બ્લોગ જગતમાં ફરાળી બ્લોગ્સ કેટલા?

અસર, ગમ્મત

જય બ્લોગનારાયણ.

અમારા કમ્પ્યૂટરમાં ખરાબી થવાના કારણે અમે લગભગ  દોઢ મહિના પછી આ ઓટલે આવ્યા છીએ. અમને હતું કે,ઓટલે ઝાળાં બાઝી ગયાં હશે! પણ ઓટલો એકદમ સાફ છે! અમે ભલે હાજર નહોતા પરંતુ લોકોની અવરજવર રહી છે! કેટલાક મિત્રોએ અમારી ગેરહાજરીની નોંધ પણ લીધી છે! એથી અમને સારું લાગ્યું છે!

પોતાની ગેરહાજરીની  થોડીકેય નોંધ લેવાય એ કોને ન ગમે? ને એ પણ આટલા મોટા બ્લોગજગતમાં? હેં? શું કહો છો? નહીં તો એક બ્લોગર થોડાક દિવસો દેખાયો તોય શું ને ન દેખાયો તોય શું? જો કે અમે સમજદાર  છીએ એટલે અમને ખબર છે કે, અમારા ન લખવાથી બ્લોગજગતમાં કોઈ મોટી ખોટ નથી પડી ગઈ!!! કે નથી આભ તૂટી પડ્યું!

મિત્રો, એક વાત યાદ આવે છે. એક કર્મચારી મિત્રને એવો ભ્રમ હતો કે, આખી ઓફિસ અને એના સાહેબનું દિમાગ બંને એના થકી જ ચાલે છે!!! વટના માર્યા એણે બોસને પાઠ ભણાવવા સાવ અચાનક રજા મૂકી દીધી!! ઓફિસ કેમ ચાલે છે તે જાણવા માટે વળી એક મિત્રને છાનાંસપનાં ફોન પણકર્યો!!! ફોન ઉપાડનાર પણ એના માથાનો હતો!!! .. આવો એ સંવાદો યાદ કરીએ…

ગેરહાજર રહેનાર: [ધીરેથી] હલો… હું  બોલું છું. ઓફિસ કેમ ચાલે છે?

ફોન ઉપાડનાર: બરાબર ચાલે છે!!!

: સાહેબ શું કરે છે?

:મજા કરે છે!!

:પણ આજે તો હું નથીને?

:એટલે જ મજા કરે છે!!

: કોઈ પ્રોબલેમ નથીને?

: ના ભાઈ ના! પ્રોબલેમ આજ ગેરહાજર છે!!!!!!!

તો મિત્રો, વાત આમ છે! અમારી હાજરીથી કોઈને રાહત ન થાય તો ચાલે પણ અમારી ગેરહાજરીથી કોઈને રાહત થાય એ દિવસો બ્લોગનારાયણ ન દેખાડે!!

એક બીજી વાત યાદ આવે છે. આજકાલ તો લોકોને મોટાભાગે કોઈની જાનમાં જવાનો પણ સમય નથી! પણ એક જમાનો હતો કે, કોઈની જાનમાં જવા માટે નાનામોટા સહુને ઉમંગ રહેતો હતો. જઈ જઈને ક્યાં જવાનું હોય? પાંચ પચીસ ગાઉ દૂરના ગામે! જમવામાં પણ મોટાભાગે બુંદીના લાડુ અને મોહનથાળ જ હોય! [યાદ કરો.. શાહબુદ્દીનભાઈ રાઠોડ સર્જિત, “વનેચંદનો વરઘોડો”.] પણ તોય મજા મજા થઈ જતી હતી.

હવે વાત એમ બને કે, કોઈની જાન ઉપડવાની થાય ત્યાં સુધી એ વડીલ જ ન આવે કે જે વડીલ થકી સગાઈ નકી થઈ હોય! તો? જાન ઉપાડાય? આજની વાત અલગ છે! પણ ત્યારે વરના બાપા અને મા બંને એ વડીલને મનાવવા જાતાં! જરૂર પડે તો વરના કાકા ને મામા પણ દોડતા!! આમ તો એ વડીલે જાનમાં જવાની થેલી પણ તૈયાર જ રાખી હોય. છતાંય વિવિધ પ્રકારના બહાનાં કાઢે: જેવાં કે.. તબિયત બરાબર નથી.. મને સરખો આગ્રહ કર્યો નથી… મારી હવે જરૂર નથી… વગેરે વગેરે!!! પણ એ વડીલને માનસહિત જાનમાં લઈ જવાતા. આજે એવા વડીલો નામશેષ થઈ ગયા છે.

ધારો કે આવા કોઈ વડીલથી જાનમાં ન જવાયું હોય:પણ જ્યારે એને ખબર પડે કે, એમની ગેરહાજરીની નોંધ માંડવાવાળાએ પણ લીધી હતી ત્યારે એમને શેર લોહી ચડતું!!!!!

બ્લોગજગતમાં પણ ગેરહાજરીની નોંધ લેવાય એ વાત પણ આનંદ આપનારી કે અહમને સંતોષનારી છે!!!

અટકીએ? બ્લોગાચાર્યનું કહેવું છે કે. લાંબા બ્લોગાપવાસ પછી બ્લોગ ભોજન થોડું થોડું વધારવું! તો આવજો અને જલસા કરજો. જો ઉપવાસ કે એકટાણાં કર્યાં હોય તો ધમધમાવીને  ફરાળ કરજો. આજકાલ તો કેવું કેવું ફરાળી મળે છે! ફરાળી ચેવડો… ફરાળી પેટીસ.. ફરાળી ભજીયાં.. ફરાળી કટલેસ…

કદાચ, ફરાળી પાણીપૂરી કે ફરાળી સેવઉસળ કે ફરાળી પિત્ઝા કે ફરાળી બર્ગર સુધી વાત પહોંચી ગઈ હોય તો અમને જાણ નથી!!! પણ આ પવિત્ર શ્રાવણ મહિનામાં અમારા મનમાં એક પવિત્ર સવાલ એવો થાય છે કે: બ્લોગ જગતમાં ફરાળી બ્લોગ્સ કેટલા?

Advertisements

મેરે દિલમેં આજ ક્યા હૈ…

વાયરા

મિત્રો, આ પહેલાંની પોસ્ટમાં જે રચના મૂકી હતી તેની પહેલી બે પંક્તિ આ પ્રમાણે છે:

બેફિકર થઈ હું મિલાવું હાથ પણ

શહેરમાં શકમંદ એકે એક જણ.

આ પંક્તિઓ બાબત અમારે થોડી [ઝાઝી!!!] વાત કરવી છે. પણ  તે પહેલાં એક ગીત યાદ કરાવું.

મેરે દિલમેં આજ ક્યા હૈ…

આ પંક્તિ વાંચીને તમને રાજેશખન્નાવાળી ફિલ્મ “દાગ” યાદ આવી ગઈ હોય તો સોનામાં સુગંધ જેવું! પર્દા પર ખન્નાજીએ તેમની આગવી અદામાં આ ગીત રજૂ કરીને નાયિકાની સાથે સાથે પ્રેક્ષકોને ખુશ કરી દીધાં હતાં.

અમે  વર્ષો પહેલાં આ ફિલ્મ જોઈ હતી. ત્યારે અમે નાદાન હતા એટલે અમારા દિલમાં કોઈ સવાલો જાગ્યા નહીં. વળી ત્યારે  અમારી વાત સાંભળનાર કોઈ નહોતું જ્યારે આજે ભગવાનની [ ભગવાન મતલબ wordpress ] દયાથી તમે લોકો છો!!! { કોઈને આ બાબતમાં wordpress ની કોઈ મહેરબાની ન જણાય એવું પણ બને! આ તો અમને જે લાગ્યું તે લખ્યું!! }

અમારું કહેવું એમ છે કે: ફિલ્મમાં બતાવેલા સંજોગોમાં નાયકના દિલમાં શું હોય તે નાયિકાને ખબર ન પડી જાય? નાયકે તે કહેવું પડે? કે પછી પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને ગીત બતાવ્યું હશે! અરે એણે બીજા કોઈ કલાસ ન ભર્યા હોય ને માત્ર હિદી ફિલ્મસ્ જોઈ હોય તો પણ એને ખબર પડી જાય કે આવા સંજોગોમાં નાયકના દિલમાં શું હોય! અરે! આ ફિલ્મની પહેલાં તો “આરાધના” આવી ગઈ હતી! અને “રૂપ તેરા મસ્તાના…” ગીત પણ આવી ગયું હતું! વળી આજ નાયક હતો અને આ જ નાયિકા હતી! તો પણ ફરીથી ભૂલ! ભૂલોની જ પરંપરા!

