ધાબે ધાબે તડકા તારા ડાયરા

નિબંધ

ઉગ્ર પ્રતિભાવ સમો તડકો સામેના ધાબા પર સવારથીથી ધામો નાખીને બેઠો છે. વહેલી સવારે અગાસીની પાળી પર, એક ક્બૂતરીને રીઝવવા માટે જે બે કબૂતરો વ્યાયામ કરતા હતા એ હવે દેખાતા નથી. કદાચ જોબ પર ચાલ્યા ગયા હશે. અવગતે ગયેલા જીવાત્મા જેવી એક  પતંગ ફાટેલી દશામાં વીજળીના થાંભલે હજી લટકી રહી છે.  કેટલાંક ધાબાં પર  મોબાઈલટાવર વૃક્ષોને ચીડવતા હોય એવી વાઈડાઈથી ઊભા છે. ધાબે ધાબે  જડેલાં ડિસ્ક -ઍન્ટેના સુદર્શન ચક્રની યાદ અપાવે છે. કોઈ ધર્મનો પ્રચાર કરવા અનુયાયીઓ નીકળી પડ્યા હોય એ રીતે વાયરના દોરડાઓ ધાબે ધાબે ફેલાઈ ગયા છે. આકરી તપસ્યાનું પ્રણ લઈને બેઠેલા તપસ્વીઓ જેવાં સોલર કૂકર  સૂર્યને  આહવાન આપી રહ્યાં  છે. લોખંડની નિસરણીઓના પડછાયા એ નિસરણીઓની એકલતા દૂર કરવાના પ્રયાસો કરી રહ્યા છે. બારીઓ પરનાં છાપરાં યથાશક્તિ છાંયાની વહેંચણીકરી રહ્યા છે. સૂર્યને શાંતિસંદેશો આપતાં હોય એ રીતે, એક અગાસીમાં ભીનાં કપડાં સુકાઈ રહ્યાં છે. એ જ ધાબા પર એક સ્ત્રી વારેવારે ઊઠબેસ કરી રહીછે. એ જરૂર સૂર્યદેવને ચોખાની પાપડીનો નિવેદ ધરી રહી હશે.  બીજા એક ધાબા પર કેટલાંક બાળકો દેખાયાં ન દેખાયાં ને જતાં રહ્યાં. એ કદાચ ધાબાને વચન આપવા આવ્યાં હશે કે, ‘અમે સાંજે  જરૂર તારી પાસે આવીશું.’ સમગ્ર વાતાવરણ નીરવ છે. 

આ નીરવપણું દૂર થાય એ માટે , ઉમાશંકર જોશીની કવિતામાં ભૂક્યો હતો એવો કોઈ ગધેડો ભૂકે એની રાહ જોવી જરૂરી નથી.  ટીવી હાજરાહજૂર છે! 

Advertisements

રાંધણિયું

અસર

થોડા દિવસો પહેલાં એક ગમ્મત-લેખ લખેલો.

પ્રાયમસ યુગ

જેના અનુસંધાનમાં બ્લોગમિત્ર દક્ષેશભાઈએ મજાનો  પ્રતિભાવ આપીને  રસોડાની જાહોજલાલીની વાત આ રીતે  કરી.

કોલસા ફૂંકીને પેટાવવા પડતો એવો ચૂલો અને જેના ધૂમાડાથી આંખ લાલ થઈ જાય તે આ પ્રાયમસનો પૂર્વજ. એટલે જલ્દીથી રસોઈ બનાવી દે એવા પ્રાયમસનું આગમન એ એક રીતે રસોડા-ક્રાંતિનું પ્રતીક હતો. ત્યાર પછી કેરોસીનમાં બોળેલી લાંબી વાટવાળો શાંત સ્ટવ આવ્યો અને પછી ગેસના બાટલાઓ … પાઈપમાં ગેસ અને હવે માઈક્રોવેવ તથા કૂકીંગ રેન્જનો જમાનો … રસોડાએ પણ કેવી કેવી જાહોજલાલી જોઈ :) )

દક્ષેશભાઈએ  ચૂલાની પણ યાદ અપાવી. ચૂલો તો અમારા ધ્યાનમાં હતો જ. પણ એની વાત કરવાની બાકી રાખેલી. આજે કરી નાખીએ.

