બનાવો: બ્લોગજગતનું ભડથું

મિત્રો,

શિયાળાની ઋતુમાં જાતે બનાવો. બ્લોગજગતનું ભડથું.

સામગ્રી:

૧ મોટી ઘટના

૧/૨ કપ વિવિધ  સંદર્ભો

૧ થી ૨ ઝીણી સમારેલી ગીતપંક્તિઓ

૨ થી ૩ ઝીણાં સમારેલાં ગતકડાં

૨ ઝીણી  સમારેલી કહેવતો. કહેવતો જેવી કે: વારા પછી વારો અને મે પછી ગારો!ગરીબની વહુ સૌની ભાભી. ચા ઊનો અને સગો જૂનો

૧/૨ ચમચી લાલ વ્યંગ પાવડર

૧/૨ ચમચી ગરમ વિધાનો

૧ ગ્લાસ ઠંડું ચિંતન.

૧/૪ ચમચી રીઢી માન્યતાઓ

૩ ચમચી વેજીટેબલ શૈલી

૧ શીર્ષક

મહેણાંટોણાં સ્વાદ અનુસાર. ઝીણા સમારેલા લીલાં મુહાવરા

રીત:

એક મોટી અને તાજી ઘટના લો. જે છાપાંમાથી કે ટીવી પરની સમાચારની ચેનલ પરથી સહેલાઈથી મળી રહેશે. યાદ રહે કે ઘટના ઓળો થઈ શકે તેવી હોવી જોઈએ. ઘટના જેવી કે: કોઈ નેતાને પડેલો તમાચો અથવા કોઈ બાપુએ ટેકરી પર કે ખાડામાં કરેલી કથા અથવા કોઈ નવી ફિલ્મની બોલબાલા અથવા તો કોઈ આઇટમ-ગર્લની  હરકત.

-ઘટનાની છાલ પર  શૈલી લગાડીને  રજૂઆતના બર્નર પર મધ્યમ તાપે શેકો.

-તેને વારેવારે ફેરવતા રહો જેથી તે બધી બાજુથી શેકાઈ જાય.

-તે બરાબર શેકાઈ જાય પછી તેના પર ઠંડું ચિંતન રેડીને તેની કાળી પડી ગયેલી છાલને દૂર કરો.

-તેના ગરનો  છૂંદો કરી નાખો.

-એક લેખમાં શૈલી ગરમ કરો. તેમાં ઝીણી સમારેલી ગીતપંક્તિઓ અને ઝીણી સમારેલી કહેવતો ઉમરો અને તેને રજૂઆતના મધ્યમ તાપે સાંતળો અને હળવો રંગ પકડવા દો.

-તેમાં લાલ વ્યંગ પાવડર,  ગરમ વિધાનો, રીઢી માન્યતાઓ અને મહેણાંટોણાં ઉમેરીને હલાવો. તેમાં ગતકડાં ઉમેરો અને પાકવા દો.

-હવે તેમાં વિવિધ સંદર્ભો અને  ઘટનાનો છૂંદો કરેલો  ગર ઉમેરીને બરાબર હલાવો.

-રજૂઆતના મધ્યમ તાપે પાકવા દો.

-લીલા મુહાવરા સાથે ગાર્નિશ કરીને  ગરમાગરમ  શીર્ષક સાથે પીરસો બ્લોગજગતનું ભડથું!

કેવું લાગ્યું તે જરૂર જણાવશો જેથી અમને બીજી વાનગીઓ રજૂ કરવાની ખબર પડે. 

અજ્ઞાનની વહેંચણી કરતો એક બ્લોગ. નામે ‘અસર’

બ્લોગમિત્રો, 

“અસર” નાં ઓટલેથી સહુને જય બ્લોગનારાયણ.

૭ જુલાઈ ૨૦૦૮થી અમે આ ઓટલે અડ્ડો જમાવ્યો છે. ત્રણ વર્ષોનો સમય પૂરો થવા આવ્યો છે.  આમ તો આ જગ્યા મફતમાં મળી કહેવાય.  એ આપનારને અમારા થકી  લાભ થયો હશે કે નહિ એની અમને ખબર નથી. ખબર હતી  માત્ર એટલી કે: અમારે આ જગ્યાનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. 

અમે સતત  કાળજી રાખીએ  છીએ કે આ જગ્યાનો યોગ્ય ઉપયોગ થાય.  અહીંથી અમારી સામગ્રીની વહેચણી થાય.  વેચાણ થવાનો તો સવાલ નથી. :D

વળી  આપ સહુ અમારા કરતાં પણ સારી રીતે એ હકીકત જાણો છો કે: અમે કોઈ જ્ઞાની આત્મા નથી.  

અમારી પાસે જ્ઞાન નથી. બ્લોગજગતના  બજારમાં “તૈયાર ” જ્ઞાન મળે છે.  પરંતુ અમે નક્કી કર્યું છે કે: અમારે બને ત્યાં સુધી તૈયાર સામગ્રી મૂકવી નહિ.  જેવી આવડે તેવી જાતે બનાવેલી સામગ્રી મૂકવી.  