અમારું કહેવું એમ છે કે: આવા વિશિષ્ઠ સંજોગો ન હોય અને સામાન્ય સંજોગો હોય તો પણ નાયિકાને ખબર પડી જ જાય કે, નાયકના કે ખલનાયકના દિલમાં શું છે! નાયકે એ વાત  હાવભાવ સાથે અન્ય ગાયક કલાકારની મદદથી જણાવવાની જરૂર રહેતી નથી!

પણ .. ફિલ્મ બનાવવાનો સવાલ હતો! એટલે આ સરસ મજાનું ગીત બતાવ્યું!  ગીત એ મોટાભાગની હિદી ફિલ્મનો પ્રાણવાયુ છે! હિંદી ફિલ્મ એ માછલી જેવી હોય છે. માછલીએ જેમ શ્વાસ લેવા માટે વારેવારે પાણીની સપાટી પર આવવું પડે છે તેમ હિંદી ફિલ્મની પણ મજબૂરી છે કે એણે વારેવારે કહાનીની બહાર ગીત લેવા આવવું પડે છે! ઘણી ફિલ્મસ્ તો ગીતો થકી જ તરી ગઈ છે!

ચાલો જવા દઈએ એ મુદ્દો! આપણે યાદ કરીએ એ ગીત… મેરે દિલમેં આજ ક્યા હૈ.. તૂ કહે તો મૈ બતા દૂ…અમારું કહેવું એમ છે કે: શું નાયક ખરેખર જે પોતાના દિલમાં હશે એ બતાવવાની વાત કરે છે કે પછી બીજું કશું ક ભળતું જ! શું ખરેખર કોઈપણ વ્યક્તિ દિલની વાત કહે છે ખરી? ખરેખર દિલમાં જે હોય તે કોઈ કહે છે ખરું?

આજ ફિલ્મમાં આગળ જતાં બીજું એક ગીત આવે છે કે:  જબ ભી જી ચાહે નઈ દુનિયા બસા લેતે હૈ લોગ, એક ચેહરે પે કઈ ચેહરે લગા લેતે હૈ લોગ...

આવી  ગઈને એ જ વાત કે:

ચાવવાના દાંત જુદા ને બતાવવાના જુદા ! … મુખમેં રામ બગલમેં છૂરી!  …માણસના મનને કોણ ઓળખી શક્યું છે? .. મુખવટો… આંચળો…બેવડું વ્યક્તિત્વ … દંભ… વગેરે વગેરે વગેરે!

પણ નાયક શું કહે છે? એનું તો કહેવું છે કે, આ બધું હાલાતને કારણે થયું!

હાલાત, સંજોગો, સમય, વક્ત, મજબૂરી, જરૂરિયાત… આ બધા કેવા મજાના શબ્દો છે! ખરા સમયે કેવા કામ લાગે છે! ચાલો જોઈએ…

હું તો ભાઈ ભગવાનનો માણસ! પણ સંજોગોએ ભાન ભુલાવ્યું!

શું કરીએ? સમય એવો આવ્યો! બાકી અમે જિંદગીમાં કદી આવાં કામ કર્યાં નથી!

સમય ભાન ભુલાવે છે ભાઈ! નહીં તો પાંચમાં પૂછાતો માણસ આવું કરે?

સંજોગો જ માણસને મજબૂર કરે છે!

… ઓળઘોળ જાય બધું સંજોગો કે સમય પર! આપણો શો વાંક!

બધાંને સાફ દિલના રહેવું છે પણ મજબૂરી!!! નથી રહેવાતું!! કારણ તો કે, દુનિયા એવી જાલિમ છે! થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ! જમાનો ખરાબ છે! કોણ ક્યારે બાટલીમાં ઉતારીને બૂચ મારી દે તે કહેવાય નહીં. સંભાળી સંભાળીને જીવવા જેવું છે! … આમને આમ સંભાળતાં સંભાળતાં આપણે દૂધને બદલે છાશ પણ ફૂંકી ફૂંકીને પીતાં થઈ જઈએ છીએ! ને આપણને ખબર પણ નથી પડતી કે: જમાનો તો પહેલાં જેવો ભલે ન રહ્યો હોય પણ આપણે પોતે પણ પહેલાં જેવા નથી રહ્યા!!!  જાતનો બચાવ કરતાં કરતાં બીજાનો શિકાર કરતાં થઈ જઈએ છીએ! સામે આવનારો એકે એક માણસ જાણે આપણને બાટલીમાં ઉતારવા જ આવ્યો હોય તેવું લાગે છે!!!  ખરાબ અનુભવોના બહાનાં મદદે આવે છે!! ને આપણે હોશિયાર થઈ જઈએ છીએ! પછી ભલે મામલો ધંધાનો હોય કે સંબધનો હોય કે વહેવારનો હોય! આપણી આંખો પર જાસુસનાચશ્માં લાગી જાય છે! .. ને લખનાર લખી નાંખે છે કે:

બેફિકર થઈ હું મિલાવું હાથ પણ

શહેરમાં શકમંદ એકે એક જણ.

કોઈને કદાચ એમ થાય કે: આ લખનાર આખા શહેરને શકમંદ કહે છે તો પોતે શું સજ્જનનો સાતમો અવતાર છે? પોતે શું હંમેશા ભરોસાને પાત્ર છે? બીજાને શકમંદ કહેનાર પોતે કેવો છે તે નહીં વિચારતો હોય? પોતાની જાતમાં ડોકિયું  નહીં કરતો હોય? અરે! હાથ ન મિલાવવો  હોય તો ન મિલાવે! પણ બીજાને શા માટે વગોવે છે?

થાય! કોઈને પણ થાય! અને થવું જ જોઈએ! કોઈએ જે પણ લખ્યું તેના પર ઓળઘોળ થઈ જવાની જરૂર નથી! સારું સારું લખનાર પોતે ખરેખર બત્રીસ લક્ષણો હશે એમ માનવાની જરૂર નથી! સુંદર મજાની ચિંતન કણિકાઓ લખતો ચિંતક દૂરથી દેખાતા અને કુદરતી દૃશ્ય દોરવામાં કામ લાગે તેવા રળિયામણા ડુંગર જેવો હોય છે! નજીક જાઓ તો ખબર પડે કે: કેટલા કંટકો સંઘરીને બેઠો છે! તેને સારા સારા વિચારો આવવાનું કારણ નિયમિતરૂપે મળી  જતા પુરસ્કારના ચેક પણ હોઈ શકે! અત્રે આ લખનારને સારું લખવાની આવી કોઈ મજબૂરી નથી. તે કોઈ ચિંતક પણ  નથી. છતાંય તે ક્યારેક ભૂલથી સારું સારું લખી નાંખતો હોય તો પણ તેનું લખાણ સવાલોને પાત્ર હોઈ શકે! કોઈ મફત ભજીયાં ખવડાવે એનો અર્થ એ તો નથીને કે, તે વાસી ભજીયાં ખવડાવે!

તો વાત કરીએ મુદાની! આ લખનારે શું લખ્યું છે? શહેરમાં શકમંદ એકે એક જણ! તો એકે એક જણમાં તે પોતે પણ આવી ગયોને?

તો પછી?

મૂર્તિઓને કદી તોડવી પણ પડે

ઝાપટાં

મૂર્તિઓને કદી ખોડવી પણ પડે

મૂર્તિઓને કદી તોડવી પણ પડે.


વાટમાં આવતી ધર્મશાળા સમી

લાગણીને કદી છોડવી પણ પડે.