રાંધણિયું……

ચૂલા અને પ્રયમસની વચ્ચે સગડી આવી ગઈ. સગડી મોટાભાગે નાનાં મોટાં શહેરોમાં વપરાતી હતી. હજુ પણ ક્યાંક ક્યાંક વપરાતી હશે. સગડીમાં મોટાભાગે કોલસા વપરાતા.  ગામડામાં ચૂલો હતો અને એમાં છાણાં અને ઈંધણાં [બળતણ] વપરાતાં.  સગડીને હેરવી ફેરવી શકાય જ્યારે ચૂલા રાંધણિયામાં[રસોડામાં]  જ ચણેલા રહેતા.

હા.અમારે પણ એક રાંધણિયું હતું. વગડાનો પવન ખાઈ ખાઈને ઉછરતાં ગામમાં. લીંપેલી ભોંય  અને દેશી નળિયાની છતવાળાં ઘરમાં.   બહુ નાનું નહીં ને બહુ મોટું નહીં એવું. એમાં જોડિયા ભાઈઓ જેવા બે ચૂલા હતા. ચૂલાની આગળ આગમણ હતી. આ આગમણ  શબ્દનો લખવા કે બોલવામાં ઉપયોગ   છેલ્લા ત્રીસેક વર્ષોથી તો મેં પણ નહીં કર્યો હોય!  પણ મને ઝાંખોપાંખો યાદ હતો.  શબ્દકોષમાં જોયું કે ભૂલ તો નથી થતીને? અર્થ મળ્યો કે : ચૂલાનો આગલો ભાગ; ચૂલાની બેળ. ત્યાં અંગારા કાઢી ઠારવામાં આવે છે.

રાંધણિયામાં એક લાકડાની પેટી રહેતી. જેમાં  ખાવાનું રહેતું. અભરાઈ પર રોજની જરૂરિયાત પૂરતાં વાસણો રહેતાં. ત્રણ ચાર જણાં જમવા બેસી શકે એટલી જગ્યા રહેતી. મહેમાન હોય ત્યારે બહાર ઓસરીમાં બેસવાનું. શિયાળાની ઋતુમાં રાત્રે રસોડામાં જ તાપણી થતી.

પણ રાત્રે બધાં ઊંઘી જાય પછી રાંધણિયું મારો અભ્યાસ ખંડ બની જતું.  ચૂલાની  પાળે દિવો કે ફાનસ રહેતાં.  હું બને એટલી ઝડપથી મારું લેસન પતાવી દેતો. અને પછી મારાં દફતરમાંથી;  કોઈ અમીર આદમી એની તિજોરીમાંથી કિંમતી દાબડો કાઢતો હોય એમ નિશાળની લાયબ્રેરીમાંથી લાવેલું પુસ્તક કાઢતો. પછી   હું અને પુસ્તક અંને ભાંગતી રાત!

અહાહાહા !કેવાં ભવ્ય હતાં એ પુસ્તક- દર્શન! આજે,માત્ર થોડી  પળો માટે  પણ મને એ ઉમર,એ રાંધણિયું,એ ચૂલો,એ દિવો,એ દફતર અને એમાંનું એકાદ પુસ્તક મળી જાય તો ફરીથી એ પુસ્તકનું મુખપૃષ્ઠને મારી નજરમાં સમાવી લઉં. એ પુસ્તકની ગંધ મારાં ફેફસાંમાં ભરી લઉં.એ પુસ્તકને મારાં હૈયે ચાંપી દઉં. એ  ક્ષણોને  એવી ને એવી જ ફરીથી  જીવી લઉં.

…પણ એવું હકીકતમાં થતું  નથી.

હા… થઈ શકે છે માત્ર સ્મૃતિના  સહારે!

..ને હું સ્મૃતિના સહારે ભૂતકાળના ઘમ્મર ઘૂનામાં ડૂબકી લગાવું  છું.

એ…ગુલ્ફીમલાઈ

વાયરા

શહેરમાં કે  ગામડાંમાં   લોકોંની તાપ કે ગરમી સહન કરવાની શક્તિ ઘટી ગઈ છે.  બદલાતું હવામાન કે  પ્રદુષણમાં  વધારો  જેવાં કારણો તો હોઠવગાં છે.પણ તાપ કે ગરમીનો સામનો કરવાના સાધનો વધ્યાં છે એ પણ એક કારણ હોઈ શકે.

