વાતનો/ વાર્તાનો અંત ક્યારે હોવો જોઈએ?

વાયરા
મિત્રો,

કહેવાય છે કે, દરેક સારી વાતનો એક અંત હોય છે. અને, એની પણ એક મજા હોય છે. વાત સારી હોય તો શ્રોતામાં ક્યારેક એવો રસ પણ જાગે કે, ‘મજા આવે છે. ભલે વાત લાંબી ચાલતી.’ પરંતુ  શ્રોતાની એ રસવૃત્તિનો વક્તા જો ગેરલાભ ઉઠાવવા જાય અને વાતનો યોગ્ય અંત ન લાવે તો પણ મજા મારી જતી હોય છે. મજાની પણ એક માજા હોય છે.  ભલભલા વક્તાઓ પણ વાતનો અંત લાવવાનો વિવેક ચૂકી જતા હોય છે.

એક પ્રસંગ યાદ આવે છે.  એક વકતા દ્વારા બીજા કવિ વિષે વક્તવ્ય ચાલતું હતું.  કવિ માટે શ્રોતાઓને માન હતું. એમના વિષે વક્તા દ્વારા જે વાતો કહેવાતી હતી એમાં શ્રોતાઓને આનદ પણ આવતો હતો. પરંતુ ધીરે ધીરે વક્તા, વિષયથી દૂ….ર  દૂ…ર જવા લાગ્યા. કવિની કવિતા વિષે બોલવાને બદલે કવિ વિષે વધારે બોલવા લાગ્યા. શ્રોતાઓને એમાં પણ વાંધો નહોતો. વક્તા, કવિના બાળપણની લીલા વિષે વધારે વાતો કરવા લાગ્યા. શ્રોતાઓને એમાં પણ વાંધો નહોતો. વક્તા, કવિના બાળપણની સાથેસાથે પોતાના બાળપણની વાતો કરવા લાગ્યા. શ્રોતાઓએ એ પણ સહન કરી લીધું કારણ કે વક્તા પોતે કવિના સ્નેહીજન હતા. પરંતુ કવિની અને સાથેસાથે વકતાની પોતાની એ બાળલીલા બહુ લાંબી ચાલી.  ‘અમે નાના હતા ત્યારે આમ ખાતા’તા ને આમ નદીએ જાતા’તા ને આમ વગર ચડ્ડીએ નાતા’તા…”  એવી વાતો લંબાતી ગઈ. એ વખતનાં ગામડાંમાં જન્મેલા સહુ છોકરાઓ નદીએ વગર ચડ્ડીએ જ નહાતા હતા અને એ સત્કર્મ કરવામાંથી  ભવિષ્યના કવિશ્રી પણ બાકાત નહોતા રહ્યા – એ વાતથી શ્રોતાઓને જરૂર આનંદ થયો પરંતુ  વક્તાનું વક્તવ્ય એ બાળલીલા પર જ કેન્દ્રિત થઈ જવાથી એ આનંદ ઓછો થતો ગયો. વક્તાને બેસાડી દેવા માટે શ્રોતાઓએ તાળીઓ પાડી તો વક્તાને એમ લાગ્યું કે શ્રોતાઓને  વકતવ્યથી આનંદ આવી રહ્યો છે. એમણેવાતનો વિસ્તાર વધાર્યો તો શ્રોતાઓએ તાળીઓનું પ્રમાણ વધાર્યું. પછી તો વક્તાને પણ ખ્યાલ આવી ગયો કે, આ તાળીઓ વક્તવ્યના સમર્થનમાં નહિ પરંતુ વિરોધમાં પડી રહી છે. પરંતુ એમણે પણ હઠ પકડી કે , ‘મારે જે કહેવાનું છે એ કહ્યા વગર  હું માઈક નહિ છોડું.’ વાત વટે ચડી ગઈ. વક્તા બોલતા રહ્યા અને શ્રોતાઓ તાળીઓ પાડતા રહ્યા. છેવટે વક્તા બેઠા. વાતનો અંત આવ્યો.  પરંતુ  ખાટી છાશ જેવો અંત આવ્યો.  કવિતાને પામવાના બદલે શ્રોતાઓ હાસ્યને પામ્યા.  હાસ્ય ખોટું નહિ,પરંતુ એ હાસ્ય કસમયનું હતું. મજબૂરીનું હતું. 

