સંભારણું

budreti

મિત્રો,

તાજેતરમાં મળેલા સંભારણાની  તસવીર દ્વારા મારો આનંદ વ્યકત કરું છું. ‘થિએટર મીડિયા સેન્ટર-બુડ્રેટી ટ્રસ્ટ અમદાવાદ’ દ્વારા આયોજિત ‘કૉમેડી નાટ્યલેખન યોજના -૭ ‘ માં  ૩૦ મિનિટ માટેનું મારું નાટક  “ખમણ… કોરાં… વઘારેલાં… ટમટમ…’ પુરસ્કાર માટે પસંદગી પામ્યું  હતું. 

કુલ ૨૭ નાટકોમાંથી ચાર નાટકો પસંદ થયાં હતાં. 

[૧] ‘અવતાર’   લેખક -રવીન્દ્ર પારેખ,  સુરત. 

[૨] ‘નેવર પ્લાનિંગ ફોર ડાર્લિંગ’  લેખક-જય દિક્ષિત,  સુરત.

[૩] ‘યમની અકળામણ’ લેખક- નીતીનકુમાર ઢાઢોદરા, અમદાવાદ.

[૪] “ખમણ… કોરાં… વઘારેલાં… ટમટમ…’ લેખક- યશવંત ઠક્કર 

પસંદગી સમિતિમાં પ્રા. જનક દવે અને નાટ્યલેખક શ્રી નટવર પટેલે સેવા આપી હતી.  

તા. ૨૮-૩-૧૩ ના રોજ  અમદાવાદ ખાતે શ્રી હસુભાઈ યાજ્ઞિક,  શ્રી નટવરભાઈ પટેલ અને શ્રી હસમુખભાઈ બારાડીએ ખૂબ જ ઉમળકાથી ચારેય નાટ્યલેખકોને  આવકાર્યા અને પુરસ્કાર અર્પણ કર્યા. 

નાટક માટે  શ્રી હસમુખભાઈ બારાડી પોતાની ઉમર કે તબિયતની પણ પરવા કર્યા વગર વિવિધ પ્રવૃત્તિઓ  કરી રહ્યા છે એ પ્રેરણારૂપ છે.  એ નાટ્યકર્મીને સલામી આપવાનું મન થાય છે. 

આવી રીતે પસંદ થયેલાં નાટકો  આ ટ્રસ્ટ દ્વારા ભજવવા માટે રસ ધરાવતા નાટ્યકર્મીઓને પૂરાં પાડવામાં આવે છે. 

તમે લોકોએ  આ પણ વાંચ્યું જ હશે. http://wp.me/phscX-23h

Advertisements

“ખમણ… કોરાં, વઘારેલાં, ટમટમ” -એકાંકી

મિત્રો,

‘થીઅટર્ એન્ડ મીડિયા સેન્ટર’ અમદાવાદ  દ્વારા પુરસ્કાર માટે પસંદ થયેલ  અને આ જ સંસ્થાના ત્રિમાસિક  સામાયિક “નાટક” માં જાન્યુઆરી-માર્ચના અંકમાં  પ્રગટ થયેલ કોમિડિ   એકાંકી  નાટક : “ખમણ… કોરાં, વઘારેલાં, ટમટમ” ના કેટલાક સંવાદો અંશરૂપે રજૂ કરું છું.  આશા રાખું છું કે આપને એ ગમશે. 

******************************

ચીમનલાલ:   જો મારું નામ ચીમન છે. કોઈ મને માનથી ચીમનબાપા કહે તો એમાં ખોટું શું છે? તારું નામ અમી છે. અને વહુ તને  અમીબા કહે છે એમાં વાંક કોનો? તારો કે તારા નામનો?

અમીબા:         વાંક મારા માબાપનો કે જેમણે મારું નામ અમી રાખ્યું.

ચીમનલાલ:   પણ અમીબામાં ખોટું શું છે?

અમીબા:         તમે ભણ્યા છો કે નહીં? અમીબા વિષે કશું જાણો છો ?

ચીમનલાલ: જાણું છું. ભણવામાં ચાર બા આવતાં હતાં. રાઘોબા, વિનોબા, કસ્તુરબા અને અમીબા. એમાંથી અમીબા સાથે મારે લાંબી લેણાદેવી નીકળી. એટલે  એની હારે ચાર ચકરડાં ફર્યો અને સંસારમાં ઠરીઠામ થયો.

અમીબા:         તમે રાખ ભણ્યા? અમીબા નાનું જીવડું હોય. એકકોષી જીવડું.

ચીમનલાલ:   તું મોટું જીવડું છો. બહુકોષી. એમાં ફેર કેટલો?

