એ …નવા વરહના રામરામ બાપલા!

બ્લોગજગત

    મુકામ શ્રી બ્લોગજગતના સર્વે ભાઈઓ.બહેનો અને ભાંડરડાવ.

એતાન  શ્રી અસરના ઓટલેથી અખંડ ઓટલાધારીના નવા વરહના ઝાઝેરા કરીને રામરામ વાંચવા. ખાસ લખવાનું કે ઓણસાલ આણીકોરના તમામ બ્લોગખેતરોમાં પાક સોળ આની થયો છે.ઠેરઠેર ધોધમાર લાગણી ખાબકી હોવાથી ગઝલગીતોનાં ગાડાં ભરાયાં છે.વાર્તાનું વાવેતર ઓછું થયું હતું. પણ પાક સારો ઉતર્યો છે. વળી રોકડિયા પાક જેવાં કે લેખ, માહિતી અને સનસનાટી વગેરેનો પાક પણ સારો ઉતર્યો છે. એટલે બધાં ખૂબ ઉમંગ અને ઉત્સાહથી દિવાળી ઉજવી રહ્યાં છે ફટાકડા ફટફટ ફૂટે છે. બ્લોગે બ્લોગે વાનગીઓ નાં ઘાણ ઉતરી રહ્યા છે. તૈયાર વાનગીઓનું ચલણ વધ્યું છે. છતાંય હજી ઘણાં ઠેકાણે પરંપરા જળવાઈ રહી છે એથી  જાતમહેનતથી અવનવી વાનગીઓથી બ્લોગ છલકાઈ રહ્યા છે.

તમારી કોર્ય પણ  વરહ સારું હશે.  ને દિવાળીની ખૂબ ધામધૂમ હશે. આવતા નવા વરહમાં શ્રી બ્લોગ નારાયણની કૃપાથી તમારા સહુના બ્લોગ હર્યાભર્યા રહે, ઢગલામોઢે LIKE મળે અને સૂંડલામોઢે પ્રતિભાવો મળે એવી અમારાં  મનની ઈચ્છા છે.

અનુકૂળતાએ અમારા બ્લોગ ઢાળા આંટો મારતા રહેશો તો અમને સારું લાગશે. બેચાર વાતુંચીતું થાશે અને ઇ બહાને અમને કાંઇક નવું જાણવા મળશે.

આ સાથે અસરના ઓટલેથી બાપુ અને ભગો પણ નવા વરહના રામરામ લખાવે છે. વળી જીતુ, જશુભાઈ અને બહેન નયના પણ નવા વરહના સાલમુબારક લખાવે છે.  થોડા દી પહેલાં રંગલો અને રંગલી આવ્યાં હતાં. એમના તરફથી પણ ખાસ રામરામ વાંચવા. શ્રી ચિત્તભ્રમજી મહારાજ અવારનવાર આવતા રહે છે. એમની વાણીમાંથી ઘણી પ્રેરણા મળતી રહે છે.

બસ. થોડું લખ્યું ઝાઝું માનજો અને આ કાગળનો જવાબ વહેલાસર આપશો.

-લિખિતંગ અસર ઓટલાધારીના ઝાઝેરા રામરામ.

Advertisements

બ્લોગજગતની ગાડી આવી રે રસિયા રાજા

બ્લોગજગત

મિત્રો,

આ બ્લોગજગત એ લાંબા અંતરની લોકલ ગાડી  જેવું છે. જેમ લોકલ ગાડીમાં વિવિધ પ્રકારના મુસાફરો જોવા મળે છે તેમ આ બ્લોગગાડીમાં વિવીધ પ્રકારના બ્લોગમુસાફરો જોવા મળે છે. જેવાં કે:

* ઘણા વખતથી બેઠેલા. જામી ગયેલા. પહોળા અને લાં…….બા થઈને પડેલા.પુષ્કળ બિસ્તરા- પોટલાં સાથે લઈને નીકળેલા. બ્લોગના ડબ્બાને જ પોતાનું ઘર સમજનારા. બ્લોગપાટલી પર જ મોટા ભાગની દૈનિક  ક્રિયાઓ કરનારા. થોડીવાર માટે ન દેખાય તો કોઈને એમ થાય કે, એ કોઈ સ્ટેશને બ્લોગગાડીમાથી ઉતરીગયા હશે! ત્યાં તો એ દેખાય! એ કદાચ બાથરૂમમાં જઈને આવ્યા હોય! એ બ્લોગગાડીના ભોમિયા થઇ ગયા હોય. બ્લોગડબ્બાના પંખા ને બારીઓ ને બટનો વગેરેની એમને પૂરી જાણકારી થઇ ગઈ હોવાથી આત્મવિશ્વાસથી ભરપૂર હોય! ચપટી વગાડતા હોય તેમ તેઓ  પોસ્ટ  મૂકી દે. છીંક ખાતા હોય તેમ પ્રતિભાવ આપી દે. નવા આવેલા અને ઊભા રહેલા બ્લોગમુસાફરો  તરફ એ દયાની નજરે જોતા હોય. આવા જામેલા બ્લોગમુસાફરો  ઊભા થાય ત્યારે ઊભા રહેલા બ્લોગમુસાફરોને એમ થાય કે, હવે  આપણને બેસવા મળશે. પરંતુ પેલા જામેલા બ્લોગમુસાફર તો  કસરત કરવા માટે ઊભા થયા હોય! હા, આવા બ્લોગમુસાફરો પાસે  પુષ્કળ બ્લોગસામગ્રી હોય જેમાં કેટલીક પોતાની હોય તો કેટલીક તૈયાર લીધેલી હોય. આવા બ્લોગમુસાફરો  બ્લોગ લખતાં લખતાં ઊંઘી શકે અને ઊંઘતાં ઊંઘતાં બ્લોગ લખી શકે! આવા બ્લોગમુસાફરોને સારી ભાષામાં “પૂર્ણ સમયના બ્લોગર્સ”  કહી શકાય.

* થોડા વખતથી બેઠેલા ને રાહતના શ્વાસ લેનારા. હવે,પોતાની સાથે લાવેલી સામગ્રીના ડબ્બા ખોલવાની એમનામાં હિમત આવે છે. એમાંના કેટકાલ,પોતે ભોગવેલી તકલીફો ભૂલ્યા ન હોવાથી; અન્ય ઊભા રહેલા બ્લોગમુસાફરોને પણ બેસવાની જગ્યા આપવાની ખાનદાની દાખવે છે. કેટલાક વળી એકબીજાની સામગ્રી વહેંચે છે.  .. લો આ ફલાણા કવિની કવિતા… લો આ ક્યાંકથી આવેલું છે . કોનું છે એ ખબર નથી પણ  છે મજાનું! …ના ના નામઠામ વગર ન મૂકાય!ફજેતી થઇ જાય! … આ ગીત છે કે ગઝલ ખબર નથી પડતી. જે હોય તે ઠપકારોને. આફરડું વાજતું ગાજતું માંડવે આવશે.મુલાકાતીઓ અને પ્રતિભાવોની વધતી જતી સંખ્યાથી આવા બ્લોગમુસાફરો ખુશખુશાલ હોય છે. એમનો ઉમંગ પોસ્ટમાંથી છલકાઈને બહાર ઢોળાતો હોય છે! આવા બ્લોગમુસાફરોને સારી ભાષામાં”વિકાસશીલ બ્લોગર્સ” કહી શકાય.

