જોડકાં જોડો અને કરોડપતિ બનો!

Cartoon Clipart

તસવીર: http://www.clipartoday.com/clipart/cartoons/cartoon/cartoon_266207.html

રવિવારની સવાર હતી. રજાનો દિવસ હતો. જશુભાઈના હાથમાં ચાનો કપ હતો. સામે જીતુ હતો.

જીતુએ સવાલ કર્યો: પપ્પા, એક સવાલ પૂછું?

રહેવા દે.તું મારું દિમાગ ખરાબ ના કરીશ.

તમારું દિમાગ ખરાબ જ છે. ઉપયોગ નહીં કરો તો વધારે ખરાબ થશે. માટે મારા સવાલનો જવાબ આપો કે – બાપને શિષ્યનું નામ ફળ્યું નહીં ને બેટાને ગુરુનું નામ ફળ્યું નહીં તો એ બાપ-બેટો કોણ ને એ ગુરુ-શિષ્ય કોણ?

તને ક્યાંથી આવા ઢંગધડા વગરના સવાલો સૂજે છે?

પ્રયત્ન તો કરો. મમ્મીના હાથની ચાનું તો માન રાખો.

મને તારા સવાલમાં કશી ગતાગમ પડતી નથી.

ગતાગમ હું પાડું. જૂઓ. એક બાપ છે. એને એક બેટો છે. સામે એક ગુરુ છે ને એ ગુરુને એક શિષ્ય છે. આટલું બરાબર સમજાયું?

સમજાયુ.

હવે ધ્યાનથી સાંભળો. એ બાપને પનારો પડે છે પેલા શિષ્યનાં નામસાથે. પણ એમાં એ જોઈએ એવા ફાવતા નથી. એવી જ રીતે એ બેટાને પનારો પડે છે પેલા ગુરુનાં નામ સાથે. પણ એનેય એમાં ખાસ ફાયદો થતો નથી. તો એ બાપ-બેટો કોણ? ને એ ગુરુ-શિષ્ય કોણ?

જશુભાઈ કામે લાગી ગયા. જીતુ રમવા જતો રહ્યો. જમવા ટાણે ફરી ભેગા થયા ત્યારે જીતુએ જવાબ માંગ્યો.

તું મને નિરાંતે ખાવા તો દે.

ખાધાં પછી પણ જશુભાઈ પાસે જવાબ નહોતો! જીતુએ એમની મુશ્કેલી ઓછી કરવા કહ્યું: પપ્પા, એ બાપ-બેટો બંને ફિલ્મી દુનિયાના જાણીતા કલાકારો છે. હવે તો એકદમ આસાન થઈ ગયું.

તું અમિતાભ અને અભિષેકની વાત તો નથી કરતો?

બિલકુલ સહી જવાબ. પણ પપ્પા, હજી ગુરુ-શિષ્યનાં નામ બાકી રહ્યાં. દિમાગ દોડાવો.

નથી દોડતું દીકરા.

જૂઓ.તમારે માટે એક હેલ્પ-લાઈન ખોલી આપું છું. એ ગુરુ-શિષ્ય મહાભારતનાં પાત્રો છે.

મહાભારતમાં તો ગુરુ દ્રોણ હતા

શાબાશ પપ્પા! હવે શિષ્યનું નામ બોલોજી.

અર્જુન?

અર્જુન નહીં. બીજા શિષ્યનું નામ બોલો. બીજો શિષ્ય મારા જેવો હતો. ગુરુના કલાસ ભરે નહીં છતાંય પાસ થાય એવો.અર્જુનને પણ ભારે પડે એવો.

એકલવ્ય?

બિલકુલ સહી જવાબ!

હવે સમજાયુંને કે અમિતાભને કે શિષ્યનું નામ ફળ્યું નહીં ને અભિષેકને ગુરુનું નામ ફળ્યું નહીં.

મને હજી તારી વાતમાં કશી સમજણ પડતી નથી.

મને તમારાં સામાન્ય જ્ઞાન માટે દયા આવે છે પપ્પા. તમને એટલી ખબર નથી કે અમિતાભની ‘એકલવ્ય’ ફિલ્મ ચાલી નહીં ને અભિષેકની ‘ દ્રોણા’ ચાલી નહીં.