******************************

પરેશ:            જો પલ્લવી, પેટ માટે તો મહેનત કરું છું. હું અહીં ભૂખ્યો બેઠો હોઉં ને તુ કમ્પ્યુટર સામે બેઠી બેઠી ટકટક કર્યાં કરે એ મને પસંદ નથી.

પલ્લવી:               પરેશ. એ મારા શોખની વાત છે. જેમ તમને ધંધાનું વળગણ છે એમ મને બ્લૉગ લખવાનું વળગણ છે.

પરેશ:            ધંધો છે તો ઘર ચાલે છે. ટકટક કરવાથી પેટ નહીં ભરાય. તારે પરણવાની જરૂર હતી કોઈ પ્રોફેસરને અને પરણી મારા જેવા ખમણવાળાને.

પલ્લવી:       મને ખબર નહોતી કે ખમણ વેચી વેચીને તમારો સ્વભાવ વાસી ખમણ જેવો થઈ ગયો હશે. જ્યારે હોય ત્યારે ખમણ, ધાણા અને મરચાંની જ વાતો. દુનિયામાં બીજું કાંઈ છે કે નહીં? ખળખળ વહેતાં ઝરણાં… મંદ મંદ વાતો પવન…ફૂલોની પાંદડી પર ઝાકળનાં બિંદુઓ. આ બધાં વિષે કશી સમજણ પડે છે?

પરેશ:            મારે પાડવી પણ નથી. મારે ખમણ વેચવાં છે ખમણ. અરે ખમણ બાફ્યાં છે કોઈ દિવસ? ચોંટી પડી છો. ઝાકળનાં બિંદુઓ… ઝાકળનાં બિંદુઓ. અરે! વરાળના બિંદુઓ હારે પાલો પાડ્યો છે કોઈ દિવસ? ઝાકળના બિંદુઓ! આ લેખકડી ક્યાંથી ખમણવાળાના ઘરમાં ભરાઈ ગઈ? .

******************************

પલ્લવી:       જોયું પપ્પા, ન હોય ત્યાંથી ધંધાની વાત લાવી દે છે. ઘેર આવે તો પણ એને બીજુ કશું સૂઝે નહિ. હું ઘણું કહું કે ફેસબુકમાં ખાતું તો ખોલાવો. તો કહે કે બેન્કમાં ઘણાં ખાતાં છે. હવે વધારે ખાતાં ખોલાવવાની જરૂર નથી.

કુંદનબહેન:   બેન્કમાં ખાતાં તો અમારાં પણ છે. પરંતુ, ફેસબુકના ખાતાનો આનંદ તો જેણે માણ્યો હોય એ જ જાણે! તમે પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં શીખો પછી જ સમજ પડશે કે ફેસબુકનો આનંદ કેવો હોય છે?

પરેશ:    તો માડી, તમે પણ આ ઉમરે ફેસબુકનો આનંદ માણો છો?

કુંદનબહેન:           અવશ્ય. ફેસબુક પર મારા મિત્રોની સંખ્યા બે હજાર જેટલી છે.

પરેશ:    માડી. હું જાણી શકું કે ફેસબુક પર તમે તમારું નામ શું લખ્યું છે?

કુંદનબહેન:           નામ રાખ્યું છે કુંદનિકા.

પરેશ:            એટલે જ બે હજાર મિત્રો નોંધાયા! કુંદનબહેન નામ રાખ્યું હોત તો કાળો કાગડોય તમારો મિત્ર ન બનત. વળી, એ કહો કે તમે તમારો હાલનો ફોટો મૂક્યો છે કે પછી તમારા ભવ્ય ભૂતકાળનો?

કુંદનબહેન:           ફોટો મૂકાય જ નહિ. ફોટાનો દુરુપયોગ થાય.

પરેશ:    તમે તમારો હાલનો ફોટો મૂક્યો હોય તો મને નથી લાગતું કે કોઈ દુરુપયોગ કરે.

કુંદનબહેન:           મેં કમળનું ફૂલ મુક્યું છે.

પરેશ:            એટલે જ બે હજાર ભમરા નોંધાયા. હવે બાંધી મુઠ્ઠી લાખની જ રાખજો. ભૂલેચૂકેય તમારો ફોટો મૂકતાં નહિ. મૂકશો ને તો બે હજારમાંથી એકેય ફરકવા નહિ આવે.

કુંદનબહેન:       તમે ભૂલો છો જમાઈરાજ,  તમને મારી સર્જન-પ્રવૃત્તિનો પરિચય નથી લાગતો.

પરેશ:       છે.. મને તમારી સર્જન-પ્રવૃત્તિનો પરિચય છે.[ પલ્લવી તરફ હાથ કરીને]  મેં તમારું આ સર્જન બહુ જ નજીકથી જોયું જાણ્યું છે.  તમારા સર્જનનો આનાથી ઉત્તમ નમૂનો બીજો કયો હોઈ શકે?