વક્તા તો સમજ્યા મારાભાઈ, વક્તા હોય એટલે વક્તવ્ય આપે. પરંતુ, રોજિંદા જીવનમાં કોઈ વાત કહેતી વખતે આપણે પોતે પણ ક્યા ઝાલ્યા રહીએ છીએ? વધુ પડતા હરખપદોડા થઈને ‘વાત’ અને ‘વક્તવ્ય’ વચ્ચેનો તફાવત ક્યા ધ્યાનમાં રાખીએ છીએ? સામેવાળાનો રસભંગ થતો હોવાનો ખ્યાલ આપણને રહેતો નથી એટલે આપણે આપણી વાણીનો ભંગ થવા દેતા નથી. વાતનો યોગ્ય સમયે યોગ્ય અંત લાવવો એ પણ એક કળા છે. જે વ્યક્તિ વાત કહેતી વખતે સામેવાળાનાં રસને ધ્યાનમાં લેતો નથી એ વ્યક્તિમાંથી સમય જતાં લોકોનો રસ ઊડી જાય છે.  વાતનો અંત ક્યારે લાવવો એ માટે આપણી પાસે કોઈ વૈજ્ઞાનિક સાધન ભલે ન હોય પરંતુ સમજદારી હોય તો વાંધો ન આવે! અને, સમજદારી સાલી જ્યારે ખરી જરૂર હોય ત્યારે જ હાજર હોતી નથી! સમગ્ર વાત સમય, સંજોગો અને વિવેક પર આધાર રાખે છે.  ઉપરાઉપરી ફાલતું વાતો કરવાના પણ  પ્રસંગો  હોય છે અને અતિ મહત્વની વાત  ટૂંકમાં કહેવાનાં પણ પ્રસંગો હોય છે.  કોઈના મરણના સમાચાર અનેક લોકોને પહોંચાડવાની જવાબદારી જેને સોંપવામાં આવી હોય એ વ્યક્તિ જો એ સમાચાર આપતી વખતે સામેવાળાની સમક્ષ, મરણ પામનારઆ જીવનની  અંતિમ ક્ષણોનુ વર્ણન કરવા લાગે તો..?  

હવે વાત કરીએ ટૂંકી વાર્તાની. ટૂંકી વાર્તા એ સાહિત્યનો એક પ્રકાર છે એ તો આપ સહુ જાણો જ છો. વિવિધ છાપાંઓમાં, સામયિકોમાં કે બ્લોગ પર ટૂંકીવાર્તાઓ રજૂ થતી હોય છે.  વાર્તાઓ વિષે જાણકારોનું  કહેવું  છે કે, ‘ટૂંકી વાર્તા રચવી એ કુશળતા માંગી લે એવું  કામ છે. માત્ર ઘટના, સંવેદના, બોધ, વર્ણન, પાત્રાલેખન, ચમત્કાર વગેરે થકી સારી વાર્તા નથી બની જતી. એ બધાંને ખપમાં લેનારું નકશીકામ પણ જરૂરી છે. એ વીસ પાનાંની પણ હોઈ શકે અને બે પાનાંની પણ હોઈ શકે. બધું જ જે તે વાર્તા પર નિર્ભર છે. એમાં ખરી ખૂબી તો વાર્તાનો  અંત લાવવામાં છે. અંતમાં એક પણ વાક્ય ઓછું લખાય કે વધારે લખાય તો પણ વાર્તા નંદવાઈ જાય. કોઈને એમ થાય કે, એકાદ વાક્ય વધારે લખાઈ જાય તો એમાં શું બગડી જવાનું? પરંતુ ત્યાં જ વાર્તાકારની કસોટી થાય છે. ક્યા અટકવું અને વાચકો પર છોડી દેવું એ કુશળતા માંગી લે એવું કામ છે.  સારો વાર્તાકાર વાચકોને આગળ વિચારવાનો મોકો આપે છે. વાચકોની સમજ પર  શ્રદ્ધા રાખે છે.’ 