મને ત્રીસેક વર્ષો પહેલાંનું મારું નાનીધારી ગામ અને તે વખતના ઉનાળા યાદ આવે છે. એ વખતે  ઉનાળાની બપોરે તાપ કે ગરમીથી બચવા  માટે લોકો પાસે કેવાં વિકલ્પો હતાં ? મનમાં એવો સવાલ થાય છે ને એનો જવાબ મેળવવાની મથામણ  કરું છું. મને લાગે છે કે સૌથી સારો ઉપાય હતો :સહન કરવાનો! છતાંય  બીજા વિકલ્પોની યાદી બનાવવી હોય તો કાઈંક આવી બને:  છાંયો, ઝાડ, નદી…. બસ આગળ કશું યાદ આવતું નથી! હોય તો યાદ આવેને?

પણ  આતો થયા કુદરતી ઉપાયો! માણસોના પોતાનો ઉપાયો? એની યાદી બનવીએ તો : હાથપંખો, ભીનું કપડું, છાશ કે  વરિયાળીનું સરબત… બસ આગળ કશું નહીં!!!

એમ થાય કે કેટલી ઓછી જરૂરિયાતો! કોઈને એવું લાગે કે માણસ ત્યારે કેટલો સુખી હતો! કોઈને એવું પણ લાગે કે માણસ ત્યારે કેટલો લાચાર અને દુ:ખી હતો!!! એવી ચર્ચામાં અત્યારે ઉતરવા કરતાં  હું મારી વાત આગળ વધારીશ.

સહેલામાં સહેલો અને અઘરામાં અઘરો  ઉપાય સહન કરવાનો. બસ. સૂરજને ધગવું હોય એટલું ધગે. તાવ સહન કરતા હોઈએ એમ તાપ સહન કરી લેવાનો! અને ના થાય તો છાંયો ગોતી લેવાનો. છાંયો..  મકાનના પડછાયામાં. છાંયો.. ગાયો અને ભેંસોના ઢાળિયામાં . છાંયો .. ઓસરીમાં કે હલાણમાં. શરત એટલી કે પવનની એકાદ લહેરખી જો ભૂલી પડી હોય તો એ રોકાવી ના જોઈએ. ને એમાંય જો   લીમડાનાં  ઝાડ હેઠે ખાટલો નાખી દીધો હોય તો ભયો ભયો! છાંયડામાં કૂતરાંનો  પણ  હિસ્સો રહેતો હો !

દુકાળનું વરસ ના હોય અને નદી વહેતી હોય તો એના જેવું એકેય સુખ નહીં. ટાબરિયાં તો નદીમાંથી બહાર નીકળવાનું નામ ના લે. કાંઠે આંબા કે વડલાનાં ઝાડ અને ઝાડ  હેઠે ગાયો અને ભેંસોએ   સમાધી ચડાવી હોય અને ભરવાડ કે ખેડૂત પોતાનાં પનિયાંનું ઓશિકું કરીને  ઝાડ હેઠે આડો પડ્યો હોય ત્યારે શહેરનો કોઈ ઉતપાતિયો માણસ આવી ચડ્યો હોય તો એનેય મન થાય કે: લાવ હુંય થોડો આરામ ફરમાવી લઉં .  તેલ  લેવા ગઈ  દુનિયા!

વીજળી આવી નહોતી એટલે પંખાનો સવાલ નહોતો.  હાથપંખાનો ઉપયોગ સુધરેલાં હોય એ કરે! બાકી એવાં કષ્ટ  કોણ ઉઠાવે? માથે  કે કપાળે ભીનું કપડું મૂકી દીધું એટલે કામ પત્યું.  સર સલામત તો પઘડી બહોત. પીણામાં તો માટલાવગું પાણી ! છાશ  તો બપોરે જમવામાં લીધી હોય અને સરબત તો મહેમાન આવ્યા હોય તોજ બનાવાય!

આ હતા તાપ કે ગરમી સહન કરવાના ઉપાયો! પણ  એ ઓછા હોય એમ ખાંભા શહેર[?]થી  કૂલ્ફી વેચવાવાળો  સાયકલ પર સવાર થઈને આવી ચડે ને  બપોરની શાંતીને ચીરતો હોય એમ બૂમો પાડવા લાગે: એ…ગૂલ્ફીમલા …. ઈ!!! પછીતો બધી જમાવટ ગામના ચોકમાં જ્યાં કૂલ્ફીવાળો ઊભો હોય. નાનાં તો હોંશે હોંશે લેવા દોડે પણ મોટાંય પાછા ના પડે. ઉપરથી મમરો તો મૂકેજ કે : આપડે કાંઈ થોડા ગૂલ્ફી ખાવા જેવડા છઈ. આતો ઠીક જરા જોઈ લઈ .. કે  કેવીક  લાગેસ!