***************************

પરેશ:       ખમણના જ નહિ હૃદયના ભાવ પણ લખું છું. લખું છું કે: કોઈપણ માણસ ગમે તે કામધંધો કરતો હોય, એના હૈયામાં પણ જાતજાતની અને ભાતભાતની લાગણી ઉછાળા મારતી હોય છે. એનામાં પોતાની લાગણી શબ્દો દ્વારા વ્યક્ત કરવાની આવડત ન હોય તો એમ ન  માની લેવાય કે એ લાગણી વગરનો છે!

પલ્લવી:         અચ્છા. તો આ બધું મને સંભળાવવા માટે બોલો છો?

પરેશ:       આ સંભળાવવાની વાત નથી. હકીકત છે. પલ્લવી, લોકોને વઘારેલાં અને ટમટમ ખમણ ખવડાવવામાં અમારી જિંદગી કોરાં ખમણ જેવી થઈને રહી જાય છે ને અમે કશું કરી શકતા નથી. તારાં  જેવાંને એમ લાગે કે અમને બીજા કશામાં રસ નથી. રસ તો ઘણોય હોય. પણ, જો બીજી વાતોમાં રસ લેવા જઈએ તો અમે અમારું ધ્યેય ચૂકી જઈએ.

પલ્લવી:         કયું ધ્યેય ચૂકી જવાય?

પરેશ:       ખમણનો સ્વાદ સાચવવાનું ધ્યેય. ગઝલમાં છંદ ન સચવાય તો જેમ ભાવકને મજા ન આવે તેમ ખમણમાં સ્વાદ ન સચવાયો હોયને તો ગ્રાહકને મજા ન આવે! ને સાહિત્યમાં જેમ ખોટી વાહવાહ થાય છે ને એમ આ ધંધામાં કોઈ ખોટી વાહવાહ ન કરે! ધંધામાં એકાગ્રતા ન રાખીએ તો ઘરાકી તૂટી જાય.

***************

અમીબા:               વેવાણનું નામ તો  કુંદનબહેન છે ને?

ચીમનલાલ: કુંદનબહેન ભલે રહ્યું. પણ, ફેસબુક પર નામ જરા ટનાટન હોવું જોઈએ. જેમ કે મારું નામ ચીમનના બદલે ચિરાગ હોવું જોઈએ અને તારું નામ અમીના બદલે એમી હોવું જોઈએ. એમી એકશન! નકલી ચેહરા સામને     આયે… અસલી સુરત છુપી રહે. .

પરેશ:    આપણે તો કશું જ છુપાવ્યું નથી. ચોખ્ખું જ જણાવી દીધું છે કે, હુ ખમણ વેચું છું. અને ગઝલો પણ લખું છું. .

ચીમનલાલ: પણ ખમણનો ઘાણ મૂકીને ગઝલ લખવા ન બેસી જવાયને? ગાગાલગા… ગાગાલગા… ગાગાલગા કરવામાં ધંધાને વાટ લાગી જશે એનું શું?

પરેશ:            પપ્પા, કશું  મેળવવા કાજે કશું ગુમાવવું પણ પડે! ગઝલને પામવા માટે ખમણનો ભોગ આપવો પણ પડે. ગઝલને પામશું  ખમણને છોડશું…. બનીને બાવરા જગતને છોડશું .

ચીમનલાલ:         આખો દિવસ આવું જ કરે છે. ગલ્લામાં પણ રૂપિયા ઓછા ને ગઝલના કાગળીયા ઝાઝા.

અમીબા:               દીકરા, પહેલાં તો તુ ધંધો ગળે લઈને ફરતો’તો. આ તને શું થયું?

ચીમનલાલ:         આપણો આ દીકરો હવે કવિ બની ગયો છે.

પરેશ:            કવિ શ્રી પરેશ ખમણવાલા. શહેરના નામાંકિત કવિ તરીકે આ નામ અજાણ્યું નહિ રહે. આવતાં મહિને મારો પહેલો ગઝલસંગ્રહ પણ બહાર પડશે. સંગ્રહનું નામ હશે “ઝાકળનાં બિંદુઓ”. જે સંગ્રહ હું અર્પણ કરીશ મારી પ્રેરણામૂર્તિ વત્તા મારી ધર્મપત્ની શ્રીમતી પલ્લવી પરેશ ખમણવાલાને.

*******************

પલ્લવી:    કોઈપણ બાબતનું આટલું બધું વળગણ સારું નથી. ઇન્ટરનેટ છે, બ્લૉગ છે, ફેસબૂક છે .. એ બધું અમુક હદ સુધી જરૂરી છે. પરંતુ, એમાં જ રચ્યાંપચ્યાં રહેવાથી તો સામાજિક સંબંધો પર અવળી અસર પડે છે. જો તમે હવે આ બધું નહિ છોડો તો હુ આ ઘરમાં નહિ રહી શકું.