હિન્દી ફિલ્મ ક્ષેત્રે એક ‘સમાંતર’ કે ‘કલાત્મક’  ફિલ્મોનો યુગ આવ્યો હતો.  ચક્ર, આક્રોશ, શોધ, અંકુર, પાર વગેરે આવી ફિલ્મો હતી. આવી ફિલ્મોમાં અંત પ્રેક્ષકો પર છોડી દેવાતો હતો. આવી ફિલ્મોને પસંદ કરનારો એક ખાસ વર્ગ હતો. પરંપરાગત મનોરંજક ફિલ્મ જોવા ટેવાયેલા લોકોમાંથી કેટલાક લોકોને આવી ફિલ્મ જોયા પછી એવું લાગતું હતું કે: ‘આ કેવી ફિલ્મ? પછી છેલ્લે શું થયું એ તો બતાવ્યું જ નહિ! ‘ આજે ફિલ્મોમાં  ‘આર્ટ ફિલ્મ’ કે ‘કમર્શલ’ ફિલ્મ’ એવા વર્ગો નથી. પરંતુ દરેક ફિલ્મમાં છેલ્લે ‘ખાધું પીધું અને રાજ કર્યું’  એવો અંત જરૂરી માનવામાં આવતો નથી. આજે પ્રેક્ષકો ઘણા ઘડાઈ ગયા છે! અંત લંબાતો હોય તો ઊભા પણ થઈ જાય! 

… આ કોણ ઊભું થયું? આ ‘ બંધ કરો’ એમ કોણ બોલ્યું? કોઈ નહિ!? ના.. ના… મેં સાંભળ્યુંને.  આ તાળીઓના અવાજો પણ આવવા લાગ્યા! … સમજ્યો! મારે બંધ કરવું જોઈએ.  😀

અટકું છું.  આવજો અને જલસા કરજો. 

*************************************

જો સમય હોય તો અહી પણ નજર નાખશોજી.  

https://asaryc.wordpress.com/2009/07/27/પાંચકડાં/

Advertisements

8 thoughts on “વાતનો/ વાર્તાનો અંત ક્યારે હોવો જોઈએ?

 1. ખુબ સાચી વાત કરી. હવે વાર્તાઓ તો ઠીક પણ કોમેન્ટમાં પણ એવું થવા માંડ્યુ છે અને ‘તાળીઓ’ સંભળાય (?) એવી સંવેદનશીલતા પણ નથી. ભણાવામાં એક શોર્ટ સ્ટોરી ભણ્યા હતા, લેખકશ્રીનું નામ ભુલાય ગયું છે (કદાચ શ્રી રામનારાયણ પાઠક) વાર્તામાં ગામડામાંથી એક છોકરો ‘મુકુંદ’ શહેરમાં ભણવા જાય છે અને શહેરી મિત્રો સાથે ફરવા ગામમાં પરત આવે છે. એના શહેરી વર્તનથી માબાપ, બેનને દુઃખ પહોંચે છે. અંતનું એક વાક્ય હૃદય સ્પર્શી છે. મુકુંદ મિત્રોને વળાવવા સ્ટેશને ગયો હોય છે. બેન પિતાને ભાઈના બદલાયેલા વર્તનની ફરીયાદ કરતી હોય છે. પિતા બેનને કહેતા હોય છે હવે મુકુંદ આપણો નથી રહ્યો અને બહારથી ઘોડાગાડીવાળાનો અવાજ આવે છે ‘ એ… મુકુંદ ગયો છે.’ – વાર્તાનો અંત.
  (મુકુંદ મિત્રો સાથે શહેર પરત જતો રહ્યો છે. (માફ કરજો …થોડુંક લાબું થઈ ગયું પણ પચાસ-પંચાવન વર્ષ પછી પણ આ વાક્ય હૃદયમાં કોતરાયેલું છે,)

 2. વાહ !! વાહ !!!!