એ દિવસોમાં  મેં મેટ્રિક પાસ કર્યું હતું. નોકરી ન મળે ત્યાં સુધી આજીવિકા ખાતર ગામમાં બંધ કરેલી હાટડી ફરીથી ખોલી નાખી હતી. હું અને  સંબધમાં મારો ભત્રીજો પણ પાકો મિત્ર કહી શકાય એવો રમેશ વધારે કમાવા માટે શું કરવું જોઈએ એ બાબતની અવારનવાર ચર્ચા કરતા રહેતા. એ ચર્ચાના પરિણામે અમને ગુલ્ફી વેચવાનો ધંધો ઠીક લાગ્યો. એટલે અમે પહોંચ્યા ખાંભા મુકામે ,ધાતરવડી નદીના કાંઠે,ગુલ્ફીના કારખાને.  અમારી રજૂઆત સાંભળીને કારખાનાના માલિકે કહ્યું કે : હું તમને ગુલ્ફીય આપું ને પેટીય આપું. પણ તમારે ગામ પોગાડશો કેવી રીતે? આંયથી નાનીધારીની સીધી બસ તો છે નઈં! બસમાં લઈને વીસાવદરનાં  પાટિયાં  લગી લઈ તો  જાશો . પણ  પછી તમારે ગામ કેમ પોગાડશો?  આ તો  બરફ  કહેવાય! પાણી થઈ જાય! ગુલ્ફીનું ને ભેગાભેગ તમારા પૈસાનુંય!

“ઈ  બધી વાત સાચી પણ ઈનો કાંઈક રસ્તો દેખાડો. ” રમેશે રજૂઆત કરી.

“ઈનો એકજ રસ્તો છે કે તમારી પાંહે સાયકલ હોવી જોઈએ. આંયથી સાયકલની વાંહે પેટી મૂકી નથી ને સાયકલ ભગાવી નથી. કે વહેલું આવે નાનીધારી! બોલો છે સાયકલનો વેંત? ને છે ત્રેવડ રોજ વીસથી પચીસ માઈલ સાયકલ ચલાવવાની?”

અમે મૂંઝાયા. એક્બીજાની તરફ જોવા લાગ્યા. ત્યાંથી રવાના થવા સિવાય છૂટકો નહોતો.

“અમે વિચાર કરીને આવીશું. ” રમેશે વાતનો વીંટો વાળ્યો.

અમે એક ગાંઠિયાની દુકાને પહોંચ્યા.  બાંકડે બેઠા બેઠા અને ગાંઠિયા ખાતા ખાતા અમે ચર્ચા કરી જેનું તારણ હતું કે : આપણી પાસે સાયકલનો વેંત છે નહીં અને કદાચ થાય તોય આ રીતે ગુલ્ફી વેચીશું તો ગુલ્ફી ઓગળતા ઓગળશે પણ એની પહેલા આપણે ઓગળી જાશું. માટે આ ધંધો કરવા જેવો નથી. જે ચાલે છે એ બરાબર છે.

… આમ  અમે ગુલ્ફી વેચવાનો ધંધો કરી શક્યા નહીં. જો કર્યો હોત તો મેં પણ બૂમો પાડી હોત કે:   એ………. ગૂલ્ફી…  મલા……..ઈ!!!!!!

બ્લોગમિત્રો … તમને મારી બૂમ સંભળાઈ?

હા તો પાડો!!!!

