મહેંદી રંગ લાતી હૈ સૂખ જાને કે બાદ

દેશની સરકાર દ્વારા લેવાયેલું કોઈ પગલું યોગ્ય હતું કે નહિ એ વિષે લોકોમાં વર્ષો સુધી મતભેદ રહેવાના જ. પરંતુ, સમય જતાં એના વિષે એક મત બંધાઈ જતો હોય છે. અથવા તો એક જ મતનો ઉલ્લેખ થવા લાગતો હોય છે. બીજા મતનું વિશેષ મહત્ત્વ રહેતું નથી.  ઇંદિરાજીએ  ૧૯૭૧માં પાકિસ્તાનને તોડીને બાંગ્લાદેશનું સર્જન કરાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. આજે એ પગલાને યોગ્ય ગણવામાં આવે છે કારણ કે એ પગલાથી પાકિસ્તાનની કમર તૂટી ગઈ હોવાનું માનવામાં  આવે છે. પાકિસ્તાનને સીધું કરવા માટે એ પગલું જરૂરી હતું. મોટા ભાગની પ્રજાને પણ એ યોગ્ય જ લાગ્યું હતું, પરંતુ એ પગલું જ્યારે લેવાઈ રહ્યું હતું ત્યારે એ પગલાને અયોગ્ય ગણાવનારા વિચારકો પણ હતા. સામ્યવાદીઓ પણ હંમેશા યુદ્ધનો વિરોધ કરતા હતા. વળી, એ યુદ્ધના લીધે દેશને અને દેશની પ્રજાને ઘણું સહન કરવાનું આવ્યું હતું. આપણા સૈનિકોના બલિદાનો, પ્રજાએ દિવસો સુધી ભરેલો વધારાનો ટેક્સ, અર્થતંત્ર પર અવળી અસરો, મોંઘવારીમાં વધારો, યુદ્ધ દરમ્યાન જરૂરી ચીજોની અછત, સામાન્ય જનજીવન પર થયેલી અસર, વગેરેને આજે કોણ યાદ કરે છે? એ વખતના છાપાંઓ વાંચનારને જ ખબર પડે કે એ વખતે પણ વાદવિવાદ થતા હતા. પરંતુ આપણે યુદ્ધમાં જીત્યા એટલે એ બધું ભુલાઈ ગયું. અને, સમય જતાં પાકિસ્તાન પાછું આડું ચાલવા લાગ્યું, બાંગ્લાદેશ પણ આપણા દેશ સાથે આડું ચાલ્યું, હજી પણ ઘણી વખત ચાલે છે, બાંગ્લાદેશમાંથી લાખો લોકો આપણા દેશમાં ઘુસી ગયા, એના લીધે આપણા દેશની સુરક્ષા માટે પણ અનેક સવાલો ઊભા થયા છે. તો શું બાંગ્લાદેશના સર્જનને ખોટનો સોદો ગણી શકાય? કે પછી એ ઘટનાને ઈન્દિરાજી અને આપણા સૈન્યની બહાદુરી તરીકે યાદ કરાય એ જ યોગ્ય છે?

એવી જ રીતે, ઈન્દિરાજી દ્વારા દેશ પર લાદવામાં આવેલી કટોકટીના પગલાને અયોગ્ય ગણવામાં આવે છે, એને કલંક માનવામાં આવે છે. એ પગલા દ્વારા વિરોધી નેતાઓને તો જેલભેગા કરવામાં આવ્યા હતા, પરંતુ પ્રજાને પણ છોડવામાં નહોતી આવી. ગમે ત્યારે કોઈની પણ કારણ બતાવ્યા વગર ધરપકડ થઈ શકતી હતી. સરકાર વિરુદ્ધ લખવાની આઝાદી રહી નહોતી. કેટલાક બુદ્ધિજીવીઓ મૌન થઈ ગયા હતા. ‘ ઇંદિરા ગાંધી’ એટલું બોલવું હોય તો પણ સામાન્ય માણસ ગભરાતો હતો. પરંતુ કેટલાક ફાયદા પણ હતા! આજે પણ એ ફાયદાઓને યાદ કરનારા કરે છે! ગુંડાઓ, ટપોરીઓ, ભેળસેળિયાઓ, નફાખોરો, સંઘરાખોરો, સરકારી નોકરો, વેપારીઓ વગેરે ફફડતા હતા. ગાડીઓ મોટાભાગે નિયમિત દોડતી હતી. કહેનારા તો એમ કહેતા હતા કે, કટોકટી લાંબી ચાલી હોત તો દેશ બદલાઈ જાત! પણ, એ વતાવરણ ભયના લીધે હતું. ગુંડાઓના એક વર્ગને નાબુદ કરીને બીજા વર્ગના ગુંડાઓને તાકાત આપનારું હતું. એટલે જ એ પગલાને અયોગ્ય ગણવામાં આવે છે. ફાયદાઓને બહુ મહત્ત્વ અપાતું નથી.

એવી જ રીતે, નરસિંહરાવ વડાપ્રધાન હતા અને મનમોહનસિંહ નાણાપ્રધાન હતા એ સમય દરમ્યાન Globalization and Liberalization માટે સરકાર દ્વારા લેવાયેલાં પગલાંને આજે મોટાભાગે યોગ્ય ગણવામાં આવે છે.  એ પગલાંથી થયેલા ફાયદાઓને જ યાદ કરાય છે.  એ પગલાંથી સમાજજીવન પર અવળી અસર પણ થઈ છે, પરંતુ એ હવે ચર્ચાનો વિષય નથી રહ્યો. એ અસર દેશની પ્રજા પચાવી ગઈ છે.

