ગાતાં રહે… મેરા દિલ

ઘટના

[તસવીર:http://timesofindia.indiatimes.com/entertainment/bollywood/news-interviews/Dev-Anand-I-gave-the-world-Zeenat-Aman/articleshow/10979854.cms]

સાવરકુંડલા ત્યારે નાનકડું નગર હતું. પરંતુ નાવલી નદીનો પટ શોરબકોરથી ધમધમતો રહેતો. એ જ પટમાં ‘હેર કટિંગ સલૂન’ પણ હતું. જેના  બોર્ડ પર દેવાનંદની તસવીર હતી. સલૂનની ખુરશી પર બિરાજતી વખતે બાર તેર વર્ષના છોકરાઓ પણ કેશ કલાકારને ‘દેવાનંદ કટ’ની સૂચના આપી દેતાં. દેવાનંદ કટ એટલે આગળથી ફુગ્ગો અને પાછળ ટૂંકા વરીયાળી કટ વાળ!

એ ૧૯૬૬ની આસપાસના દિવસો હતાં. જિંદગીઓ આજે પણ સંઘર્ષોથી ભરેલી છે અને ત્યારે પણ હતી. પરંતુ એ દિવસો હતાં આઠ આના[પચાસ પૈસા], બાર આના[પંચોતેર પૈસા] કે એક રૂપિયાની ટિકિટ લઈને ટોકીઝના અંધારામાં પુરાઈને, સીટીઓ અને તાળીઓના અવાજ સાથે દેવાનંદની અદાઓ, હરકતો અને મસ્તીના દરિયામાં ડૂબી જવાના.

નડિયાદ જેવા કોઈ પણ નગરની શેરીના છોકરાઓ જિદે ચડતા કે: “રાજકપુર અને દિલીપકુમારમાંથી કોણ ચડે?” ત્યારે કેટલાક છોકરાઓ  દૂર રહીને એ ચર્ચાનો આનંદ, ઊંચા કોલર રાખીને માણતા. એ ઊંચા કોલર એ દેવાનંદના આશિકોની આગવી ઓળખ હતી.  “અદા તો દેવાનંદની” આવી કહેવત પડી ગઈ હતી!

ગઈ કાલથી ટીવીના પર્દા પર, દેવાનંદને શ્રદ્ધાંજલિ નિમિત્તે એમની  જિંદગી વિષે જાણીતી અને અજાણી ઘણી વાતો રજૂ થઈ રહી છે તેમાં ઉમેરો થાય  તેવી કોઈ વાત મારી પાસે નથી. પરંતુ એક કલાકારનો પ્રભાવ સમાજ પર કેટલો હોઈ શકે છે તે આપણે સહુ અનુભવી શકીએ છીએ.

દેવાનંદની પોતાની આગવી શૈલી હતી. ડોલતા રહેવાની! આપણા વિદ્વાનો એને ડોલનશૈલી કહી શકે! ઝડપથી સંવાદો બોલવાની એમની રીતની તો આજે પણ  મિમિક્રી થાય છે. કર્ણપ્રિય ગીતોમાં  દેવાનંદ પોતાના હાવભાવથી એક પ્રકારનો નશો ઉમેરી દેતા. રોજિંદી ઘટમાળથી થાકેલા મનને બીજું શું જોઈએ?

પરંતુ ‘ગાઈડ’ ફિલ્મે ચાહકોને આનંદ સાથે આંચકો પણ આપ્યો! દેવાનંદના મોંઢેથી ગીતાના  શ્લોક! આત્મા અને પરમાત્માની વાતો! પરંતુ દેવાનંદે એ  કસોટી પણ પોતાની અદા સાથે નિભાવી. “ગાઈડ” આર.કે નારાયણના પુસ્તક પર આધારિત હતી. જેમાં લીધેલી  છૂટછાટના કારણે લેખક પણ નારાજ હોવાની વાત બહાર આવી હતી. 

‘ગાઈડ’ હોય કે ‘દેવદાસ’ હોય. જાણીતા પુસ્તક પરથી ફિલ્મ બને ત્યારે મોટાભાગે ટીકા થતી હોય છે કે:મૂળ કથાને પૂરો ન્યાય નથી મળ્યો. પરંતુ પ્રેક્ષકોને ફિલ્મ ગમી જાય છે તો તેઓ વિવેચકોને ગાંઠતા નથી. ‘ગાઈડ’ આજે પણ ફરી ફરીને જોવાનું પસંદ કરનારા લોકો છે.  

