અણગમતાંનો ગુલાલ

ઘટના

હોમ સાયન્સ કોલેજના એક વર્ગમાં એક મેમ વિદ્યાર્થીનીઓને ભણાવી રહ્યાં હતાં.મેમ  શિસ્તના આગ્રહી હતા.  અર્થાત કડક હતાં.  

બન્યું એવું કે તેઓ ખુરશીમાંથી ઊભાંથવા ગયા ને એમનો દુપટ્ટો ખુરશીની એક ખીલીમાં ભરાઈ ગયો.  આ અણધારી મુસીબતમાંથી છૂટવા માટે તેમણે દુપટ્ટાને હળવેથી ખેચ્યો પણ દુપટ્ટો ખીલીની પકડમાંથી છૂટ્યો નહિ.  

છોકરીઓને  થયું કે મેમ હવે અકળાશે.

પણ મેમ તો  અદા અને પૂરી નજાકત સાથે ગાવાં લાગ્યાં કે:   છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા…. 

ને વર્ગ તાળીઓનો ગડગડાટથી ગુંજી ઊઠ્યો.

છોકરીઓને એ જ મેમમાં એક નવા મેમના દર્શન થયા. 

એ મેમ કે જેઓ  અવળી પરિસ્થતિને  પણ  સવળી પરિસ્થિતિમાં ફેરવી શકતા હતાં. 

જે છોકરીઓ મેમની  અકળામણથી ખુશ થવાની તૈયારીમાં હતી તે જ છોકરીઓ  મેમની રમૂજવૃત્તિથી ખુશ થઇ ગઈ. 

*****

હે પ્રિય વાચકજી,

હાસ્યના કાર્યક્રમનું  તો અગાઉથી આયોજન થયેલું હોય છે.  એમાં કોઈ હસાવે અને આપણે હસીએ છીએ.  આવા કાર્યક્રમમાં  હસવાનાર અને  હસનાર  બને પક્ષ માનસિક તૈયારી સાથે આવેલા હોય છે.

પરંતુ સાવ અચાનક જ અને એ પણ અવળી પરિસ્થિતિમાં હસવું અને હસાવવું સહુને સહજ નથી હોતું.  અમુક લોકો અમુક વખતે એવું કરી શકે છે.  તેઓ  પોતાની ફજેતી થઇ જાય તેવી ઘટનાને  પણ પોતાની વાહ વાહ થઇ જાય તેવી ઘટનામાં પલટાવી  નાખે છે!

કોઈનામાં આવી આવી આવડત રાતોરાત નથી આવતી.  એ કોઈ શીખવાડતું નથી.

સિવાય કે  જિંદગી.

ઘા ખાઈ ખાઈને  ઘાને પચાવવાની  જેમને ફાવટ આવી જાય છે તેઓ દુર્ઘટનાને સુઘટનામા ફેરવી શકે છે.

*******

તાજેતરમાં જ એક સમાચાર પ્રચારિત થયા હતાં.

શ્રી નરેન્દ્ર મોદી એક કાર્યક્રમમાં પ્રવચન આપી રહ્યા હતાં.

ને માઈકે  સ્ટેન્ડ પરથી જમીન તરફ ગતિ કરી.

પરંતુ મોદીજીએ એને પાડવા ન દીધું.  ઝીલી લીધું.

..અને જાણે કશું જ ન બન્યું હોય તેમ સાવ સહજતાથી એને  સ્ટેન્ડ પર ગોઠવી દીધુ.

પણ  મોદીજીની ફજેતી કરવાના ઈરાદાથી જીદે ચડ્યું હોય તેમ માઈક ફરીથી  પડવા લાગ્યું.

ને મોદીજીએ એને ફરીથી ઝીલીને ફરીથી સ્ટેન્ડ પર ગોઠવી દીધું.

ને એમ કરતી વખતે એ મતલબનું બોલ્યા કે:  આ ઘટના પાછળ પણ વૈશ્વિક પરિબળો કામ કરી રહ્યા હોય તેમ લાગે છે!

***

શું આપણે આવું કરી શકીએ છીએ?

જિંદગીમાં ડગલે ને પગલે ત્રાસ થાય  એવી ઘટનાઓ બને છે.

ચાર રસ્તે, પેટ્રોલ પંપ પર, બસ સ્ટેન્ડ પર,ટ્રેનમાં,  બિલ ભરવાની લાઈનમાં, ધર્મ સ્થાનોમાં .. એવી કેટલીય જગ્યાએ ; આપણે ધાર્યું હોય તેનાથી અવળું બનતું હોય છે.

બજારમાં જ નહિ.. ઘરમાં પણ  અકળાવા માટેના કારણો  આપણી સેવામાં  હાજર જ હોય છે.

ક્યારેક ક્યારેક તો એવું લાગે છે કે , મોટાભાગના માણસો હ્રદયરોગને આવકારવા માટે અધીરા બની ગયા છે.

આ સંજોગોમા ગબડી પડ્યા પછી પણ આગવી અદામાં ઊભાં થવાની આવડત કેળવવા  જેવી નથી લાગતી?

ગમતાંનો ગુલાલ  તો સહુ કરે મારા ભાઈ! 

અણગમતાંનો ગુલાલ કરનારા જ કરે છે મોટી નવાઈ. 

Advertisements