બ્લોગજગતની કહેવતો

બ્લોગજગત

મિત્રો, આજે અમે કેટલીક કહેવતો રજૂ કરી છે. જૂની તો હતી જ. અમે નવી કહેવતો બનાવાવાનો પ્રયાસ કરેલ છે.  બે વાતોનું અમે ધ્યાન રાખેલું છે. એક તો તમામ નવી કહેવતો બ્લોગજગતને લગતી હોય અને બીજું કે એ ગમ્મતભરી હોય.  તો જોઈ શું રહ્યા છો! જોડાઈ જાવ.

[1] પૂછતાં પૂછતાં પાટણ જવાય. =  બાખડતાં બાખડતાં બ્લોગર થવાય.

[2] ખીસાં ખાલી ને ભપકા ભારી.  = બ્લોગ ખાલી ને થીમ ભારી.

[3] બાર વેંતનું ચીભડું ને તેર વેંતનું બી. = બાર લીટીની પોસ્ટ ને તેર લીટીની કૉમેન્ટ.

[4] પૈસો પૈસાને ખેંચે. = કૉમેન્ટ કૉમેન્ટને ખેંચે.

[5] જાનમાં કોઈ જાણે નહીંને હું વરની ફોઈ. = બ્લોગજગતમાં કોઈ જાણે નહીં ને હું બ્લોગનો ખાં.

[6] લાવ્ય ઘોડો ને કાઢ્ય વરઘોડો. = કર્ય કૉપી ને થા બ્લોગર.

[7] બાર વરસે બાવો બોલ્યો: “બચ્ચા દુકાલ પડેગા.”  =  બાર વરસે કૉમેન્ટ મળી:  “મજા ન આવી”

[8] ભેંસનાં શીંગડાં ભેંસને ભારે. = પોસ્ટની ટેગ્સ પોસ્ટને ભારે.

[9] રાજાને ગમે ઈ રાણી , છાણાં વીણતી આણી. =  બ્લોગરને ગમે ઈ પોસ્ટ,  ‘ઠ’ ને બદલે ‘ઢ’ સોતી આણી.

[10] હાથના કર્યા હૈયે વાગે. = બ્લોગરના કર્યા બ્લોગને વાગે.

[11] બાંધી મુઠ્ઠી લાખની ને ઉઘડતાં વા ખાય. = બાંધી પોસ્ટ લાખની ને પ્રગટતાં વા ખાય.

[12] નાચવું નહીં તો કહે કે આંગણું વાંકું. = લખવું નહીં તો કે ભાષા વાંકી!

[13] આંગળી આપતાં પોંચો પકડ્યો. = કૉમેન્ટ આપતાં બ્લોગ પકડ્યો.

[14] ઊંટ મરે ત્યારે મારવાડ ભણી જૂએ. = બ્લોગર મરે ત્યારે ક્મ્પ્યુટર ભણી જૂએ.

[15] હરીફરીને લે મારા દેવનું નામ.= હરીફરીને કર કૉપી- પેસ્ટનું કામ.

[16] ચાળકમાં સાંઢિયો! = બ્લોગજગતમાં નવલકથા!

[17] કાં લડ્ય ને કાં લડનારો દે. = કાં બ્લોગ વાંચ્ય ને કાં વાંચનારો દે.

[18] પાણી પીધાં પછી ઘર પૂછ્યું. = કૉમેન્ટ આપ્યા પછી પોસ્ટ વાંચી.

[19] છોકરાં ધવરાવ્યે મોટાં થાય છે, રમાડ્યે નહીં. = બ્લોગ્સ લખ્યે મોટા થાય છે, વખાણ્યે નહીં.

[20] એક તોલડી તેર વાનાં માંગે. = એક પોસ્ટ તેર ટેગ માંગે.

[21]વઢકણી વહુએ દીકરો જણ્યો. = વઢકણી વહુએ બ્લોગ લખ્યો.

[22] કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી. = કજિયાનું મૂળ કૉમેન્ટ ને કોમેન્ટનું મૂળ બ્લોગ.

[23] નબળો ધણી બૈરી પર શૂરો. = નબળો બ્લોગર કૉમેન્ટમાં શૂરો.

[24] નબળાં ઢોરને બગાઈ ઘણી. = નબળી પોસ્ટને ટેગ્સ  ઘણી.

[25] ઘર બાળીની તીરથ કરવું. = ધંધો છોડીને  બ્લોગર થવું.

[26] ડોશી મરે એનો વાંધો નથી, જમ ઘર ભાળી જાય એનો વાંધો છે. = ખીસ્સું ફાટે એંનો વાંધો નથી ,ખીસ્સાકોષ પડી જાય એનો વાંધો છે.

[27] ઊંટ ને  વળી ઉકરડે ચડ્યો. = લેખક ને વળી બ્લોગર થયો.

[28] રાત થોડી ને વેષ ઝાઝા. = પોસ્ટ થોડી ને કેટેગરી ઝાઝી.

[29] કરવા ગયા કંસાર  ને થઈ ગઈ થૂલી. = કરવા ગયા કૉમેન્ટ ને થઈ ગઈ લડાઈ.

[30] ધરમની ગાયના દાંત ન જોવાય. = ઉઠાવેલી  પોસ્ટની જોડણી ન જોવાય.

[31] પાઈની પેદાશ નહીં ને ઉપાધીનો પાર નહીં.= પાઈનો પ્રતિભાવ નહીં ને પોસ્ટનો પાર નહીં.

[32] ભેંસ ભાગોળે છાશ સાગોળે ને ઘેર ધમાધમ. =  બ્લોગ બીજાનો ,પોસ્ટ ત્રીજાની ને બ્લોગ-ગ્રુપમાં ધમાધમ.

[33] આપીને માંગે તેની અક્કલ  જાય આઘે.= આપીને માંગે તેની કૉમેન્ટ જાય આઘે.

[34] કપાળે કપાળે જુદી મતિ. = બ્લોગે બ્લોગે જુદા થીમ.

[35] હવેલી લેતાં ગુજરાત ખોઈ. = પોસ્ટ લેતાં બ્લોગ ખોયો.

[36] આપ ભલા તો જગ ભલા. = આપ ભલા તો બ્લોગ ભલા.

Advertisements