અમે પાકા અજ્ઞાની! પહેલેથી જ અજ્ઞાનનો માર્ગ પકડેલો. એટલે જ્ઞાન સાથે લેણાદેવી પહેલેથી જ ઓછી.

માટે નક્કી એવું કરેલું છે કે: બલોગજગતના  બજારમાંથી આપણી શક્તિ પ્રમાણે જ્ઞાન મેળવવું.  એમાંય બહુ જોર ન દાખવવું.  થેલી ફાટી ન જાય એનો પણ ખ્યાલ રાખવો પડેને? 

રહી વાત આપવાની.  આપવું શું?  તો જે અમારી પાસે છે તે આપીએ છીએ! 

મતલબ કે: અજ્ઞાન. 

હા, અમારી પાસે અજ્ઞાનનો પૂરતો જથ્થો  છે. 

અજ્ઞાનમાંથી આવડે તેવી વાનગીઓ બનાવીને મૂકીએ છીએ.  જ્યાં સુધી લેનારા મળતા રહેશે ત્યાં સુધી આપતા રહીશું.

અહી જ્ઞાન મળે છે એવી ગેરસમજથી ઘણા લાભાર્થીઓ ક્યારેક ક્યારેક આવી જાય છે. તેઓ  નારાજ થઇ જાય છે તો અમે તેમની ક્ષમા માગી લઈએ છીએ. અને વિનંતી કરીએ છીએ કે: હવે પછી ધ્યાન રાખવું  કે: અહી માત્ર ને માત્ર શુદ્ધ અજ્ઞાન વહેચાય છે.

આટલી કાળજી રાખવા છતાં ય કેટલાક મિત્રો  જણાવે છે કે: “અસર”ના  ઓટલેથી અમને જ્ઞાન મળ્યું!

ત્યારે અમને ઘણું જ દુઃખ થાય છે!

આવું કેવી રીતે બની શકે? આટ આટલી કાળજી રાખવા છતાં? 

જ્ઞાન તો અમારી પાસે છે જ નહિ.  જે થોધુઘણું ભેગું થયું હોય તે ડબ્બામાં સાચવીને રાખીએ છીએ.

પણ બની શકે કે; જ્ઞાન અને અજ્ઞાનના ડબ્બા બાજુ બાજુમાં હોવાથી અજ્ઞાન ભેગું જ્ઞાન ચોંટી ગયું હોય.  અથવા અજ્ઞાનમાં એકાદ બે ટીપાં જ્ઞાનનાં પડી ગયા હોય. 

બાકી અમે ઈરાદાપૂર્વક કદી આવી ભૂલ કરતાં નથી. 

તો  હે અમારા અજ્ઞાનના વહાલા લાભાર્થીઓ… આ ત્રીજા વર્ષના અંતે આટલું કહી વી-રમીએ છીએ.

ફરી મળીશું અજ્ઞાનની અવનવી વાનગીઓ સાથે.

જલસા કરજો.    

આગળનું અજ્ઞાન…  

બ્લોગજગતમાં બે વર્ષ « અસર.

રેતકણિકાઓ « અસર.

બ્લોગજગતની ગાડી આવી રે રસિયા રાજા

મિત્રો,

આ બ્લોગજગત એ લાંબા અંતરની લોકલ ગાડી  જેવું છે. જેમ લોકલ ગાડીમાં વિવિધ પ્રકારના મુસાફરો જોવા મળે છે તેમ આ બ્લોગગાડીમાં વિવીધ પ્રકારના બ્લોગમુસાફરો જોવા મળે છે. જેવાં કે:

* ઘણા વખતથી બેઠેલા. જામી ગયેલા. પહોળા અને લાં…….બા થઈને પડેલા.પુષ્કળ બિસ્તરા- પોટલાં સાથે લઈને નીકળેલા. બ્લોગના ડબ્બાને જ પોતાનું ઘર સમજનારા. બ્લોગપાટલી પર જ મોટા ભાગની દૈનિક  ક્રિયાઓ કરનારા. થોડીવાર માટે ન દેખાય તો કોઈને એમ થાય કે, એ કોઈ સ્ટેશને બ્લોગગાડીમાથી ઉતરીગયા હશે! ત્યાં તો એ દેખાય! એ કદાચ બાથરૂમમાં જઈને આવ્યા હોય! એ બ્લોગગાડીના ભોમિયા થઇ ગયા હોય. બ્લોગડબ્બાના પંખા ને બારીઓ ને બટનો વગેરેની એમને પૂરી જાણકારી થઇ ગઈ હોવાથી આત્મવિશ્વાસથી ભરપૂર હોય! ચપટી વગાડતા હોય તેમ તેઓ  પોસ્ટ  મૂકી દે. છીંક ખાતા હોય તેમ પ્રતિભાવ આપી દે. નવા આવેલા અને ઊભા રહેલા બ્લોગમુસાફરો  તરફ એ દયાની નજરે જોતા હોય. આવા જામેલા બ્લોગમુસાફરો  ઊભા થાય ત્યારે ઊભા રહેલા બ્લોગમુસાફરોને એમ થાય કે, હવે  આપણને બેસવા મળશે. પરંતુ પેલા જામેલા બ્લોગમુસાફર તો  કસરત કરવા માટે ઊભા થયા હોય! હા, આવા બ્લોગમુસાફરો પાસે  પુષ્કળ બ્લોગસામગ્રી હોય જેમાં કેટલીક પોતાની હોય તો કેટલીક તૈયાર લીધેલી હોય. આવા બ્લોગમુસાફરો  બ્લોગ લખતાં લખતાં ઊંઘી શકે અને ઊંઘતાં ઊંઘતાં બ્લોગ લખી શકે! આવા બ્લોગમુસાફરોને સારી ભાષામાં “પૂર્ણ સમયના બ્લોગર્સ”  કહી શકાય.

