ફાગણની ઝાળઝાળ બળતી વેળામાં… ગરમીમાં ઠંડીનો એહસાસ! — યશવંત ઠક્કર

ગમતી રચનાઓ

શિયાળો ઓણસાલ ઓછો રોકાયો હોય એવું લાગે છે. આજકાલ વધતું જતું તાપમાન સમાચાર અંને ચર્ચાનો વિષય બન્યું છે ત્યારે શહેરના રાજમાર્ગ પર ભાગતા માણસને રોકીને પૂછ્યું હોય કે ભલા માણસ તને ફાગણ ફોરમતો આયોની ખબર પડી? તો કશો જવાબ આપ્યા વગર ચહેરા પર 42 ડીગ્રી તાપમાનનો આંક બતાબતો ભાગી જાય એવી શક્યતા વધારે છે. પણ આજ માણસ આપણને નવરાત્રિના તહેવાર વખતે ‘ફાગણ ફોરમતો આયો’ ગીત પર ઝૂમતો દેખાય તો આંચકો ન ખાવો. આતો Airconditioned Hotel માં બેસીને રોટલો અને અડદની દાળ ખાવાની મજા માણવાની વાત છે!!

પરંતુ એક કવિને આવા જ દિવસોમાં અમરેલીમાં જિંદગીની દોડધામ વચ્ચે પણ એક મજાનું ગીત સૂજ્યું. કવિ નામે રમેશ પારેખ અને ગીત આ રહ્યું……..

તારું પહેલા વરસાદ સમું આવવું

ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું

હવે આંખોને કેમરે ભુલાવવું

બળતે બપોરે ભીનો પગરવ સુણીને

કાંઈ વાસ્યાં કમાડ અમે ખોલ્યાં

ચારે આંખોનાં એવાં અંધાર્યાં વાદળાં

કે શમણે આવેલ મોર બોલ્યા

ઓચિતા ધોધમાર સામસામે આપણે ઊભા રહ્યાં-નું પૂર આવવું

ફળિયે પલાશફૂલ નીતરતું ઝાડ

અને હું રે વેરાઈ જઉં રાનમાં

મારી હથેળીમાં ય એવી રેખાઓ

જેવી રેખા છે ખાખરાનાં પાનમાં

લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું ?

ફાગણની ઝાળઝાળ બળતી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું

હવે આંખોને કેમરે ભુલાવવું

********

*માત્ર ને માત્ર એક પ્રશંશક તરીકે કેટલાક ચમકારા રજૂ કરવાનું મન થાય છે

*આંખોને શું નથી ભુલાતું?: કોઈનું આગમન.

*કોઈનાં આગમનનો સમય : ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં.

*આગમન કેવુ? : પહેલા વરસાદ સમું.

*પગરવ કેવો?: ભીનો ને વળી એવો કે જેને સાંભળીને કળી શકાયો.

*આવનારને શાની તકલીફ લેવી ન પડી?: બારણું ખખડાવવાની કે ‘ ડોર-બેલ’ વગાડવાની.

*વાદળાં શેનાં અંધાર્યાં? : ચારે આંખોનાં.

*ક્યા મોર બોલ્યા?: શમણે આવેલ.

*શેનું પૂર આવ્યું?: ઓચિતા ધોધમાર સામસામે બેઉનું ઊભા રહ્યાંનું.

*ફળિયે ઝાડ કેવું?: પલાશફૂલ નીતરતું.

*ક્યાં વેરાઈ જવાની વાત ?: રાનમાં.

*હથેળીમાં રેખઓ કેવી?: જેવી રેખા છે ખાખરાનાં પાનમાં.

*છાંયડાં કેવી રીતે ઊછેરી શકાય?: લીંબોળી વાવીને.

*મૂંઝવણ શાની થાય છે?: ચોમાસું વાવવાની.

*અરે યાર … આવું તો બધા બહુંને થયું હશે પણ આવું ગીત લખ્યું કેટલાયે?: માત્ર રમેશભાઈએ.

*આ ગીત કેવું લાગે છે?: ગરમીમાં ઠંડીનો એહસાસ કરાવે એવું!

Advertisements