* ઊભા રહેલા બ્લોગમુસાફરો.  આમાંથી ઘણાના શ્વાસ હજી હેઠા બેઠા ન હોય. ચડી તો ગયા પણ હવે શું કરવું? આ બ્લોગગાડીનું એન્જીન કઈ દિશામાં છે એની પણ એમને ખબર ન હોય! ઘણા તો પહેર્યે લુગડે આવ્યા હોય એવા બેફીકર હોય! એમને એમ કે :આપણી પાસે શું છે તે કોઈ લઈ  જાશે? બ્લોગગાડી કઈ દિશામાં જશે એની પણ એમને પરવા ન હોય.  પરંતુ જેમને બ્લોગગાડીમાં લાંબી મુસાફરી કરવી  છે  તેમને જગ્યા મળે તો સામગ્રીના ડબ્બા ખોલવાની હોંશ હોય છે.  કેટલાક  બ્લોગમુસાફરો તૈયાર સામગ્રીના પેકેટ તોડી તોડીને પોસ્ટમાં મૂકવા લાગે છે.  તેઓ રાજી થાય ન થાય ત્યાં તો .. ચોરીનો માલ.. ચોરીનો માલ… એવી બૂમાબૂમ થવા લાગે! વળી પાછું જાહેર થાય કે: આ તો ગેરસમજ  થઇ ગઈ છે! ઊભા રહેલા બ્લોગમુસાફરોમાથી ઘણા ધીરજ ગુમાવીને બીજા બ્લોગડબ્બે ચાલ્યા જાય છે! પરંતુ જેઓ પૂરી નિષ્ઠા ધરાવે છે તેઓ છેવટે પોતાના માટે સ્થાન મેળવી લે છે.

 આવાબ્લોગમુસાફારોને “અર્ધ વિકસિત બ્લોગમુસાફરો ” કહી શકાય.

 બ્લોગમુસાફરોના આ ત્રણ મુખ્ય પ્રકારો જણાવ્યા છે.  એ સિવાયના પણ ઘણા બ્લોગમુસાફરો હોય છે. જેવાં કે: લટકતા, ભટકતા, ખટકતા, અટકતા વગેરે વગેરે!

જેની વાત આપણે પ્રતિભાવના ડબ્બામાં બેસીને કરીશું.  એ સિવાયની પણ વાતો છે. તો આવજો. અમે પ્રતિભાવના ડબ્બામાં બેસીને તમારી રાહ જોઈએ છીએ.

અને હા, રાહ જોતાં જોતાં અમને ઊંઘ આવી ગઈ હોય તો ઉઠાડજો.  વાંધો નહિ. બને તો ચાવાળાને પણ લેતા આવજો.

ઢાઈ અક્ષર બ્લોગકે પઢે સો પંડિત હોઈ…

બ્લોગજગત
old Books

Image via Wikipedia

પોથી પઢ પઢ જગ મુઆ.. પંડિત ભયા  ન કોઈ

ઢાઈ અક્ષર બ્લોગ કે પઢે સો પંડિત હોઈ.  

*****

મિત્રો,

બીરબલની એક વાર્તા બહુ વખત પહેલાં વાંચી હતી તે  યાદ આવે છે. જે કાંઈક આવી હતી.

એક મહાશયને પંડિત થવું હતુ. પણ ગ્રંથો વાંચવાની તસ્દી લેવી નહોતી.  એમનું માનવું એવું હતું કે -ચાર દિનકી ચાંદની… ફિર અંધેરી રાત! તો આ ચાર દિવસની ચાંદની શામાટે થોથાં વાંચવામાં વેડફી નાખવી? એવો કોઈ રસ્તો ન હોય કે- ગ્રંથોને ખોલવાં પણ ન પડે ને તોય પડિત બની જવાય!

આવાં અનોખાં કામો તો બીરબલ સિવાય કોણ કરાવી આપે? મહાશયે બીરબલની પાસે જઈને પોતાની તકલીફ જણાવી.

બીરબલે જવાબમાં કહ્યું કે – કાલથી  જ્યારે તમે ગામમાં નીકળશો ત્યારે કેટલાક છોકરાઓ  તમને ઓ  પંડિત .. ઓ પંડિત કહીને બૂમો પાડશે.  ત્યારે તમારે ચિડાવાનું ને  છોકરાઓની પાછળ દોડવાનું.

પેલા મહાશયને વિદાય કરીને બીરબલે  શેરીનાં છોકરાઓને ભેગાં કરીને એક કામ સોંપ્યું.  પેલા મહાશ ગામમાં નીકળે ત્યારે ઓ.. પંડિત .. ઓ પંડિત કેમ છો ? એમ કહીને ચિડવવાનું.

બીરબલનો એ પ્રોજેક્ટ એવો સફળ થયો કે – માત્ર એક અઠવાડિયામાં તો  ગામના નાનાં છોકરાઓ જ નહીં પણ મોટા લોકો પણ પેલા મહાશયને પંડિત કહીને બોલાવવા લાગ્યાં.

પેલા મહાશય ફરીથી પહોંચ્યા બીરબલ પાસે.  ફરિયાદ કરી કે – મને આખું ગામ પંડિત પંડિત કરે છે.  હું તો ખીજાઈ ખીજાઈને થાક્યો.

બીરબલે કહ્યું કે- બસ. હવે  તમે પંડિત બની ગયા  હવેથી કોઈ કેમ છો પંડિત?  એમ કહે તો ખીજાવાનું નહી. જવાબમાં કહેવાનું કે- મજામાં છીએ. 

મિત્રો.. 

આ વાર્તા કોઈપણ બ્લોગરને પ્રેરણા આપે તેવી છે.  કોઈપણ બ્લોગર જોતજોતામાં પંડિત બની શકે છે. 

તેણે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે – તેના બ્લોગ પર આવતા પ્રતિભાવો એ બીરબલે મોકલેલાં પેલાં તોફાની છોકરાં  જેવાં છે. 

બ્લોગર જો એ પ્રતિભાવોને પડકારશે તો એ પ્રતિભાવો  બ્લોગરને વધારે ને વધારે પડકારશે. 

આવું થાય  ત્યારે બ્લોગરે એ પ્રતિભાવોની પાછળ દોડીને એમને એમના બ્લોગ સુધી મૂકી આવવા  જોઈએ. 

ફરી એ પ્રતિભાવો દેખાય કે એમની પાછળ દોડવું  જોઈએ. 

થોડા દિવસો સુધી આ પ્રયોગ કરવાથી  બ્લોગર પંડિત તરીકે જાણીતા થઈ શકે છે. 

[ ગેર કાનૂની ચેતવણી: કોઈપણ શીખાઉ બ્લોગરે આ પ્રયોગ જાતે ન કરતાં;  અનુભવી અને નિષ્ણાત  બ્લોગરની  દેખરેખ હેઠળ કરવો. અન્યથા બ્લોગહાનિ થઈ શકે છે.  ]

યશવંત ઈસ બ્લોગજગત મેં ભાત ભાત કે બ્લોગ

સબ કો  પ્રતિભાવ  દિજિયે  બિના પઢે બ્લોગ. 