અમુભાઈ ટપાલી

મુકામ- નાનીધારી

મુકામ –નાનીધારી

પોસ્ટ- ભાડ ઈંગોરાળા વાયા- ચલાળા

તાલુકો- ખાંભા જિલ્લો- અમરેલી

કાઠિયાવાડ

{ પિનકોડ આવ્યા નહોતા }

ગામનું  આટલું પાકું સરનામું લખ્યા પછી પણ લખનારને શંકા તો રહેતી જ કે આ ટપાલ અમારે ગામ  પહોંચશે કે નહીં. એ સ્વાભાવિક પણ હતું કારણ કે ગિરના પ્રદેશમાં વેરાયેલાં બોર જેવાં કેટલાંય ગામ…. ગામનાં પાછાં એકસરખાં નામ! ટપાલપેટીમાં નાખેલી ટપાલ ટ્રેન અને બસ મારફતે ફરતી ફરતી મુકામે જલ્દી પહોંચે એ માટે પણ માનતા મનાતી! ક્યારેક ક્યારેક તો ત્રણ માઈલ દૂર ઈંગોરાળા સુધી પહોંચીને અટકી જતી. ત્રણ ગામ વચ્ચે એક ટપાલી ને ટપાલીને પોતાની પણ મુશ્કેલી હોયને? ધૂળીયા રસ્તા પર સાયકલ ચલાવીને કે ક્યારેક પગપાળા પહોંચીને પણ ટપાલ પહોંચાડવી એ કામ સહેલું નહોતું. એ કડકડતી ટાઢય ..એ ધગધગતો તાપ …એ ધોધમાર વરસાદ!

પણ ધન્ય છે એ અમુભાઈ ટપાલીને કે જેણે પૂરી નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી. હું નથી માનતો કે એ નોકરી કરતા હતા. હું માનું છું કે એ સેવા કરતા હતા.માથે સફેદ અણીદાર ટોપી, સફેદ ખમીસ,સફેદ લેંઘો, લેંઘો સાયકલની ચેનમાં ન ભરાય એ માટે લેંઘાના પાયસામાં ભરાવેલી ક્લિપ્સ ,ખંભે લટકતો ખાખી થેલો અને સાચુકલા ગાંધીવાદી જેવી સાવ સાદી સાયકલ અને એ સાયકલ વાંકીચૂકી કેડી પર ટીન ટીન ટોકરી વગાડતી જાય.

અમુભાઈ દૂરથી આવતા દેખાય ને વાયુવેગે વાત ફેલાય કે ટપાલી આવે છે. ને વાતાવરણ જીવંત થઈ જાય.ને પછી કોઈની આતુરતાનો અંત તો કોઈ થાય નિરાશ. કોઈ થઈ જાય ખુશ ને કોઈ ઢીલાઢફ. અમુભાઈ ટપાલ વાંચી પણ આપે ને વળતી ટપાલ લઈ પણ જાય. વળતી ટપાલ લખવાનું કામ ગામના વેપારી કરી આપે. આ ઉપરાંત અમુભાઈ કોઈ બીમાર હોય તો એની ખબર પણ કાઢે. કોઈને ત્યાં શુભ પ્રસંગ હોય તો હરખ વ્યક્ત કરે ને કોઈને ત્યાં અશુભ બન્યું હોય તો શોક પણ વ્યક્ત કરે.

આ બધું જ બને તેટલી ઝડપથી પતાવી ને અમુભાઈ રવાના થઈ ગયા પછી કોઈ માઈ નો લાલ ઘરની બહાર આવી ને એમ પણ પૂછે કે –હજી ટપાલી કેમ નહીં આવ્યો હોય? ત્યારે કોઈ જુવાનિયો ખડખડાટ હસીને કહે કે – લ્યો, કરો વાત. ટપાલી તો ઈંગોરાળા પોગવા આવ્યો!

ને ધન્યવાદ ટપાલખાતાંને. જેના થકી આવાં નાનકડાં ગામો સુધી એ જમાનામાં આફ્રિકા, યુરોપ અને અમેરિકાથી પણ ટપાલો પહોંચતી હતી. ધન્યવાદ એ હજારો કર્મચારીઓને જે લોકોના સુખદુ:ખમાં સહભાગી બન્યા.

ને ફરીથી ધન્યવાદ અમુભાઈને કે જેમણે મને એક એવી ટપાલ પહોંચાડી કે જેના લીધે મારી  માતાની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં હતાં. [ આગળ ફરી ક્યારેક ]

મુકામ-નાનીધારી

મુકામ- નાનીધારી

માંગ માંગ જે માંગે તે આપું”

ઈશ્વરે મને કહ્યું

ને

મેં માંગ્યું…

હે પ્રભો,

આપી શકો તો આપો

વર્ષો પહેલાંનું મારું ગામ

વત્તા ગામનો નદીકિનારો

વત્તા કિનારા પરનાં આંબલીનાં ઝાડ

વત્તા ઝાડ નીચેનો ધોળા દિવસનો અંધકાર

વત્તા ભૂતની અસ્સલ એવી ને એવ્વી જ બીક

વત્તા બીકથી ધક ધક થાતું

મારું અસ્સલ એવું ને એવ્વું જ હૃદય

ને ઈશ્વર અંતર્ધ્યાન થઈ ગયા

‘તથાસ્તુ’ કહ્યા વગર!!!