* થોડા વખતથી બેઠેલા ને રાહતના શ્વાસ લેનારા. હવે,પોતાની સાથે લાવેલી સામગ્રીના ડબ્બા ખોલવાની એમનામાં હિમત આવે છે. એમાંના કેટકાલ,પોતે ભોગવેલી તકલીફો ભૂલ્યા ન હોવાથી; અન્ય ઊભા રહેલા બ્લોગમુસાફરોને પણ બેસવાની જગ્યા આપવાની ખાનદાની દાખવે છે. કેટલાક વળી એકબીજાની સામગ્રી વહેંચે છે.  .. લો આ ફલાણા કવિની કવિતા… લો આ ક્યાંકથી આવેલું છે . કોનું છે એ ખબર નથી પણ  છે મજાનું! …ના ના નામઠામ વગર ન મૂકાય!ફજેતી થઇ જાય! … આ ગીત છે કે ગઝલ ખબર નથી પડતી. જે હોય તે ઠપકારોને. આફરડું વાજતું ગાજતું માંડવે આવશે.મુલાકાતીઓ અને પ્રતિભાવોની વધતી જતી સંખ્યાથી આવા બ્લોગમુસાફરો ખુશખુશાલ હોય છે. એમનો ઉમંગ પોસ્ટમાંથી છલકાઈને બહાર ઢોળાતો હોય છે! આવા બ્લોગમુસાફરોને સારી ભાષામાં”વિકાસશીલ બ્લોગર્સ” કહી શકાય.

* ઊભા રહેલા બ્લોગમુસાફરો.  આમાંથી ઘણાના શ્વાસ હજી હેઠા બેઠા ન હોય. ચડી તો ગયા પણ હવે શું કરવું? આ બ્લોગગાડીનું એન્જીન કઈ દિશામાં છે એની પણ એમને ખબર ન હોય! ઘણા તો પહેર્યે લુગડે આવ્યા હોય એવા બેફીકર હોય! એમને એમ કે :આપણી પાસે શું છે તે કોઈ લઈ  જાશે? બ્લોગગાડી કઈ દિશામાં જશે એની પણ એમને પરવા ન હોય.  પરંતુ જેમને બ્લોગગાડીમાં લાંબી મુસાફરી કરવી  છે  તેમને જગ્યા મળે તો સામગ્રીના ડબ્બા ખોલવાની હોંશ હોય છે.  કેટલાક  બ્લોગમુસાફરો તૈયાર સામગ્રીના પેકેટ તોડી તોડીને પોસ્ટમાં મૂકવા લાગે છે.  તેઓ રાજી થાય ન થાય ત્યાં તો .. ચોરીનો માલ.. ચોરીનો માલ… એવી બૂમાબૂમ થવા લાગે! વળી પાછું જાહેર થાય કે: આ તો ગેરસમજ  થઇ ગઈ છે! ઊભા રહેલા બ્લોગમુસાફરોમાથી ઘણા ધીરજ ગુમાવીને બીજા બ્લોગડબ્બે ચાલ્યા જાય છે! પરંતુ જેઓ પૂરી નિષ્ઠા ધરાવે છે તેઓ છેવટે પોતાના માટે સ્થાન મેળવી લે છે.

 આવાબ્લોગમુસાફારોને “અર્ધ વિકસિત બ્લોગમુસાફરો ” કહી શકાય.

 બ્લોગમુસાફરોના આ ત્રણ મુખ્ય પ્રકારો જણાવ્યા છે.  એ સિવાયના પણ ઘણા બ્લોગમુસાફરો હોય છે. જેવાં કે: લટકતા, ભટકતા, ખટકતા, અટકતા વગેરે વગેરે!

જેની વાત આપણે પ્રતિભાવના ડબ્બામાં બેસીને કરીશું.  એ સિવાયની પણ વાતો છે. તો આવજો. અમે પ્રતિભાવના ડબ્બામાં બેસીને તમારી રાહ જોઈએ છીએ.