રામા રામા…અરે  રામા… રામા… રામા .. અરે રામા.

ખામા ખામા … હવે ખામા… ખામા ખામા.. હવે ખામા…

સરકારી બ્લોગખાતાએ આવતી કાલે રજા જાહેર કરી

બ્લોગજગત

મિત્રો,

ધારો કે: સરકારી બ્લોગખાતા જેવું કોઈ ખાતું હોય  અને તે, આવતી કાલે ભારત-પાકિસ્તાન વચ્ચેની સેમિફાઈનલ મેચના કારણે રજા જાહેર કરે તો એની જાહેરાત આવી હોય!

બ્લોગલેખન કાર્યાલય

જાહેર બ્લોગખાતું

બ્લોગભવન.  બ્લોગનગર.

તા.29-03-2011

આથી અમારા માનવંતા વાચકોને જણાવવાનું કે, આવતી કાલે ભારત -પાકિસ્તાન વચ્ચે ક્રિકેટની સેમિફાઈનલ મેચ હોવાથી  અમારા કાર્યાલયમાં બ્લોગલેખકો ફરજ પર આવે તેવી શક્યતા નહિવત છે.  જો કર્મચારીઓ જ ગેરહાજર હોય તો અધિકારી ગણ કોના પર અધિકાર જમાવે? આથી અધિકારી ગણ પણ હાજર રહેશે નહીં.  આ ઉપરાંત વાચનલાભાર્થીઓ પણ બ્લોગકાર્યાલયની મુલાકાતે આવે એવી શક્યતા ઓછી છે. આ સંજોગોને ધ્યાનમાં લઈને બ્લોગખાતા તરફથી આવતી કાલે તા. 30-03- 2011ના રોજ  રજા જાહેર કરી છે.

આવતીકાલે આપ સહુ મેચનો  પૂરો આનંદ માણશો એવી આશા છે.

-હુકમથી,

બ્લોગાધિકારી.

માન્યતાને ધોબીપછાડ! ICUમાં દાખલ!!!!

ગમ્મત, બ્લોગજગત

માન્યતાને ધોબીપછાડ! ICUમાં દાખલ!!!!

આ ખબર વાયુવેગે ફિલ્મીજગતમાં ફેલાઈ ગયા.  મુન્નાભાઈ  પર ફોન પર  ફોન આવવા લાગ્યા!

વીર મીડિયાવાળાએ મુન્નાભાઈના ઘરની બહાર અડ્ડૉ જમાવી દીધો. કેટાલાક તો કેમેરા સાથે વિવિધ હોસ્પિટલ્સમાં પહોંચીને બક્બક કરવા લાગ્યા.  જેમ કે : આપ દેખ રહે હૈ ..  યે આપકે સામને બીચકેન્ડી હોસ્પિટલ હૈ.  આપકો માલુમ હોગા કિ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનકી બીમારીકા ઇલાજ  યહાં કિયા ગયા થા  ઔર વે મૌત કો હરાકર યહાં સે વાપસ હમારે  બિચ આયે થે… આજ  યહી  ચમત્કારિક જગહ પર  માન્યતા કા ભી ઇલાજ હો રહા હો ઐસી સંભાવના સે ઇન્કાર  નહીં કિયા જા સકતા. હમ પૂરી કોશિશ કર રહે હૈ કિ આપ કો માન્યતા  ઔર માન્યતા કી હાલત કે બારે મેં  સબકૂછ બતાયા જાય…  લેકિન અભી લેતે હૈ છોટા સા બ્રેક ઔર આગે કી ખબર લેકે જલ્દ હી વાપસ આતે હૈ…

પતંગિયાં જેવી છોકરીઓ જનતાની વચ્ચે જઈને ભાતભાતના સવાલો  પૂછવા લાગી. જેવા કે:

આપ  માન્યતા કે બારે મેં ક્યા જાનતે હૈ? આપને માન્યતા કો કભી દેખા હૈ ?

ભાઈસાબ, આપ માન્યતા કે લિયે કુછ શુભકામના  દેને ચાહતે હૈ ?

ક્યા આપ માનતે હૈ કિ  માન્યતા પર જો હમલા હુઆ હૈ વો ગલત હૈ ?

આપ બતાઈયે કિ મુન્નાભાઈ અબ ક્યા એક્શન લેંગે?

…. ટીવી પરથી  માન્યતાની હાલત માટે વિવિધ  વિકલ્પો માટે SMS કરવાની માંગણીઓ  થવા લાગી.

માન્યતા જલ્દી સાજી થઈ જાય તે માટે લોકોના સંદેશાઓ ટીવી પરથી પ્રસારિત થવા લાગ્યા. જેવા કે:

માન્યતા તુમ જલ્દી અચ્છી હો જાઓ.  હમે  મુન્નાભાઈ કી  જરૂરત હૈ ઔર મુન્નાભાઈ કો તુમ્હારી!

મુન્નાભાઈ આપ હિંમત  મત હારના. હમ આપ કે સાથ હૈ.

માન્યતા કો પટકાનેવાલે કો સખ્ત સજા દી જાય.

માન્યતા તુમ્હેં કુછ નહીં હોગા.  સબ કી દુવાએં રંગ લાયેગી.

..મુન્નાભાઈની   હાલત કફોડી થઈ ગઈ હતી! માન્યતા તેની સામે જ સહીસલામત હતી અને મીડિયાએ ઉપાડો લીધો હતો!!  તેને સમજાતું નહોતું કે આ ખબર  ક્યા કારણસર ફેલાણી!!

તે  વારંવાર સરકિટને ફોન લગાડતો  હતો પણ ફોન લાગતો જ નહોતો.  મુન્નાભાઈની અકળામણનો પાર નહોતો.

… ને સરકિટનો સામેથી જ ફોન આવ્યો…

— ભાઈ યે મૈ ક્યા સુન રહા હૂઁ ?

–મેરી વાટ લગને કા ખબર સુન રહા હૈ તૂ  !

-ભાઈ ટેન્શન  મત લે .  માન્યતા કો કુછ નહીં હોગા.

-અરે માન્યતા કો કુછ નહીં હુઆ હૈ.   યે ગલત ખબર   હૈ.  સરકિટ પતા લગાઓ કિ યે ખબર કૈસે ફેલ ગઈ !

મુન્નાભાઈએ સરકિટને તમામ લફડાની વાત કરી.

-તુમ શાંત હો જાઓ ભાઈ. મૈ  પતા લગાતા હૂં કિ યે લફડા કૈસે હો ગયા!

– દેર મત કરના. ઔર યે ભી દેખના કિ યે લફડા અમરસિંહજી ને  તો નહીં કિયા હૈ!

– મૈને બોલા ના?  તુમ ફિકર મત કરો ભાઈ.

… ને કલાક પછી સરકિટનો ફોન આવ્યો.

— ભાઈ પતા લગ ગયા હૈ.  માન્યતા કો પટકાનેવાલેકા પતા લગ ગયા હૈ.

— તૂ ક્યા બક રહા હૈ. માન્યતા તો મેરે સામને હૈ.  ઔર ઉસકો કુછ નહીં હુઆ  હૈ.

