સાંજ!

ચપટી ભરીને વાર્તા

બ્લોગમિત્રો,

ભાદરવાનો આજે અંતિમ દિવસ છે. આવતી કાલથી નવરાત્રીનું શુભ પર્વ શરૂ થઈ રહ્યું છે. આ પર્વ નિમિત્તે આપ સહુને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

વરસાદે વિરામ લીધો છે. વરાપના વૈભવને માણવાનો આપણને મોકો મળ્યો છે. જે લોકો ગામડામાં કે નાનાં નાનાં નગરોમાં રહેતાં હશે તેઓ તો મન ભરીને એ વૈભવ સરળતાથી માણી શકે છે. એ લોકો માટે તો અત્યારે તો લીલી મગફળી અને ચીભડાં ખાવાના દિવસો  હશે.

આ દિવસોમાં મને એક ઘટના અચૂક યાદ આવતી રહે છે.  ચાલો, આજે એ ઘટના એક કથાના રૂપે તમારી વચ્ચે વહેંચું. કદાચ એના લીધે મારી લાગણીની વહેંચણી થશે. 

              સાંજ 

સંધ્યાનો સમય હતો.  હું મારી હાટડીમાં દિવાબત્તી કરી રહ્યો હતો.

વગડામાંથી ગોવાળિયાઓ ગાયો-ભેંસો સાથે ગામમાં પાછા ફરી રહ્યાં હતા.  

… ને  ધડ! ધડ!  અવાજ આવ્યો!

હું ચમક્યો. મને લાગ્યું કે કોઈ અવળચંડાએ હાટડીમાં પથરા ફેક્યા લાગે છે.

મેં જોયું તો એ પથરા નહોતા!

નાનાં નાનાં  કૂણાં કૂણાં ચીભડાં હતાં! ફટ દઈને મોમાં મૂકવાનું મન થાય તેવાં.

પણ ફેંક્યાં કોણે? આ કૃપા કરી કોણે?

હાટડીની બહાર તો કોઈ દેખાયું નહિ. ચીભડાં ફેંકીને કોઈ સંતાઈ ગયું કે શું?

મેં હાટડીનાં ઓટલે જઈને નજર નાંખી તો ગોબર,ભેંસોની પાછળ પાછળ  જઈ રહ્યો હતો.

ગોબર. કાચા કુંભારની ડેલીમાં રહેનારો છોકરો. વાઈનો દર્દી હતો. ઘણી વખત ગામમાં જ  રસ્તા વચ્ચે પડી જતો હતો. ભાનમાં આવતા વાર લાગતી.  બહુ જ ભલો. કોઈની સાથે ક્યારેય લડે કે ઝઘડે નહિ. બોલાચાલી પણ કરે નહિ. આવા દર્દીને ઘણો જ સાચવવો પડે. પરંતું ખેડૂતનો દીકરો વગડાથી દૂર કેવી રીતે રહી શકે? ગોબર મોટાભાગે સવારથી સાંજ સુધી વગડામાં રહેતો. પોતાના જ પરિવારની જ ભેંસો ચારતો.

ગોબર સાથે મારે સીધો કોઈ સંબધ નહિ. મારાથી મોટી ઉંમરનો હોવાથી ભેરૂબંધી પણ નહિ. બસ, એક જ ગામના. એ ખેડૂતનો દીકરો અને હું વેપારીનો દીકરો.

એને  લાગ્યું હશે કે આ વેપારીનો દીકરો આવાં કૂણાં કૂણાં ચીભડાં ખાવા ક્યાં જાશે?

એટલે જ એણે પ્રેમથી મારી હાટડીમાં ચીભડાં નાંખ્યાં.

કોઈપણ  પ્રકારના  સ્વાર્થ વગર! કશાં વળતર વગર! બીડી તો એ પીતો નહોતો. પણ, મારી હાટડીમાં ખાધાચીજો તો હતી. માંગત તો હું નાં પણ ન પાડત. .