માણસો માંગતાં રોજ વાતો નવી

રોજ નોખી કથા જોડવી પણ પડે.


સખ્ત  હાથે કદી કામ લેવું પડે

આંજણીને કદી ફોડવી પણ પડે.


ઠીક લાગે નહીં એમ થાકી જવું

જિંદગી દોડ છે દોડવી પણ પડે.

કુંડલાની નાવલીનું પાણી પીધું હોય ઈ ક્યાંય પાછો નો પડે

નગર પરિચય

મિત્રો,  અમુક વ્યક્તિઓની વાત કરવા માત્રથી  આપણામાં થોડુંઘણું જોર આવી જાતું હોય છે. “ફલાણો માણસતો મરદનો દીકરો” આવું બોલતી વખતે બોલનારના લોહીમાં પણ ગરમાવો આવી જતો હોય છે. એક જમાનામાં ધર્મેન્દ્ર કે અમિતાભની ફિલ્મ જોઈને થીએટરની બહાર નીકળ્યા પછી અમારી પણ ચાલ બદલાઈ જતી હતી!  અમારી શારીરિક  શક્તિની વાસ્તવિકતા પછી ગૌણ વાત બની જતી હતી!! જેવું વ્યક્તિઓનું,એવું જ અમુક પ્રદેશ કે નગર ક્રે ગામની બાબતમાં બનતું હોય છે. જેમ કે સૌરાષ્ટ્રના સાવરકુંડલા નગર માટે અમે ઘણી વખત સાંભળતા કે: કુંડલાની નાવલીનું પાણી પીધું હોય ઈ ક્યાંય પાછો નો પડે”

આ વાતનો સામાન્ય ભાવાર્થ એ જ કે: કુંડલામાં રહેલો માણસ એવો તો ઘડાઈ જાય કે એ ક્યાંય અને ક્યારેય સુખમાં કે દુ:ખમાં  હિંમત ન હારે. મતલબ કે એ નગરજન પર નગરના ઇતિહાસ, આબોહવા અને સમાજજીવનની એવી તો અસર પડે કે, એને સાવરકુંડલા યાદ આવે ને એ પોતાના વર્તમાનને ભૂલીને કુંડલાની નાવલીમાં આંટા મારવા લાગે!!! અમે પણ ઘણી  વખત સાવરકુંડલાની નાવલીમાં આંટા મારી લઈએ છીએ. અમે વર્તમાન સાવરકુંડલાની વાત નથી કરતા. અમે કરીએ છીએ એ સાવરકુંડલાની વાત જે સાવરકુંડલામાં ગામને વચ્ચેથી ખરેખર અને સાચુકલી એક નાવલી નામે નદી વહેતી હતી. અને નદી પર પુલ નહોતો! કેવું હતું એ સાવરકુંડલા!!

એક તરફ સાવર અને બીજી તરફ કુંડલા. વચ્ચે નાવલી નદી. રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશન બંને સાવરમાં અને મોટાભાગની દુકાનો કુંડલામાં. એથી જે કોઈ કુંડલામાં ખરીદી કરવા આવે એણે આવતી વખતે અને પાછા ફરતી વખતે નાવલીમાં પગ બોળવા પડે.વિચાર કરો કે કોઈ નવાં કપડાં પહેરીને  સાવરકુંડલામાં આવ્યો છે અને એક હાથમાં થેલી અને જોડાં અને બીજા હાથમાં કપડા ઊંચા કરીને નાવલી પસાર કરી રહ્યો છે… અને સામેથી અચાનક એક ઘોડાગાડીવાળો ભોપોંપ ભોંપોપ કરતો આવી રહ્યો છે અને એને જગ્યા આપવામાં હાથમાંથી કપડા છૂટી જાય છે અને પાણીથી ભીંજાય જાય છે!  અને એ કાંઠે આવીને પાયચાને નીચોવતો નીચોવતો અને હસતાં હસતાં બોલે છે કે: ભારે કરી !!! અને એ ભીનાં કપડે જ  કુંડલાંની બજારમાં જ હટાણું કરે છે. ગાંઠીયાંજલેબી ખાય છે  એનાં ભીનાં કપડાં સુકાઈ જાય છે અને  પાછો ફરે છે ત્યારે ફરી નાવલી નદીમાં ભીનો થાય છે!!!

એ વખતે સાવરકુંડલામાં વજનકાંટા બનાવવાનો ઉદ્યોગ જોરમાં હતો. સાવરકુંડલાની બજારમાં આખો દિવસ ધડ ધડ અવાજો સંભળાતા રહે. સાથે સંભળાતા રહે ઘોડાગાડીના હોર્નના ભોંપોપ ભોંપોપ અવાજો!  ઘોડાની તવડક તબડક ચાલના અવાજો. ચાબૂકના ફટકારના સટાક સટાક અવાજો.

વજન ભરીને  આવનજાવન કરતા લારીવાળાઓની બૂમો અમને અત્યારે પણ એવીને એવી જ  સંભળાય છે: એ ભાઈ, જાવા દ્યો જાવા દ્યો. એ આઘા રહ્યોની, વાગી જાહે તો પાછા રાડ્યું નાખશો. લે કરો વાત! આઘા રહ્યો એમ નો કેવું? એમાં સું  તમને કઈ દીધું? ઉતાવળ તો હોય જ ને? બસ કાંઈ મારી કાકી નથી થાતી કે  ઊભી રહે! મારેય કોઈનો માલસામાન તો પોગાડવો જ પડેને!

અને સાંભળો આ ઘોડાગાડીવાળા  અને  મહિલા ઉતારુઓ  વચ્ચેનો સંવાદ:

– એ  ઘોડાગાડીવાળા ભાઈ, ટેશન આવવું છે?

-આવવું જ હોયને?

-કેટલા  લેશો?

– જે  ભાવ છે એ લેશું.  તમારી પાહેથી નઈં વધારે લઈ.

-એમ નઈં. ચોખવટ સારી.

– બે રૂપિયા આપી દેજો.

-બે રૂપિયા હોય કાંઈ? અમે રોજ દોઢમાં આવીઈ છઈ.

-દોઢમાં નો પોસાય.

– નો પોસાય તો કાંઈ નઈં.  અમે હાલી નાંખશું.

ઘોડાગાડીવાળો થોડે દૂર જઈને ગાડી ઊભી રાખે છે અને કહે છે કે: હાલો. આવતાં રહ્યો. હેરાન થઈ જાહો. ટેશન  ઓરું નથી.

-દોઢથી વધારે નઈં. આ પેલા કીધું.

– હા. બેન હા.

અને પછી ઘોડાગાડીવાળાની બૂમો: એ હાલો ભાઈ હાલો. એક કોર રહ્યો. એ લારી, નો ત્રેવડ હોય તો આટલું વજન નો ભરતો  હો તો.  એ સાયકલ. વાતું  કરવી હોય તો એકકોર્ય રઈને કર. માણસ પણ કેવા  થાય છે? વચોવચ બીડી પીવા ઊભા થઈ જાયસ! … .

ને… તાવડામાંથી થાળમાં ઠલવાતા ગાંઠિયા,  લખોટીવાળી સોડાબાટલીના અવાજો, ફોનમાં મોટેથી ભાવતાલ કરતાં શેઠિયાઓ , ફિલ્મની જાહેરાત કરવા ઢોલનગારા સાથે  નીકળેલી રેકડી, ગામડેથી રોકડિયા પાકની રોકડી કરવા બળદગાડામાં મગફળી ભરીને આવેલા ખેડૂતો, ગબડી પડતા સાયકલ સવારો, પથારા પાથરીને બેઠેલા શાકભાજીવાળા, કટલેરીની દુકાનોમાંથી  હોંશે હોંશે શૃંગારસામગ્રી ખરીદતી ગ્રામીણ  કન્યાઓ… ને સાથોસાથ પેલા લોખંડ ટીપાવાના  ધડ ધડ અવાજો… ને.. એ આઘા રહ્યો આઘા રહ્યો… જાવ દ્યો જાવા દ્યો…. ભોંપોપ ભોંપોપ ભોંપોપ ભોં……..પોપ!

