એક કવિતા પર્યાપ્ત છે અસ્તિત્વ માટે

ગમતાં પુસ્તકો

મિત્રો,

મારી સમક્ષ એક પુસ્તક છે:

એક કવિતા પર્યાપ્ત છે અસ્તિત્વ માટે

જેમાં દુનિયાભરની ભાષાઓની કવિતાઓનો અનુવાદ છે.

જે નો અનુવાદ ગુજરાતીમાં કર્યો છે શ્રી હિમાંશુ પટેલે.

આ પુસ્તકની અર્પણનોંધમાં તેમણે જણાવ્યું છે કે:

આ પુસ્તક અર્પણ

જેમણે શબ્દમાં લસોટી કવિતા પીવડાવી છે તે કવાથના સર્જક

યશવંત ત્રીવેદી અને સિતાંશુ યશશ્ચન્દ્રને

આ પુસ્તકના ‘પ્રાસ્તાવિક ‘માં થી કેટલુક લખાણ અહીં રજુ કરું છું.   જે એમની પ્રવૃત્તિને તેમજ આ પુસ્તકને સમજી શકવામાં સહાય થઈ શકે તેમ છે.

કવિતા લખવી અને અનુવાદ કરવા એ બે વચ્ચે ફરક આટલો જ છે કે પહેલામાં સર્જનાત્મક અર્થાત મૂળગામી અભિવ્યક્તિની અનુભૂતિ છે ,જ્યારે અનુવાદ પરંપરામાંથી અન્ય પરંપરામાં ટ્રાંસમાઈગ્રેશનનો અનુભવ છે.

અનુવાદ સર્જન નથી અનુભવ છે.

અનુવાદ આનંદ છે : પ્રપ્તિનો,

ઓળખ્યાની પ્રાપ્તિનો , સંવાદ પ્રાપ્તિનો

અનુવાદ અંતહીન રહસ્ય છે માણસનું.

****

ઘણા લોકોને મેં સાંભળ્યા છે એવું કહેતા કે ઈશ્વરે તેમનામાં બહુ બુદ્ધિ મૂકી છે. પણ એ લોકોને ખબર નથી કે બુદ્ધિ તો વૈશ્વિક પરંપરા અને એ પરંપરામાં થયેલા સમન્વયથી પ્રાપ્ત થયેલા અનુભવમાંથી ઉદ્ભવી છે. ઈશ્વર તો કેવળ મૃત્યુ આપે છે. આઉશ્વીટસના અનુવાદના કાવ્યાનુભવો વાંછ્યા પછી -કોસોવા યુદ્ધ, સારીએવો યુદ્ધ કે આજે [18-06-04] એક વધુ અમેરિકન વ્યક્તિનો શિરચ્છેદ કરાયો તે જાણ્યા પછી -ખબર પડી કે મૃત્યુ તો મનુષ્ય પણ આપે છે!

આપણે શેમાં સપડાયા છીએ. આપણે ધર્મયુદ્ધમાં સપડાયા છીએ કે આપણે ધર્મભેદના યુદ્ધમાં સપડાયા છીએ? અથવા ધર્મ વૈવિધ્યતામાં કે મુખ્ય પ્રવાહમાંથી ફંટાયેલા ફાંટાઓમાં સપડાયેલા છીએ! આ સપડાવું એ આપણા પર બીજાએ લાદેલી પરિસ્થિતિ છે: આપણા પર કોતરેલી સામયિક કૃતિ છે?

વિવેચન કે તત્વજ્ઞાન મારો વિષય નથી. પણ શબ્દમાં વેધકતા ઊભી કરવી એ મારી સર્જનાત્મક  પ્રવૃત્તિ   છે. ઈશ્વર કે મનુષ્ય અથવા બન્ને   કોઈકની ઊભી કરેલી ભૂલ છે. આજે ઈશ્વર હોવું તે ધૃણાસ્પદ છે અને મનુષ્ય હોવું તે પણ ધૃણાસ્પદ છે. કવિતા આ ધૃણામાથી સર્જાયેલી આકૃતિ છે- વિશ્વવ્યાપી વિશ્વ સાહિત્યમાં બે સૂર પ્રધાન છે . એક સ્વીકાર અને બીજો અંગત.

દરેક મનુષ્યમાં એનો ઈશ્વર મૃત્યુ  પામે છે.

દરેક મનુષ્યમાં એ જન પોતે પણ મૃત્યુ  પામે છે.

તો આ મનુષ્ય હોવાનો અધિકાર એટલે શું?

વિશ્વનો માણસ મને મૃત્યુ, ત્રાસ કે યાતનાનો ભોગ બનેલો દેખાય છે.