પરેશ:       લો કરો વાત! પહેલાં કહેતી’તી કે- આ બધું નહિ અપનાવો તો  હુ આ ઘરમાં નહિ રહું. હવે કહે છે કે- આ બધુ નહિ છોડો તો હુ આ ઘરમાં નહિ રહું. એટલે તુ નચાવે એમ મારે નાચવાનું?  માંડ માંડ મને જીવનનો મર્મ સમજાયો છે. હવે આ મુકામેથી આગળ વધવું છે. પાછાં ફરવાની કોઈ વાત ન કરશો. હુ વધી રહ્યો છું આગળ ને આગળ…બંધનો રહ્યાં છે પાછળ ને પાછળ.

********************************

ખમણ… કોરાં, વઘારેલાં, ટમટમ

 

મિત્રો,

મારું નાટક ‘આવ મંગળ અમને નડ’ જે  આજે રાત્રે આકાશવાણી અમદાવાદ-વડોદરા પરથી પ્રસારિત થવાનું હતું એ ચૂંટણીલક્ષી કાર્યક્રમોને લીધે આજે પ્રસારિત નહિ થાય.  એ ભવિષ્યમાં પ્રસારિત થશે. એ પ્રસારિત થયા પછી એના વિષે વાત કરીશ. આમ, એ નાટકને ચૂંટણી રૂપે મંગળ નડ્યો છે એમ કહી શકાય! 😀

પરંતુ, વાંધો નહિ. મારે તમને બીજી ખૂશખબર આપવાની છે કે, મારું બીજું એક કોમિડિ નાટક,   ‘થીઅટર્ એન્ડ મીડિયા સેન્ટર’ અમદાવાદ  દ્વારા પુરસ્કાર માટે પસંદ થયું છે.  જેનું શીર્ષક છે:  “ખમણ… કોરાં, વઘારેલાં, ટમટમ”    જેના વિષે ક્યારેક વાત કરીશું.  વાત નાટકની જ નીકળી છે તો મેં લખેલાં કેટલાંક રેડિયોનાટકની યાદી મૂકવાનું મન થાય છે.

ક્રમ પ્રસારણ તારીખ શીર્ષક અવધિ પ્રકાર
૨૫-૧-૯૧ પરમાનંદની ડાયરી ૧૫ મિનિટ હાસ્ય
૩૧-૫-૯૧ બાપનું હ્રદય ૧૫ મિનિટ પારિવારિક
૨૯-૫-૯૨ નવી નવાઈના નવોદિતકાન્ત ૧૫ મિનિટ હાસ્ય
૨૨-૧૧-૯૨ ખરતાં પાનની પીડા ૧૫ મિનિટ સામાજિક
૦૪-૪-૯૩ વાસ્તવિકતાની ધરતી પર ૩૦ મિનિટ સામાજિક
૨૪-૮-૯૩ રોકડિયા ચૂકવે ઋણ ૧૫ મિનિટ હાસ્ય
૩૧-૧૨-૯૩ બેવફાઈની ગઝલ ૧૫ મિનિટ પારિવારિક
૦૭-૮-૯૪ દરિયાની માછલી ૩૦ મિનિટ પારિવારિક
૩૦-૬-૯૫ કલમનો સાથ ૧૫ મિનિટ પારિવારિક
૧૦ ૨૯-૯-૯૫ પથ્થરની વચ્ચે ૧૫ મિનિટ પારિવારિક
૧૧ ૨૮-૫-૯૬ પ્રમાણિકતા ૩૦ મિનિટ સામાજિક
૧૨ ૦૨-૨-૯૭ એક શરત ૩૦ મિનિટ સામાજિક
૧૩ ૧૨-૧૧-૯૭ મારે પણ એક ટેલિફોન હોય ૩૦ મિનિટ હાસ્ય

 

આવજો અને જલસા કરજો. 

ચતુર હોય તે જવાબ આપે

[મંદિરના બાંકડાઓ પર વડીલ પરિવારના સભ્યો  વચ્ચેની વાતચીત  ચલી રહી છે… ] 

ભગુભઈ – ચ્યમ રાવજીભાઈ આજે મોડા પડ્યા?

રાવજીભઈ- ઓ ભઈ! જવાદોને વાત! એક પોસ્ટ લખીને પબ્લિશ કરવા જતોતોને એની માને પૈણે સાલી લાઈટ ગૈ! અર્ધો કલાકે આઈ રઈ! એમાં મોડું થઈ જ્યું. 

ભગુભઈ- પોસ્ટ નહોતી કરવી!

રાવજીભઈ- મારો નિયમ છે  કે એક વખત પોસ્ટ લખાઈ ગૈ એટલે એને રાખી નૈ મૂકવાની. એને  હેડતી કરવાની  એટલે  પ્રતિભાવો  આવતા થાયને?