એ જનરલ મરચન્ટ  એન્ડ કમિશનરના બોર્ડ્સ ! એ જુદીજ દુનિયામાં લઈ જતી મહેશ ટોકિઝ! એ વિવિધ જ્ઞાતીના છાત્રાલયો! મહાજન વાડીઓ! એ મંદિરો!  એ ઉછળતાં કૂદતાં  શિક્ષણના ધામો! એ બાવડાં ફૂલાવતું વ્યાયામ મંદિર! સાંજ પડેને “બહારો ફૂલ બરસાઓ.. ” જેવા ગીતો સાંભળવા માટે પહોંચી જવાનું મન થાય એ જનતાબાગ! એ ઝાડવાંની છત્રછાયામાં  બેસીને રોફ મારતું પોલીસ સ્ટેશન! એ ઢગલા મોંઢે ગ્રામજનોને ઠાલવતું બસ સ્ટેશન ! મહુવા ને ઢસાની વચ્ચે ઠાવકું થઈને  ઊભેલું રેલ્વે સ્ટેશન! અને એની પેલે પાર ગાંધીજીના સપનાંને સમાવતું  ખાદીકાર્યાલય! ને  વીજળીને વહેતી રાખતું જીઈબી!

ને એ દિવાળી! એક બાજુ સાવરના લોકો અને બીજી બાજુ કુંડલાના લોકો! ને  દારૂ ભરેલાં ઈંગોરિયાંની સામસામે ફેંકાફેંકી! ને બીજા દિવસે દવાખાને દાઝેલાઓની મુલાકાતો!!

ને …ચૂંટણીના દિવસોમાં એકબીજાને હરાવવા માટે ચોટીનું જોર લગાવી દેનારા એ મુરબ્બી શ્રી લલ્લુભાઈ શેઠ અને એ કાપેલી ધારના શ્રી નવીનચંદ્ર  રવાણી!! એમનાં વ્યંગબાણોથી ભરેલાં  ભાષણો!

આટલું આટલું લખ્યા પછી પણ  જો અમે “એ જોગીદાસ ખુમાણનું સાવરકુંડલા” એવું ન કહીએ તો આ આખો લેખ જાય પાણીમાં!!!

મિત્રો ભૂતકાળને પૂરેપૂરો પકડી શકાતો નથી. એ પતંગિયાં સમો છે. હાથમાં આવતો નથી ને કદાચ આવે તો સમગ્ર આવતો નથી. આવે છે નાજુક નમણી પાંખો!!!

તમે પણ  તમારા જૂના નગરને યાદ કરજો અને વિચારજો કે સમયના બદલાતા  રંગો કેવા કેવા હોય છે!!!

ચુરા લી હૈ તુમને જો પોસ્ટ તો… બ્લોગ નહીં ચુરાના સનમ

ગમ્મત, બ્લોગજગત

બ્લોગજગતની  “મનોરંજન”  રંગભૂમીમાં આપનું હાર્દિક સ્વાગત છે.

અમારા બ્લોગવિસ્તારના  કદરદાતાઓ,

પ્રતિભાવદાતાઓ,

તમારાં થકીજ અમને અવારનવાર સુવિચારો આવે છે.

આજનો અમારો  સુવિચાર એવો છે કે બ્લોગજગતની ફિલ્મ્સ બની હોત તો? અહાહા! કેવાં કેવાં દ્શ્યો આપણને જોવા મળ્યા હોત!

નાયિકા બ્લોગ લખતી હોય… ખલનાયક એનું COPY PASTE  કરતો હોય! નાયકનાં ધ્યાનમાં આવે… એ ખલનાયકને પકડી પાડે. ખલનાયકને  COPY PASTE કરેલું લખાણ હટાવવું પડે.. નાયિકા નાયકનો આભાર માને… “ આપકા બહોત બહોત શુક્રિયા”

તો જવાબમાં  નાયક કહેતો હોય કે: “ઈસમેં શુક્રિયાકી ક્યા બાત હૈ? યે તો મેરા ફર્જ થા.”

… ને પછી  શરુ થાય પ્રણયગીત…

આજકાલ તેરેમેરે બ્લોગકે ચર્ચે હર જબાન પર

સબકો માલૂમ  હૈ ઔર સબકો ખબર હો ગઈ…

[ તો ક્યા?]

[મ્યુઝિક: ટૂં…. ટૂટૂટૂ..  ટૂં…. ટૂટૂટૂ  ટૂં…. ટૂટૂટૂ…]

મિત્રો, જૂની ફિલ્મ્સનાં પ્રણયગીતો ની બોલબાલા હતી. આજે પણ  છે. પણ એ વખતે બ્લોગજગત નહોતું! જો હોત જરૂર એને ફિલ્મ્સમાં સ્થાન મળ્યું હોત! તો ફિલ્મનાં  નાયક નાયિકા કેવા કેવા ગીતો ગાતાં હોત! અમે  એ બાબતની કલ્પનાઓ કરી છે અને અત્રે ગીતોની યાદી મૂકી છે. દ્શ્યોની  કલ્પનાઓ તમારા પર છોડીએ છીએ. તો માણો, બ્લોગજગતનાં પ્રણયગીતો….

[1]મેરે બ્લોગપે કૉમેન્ટ રાની, તું ને દિયા  શુક્રિયા …  શુક્રિયા

મેરે પ્યાસે બ્લોગકો પાની, તું ને દિયા શુક્રિયાં … શુક્રિયા.

[2] મૈ તેરે બ્લોગપે ઠહર ના જાઉં કહીં, મુજસે કૉમેન્ટ ચુરાનેકી કોશિશ ના કર

મૈ તેરે બ્લોગકી ગઝલ ગાઉં ન કહીં, મુજસે મોમેન્ટ ચુરાનેકી કોશિશ ના કર.

[3] યે રેશમી ગઝલે .. યે સરબતી બાતેં

ઇન્હે પઢકર કૉપી કર રહે હૈ સભી…

ઇન્હે પઢકર કૉપી કર રહે હૈ સભી..

[4]  કોરા કાગજ થા બ્લોગ મેરા..

બસ ગયા ઇસમેં  ગીત  તેરા…

બ્લોગપે પોસ્ટ રખનેસે પહલે…. મુજે તેરી  કૉમેન્ટ્સ  મિલનેસે પહલે..

કહાં થી યે બાતેં.. ઐસી રાતેં .. યે મુલાકાતેં…

સૂના  આંગન થા બ્લોગ મેરા… બસ ગયા ઇસમેં  થીમ તેરા…

[5]  અઈં અઈં યા કરું મૈ ક્યા સૂકૂ સૂકૂ

ખો ગયા બ્લોગ મેરા સૂકૂ સૂકૂ…

[6] સદા ઠુશ રહે  તુ  કૉપી કરનેવાલે..

દુઆ  કર રહેં હૈં બ્લોગ લિખનેવાલે..

[7] સેવખમની સેવખમની ખાના નહીં…મુજે છોડકે મુજે છોડકે

ઓ બ્લોગર મેરે યારા… યે વાદા નિભાના

ભૂખે મર જાના, મગર ખાના નહીં…

સેવખમની સેવખમની ખાના નહીં…મુજે છોડકે.. મુજે છોડકે.

[8]  હો… ગતકડા જાનકર તુમતો મેરા બ્લોગ છોડ જાતે હો.

મુજે ઈસ હાલમેં કિસકે સહારે છોડ જાતે હો.

[9] હમારે બ્લોગ કોઈ આયેગા

કૉમેન્ટકી દોરસે બંધ જાયેગા..

હો.. આયેગા આયેગા આયેગા….

[10] કહાં ચલ દિયે.. ઈધર તો આઓ

મેરે બ્લોગકો, ના  ઠુકરાઓ..

ભોલે બ્લોગર, માન ભી જાઓ … મન ભી જાઓ.