ઓહોહોહો!!! તું કેવાં કેવાં જોડકાં જોડે છે? છાનોમનો ભણવાનું કર.

એ.. આવાં જોડકાં જોડીએ ને તો સામાન્ય જ્ઞાન વધે ને ક્યારેક કરોડપતિ થઈ જવાય! પપ્પા, તમે હજી ‘સ્લમ્ડોગ-કરોડપતિ’ જોઈ નથીને? જોઈ નાખો. પછી એ બાબત મારી સાથે ચર્ચા કરજો. આપણે ફરી મળીશું સાંજનાં ભોજન વખતે. ત્યાં સુધી તમે કરો આરામ અને હું જાઉં છું રમવા.

Advertisements

તમને ગજની-કટ કેવી લાગી?

એ…. હું ગજનીનાં દર્શનાર્થે જાઉં છું. કહીને જાઉં છું જેથી પાછળથી વિવાદ ન થાય. જીતુએ ઉચ્ચ કક્ષાની ભાષામાં એના પપ્પાને જણાવ્યું.

ગજનીનાં? જશુભાઈની આંખો પહોળી થઈ ગઈ.

હા.ગજની જોવા જાઉં છું અને એ પણ આઈનોક્સમાં

આઈનોક્સમાં? જશુભાઈની આંખો વધારે  પહોળી થઈ ગઈ.

ભયભીત થવાની જરૂર નથી. હું સ્વખર્ચે  નથી જતો.

તો?

મને મારા મિત્ર નંદુના પપ્પા બતાવે છે.

કઈ ખુશીમાં?

વાત જાણે એમ છે કે નંદુને એની શાળામાં મારા પ્રિય લેખક  વિષે બોલવાનું હતું. એને તો કોઈ લેખક વિષે કશી ખબર જ નહોતી એટલે  એણે મારી મદદ માંગી અને મેં  કરી. પરિણામે એનો પહેલો નંબર આવ્યો. એટલે એના પપ્પા ખુશ થઈને અમને બંનેને ગજની જોવા લઈ જાય છે.

શું વાત કરે છે તું? તું વળી લેખકો વિષે જાણતો થઈ ગયો? ક્યા લેખક વિષે તેં તૈયાર કરાવ્યું હતું એ તો કહે.

ગુજરાતના લોકપ્રિય લેખક શ્રી ટપુભાઈ પોપટભાઈ જોબનપૂત્રા.

ટપુભાઈ પોપટભાઈ જોબનપૂત્રા? એ તો મારા મામા થાય.

તો હું ક્યાં ના પાડું છું?

પણ એ તો સાવરકુંડલાની શાક માર્કેટમાં શાકભાજી વેચે છે

તો હું ક્યાં ના પાડું છું.?

પણ એ લેખક નથી.

શો ફરક પડે છે પપ્પા! નંદુની શાળામાં બધાંએ માની લીધું કે  શ્રી ટપુભાઈ પોપટભાઈ જોબનપૂત્રા નામના લોકપ્રિય લેખક છે. એમણે વીસ નવલકથાઓ લખી છે. દસવાર્તાસંગ્રહો ને પાંચ કાવ્યસંગ્રહો બહાર પાડ્યા છે.. એમને કુલ સાત એવોર્ડ મળ્યા છે ને  શ્રી નરેન્દ્ર મોદી દ્વારા  એમનું સન્માન પણ થયું છે. બધું જ માની લીધું.

આટલું  હળાહળ જૂઠાણું ચલાવતાં તમને શરમ ન આવી?

એ લોકોને સાંભળતાં શરમ ન આવી એનું શું?

પણ તું આવાં ગતકડાં ચલાવતાં શીખ્યો ક્યાંથી?

એ… આપણાં આંખકાન ખુલ્લાં રાખીને જીવીએ તો બધું આવડી જાય. હવે હું જઈ શકું?

જા દીકરા જા. તને રોકવાવાળો હું કોણ?

આભાર.પપ્પા આ આમિરખાનની ગજની-કટ ગજબની છે નહીં? તમને એ કેવી લાગે છે?

મને તો એ… વિચાર કરીને જશુભાઈએ જવાબ આપ્યો કે ભારત-પાકિસ્તાનની સરહદ જેવી લાગે છે.