ભગુભઈ-  કેટલા દસ પંદર આયા હશે?

રાવજીભઈ-ઓ ભઈ! દસપંદરની ક્યાં મેથી મારો છો ? રેઢા પડ્યા છે? બધા આપણી જેમ નવરા નોય! હા બે  પ્રતિભાવ આવી જ્યા!

સોમભઈ – એમાં એક તો પેલા  રાધારમણનો હશે?

રાવજીભઈ- હોવે! તમને ચ્યમ ખબર ?

સોમભઈ- ચ્યમ ના હોય!  મને પણ એ ભઈ પ્રતિભાવ આલે છે હો .

રાવજીભઈ- એ રાધારમણ તો જબરા  છે લ્યા! તમે પોસ્ટ મૂકો ન મૂકો ત્યાં તો એનો પ્રતિભાવ આવીને ઊભો જ હોય!

ભગુભઈ- ઝડપી પ્રતિભાવ સેવા!  

રાવજીભઈ-  વાંચ્યા વગર જ પ્રતિભાવ આલે પછી ઝડપી જ હોયને! તમે લખો  કશું ને એ લખે કશું! સાંધાનોય મેળ નૈ!

સોમભઈ – ઓ ભઈ! એવું બધું નૈ જોવાનું !  પ્રતિભાવ આલે છે એ જ ઘણું!  ધરમની ગાયના દાંત નૈ જોવાના! શું કો  છો ભગુભઈ?

ભગુભઈ- આપણે તો પોસ્ટ મૂકીને  છૂટ્ટા! જેને વાંચવું હોય તે વાંચે ને પ્રતિભાવ આલવો હોય તે આલે! આપણે પાછું વળીને એ પોસ્ટ પર જોવાનું જ નૈ!  રોજ નવી ગીલ્લી ને નવો દાવ! મારા બ્લોગ પર જોજો.. એકદમ શાંતિ! ટાંકણી પડે તોય સંભળાય.

સોમભઈ- સંભળાયજને! તમારા બ્લોગ પર તમારી સિવાય કોઈ હોય જ નૈ તો! આ રાવજીભઈના બ્લોગે તો ભાતભાતની ખોપરીઓ સામસામી ભટકાય!

રાવજીભઈ- હોવે! મને તો ખેંચાખેંચી વગર મજા જ નૈ આવે!

સોમભઈ – હવે એમાં એવું થાય છે કે રાવજીભઈની દાઝ ઘણા મારા બ્લોગ પર કાઢે છે! મારા લખાણ  માટે રાવજીભઈએ પ્રતિભાવ આલ્યો હોય તો એની સામે મોરચો મારા બ્લોગ પર મંડાય!  એમાં મેં શું લખ્યું ને કેવું લખ્યું એની વાત તો બાજુ પર રૈ જાય ને સામસામે પથ્થરમારો થતો હોય એમ પ્રતિભાવો ના ઘા થાય! સાલું આપણે દિમાગનું દઈં કરીને પોસ્ટ  મૂકી હોય પણ પ્રતિભાવોમાં  બીજી જ વાતોની મેથી મરાતી હોય!

ભગુભઈ-  બ્લોગમાં પોસ્ટ  મૂકવા ખાતર  દિમાગનું દઈં કરાય જ નૈ .  

સોમભઈ- તો શું કરાય? 

ભગુભઈ- …… …… 

[હે ચતુર વાચકમિત્રો ભગુભઈએ સોમભઈના સવાલમાં માત્ર બે શબ્દોમાં જવાબ આપ્યો કે બ્લોગમાં પોસ્ટ મૂકવા માટે શું કરાય! એ બે શબ્દો ક્યા હશે તે બાબત આપ સહુ જણાવશો તો અમારા આ લેખની શોભામાં અભિવૃદ્ધિ  થશે. ]

બ્લોગની ચરબી ઉતારવાની કળા

ખાટીમીઠી ચેતવણી: અત્રે બ્લોગની ચરબી ઉતારવાની વાત છે. બ્લોગરની નહીં. માટે ગેરસમજ  ન કરવા વિનંતી.

આજકાલ માનવદેહ પરથી ચરબી ઉતારવાનો ધંધો ધમધોકાર ચાલે છે. કિલોમોઢે વજન ઉતારી આપવાની લાલચો અપાય છે. બાબા અને સ્વામીજીઓ પણ પાપ ઓછું કરવાનાં ઉપાયો બતાવવાના બદલે વજન ઓછું કરવાના ઉપાયો જોરશોરથી બતાવે છે.