આપણી પાસે છે આપણી ખોટકાયા કરતી પરંપરાઓ. આપણી પાસે છે આપણા રોજિંદા વાંધાવચકા,અપરિમિત પ્રેમ અને સમજણ. આપના ઘરમાં જ કોઠીઓમાં ઈયળ અને ઘઉં સાથે જ રહે છે. આપણા વાડામાં જ તુલસીનાં પાંદડાં  પર ઝાકળ અને ઝંખના એકસાથે સૂએ છે. આપણા લોહીમાં પ્રવાહિત સંગીત આપણા સંભોગોમાં સર્વાંગી પરિવર્તન મેળવે છે.

તો આપણે દરેક જણ જીવીએ છીએ ચોક્કસ સમયમાં, ચોક્કસ ઘટનાઓ વચ્ચે ક્યારે ઉથામાશે આપણો શબ્દ આપણને એમાંથી આપણી અસ્મિતા માટે  જેમાં છે આપણું અસ્તિત્વ અને  બીજાં અનેક અસ્તિત્વ જે આપણામાંના સર્જક સામે તાકી રહે છે.

આ એ સર્જકોની કવિતા છે જેમણે એ  ‘અસ’ નો અનુભવ કર્યો છે. તમને પણ એ જ થાવ.

આ કાવ્યોમાં તો પ્રેમ વિષયક અનુભૂતિમાં એ જ કે એવા અનેક કવિઓનું મેટામોર્ફિક સ્વરૂપ પણ  સંભળાય છે.

આ અહીં રજુ કરેલાં કાવ્યો કેવળ શબ્દો કે સંયોજન નથી. એ છે આપણા રોબરોજના જીવાતા પારંપારિક અનુભવો. આપણામાંથી આપણી બહાર પ્રવર્તમાન આપણામાંથી જ પાછું ફરતું આપણું ટ્રાંસમાઈગ્રેશન.

-હિમાંશુ પટેલ.

ફોલરીવર (અમેરિકા)

…  કાવ્યલેખન પ્રવૃત્તિ બાબત  આટલું નિષ્ઠાપૂર્વક લખનાર હિમાંશુભાઈના આ પુસ્તકમાંથી બે કાવ્યો અહીં રજૂ કરું છું.

[1] પંખીઓ જુએ છે સ્વપ્ન ડાળોમાં——- લીહ રૂડનીત્સ્કી [ યીદીથી]

પંખીઓ  જુએ છે સ્વપ્ન

ડાળોમાં

સૂઈજા, મારા વ્હાલા બાલુડા

તારા ઘોડિયા પાસે

તારા ખાટલા પર કોઈ

અજાણ્યો બેસીને ગાય છે

આ એ ઘોડિયું છે જે નિભાવી લે છે

કચડાયેલો આનંદ અને નસીબ

અને તારી બા

ઓહ, તારી મા

નહીં ફરે કદી પાછી

મેં જોયા છે તારા બાપુને દોડતા

પથ્થરોના  કરા હેઠળ

અને ખેતરો પર

ઊડે છે

એના અનાથ નિસાસા

[2 ] આપદા  ——- વાસીફ બખ્તરી  [કાબૂલ]

સળગતાં લાકડાં  સમાન , તરફડિયાં મારું છું હું પીડામાં

દાડમના દાણાના બદનસીબે

એના કોચલાની પકડ , અંતરછાલ અને  ગેડમાંથી

જે કોઈ એને ફોલવા પ્રયત્ન કરે છે

પહેલાં નીચોવવા પકડ્યું હોય એમ પકડે છે

અને પછી જ્યારે કામ પતે

એ લોકો ચટની સાથે ખઈ જાય દાણા, એક પછી એક


આ  પુસ્તકના પ્રકાશક છે : ‘હલક’ ફાઉન્ડેશન  12, ઇન્દ્રપ્રસ્થ , ફલાય ઓવર બ્રિજ, અંધેરી (પૂર્વ) , મુંબઈ- 400069

આ સિવાય  હિમાંશુ પટેઅલનાં  અન્ય બે પુસ્તકો પણ  છે :

[1] બધા રંગોમાં વેદના ભરેલી છે

[2] કવિતા: જીવનચિત્રોનું અક્ષયપાત્ર

જે ની વાત બાકી રાખું છું.

હિમાંશુ પટેલના બ્લોગથી આપ સહુ પરિચિત હશો જ .

આ રહ્યો: http://himanshupatel555.wordpress.com/

મિત્રો,  એક પુસ્તક અને તેના સર્જક બાબત જાણકારી આપવાનો અમારો પ્રયાસ આપને ગમશે એવી આશા છે.

-યશવંત ઠક્કર

Advertisements