અને હા, રાહ જોતાં જોતાં અમને ઊંઘ આવી ગઈ હોય તો ઉઠાડજો.  વાંધો નહિ. બને તો ચાવાળાને પણ લેતા આવજો.

ચતુર હોય તે જવાબ આપે

[મંદિરના બાંકડાઓ પર વડીલ પરિવારના સભ્યો  વચ્ચેની વાતચીત  ચલી રહી છે… ] 

ભગુભઈ – ચ્યમ રાવજીભાઈ આજે મોડા પડ્યા?

રાવજીભઈ- ઓ ભઈ! જવાદોને વાત! એક પોસ્ટ લખીને પબ્લિશ કરવા જતોતોને એની માને પૈણે સાલી લાઈટ ગૈ! અર્ધો કલાકે આઈ રઈ! એમાં મોડું થઈ જ્યું. 

ભગુભઈ- પોસ્ટ નહોતી કરવી!

રાવજીભઈ- મારો નિયમ છે  કે એક વખત પોસ્ટ લખાઈ ગૈ એટલે એને રાખી નૈ મૂકવાની. એને  હેડતી કરવાની  એટલે  પ્રતિભાવો  આવતા થાયને?

ભગુભઈ-  કેટલા દસ પંદર આયા હશે?

રાવજીભઈ-ઓ ભઈ! દસપંદરની ક્યાં મેથી મારો છો ? રેઢા પડ્યા છે? બધા આપણી જેમ નવરા નોય! હા બે  પ્રતિભાવ આવી જ્યા!

સોમભઈ – એમાં એક તો પેલા  રાધારમણનો હશે?

રાવજીભઈ- હોવે! તમને ચ્યમ ખબર ?

સોમભઈ- ચ્યમ ના હોય!  મને પણ એ ભઈ પ્રતિભાવ આલે છે હો .

રાવજીભઈ- એ રાધારમણ તો જબરા  છે લ્યા! તમે પોસ્ટ મૂકો ન મૂકો ત્યાં તો એનો પ્રતિભાવ આવીને ઊભો જ હોય!

ભગુભઈ- ઝડપી પ્રતિભાવ સેવા!  

રાવજીભઈ-  વાંચ્યા વગર જ પ્રતિભાવ આલે પછી ઝડપી જ હોયને! તમે લખો  કશું ને એ લખે કશું! સાંધાનોય મેળ નૈ!

સોમભઈ – ઓ ભઈ! એવું બધું નૈ જોવાનું !  પ્રતિભાવ આલે છે એ જ ઘણું!  ધરમની ગાયના દાંત નૈ જોવાના! શું કો  છો ભગુભઈ?

ભગુભઈ- આપણે તો પોસ્ટ મૂકીને  છૂટ્ટા! જેને વાંચવું હોય તે વાંચે ને પ્રતિભાવ આલવો હોય તે આલે! આપણે પાછું વળીને એ પોસ્ટ પર જોવાનું જ નૈ!  રોજ નવી ગીલ્લી ને નવો દાવ! મારા બ્લોગ પર જોજો.. એકદમ શાંતિ! ટાંકણી પડે તોય સંભળાય.

સોમભઈ- સંભળાયજને! તમારા બ્લોગ પર તમારી સિવાય કોઈ હોય જ નૈ તો! આ રાવજીભઈના બ્લોગે તો ભાતભાતની ખોપરીઓ સામસામી ભટકાય!

રાવજીભઈ- હોવે! મને તો ખેંચાખેંચી વગર મજા જ નૈ આવે!

સોમભઈ – હવે એમાં એવું થાય છે કે રાવજીભઈની દાઝ ઘણા મારા બ્લોગ પર કાઢે છે! મારા લખાણ  માટે રાવજીભઈએ પ્રતિભાવ આલ્યો હોય તો એની સામે મોરચો મારા બ્લોગ પર મંડાય!  એમાં મેં શું લખ્યું ને કેવું લખ્યું એની વાત તો બાજુ પર રૈ જાય ને સામસામે પથ્થરમારો થતો હોય એમ પ્રતિભાવો ના ઘા થાય! સાલું આપણે દિમાગનું દઈં કરીને પોસ્ટ  મૂકી હોય પણ પ્રતિભાવોમાં  બીજી જ વાતોની મેથી મરાતી હોય!

ભગુભઈ-  બ્લોગમાં પોસ્ટ  મૂકવા ખાતર  દિમાગનું દઈં કરાય જ નૈ .  

સોમભઈ- તો શું કરાય? 