મતલબ કે ગયેલો સમય કોઈ પાછો આપી શક્તું નથી. બાળપણ પાછું આવી શક્તું નથી. આવી શકે છે માત્ર એની યાદ. બાળપણમાં તકલીફો વેઠી હોય પણ મોટાભાગે આપણે એ તકલીફોને ગૌરવપૂર્વક યાદ કરતાં હોઈએ છીએ. એવી જ રીતે વતનમાં પ્રગતિ કે કમાણી ન હોવાથી માણસ દૂર જાય છે છતાં ય વતન એને દવલું લાગતું નથી. બાળપણ કે વતનની વાતો યાદ કરવાની પણ એક જાતની મજા હોય છે. આવી જ મજાનો અનુભવ લેવાનો પ્રયાસ છે આ લેખમાળા શરુ કરવાનો.– ‘મુકામ નાનીધારી’

***********************

ઉમરાવાળી પાટ્ય.

નાનીધારી ગામને પાદરથી વહેતી દેદુમલ નદી. એ નદીમાં એક ઘૂનો. ઘૂનો એટલે ગામડાંનો કુદરતી સ્વિમિંગ-પૂલ! નદીમાં પાણીથી છલોછલ ભરાયેલાઊંડા અને પહોળા ખાડાને ઘૂનો કહેવાય. ઘૂનાનું નાનકડું સ્વરૂપ ધૂનડી તરીકે ઓળખાય. એ વખતે નદીમાં ત્રણ ઘૂના જણીતા હતા. પીપળાવાળો ઘૂનો, ધોબીઘૂનો અને ઉમરાવાળી પાટ્ય.

ઉમરાવાળી પાટ્ય નવી નવી અસ્તિત્વમાં આવેલી પણ એની બોલબાલા હતી.જ્યારે જૂઓ ત્યારે છોકરાં નહાતાં જ હોય. ઉનાળાની બપોરે તો હાઉસફુલ! નર્યો ગોકીરો!

આ બ્લોગમાં એ ગોકીરાને એ જ ભાષામાં જીવંત કરવાની હું કોશિશ કરું છું. સો ટકા સફળતાની ખતરી તો નથી. એક પ્રયાસ છે.


“ગોકીરો”

—————–

__એ….કાળીયા.આંય આવ્ય આંય. જો તો ખરો ગળા ગળા  હુધી પાણી સે.

– એ ..બબલા.એણીકોર્ય જાતો નઈં. ન્યાં માથોડું માથોડું પાણી સે. વયો  જાય તો કોઈ કાકોય નઈં બસાવે.

– તું મારી ઉપાધી કર્યમાં. મને પાકું તરતા આવડે સે.

– હવે વાયડો થામાં વાયડો. નવી નવાઈનો તરતા શીખ્યોસ તે. તને તરતા કોણે શીખવાડ્યું? મેં કે બીજા કોયે?

– હવે હાલતો થા હાલતો. મને તો તારી કરતાયપેલેથીઆવડેસ.

– એ બબલા આઘો રે આઘો .ઓલ્યો રમલો આઘડીટોસ્યેથી ધુબકોમારશે તો આવશે સીધો તારી ઉપર્ય. ભુકા બોલી જાહે.

– એ રમકા… આણીકોર્ય ધુબકો મારતો હો ધ્યાન રાખજે. આંય મોટા મોટા પાણા સે .માથું ફુટી જાહે. પસી કેતો નઈં કે કોયે સેતવ્યો નઈં.

– લ્યો. તું રાડ્યું નાખતો રહ્યો ને ઈ  તો ભાયડો તોખાબક્યો! પણ ગ્યો ક્યાં?

– એઓલા કાંઠે ઠેઠ નીકળ્યો!

ઓય ધડ્યના. પાણી તો જો ઉડીને વાડ્યે પોગ્યું.

– રમકો ધુબકો મારે પસી કાઈં બાકી રે.

– ઈ આ રમકો નો હોતને તો તો કાલ્ય ઓલ્યો ગવરો બુડી જાત!

– હા..હા. હાવ હાસી વાત સે. ગવરો તો બે ત્રણ ડુબકી મારી ગ્યોતો. આ રમકાનું ધ્યાન ગ્યું ને એણે ખેંચી લીધો.