[11] જાનેવાલે કભી નહીં આતે… જાનેવાલોકી યાદ આતી હૈ

બ્લોગ એક મંદિર હૈ… બ્લોગ એક મંદિર હૈ,,,,

[12] મેરે બ્લોગકી ગંગા ઔર તેરે બ્લોગકી જમુના

કા  બોલ રાધા બોલ બ્લોગિન્ગ હોગા કિ  નહીં?

કા બોલ રાધા બોલ બ્લોગિન્ગ હોગા કિ નહીં.

[13] મૈ કા કરું રામ મુજે બ્લોગર મિલ ગયા

હાય હાય બ્લોગર મિલ  ગયા …

કવિઓકે દેશ મુજે બ્લોગર લેકે આ ગયા

સબ જો લાયે ગઝલ.. બ્લોગર હઝલ  લેકે આ ગયા

મૈ હો ગઈ બદનામ, મુજે બ્લોગર મિલ ગયા

મૈ કા કરું રામ મુજે બ્લોગર મિલ ગયા

હાય હાય બ્લોગર મિલ  ગયા ..  હાય હાય બ્લોગર મિલ  ગયા

[14] બદલ ગયા થી…મ,  હો ગયા કામ

જાને દો જાના હૈ

અભી અભી તો આઈ હો, અભી અભી તો  જાના હૈ…

[15] યે મેરે દિલ કહીં ઓર ચલ

ઇસ બ્લોગસે દિલ ભર ગયા

ઢૂંઢ લે બ્લોગ કોઈ ઔર નયા

યે તો  પૂરા  કૉપી-પેસ્ટ હો ગયા ..

[16] કૉમેન્ટ જા જા જા …  કૉમેન્ટ જા જા જા .

પહલે બ્લોગકી પહલી કૉમેન્ટ  સાજનકો  દે આ

કૉમેન્ટ જા જા જા …  કૉમેન્ટ જા જા જા .

[17] હમ દોનો દો પ્રેમી  બ્લોગિન્ગ છોડ ચલે

બ્લોગિન્ગ કી હર સારી રસમેં તોડ ચલે.

[એ બાબુ,,, કહાં ચલે? ‘દિવ્ય ભાસ્કર’ ચલે યા ‘સંદેશ’ ચલે?]

[18] આજ કી રાત મેરે બ્લોગસે કૉપી કર લે

કલ તેરી મેહફિલસે બ્લોગર ચલા જાયેગા..

જોક  રહ જાયેગી

જોકર ચલા જાયેગા.

[19] ચુરા લી હૈ તુમને જો પોસ્ટ તો …  બ્લોગ નહીં ચુરાના સનમ

બદલકે થીમ અપને  બ્લોગકા.. બદલ નહીં જાના સનમ

[20] ઓ  હસીના ગઝલોવાલી જાને જહાં .. ઢૂંઢતી હૈ બ્લોગ આગે કિસકા નિશાન

બ્લોગ બ્લોગ એ શમા ફિરતી હો કહાં?

બ્લોગ અન્જાના  ઢૂંઢતી હું… ગીત મસ્તાના ઢૂંઢતી હું…

મેરે બ્લોગમેં જો બસે વો ખજાના ઢૂંઢતી હું.

[મ્યુઝિક: ઠેન્ટેન  ઠેન્ટેન  ઠેન્ટેન…]

[21]  બ્લોગર હૈ હમ બ્લોગરકો ન ઘર ચાહિયે .. ન ઘર ચાહિયે

ગઝલોસે ભરા એક બ્લોગ ચાહિયે… એક બ્લોગ ચાહિયે.

[23] એક થા બ્લોગર ઔર એક થી બ્લોગર

દોનો કમ્પ્યુટરમેં  રહતે થે

યે કહાની બિલકુલ સચ્ચી હૈ

મેરે ટીચર  મુજકો કહતે થે.

[24] બદનપે લેપટોપ લપેટે હુએ

ઓ જાને તમન્ના કિધર જા રહી હો

જરા પાસ આઓ તો

બ્લોગ ખિલ જાયે…

[25] મૈ તેરી પોસ્ટ હું તુ મેરા બ્લોગર હૈ

બ્લોગગ્રંથ કે પન્નો પર અપના નામ તો જોકર હૈ…

[26] ક્યા ગીત લિખતી હો અચ્છી ગઝલ લિખતી હો

કુછ ભી કહો કહતે રહો ..

મુજે  અચ્છા લગતા હૈ

બ્લોગિન્ગકા હર સપના અબ સચ્ચા લગતા હૈ.

[27] પોસ્ટ પોસ્ટ ના રહી બ્લોગ બ્લોગ ના રહા

એ બ્લોગિન્ગ હમે તેરા એતબાર ના રહા ..એતબાર ના રહા.

[28]  લિખે જો ગીત તુને વો તેરે બ્લોગ મેં

હજારો રંગકે મસાલે બન ગયે

સવેરા જબ હુઆ તો  હલ્દી   બન ગયે

જો રાત આઈ તો મિર્ચી બન ગયે.

[28] દિલરુબા મૈને ..તેરે બ્લોગપે ક્યા ક્યા ન કિયા..

પ્રતિભાવ દિયા… પ્રતિઘાત લિયા

પ્રતિભાવ દિયા…પ્રતિઘાત લિયા

[29] દર્દે બ્લોગ બઢતા જાયે… સારી સારી રાત નીંદ ન આયે

દે કૉમેન્ટ કોઈ ઐસી કિ ચેન આ જાયે.

[30] લિખે જો બ્લોગ તો પોસ્ટ ચુરાયે

ના લિખે તો મર જાયે

હમેં  ક્યા હો ગયા હૈ … હમેં ક્યા હો ગયા હૈ?

[31] શબ્દો મેં ઘોલા જાયે થોડાસા કબાબ

ઉસમેં ફિર મિલાઈ જાયે થોડીસી શરાબ

હોગા જો  લોચા યું  તૈયાર

વો બ્લોગ હૈ….

[32] હો તુમ મુજે યું ભૂલા ન  પાઓગે .. હો તુમ મુજે યું ભૂલા ન પાઓગે.

જબ કભી ભી પઢોગે બ્લોગ મેરે

સર પકડકે તુમ ભી બૈઠ જાઓગે… હો તુમ મુજે યું ભૂલા ન પાઓગે.

[33] ચલતે ચલતે મેરા યે બ્લોગ યાદ રખના

કભી અલવિદા ના કહના … કભી અલવિદા ના કહના .