એવી જ રીતે, હાલમાં વર્તમાન સરકાર દ્વારા  કાળાંનાણાં પર અંકુશ, ચલણમાં બદલાવ, કેશલેસ સોસાયટી વગેરે માટેના જે પગલાં લેવાઈ રહ્યાં છે એ પગલાં યોગ્ય છે કે અયોગ્ય એ નક્કી થતાં વર લાગશે. ૩૦ ડિસેમ્બર પછી ચમત્કાર નથી થઈ જવાનો. પરંતુ  સારાં નરસાં પરિવર્તન જરૂર આવશે.  શાસક અને વિરોધ પક્ષના નેતાઓ, રાજકરાણીઓ, અર્થશાસ્ત્રીઓ, વિચારકો, જમીન સાથે જોડાયેલા લોકોની વાતો કરતાં હોવાનો દાવો કરનારા બુદ્ધિજીવીઓ, ગામ અને પાદરનાં ગીતો લખનારા સાહિત્યકારો વગેરે ભલે ઉતાવળ કરે. એ રસાયણ દ્વારા વહેલાસર કેરીઓ પકવીને રોકડી કરવાની વાત છે.  મહેંદી સુકાય ત્યાં સુધી રાહ જોવી રહી. હા, મહેંદી રંગ લાવશે કે નહિ  લાવે એ વિષે વાતો કરવાનો સહુને અધિકાર છે. 😀

Advertisements

जिंदगी इत्तेफ़ाक हैं!

જિંદગી એટલે અણધાર્યા અવસરોનો સરવાળો

જિંદગીમાં આયોજન જરૂરી છે. ધંધા, વ્યવસાય, શિક્ષણ, ઉજવણી, સામાજિક પ્રસંગો વગેરેમાં તો આયોજન ખૂબ જ મહત્વ ધરાવે છે.  એમાં ‘હરિ ઇચ્છા બળવાન’ વાળી વાત ચાલતી નથી. ધાર્યું પરિણામ ન મળે ત્યારે ભલે ‘હરિ ઇચ્છા બળવાન’ એમ માનવું પડે, પરંતુ કાર્યની શરૂઆતમાં તો આપણે આયોજનને જ મહત્વ આપતા હોઈએ છીએ.

છતાંય, એ વાત પણ માનવી જ પડશે કે, જિંદગીમાં કેટલીક નાનીમોટી ખુશીઓ આપણને વગર આયોજને પણ મળી જતી હોય છે.  કોઈ માણસ પોતાના ઘરના દરવાજે પતંગિયાનું સુંદર ચિત્ર મુકાવીને ખુશ થવાનું આયોજન કરી શકે છે. પરંતુ ક્યારેક કોઈક જીવતુંજાગતું, સાચુકલું પતંગિયું ઊડતું ઊડતું એના ઘરના દરવાજે આવીને બેસી જાય અને એ જોઈને એને જે ખુશી થાય, એ ખુશી મેળવવા માટે એણે કોઈ જ આયોજન કર્યું હોતું નથી. અરે, એ પતંગિયાને તસવીરમાં કેદ કરવા માટે એને કેમરો પણ હાથવગો હોતો નથી!  કોઈ માણસ જાણીતી જગ્યાએ પ્રવાસે જાય ત્યારે પ્રવાસમાં વચ્ચે કોઈ અજાણી જગ્યા પણ આવે. એ અજાણી જગ્યાએ એને એટલો બધો આનંદ મળે, જેટલો આનંદ એને પેલી જાણીતી જગ્યાએથી પણ ન મળ્યો હોય. એ જગ્યાની મુલાકાત માટે એણે આયોજન પણ ન કર્યું હોય.

ખુશી તો અણધારી ગમે ત્યાંથી મળી જાય. મોંઘેરી હોટેલના બદલે ફૂટપાથ પરના ધાબા પરથી પણ મળી જાય. તમે ઘરની બારી પરથી પરદો હટાવો ને તમને મેઘધનુષ જોવા મળી જાય. વતનની દૂર એવી કોઈ જગ્યાએ વર્ષો પછી વતનનો કોઈ માણસ ભેગો થઈ જાય. તમે મનમાં ઉદ્વેગ લઈને મંદિરે ગયા હો અને કોઈ સાવ અજાણી વ્યક્તિ કોઈ પણ સ્વાર્થ વગર તમને ‘જય શ્રી કૃષ્ણ’ કહે અને તમારું મન શાંત થઈ જાય. તમે જવા ખાતર કોઈ પ્રસંગમાં ગયા હો અને ત્યાં કોઈની સાથે કાયમી મિત્રતા બંધાઈ જાય. ફેસબુક પર ભૂલથી કલિક થઈ જાય, કોઈને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલાઈ જાય, એ ફ્રેન્ડ બનેલી વ્યક્તિ સુખદુઃખમાં તમારી સાથે રહે, એવું પણ બને. જીવનમાં ખુશી માટે અઢળક અઢળક શક્યતાઓ છે. બસ, એને વધાવી લેવી પડે.

રતનભાઈ નામે મારા એક પરિચિત સજ્જન, એમના પોતાના આયોજન મુજબ સફરમાં નીકળ્યા. તેઓ એક બસ ચૂકી ગયા. એમને ખૂબ જ અફસોસ થયો. મોડેથી એમણે  બીજી બસ પકડી. એમને એ બસમાં ઊભાં ઊભાં મુસાફરી કરવી પડી. વચ્ચે એકાદ સ્ટેશન પર બસમાંથી થોડા મુસાફરો ઊતર્યા, એથી રતનભાઈને બેસવા માટે જગ્યા મળી ગઈ. એમણે બાજુમાં બેઠેલા મુસાફર સાથે વાતચીતની શરૂઆત કરી. એ બંનેના રસના વિષયો સરખા હોવાથી એમની વચ્ચે ઘણી વાતો થઈ. છૂટા પડતી વખતે રતનભાઈને એ નવા પરિચિત મુસાફરે પોતાનું ‘વિઝિટિંગ કાર્ડ’ આપ્યું. એ કાર્ડના લીધે રતનભાઈની જિંદગીમાં મોટું પરિવર્તન આવ્યું. બન્યું એવું કે, એ કાર્ડના આધારે એ બંને વચ્ચે વારંવાર મુલાકાતો થઈ, જે મુલાકાતોએ રતનભાઈને એમનો વ્યવસાય જમાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. એ મુલાકાત રતનભાઈ માટે  ચમત્કારિક જ ગણાયને? રતનભાઈએ પોતાના વ્યવસાયના વિકાસ માટે મળેલી તકનો લાભ લેવા માટે પૂરતું આયોજન કર્યું હતું, પરંતુ એ બંને વચ્ચેની પહેલી મુલાકાત માટેનું આયોજન કોણે કર્યું હશે! રતનભાઈ એક બસ ચૂકી જાય અને બીજી બસ પકડે એ કારસો કોણે રચ્યો હશે!