પરંતું, ગોબર જેવાં ફરિશ્તાને લાલચ હોતી નથી. એમના હૈયાં કુદરતે દીધેલા ખજાનાથી ભરેલાં હોય છે. વળી એમના મન પણ સમજણથી ભરેલાં હોય છે.  નહિ તો વગર સંબંધે મને જ શાં માટે ચીભડાં ખવડાવે!

..અને મનનો કેવો મોટો કે આભારના બે શબ્દો સાંભળવા પણ રોકાયો નહિ. જાણે કશું આપ્યું જ નથી!

હું તે દિવસે એટલો રાજી થયો કે ગામડાની જિંદગીની તમામ હાડમારી ભૂલી ગયો.

… આજે વારસો થઈ ગયાં. ચીભડાની ઋતુ આવે ને એ લીલીછમ સાંજ યાદ આવ્યા વગર રહેતી નથી જે સાંજે ગોબરે મારી હાટડીમાં કૂણાં કૂણાં ચીભડાં ફેંક્યાં હતાં. 

… ને એ સાંજ પણ નથી ભુલાતી જે સાંજે અમે ઇંગોરાળા ગામની નિશાળેથી છૂટીને અમારા ગામને પાદર પહોંચ્યા ને અમે ખબર સાંભળ્યા કે ગોબર ગુજરી ગયો!!! 

મિત્રો, સાંજ પણ કેવી કેવી હોય છે?

કોઈ ખુશહાલ તો કોઈ ગમગીન!  

Advertisements

ઢાઈ અક્ષર બ્લોગકે પઢે સો પંડિત હોઈ…

બ્લોગજગત
old Books

Image via Wikipedia

પોથી પઢ પઢ જગ મુઆ.. પંડિત ભયા  ન કોઈ

ઢાઈ અક્ષર બ્લોગ કે પઢે સો પંડિત હોઈ.  

*****

મિત્રો,

બીરબલની એક વાર્તા બહુ વખત પહેલાં વાંચી હતી તે  યાદ આવે છે. જે કાંઈક આવી હતી.

એક મહાશયને પંડિત થવું હતુ. પણ ગ્રંથો વાંચવાની તસ્દી લેવી નહોતી.  એમનું માનવું એવું હતું કે -ચાર દિનકી ચાંદની… ફિર અંધેરી રાત! તો આ ચાર દિવસની ચાંદની શામાટે થોથાં વાંચવામાં વેડફી નાખવી? એવો કોઈ રસ્તો ન હોય કે- ગ્રંથોને ખોલવાં પણ ન પડે ને તોય પડિત બની જવાય!

આવાં અનોખાં કામો તો બીરબલ સિવાય કોણ કરાવી આપે? મહાશયે બીરબલની પાસે જઈને પોતાની તકલીફ જણાવી.

બીરબલે જવાબમાં કહ્યું કે – કાલથી  જ્યારે તમે ગામમાં નીકળશો ત્યારે કેટલાક છોકરાઓ  તમને ઓ  પંડિત .. ઓ પંડિત કહીને બૂમો પાડશે.  ત્યારે તમારે ચિડાવાનું ને  છોકરાઓની પાછળ દોડવાનું.

પેલા મહાશયને વિદાય કરીને બીરબલે  શેરીનાં છોકરાઓને ભેગાં કરીને એક કામ સોંપ્યું.  પેલા મહાશ ગામમાં નીકળે ત્યારે ઓ.. પંડિત .. ઓ પંડિત કેમ છો ? એમ કહીને ચિડવવાનું.

બીરબલનો એ પ્રોજેક્ટ એવો સફળ થયો કે – માત્ર એક અઠવાડિયામાં તો  ગામના નાનાં છોકરાઓ જ નહીં પણ મોટા લોકો પણ પેલા મહાશયને પંડિત કહીને બોલાવવા લાગ્યાં.

પેલા મહાશય ફરીથી પહોંચ્યા બીરબલ પાસે.  ફરિયાદ કરી કે – મને આખું ગામ પંડિત પંડિત કરે છે.  હું તો ખીજાઈ ખીજાઈને થાક્યો.

