નિરાંત

વાયરા

 

નિરાંત                                    -યશવંત ઠક્કર

મા,

આપણે ઘેર નળ આવી ગયા છે

તું આજે હોત તો તારે કૂવે પાણી ભરવા જવું ન પડત!

મા,

આપણે ઘેર વૉશિંગ મશીન આવી ગયું છે

તું આજે હોત તો તારે નદીએ કપડાં ધોવા જવું ન પડત!

મા,

આપણે ઘેર ઘરઘંટી આવી ગઈ છે

તું આજે હોત તો તારે વહેલી સવારે દળણું દળવું ન પડત!

મા,

આપણે ઘેર ગેસનો ચૂલો આવી ગયો છે

તું આજે હોત તો તારે બળતણ વીણવા જવું ન પડત!

મા,

આપણે ઘેર કેટકેટલું આવી ગયું છે!

તું આજે હોત તો તને કેટલી નિરાંત હોત!

…પણ…

નિરાંત હોત ખરી?

માને ક્યારેય નિરાંત હોય છે ખરી?  

************

મિત્રો,

ગઈ કાલે   હું  એક  નવો કાવ્યસંગ્રહ મેળવવા માટે  સદભાગી થયો છું. એ સંગ્રહનું નામ છે: મા, તું માનસરોવર [ભાગ-૧]

ઉપરોક્ત રચના એ સંગ્રહમાં સ્થાન પામી છે. આ બાબતનો  મને આનંદ છે.  આ કાવ્યસંગ્રહ નું સંપાદન શ્રી હસમુખ શાહ  ‘બેઝાર’  દ્વારા થયું છે. જેમાં ‘મા’ વિષે ૯૫ જેટલા કવિઓની  રચનાઓનો સમાવેશ થયો છે.  સંગ્રહ ઘણો જ સરસ બન્યો છે.  મા તો અવારનવાર યાદ આવતી જ હોય. પરંતુ આ રીતે યાદ કરવાનો  મોકો મળ્યો  એ વાતનો મને વિશેષ આનંદ છે.  

આ આનંદની વહેંચણી સાથે માતૃદિન નિમિત્તે સહુને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

મા, તું માનસરોવર [ભાગ-૧]  કાવ્યસંગ્રહનાં પ્રેરક છે:  મહેશ ‘ સપનાવાલા’

પ્રકાશક: હાર્મોનીકા પ્રકાશન, ૧૦૧ મધુવન એવન્યુ, પ્રજાપતિ પાર્ક પાસે, ડૉ.જીવરાજ મહેતા હોસ્પિટલ માર્ગ, વાસણા. અમદાવાદ.-૭.  [મોબાઈલ-૯૪૨૮૯૦૩૧૪૪]

સદભાવ મૂલ્ય: र ૭૫

Advertisements

કલબલાટ કૉલસેન્ટરનો

ઝાપટાં

                   [૧]

કૉલસેન્ટરની બહાર

ગળામાં ગાળીયાછાપ આઇ-કાર્ડ

સિગારેટના ધુમાડાથી ઝંખવાતી જવાની

હોઠોને દઝાડતી  ઉકળેલી ચા

જીભ પરથી  ડિલીટ થતો…

મમ્મીના હાથની રસોઈનો સ્વાદ,  

મન પર ટાર્ગેટનો પહાડ

પહાડની પેલે પાર

સપનાં અપરંપાર!

                         [૨]

જ્યારથી એ છોકરી

કૉલસેન્ટરમાં

કામ કરવા લાગી છે

ત્યારથી

એની આંખોમાંથી  

તુલસીક્યારાની ભીનાશ

ભુસાવા લાગી છે… 

                          [૩]

એક કસ્ટમરના ગુસ્સાને લીધે   

કૉલસેન્ટરમાં કામ કરતી

એ છોકરીના ગળે

બાઝેલો ડૂમો,

રિસેસ દરમ્યાન

કોફીના ઘૂંટડાની સાથે

ગળે ઊતરી ગયો!