‘છોટીસી મુલાકત પ્યાર બન ગઈ’ એ વાત માત્ર ફિલ્મોમાં જ નથી બનતી, હકીકતમાં પણ બનતી હોય છે. એવી મુલાકાત મોટાભાગે  આકસ્મિક જ હોય છે! કોઈ યુવાન કે યુવતી પ્રેમમાં પડવાનું આયોજન કરીને કે ચોઘડિયાં જોઈને ઘરેથી નથી નીકળતાં! પછી, એમનાં લગ્ન માટે ચોઘડિયાં જોવાય અને નાનાંમોટાં આયોજનો થાય એ જુદી વાત છે.

વિજ્ઞાનની કેટલીય શોધખોળોમાં અકસ્માતે પણ ભાગ ભજવ્યો છે! એવા અકસ્માતો વિશે ઘણું ઘણું લખાયું છે. પરંતુ કેટલીય સ્વાદિષ્ટ વાનગીઓ બનવવાની રીતની શોધ પણ અકસ્માતે જ થઈ છે. કહેવત છે કે: ‘બનાવવા ગયા’તા કંસાર અને બની ગઈ થૂલી.’ એ કહેવત મુજબ જે બનાવવું હોય એ ન બને અને બીજું કશુંક બની જાય. પરંતુ એ બીજું કશુંક એવું બને કે બનવાનારનાં ભાગ્ય ઊઘડી જાય! બીજા કેટલાય લોકોનાં પણ ભાગ્ય ઊઘડી જાય. લોકોને આજીવિકાનું એક નવું માધ્યમ મળી જાય. આજકાલ, સુરતનો લોચો વખણાય છે. એ લોચા માટે એવું કહેવાય છે કે, ‘કોઈનાથી ખમણ બનવાતી વખતે લોચો પડ્યો અને એ લોચાના કારણે લોચો બનાવવાની રીત અમલમાં આવી!’ લોચા જેવી કેટલીય વાનગીઓ આપણે અપનાવી લીધી છે. એવી વાનગીઓ વિશે કોઈકે તો સંશોધન કર્યું હશે. ન કર્યું હોય તો કોઈકે તો કરવા જેવું છે.

મેં ‘પ્રસન્નતા’ શીર્ષકથી એક વાર્તા લખી છે. એ વાર્તાનો નાયક એક લેખક છે, જે સામાન્ય  સ્થિતિનો છે. એ ઘરેથી કેરોસીનની દુકાને કેરોસીન લેવા જાય છે અને લાંબી લાઈનમાં ઊભો રહે છે. એક દારૂડિયાની ગાળ પણ ખાય છે. કેરોસીન ખલાસ થઈ જાય છે. એ કેરોસીન લીધા વગર જ ઘરે પાછો આવતો હોય છે. એ દરમ્યાન એનું મન વિચારે ચડે છે. એ ઘરે પહોંચે છે ત્યારે એનું મન પ્રસન્નતાથી ભરેલું હોય છે. એને કેરોસીન નથી મળ્યું છતાં એ પ્રસન્ન હોય છે. કારણ કે, એને એ દિવસના અનુભવ પરથી એક વાર્તા મળી ગઈ હોય છે! કેટલીય વાર્તાઓ, કવિતાઓ, નવલકથાઓ વગેરેનાં સર્જન માટે અણધાર્યા પ્રસંગો નિમિત્ત બન્યા હોય છે. આયોજનનો વારો પછીથી આવે છે.

કોલંબસ જળમાર્ગે નીકળ્યો’તો ભારત આવવા અને પહોંચ્યો અમેરિકા! રાજીવ ગાંધી હતા પાયલોટ અને એમની માતાજીની હત્યાના કારણે તેઓ બની ગયા ભારત દેશના વડાપ્રધાન! શ્રીમતી ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાગુ કરી, ત્યારે કેટલાય યુવાનોને એકાએક જેલમાં જવું પડ્યું. એ યુવાનો જેલમાંથી બહાર નીકળ્યા પછી કેટલાક યુવાનોની રાજકીય કારકિર્દી બની ગઈ. કારણ કે, એ યુવાનોને જેલમાં કેટલાંય અનુભવી નેતાઓનાં સંપર્કનો લાભ મળ્યો. જે કટોકટીએ એમને દુઃખી કર્યા, એ જ કટોકટીએ એમને સુખી કર્યા. આ તો એના જેવી વાત છે કે, રામને વનવાસ ન થયો હોત તો રાવણનો નાશ ન થાત. ઇતિહાસ પણ કેટલાય અકસ્માતોથી હર્યોભર્યો છે!

કહેવાનો આશય એ પણ નથી કે, ‘બધું જ અકસ્માતે થાય છે માટે કોઈ પ્રકારનું આયોજન જ ન કરવું.’  વળી, જેમ સુખદ અકસ્માતો થાય છે એમ  દુખદ અકસ્માતો પણ થતા હોય છે.  કેટલાક લોકો જિંદગીમાં સુખદ અકસ્માતો જ બને અને દુખદ અકસ્માતો ટળે એ માટે અવનવી અને ખર્ચાળ વિધિઓમાં જ રચ્યાપચ્યા રહેતા હોય છે. એ લોકો ભલે ઈશ્વરમાં માનતા હોવાનો ડોળ કરતા હોય, હકીકતમાં ઈશ્વરના નિર્ણયોને ન  સ્વીકારવાનાં એ ધમપછાડા જ હોય છે.

તો ચાલો, તમારા જીવનમાં સુખદ અકસ્માતો થતા રહે એવી શુભ ભાવના સાથે રજા લઉં. કદાચ કોઈ સુખદ અકસ્માત મારી પણ રાહ જોતો હોય!