દેવાનંદ છેવટ સુધી  ફિલ્મ્સ બનાવતા રહ્યા. છેલ્લી ઘણી ફિલ્મ્સ ચાલતી પણ નહોતી. છતાંય તેઓનું મનોબળ તૂટ્યું નહોતું. શું પોતાની મર્યાદાઓ એમને નહિ સમજાતી હોય? કે બદલાતા જમાનાનો ખ્યાલ એમને નહિ આવતો હોય?આ વાત ઘણાને મગજમાં ન બેસે તેવી છે. તેઓએ પોતાની જાતને ફિલ્મ ઉદ્યોગથી દૂર ન કરી. સતત પોતાની ધૂનમાં રહ્યા. કદાચ એટલે જ તેઓ  છેવટ સુધી શાનથી જીવી શક્યા.  લાહોરમાં જન્મ, ભારતમાં જિંદગી અને લંડનમાં અવસાન! આ પણ એમની ડોલન શૈલીનું જ ઉદાહરણને? 

દેવાનંદના ચાહકો માટે દેવાનંદને અલવિદા કહેવાનો સવાલ જ નથી. ચાહકોના દિલના પોકેટમાં દેવાનંદ અકબંધ છે અને રહેશે. દેવાનંદે એમના  જીવનમાં ભરેલા રંગો દેવાનંદને ભૂલવા નહિ દે.

એ પણ અજબની વાત છે કે: જેની સાથે લોહીના સંબંધ ન હોય તેવાં લોકો પણ માણસની રોજિંદી જિંદગી પર ગજબનો પ્રભાવ પાડતા હોય છે. ખાસ કરીને કલાકારો! 

આવા જ  એક કલાકાર દેવાનંદને ઊંચા કોલર સાથે સલામ. 

Advertisements

ઉલાળા! ઉલાળા!

ગમ્મત

ઉલાળા! ઉલાળા!

મિત્રો, આ  શબ્દો વાંચીને તમને, “ડર્ટી પિક્ચર”નું આજકાલ ખૂબ ઉલાળા મારતું ગીત ઉલ્લાલા.. ઉલ્લાલા હોઠે ચડી જાય અને તમે મનોમન ઉલાળા મારવા લાગો તો તેમાં કશું અજુગતું નથી. ગીત જ  ઉલાળા મરાવે એવું છે. જોવાનું એ રહે છે કે, નાયિકા વિદ્યા બાલનના ઉલાળા ફિલ્મને થિયેટરમાથી વહેલી વહેલી ઉલળતી બચાવી શકે છે કે નહિ. 

[તસવીર: http://gallery.southdreamz.com/actress/vidya-balan/indian-glamour-actress-vidya-balan-hot-dirty-picture-garam-maslala-photos-2.jpg.html ]

મનુષ્ય સામાજિક પ્રાણી છે. મતલબ કે પ્રાણી તો છે જ. પ્રાણીમાત્ર ઉલાળા મારવાને પાત્ર છે. સામાજિક પ્રસંગોએ મનુષ્ય ઉલાળા મારે તે સ્વાભાવિક છે. લગ્નની મોસમમાં રસ્તા વચ્ચે વિહરતા વરઘોડા આ બાબતમાં  ઉત્તમ ઉદાહરણ છે. વરઘોડો શબ્દ જ મનુષ્ય અને પ્રાણી વચ્ચેની સમાનતા સૂચિત કરે છે.  જેમાં વરનારો અને વરાવનારાઓ ઘોડાની જેમ ઉછળી શકે તે વરઘોડો!

ધાર્મિક પ્રસંગોમાં તેમજ તહેવારોમાં પણ મનુષ્યને ઉલાળા મારવાના મોકા મળે છે.  આ પ્રસંગોએ પણ ધાર્મિક ગીતોના બદલે ફિલ્મી ગીતો વગાડવામાં આવે છે કારણ કે ફિલ્મી ગીતો ઉલાળા મારવા માટે શક્તિ મેળવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. 

રાજકીય ક્ષેત્રે તો  આજકાલ ઉલાળાયુગ ચાલી રહ્યો હોય તેવું લાગે છે!

ચાર રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે એટલે સ્વાભાવિક છે કે નેતાઓ ઉલળી ઉલળીને ભાષણો કરવા લાગે! રાહુલ ગાંધી ખરેખર બાંયો ચડાવીને અને ઉલળી ઉલળીને,માયાવતીની સરકારને ઉલાળી નાખવા માટે લોકોને આહવાન કરી રહ્યા છે. તો સામે પક્ષે વગર ઉલાળા માર્યે માયાવતી ભાષણ વાંચી જાય છે! એમનું કહેવું એમ છે કે, સપનાં જોયા કરો. હું કે મારો હાથી ઉલળીએ તેવાં નથી.