                    [૪]

‘ના.. ના’

એ લોકોએ ઇન્ટરવ્યુમાં કહ્યું કે,

‘કૉલસેન્ટરમાં કામ કરતાં કરતાં

અમે

અમારાં ગીતો..

અમારો કલરવ…

અમારી ચંચળતા…

ખોઈ નથી નાખ્યાં.

અમે તો એને

સાચવીને મૂક્યાં છે

ઇન્ફર્મેશનના ઢગલા પાછળ!’

                    [૫]

કૉલસેન્ટરની

રાતપાળીની નોકરી કરીને

ઘર તરફ જઈ રહેલા

એ લોકોને,

સૂર્યમાં

વિદેશી કસ્ટમરનાં

દર્શન

થયાં!

 

પરિવર્તન

ઝાપટાં

[૧]

આજનું ખેતર

આવતીકાલની ‘સોસાઇટી’ છે.

[૨]

શહેરથી ‘હાઈવે’નું અંતર કેટલું?

એક  ખેતર જેટલું!

ને

ખેતરનું આયુષ્ય?

[૩]

અહીં…

વાંકીચૂકી

દં

ડી

ને ત્યાં….

‘નેશનલ હાઈવે નંબર આઠ’ !

બંનેને

પોતપોતાના

નોખા નોખા ઠાઠ!

[૪]

હું

અડ્યો

ન અડ્યો

તડકાને

ત્યાં તો

તડકો 

થઈ ગયો

છાંયો! 

[૫]

આ,

જ્યાં ‘મોબાઈલ’ નો   ટાવર છે ને

ત્યાં જ…

એક ઝાડ હતું,

ને ઝાડની ડાળીએ

એક

 ટપાલપેટી 

લટકતી

રહેતી’તી!

શબ્દના બદલે તમે આવો પધારો smiley

કાગપીંછ

શબ્દના બદલે તમે આવો પધારો  smiley 🙂

રાંક છીએ આપજો અમને સહારો   smiley 🙂

ભેદ ભીતરના અહીં જોતું નથી કોઈ હવે

માન્ય છે સૌને ઉપરછલ્લો નજારો  smiley 🙂

થઈ ગયાં રદ જીવતા ને  જાગતા  ચહેરા તમામ

ચાલવા લાગ્યા ચલણમાં જ્યાં હજારો   smiley 🙂

દેહખાતે માત્ર હસતો એક ચહેરો, એ છતાં

ભલભલાથી પાડતા કેવો પનારો smiley 🙂 

પૂર્વજો વિસ્તારથી કહેતા હતા વાતો બધી

કોણ નવરું છે હવે કરવા લવારો smiley 🙂

थोड़ी सी पीली है …

ઝાપટાં

જય ભોલેનાથ .

સહુ મિત્રોને મહા શિવરાત્રીના શુભ પર્વ નિમિત્તે જય ભોલેનાથ.

અહીં લોકો નથી હસતાં મહામંદી નડી ગઈ છે.

અહીં સૌને ઉદાસીની મહાઆદત પડી ગઈ છે.

જવા દો ને, અમે પ્યાલા ભરીને ભાંગ પીધી છે

અમારે શું? અમોને તો મહામસ્તી ચડી ગઈ છે.

નગર મધ્યે અમે ચાલ્યા અમે દોડ્યા અમે કૂદ્યા

કરીએ શું? અમોમાંથી શરમ થોડી દડી ગઈ છે.

હવે સગપણ તણાં બંધન રતીભર પણ નથી નડતાં

નથી પરવા હવે સગપણ તણી સાંકળ સડી ગઈ છે.

જમાનાના હવે ઝાલ્યા અમે યારો નહીં રહીએ

ખુશી કેરા ખજાનાની હવે ચાવી જડી ગઈ છે.

****

भंग मुबारक ..

भंग का रंग मुबारक… 

अगर चढ जाय तो फिर

एक नया जंग मुबारक! 

એક કવિતા પર્યાપ્ત છે અસ્તિત્વ માટે

ગમતાં પુસ્તકો

મિત્રો,

મારી સમક્ષ એક પુસ્તક છે:

એક કવિતા પર્યાપ્ત છે અસ્તિત્વ માટે

જેમાં દુનિયાભરની ભાષાઓની કવિતાઓનો અનુવાદ છે.