— ભાઈ યે દૂસરી માન્યતા હૈ ઔર ઉસકો એક બ્લોગર પછાડ રહા હૈ.

—  મેરી નહીં તો કિસી ભી  માન્યતા પર વો ઐસા  જૂલ્મ ક્યોં કર રહા હૈ  બદનામી તો મેરી હો રહી હૈ.

– વો તો બહોત સારી માન્યતા કો પછાડ  રહા હૈ.

—  લેકિન ઉસે કોઈ રોકતા નહીં હૈ?

— વો લિખકર માન્યતા કો પછાડ  રહા હૈ ભાઈ.  ઉસે રોકા નહીં જા સકતા.  વો રાઈટર હૈ.  ઔર વો તેરી  માન્યતા કે બારે મેં નહીં લિખતા હૈ.  સબ કી માન્યતા કે બારે મેં લિખતા હૈ.

— તો ઉસે બોલના!

– ક્યા બોલુ ?

— બોલના કિ  એક ટીપ્પણી લિખે  કિ — યે મુન્નાભાઈવાલી માન્યતા કી  બાત નહીં હૈ.

— સમજ ગયા ભાઈ ઔર ઉસે ભી સમજા દેતા  હૂઁ .

— જલ્દી કરના. મેરા દિમાગ કી દુકાન કા શટર બંધ હો ગયા હૈ.

— તૂ  ટેન્શન મત લે ભાઈ. શટર હમ ખોલ દેંગે.

પાઇ કી પેદાશ નહીં લફડે કા પાર નહીં

બ્લોગજગત

તસવીર  :http://ilovebollywood.com/bollywood-news/sanjay-dutt-is-the-original-munna-bhai/ ના સૌજન્યથી

મુન્નાભાઈ:

પાઇ કી પેદાશ નહીં લફડે કા પાર નહીં

બ્લોગજગત મેં   એય મામુ… કોઈ કિસી કા યાર નહીં.

મન મેં આયે વો લિખને કા

જો નહીં હૈ વો દિખને કા

દૂસરે કા તો સવાલ નહીં

ખુદ કા સર પિટને કા

કભી  ઇડલી તો કભી સંભાર નહીં

બ્લોગજગત મેં એય મામુ… કોઈ કિસીકા યાર નહીં.


સરકિટ:

તૂ ટેંશન મત લે ભાઈ.. બ્લોગ મેં ધ્યાન દે.

એમ બોલે તો

એમ બોલે તો

એમ બોલે તો મુન્નાભાઈ..

બી બોલે તો …

બી બોલે તો..

બી બોલે તો બ્લોગર મેં બ્લોગર

મુન્નાભાઈ… સબ સે બડા બ્લોગર


મુન્નાભાઈ:

ગાના કાય કો ગાતા હૈ સરકિટ

મેરે બ્લોગ મેં કર દે એક પોસ્ટ ફીટ

જો વો જાય સુપરહીટ

ઔર મિટ જાય સબ કી ખિટખિટ

બ્લોગ તો બના દિયા લેકિન પોસ્ટ એક ભી તૈયાર નહીં

બ્લોગજગત મેં એય મામુ… કોઈ કિસીકા યાર નહીં


સરકિટ:

તૂ આવાજ કર ભાઈ.

તૂ બોલે તો કિસી કે બ્લોગ કી પૂરી બૉડિ એક મિનિટ મેં લા દૂ ભાઈ


મુન્નાભાઈ:

તો  લા દે ન. ટાઈમ કાય કો વેસ્ટ કરતા હૈ?


સરકિટ:

દેખ ભાઈ.. યે પોસ્ટ કૈસી રહેગી?


મુન્નાભાઈ:

અરે યે તો એકદમ ઝક્કાસ હૈ મામુ.


સરકિટ:

તો દેખ  ભાઈ  યે કર દિયા  ctrl+a

ઔર  યે કર દિયા ctrl+c

ઔર યે કર દિયા ctrl+v

ઔર યે પોસ્ટ આ ગઈ તેરે બ્લોગ મેં


મુન્નાભાઈ:

તૂને તો કિસી કે બ્લોગ કી વાટ લગા દી સરકિટ.


સરકિટ :

ઔર દેખ ભાઈ.  તેરે બ્લોગ મેં પ્રતિભા ભી આ ગઈ.


મુન્નાભાઈ:

તૂ કબ સુધરેગા સરકિટ. ઇસકો પ્રતિભા નહીં બોલતે. પ્રતિભાવ બોલતે હૈ.


સરકિટ:

અરે યે તો પ્રતિભાવ કી લાઈન લગ ગઈ ભાઈ…

એમ બોલે તો

એમ બોલે તો

એમ બોલે તો  મુન્નાભાઈ…

બી બોલે તો …

બી બોલે તો..

બી બોલે તો બ્લોગર મેં બ્લોગર

મુન્નાભાઈ… સબ સે બડા બ્લોગર


બચના એ બ્લોગરો લો મૈ આ ગયા

બ્લોગજગત

હસના  એ બ્લોગરો… લો મૈ આ ગયા

હાસ્ય કા આશિક ફિકર કા દુશ્મન

અપના બ્લોગ  હૈ યારોસે જુદા

હૈ હૈ… હૈ  હા હા  અપના બ્લોહા..હૂ.. હૂ..હૂ… હો… હો…હો...

મિત્રો, બ્લોગલેખનના વિષય પર જો  ફિલ્મ બને તો ફિલ્મનો હીરો આવા એકાદ ગીત સાથે  એંન્ટ્રી પાડે!!

પણ, ગમતાંનો ગુલાલ ઉડાડતી ગુજરાતી બ્લોગદુનિયામાં હાસ્યરચનાઓ  લખનારને આવો ફાંકો રાખવો પોસાય નહીં! કારણ કે, આ  બ્લોગદુનિયામાં ..

પહેલું સુખ તે વાચક મળ્યાં

બીજું શુખ તે કૉમેન્ટ  લાવ્યાં

ત્રીજું સુખ તે છાપરે ચડાવ્યાં

ચોથું સુખ તે …

[તમે પૂરું કરો. હેઠે પછાડવા હોય તો પછાડી પણ શકો]

લોકપ્રિય લેખકો કહેતા હોય છે કે: વાચકો છે તો અમે છીએ. વાચકો જ અમને જીવાડે છે!

આ લેખકો માત્ર મસકો  નથી મારતા. હકીકતની વાત  કહે છે. કારણ કે  તેઓ સમજે છે કે, વાચકો હશે તો પોતાના પુસ્તકો વંચાશે ને વંચાશે તો થોડાંઘણાં વેચાશે!

બ્લોગલેખકને વાસ્તવિક જગતમાં  જીવવા માટે બ્લોગવાચકો કદાચ થોડોઘણો આનંદ પૂરો પાડી શકે પણ બાકીબધું તો પોતાના જોરે જ મેળવવું પડે! પણ અમને કહેવા દો કે, એ જ બ્લોગલેખકને  બ્લોગજગતમાં જીવવા માટે મુલાકાતીઓના માત્ર આંકડા જ  શેર લોહી ચડવનારા હોય છે! ને કૉમેન્ટસ? એ તો બાપુ.. તમે જે ક્યો ઈ! ચરબી કહો તો ચરબી! વિટામિન કહો તો વિટામિન! પ્રોટીન કહો તો પ્રોટીન!