પણ  બ્લોગાચાર્યને અફસોસ એ વાતનો છે કે: બ્લોગસમાજમાં ચરબીથી લથપથ બ્લોગદેહો બાબત જરૂરી જાગૃતિ આવી નથી. પરિણામે ઘણા બ્લોગદેહો અનેક પ્રકારની માનસિક અને શારીરિક તકલીફોનો ભોગ બની રહ્યા છે.

બ્લોગાચાર્યનું માનવું છે કે:  આ સમસ્યાનો પાયો બ્લોગજન્મથી જ નંખાય જાય છે! બ્લોગજગતમાં  એક ખોટી માન્યતા પ્રવર્તતી હોય છે કે, જેમ બ્લોગ જાડો તેમ તે તંદુરસ્ત!!!!  પરિણામે બ્લોગ ઉછેર જ અયોગ્ય રીતે થાય છે. જેમ દરેક માબાપને પોતાનાં પોયરામાં કાનુડાના જ દર્શન થતા હોય છે તેમ દરેક બ્લોગજન્મદાતાને પોતાનો બ્લોગ  સર્વશ્રેષ્ઠ જણાતો હોય છે. વળી તેઓ પોતાના બ્લોગના પ્રેમમાં અંધ બનીને બ્લોગને  વધું પડતા લાડ લડાવીને તેમજ  વધું પડતો આહાર આપીને જાડાપાડા બનાવવામાં કોઈએ કસર છોડતા નથી. પછી જયારે પોતાના બ્લોગની કમરને બ્લોગથીમ સાંકડું પડે છે ત્યારે ઘણું જ મોડું થઈ ગયું હોય છે.

જેમ માનવદેહ પરથી ચરબી ઉતારવા માટે ખૂબ જ ધીરજ અને યોગ્ય માર્ગદર્શનની જરૂર રહે છે તેમ બ્લોગદેહની ચરબી ઉતારવા માટે પણ ધીરજ અને યોગ્ય માર્ગદર્શનની જરૂર છે. અન્યથા બ્લોગ ઊલમાંથી ચૂલમાં પડી શકે છે.  જલ્દબાજી કે અણઘડ ઉપાયોથી અવળાં પરિણામો આવવાની સંભાવના છે.

મિત્રો, બ્લોગજગત માટે  ભલે આ સમસ્યા નવી હોય પરંતુ ગુજરાતી સાહિત્ય આ સમસ્યામાંથી પસાર થઈ ચૂક્યું છે.  નવલકથાઓ ચાર ચાર ભાગમાં લખાતી હતી. અમે પણ શરૂઆતમાં પુસ્તકાલયમાંથી જાડીપાડી ચોપડીઓ જ ઉઠાવતા હતા. અઠવાડિયું નિરાંતા!!! નવલિકાના દેહ બાબત તો રીતસરનું આંદોલન જ  શરૂ થયું હતું. ઝીરો ફીગરની નવલિકાનાં ઉપાયો પણ વિચારાયા હતા. એમાં બન્યું એવું કે , નવલિકામાંથી ઘટના રૂપી ચરબી ઓછી કરવાના ધમપછાડામાં કેટલાક વાર્તાકારો નવલિકાના દેહમાં ચિત્રવિચિત્ર પદાર્થો ભરવા લાગ્યા. એનાલીધે નવલિકા એક મુસીબતમાંથી છૂટીને બીજીમાં ફસાઈ. હવે તો નવલિકા બાપડી કઢંગો દેહ લઈને  ગુજરાતી છાપાઓમાં હાડહાડ થાવા ક્યારેક ક્યારેક નીકળી પડે છે.

ગુજરાતી સાહિત્યને જે અગવડતાઓ પડી તે બ્લોગજગતને નહિ પડે કારણ કે, બ્લોગજગત પાસે બ્લોગની ચરબી ઓછી કરવા  માટેના સંપાદનનાં આગવા સાધનો છે! બ્લોગવગા ઓપરેશનનાં ઓરડા છે!!! .. પણ, ઓપરેશનથી બ્લોગની ચરબી ઓછી કરવામાં કુશળતા હોવી જોઈએ.  નહિ તો બ્લોગની ચામડી લબડી પડે અને બ્લોગનો પાતળો દેહ વિચિત્ર લાગે!!

બ્લોગાચાર્યના જણાવ્યા મુજબ એવા ઘણા ઉપાયો છે જે સરળ અને નુકસાન ન કરે તેવા છે. બ્લોગરસોડામાં જ ઘણી ચીજો એવી છે કે જે બ્લોગને આરોગ્યમય રાખે છે.

મિત્રો, હવે આ લખાણ બંધ કરવું પડશે કારણ કે, આ પોસ્ટનું પેટ વધવા લાગ્યું છે !!!

પણ ભૂલતા નહિ. બ્લોગની ચરબી ઓછી કરવાના ઉપાયો જરૂરથી જણાવશો. આંગળી દર્શાવ્યાનું પૂણ્ય મળશે!!!!