જે નો અનુવાદ ગુજરાતીમાં કર્યો છે શ્રી હિમાંશુ પટેલે.

આ પુસ્તકની અર્પણનોંધમાં તેમણે જણાવ્યું છે કે:

આ પુસ્તક અર્પણ

જેમણે શબ્દમાં લસોટી કવિતા પીવડાવી છે તે કવાથના સર્જક

યશવંત ત્રીવેદી અને સિતાંશુ યશશ્ચન્દ્રને

આ પુસ્તકના ‘પ્રાસ્તાવિક ‘માં થી કેટલુક લખાણ અહીં રજુ કરું છું.   જે એમની પ્રવૃત્તિને તેમજ આ પુસ્તકને સમજી શકવામાં સહાય થઈ શકે તેમ છે.

કવિતા લખવી અને અનુવાદ કરવા એ બે વચ્ચે ફરક આટલો જ છે કે પહેલામાં સર્જનાત્મક અર્થાત મૂળગામી અભિવ્યક્તિની અનુભૂતિ છે ,જ્યારે અનુવાદ પરંપરામાંથી અન્ય પરંપરામાં ટ્રાંસમાઈગ્રેશનનો અનુભવ છે.

અનુવાદ સર્જન નથી અનુભવ છે.

અનુવાદ આનંદ છે : પ્રપ્તિનો,

ઓળખ્યાની પ્રાપ્તિનો , સંવાદ પ્રાપ્તિનો

અનુવાદ અંતહીન રહસ્ય છે માણસનું.

****

ઘણા લોકોને મેં સાંભળ્યા છે એવું કહેતા કે ઈશ્વરે તેમનામાં બહુ બુદ્ધિ મૂકી છે. પણ એ લોકોને ખબર નથી કે બુદ્ધિ તો વૈશ્વિક પરંપરા અને એ પરંપરામાં થયેલા સમન્વયથી પ્રાપ્ત થયેલા અનુભવમાંથી ઉદ્ભવી છે. ઈશ્વર તો કેવળ મૃત્યુ આપે છે. આઉશ્વીટસના અનુવાદના કાવ્યાનુભવો વાંછ્યા પછી -કોસોવા યુદ્ધ, સારીએવો યુદ્ધ કે આજે [18-06-04] એક વધુ અમેરિકન વ્યક્તિનો શિરચ્છેદ કરાયો તે જાણ્યા પછી -ખબર પડી કે મૃત્યુ તો મનુષ્ય પણ આપે છે!

આપણે શેમાં સપડાયા છીએ. આપણે ધર્મયુદ્ધમાં સપડાયા છીએ કે આપણે ધર્મભેદના યુદ્ધમાં સપડાયા છીએ? અથવા ધર્મ વૈવિધ્યતામાં કે મુખ્ય પ્રવાહમાંથી ફંટાયેલા ફાંટાઓમાં સપડાયેલા છીએ! આ સપડાવું એ આપણા પર બીજાએ લાદેલી પરિસ્થિતિ છે: આપણા પર કોતરેલી સામયિક કૃતિ છે?

વિવેચન કે તત્વજ્ઞાન મારો વિષય નથી. પણ શબ્દમાં વેધકતા ઊભી કરવી એ મારી સર્જનાત્મક  પ્રવૃત્તિ   છે. ઈશ્વર કે મનુષ્ય અથવા બન્ને   કોઈકની ઊભી કરેલી ભૂલ છે. આજે ઈશ્વર હોવું તે ધૃણાસ્પદ છે અને મનુષ્ય હોવું તે પણ ધૃણાસ્પદ છે. કવિતા આ ધૃણામાથી સર્જાયેલી આકૃતિ છે- વિશ્વવ્યાપી વિશ્વ સાહિત્યમાં બે સૂર પ્રધાન છે . એક સ્વીકાર અને બીજો અંગત.

દરેક મનુષ્યમાં એનો ઈશ્વર મૃત્યુ  પામે છે.

દરેક મનુષ્યમાં એ જન પોતે પણ મૃત્યુ  પામે છે.