બીરબલે કહ્યું કે- બસ. હવે  તમે પંડિત બની ગયા  હવેથી કોઈ કેમ છો પંડિત?  એમ કહે તો ખીજાવાનું નહી. જવાબમાં કહેવાનું કે- મજામાં છીએ. 

મિત્રો.. 

આ વાર્તા કોઈપણ બ્લોગરને પ્રેરણા આપે તેવી છે.  કોઈપણ બ્લોગર જોતજોતામાં પંડિત બની શકે છે. 

તેણે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે – તેના બ્લોગ પર આવતા પ્રતિભાવો એ બીરબલે મોકલેલાં પેલાં તોફાની છોકરાં  જેવાં છે. 

બ્લોગર જો એ પ્રતિભાવોને પડકારશે તો એ પ્રતિભાવો  બ્લોગરને વધારે ને વધારે પડકારશે. 

આવું થાય  ત્યારે બ્લોગરે એ પ્રતિભાવોની પાછળ દોડીને એમને એમના બ્લોગ સુધી મૂકી આવવા  જોઈએ. 

ફરી એ પ્રતિભાવો દેખાય કે એમની પાછળ દોડવું  જોઈએ. 

થોડા દિવસો સુધી આ પ્રયોગ કરવાથી  બ્લોગર પંડિત તરીકે જાણીતા થઈ શકે છે. 

[ ગેર કાનૂની ચેતવણી: કોઈપણ શીખાઉ બ્લોગરે આ પ્રયોગ જાતે ન કરતાં;  અનુભવી અને નિષ્ણાત  બ્લોગરની  દેખરેખ હેઠળ કરવો. અન્યથા બ્લોગહાનિ થઈ શકે છે.  ]

યશવંત ઈસ બ્લોગજગત મેં ભાત ભાત કે બ્લોગ

સબ કો  પ્રતિભાવ  દિજિયે  બિના પઢે બ્લોગ. 

રામા રામા…અરે  રામા… રામા… રામા .. અરે રામા.

ખામા ખામા … હવે ખામા… ખામા ખામા.. હવે ખામા…

અંજળ ખૂટે ને ગામ છૂટે!

વાયરા

ગામડાની શોભા મોટાભાગે કુદરત પર આધારિત હોય છે.  ને કુદરતનો સાથ ન મળે તો ગામડામાં ધૂળ ને ઢેફાં જ  નજરે ચડે! ઉપરાછાપરી બે કે ત્રણ  વર્ષો દુકાળનો સામનો કરતાં કરતાં તો માણસ વિચારતો થઈ જાય કે: હવે બહુ થયું! હવે ગામ છોડવું પડશે.

ગામડા ગામમાં આમ તો કોઈને ભૂખ્યાં સુવાનો વારો ન આવે.  વરસાદ સારો હોય અને ખેતરોમાં પાક સારો થયો હોય તો સહુને પોતપોતાના ભાગનું મળી જ રહે.  ખેડૂત ખુશ તો બધાં ખુશ!

વેપારીની ઉઘરાણી પતાવા માંડે!  કારીગરોને સામટું અને આગોતરું વળતર મળવા માંડે! ભૂદેવો પંચાગ ખોલીને શુભ ચોઘડિયાં કાઢવા માંડે!

લગનો  મંડે લેવાવા! ગોળધાણાં મંડે વેચાવા! ઢોલ મંડે ઢબૂકવા!

શરણાઈઓના સૂર  ભલે ગમે તેનાં આંગણે વાગે પણ સાંભળનાર દરેકને શેર લોહી ચડે!

માંડવાવાળા માંડે  ગીતો ગાવા! …

તમે કેદુના કાલાવાલ કરતાંતા… તમે ડેલીએ ડોકાં કાઢતાંતાં!

પણ મિત્રો… જો વરસ  નબળું હોય તો ખેડૂત નબળો પડે! ને ખેડૂત  નબળો પડે તો બધાં ઢીલાંઢફ! વેપારી, કારીગર, મજૂર, ભૂદેવો,  બાવાસાધુઓ બધા જ   બધાં જ વેરાન વેરાન લાગવા માંડે!