ભગુભઈ- …… …… 

[હે ચતુર વાચકમિત્રો ભગુભઈએ સોમભઈના સવાલમાં માત્ર બે શબ્દોમાં જવાબ આપ્યો કે બ્લોગમાં પોસ્ટ મૂકવા માટે શું કરાય! એ બે શબ્દો ક્યા હશે તે બાબત આપ સહુ જણાવશો તો અમારા આ લેખની શોભામાં અભિવૃદ્ધિ  થશે. ]

રંગલી ચાલી ભૂવાને આંગણે દૃશ્ય-3

મિત્રો ,રંગલી ચાલી ભૂવાને આંગણે એ ખેલના પહેલાં બે દૃશ્યો આપે જોયાં. હવે રજૂ થાય છે

 રંગલી ચાલી ભૂવાને આંગણે દૃશ્ય -3

ભૂવો:  [ખોપરી હાથમાં રાખીને ગીત ગાય છે. ]  યે દોસ્તી હમ નહીં છોડેંગે છોડેંગે દમ મગર તેરા સાથ ન છોડેંગે..

રંગલો:  ઓ ભૂવાશ્રી. શાંતિ રાખો. હમણા ઇન્સપેક્ટર  સાહેબ આવશે એટલે ખબર પડશે કે તમારો અને આ તમારી વહાલી ખોપરીનો સાથ કેટલો ટકે છે!

ભૂવો :[મોટેથી ગાય ] જનમ જનમ કા સાથ હૈ નિભાને કો સો સો બાર હમને જનમ લિયે ..

[જાડિયાપાડિયા જગ્ગુ જમાદારનો પ્રવેશ]

જગ્ગુ જમાદાર : કોણ છે ભાઈ આ કોણ વારેવારે જનમ લેવાના ચાળે ચડ્યો  છે?

ભૂવો:  હું છું ભમ્મરિયો ભૂવો. મા ચકરડી માતાનો ભગત. પણ તમે કોણ છો ?

 જગ્ગુ  જમાદાર :  હું છું આ નગરનો જગ્ગુ જમાદાર. [ગબ્બરસિંગની અદામાં ]  યહાંસે સો સો કોસ દૂર જ કોઈ બચ્ચા ખાનેસે ઇન્કાર કરતા હૈ તબ મા કહતી હૈ કિ ખાલે બેટા નહીં તો જગ્ગુ જમાદાર ખા જાયેગા…  

ભૂવો: વાહ ભાઈ વાહ! ખમણ ખમણ પે લિખા ખાનેવાલે કા નામ! જગ્ગુજી  પહેલાં તો  આ મા ધમા ચકરડીના દર્શન કરો. મા હાજરાહજૂર છે. ને ખમણનો પ્રસાદ ગ્રહણ કરો. પછી કામકાજની વાત! 

જગ્ગુ  જમાદાર : [ ચકરડી માતાજીને  દંડવત પ્રણામ કરીને ] મારી મા આ ભૂવાને ફળી એવી જ મને ફળજો. [ ખમણના પ્રસાદની આખી થાળી લઈને ખતાં ખાતાં] વાત એમ કે ને કે મારા સાહેબ ઇન્સપેક્ટર નરેન્દ્રસિંહ  છે. અને એ એવા તો કડક છે કે પોતે ખાતા નથી અને કોઈને ખાવા દેતા નથી.  એ આવી જાય તે પહેલાં આ જેટલું ખવાયું તેટલું ખાઈ લીધું ને ભાઈ ભમ્મરિયા લે આનું પડીકું વાળી દે એટલે મારા ઘરવાળાને પણ પ્રસાદનો લાભ મળે. 

[ઇંન્સપેક્ટર નરેન્દ્રસિહનો પ્રવેશ]

નરેન્દ્રસિંહ આ શું કરી રહ્યા છો જમાદાર મારી ગેરહાજરીમાં ખાવાનું પતાવી દીધું? 

જગ્ગુ જમાદાર:  ના સાહેબ ના આ તો ચકરડી માતાનો પ્રસાદ  છે.  આ રહ્યાં માતાજી. દર્શન કરો અને પ્રસાદ લો. 

[નરેન્દ્રસિંહ દૂરથી જ માતાજીને પગે લાગે. ] 

રંગલી: સાહેબ. અહીં  માતાજીના નામે ધતિંગ ચાલે છે. આ ધતિંગ બંધ કરવા માટે જ અમે તમને ફરિયાદ કરી છે.  

નરેન્દ્રસિંહ:  આપનો પરિચય? 

રંગલી:  હું છું  ભવાઈના કાર્યક્રમો દ્વારા  સામાજિક જાગ્રુત્તિના કામો કરતી રંગલી અને આ છે મારો રંગલો.

નરેન્દ્રસિંહ: [હાથ જોડીને]  આપને મળીને આનંદ થયો.  

રંગલી: સાહેબ કોઈ શાસ્ત્રમાં આ  ધમા ચકરડી માતાજીનો ઉલ્લેખ નથી. આ માતાજી તો આ ભૂવાની પોતાની કલ્પના છે.  જેના નામે ભોળા લોકો લૂંટાય છે માટે એ દૂર થવા જ જોઈએ. 