– એ જોવું હોય તો .ઓલો સોકરો સડી હોતો નાય સે.કોણ સે ઈ?

– એ તો રમકાને ન્યાં આવ્યો સે. શેરમાંથી આવ્યો સે એટલે સડી હોતો નાય સે.

– શેરવાળાની વાત જ નોખી. આપણને તો ફાવે જ નઈં.

– એય નાથીયા. ધક્કો હેનો મારસ.

– તે વસ્યમાંથી આઘો જાની.ઓડાની જેમ આડો ઉભોસ તે. અમારે નાવું કેમ ?

– આવડી મોટી પાટ્ય સે નાની.કોણ ના પાડેસ?

– તું આડો આવેહ તો ધક્કો વાગશે.

– એટલે હુંસે? આ નદી તારા બાપની સે ?

– બાપ હામે જાતો નઈં નકર માર ખાહ્ય હો જીવકા.

– ખાધો.ખાધો. કોની માએ હવાશેર સુંઠ્ય ખાધીસ કે હાથ લગાડે.

– લે તઈં ખાતો જા મારા હાથની.

– લે તઈં તુંય ખાતો જા.

– એ…. બાધોમાં બાધોમાં. એ નાથીયા .. સુટા પડો.

– એ.. જીવકા. તું રેવા દે .એને નઈં પોગી હક્ય.

– ભલે નો પોગું. ઈ મને મારશે તો હું એને મારવાનો. ઈ કાઈં અમને ગદરાવી નથી દેતો.

– તે તું મને ગદરાવી દેસ ? તારો બાપ કાંઈં કોઠીએદાણા નથી નાખી જાતો.

– હજી કઈ દઉં સું. બાપ હામે જાતો નઈં.

– તું પેલા બાપ હામે ગ્યોતો. એટલે તો આ હોળી હળગી.

– એ રમકા આંયા આવ્ય. આ હોળી તારા વગર્ય નઈં ઠરે.

– આ અવ્યો લો. હું સે તમારે બેયને. ભાગ વેંસવો હોય તો મારી હારે વેંસો. તમે બે ને હું એકલો. આવી જાવ.

– તને થોડું પુગાય?

– નો પુગાય ને તો સાનામના સુટા પડી જાવ.આંય નાવા અવોસ કે બાધવા?

-એય રમકા. તું કાલ્ય તરતોતો એવું આભલું તર્યની.

– આભલું કેવી ને વાત કેવી. મારે નિશાળ ભેગું થાવાનું સે. હું તો આ હાલ્યો!

– લે કર્ય વાત. તું તો નિશાળે નો તો જાતોને?

-નો તો જાતો. પણ રસિકસાબ્યે મને બરકવા સોકરા મારી ઘેર્ય મોક્લ્યાતાં. મને ટીંગાટોળી કરીને લઈ ગ્યા તેદુનો જાતો થઈ ગ્યો.

– લે પણ આ હું કરસ? નાઈધોઈને પાસો હાથેપગે ધુળ્ય લગાડેસ!

– એ.. ઈતો સાબ્યને ખબર નો પડે કે રમાકાભાઈ નદીએ પુગ્યાતા. એટલે.

– એ હાલો મેમાન. બહુ નાયા. કાલ્ય હારુ બાકી રાખો.

– એ હાલો ત્યારે આપણેય જાઈ. રમકા વગર મજા નો આવે.

– મજા શેની નો આવે? મારી હારે કાઈં સેડાસેડી બાંધીસ?

– સેડાસેડી તો નઈં. પણ અમુક માણહ હોય તો રંગત જામે.

– રંગત જમાવવી હોય તો રાત્યે ભેગા થાઈં.

-ક્યાં?

– સોકમાં.બીજે ક્યાં?

-પાકુ?

-પાકુ ટમેટા જેવું. હાલો ત્યારે. મોડું થાહે તો માસ્તર પાસો મને ઉઠ્યબેસ કરાવશે.

– એ હાલો ભાઈ હાલો આજ તો બહુ નાયા.

– ઉભાતો રહ્યો. કપડા તો પેરવા દ્યો.

– પેર તારે પેરવા હોય તો નકર આવ્ય એમનમ

**************

……બબલો…કાળિયો….નાથીયો…ગવરો… જીવકો… .ગોકીરો કરનારા બધાય ડાહ્યાડમરા થઈને ક્યાંક ને ક્યાંક ગોઠવાઈ ગયા હશે. રમકો ભેગો થાય છે ત્યારે ઉમરાવાળી પાટ્યની વાત નીકળ્યા વગર રહેતી નથી.