બાપા આવે છે

વાયરા

જય જલારામ.
આજે જલારામ જયંતી છે.
સંત જલારામ. ભગત જલારામ. બાપા જલારામ. વીરપુરના વાસી જલારામ.
એ જલારામ કે જેણે તરસ્યાને પાણી પાયા. ભૂખ્યાને ભોજન દીધા. થાકેલાને આશરો દીધો.
એ જમાનામા.. કે જમાનામાં આટલી બધી સગવડતાઓ નહોતી. આટલા બધાં સાધનો નહોતાં. આવા રસ્તા નહોતા. આવાં વાહનો નહોતાં. તોય વીરપુર જેવાં નાનકડાં ગામમાં એક સામાન્ય વેપારીના દીકરાએ ભક્તિ,ભજન,સત્સંગ અને સેવાનો કારોબાર શરૂ કર્યો. આજે ભલે છપ્પનભોગ,ભંડારો કે મહાપ્રસાદનાં આયોજન છાશવારે થતાં હોય પણ ત્યારે જલારામે કેટલી કેટલી મુસીબતો વેઠીને અતિથીઓનાં ભાણાંમાં શાક,રોટલો કે ખીચડી મૂક્યાં હશે? ને આટલું ઓછું હોય એમ પાછા સત્સંગ માટે વીરપુરથી ઠેઠ ફત્તેપુર[અમરેલી] ગુરુ ભોજા ભગત પાસે પહોંચતા. વાત વાતમાં હાંસીને પાત્ર ઠરતો હતો એ જલો પછીથી જલારામબાપા કહેવાયો. કોઈ જાતના પ્રચાર વગર. માત્ર ને માત્ર પોતાનાં કાર્યોથી.
જલારામ જેવા કોઈ પણ સંતોએ ભલે કોઈપણ જ્ઞાતીમાં જન્મ લીધો હોય પણ તેઓનું જીવન સમગ્ર સમાજ માટે સમર્પિત હોય છે. જલારામ લોહાણા કે ઠક્કર જેવી વેપારી જ્ઞાતિમાં જન્મ્યા હતા. સ્વાભાવિક રીતે જ આ જ્ઞાતીને આ બાબતનો ગર્વ હોય. અમારા મનમાં પણ એવો ભાવ રમતો હોય છે. પણ અમે જાણીએ છીએ કે એ માત્ર અમારા બાપા નથી. આપણા સહુના બાપા છે. જલારામને મન કોઈ ભેદ નહોતા. નાત,જાત કે ધર્મના ભેદ નહોતા. અમીર-ગરીબના ભેદ નહોતા. સમાજના તમામે તમામ વર્ગના લોકો જેને ચાહતી હોય એવી વિભૂતિ કોઈ ચોક્ઠામાં પૂરાઈને રહેતી નથી.
બીજી વાત. આવા ભક્તો કે સંતોના જીવન સાથે અનેક ચમત્કારોની વાતો જોડાયેલી હોય છે. આજે પણ બાપાના જીવન સાથે નાના મોટા પરચા કે ચમત્કારોની વાતો જોડાતી હોય છે. સહુની શ્રધ્ધાને અમે નમસ્કાર કરીએ છીએ. પણ અમને વાત વાતમાં માનતા માનવાની આદત નથી. અમે બાપા પાસે આશીર્વાદ માંગીએ છીએ પણ અમારા સંઘર્ષ વગર ચમત્કારની આશા રાખતા નથી. સંતાનો પરિક્ષામાં પાસ થઈ જાય, કોઈને નોકરી મળી જાય કે કોઈની નાનીમોટી બીમારી મટી જાય એ બધી વાતો આનંદ આપનારી છે.પણ એથી કરીને મહેનત કે સંઘર્ષનો મહિમા ઘટવો ન જોઈએ એવું અમે નમ્રપણે માનીએ છીએ. એવી જ રીતે ચમત્કારોની છાયામાં જલારામબાપાનો પોતાનો સંઘર્ષ પણ અમે ભૂલવા માંગતા નથી..
અમે જ્યારે જ્યારે વીરપુર જઈએ છીએ ત્યારે ત્યારે અમને એવી ક્લ્પના કરવવી ગમે છે કે જાણે આ દેખાય છે એ કશું જ નથી. ન બજાર.ન દુકાનો. ન વાહનો. ન પાકા રસ્તાઓ. નાનકડું ખોબા સમાન ગામ છે. ગામની બહાર ખેતરોની વચ્ચે વાંકોચૂકો કેડો છે. કેડા પર કોઈ કહેતા કોઈ નથી. અને પછી લાગે છે કે કોઈ આવી રહ્યું છે. .. પછી ઓળખાણ પડે છે કે: અરે! આ તો બાપા આવે છે. જલાબાપા. હાથમાં લાકડી.ખભે જોળી. માથે પાઘડી.અને અંતરમાં રામ.
ઘણું કરીને અમે ધર્મ,ભક્તિ કે સત્સંગની વાતોની રજૂઆત કરતા નથી. અમે એમાં ઊંડા ઉતર્યા નથી. વધારે જાણતા નથી. એટલે ડહાપણ કરવામાં માનતા નથી. જલારામબાપા જીવન વિષે પણ સહુને જાણ છે. અમારે વિશેષ કશું કહેવું નથી. પણ અમારા મનમાં રમતી બેચાર વાતો આ બહાને રજૂ કરવાની તમન્ના અમે રોકી શક્યા નથી.
જય જલારામ બાપા.

એ…ગુલ્ફીમલાઈ

વાયરા

શહેરમાં કે  ગામડાંમાં   લોકોંની તાપ કે ગરમી સહન કરવાની શક્તિ ઘટી ગઈ છે.  બદલાતું હવામાન કે  પ્રદુષણમાં  વધારો  જેવાં કારણો તો હોઠવગાં છે.પણ તાપ કે ગરમીનો સામનો કરવાના સાધનો વધ્યાં છે એ પણ એક કારણ હોઈ શકે.

મને ત્રીસેક વર્ષો પહેલાંનું મારું નાનીધારી ગામ અને તે વખતના ઉનાળા યાદ આવે છે. એ વખતે  ઉનાળાની બપોરે તાપ કે ગરમીથી બચવા  માટે લોકો પાસે કેવાં વિકલ્પો હતાં ? મનમાં એવો સવાલ થાય છે ને એનો જવાબ મેળવવાની મથામણ  કરું છું. મને લાગે છે કે સૌથી સારો ઉપાય હતો :સહન કરવાનો! છતાંય  બીજા વિકલ્પોની યાદી બનાવવી હોય તો કાઈંક આવી બને:  છાંયો, ઝાડ, નદી…. બસ આગળ કશું યાદ આવતું નથી! હોય તો યાદ આવેને?

પણ  આતો થયા કુદરતી ઉપાયો! માણસોના પોતાનો ઉપાયો? એની યાદી બનવીએ તો : હાથપંખો, ભીનું કપડું, છાશ કે  વરિયાળીનું સરબત… બસ આગળ કશું નહીં!!!

એમ થાય કે કેટલી ઓછી જરૂરિયાતો! કોઈને એવું લાગે કે માણસ ત્યારે કેટલો સુખી હતો! કોઈને એવું પણ લાગે કે માણસ ત્યારે કેટલો લાચાર અને દુ:ખી હતો!!! એવી ચર્ચામાં અત્યારે ઉતરવા કરતાં  હું મારી વાત આગળ વધારીશ.

સહેલામાં સહેલો અને અઘરામાં અઘરો  ઉપાય સહન કરવાનો. બસ. સૂરજને ધગવું હોય એટલું ધગે. તાવ સહન કરતા હોઈએ એમ તાપ સહન કરી લેવાનો! અને ના થાય તો છાંયો ગોતી લેવાનો. છાંયો..  મકાનના પડછાયામાં. છાંયો.. ગાયો અને ભેંસોના ઢાળિયામાં . છાંયો .. ઓસરીમાં કે હલાણમાં. શરત એટલી કે પવનની એકાદ લહેરખી જો ભૂલી પડી હોય તો એ રોકાવી ના જોઈએ. ને એમાંય જો   લીમડાનાં  ઝાડ હેઠે ખાટલો નાખી દીધો હોય તો ભયો ભયો! છાંયડામાં કૂતરાંનો  પણ  હિસ્સો રહેતો હો !

દુકાળનું વરસ ના હોય અને નદી વહેતી હોય તો એના જેવું એકેય સુખ નહીં. ટાબરિયાં તો નદીમાંથી બહાર નીકળવાનું નામ ના લે. કાંઠે આંબા કે વડલાનાં ઝાડ અને ઝાડ  હેઠે ગાયો અને ભેંસોએ   સમાધી ચડાવી હોય અને ભરવાડ કે ખેડૂત પોતાનાં પનિયાંનું ઓશિકું કરીને  ઝાડ હેઠે આડો પડ્યો હોય ત્યારે શહેરનો કોઈ ઉતપાતિયો માણસ આવી ચડ્યો હોય તો એનેય મન થાય કે: લાવ હુંય થોડો આરામ ફરમાવી લઉં .  તેલ  લેવા ગઈ  દુનિયા!

વીજળી આવી નહોતી એટલે પંખાનો સવાલ નહોતો.  હાથપંખાનો ઉપયોગ સુધરેલાં હોય એ કરે! બાકી એવાં કષ્ટ  કોણ ઉઠાવે? માથે  કે કપાળે ભીનું કપડું મૂકી દીધું એટલે કામ પત્યું.  સર સલામત તો પઘડી બહોત. પીણામાં તો માટલાવગું પાણી ! છાશ  તો બપોરે જમવામાં લીધી હોય અને સરબત તો મહેમાન આવ્યા હોય તોજ બનાવાય!