ભૂવો:  આ દેશમાં  એવા કેટલાય દેવદેવીઓ  છે કે જેનો  ઉલ્લેખ શાસ્ત્રોમાં નથી. અને એવા દેવદેવીઓના મંદિરો જો આ સાહેબ હટાવવા જાય તો આ દેશની સરકાર હટી જાય શું કહો છો સાહેબ. 

નરેન્દ્રસિંહ: વાત તો મુદ્દાની છે ભાઈ. આ દેશમાં રસ્તા વચ્ચે રાતોરાત ઊભું કરાયેલું એકાદ નાનકડું દેરું  પણ હટાવી નથી શકાતું. પછી ભલે એના લીધે ગમેતેટલી અગવડ થાય. આસ્થાની સામે વ્યવસ્થાએ નમવું પડે છે. 

રંગલો: પણ સાહેબ આ ભૂવો આ માતાજીના નામે લોકોને લૂંટે છે. 

ભૂવો:  હું કોઈને લૂંટતો નથી. લોકો શ્રદ્ધાથી પૈસા ધરે છે. 

રંગલી: સાહેબ. આ ભૂવાભાઈ લોકોને કેવી કેવી લાલચો આપે છે! આ યાદી   જુઓ. 

નરેન્દ્રસિંહ:  [યાદી  વાંચીને]  આ તો રીતસર અંધશ્રદ્ધાનો  ફેલાવો છે.   

ભૂવો :સાહેબ. શ્રદ્ધા કે અંધશ્રદ્ધા ! જેના લીધે  કોઈ દુ:ખીના મનમાં આશા જાગે તો એમાં ખોટું શું છે? બધેથી નિરાશ થયેલાં લોકો અહીં આવે  છે અને અહીં આવ્યા પછી એમનામાં પોતાનાં દુખદર્દ દૂર થશે એવા હકારાત્મક ભાવો જાગે તો એમાં બીજાંને શા માટે વાંધો હોવો જોઈએ?

રંગલી:  વાહ હકારાત્મક ભાવો! એ હકારાત્મક ભાવોનું આયુષ્ય  કેટલું ? એવી ખોટી આશાઓ બંધાવવાનો શો અર્થ છે? 

ભૂવો: રંગલીબેન કેટલીક વખત  દાકતરો પોતે જાણતા હોય કે દર્દીને સારું નથી જ થવાનું છતાં એના પરિવારને ચોખ્ખું નથી કહેતા. સારું થશે એવું કહેતા રહે છે અને  સારવાર ચાલું જ રાખે છે. પૈસા પણ  કમાય છે. તો એનો શો અર્થ? 

રંગલી:  એ લોકો જે કાંઈ કરે છે તે વિજ્ઞાનના સહારે કરે  છે. દવા આપે છે તમારી જેમ તાવીજ અને ભસ્મ નથી આપતા 

ભૂવો:  જે દવાથી સારું ન જ થવાનું  હોય તે દવા અને ભસ્મમાં શો ફેર? જે બાટલા ચડાવવા છતાં દર્દી  મરવાનો જ હોય તે બાટલા અને તાવીજ વચ્ચે શો ફેર? મારીબેન. આ દાક્તરો  પણ ઘણી વખત ખોટી આશાઓ જ બંધાવતા જ હોય છે ને અને એ પણ તમને પૈસેટકે ખાલી કરીને. જ્યારે હું તો કોઈને હાર્ટએટેક આવે એવું બિલ  ફટકારતો નથી. લોકોને જે આપવું હોય તે પ્રેમથી આપે છે.  આ તો માતાજીનો દરબાર છે મારીબેન. જે થાય તે પ્રેમથી થાય છે. 

નરેન્દ્રસિંહ : તમે લોકો એ  તો જાણે ચર્ચાસભા ચાલુ કરી દીધી.  અવી ચર્ચાનો અંત આવે નહીં. મારે બીજાં ઘણાં કામ છે. ભૂવાભાઈ.  તમે તમારો આ ધંધો અત્યારથી જ બંધ કરી દો. નહીં કરો તો મારે કાયદેસર પગલાં ભરવા પડશે.

ભૂવો : પણ મેં કયા કાયદાનો ભંગ કર્યો છે? 

રંગલો:  આ માતાજીનું મંદિર કોની રજાથી બાંધ્યું છે? 

ભૂવો: મંદિરો બાંધબા માટે વળી રજા લેવી પડે? લોકો તો વગર રજાએ પોતાનાંબંગલા બાંધી દે છે અને ભગવાનના નાનકડા ઘર માટે વળી રજા લેવાની ? 

રંગલી: અને તાવીજનું વેચાણ કરો છો તે કાયદાનો ભંગ નથી? 

ભૂવો: દુનિયામાં હજારો  ઘરેણાંની ચીજો વેચાય છે. લોકો પહેરે છે. એ ગુનો નથી તો આ તાવીજ  તો  હું એ લોકોને મફતમાં આપું છું.  એ પહેરાવવૌં કે પહેરવું કઈ રીતે ગુનો બને?  આ તો તમે લોકોના મૂળભૂત અધિકારની વિરુદ્ધની વાતો કરો છે.