સપનું

જો આપ નવું ઘર ખરીદવાનું વિચારતા હો તો આપનું એ સપનું પૂરું થવાની તૈયારીમાં છે.

ટીવીના પરદા પરની મીઠડી નારીના મીઠડા શબ્દો જશુભાઈના કાને પડ્યા ને જશુભાઈએ ટીવીનો અવાજ વધાર્યો.

હાલમાં મંદીનાં કારણે મકાનોની કિંમતમાં ભારે ઘટાડો થયાના સમાચાર છે. જેને નવું મકાન ખરીદવું હોય એમણે હવે રાહ જોવાની જરૂર નથી. મીઠડી મોટાં મોટાં શહેરોના અલગ અલગ વિસ્તારો બતાવતી ગઈ અને કિંમત બોલતી જ ગઈ. જશુભાઈ ફાટી આંખે જોતા જ રહ્યા અને ફાટ્યા કાને સાંભળતા જ રહ્યા…. એક કરોડની કિંમતનો આ ભવ્ય ફ્લૅટ હવે આપને ફક્ત એંસી લાખમાં મળી શકે છે……પંચાશી લાખની કિંમતનો આ ફ્લૅટ હવે આપને ફક્ત સિત્તેર લાખમાં મળી શકે છે. અને જો આપના બજેટ પ્રમાણે આ કિંમત વધારે લાગતી હોય તો નિરાશ થવાની જરૂર નથી. સાઈઠ લાખની કિંમતનો આ ફ્લૅટ હવે આપને ફક્ત પચાસ લાખમાં મળી શકે છે. તો મોડું શાં માટે? જલ્દી કરો અને આપનાં સપનાં સાકાર કરો….

જશુભાઈની મનગમતી વાત સાંભળવાની ઇચ્છા પૂરી થાય એ પહેલાં તો સમાચાર પૂરાં થયાં. મીઠડી પરદા પરથી જતી રહી ને જશુભાઈથી હાથ પછાડીને બૂમ પડાઈ ગઈ. કે એ… હાલી શું નીકળી છો?

બૂમ સાંભળીને નયનાબેન હાંફળાંફાંફળાં દોડીને આવ્યાં. શું થયું…?

જશુભાઈએ જવાબ આપ્યો કે મને તો એમ કે પાંચ દસ લાખની વાત કરશે પણ મારી બેટી પચાસ  લાખે આવીને તો અટકી ગઈ.

નવા વરસની પાર્ટી

વાત કરીએ જશુભાઈનાં બેસતાં વર્ષની. નયાનાબેનની મનાઈ હોવા છતાં જશુભાઈ અમુક વાક્યો બોલ્યા વગર રહી ન શક્યા. આ રહ્યા એ વાક્યો…..

  -એ.. અમે તો બેસતાં વરસની વહેલી સવારે ભળકડે અમારા કાકાને પગે લાગવા પહોંચી જતાતા. અત્યારે તો કોઈની ઘેર સવારે નવ વાગ્યે જઈએ તો  ડોહા ડગલાં સિવાય  બધાં ઘારોટતાં હોય.

-છોકરાઓને  વાંકા વળવાનું તો  આવડતું જ  નથી.  પણ ‘ જય શ્રી કૃષ્ણ’ બોલે તોય બસ.

    – તૈયાર ચેવડો ને તૈયાર મીઠાઈ  મૂકી દે. ખાવ ને થાવ હાલતાં. શુકનનો એકાદ ઘૂઘરો તો   જાતે બનાવે.

– બપોર સુધીમાં તો અમે અર્ધાં  સગાંવહાલાંને પતાવી દેતાતા. બાકી રહેલાં બપોર પછી.આજની જેવાં બહાનાં નહોતાં.

– કોઈને આવવા જવાનો સમય ક્યાં છે?  જોને સગાંવહાલાંના નામ પર કાગડા ઊડે  છે.

-તહેવાર જેવું રહ્યું છે જ ક્યાં? ખર્ચાનો પાર નહીં  પણ મજાનું નામ નહીં.