આવજો અને જલસા કરજો.

 

મૈ ‘બક્ષી’ કા પ્યાલા પી આયા!

શિયાળે,ઉનાળે કે ચોમાસે એમ ઋતુ પ્રમાણે ભલે ગુજરાતી સાહિત્યનાં વિવિધ પીણાંની બોલબાલા હોય, પરંતુ  ‘બક્ષી’ બારેમાસ પીવાતું પીણું છે. એ નશાકારક પણ છે! ને આજે ‘નશાદિવસ’ છે.  

આજે  વાચકલાડીલા સાહિત્યકાર શ્રીબક્ષીબાબુનો  જન્મદિવસ છે. એ પ્રસંગે  આજે ઘણી જગ્યાએથી  ‘બક્ષી પ્યાલા’ ધરવામાં આવશે. એક પ્યાલો મારા તરફથી.  એમના વાચક અને ચાહક  તરીકે એક ગુસ્તાખી! 

વર્ષો પહેલાં , મને વાંચવાનો શોખ છે એ જાણીને અમરેલીમાં  એક મિત્રએ સલાહ આપી કે: ચંદ્રકાંત બક્ષીને વાંચો. મજા પડી જશે.  મને એમ કે: કશુક ઉપદેશાત્મક લખાણ હશે. કમને વાંચવાનું શરૂ કર્યું તો ખ્યાલ આવ્યો કે. ‘સાલું, વાંચ્યા પછી કિક વાગવા જેવું થાય છે! પછી તો આદત પડી ગઈ.  પુસ્તકાલયમાં બક્ષીના જેટલાં પુસ્તકો મળે એટલાં વાંચી નાખ્યાં. એનાં તમામ લખાણો વાંચ્યાંનો કે ગમ્યાંનો  મારો દાવો નથી. પરંતુ, એને લીધે એ પીણાની અસરમાં કોઈ ફરક પડતો નથી.  આજે પણ બક્ષીનું કોઈ ન વાંચેલું લખાણ વાંચવા મળે તો રાજી રાજી થઈ જવાય છે.  વાંચેલું લખાણ પણ ફરીથી વાંચવા મળે તો  ‘ડબલ ધમાકા’ જેવું લાગે છે.   

 બક્ષીબાબુના જાદુ  વિષે બીજાં લેખકોએ નહિ લખ્યું હોય એટલું એમના વાચકોએ લખ્યું હશે.  મારે એ લખાણોનું પુનરાવર્તન નથી કરવું.  પરંતુ, મારે મારો અનુભવ લખવો હોય તો આવું લખું: બક્ષીબાબુ વિષે વાતો કરવી હોય તો  રસિકજનોને ગોતવા નહોતું જવું પડતું.  એ લોકો  હાજર સ્ટોકમાં જ મળી રહેતા.   સાહિત્યરસિકો જ  બક્ષીને વાંચે એવું નહોતું. સાથે નોકરી કરનારા પણ એમના ચાહક હતા.  ભજિયાંભૂસું વેચનારા પણ એમના ચાહક હતા.  આજે પણ છે. જ્યારે પણ ભેગા થાય અને વાત નીકળે તો એક પછી એક બક્ષી-પંચ મારવાની મજા આવે છે.  એક જમાનો એવો હતો કે, લેખકોનું જે લખાણ ગમે એ લખાણ ડાયરીમાં ‘રત્નકણિકા’ તરીકે ટપકાવી લેવાતું હતું.  પણ, બક્ષીની ‘રત્નકણિકાઓ’ લોકોને હોઠવગી રહેવા લાગી.  લોકો દુહાઓ કે શાયરીઓ  યાદ કરીને બોલતા હોય એમ બક્ષીના તાતા તીર જેવાં વાક્યો આખેઆખા બોલતા થયા.  આજે પણ બોલે છે.  આ એક મોટો ફેરફાર હતો.  આ ગદ્યકાર  બક્ષીનો જાદુ છે. એટલે જ, આજે પણ નેટગલીઓમાં ઠેરઠેર બક્ષીપ્યાલીઓ પ્રસાદીરૂપે વહેંચાઈ રહી છે.  બક્ષીપ્યાલી પીવાની અને માણવાની પણ એક મજા છે. 

પીવાની અને માણવાની વાત કરીએ  તો ઘણાને ખબર હશે કે, બક્ષીએ પીવાની અને માણવાની રીતભાત વિષે પણ લખ્યું છે. બહુ જ સારી રીતે લખ્યું છે.  કેમ પીવું, કેટલું પીવું, શાંની સાથે  શું મિલાવીને પીવું, પીધાં પછી શું કરવું ને શું ન કરવું .. વગેરે   વિષે  પણ લખ્યું છે.  અર્થાત, પીવાની તમીજ બાબત લખ્યું છે. એમણે તો એ પણ લખ્યું છે કે,  પીધાં પછી ક્યા સાહિત્યકાર ખૂલતા હતા અને ક્યા સાહિત્યકાર સૂમ થઇ જતા હતા!

ભલે આપણે શરાબપાન બાબત ઝાઝું ન જાણતા હોઈએ. પરંતુ, એટલું તો જાણતા જ હોઈશું કે, પીધાં પછી કોઈ સૂમ મારી જાય, કોઈ બરાબરનું ખૂલે, કોઈ ખીલે,.. આ બધું તો થાય. ભલેને ઘેરબેઠા એ બધું કરે. પણ કોઈનાથી જીરવાય નહિ તો ઓકે પણ ખરું.  કેટલાક તો પાવળું પીધું  નથીને રાજાપાઠમાં આવ્યા નથી.  જાહેર રસ્તા પર તમાશા કરે. બચ્ચન કે ધર્મેન્દ્ર જે  પર્દા પર કરે એવું એ લોકો જાહેરમાં કરે.   એક ફેંટનો ઘરાક હોય પણ હસુભાઈથી માંડીને હિટલરને લડવા માટે આહવાન કરે! ને મજાકને પાત્ર ઠરે. 