ભાવાયા કે મદારી કે મલગોડિયાં આવે તોય કયા મોઢેં   આવે?

પછી કોણ કોને કાલાવાલા કરે ?

કૂવાનાં તળ ઊંડાં જાતાં હોય.. ધૂળની ડમરીઓ ઉડતી હોય .. . ઝાડનો છાંયો સાંકડો થાવા લાગ્યો  હોય પછી હાકલા કેવા ને પડકારા કેવા કેવા ?

માણસો  નિમાણાં થઈને ચોરે ચૌટે ને ઓટલે બેઠાં  હોય અને પરાણે પરાણે વાતો કરતાં કરતાં વખત કાઢતા  હોય .. એવી વેળાએ ગામનું કોઈ પરિવાર ખભે થેલાં કે માથે પોટલાં લઈને  રોજીરોટીની આશાએ શહેરની વાટ પકડતું હોય તો એને કોણ રોકી શકે?

પણ ગમે તેમ તોય ગામનો માણસ … એટલું તો બોલે જ કે : ભાઈ ભલે જાવ! રોકવાની તો અમારી ત્રેવડ નથી પણ  પાછા જરૂર આવજો! આવાંને આવાં દાડા રોજ રહેવાના નથી!

અંજળ ખૂટે તો  માણસ  ભારે હૈયે ગામથી શહેરની વાટ પકડે!

તો ગામ છોડવાનું આ એક કારણ ….

પાની રે પાની  તેરા રંગ કૈસા..

સિત્તેરના દાયકાની સાફસૂફી

ગમ્મત

મિત્રો,

આપણે સિત્તેરના દાયકાની દિવાળી અને નવા વર્ષની ઉજવણીની વાતો કરવાની છે. યાદ છે ને?

ન  હોય તો આ રહ્યાં કેટલાક દૃશ્યો:

મધ્યમ વર્ગના લોકોનાં ઘર છે ને દિવાળીને આવકારવા માટે સાફસૂફી થઈ રહી છે.

માળિયાઓ ખાલી થઈરહ્યા છે. શોભાના ગાંઠિયા જેવા વાસણો ધોવાઈ રહ્યા છે.

ઘરમાંથી જૂનો સામાન નીકળી રહ્યો છે. એમાંથી ક્યો કામનો અને ક્યો ભંગાર એ નક્કી કરવાના કાર્યક્રમો ચાલી રહ્યા છે.

ભંગાર તરીકે કાઢેલી ચીજો કામ લાગશે એમ માનીને ઘરના વડીલ  દ્વારા એ  ફરી પાછી ઘરમાં મૂકી દેવાય છે.

જૂની ડાયરીમાં ચાંલ્લાના વહેવારનો હિસાબ છે જે હિસાબ ફાડવો વડીલને   ઠીક લાગતો નથી.

જૂની તસવીરોમાં પોતાનો તાજગી ભર્યો  ચહેરો જોઈને ઘરની ગૃહિણી અનાયાસે દર્પણ તરફ દોડી જાય છે.

ને એના પતિદેવ આ બધું ક્યારે સરખું ગોઠવાશેની ચિંતામાં વારેવારે અકળાયા કરે છે.

બાળકો ખોવાઈ ગયેલા રમકડાં મળવાથી રાજી રાજી થઈ જાય છે. પણ એમના પર ‘હમણા નહીં રમવા’નો હૂકમ છૂટે છે.

પોટલાની ગાંઠો  ખૂલે છે ને અંદર દબાયેલો ભૂતકાળ પહોળો થઈને વેરાઈ  જાય છે. સ્વર્ગસ્થ દાદાજીનો  મુક્તિ ઝંખતો કોટ   તાજોમાજો થવા કાજે અને ફરીથી પોટલામાં પુરાવા કાજે તડકે મૂકાઈ જાય છે.