અમે તો અમારી જ વાત કરીશું કે, વાચકો થકી જ અમને વધારે ને વધારે હાસ્યરચનાઓ લખવાનું જોર ચડે છે! ભલે બેપાંચ મિત્રો જ અમારા લખાણને વધાવતાં હોય  પણ અમે ખૂબ જ કલ્પનાશીલ હોવાથી અમને એવું લાગે છે કે; જાણે હજારો બ્લોગવાચકો બૂમો પાડી પાડીને કહેતાં ન હોય કે : યશવંત ઠક્કર .. તુમ આગે બઢો .. [હમ ઘર જાતે હૈ!]

જો કે, અત્યારે અમારો વિચાર તમારી  સમક્ષ હાસ્યરચના રજૂ કરવાનો બિલકુલ નથી!!અમે તો રજૂ કરવા માંગીએ છીએ, “હાસ્યલેખન બાબતના અમારા ગંભીર વિચારો.”. હા, અમે આજે ગંભીર લેખ લખી રહ્યા છીએ. અને હવે પછી અનેક ગંભીર લેખો લખવા માંગીએ છીએ!

આટલું વાંચ્યું ત્યાં સુધીમાં જો તમે હસ્યા નહીં હો તો એ અમારી મોટામાં મોટી સફળતા હશે!! ને જો હસ્યા હો તો પ્લીઝ.. હવે  ન હસતાં. અમને  હાસ્ય બાબત ગંભીર લેખ પૂરો કરવામાં સહકાર આપજો.

તો પહેલો સવાલ અમે જ રજૂ કરીએ છીએ કે: હાસ્યલેખન શા માટે?

અરે, આ જગતમાં પાર વગરની તકલીફો છે.. પીડાઓ ભોગવતી જિંદગીઓ છે…. વેદનાના ગરમ ગરમ વાયરા સહેતાં હૈયાં છે..એક સાંધે ત્યાં તેર તૂટે તેવાં અભાગી માનવી છે.. પીઠ પાછળ ભોંકાતાં ખંજરો છે… ક્યાંક લાગણી-તરસ્યા તો ક્યાંક સ્વાર્થ-ભૂખ્યા સંબધો છે… ડગલે ને પગલે કચડાતાં સપનાં છે…ગોળીએ દેવાનું મન થાય તેવા શેતાનો છે.. જેની છુટ્ટે હાથે લહાણી થાય છે એવી આરાજકતા અને અવ્યવસ્થા      છે.. અરે, લેખક બીજું કશું ન કરે ને માત્ર ને માત્ર આરાજકતા બાબત લખ્યા કરે તોય ખુટે નહીં એટલી આરાજકતાનો ભંડાર છે આ ભૂમી પર… ને તોય હાસ્યરચનાઓ રચવાના અભરખા શા માટે? શા માટે? શા માટે?

શું હાસ્યલેખકને આ બધું અસર નહીં કરતું હોય? એને કોઈ જાતની પીડા નહીં થતી હોય? જે ઝપાટે ચડે એને હાસ્યનો બકરો બનાવી દેવાનો? કોઈ ન મળે તો છેવટે પોતાની જાત તો છે ને? બસ એક જ ધ્યેય કે: હાસ્ય પેદા થવું જોઈએ!!

ને શું હાસ્યલેખકને  ખરેખર ચોવીસે કલાક માત્ર “ફીલગુડ” ના શીતળ વાયરા જ વાયા કરતા હશે? એને ક્યારેય અકળામણ નહીં થતી હોય? ગુસ્સો નહીં આવતો હોય? ને આ બધાંને કારણે એના માથે ટાલ નહીં પડતી હોય? ને એના ચહેરા પર કરચલીઓ નહીં પડતી હોય? હાસ્યલેખક ખરેખર ગુલાબી ગલાબી હશે?  “ઊલ્ટા ચશમાં” સિરિયલમાં આવે છે તેવો તારક મહેતા જેવો જ!

ને હાસ્યલેખન સહેલું છે કે અઘરું છે? ડાબા હાથનો ખેલ છે કે મનનો મેલ છે? હાસ્યલેખકને મંજૂર હોય તે જ હાસ્ય કે વાચકને મંજૂર હોય તે જ હાસ્ય?

બ્લોગ કે પોસ્ટને હાસ્યનું પાટિયું મારી દેવાથી જ કામ ચાલે કે પછી મહેનત કરવી પડે? ને મહેનત કરે તોય દરવખતે એ મહેનત લેખે લાગે ખરી? કે પછી ક્યારેક હાસ્યલેખક  પોતે જ હાસ્યાસ્પદ ન બને?

ને સહુથી અગત્યના સવાલો કે:  શું ક્યારેક હસવામાંથી  ખસવું ન થઈ જાય? ડસવું ન થઈ જાય? ભસવું ન થઈ જાય?

શું લાગે છે તમને? અમે ગંભીર લેખો લખી શકીશું?ને એ પણ હાસ્ય બાબત!  થોડુંઘણુંય આશાનું કિરણ જણાતું હોય તો કહેજો. અમે આગળ વધીશું.  આ તો હજુ શરૂઆત છે એટલે કદાચ થોડીઘણી ખામી જણાય. પણ તમે જોજો આના પછીનો લેખ એકદમ ગંભીર હોય તે માટે અમે પૂરતા પ્રયાસો કરીશું.

બ્લોગકસમ!

બ્લોગની ચરબી ઉતારવાની કળા

બ્લોગજગત

ખાટીમીઠી ચેતવણી: અત્રે બ્લોગની ચરબી ઉતારવાની વાત છે. બ્લોગરની નહીં. માટે ગેરસમજ  ન કરવા વિનંતી.

આજકાલ માનવદેહ પરથી ચરબી ઉતારવાનો ધંધો ધમધોકાર ચાલે છે. કિલોમોઢે વજન ઉતારી આપવાની લાલચો અપાય છે. બાબા અને સ્વામીજીઓ પણ પાપ ઓછું કરવાનાં ઉપાયો બતાવવાના બદલે વજન ઓછું કરવાના ઉપાયો જોરશોરથી બતાવે છે.

પણ  બ્લોગાચાર્યને અફસોસ એ વાતનો છે કે: બ્લોગસમાજમાં ચરબીથી લથપથ બ્લોગદેહો બાબત જરૂરી જાગૃતિ આવી નથી. પરિણામે ઘણા બ્લોગદેહો અનેક પ્રકારની માનસિક અને શારીરિક તકલીફોનો ભોગ બની રહ્યા છે.

બ્લોગાચાર્યનું માનવું છે કે:  આ સમસ્યાનો પાયો બ્લોગજન્મથી જ નંખાય જાય છે! બ્લોગજગતમાં  એક ખોટી માન્યતા પ્રવર્તતી હોય છે કે, જેમ બ્લોગ જાડો તેમ તે તંદુરસ્ત!!!!  પરિણામે બ્લોગ ઉછેર જ અયોગ્ય રીતે થાય છે. જેમ દરેક માબાપને પોતાનાં પોયરામાં કાનુડાના જ દર્શન થતા હોય છે તેમ દરેક બ્લોગજન્મદાતાને પોતાનો બ્લોગ  સર્વશ્રેષ્ઠ જણાતો હોય છે. વળી તેઓ પોતાના બ્લોગના પ્રેમમાં અંધ બનીને બ્લોગને  વધું પડતા લાડ લડાવીને તેમજ  વધું પડતો આહાર આપીને જાડાપાડા બનાવવામાં કોઈએ કસર છોડતા નથી. પછી જયારે પોતાના બ્લોગની કમરને બ્લોગથીમ સાંકડું પડે છે ત્યારે ઘણું જ મોડું થઈ ગયું હોય છે.