‘બક્ષી’ બ્રાંડ પીધાં પછી પીનારે પણ એ તમીજ જાળવવી જોઈએ.  નહિ તો એ બ્રાન્ડની બેઇજ્જતી કરી કહેવાય.  પીવું એ મોટી વાત નથી.  પીધાં પછી જીરવવું એ મોટી વાત છે.  કોઈ પણ લેખક કે કલાકારને ચાહવાની પણ એક તમીજ છે.  બક્ષીનાં લખાણ બાબત કોઈની ટીકા પસંદ ન આવતી  હોય તો એનો જવાબ મુદ્દાસર રજૂઆતથી  આપી શકાય. એમાં બક્ષીનાં લખાણોનો સંદર્ભ આપી શકાય.  પરંતુ, એના બદલે  ઉછીની ખુમારીનાં જોરે  હાકલા પડકારા કરવાથી તો  બક્ષીબ્રાન્ડનું અપમાન થયું કહેવાય!  

સીધી વાત.  બક્ષીએ પહેલા ગાદીતકિયે બેઠેલા  સાહિત્યકારોને નિશાન બનાવતાં પહેલાં પોતાની જાતને તૈયાર કરી હતી. એમનું વાંચન, એમનો અભ્યાસ, એમનો અનુભવ, એમનો સંઘર્ષ,  એમનું નિરીક્ષણ.. એ બધું કામે લગાડીને  તાકાત કેળવી હતી.   ઘા મારવાની સાથે ઘા ખાવાની પણ તૈયારી રાખી હતી.   એટલે રંગ જામ્યો’તો.  એમને વિવેચન સામે વાંધો નહોતો.  અભ્યાસપૂર્ણ વિવેચન ન હોવાનો વાંધો  હતો.   આજે એમની ટીકા થવાથી એમની લોકપ્રિયતાની એક કાંકરી પણ ખરવાની નથી.  એમના વાચકો કે ચાહકોએ એથી વિચલિત ન થવાનું હોય. પરંતુ, પૂરી સજ્જતાપૂર્વક એનો જવાબ આપવાનો હોય.  નહિ તો એની અવગણના કરવાની હોય.  પરંતુ, એમના લખાણોને કોઈ કસોટીની એરણે ચડાવે જ નહિ એવો આગ્રહ વધારે  પડતો છે.  વેદવ્યાસથી માંડીને તુલસીદાસ સુધીના સર્જકોને  આજે પણ કસોટીની એરણે ચડાવાય છે.  શું ફરક પડે છે?

 નવા ઊગતા લેખકોએ બક્ષી પાસેથી  પ્રેરણા લઈને નવું નવું  ખૂબ વાંચવાની, વિચારવાની, નવા નવા અનુભવો લેવાની, પોતાનું સ્વમાન જાળવવાની  ખાસ જરૂર છે.  ખુમારી કૉપીપેસ્ટથી નથી આવી શકતી. એ જાતમાં ઊભી કરવી પડે.  માત્ર બક્ષીસ્ટાઈલનો રૂઆબ લાંબો સમય સાથ ન આપે.  પોતાનું આગવું ખમીર પણ બતાવવું પડે. એ માટે બક્ષી પ્રેરણારૂપ જરૂર બની  શકે. સોય કે ટાંચણીએ પણ અણીદાર થવા માટે ટીચાવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.  થોડુંઘણું લખાયું, વખણાયું કે છપાયું હોય એટલામાત્રથી કોઈ પોતાનાં લખાણ માટે નબળો અભિપ્રાય આપે નહિ એવી ધાક  જમાવાવાથી તો નુકસાન પોતાને જ થવાનું છે.  કોઈને એમ લાગે કે, આને તો બક્ષીપ્યાલી ચડી ગઈ લાગે છે. એને નથી વતાવવો. આજના જમાનામાં કોઈ સગા ભાઈને પણ સાચું કહીને નારાજ કરવા નથી માંગતું તો નવા  લેખકને નારાજ કરવાનો દોષ કોણ વહોરે? લાયકાત મુજબ પ્રશંસા, પ્રોત્સાહન એ બધું જરૂરી છે.  પરંતુ,  ખોટી પ્રશંસા તો ભેખડે ભરાવે!    

ચાલો,   કોટો  ઉતરવા આવ્યો  છે. વધું  બક્ષીપ્યાલી પીવા માટે નેટબજારમાં ચક્કર મારવા જઉં છું. બને તો  ભેગા થઈશું. 

આવજો અને જલસા કરજો. 

ગોદડાંખેંચ

મિત્રો,

આજના વખતમાં લગ્નપ્રસંગ ઉકેલવાનું કામ મોંઘુ પડતું હશે પરંતુ પહેલાંના પ્રમાણમાં સરળ જરૂર થઈ ગયું છે. ઘણાં લોકો કહેતાં હોય છે કે: “પહેલાંના લગ્નપ્રસંગોમાં આવતી હતી એવી મજા હવેના પ્રસંગોમાં આવતી નથી. ત્યારે સગવડો ઓછી હતી, સાધનો ઓછાં હતાં,વાનગીઓ પણ ઓછી હતી. પણ તોય મજા આવતી હતી.”

આવું કહેનારાં અમુક અંશે સાચાં હોય તો પણ જો તેઓ સાચા દિલથી એ વખતની હાડમારીઓ યાદ કરે તો જરૂર કબૂલ કરે કે: ” જેને ત્યાં પ્રસંગ હોય એની એવી તો કસોટી થઈ જતી હતી કે પોતાને તો પ્રસંગનો આનંદ માણવાને બદલે સતત ચિંતામાં રહેવું પડતું હતું.”

તે વખતમાં પૈસા ખર્ચવા છતાં સગવડો પ્રાપ્ત થતી નહોતી. આમતેમથી બધું ભેગું કરવું પડતું હતું. બીજાઓના સાથ અને સહકારની ખૂબ જ જરૂર પડતી હતી. જેને ત્યાં પ્રસંગ હોય એણે વાતવાતમાં જેનેતેને નમવું પડતું હતું. દીકરીના બાપની દશા તો ઘણી વખત કફોડી થઈ જતી હતી. જાનૈયાઓને  સાચવવા એ ગબ્બરસિંગના માણસોને સાચવવા જેવી કપરી આફત હતી!