રંગલો :અને આ તમારો પાવડર!  આ પાવડરને તો અત્યારે જ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા મોકલવો જોઈએ.

ભૂવો: મોકલો ખુશીથી મોકલો એમાં કશું જ વાંધાજનક જણાય તો હું જેલમાં જવા તૈયાર છું

નરેન્દ્રસિંહ: આટલો બધો આત્મવિશ્વાસ  ભારે પડી જશે ભાઈ ભૂવા.

ભૂવો :  સાહેબ.  આત્મવિશ્વાસનું કારણ એ જ છે કે આ પાવડર તો મોંઘામાં  મોંઘી ચોકલેટનો  પાવડર છે.  જેને દૂધ સાથે પીવાથી કોઈપણ માણસને સારી સારી લાગણીનો  અનુભવ થાય. અમાંકયા કાયદાનો ભંગ થયો? 

રંગલી: પણ તમે તો  આ પાવડર રંગલાને  રાત્રે બાર વાગે  ચાંદ તારાની સાક્ષીએ પીવડવાવાનું  કહ્યું હતું . આવી અંધશ્રદ્ધા વધારનારી સલાહ આપવાનું કારણ ખરું? 

ભૂવો: અરે મારી બહેન.  આ રંગલો કમ્પ્યુટરથી અળગો થાય  અને ખુલ્લાં આકાશનું  તેમ જ હરીભરી કુદરતનું મહત્વ સમજે  તે માટેનો મારો એ પ્રયાસ માત્ર હતો.  એ બહાને જો રંગલાને  માનસિક શાંતિ મળે એ જ મારો આશય હતો! 

નરેન્દ્રસિંહ : મને તો તમે ભેદભરમથી ભરેલા માણસ લાગો છો. તમારા બધા ખુલાસા પરથી તો એવું લાગે છે  જાણે તમે આ દુનિયાનાં મૂળિયાં ચાવી ગયા છો. મારો તમારી સાથે પનારો પડી ચૂક્યો હોય એવું લાગે છે!  બીજી બધી વાતો જવા દો અને મને તમારા ઓળખાણના પુરાવા આપો. 

ભૂવો:કેવા પુરાવા ?

નરેન્દ્રસિંહ: કાયદેસરના પુરાવા. જેનાથી  સાબિત થાય કે તમે આ જગતમાં ક્યારે પ્રગટ થયા! તમારું અસલ નામ કયું? તમારો અભ્યાસ કેટલો ? 

ભૂવો : [હસીને]  મારી પાસે તો એવા કોઈ પુરાવા નથી.

નરેન્દ્રસિંહ : પણ મારી પાસે આ દંડો છે.  [દંડો ઉગામે ]   

ભૂવો: રહેવા દો રહેવા દો સાહેબ.  એની જરૂર નથી. આ લો મારું ઓળખપત્ર.[ટેબલમાંથી ઓળખપત્ર કાઢે] 

નરેન્દ્રસિંહ: [વાંચે ] મૌલિક એમ.  કોટેચા માનસિક રોગોના નિષ્ણાત. [યાદ કરીને] મૌલિક કોટેચા કરીને એક છોકરો તો   તો મારી સાથે કોલેજમાં હતો. કદાચ એણે સાયકૉલોજી.. શું તમે પોતે તો મૌલિક …  

ભૂવો : [ હસતાં હસતાં તેમ જ ટોપી  અને કોટ ઉતારતાં ઉતારતાં] હા હું જ છું એ  મૌલિક કોટેચા.  શ્રીમાન નરેન્દ્રસિંહ  આપણે કોલેજનાપહેલાં વર્ષમાં સાથે હતા. પછી અલગ થયા.

[બંને મિત્રો ભેટે ]

રંગલો: એટલે તમે ભૂવા નથી?

ભૂવો: ભૂવો છું પણ ભણેલો અને એનાથી વિશેષ ગણેલો!

રંગલી:ભણેલા ગણેલા થઈને આવી ભૂવાગીરી કરવાનું કારણ?

ભૂવો: માત્રને માત્ર અભ્યાસ માટે! હું આજના જમાનાના માણસોની નવી નવી માનસિક નબળાઈઓ માટેનું સંશોધન કરવા માંગું છું. એ માટે મને ભૂવો બનવાનું જ ઠીક લાગ્યું! ભૂવા પાસે લોકો પોતાની તકલીફ  છૂપાવે નહીં!

નરેન્દ્રસિંહ:  વાહ! રીસર્ચ કરવાની જબરી  મૌલિક રીત અપનાવી છે!

રંગલી:  રીત ગમે તેવી મૌલિક હોય પણ ગલત છે. સાધ્ય ગમે તેટલું  શુદ્ધ હોય પણ જો સાધન શુદ્ધ ન હોય તો એનાથી સમાજને  ખોટા સંદેશા જવાનો સંભવ છે.  મારું માનવું છે કે આ ભૂવા કાર્યાલય બંધ થવું જ જોઈએ. 