ને કેટલાક શબ્દો બોલવાની ને સાંભળવાની મજા પડી જાય છે જેવા કે –

ઘુનો, પાણો, ટોસ્ય, ઓડુ, ધુબકો,,ખાબકવું, ગદરાવવું, બરકવું, બાધવું, સેડાસેડી, વાયદા થાવું, પુગવું,ટીંગાટોળી,માસ્તર, સાબ્ય, સાનામના, ભાગ વેસવો ને ઓય ધડ્યના!!!!

ગોકીરો થોડો ભુલાય!

One Response to “ગોકીરો”

 1. kamlesh patel Says:
  November 21, 2008 at 6:17 pm | Reply editતમ તમારે થાવા દ્યો ગોકીરો! મન થાઈ સે લાઇ હુંએ કરવા માંડુ આંઈ ગોકીરો!અલ્યા તમારા ધૂનોમાં ધુબાકો તો માર્યો પણ તમારા જેવી રંગત ક્યા ? તમને થોડુ પુગાય ?

બલિહારી બ્લૉગની —- યશવંત ઠક્કર

વાયરા
 • મેં થોડુઘણું લખ્યું છે. એમાંથી કેટલુંક છપાયું છે. કેટલુંક ફાડ્યું છે. પણ એક વાત નક્કી છે કે મજા પડે છે એટલે લખ લખ અને હવે ટક ટક કરવાનું મન થયા કરે છે.
 • એ કેવા દિવસો હતા! ફુલસ્કેપ કાગળોમાં મરોડદાર અક્ષરોમાં વાર્તાઓ લખાતી હતી,મઠારાતી હતી અને મૅગઝિનમાં છપાવવા કાજે હોંશે હોંશે ટપાલપેટીમાં નખાતી હતી.અને પછી સંપાદકશ્રી કે તંત્રીશ્રીના જવાબની ઇંતેજારી! સ્વીકૃત કે સાભાર-પરત! બધું જ જાણે નસીબને આધીન હતું. વાર્તા પસંદ થવી, પસંદ થઈ હોય તો છપાઈ જવી,છપાયા પછી મૅગઝિન સહિત વાર્તાનું પધારવું! બહુ જ સારાં નસીબ હોય તો પુરસ્કાર પ્રાપ્ત થવો!!! વાર્તા ના પસંદ થઈ હોય તો વાર્તાનું હેમખેમ પાછા ફરવું એ પણ નસીબને આધીન! નહીં તો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગ્યો…
 • અહાહા! કેવા મીઠી મીઠી પીડા દેનારા એ દિવસો હતા!!
 • ક્યાં ગયા એ દિવસો! ક્યાં ગઈ એ શાહી દુજતી કલમો!
 • ક્યાં ગયા એ સામયિકો! [એ વળી કઈ બલા!]
 • ક્યાં ગયા એ સંપાદકશ્રીઓ..તંત્રીશ્રીઓ..
 • વાર્તા લઈ જનારા ને લાવનારા એ ટપાલીઓ ક્યાં ગયા?
 • ક્યાં ગઈ લીલાછમ વૃક્ષની ડાળીએ લટકતી લાલરંગી ટપાલપેટીઓ?
 • બધું જ જાણે Delete થઈ ગયું!
 • સર્વસ્વ જાણે કે લુંટાઈ ગયું હતું ! શબ્દો જાણે કે પાંજરામાં પુરાઈ ગયા હતા!
 • ને જાણે કે ચમત્કાર થયો! અશાનું એક કિરણ જ નહીં ,આખેઆખો સૂરજ ઊગ્યો!!!
 • Internetનો સૂરજ! ને એ સૂરજના અનેક કિરણો જેવા આ Blogs!
 • ને મારી આ વાત તમારા સુધી પહોંચી એ બ્લોગની જ બલિહારી નહીં તો બીજું શું?
 • પણ વિચાર કરો કે ધનાધન પ્રગટ થતા આ બ્લોગ્સને જોઈને પેલા વિદ્વાન સંપાદકશ્રીઓ અને તંત્રીશ્રીઓના આત્મા કેવા કકળતા હશે?
 • બ્લૉગલેખ  કરનારે  પોતે જ પોતાનાં  લખાણના સંપાદક થવું રહ્યું.