આજે તો દીકરીના માબાપ સવારે લગ્નસ્થળે જાય અને દીકરીને વળાવ્યા પછી રાત્રે ઘેર આવીને રોજિંદી ટીવી સિરિઅલ આરામથી જોઈ શકે એવો સતયુગ આવ્યો છે! દીકરીને પરણાવનાર માબાપે લગ્નસ્થળે દીકરી સિવાય માત્ર પૈસા જ લઈ જવા પડે છે!

એક જૂનો શિયાળો યાદ આવે છે. મારા એક મિત્રની બહેનના લગ્ન હતા.  એ લગ્નપ્રસંગમાં અમે થાકીને લોથપોથ થઈ ગયા હતા છતાય ખૂબ  મજા આવી હતી.

જાનને આખો દિવસ સાચવી. રાત્રે ફેરા ફરવાનો મુખ્ય કાર્યક્રમ પૂરો થયો. જાનની વિદાય બીજાં દિવસે હતી. સહુ જાનૈયાઓ કાજે અમે પથારીઓ તૈયાર રાખી હતી. પરંતુ કેટલાક જાનૈયાઓ અમારી તૈયારી પર પથારી ફેરવતા હોય તેમ એકએક ગોદડું ઓઢવાને બદલે બબ્બે ઠપકારીને પોઢી ગયા.

જાનૈયાઓના પ્રમાણમાં ગોદડાં ખૂટ્યાં. તાત્કાલિક વાડીનો સ્ટોર ખોલાવીને ગોદડાંનો પૂરવઠો હતો એટલો બહાર કઢાવ્યો તોય માંગ ઓછી થઈ નહિ!

હવે એક જ રસ્તો હતો. જેણેજેણે બબ્બે ગોદડાં ધારણ કર્યાં હોય તેમને વિનતી કરીને એક એક ગોદડું પાછું લઈને એ ગોદડાં ગોદડાંવિહોણાં હોય તેમને વહેંચવાં.

પરંતુ અમારો એ ઉપાય બહુ કારગત ન નીવડ્યો. અમારી વિનંતીભર્યા શબ્દો બબ્બે ગોદડાં વીંધીને એ લોકોના કાન સુધી પહોંચી ન શક્યા. દ્વિગોદડાંધારી લોકો જાણે પોતે ભર નિદ્રામાં હોય તેમ સુષુપ્ત અવસ્થામાં જ પડી રહ્યા.

જબાબદાર વડીલ તરફથી અમને આદેશ થયો કે:જ્યાં જ્યાં બે ગોદડાં હોય ત્યાંથી એક ગોદડું ધીરેથી, કોઈની નિદ્રામાં ખલેલ ન પડે તે રીતે સરકાવી લો. અને જરૂરિયાત હોય તેને પૂરાં પાડો.

અમે એમના આદેશનું પૂરી વફાદારીથી પાલન કર્યું. દબાતે પગલે અમે શયનખંડમાં ફરવા લાગ્યા. જ્યાં જ્યાં બે ગોદડાં હતાં ત્યાત્યાથી એક એક ગોદડું સરકાવવાની કામગીરી શરૂ કરી. આ ઉપાય ખૂબ જ કારગત નીવડ્યો. ચારેક ફેરા મરવાના પરિણામે પરિસ્થિતિ ઘણી હળવી થઈ ગઈ.

હવે વધારે ફેરા મારવા જેવું રહ્યું નહોતું! છતાંય છેલ્લી વખત નસીબ અજમાવવાની લાલચે અમે છેલ્લો ફેરો મારવા નીકળ્યા.

હજી તો અમે એકપણ ગોદડું ખેંચ્યું નહોતું ત્યાતો  એક છોકરાનો અવાજ આવ્યો: “કાકા, ચેતજો. આવ્યા છે.”

વાત એમ બનેલી કે અમારી કડક કામગીરીના સાક્ષી જેવા કાકોભાત્રીજો એમ બે જણા જાગતા હતા. એ લોકો વધારાનું ગોદડું ગુમાવવા માંગતા નહોતા. એટલે, અમારા આગમનની જાણ થતાં જ ભત્રીજાએ એનાં કાકાને જાણ કરી કે:”કાકા, ચેતજો. આવ્યા છે.”

જાણે અમે કોઈ બહારવટિયા હોઇએ એમ અમારાથી ચેતવાની તૈયારી ચાલી રહી હતી.

છોકરાના શબ્દો સાંભળીને અમને એવું તો હસવું આવ્યું કે માંડમાંડ હસવું રાખીને ત્યાંથી ભાગ્યા.

શયનખંડની બહાર નીકળીને મન મૂકીને હસ્યા.

જ્યારેજ્યારે શિયાળો આવે છે અને એની તાકાત બતાવે છે ત્યારેત્યારે મને એ શબ્દો યાદ આવી જાય છે:”કાકા, ચેતજો. આવ્યા છે.”

મિત્રો, સામાજિક પ્રસંગોમાં હિસ્સેદાર બનવું હોય તો ક્યારેક ક્યારેક આવા ગોદડાં ખેંચવાના ધંધા પણ કરવા પડે!

તમે પણ, આવા નહિ તો બીજા પ્રકારના ધંધા કર્યાં જ હશે!

આજનું લંગર :

લંગર પ્રાપ્તિસ્થાન: http://www.cartoonstock.com/directory/h/hogging_the_blanket.asp

હાલો ભેરુ શહેરમાં

મિત્રો,

અમે ગામડે નિશાળમાં ભણતા હતા ત્યારે સાહેબે અમને બધાંને એક બાળગીત  અભિનય સાથે ગાતાં શીખવાડ્યું હતું :ભીની માટીની ગંધ આવે યાદ રે હાલો ભેરુ ગામડે.. હાલો ભેરુ ગામડે.