         સાંજે જીતુ  બહાર જવા તૈયાર થયો. મમ્મી મારું ખાવાનું ન બનાવતી. અમારા ભાઈબંધોની આજે પાર્ટી છે.

   સારું. નયનાબેને રાજીખુશીથી રજા આપી દીધી.

   પણ જશુભાઈએ વાંધો ઉઠાવ્યો. ઊગીને ઊભા થયા છો ને પાર્ટી?  નથી જવાનું.  પાર્ટીના પૈસા કોણ અનિલ અંબાણી આપશે.?

      તમે ચિંતા ન કરો. બંદોબસ્ત થઈ ગયો છે.  જીતુએ કોલર ઊંચા કરીને કહ્યું.  

  અરે પણ કેવી રીતે?

  એ બાબતમાં તમે મમ્મી સાથે વાત કરી લો તો સારું.  હું જાઉં છું. આઈ હેવ નો ટાઈમ.

જીતુ ઝડપથી બહાર નીકળી ગયો.  જશુભાઈ ઊંચાનીચા થઈ ગયા.

આ છોકરો અત્યારથી મારું માનતો નથી મોટો થઈને શું કરશે?  કઈ હોટેલમાં  પાર્ટી રાખી છે?  તને ખબર છે?

શાની હોટેલ ફોટેલ ? બિચારા દર વખતની જેમ ચાઈનિજ ખાવા લારી પર ગયા છે. પૈસા વધશે તો આઈસક્રીમેય  ખાશે.  નહીં તો બરફના ગોળા ખાશે.  વરસમાં એકાદ વખત તો જાય કે નહીં?

પણ  પૈસાનો બંદોબસ્ત કેવી રીતે કરશે?

આપણે સવારે એના હાથમાં દસ દસ રૂપિયા મૂક્યા હતાને? એ જ બંદોબસ્ત!    

જશુભાઈ ચૂપ જ નહીં શાંત થઈ ગયા.  થોડીવાર પછી એ પણ બહાર જવા માટે તૈયાર થઈ ગયા.

કેમ તમે વળી ક્યાં ઉપડ્યા?  નયનાબેને પૂછ્યું.

હું જાઉં.એટલા પૈસા કદાસ ઓછા પડશે. એ લોકો ભેગા થાય તો બીજા પાંચદસ રૂપિયા આપતો આવું.

ચિંતા ન કરો. રક્ષાબંધન વખતે મારા ભાઈએ આપ્યા હતા એમાંથી એમાંથી બીજા દસ રૂપિયા આપ્યા છે.  વધે તો પાછા લાવવાનું કહ્યું છે.   

સારું કર્યું.  જશુભાઈ પાછા બેસી ગયા.

પાર્ટી પતાવીને જીતુ આવ્યો ને નયનાબેનના હાથમાં દસ રૂપિયા મૂકીને બોલ્યો. લે મમ્મી આની જરૂર પડી નથી. તને કામ લાગશે.

નયનાબેને જશુભાઈની સામે જોયું.  જશુભાઈ પોતાની ભીની આંખો છુપાવવા માટે દીવાની જ્યોત તરફ  જોવા લાગ્યા.

આવો ઓળખીએ જશુભાઈને

જશુભાઈ —— એક ઝલક

આદતથી મજબૂર જશુભાઈ  આદતથી મજબૂર

ચિંતાથી  ભરપૂર જશુભાઈ  ચિંતાથી  ભરપૂર

આદતથી મજબૂર જશુભાઈ  આદતથી મજબૂર.

ઘટનાનો  ભાર  ઉપાડે

દિમાગ ભલે જાય ખાડે

ત્રાસવાદ નાબૂદ થયાનાં

સપનાં જુએ ધોળે દહાડે

મહાજનમાં મશહૂર જશુભાઈ મહાજનમાં મશહૂર

આદતથી મજબૂર જશુભાઈ  આદતથી મજબૂર.

આખેઆખું  છાપું  વાંચે

ખબરો સઘળી હોઠે રાખે

ચૂંટણી ટાણે છાતી ઠોકીને

દેશ આખાનું ભવિષ્ય ભાખે

ચર્ચામાં ચકચૂર જશુભાઈ ચર્ચામાં ચકચૂર

આદતથી મજબૂર જશુભાઈ  આદતથી મજબૂર.