નરેન્દ્રસિંહ :બહેનની વાત સાચી છે. મિત્ર મૌલિક કોટેચા.  આજ કામ તમે એક  ડૉક્ટર  તરીકે કરી શકો છો.  તમારે આ કાર્યાલય બંધ કરવું જ પડશે.  ઉતારો આ પાટિયું.

ભૂવો:પાટિયું ઉતારવાની જરૂર નથી. માત્ર ફેરવવાની જરૂર છે. ને એ કામ રંગલો અને રંગલીના હાથે જ થાય તો મને ગમશે.  આવો.. 

[રંગલો અને રંગલી કાર્યાલયનું પાટિયું ઉલટાવે છે  અને પાછળનું લખાણ સહુ એક સાથે વાંચે છે. ] 

ચારે જણાં: [ મોટેથી]  ડૉક્ટર   મૌલિક કોટેચા માનસિક રોગોના નિષ્ણાત . 

રંગલી: પણ ભૂવાજી અરે! ડોક્ટર સાહેબ્ તમે મારા રંગલાના કાનમાં કયા મંત્રો ફૂંક્યા હતા એ તો કહો.

ભૂવો:  એ તો  રંગલાભાઈ જ કહેશે. એ મંત્રો સહુએ ધ્યાનમાં રાખવા જેવા છે!

રંગલો :તો સાંભળો એ મંત્રો. … ઇંટરનેટ આપણા માટે છે.. આપણે ઇંટરનેટ માટે નથી….. બ્લોગ મગજને રાહત આપવા માટે છે…  મગજને ત્રાસ આપવા માટે નથી! …. કમ્પ્યૂટરના ચોકઠા સિવાયની પણ દુનિયા છે જેનાથી સાવ અળગા થવાની જરૂર નથી.

[સમાપ્ત]  

બલિહારી બ્લૉગની —- યશવંત ઠક્કર

મેં થોડુઘણું લખ્યું છે. એમાંથી કેટલુંક છપાયું છે. કેટલુંક ફાડ્યું છે. પણ એક વાત નક્કી છે કે મજા પડે છે એટલે લખ લખ અને હવે ટક ટક કરવાનું મન થયા કરે છે.
એ કેવા દિવસો હતા! ફુલસ્કેપ કાગળોમાં મરોડદાર અક્ષરોમાં વાર્તાઓ લખાતી હતી,મઠારાતી હતી અને મૅગઝિનમાં છપાવવા કાજે હોંશે હોંશે ટપાલપેટીમાં નખાતી હતી.અને પછી સંપાદકશ્રી કે તંત્રીશ્રીના જવાબની ઇંતેજારી! સ્વીકૃત કે સાભાર-પરત! બધું જ જાણે નસીબને આધીન હતું. વાર્તા પસંદ થવી, પસંદ થઈ હોય તો છપાઈ જવી,છપાયા પછી મૅગઝિન સહિત વાર્તાનું પધારવું! બહુ જ સારાં નસીબ હોય તો પુરસ્કાર પ્રાપ્ત થવો!!! વાર્તા ના પસંદ થઈ હોય તો વાર્તાનું હેમખેમ પાછા ફરવું એ પણ નસીબને આધીન! નહીં તો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગ્યો…
અહાહા! કેવા મીઠી મીઠી પીડા દેનારા એ દિવસો હતા!!
ક્યાં ગયા એ દિવસો! ક્યાં ગઈ એ શાહી દુજતી કલમો!
ક્યાં ગયા એ સામયિકો! [એ વળી કઈ બલા!]
ક્યાં ગયા એ સંપાદકશ્રીઓ..તંત્રીશ્રીઓ..
વાર્તા લઈ જનારા ને લાવનારા એ ટપાલીઓ ક્યાં ગયા?
ક્યાં ગઈ લીલાછમ વૃક્ષની ડાળીએ લટકતી લાલરંગી ટપાલપેટીઓ?
બધું જ જાણેDelete થઈ ગયું!
સર્વસ્વ જાણે કે લુંટાઈ ગયું હતું ! શબ્દો જાણે કે પાંજરામાં પુરાઈ ગયા હતા!
ને જાણે કે ચમત્કાર થયો! અશાનું એક કિરણ જ નહીં ,આખેઆખો સૂરજ ઊગ્યો!!!
Internet નો સૂરજ! ને એ સૂરજના અનેક કિરણો જેવા આ Blogs!
ને મારી આ વાત તમારા સુધી પહોંચી એ બ્લોગની જ બલિહારી નહીં તો બીજું શું?
પણ વિચાર કરો કે ધનાધન પ્રગટ થતા આ બ્લોગ્સને જોઈને પેલા વિદ્વાન સંપાદકશ્રીઓ અને તંત્રીશ્રીઓના આત્મા કેવા કકળતા હશે?

બ્લૉગલેખ  કરનારે  પોતે જ પોતાનાં  લખાણના સંપાદક થવું રહ્યું.