કવિ શ્રી નાથાલાલ દવે લેખિત આ ગીત તમે લોકોએ પણ કદાચ ગાયું હશે, સાંભળ્યું હશે કે વાંચ્યુ હશે.

સાચુ કહીએ તો અમે ગામડે રહેતા હતાઅંને   આવાં ગીતો ગાતા હતા છતાંય મન તો પોકારતું હતું કે: હાલો ભેરુ શહેરમાં…. હાલો ભેરુ શહેરમાં.

હા જી! શહેર એક સપનું હતું. સવાલો ઊઠતા હતાકે .. શહેર કેવું  હશે? કેવડું હશે? બહુ મોટું હશે? આપણા ગામ જેવડાં દસ બાર નહીંપણ સો જેટલાં ગામ સામી  જાય એવડું હશે????

શહેરમાંથી આવેલા માણસને જ નહીં  પણ  મોટર,ભારખટારા,રેડિઓ, થાળીવાજુ જેવી નિર્જીવ ચીજોને પણ અમે નિરખતા હતા.

ને… માત્ર નાના બાળકોના મનની આ વાત નહોતી! મોટાઓના મનની પણ આ વાત હતી!

ને એકાદ ગામની આ વાત નહોતી! ગામે ગામની આ વાત હતી!

ગામડાનાં રળિયામણાં ચિત્રો, ગીતો,  વાર્તાઓ વગેરેથી આપણું સાહિત્ય ફાટફાટ થાય છે! શું એ બધું માત્ર કલ્પના પર આધારિત છે ?

શું ખરેખર બધાં  ખરેખર ગોકુળિયાં હતાં.. ત્યાં ઘી દૂધની નદીઓ વહેતી હતી… પનઘટે પનિહારીઓ ગીતો ગાતી ગાતી પાણી ભરતી હતી.. આંગણે મોર ચણવા આવતા હતા.. ખળખળ ઝરણાં વહેતાં હતાં… દુહાઓની રમઝટ બોલતી હતી… બધાં જ ડાહ્યાંડમરાં થઈને અને સંપીને રહેતાં હતાં!

અમારું કહેવું એમ છે કે: આ બધી વાતો ‘આધી હકીકત આધા ફસાના’ જેવી છે!

ગામડાનું ચિત્ર ખરેખર આવું હતું પણ ખરું અને આનાથી સાવ અવળું પણ હતું!

સંજોગો બદલાય તેમ ત્યાં પણ બધું બદલાતું હતું. ઘણું ખરું બદલાયા પછી પણ કવિકર્મના કારણે ઘણુંખરું એનું એ જ લખાતું રહ્યું ને આપણને સહુને ગમતું રહ્યું. સારી વાતો સહુને ગમે એ સ્વાભાવિક છે.

પણ યાદ કરો એ કહેવતો..

બાપના કૂવામાં ડૂબી ન મરાય.

ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે.

મતલબ કે ગામના માણસોમાં શહેર તરફ જવાના ભૂખ અને તરસ જાગ્યાં હતાં.

એવું નહોતું કે શહેરની હાડમારીની વાતો ગામડે નહોતી પહોંચતી.

પહોંચતી હતી. કથાકારો અને ગઢવીઓ ગમડાની ગરવી ગરવી વાતો કહેતા હતા અને શહેરના લોકોના સાંકડા ઘરની અને સાંકડા મનની  વાતો પણ કરતા હતા.

ભવાયા શહેરના લોકોની તકલીફોની વાતો ગમ્મત ગમ્મતમાં કહેતા હતા.  ફેશનેબલ વહુ બંગાળી સાડી પહેરીને અને બે ચોટલા લઈને  સેનેમા જોવા જાય એવી ગમ્મતો રજૂ થતી હતી.

આંધળી માનો કાગળ પણ ગવાતો હતો.  ને લોકોને મજા મજા થઈ જતી હતી.

પણ સાથે સાથે આવાં ગીતો પણ ગવાતાં હતાં..

તેરા તન ડોલે મેરા મન ડોલે… મેરા દિલકા ગયા કરારરે ..

પ્યાર કિયા તો ડરના ક્યા ..

ને લોકોને એમાં પણ મજા પડતી હતી.  સાંભળીને તરસ જાગતી હતી.. સેનેમા જોવાની…સારું સારું પહેરવાઓઢવાની.. બગીચામાં બેસીને સીંગચણા ખાવાની!

યુવાનો અને યુવતીઓને કોડ જાગતા હતા કે પોતે પણ પ્રેમપત્રો લખે..

ચલી ચલી રે પતંગની માફક પોતે પણ ઊડે!

આ તો હળવા હળવા કારણો થયાં… શહેર તરફ ભાગવાના ભારે ભારે કારણો બાકી રાખીએ! ફરી મળીએ..

ત્યાંસુધી કરો જલસા!!!!

ને એમાં પાછા પડવું નહીં!!!!

“અસર” પરિવારનું કહેવું છે કે:

તેજ

અમારી નજર સમક્ષ ઝળહળ ઝળહળ નગર  છે.

રોશની વત્તા રોશની વત્તા રોશની વત્તા  રોશની વત્તા રોશની …. છે.

એ તમામ રોશનીનો સરવાળો જ નહીં

ગુણાકાર આપ સહુને મુબારક હો.

અમારી સમક્ષ તેજ વેરતાં દીવડાઓ છે.

અમે ઇચ્છીએ  છીએ કે:

આપના ભાગે આવેલો અંધકાર

એવા દીવડાઓ થકી

અજવાળામાં ફેરવાતો રહે.

અમારી નજર સમક્ષ ઊંચાઈને આંબતો ઉત્સાહ છે.

એવા ઉત્સાહ થકી આપ પણ

જીવનની તમામ ઊંચાઈને પામતા રહો..

દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે

અમર્યાદિત શુભેચ્છાઓ

રવાના કરી છે

આપના તરફ………

મનના ખજાનામાં એને સમાવશો.

લિખિતંગ,

“અસર” પરિવાર.

બ્લોગ જગતમાં ફરાળી બ્લોગ્સ કેટલા?