તો આ મનુષ્ય હોવાનો અધિકાર એટલે શું?

વિશ્વનો માણસ મને મૃત્યુ, ત્રાસ કે યાતનાનો ભોગ બનેલો દેખાય છે.

આપણી પાસે છે આપણી ખોટકાયા કરતી પરંપરાઓ. આપણી પાસે છે આપણા રોજિંદા વાંધાવચકા,અપરિમિત પ્રેમ અને સમજણ. આપના ઘરમાં જ કોઠીઓમાં ઈયળ અને ઘઉં સાથે જ રહે છે. આપણા વાડામાં જ તુલસીનાં પાંદડાં  પર ઝાકળ અને ઝંખના એકસાથે સૂએ છે. આપણા લોહીમાં પ્રવાહિત સંગીત આપણા સંભોગોમાં સર્વાંગી પરિવર્તન મેળવે છે.

તો આપણે દરેક જણ જીવીએ છીએ ચોક્કસ સમયમાં, ચોક્કસ ઘટનાઓ વચ્ચે ક્યારે ઉથામાશે આપણો શબ્દ આપણને એમાંથી આપણી અસ્મિતા માટે  જેમાં છે આપણું અસ્તિત્વ અને  બીજાં અનેક અસ્તિત્વ જે આપણામાંના સર્જક સામે તાકી રહે છે.

આ એ સર્જકોની કવિતા છે જેમણે એ  ‘અસ’ નો અનુભવ કર્યો છે. તમને પણ એ જ થાવ.

આ કાવ્યોમાં તો પ્રેમ વિષયક અનુભૂતિમાં એ જ કે એવા અનેક કવિઓનું મેટામોર્ફિક સ્વરૂપ પણ  સંભળાય છે.

આ અહીં રજુ કરેલાં કાવ્યો કેવળ શબ્દો કે સંયોજન નથી. એ છે આપણા રોબરોજના જીવાતા પારંપારિક અનુભવો. આપણામાંથી આપણી બહાર પ્રવર્તમાન આપણામાંથી જ પાછું ફરતું આપણું ટ્રાંસમાઈગ્રેશન.

-હિમાંશુ પટેલ.

ફોલરીવર (અમેરિકા)

…  કાવ્યલેખન પ્રવૃત્તિ બાબત  આટલું નિષ્ઠાપૂર્વક લખનાર હિમાંશુભાઈના આ પુસ્તકમાંથી બે કાવ્યો અહીં રજૂ કરું છું.

[1] પંખીઓ જુએ છે સ્વપ્ન ડાળોમાં——- લીહ રૂડનીત્સ્કી [ યીદીથી]

પંખીઓ  જુએ છે સ્વપ્ન

ડાળોમાં

સૂઈજા, મારા વ્હાલા બાલુડા

તારા ઘોડિયા પાસે

તારા ખાટલા પર કોઈ

અજાણ્યો બેસીને ગાય છે

આ એ ઘોડિયું છે જે નિભાવી લે છે

કચડાયેલો આનંદ અને નસીબ

અને તારી બા

ઓહ, તારી મા

નહીં ફરે કદી પાછી

મેં જોયા છે તારા બાપુને દોડતા

પથ્થરોના  કરા હેઠળ

અને ખેતરો પર

ઊડે છે

એના અનાથ નિસાસા

[2 ] આપદા  ——- વાસીફ બખ્તરી  [કાબૂલ]

સળગતાં લાકડાં  સમાન , તરફડિયાં મારું છું હું પીડામાં

દાડમના દાણાના બદનસીબે

એના કોચલાની પકડ , અંતરછાલ અને  ગેડમાંથી

જે કોઈ એને ફોલવા પ્રયત્ન કરે છે

પહેલાં નીચોવવા પકડ્યું હોય એમ પકડે છે

અને પછી જ્યારે કામ પતે

એ લોકો ચટની સાથે ખઈ જાય દાણા, એક પછી એક


આ  પુસ્તકના પ્રકાશક છે : ‘હલક’ ફાઉન્ડેશન  12, ઇન્દ્રપ્રસ્થ , ફલાય ઓવર બ્રિજ, અંધેરી (પૂર્વ) , મુંબઈ- 400069

આ સિવાય  હિમાંશુ પટેઅલનાં  અન્ય બે પુસ્તકો પણ  છે :

[1] બધા રંગોમાં વેદના ભરેલી છે

[2] કવિતા: જીવનચિત્રોનું અક્ષયપાત્ર

જે ની વાત બાકી રાખું છું.