જરૂર હતી ત્યારે જ જે નહોતી મળી એ  ખીલીઓનું પડીકું જોઈને પતિદેવને  બીજી ખીલીઓ ખરીદ્યાનો  અફસોસ થાય છે.

“હવે તો આને જાવા જ દ્યો ” કહેતી ગૃહિણી ફાટીતૂટી  સૂટકેશનો ઘા કરે છે.

ને ફેરિયાનો અવાજ આવે છે: એ… ભંગા…ર!

… મિત્રો, શું વિચારી રહ્યા છો? તમને થતું હશે કે: આણે ક્યાં  ભંગાર થઈ ચૂકેલા સમયની વાત માંડી છે!

પણ એ સમય હતો  ગમે તેવા ઘરને પણ સોનાનું ઘર માનવાનો.

દિવાળીના દિવસો પહેલાં એને ચમકતું  કરવામાં રાત દિવસ એક થઈ જતાં.

જાત મહેનત ઝિંદાબાદના એ દિવસો હતા. ચૂનો ને રંગ કરતાં કરતાં આંગળીઓમાં ડંખ પડી જતા. પણ જ્યારે કોઈ આવીને કહેતું કે: વાહ! હવે ઘર સરસ દેખાય છે..  ત્યારે ડંખોની પીડા છૂમંતર થઈ જતી હતી.

એ દિવસો હતા નાનાં નાનાં સપનાં જોવાના. આખું વરસ કરકસર કર્યા પછી એક ટેબલ ફેન ખરીદવાના કે નવું કૂકર ખરીદવાના. ને એવી ચીજો ખરીદ્યાનો આનંદ આખી શેરીમાં વહેંચવાના.

એ દિવસો હતા નવા કપડાં સીવડાવવા માટે દરજીને ત્યાં  ધક્કા ખાવાના.

એ દિવસો હતા જૂનો હિસાબ ચૂકતે કરવાના.

એ દિવસો હતા, છાપાંની પસ્તીમાં પણ કોઈ કવિની કવિતા ચાલી ન જાય એની કાળજી રાખવાના.

સંઘર્યો સાપ પણ કામ લાગે એવી માનસિકતાના.

મિત્રો, કદાચ ત્યારે ઘરમાં અને મનમાં  જગ્યા ખૂબ રહેતી હતી . ઘર વેરવિખેર હોય ને કોઈ અતિથિ આવી ચડે તો પણ  માણસ પોતે વેરવિખેર નહોતો થઈ જતો!

ને આવી કેટલીય તૈયારી કર્યા પછી જે દિવાળી  આવતી એની કિમત પણ ઓછી કેમ આંકવી?

રખેને આપણે ઊંઘતાં રહી ને દિવાળી આવી જાય તો?

ચેવડા ને  મઠિયાં તૈયાર કરવાને બહાને ઘરની ગૃહિણી આખી રાતનો ઉજાગરો કરતી.

ને પરોઢમાં તો  દિવાળીને આવકારવા કાજે આંગણે  નવી રંગોળી તૈયાર થઈ જતી!

ને આજે એ બધું જ કાળના પોટલામાં બંધાઈ ચૂક્યું છે! એમાંથી થોડુંઘણું બહાર ડોકિયાં કરે છે .

જેના દર્શન અમે આપને  ‘ઍક્શન રીપ્લે’ દ્વારા કરાવી રહ્યા છીએ.

આજે બસ આટલું. ફરી મળીશું. ત્યાં સુધી જલસાકરજો .

આજનું લવિંગિયું:

ચેવડો  સાફ થઈ જાય એની પહેલાં મળો

ને મઠિયાં  હવાઈ જાય એની પહેલાં મળો

ઘૂઘરા જે  ડબામાં રહ્યા છે હવે એક બે

એ અમોથી ખવાઈ જાય એની પહેલાં મળો.મૂર્તિઓને કદી તોડવી પણ પડે

ઝાપટાં

મૂર્તિઓને કદી ખોડવી પણ પડે

મૂર્તિઓને કદી તોડવી પણ પડે.