જય બ્લોગનારાયણ.

અમારા કમ્પ્યૂટરમાં ખરાબી થવાના કારણે અમે લગભગ  દોઢ મહિના પછી આ ઓટલે આવ્યા છીએ. અમને હતું કે,ઓટલે ઝાળાં બાઝી ગયાં હશે! પણ ઓટલો એકદમ સાફ છે! અમે ભલે હાજર નહોતા પરંતુ લોકોની અવરજવર રહી છે! કેટલાક મિત્રોએ અમારી ગેરહાજરીની નોંધ પણ લીધી છે! એથી અમને સારું લાગ્યું છે!

પોતાની ગેરહાજરીની  થોડીકેય નોંધ લેવાય એ કોને ન ગમે? ને એ પણ આટલા મોટા બ્લોગજગતમાં? હેં? શું કહો છો? નહીં તો એક બ્લોગર થોડાક દિવસો દેખાયો તોય શું ને ન દેખાયો તોય શું? જો કે અમે સમજદાર  છીએ એટલે અમને ખબર છે કે, અમારા ન લખવાથી બ્લોગજગતમાં કોઈ મોટી ખોટ નથી પડી ગઈ!!! કે નથી આભ તૂટી પડ્યું!

મિત્રો, એક વાત યાદ આવે છે. એક કર્મચારી મિત્રને એવો ભ્રમ હતો કે, આખી ઓફિસ અને એના સાહેબનું દિમાગ બંને એના થકી જ ચાલે છે!!! વટના માર્યા એણે બોસને પાઠ ભણાવવા સાવ અચાનક રજા મૂકી દીધી!! ઓફિસ કેમ ચાલે છે તે જાણવા માટે વળી એક મિત્રને છાનાંસપનાં ફોન પણકર્યો!!! ફોન ઉપાડનાર પણ એના માથાનો હતો!!! .. આવો એ સંવાદો યાદ કરીએ…

ગેરહાજર રહેનાર: [ધીરેથી] હલો… હું  બોલું છું. ઓફિસ કેમ ચાલે છે?

ફોન ઉપાડનાર: બરાબર ચાલે છે!!!

: સાહેબ શું કરે છે?

:મજા કરે છે!!

:પણ આજે તો હું નથીને?

:એટલે જ મજા કરે છે!!

: કોઈ પ્રોબલેમ નથીને?

: ના ભાઈ ના! પ્રોબલેમ આજ ગેરહાજર છે!!!!!!!

તો મિત્રો, વાત આમ છે! અમારી હાજરીથી કોઈને રાહત ન થાય તો ચાલે પણ અમારી ગેરહાજરીથી કોઈને રાહત થાય એ દિવસો બ્લોગનારાયણ ન દેખાડે!!

એક બીજી વાત યાદ આવે છે. આજકાલ તો લોકોને મોટાભાગે કોઈની જાનમાં જવાનો પણ સમય નથી! પણ એક જમાનો હતો કે, કોઈની જાનમાં જવા માટે નાનામોટા સહુને ઉમંગ રહેતો હતો. જઈ જઈને ક્યાં જવાનું હોય? પાંચ પચીસ ગાઉ દૂરના ગામે! જમવામાં પણ મોટાભાગે બુંદીના લાડુ અને મોહનથાળ જ હોય! [યાદ કરો.. શાહબુદ્દીનભાઈ રાઠોડ સર્જિત, “વનેચંદનો વરઘોડો”.] પણ તોય મજા મજા થઈ જતી હતી.

હવે વાત એમ બને કે, કોઈની જાન ઉપડવાની થાય ત્યાં સુધી એ વડીલ જ ન આવે કે જે વડીલ થકી સગાઈ નકી થઈ હોય! તો? જાન ઉપાડાય? આજની વાત અલગ છે! પણ ત્યારે વરના બાપા અને મા બંને એ વડીલને મનાવવા જાતાં! જરૂર પડે તો વરના કાકા ને મામા પણ દોડતા!! આમ તો એ વડીલે જાનમાં જવાની થેલી પણ તૈયાર જ રાખી હોય. છતાંય વિવિધ પ્રકારના બહાનાં કાઢે: જેવાં કે.. તબિયત બરાબર નથી.. મને સરખો આગ્રહ કર્યો નથી… મારી હવે જરૂર નથી… વગેરે વગેરે!!! પણ એ વડીલને માનસહિત જાનમાં લઈ જવાતા. આજે એવા વડીલો નામશેષ થઈ ગયા છે.

ધારો કે આવા કોઈ વડીલથી જાનમાં ન જવાયું હોય:પણ જ્યારે એને ખબર પડે કે, એમની ગેરહાજરીની નોંધ માંડવાવાળાએ પણ લીધી હતી ત્યારે એમને શેર લોહી ચડતું!!!!!

બ્લોગજગતમાં પણ ગેરહાજરીની નોંધ લેવાય એ વાત પણ આનંદ આપનારી કે અહમને સંતોષનારી છે!!!

અટકીએ? બ્લોગાચાર્યનું કહેવું છે કે. લાંબા બ્લોગાપવાસ પછી બ્લોગ ભોજન થોડું થોડું વધારવું! તો આવજો અને જલસા કરજો. જો ઉપવાસ કે એકટાણાં કર્યાં હોય તો ધમધમાવીને  ફરાળ કરજો. આજકાલ તો કેવું કેવું ફરાળી મળે છે! ફરાળી ચેવડો… ફરાળી પેટીસ.. ફરાળી ભજીયાં.. ફરાળી કટલેસ…

કદાચ, ફરાળી પાણીપૂરી કે ફરાળી સેવઉસળ કે ફરાળી પિત્ઝા કે ફરાળી બર્ગર સુધી વાત પહોંચી ગઈ હોય તો અમને જાણ નથી!!! પણ આ પવિત્ર શ્રાવણ મહિનામાં અમારા મનમાં એક પવિત્ર સવાલ એવો થાય છે કે: બ્લોગ જગતમાં ફરાળી બ્લોગ્સ કેટલા?