જેમ માનવદેહ પરથી ચરબી ઉતારવા માટે ખૂબ જ ધીરજ અને યોગ્ય માર્ગદર્શનની જરૂર રહે છે તેમ બ્લોગદેહની ચરબી ઉતારવા માટે પણ ધીરજ અને યોગ્ય માર્ગદર્શનની જરૂર છે. અન્યથા બ્લોગ ઊલમાંથી ચૂલમાં પડી શકે છે.  જલ્દબાજી કે અણઘડ ઉપાયોથી અવળાં પરિણામો આવવાની સંભાવના છે.

મિત્રો, બ્લોગજગત માટે  ભલે આ સમસ્યા નવી હોય પરંતુ ગુજરાતી સાહિત્ય આ સમસ્યામાંથી પસાર થઈ ચૂક્યું છે.  નવલકથાઓ ચાર ચાર ભાગમાં લખાતી હતી. અમે પણ શરૂઆતમાં પુસ્તકાલયમાંથી જાડીપાડી ચોપડીઓ જ ઉઠાવતા હતા. અઠવાડિયું નિરાંતા!!! નવલિકાના દેહ બાબત તો રીતસરનું આંદોલન જ  શરૂ થયું હતું. ઝીરો ફીગરની નવલિકાનાં ઉપાયો પણ વિચારાયા હતા. એમાં બન્યું એવું કે , નવલિકામાંથી ઘટના રૂપી ચરબી ઓછી કરવાના ધમપછાડામાં કેટલાક વાર્તાકારો નવલિકાના દેહમાં ચિત્રવિચિત્ર પદાર્થો ભરવા લાગ્યા. એનાલીધે નવલિકા એક મુસીબતમાંથી છૂટીને બીજીમાં ફસાઈ. હવે તો નવલિકા બાપડી કઢંગો દેહ લઈને  ગુજરાતી છાપાઓમાં હાડહાડ થાવા ક્યારેક ક્યારેક નીકળી પડે છે.

ગુજરાતી સાહિત્યને જે અગવડતાઓ પડી તે બ્લોગજગતને નહિ પડે કારણ કે, બ્લોગજગત પાસે બ્લોગની ચરબી ઓછી કરવા  માટેના સંપાદનનાં આગવા સાધનો છે! બ્લોગવગા ઓપરેશનનાં ઓરડા છે!!! .. પણ, ઓપરેશનથી બ્લોગની ચરબી ઓછી કરવામાં કુશળતા હોવી જોઈએ.  નહિ તો બ્લોગની ચામડી લબડી પડે અને બ્લોગનો પાતળો દેહ વિચિત્ર લાગે!!

બ્લોગાચાર્યના જણાવ્યા મુજબ એવા ઘણા ઉપાયો છે જે સરળ અને નુકસાન ન કરે તેવા છે. બ્લોગરસોડામાં જ ઘણી ચીજો એવી છે કે જે બ્લોગને આરોગ્યમય રાખે છે.

મિત્રો, હવે આ લખાણ બંધ કરવું પડશે કારણ કે, આ પોસ્ટનું પેટ વધવા લાગ્યું છે !!!

પણ ભૂલતા નહિ. બ્લોગની ચરબી ઓછી કરવાના ઉપાયો જરૂરથી જણાવશો. આંગળી દર્શાવ્યાનું પૂણ્ય મળશે!!!!

ચુરા લી હૈ તુમને જો પોસ્ટ તો… બ્લોગ નહીં ચુરાના સનમ

ગમ્મત, બ્લોગજગત

બ્લોગજગતની  “મનોરંજન”  રંગભૂમીમાં આપનું હાર્દિક સ્વાગત છે.

અમારા બ્લોગવિસ્તારના  કદરદાતાઓ,

પ્રતિભાવદાતાઓ,

તમારાં થકીજ અમને અવારનવાર સુવિચારો આવે છે.

આજનો અમારો  સુવિચાર એવો છે કે બ્લોગજગતની ફિલ્મ્સ બની હોત તો? અહાહા! કેવાં કેવાં દ્શ્યો આપણને જોવા મળ્યા હોત!

નાયિકા બ્લોગ લખતી હોય… ખલનાયક એનું COPY PASTE  કરતો હોય! નાયકનાં ધ્યાનમાં આવે… એ ખલનાયકને પકડી પાડે. ખલનાયકને  COPY PASTE કરેલું લખાણ હટાવવું પડે.. નાયિકા નાયકનો આભાર માને… “ આપકા બહોત બહોત શુક્રિયા”

તો જવાબમાં  નાયક કહેતો હોય કે: “ઈસમેં શુક્રિયાકી ક્યા બાત હૈ? યે તો મેરા ફર્જ થા.”

… ને પછી  શરુ થાય પ્રણયગીત…

આજકાલ તેરેમેરે બ્લોગકે ચર્ચે હર જબાન પર

સબકો માલૂમ  હૈ ઔર સબકો ખબર હો ગઈ…

[ તો ક્યા?]

[મ્યુઝિક: ટૂં…. ટૂટૂટૂ..  ટૂં…. ટૂટૂટૂ  ટૂં…. ટૂટૂટૂ…]

મિત્રો, જૂની ફિલ્મ્સનાં પ્રણયગીતો ની બોલબાલા હતી. આજે પણ  છે. પણ એ વખતે બ્લોગજગત નહોતું! જો હોત જરૂર એને ફિલ્મ્સમાં સ્થાન મળ્યું હોત! તો ફિલ્મનાં  નાયક નાયિકા કેવા કેવા ગીતો ગાતાં હોત! અમે  એ બાબતની કલ્પનાઓ કરી છે અને અત્રે ગીતોની યાદી મૂકી છે. દ્શ્યોની  કલ્પનાઓ તમારા પર છોડીએ છીએ. તો માણો, બ્લોગજગતનાં પ્રણયગીતો….

[1]મેરે બ્લોગપે કૉમેન્ટ રાની, તું ને દિયા  શુક્રિયા …  શુક્રિયા

મેરે પ્યાસે બ્લોગકો પાની, તું ને દિયા શુક્રિયાં … શુક્રિયા.

[2] મૈ તેરે બ્લોગપે ઠહર ના જાઉં કહીં, મુજસે કૉમેન્ટ ચુરાનેકી કોશિશ ના કર

મૈ તેરે બ્લોગકી ગઝલ ગાઉં ન કહીં, મુજસે મોમેન્ટ ચુરાનેકી કોશિશ ના કર.

[3] યે રેશમી ગઝલે .. યે સરબતી બાતેં

ઇન્હે પઢકર કૉપી કર રહે હૈ સભી…

ઇન્હે પઢકર કૉપી કર રહે હૈ સભી..

[4]  કોરા કાગજ થા બ્લોગ મેરા..