વાટમાં આવતી ધર્મશાળા સમી

લાગણીને કદી છોડવી પણ પડે.


માણસો માંગતાં રોજ વાતો નવી

રોજ નોખી કથા જોડવી પણ પડે.


સખ્ત  હાથે કદી કામ લેવું પડે

આંજણીને કદી ફોડવી પણ પડે.


ઠીક લાગે નહીં એમ થાકી જવું

જિંદગી દોડ છે દોડવી પણ પડે.

તમને ગજની-કટ કેવી લાગી?

જીતુ અને જશુભાઈ

એ…. હું ગજનીનાં દર્શનાર્થે જાઉં છું. કહીને જાઉં છું જેથી પાછળથી વિવાદ ન થાય. જીતુએ ઉચ્ચ કક્ષાની ભાષામાં એના પપ્પાને જણાવ્યું.

ગજનીનાં? જશુભાઈની આંખો પહોળી થઈ ગઈ.

હા.ગજની જોવા જાઉં છું અને એ પણ આઈનોક્સમાં

આઈનોક્સમાં? જશુભાઈની આંખો વધારે  પહોળી થઈ ગઈ.

ભયભીત થવાની જરૂર નથી. હું સ્વખર્ચે  નથી જતો.

તો?

મને મારા મિત્ર નંદુના પપ્પા બતાવે છે.

કઈ ખુશીમાં?

વાત જાણે એમ છે કે નંદુને એની શાળામાં મારા પ્રિય લેખક  વિષે બોલવાનું હતું. એને તો કોઈ લેખક વિષે કશી ખબર જ નહોતી એટલે  એણે મારી મદદ માંગી અને મેં  કરી. પરિણામે એનો પહેલો નંબર આવ્યો. એટલે એના પપ્પા ખુશ થઈને અમને બંનેને ગજની જોવા લઈ જાય છે.

શું વાત કરે છે તું? તું વળી લેખકો વિષે જાણતો થઈ ગયો? ક્યા લેખક વિષે તેં તૈયાર કરાવ્યું હતું એ તો કહે.

ગુજરાતના લોકપ્રિય લેખક શ્રી ટપુભાઈ પોપટભાઈ જોબનપૂત્રા.

ટપુભાઈ પોપટભાઈ જોબનપૂત્રા? એ તો મારા મામા થાય.

તો હું ક્યાં ના પાડું છું?

પણ એ તો સાવરકુંડલાની શાક માર્કેટમાં શાકભાજી વેચે છે

તો હું ક્યાં ના પાડું છું.?

પણ એ લેખક નથી.

શો ફરક પડે છે પપ્પા! નંદુની શાળામાં બધાંએ માની લીધું કે  શ્રી ટપુભાઈ પોપટભાઈ જોબનપૂત્રા નામના લોકપ્રિય લેખક છે. એમણે વીસ નવલકથાઓ લખી છે. દસવાર્તાસંગ્રહો ને પાંચ કાવ્યસંગ્રહો બહાર પાડ્યા છે.. એમને કુલ સાત એવોર્ડ મળ્યા છે ને  શ્રી નરેન્દ્ર મોદી દ્વારા  એમનું સન્માન પણ થયું છે. બધું જ માની લીધું.

આટલું  હળાહળ જૂઠાણું ચલાવતાં તમને શરમ ન આવી?

એ લોકોને સાંભળતાં શરમ ન આવી એનું શું?

પણ તું આવાં ગતકડાં ચલાવતાં શીખ્યો ક્યાંથી?

એ… આપણાં આંખકાન ખુલ્લાં રાખીને જીવીએ તો બધું આવડી જાય. હવે હું જઈ શકું?

જા દીકરા જા. તને રોકવાવાળો હું કોણ?

આભાર.પપ્પા આ આમિરખાનની ગજની-કટ ગજબની છે નહીં? તમને એ કેવી લાગે છે?

મને તો એ… વિચાર કરીને જશુભાઈએ જવાબ આપ્યો કે ભારત-પાકિસ્તાનની સરહદ જેવી લાગે છે.