વારતા તારાં પાંચ પાંચકડાં ગાવી

[હે બ્લોગજનો.અસરના ઓટલે આજે ફરીથી આપ સૌને આવકારો આપતાં અમને હરખ થાય છે. આજે રંગલો અને રંગલી પાંચકડાં ગાશે. પાંચકડાં માત્ર વાર્તા બાબતનાં જ હશે. કારણ કે રંગલાને જાણવું છે કે વાર્તા કેવી હોવી જોઈએ. અથવા તો કેવી ન હોવી જોઈએ.  આપને અમારો આ પ્રયોગ ગમશે એવી આશા રાખીએ છીએ.]

રંગલો— હે… શ્રાવણ સરીખો મહિનો ને ઉમંગનો નહીં પા…ર

પણ  મારી વહાલી વહાલી વહાલી … રંગલીને આવતા  લાગી વાર.

હે… ભોજન વગર જોર..  જેમ અંગમાં આવે નઈં

એમ રંગલી વગર આ રંગલો…  રંગમાં આવે નઈં

તા થૈયા થૈયા ને તા થૈ.

[રંગલીનો પ્રવેશ]

રંગલી— હે… શ્રાવણ સરીખો મહિનો ને રંગલાને ચડે જો..ર.

રખડવા નીકળી પડે.. જાણે હરાયું ઢોર.

હે.. રખડી રખડીને થાકે  પણ વારતા  મળે નઈં

કેમેય કરીને આ રંગલાની જાતરા  ફળે નઈં

તા થૈયા થૈયા ને તા થૈ.

રંગલો— [ગળગળો થઈને]રંગલી. તું જ આવું બોલે તો પછી આ બ્લોગજગતમાં રહ્યું શું? નથી ગઝલ  લખાતી… નથી ગીત લખાતાં… લેખમાં ઘોબો પડ્યો…લઘુકથામાં લોચો પડ્યો. મારે લખવું શું? મને થયું કે વારતા લખવી સહેલી છે. નગરમાં ફરીએ… આંખકાન ઉઘાડા રાખીએ ને વારતા  ગોતીએ. ક્યાંય નજરે ચડે તો પકડીને પૂરી દઈએ બ્લોગની પોસ્ટમાં. ને પછી તો કૉમેન્ટ  ઉપર કૉમેન્ટ! … વાહ વારતા  વાહ! વાહ રંગલાભાઈની વારતા! યુ આર એ ગ્રેટ રાઈટર! … રંગલાભાઈ આવી જ વારતાઓ  લખતા રહો… લખતા રહો…. લખતા રહો…

રંગલી— એ એ રંગલા. ધોળે દહાડે સપનાં જોવાનું છોડ અને વાસ્તવિકતાનો સ્વીકાર કર કે વારતા  રચવી સહેલી નથી.

રંગલો— એમાં શું ધાડ મારવાની? આ લખાય જ છેને ઢગલાબંધ વારતાઓ! જે કાંઈ વારતાલાયક બનાવ નજરે પડ્યો એ ઉપાડી લેવાનો… એમાં લાગણીનો ઘડો ઢોળી દેવાનો… એમાં હાસ્ય,વ્યંગ,કરુણા,વીરતા વગેરેના રસ ઉમેરવાના… સંવાદો વડે વલોવવાનો..આથો આવ્યા ભેગો  પ્રેરણાના તાપે બાફી નાખો એટલે સરસ મજાની વારતા  તૈયાર! બોલો  લોકપ્રિય વાર્તાકાર રંગલાભાઈની  જે…

રંગલી— જો એવું જ હોય તો તમારી વારતા  વાંચે કોણ? છાપાં જ ન વાંચે? છાપાંવાળાં પણ  હવેતો કોઈપણ ઘટનાને લાડ લડાવીને રજૂ કરે જ છેને?ટીવી તો એનાથી પણ ચડે! પણ રંગલા તું કહે છે એ રીતે વારતા નથી પીરસાતી! વાતો પીરસાય છે વાતો!

રંગલો— તો  વારતા   કઈ રીતે પીરસાય એ કહેને?

રંગલી— ભલભાલા વાર્તાકાર નમ્રતાથી એમજ કહેતા હોય છે કે “અમે સારી વારતા  રચવાના  પ્રયાસો કરતાં રહીએ છીએ” તો વારતા  બાબત કહેવાનું મારું ગજું કેટલું?

રંગલો— સાવ નાખી દેવા જેવી વાત ના કર. મને આજે વારતા  બાબત તારા મોઢેથી વાણી સાંભળવાની તરસ લાગી છે. બોલ રંગલી બોલ. વારતા  કેવી હોય અને કેવી ન હોય એ બાબત બોલ.