આ હતા તાપ કે ગરમી સહન કરવાના ઉપાયો! પણ  એ ઓછા હોય એમ ખાંભા શહેર[?]થી  કૂલ્ફી વેચવાવાળો  સાયકલ પર સવાર થઈને આવી ચડે ને  બપોરની શાંતીને ચીરતો હોય એમ બૂમો પાડવા લાગે: એ…ગૂલ્ફીમલા …. ઈ!!! પછીતો બધી જમાવટ ગામના ચોકમાં જ્યાં કૂલ્ફીવાળો ઊભો હોય. નાનાં તો હોંશે હોંશે લેવા દોડે પણ મોટાંય પાછા ના પડે. ઉપરથી મમરો તો મૂકેજ કે : આપડે કાંઈ થોડા ગૂલ્ફી ખાવા જેવડા છઈ. આતો ઠીક જરા જોઈ લઈ .. કે  કેવીક  લાગેસ!

એ દિવસોમાં  મેં મેટ્રિક પાસ કર્યું હતું. નોકરી ન મળે ત્યાં સુધી આજીવિકા ખાતર ગામમાં બંધ કરેલી હાટડી ફરીથી ખોલી નાખી હતી. હું અને  સંબધમાં મારો ભત્રીજો પણ પાકો મિત્ર કહી શકાય એવો રમેશ વધારે કમાવા માટે શું કરવું જોઈએ એ બાબતની અવારનવાર ચર્ચા કરતા રહેતા. એ ચર્ચાના પરિણામે અમને ગુલ્ફી વેચવાનો ધંધો ઠીક લાગ્યો. એટલે અમે પહોંચ્યા ખાંભા મુકામે ,ધાતરવડી નદીના કાંઠે,ગુલ્ફીના કારખાને.  અમારી રજૂઆત સાંભળીને કારખાનાના માલિકે કહ્યું કે : હું તમને ગુલ્ફીય આપું ને પેટીય આપું. પણ તમારે ગામ પોગાડશો કેવી રીતે? આંયથી નાનીધારીની સીધી બસ તો છે નઈં! બસમાં લઈને વીસાવદરનાં  પાટિયાં  લગી લઈ તો  જાશો . પણ  પછી તમારે ગામ કેમ પોગાડશો?  આ તો  બરફ  કહેવાય! પાણી થઈ જાય! ગુલ્ફીનું ને ભેગાભેગ તમારા પૈસાનુંય!

“ઈ  બધી વાત સાચી પણ ઈનો કાંઈક રસ્તો દેખાડો. ” રમેશે રજૂઆત કરી.

“ઈનો એકજ રસ્તો છે કે તમારી પાંહે સાયકલ હોવી જોઈએ. આંયથી સાયકલની વાંહે પેટી મૂકી નથી ને સાયકલ ભગાવી નથી. કે વહેલું આવે નાનીધારી! બોલો છે સાયકલનો વેંત? ને છે ત્રેવડ રોજ વીસથી પચીસ માઈલ સાયકલ ચલાવવાની?”

અમે મૂંઝાયા. એક્બીજાની તરફ જોવા લાગ્યા. ત્યાંથી રવાના થવા સિવાય છૂટકો નહોતો.

“અમે વિચાર કરીને આવીશું. ” રમેશે વાતનો વીંટો વાળ્યો.

અમે એક ગાંઠિયાની દુકાને પહોંચ્યા.  બાંકડે બેઠા બેઠા અને ગાંઠિયા ખાતા ખાતા અમે ચર્ચા કરી જેનું તારણ હતું કે : આપણી પાસે સાયકલનો વેંત છે નહીં અને કદાચ થાય તોય આ રીતે ગુલ્ફી વેચીશું તો ગુલ્ફી ઓગળતા ઓગળશે પણ એની પહેલા આપણે ઓગળી જાશું. માટે આ ધંધો કરવા જેવો નથી. જે ચાલે છે એ બરાબર છે.

… આમ  અમે ગુલ્ફી વેચવાનો ધંધો કરી શક્યા નહીં. જો કર્યો હોત તો મેં પણ બૂમો પાડી હોત કે:   એ………. ગૂલ્ફી…  મલા……..ઈ!!!!!!

બ્લોગમિત્રો … તમને મારી બૂમ સંભળાઈ?

હા તો પાડો!!!!

આ નવું શું થાય છે ટોળે વળો

ઝાપટાં
નગર તસવીર:ધવલ ઠક્કર

નગર તસવીર: ધવલ ઠક્કર લેખ:યશવંત ઠક્કર

આપણું નગરજીવન સાચી ને ખોટી રીતે ઘણું જ વગોવાયું છે. નગરજીવન બાબત કેટલીક મુખ્ય ફરિયાદો  આવી હોય છે.

[1] નગર કે શહેરમાં કોઈ કોઈનું નથી.  સાચો માણસ મળવો મુશ્કેલ છે.

[2] નગરમાં ઘાસ અને વૃક્ષોનો સફાયો થઈ જતો હોય છે . ગાયમાતાઓ ઘાસના અભાવે પ્લાસ્ટિકની થેલીઓ ખાતી હોય એ જાણે કે સ્વાભાવિક ગણાવા માંડ્યું છે.

[3] નગરમાં પક્ષીઓ માટે કોઈ જગ્યા નથી.  પક્ષીઓના ટહુકા ડોરબેલ કે ટીવી મારફતે સાંભળીને સંતોષ માનવો પડે છે.

[4] શહેરમાં ચોખ્ખી હવા માટે ફાંફા મારવા પડે છે.

[5] શહેરમાં લાજ શરમ નેવે મુકાઈ ગયા છે. ખાસ કરીને કન્યાઓ અને મહિલાઓની બાબતમાં.

… ઉપર જણાવેલી બાબતો રજૂ કરતી હોય એવી અનેક કવિતાઓ ,વાર્તાઓ કે અન્ય પ્રકારની રચનાઓ  આપણે માણી ચૂક્યા છીએ. પરંતુ આજની તારીખે આ તમામ મુદ્દાઓ સાથે મને સો ટકા સહમત થવા જેવું લાગતું નથી.

કારણ કે મને લાગે છે કે…

– હજી શહેરમાંથી માણસાઈએ સંપૂર્ણ વિદાય લીધી નથી.

-શહેરમાં  હજી પણ ગાયમાતાને ખાવા માટે ક્યાંક ક્યાંક  ઘાસનાં તરણાં નસીબમાં છે.

– શહેરના બહારના વિસ્તારમાં રહેતા લોકોને કોકિલનો કલશોર કે મોરલાનો કેકારવ કે કબૂતરનું ઘૂ ઘૂ ઘૂ સાંભળવા મળી શકે છે. જો સાંભળવાનો ઈરાદો હોય તો!

– જો શહેરમાં હજી પણ  કેટલીક જગ્યાએ  ચોખ્ખી હવા મળી શકે છે. અલબત્ત એ માટે આઘાંપાછાં  થવું પડે.

– છેલ્લો મુદ્દો નાજુક છે. ગેરસમજ કરે એવો છે.  પણ આજની નારી જ્યારે તમામ  ક્ષેત્રમાં પોતાની શક્તિ પૂરવાર કરે રહી છે ત્યારે કઈ કન્યા ખરેખર આવું કહેશે કે :

ત્રાજવે ત્રફેંલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ

લોલ, મારે મોભારે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ    [રમેશ પારેખ નાં ગીતમાંથી]

એટલે બિન જરૂરી લાજ શરમ નેવે મુકાઈ ગયા હોય તો સમયનો તકાજો છે.  બાકી .. શરમાતી કન્યાઓ હજી પણ  જોવા મળી શકે છે.

… પણ ધારો કે ભવિષ્યમાં ખરેખર શહેરનું જીવન  ઉપર જણાવેલી તકલીફો ના  પ્રભાવ  હેઠળ સો  એ સો ટકા આવી જાય તો .. તો … તો … મારા જેવો  અ- કવી કેવી રચના કરે.

એક કલ્પના રજૂ કરવાનું મન થાય છે.

ટોળે વળો

આ નવું શું થાય છે  ટોળે વળો.

એક માણસ જાય છે  ટોળે વળો.