ભાજપના નેતાઓને રૂડા રૂડા શબ્દો ઉલાળવામાં કાબેલ છે. સુષ્મા સ્વરાજ બોલતાં હોય ત્યારે ડોલમાંથી સાબુનાં ફીણ ઉલાળા મારતાં હોય તેવું લાગે છે. અડવાણીજીને તો ધોળે દિવસે સરકાર ઉલળી જવાનાં સપનાં આવતાં હોય તો નવાઈ નહિ.

સરકારે વોલમાર્ટ માટે રસ્તો ખોલવાની વાત કરીને વિરોધ પક્ષો અને નાનામોટા વેપારીઓને ઉલાળા મારતાં કરી દીધા છે. નાના નાના વેપારીઓ ને  હવે પોતે ઉલળી  જશે એવી બીક લાગી છે.

પેટ ઉલાળવાની અનોખી કળા જેને આવડે છે તે બાબા રામદેવને સરકારે પોલીસ મારફતે મંચ પરથી એક વખત ઉલાળો મરાવ્યો. હવે તેમને લોકોની નજરમાંથી ઉલાળી નાખવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. અન્ના મંડળીના અભ્યોને ઉલાળી નાંખવા માટે એમની નાનીમોટી ભૂલો શોધી કાઢીને ઉછાળવામાં આવી રહી છે.

આન્નાજીના વ્યક્તિત્વમાથી તો  ક્યારેક  ગાંધીજી તો ક્યારેક  શિવાજી ઉછળીને બહાર આવી જાય છે! ટુ ઇન વન! ડબલ પર્સનાલીટી!! ન ઉછળવા જેવાં શબ્દો તેમના હોઠેથી ઉછળી જાય છે ત્યારે કેટલાક લોકોને તેમનાં પૂતળાં ઉછાળવાના મોકા મળી જાય છે! તેમાં મિડીયાનો ફાળો પણ નોંધપાત્ર હોય છે. અન્નાજીના મોંઢેથી “ચાટા મારા? એક હી મારા?” શબ્દો ઉછળ્યા એક વાર. પરંતુ મીડિયાએ ઉછળતા દેખાડ્યા વારંવાર!  “ચાટા મારા? એક હી મારા?”… “ચાટા મારા? એક હી મારા?”…. “ચાટા મારા? એક હી મારા?”.  મીડિયા પોતે તો ઉલાળા મારે પણ બીજાંને પણ ઉલાળા મરાવી શકે છે. 

સંસદ સભ્યો પણ સંસદમાં વિરોધ કરવામાં મર્યાદા રાખતાં નથી ત્યારે  સંસદના આખેઆખાં સત્રો કામ કર્યાં વગર ઉલળી  જતાં હોય છે.  

તાજેતરનો સહુથી વધારે ચર્ચાસ્પદ ઉલાળો, હરવિન્દરસિંહનો ગણી શકાય. આ ઉલાlળાના પરિણામે તેણે શરદ પવારના ગાલે તમાચો ચોડી દીધો. આ ઉલાળાના પ્રભાવે જ તમામ સંસદ સભ્યોએ એક થવું પડ્યું અને હરવિંદરસિંહના ઉલાળાને એકી અવાજે વખોડવો પડ્યો! કાશ! આવી જ એકતાનું પ્રદર્શન  જનતાની ભલાઈ માટેના ઠરાવો પસાર કરવા માટે થયું હોત  તો દેશના કોઈ યુવાનના દિમાગમાં  ગુસ્સો  ઉલાળા ન મારતો હોત!

बात हद से बढ गई तो हो गई बबाल

ढाई किलो के हाथने ढूंढ लिया एक गाल!

મિત્રો, શિયાળો આવી ચૂક્યો છે. શિયાળામાં વ્યાયામના બહાને સહુને ઉલળવાના અવસર મળે છે. યથાશક્તિ ઉલળવાથી આપણું દિલ પણ સારી રીતે ધબકતું રહે છે. જેનું દિલ ધબકતું બંધ થાય તે આ દુનિયામાંથી ઉલળી જાય છે. 

આ હિસાબે ઉલળવું તે આપણો જન્મસિદ્ધ જ નહિ પરંતુ મરણસિદ્ધ અધિકાર પણ છે!