બસ ગયા ઇસમેં  ગીત  તેરા…

બ્લોગપે પોસ્ટ રખનેસે પહલે…. મુજે તેરી  કૉમેન્ટ્સ  મિલનેસે પહલે..

કહાં થી યે બાતેં.. ઐસી રાતેં .. યે મુલાકાતેં…

સૂના  આંગન થા બ્લોગ મેરા… બસ ગયા ઇસમેં  થીમ તેરા…

[5]  અઈં અઈં યા કરું મૈ ક્યા સૂકૂ સૂકૂ

ખો ગયા બ્લોગ મેરા સૂકૂ સૂકૂ…

[6] સદા ઠુશ રહે  તુ  કૉપી કરનેવાલે..

દુઆ  કર રહેં હૈં બ્લોગ લિખનેવાલે..

[7] સેવખમની સેવખમની ખાના નહીં…મુજે છોડકે મુજે છોડકે

ઓ બ્લોગર મેરે યારા… યે વાદા નિભાના

ભૂખે મર જાના, મગર ખાના નહીં…

સેવખમની સેવખમની ખાના નહીં…મુજે છોડકે.. મુજે છોડકે.

[8]  હો… ગતકડા જાનકર તુમતો મેરા બ્લોગ છોડ જાતે હો.

મુજે ઈસ હાલમેં કિસકે સહારે છોડ જાતે હો.

[9] હમારે બ્લોગ કોઈ આયેગા

કૉમેન્ટકી દોરસે બંધ જાયેગા..

હો.. આયેગા આયેગા આયેગા….

[10] કહાં ચલ દિયે.. ઈધર તો આઓ

મેરે બ્લોગકો, ના  ઠુકરાઓ..

ભોલે બ્લોગર, માન ભી જાઓ … મન ભી જાઓ.

[11] જાનેવાલે કભી નહીં આતે… જાનેવાલોકી યાદ આતી હૈ

બ્લોગ એક મંદિર હૈ… બ્લોગ એક મંદિર હૈ,,,,

[12] મેરે બ્લોગકી ગંગા ઔર તેરે બ્લોગકી જમુના

કા  બોલ રાધા બોલ બ્લોગિન્ગ હોગા કિ  નહીં?

કા બોલ રાધા બોલ બ્લોગિન્ગ હોગા કિ નહીં.

[13] મૈ કા કરું રામ મુજે બ્લોગર મિલ ગયા

હાય હાય બ્લોગર મિલ  ગયા …

કવિઓકે દેશ મુજે બ્લોગર લેકે આ ગયા

સબ જો લાયે ગઝલ.. બ્લોગર હઝલ  લેકે આ ગયા

મૈ હો ગઈ બદનામ, મુજે બ્લોગર મિલ ગયા

મૈ કા કરું રામ મુજે બ્લોગર મિલ ગયા

હાય હાય બ્લોગર મિલ  ગયા ..  હાય હાય બ્લોગર મિલ  ગયા

[14] બદલ ગયા થી…મ,  હો ગયા કામ

જાને દો જાના હૈ

અભી અભી તો આઈ હો, અભી અભી તો  જાના હૈ…

[15] યે મેરે દિલ કહીં ઓર ચલ

ઇસ બ્લોગસે દિલ ભર ગયા

ઢૂંઢ લે બ્લોગ કોઈ ઔર નયા

યે તો  પૂરા  કૉપી-પેસ્ટ હો ગયા ..

[16] કૉમેન્ટ જા જા જા …  કૉમેન્ટ જા જા જા .

પહલે બ્લોગકી પહલી કૉમેન્ટ  સાજનકો  દે આ

કૉમેન્ટ જા જા જા …  કૉમેન્ટ જા જા જા .

[17] હમ દોનો દો પ્રેમી  બ્લોગિન્ગ છોડ ચલે

બ્લોગિન્ગ કી હર સારી રસમેં તોડ ચલે.

[એ બાબુ,,, કહાં ચલે? ‘દિવ્ય ભાસ્કર’ ચલે યા ‘સંદેશ’ ચલે?]

[18] આજ કી રાત મેરે બ્લોગસે કૉપી કર લે

કલ તેરી મેહફિલસે બ્લોગર ચલા જાયેગા..

જોક  રહ જાયેગી

જોકર ચલા જાયેગા.

[19] ચુરા લી હૈ તુમને જો પોસ્ટ તો …  બ્લોગ નહીં ચુરાના સનમ

બદલકે થીમ અપને  બ્લોગકા.. બદલ નહીં જાના સનમ

[20] ઓ  હસીના ગઝલોવાલી જાને જહાં .. ઢૂંઢતી હૈ બ્લોગ આગે કિસકા નિશાન

બ્લોગ બ્લોગ એ શમા ફિરતી હો કહાં?

બ્લોગ અન્જાના  ઢૂંઢતી હું… ગીત મસ્તાના ઢૂંઢતી હું…

મેરે બ્લોગમેં જો બસે વો ખજાના ઢૂંઢતી હું.

[મ્યુઝિક: ઠેન્ટેન  ઠેન્ટેન  ઠેન્ટેન…]

[21]  બ્લોગર હૈ હમ બ્લોગરકો ન ઘર ચાહિયે .. ન ઘર ચાહિયે

ગઝલોસે ભરા એક બ્લોગ ચાહિયે… એક બ્લોગ ચાહિયે.

[23] એક થા બ્લોગર ઔર એક થી બ્લોગર

દોનો કમ્પ્યુટરમેં  રહતે થે

યે કહાની બિલકુલ સચ્ચી હૈ

મેરે ટીચર  મુજકો કહતે થે.

[24] બદનપે લેપટોપ લપેટે હુએ

ઓ જાને તમન્ના કિધર જા રહી હો

જરા પાસ આઓ તો

બ્લોગ ખિલ જાયે…

[25] મૈ તેરી પોસ્ટ હું તુ મેરા બ્લોગર હૈ

બ્લોગગ્રંથ કે પન્નો પર અપના નામ તો જોકર હૈ…

[26] ક્યા ગીત લિખતી હો અચ્છી ગઝલ લિખતી હો

કુછ ભી કહો કહતે રહો ..

મુજે  અચ્છા લગતા હૈ

બ્લોગિન્ગકા હર સપના અબ સચ્ચા લગતા હૈ.

[27] પોસ્ટ પોસ્ટ ના રહી બ્લોગ બ્લોગ ના રહા

એ બ્લોગિન્ગ હમે તેરા એતબાર ના રહા ..એતબાર ના રહા.

[28]  લિખે જો ગીત તુને વો તેરે બ્લોગ મેં

હજારો રંગકે મસાલે બન ગયે

સવેરા જબ હુઆ તો  હલ્દી   બન ગયે

જો રાત આઈ તો મિર્ચી બન ગયે.

[28] દિલરુબા મૈને ..તેરે બ્લોગપે ક્યા ક્યા ન કિયા..

પ્રતિભાવ દિયા… પ્રતિઘાત લિયા

પ્રતિભાવ દિયા…પ્રતિઘાત લિયા

[29] દર્દે બ્લોગ બઢતા જાયે… સારી સારી રાત નીંદ ન આયે

દે કૉમેન્ટ કોઈ ઐસી કિ ચેન આ જાયે.

