ચોમાસું જે આપે છે એની સામે આ બધી તકલીફો તો વેવારિક છે એમ સહુ કોઈ માનતાં. 

એ  ચોમાસું જાતું તો આખું વરસ ચાલે તેટલી  ખુશીઓ મૂકતું જાતું. 

એમાંની કેટલીક ખુશીઓ અત્રેથી વહેંચવાની આ હરકત  કરી છે. 

બાળપણ કે વતનની યાદ તો સહુને આવતી જ હોય. એ રીતે જોઈએ તો આ માત્ર મારી જ વાત નથી. કે આમાં ક્યાંક ને ક્યાંક તમારી પણ વાત હશે જ. 

બાકી  તો.. 

આજ વરસાદ નથી એમ ન કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

ધોધમાર ખાબકતા શ્રી  રમેશ પારેખને યાદ કરીને આ વાતને વિરામ આપું છું.   

Advertisements