ઘાસ ઊગ્યું આ નગરની મધ્યમાં

ગાય તરણાં ખાય છે ટોળે વળો.

સાવ અસલી એક પક્ષી જોઈ લો

ગીત મીઠાં ગાય છે ટોળે વળો.

ના ધુમાડાનું  નથી નામો નિશાન

વાયુ ચોખ્ખો  વાય છે ટોળે વળો.

માનવામાં આવશે એ  વાત  કે

છોકરી શરમાય છે ટોળે વળો.

અમુભાઈ ટપાલી

મુકામ- નાનીધારી

મુકામ –નાનીધારી

પોસ્ટ- ભાડ ઈંગોરાળા વાયા- ચલાળા

તાલુકો- ખાંભા જિલ્લો- અમરેલી

કાઠિયાવાડ

{ પિનકોડ આવ્યા નહોતા }

ગામનું  આટલું પાકું સરનામું લખ્યા પછી પણ લખનારને શંકા તો રહેતી જ કે આ ટપાલ અમારે ગામ  પહોંચશે કે નહીં. એ સ્વાભાવિક પણ હતું કારણ કે ગિરના પ્રદેશમાં વેરાયેલાં બોર જેવાં કેટલાંય ગામ…. ગામનાં પાછાં એકસરખાં નામ! ટપાલપેટીમાં નાખેલી ટપાલ ટ્રેન અને બસ મારફતે ફરતી ફરતી મુકામે જલ્દી પહોંચે એ માટે પણ માનતા મનાતી! ક્યારેક ક્યારેક તો ત્રણ માઈલ દૂર ઈંગોરાળા સુધી પહોંચીને અટકી જતી. ત્રણ ગામ વચ્ચે એક ટપાલી ને ટપાલીને પોતાની પણ મુશ્કેલી હોયને? ધૂળીયા રસ્તા પર સાયકલ ચલાવીને કે ક્યારેક પગપાળા પહોંચીને પણ ટપાલ પહોંચાડવી એ કામ સહેલું નહોતું. એ કડકડતી ટાઢય ..એ ધગધગતો તાપ …એ ધોધમાર વરસાદ!

પણ ધન્ય છે એ અમુભાઈ ટપાલીને કે જેણે પૂરી નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી. હું નથી માનતો કે એ નોકરી કરતા હતા. હું માનું છું કે એ સેવા કરતા હતા.માથે સફેદ અણીદાર ટોપી, સફેદ ખમીસ,સફેદ લેંઘો, લેંઘો સાયકલની ચેનમાં ન ભરાય એ માટે લેંઘાના પાયસામાં ભરાવેલી ક્લિપ્સ ,ખંભે લટકતો ખાખી થેલો અને સાચુકલા ગાંધીવાદી જેવી સાવ સાદી સાયકલ અને એ સાયકલ વાંકીચૂકી કેડી પર ટીન ટીન ટોકરી વગાડતી જાય.

અમુભાઈ દૂરથી આવતા દેખાય ને વાયુવેગે વાત ફેલાય કે ટપાલી આવે છે. ને વાતાવરણ જીવંત થઈ જાય.ને પછી કોઈની આતુરતાનો અંત તો કોઈ થાય નિરાશ. કોઈ થઈ જાય ખુશ ને કોઈ ઢીલાઢફ. અમુભાઈ ટપાલ વાંચી પણ આપે ને વળતી ટપાલ લઈ પણ જાય. વળતી ટપાલ લખવાનું કામ ગામના વેપારી કરી આપે. આ ઉપરાંત અમુભાઈ કોઈ બીમાર હોય તો એની ખબર પણ કાઢે. કોઈને ત્યાં શુભ પ્રસંગ હોય તો હરખ વ્યક્ત કરે ને કોઈને ત્યાં અશુભ બન્યું હોય તો શોક પણ વ્યક્ત કરે.

આ બધું જ બને તેટલી ઝડપથી પતાવી ને અમુભાઈ રવાના થઈ ગયા પછી કોઈ માઈ નો લાલ ઘરની બહાર આવી ને એમ પણ પૂછે કે –હજી ટપાલી કેમ નહીં આવ્યો હોય? ત્યારે કોઈ જુવાનિયો ખડખડાટ હસીને કહે કે – લ્યો, કરો વાત. ટપાલી તો ઈંગોરાળા પોગવા આવ્યો!

ને ધન્યવાદ ટપાલખાતાંને. જેના થકી આવાં નાનકડાં ગામો સુધી એ જમાનામાં આફ્રિકા, યુરોપ અને અમેરિકાથી પણ ટપાલો પહોંચતી હતી. ધન્યવાદ એ હજારો કર્મચારીઓને જે લોકોના સુખદુ:ખમાં સહભાગી બન્યા.

ને ફરીથી ધન્યવાદ અમુભાઈને કે જેમણે મને એક એવી ટપાલ પહોંચાડી કે જેના લીધે મારી  માતાની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં હતાં. [ આગળ ફરી ક્યારેક ]

બલિહારી બ્લૉગની —- યશવંત ઠક્કર

વાયરા
 • મેં થોડુઘણું લખ્યું છે. એમાંથી કેટલુંક છપાયું છે. કેટલુંક ફાડ્યું છે. પણ એક વાત નક્કી છે કે મજા પડે છે એટલે લખ લખ અને હવે ટક ટક કરવાનું મન થયા કરે છે.
 • એ કેવા દિવસો હતા! ફુલસ્કેપ કાગળોમાં મરોડદાર અક્ષરોમાં વાર્તાઓ લખાતી હતી,મઠારાતી હતી અને મૅગઝિનમાં છપાવવા કાજે હોંશે હોંશે ટપાલપેટીમાં નખાતી હતી.અને પછી સંપાદકશ્રી કે તંત્રીશ્રીના જવાબની ઇંતેજારી! સ્વીકૃત કે સાભાર-પરત! બધું જ જાણે નસીબને આધીન હતું. વાર્તા પસંદ થવી, પસંદ થઈ હોય તો છપાઈ જવી,છપાયા પછી મૅગઝિન સહિત વાર્તાનું પધારવું! બહુ જ સારાં નસીબ હોય તો પુરસ્કાર પ્રાપ્ત થવો!!! વાર્તા ના પસંદ થઈ હોય તો વાર્તાનું હેમખેમ પાછા ફરવું એ પણ નસીબને આધીન! નહીં તો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગ્યો…
 • અહાહા! કેવા મીઠી મીઠી પીડા દેનારા એ દિવસો હતા!!
 • ક્યાં ગયા એ દિવસો! ક્યાં ગઈ એ શાહી દુજતી કલમો!
 • ક્યાં ગયા એ સામયિકો! [એ વળી કઈ બલા!]
 • ક્યાં ગયા એ સંપાદકશ્રીઓ..તંત્રીશ્રીઓ..
 • વાર્તા લઈ જનારા ને લાવનારા એ ટપાલીઓ ક્યાં ગયા?
 • ક્યાં ગઈ લીલાછમ વૃક્ષની ડાળીએ લટકતી લાલરંગી ટપાલપેટીઓ?
 • બધું જ જાણે Delete થઈ ગયું!
 • સર્વસ્વ જાણે કે લુંટાઈ ગયું હતું ! શબ્દો જાણે કે પાંજરામાં પુરાઈ ગયા હતા!
 • ને જાણે કે ચમત્કાર થયો! અશાનું એક કિરણ જ નહીં ,આખેઆખો સૂરજ ઊગ્યો!!!
 • Internetનો સૂરજ! ને એ સૂરજના અનેક કિરણો જેવા આ Blogs!
 • ને મારી આ વાત તમારા સુધી પહોંચી એ બ્લોગની જ બલિહારી નહીં તો બીજું શું?
 • પણ વિચાર કરો કે ધનાધન પ્રગટ થતા આ બ્લોગ્સને જોઈને પેલા વિદ્વાન સંપાદકશ્રીઓ અને તંત્રીશ્રીઓના આત્મા કેવા કકળતા હશે?
 • બ્લૉગલેખ  કરનારે  પોતે જ પોતાનાં  લખાણના સંપાદક થવું રહ્યું.