[30] લિખે જો બ્લોગ તો પોસ્ટ ચુરાયે

ના લિખે તો મર જાયે

હમેં  ક્યા હો ગયા હૈ … હમેં ક્યા હો ગયા હૈ?

[31] શબ્દો મેં ઘોલા જાયે થોડાસા કબાબ

ઉસમેં ફિર મિલાઈ જાયે થોડીસી શરાબ

હોગા જો  લોચા યું  તૈયાર

વો બ્લોગ હૈ….

[32] હો તુમ મુજે યું ભૂલા ન  પાઓગે .. હો તુમ મુજે યું ભૂલા ન પાઓગે.

જબ કભી ભી પઢોગે બ્લોગ મેરે

સર પકડકે તુમ ભી બૈઠ જાઓગે… હો તુમ મુજે યું ભૂલા ન પાઓગે.

[33] ચલતે ચલતે મેરા યે બ્લોગ યાદ રખના

કભી અલવિદા ના કહના … કભી અલવિદા ના કહના .

બ્લોગજગતની કહેવતો

બ્લોગજગત

મિત્રો, આજે અમે કેટલીક કહેવતો રજૂ કરી છે. જૂની તો હતી જ. અમે નવી કહેવતો બનાવાવાનો પ્રયાસ કરેલ છે.  બે વાતોનું અમે ધ્યાન રાખેલું છે. એક તો તમામ નવી કહેવતો બ્લોગજગતને લગતી હોય અને બીજું કે એ ગમ્મતભરી હોય.  તો જોઈ શું રહ્યા છો! જોડાઈ જાવ.

[1] પૂછતાં પૂછતાં પાટણ જવાય. =  બાખડતાં બાખડતાં બ્લોગર થવાય.

[2] ખીસાં ખાલી ને ભપકા ભારી.  = બ્લોગ ખાલી ને થીમ ભારી.

[3] બાર વેંતનું ચીભડું ને તેર વેંતનું બી. = બાર લીટીની પોસ્ટ ને તેર લીટીની કૉમેન્ટ.

[4] પૈસો પૈસાને ખેંચે. = કૉમેન્ટ કૉમેન્ટને ખેંચે.

[5] જાનમાં કોઈ જાણે નહીંને હું વરની ફોઈ. = બ્લોગજગતમાં કોઈ જાણે નહીં ને હું બ્લોગનો ખાં.

[6] લાવ્ય ઘોડો ને કાઢ્ય વરઘોડો. = કર્ય કૉપી ને થા બ્લોગર.

[7] બાર વરસે બાવો બોલ્યો: “બચ્ચા દુકાલ પડેગા.”  =  બાર વરસે કૉમેન્ટ મળી:  “મજા ન આવી”

[8] ભેંસનાં શીંગડાં ભેંસને ભારે. = પોસ્ટની ટેગ્સ પોસ્ટને ભારે.

[9] રાજાને ગમે ઈ રાણી , છાણાં વીણતી આણી. =  બ્લોગરને ગમે ઈ પોસ્ટ,  ‘ઠ’ ને બદલે ‘ઢ’ સોતી આણી.

[10] હાથના કર્યા હૈયે વાગે. = બ્લોગરના કર્યા બ્લોગને વાગે.

[11] બાંધી મુઠ્ઠી લાખની ને ઉઘડતાં વા ખાય. = બાંધી પોસ્ટ લાખની ને પ્રગટતાં વા ખાય.

[12] નાચવું નહીં તો કહે કે આંગણું વાંકું. = લખવું નહીં તો કે ભાષા વાંકી!

[13] આંગળી આપતાં પોંચો પકડ્યો. = કૉમેન્ટ આપતાં બ્લોગ પકડ્યો.

[14] ઊંટ મરે ત્યારે મારવાડ ભણી જૂએ. = બ્લોગર મરે ત્યારે ક્મ્પ્યુટર ભણી જૂએ.

[15] હરીફરીને લે મારા દેવનું નામ.= હરીફરીને કર કૉપી- પેસ્ટનું કામ.

[16] ચાળકમાં સાંઢિયો! = બ્લોગજગતમાં નવલકથા!

[17] કાં લડ્ય ને કાં લડનારો દે. = કાં બ્લોગ વાંચ્ય ને કાં વાંચનારો દે.

[18] પાણી પીધાં પછી ઘર પૂછ્યું. = કૉમેન્ટ આપ્યા પછી પોસ્ટ વાંચી.

[19] છોકરાં ધવરાવ્યે મોટાં થાય છે, રમાડ્યે નહીં. = બ્લોગ્સ લખ્યે મોટા થાય છે, વખાણ્યે નહીં.

[20] એક તોલડી તેર વાનાં માંગે. = એક પોસ્ટ તેર ટેગ માંગે.

[21]વઢકણી વહુએ દીકરો જણ્યો. = વઢકણી વહુએ બ્લોગ લખ્યો.

[22] કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી. = કજિયાનું મૂળ કૉમેન્ટ ને કોમેન્ટનું મૂળ બ્લોગ.

[23] નબળો ધણી બૈરી પર શૂરો. = નબળો બ્લોગર કૉમેન્ટમાં શૂરો.

[24] નબળાં ઢોરને બગાઈ ઘણી. = નબળી પોસ્ટને ટેગ્સ  ઘણી.

[25] ઘર બાળીની તીરથ કરવું. = ધંધો છોડીને  બ્લોગર થવું.

[26] ડોશી મરે એનો વાંધો નથી, જમ ઘર ભાળી જાય એનો વાંધો છે. = ખીસ્સું ફાટે એંનો વાંધો નથી ,ખીસ્સાકોષ પડી જાય એનો વાંધો છે.

[27] ઊંટ ને  વળી ઉકરડે ચડ્યો. = લેખક ને વળી બ્લોગર થયો.

[28] રાત થોડી ને વેષ ઝાઝા. = પોસ્ટ થોડી ને કેટેગરી ઝાઝી.

[29] કરવા ગયા કંસાર  ને થઈ ગઈ થૂલી. = કરવા ગયા કૉમેન્ટ ને થઈ ગઈ લડાઈ.

[30] ધરમની ગાયના દાંત ન જોવાય. = ઉઠાવેલી  પોસ્ટની જોડણી ન જોવાય.

[31] પાઈની પેદાશ નહીં ને ઉપાધીનો પાર નહીં.= પાઈનો પ્રતિભાવ નહીં ને પોસ્ટનો પાર નહીં.

[32] ભેંસ ભાગોળે છાશ સાગોળે ને ઘેર ધમાધમ. =  બ્લોગ બીજાનો ,પોસ્ટ ત્રીજાની ને બ્લોગ-ગ્રુપમાં ધમાધમ.

[33] આપીને માંગે તેની અક્કલ  જાય આઘે.= આપીને માંગે તેની કૉમેન્ટ જાય આઘે.

[34] કપાળે કપાળે જુદી મતિ. = બ્લોગે બ્લોગે જુદા થીમ.

[35] હવેલી લેતાં ગુજરાત ખોઈ. = પોસ્ટ લેતાં બ્લોગ ખોયો.

[36] આપ ભલા તો જગ ભલા. = આપ ભલા તો બ્લોગ ભલા.