રંગલી— બોલીશ નહીં પણ ગાઈશ. એ પણ પાંચકડાં રૂપે.

રંગલો—- [કૂદકો મારીને] પાંચકંડાં???? શું વાત કરે છે મારી રંગલી! વરસો થઈ ગયાં પાંચકડાં ગાયાંને! ઝટ  કર.. ઝટ કર… મારાથી નથી રહેવાતું!.. હરિ તારાં પાંચ પાંચકડાં ગાવી … પરભુજીના ટાંટિયે વળગી જાવી…

રંગલી— તો થઈ જાય આજે અસરના ઓટલેથી વારતા  બાબત પાંચકડાંની સૌ પ્રથમ રજૂઆત…

[રંગલી પાંચકડાં રજૂ કરે અને રંગલો સાથ આપે.નાચતાં જાય અને ગાતાં જાય]

રંગલી— હે ક્યાં ગઈ વારતા…  ને ક્યાં ગયા ભાભા?

રૂડી રૂપાળી વારતાને … આ કોણ પહેરાવે  ગાભા!

રંગલો—માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે વારતાનાં  લખનારાં… મળે છે અને…ક

વારતાના ઘડનારાં… સોએ મળે એક .

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે હૈયામાં ન હોય હે…ત  તો વારતા મળે નઈં

ભટકી ભટકીને થાકી જા..વ પણ જાત્રા ફળે નઈં.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે …પ્રેમ કર્યો થાતો  નથી … થઈ જાય છે જે..મ

વગર ગોત્યે  વારતા … મળી જાય છે એ..મ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે… શ્વાસ પછી શ્વા…સ  લેવાય છે જે… મ

વારતામાં વા…ત  કહેવાય છે એ..મ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. ઘટનાઓ ગોઠવી દીધે … વારતા જામે નઈં

તરસ્યા રહી જાય  ભાવકો… વારતા પામે નઈં

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે નાજુક નમણી વારતા..  એને હોવો ઘટે શણગા…ર.

જો રાખ્યો નો હોય વિવે..ક  તો એનોય લાગે ભા…ર.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે…  શણગારના ભારથી… વારતા વાંકી  વળી જા…ય.

પોતાનાં જ જુલમ કરે… તો કોને  કહેવા જા..ય.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. લાંબી લાંબી વારતા…ને અંતનું નઈં ના..મ

માંડ  માંડ  અરધે પોગ્યા… સાંભર્યા શ્રી રા..મ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. લાગણીના લપેડા… ને રજૂઆતમાં નઈં ધડો..

વારતાનાં  ખોળિયાંમાં…  ક્યાંથી પેઠો સડો.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે… રૂડાં ને રૂપાળાં… હોય પાત્રોનાં ના…મ.

ચાંપલું ચાંપલું બોલવું… એ જ  એનું  કા…મ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે…સોનાની થાળીમાં….. જેમ લોઢાની મે…ખ

જરૂર વગરની કોઈ વાતનો …એમ  વારતામાં ઉલ્લેખ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે…ટૂંકી હોય કે લાંબી હો…ય  વારતા મજાની હો..ય

દોટ વાર્તાકારની … પોતાનાં ગજાની હોય.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે..  વહેતી નદી જેવા …વારતામાં વળાંક  હો..ય

રંગના કુંડા નઈં…  છાંટા જરાક હોય.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે..વાચકો પર છોડવી પડે… સમજવા જેવી વા…ત

ચતુર હશે તે પારખી જશે… શબ્દો કેરી ભા…ત.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે… મૂકે પણ વાગે નઈં…. વારતાને અંતે ચો…ટ

વાર્તાકાર  છેવટે … ખાય છે મોટી ખો..ટ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. વાચકોની નાડને …જેને પારખવાના હોય  કો…ડ

એણે પાડવો પડે … જાતસંગાથે  તો…ડ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી

હે…આલિયો લખેને .. માલિયો વખાણે…

મલક શું કહે છે.. એ ઉપરવાળો જાણે.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. ચા કરતા કીટલી…  ગરમ હમેશા  હો..ય

લેખક કરતા વાચક… નરમ ક્યાંથી હોય.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. સમજાવી શકાય નઈં …વારતા ઘડવાની   રી..ત

શીખનારા શીખી જશે…જેને  હશે  વારતાથી પ્રીત.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે… વારતા પણ છે મજાનો.. સાહિત્યનો પ્રકા..ર

બ્લોગજનો તમે આપજો… એને અઢળક પ્યા…ર.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. રંગલો રંગલી વિનવે …રાખજો એટલું  યા..દ

વારતા વાંચ્યા પછી … વળતો દેજો સા..દ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

[પાંચકડાં બાબત વિશેષ માહિતી : http://www.readgujarati.com/sahitya/?p=3834 ]