હિમાંશુ પટેલના બ્લોગથી આપ સહુ પરિચિત હશો જ .

આ રહ્યો: http://himanshupatel555.wordpress.com/

મિત્રો,  એક પુસ્તક અને તેના સર્જક બાબત જાણકારી આપવાનો અમારો પ્રયાસ આપને ગમશે એવી આશા છે.

-યશવંત ઠક્કર

ભૂતને પીપળો પ્રાપ્ત થાતો રહે

કાગપીંછ
Rainbow ghost

Image via Wikipedia

ભૂતને પીપળો પ્રાપ્ત થાતો રહે

જીવનો  NETથી એમ નાતો રહે.

અન્યના કાનને કષ્ટ પડતું હશે

એક ગધ્ધો  છતાં  ગીત  ગાતો રહે.

આમ તો એ કદી માંસ ખાતો નથી

કોઈનું પણ મગજ  તોય ખાતો રહે.

હોય સગલાં ઘણાં તોય શું થઈ ગયું ?

હોય જો રૂપિયા તો જ નાતો રહે.

કોઈપણ કારણે થાય હલચલ ઘણી

થાય સંવાદ કે વાદ થાતો રહે.

ગાંઠિયા   ના રહે માત્ર ચટણી રહે

પાછલા યુગની  એમ વાતો રહે.

દિલનાં માપ પણ સાંકડાં થઈ ગયાં

સાંકડા દિલમાં તું સમાતો રહે.

રોડ રસ્તા મૉલ સઘળું ઝળહળે

ઝાપટાં

રોડ રસ્તા મૉલ સઘળું ઝળહળે

ચાલ મન તારી કશે ઇચ્છા ફળે.


ચીજ મનગમતી ખરીદું આજ હું

એક સાથે એક જો ફ્રીમાં મળે.


વાત શી કરવી મુસીબતની હવે

મેં મિલાવ્યો હાથ તો વળગી ગળે.


દૂધમાં સાકર  ભળે એ રીતથી

એક અફવા પણ હકીકતમાં ભળે.


આવડે ના  આવડે  ગણવા પડે

એમ  ક્યાંથી દાખલા ટાળ્યા ટળે.

શહેરમાં શકમંદ એકે એક જણ

ઝાપટાં

બેફિકર થઈ હું મિલાવું હાથ પણ

શહેરમાં શકમંદ એકે એક જણ.


રાતદી બળતી રહે છે વીજળી

ના મળે માંગ્યા મુજબ અંધાર પણ.


શું ખરીદી લાવશે કોને ખબર!

નીકળ્યાં જેઓ શરમનું લઈ ચલણ.


કોણ વીંધાતું હશે ઘટના વડે

છે બધાં પાસે મજાનું આવરણ.


હાથમાં આવ્યા પછી છટકી જવું

દાખવે મંઝિલ સદા એવું વલણ.


જેમ દાબે ચોરના પગલાં પગી

એમ પાછળ આવતું સૌનું મરણ.

ઘુવડની કેફિયત

ઝાપટાં

Indian Eagle Owl Bubo bengalensis (Franklin)

જે નથી જોયું એ બાબત શું કહું?

છે નરી આંખોમાં આફત શું કહું?


જાગરણ માફક આવે છે રાતનું…

દિવસે બગડે છે દાનત શું કહું ?


ટાળવા ધારું તો પણ ટળતી નથી

વારસાગત આ છે આદત શું કહું ?


કેટલું ટકશેએની કોનેખબર ?

કોમની કેવી છે હાલતશું કહું ?


છે વહેમોથી મબલખ મબલખ ભરી

જાત માણસની એ બાબત શું કહું ?