  વાતનો અંત લાવવા વૈજ્ઞાનીક જ્ઞાન ભલે ન હોય. સમજદારી હોવી જોઈએ અને એ ખરી જરુર હોય ત્યારે હાજર હોવી જોઈએ.

  નેટ, વેબ, ફેસબુક અને બ્લોગજગતનું આ ગેજેટ કહેવાય.

 3. “….. એક વસ્તુની અપેક્ષા રખાય જ : તમારી કૃતિઓને ગમે તેટલી અમૂર્ત કે ગૂઢ બનાવો. પણ તમારા સ્વાનુભવને સર્વાનુભવની એક ન્યૂનતમ એવી સપાટીએ તો પહોંચાડો જ, કે જેથી સરેરાશ સાહિત્યરસિક એની સંજ્ઞા કે પ્રતીકની આળપંપાળમાં પડ્યા વિના પણ એ કૃતિઓનો થોડોઘણો ય ઉપભોગ કરી શકે, અને તમારા મનમાં રમતાં પ્રતીકો પેલા વાચક માટે તૂંબડીમાંના કાંકરા જેવા અગમ્ય ન બની રહે. એટલું થઈ શકે તો સરેરાશ વાચક માટે બસ છે. બાકીના પ્રતીકપ્રેમી ઝીણા વાચકો ભલે સંજ્ઞાર્થોના ઊંડા પાણીમાં ઊતરે….પોતાના જ હિસાબે અને જોખમે.”
  ^ ‘છીંડું ખોળતાં’ – ચુનીલાલ મડિયા (‘વાર્તાવિર્મશ’, એપ્રિલ 2, 1959)

  1. સરસ. સરસ. સરસ. રજનીભાઈ, નીવડેલા વાર્તાકારોના આવાં વિધાનો હજી પણ મૂકવા વિનંતિ. જરૂર પડે તો કષ્ટ ઉઠાવજો. એ મને, તમને અને બીજા મિત્રોને પણ ઉપયોગી થશે.
   ૧૯૮૦ની આસપાસની વાત છે. વડોદરામાં સાહિત્ય પરિષદનું અધિવેશન હતું. ગાંધીનગર ગૃહની બહાર એ વખતના કેટલાક યુવાનોએ ઘાઘરીપોલકાંપહેરીને પ્રદર્શન કર્યું હતું. એમને સાહિત્યકારોને એવો સંદેશો આપવાનો પ્રયાસ કર્યો હતો કે ‘લોકોને સમજાય એવું લખો.’ એ વખતે સામાન્ય વાચકને ન સમજાય એવી ઘણું ઘણું લખાતું હતું.
   આજે, મોટાભાગે સાવ સપાટ, સરળ અને સીધું લખવાનું ચલણ હોય એવું લાગે છે. તો કળાને સાવ હડસેલી ન દેવાના મત ધરાવતા લોકો પણ છે. કળાપ્રેમી અને સરળપ્રેમી સામસામેના છેડે હોય એવું પણ લાગે. ગૂઢ કળા અને સરળતા વચ્ચેંનો કોઈ પ્રદેશ હશે કે નહિ?

 4. વાર્તા અને જીવનની વાતો માં બિન જરૂરી લંબાણ કેવું ત્રાસદાયક હોય છે એ મેં અનુભવ્યું છે , અને મારા એ ભાવોને આ પોસ્ટ થકી હું શબ્દ્સ્વરૂપે જોઈ શક્યો . ફિલ્મ “અર્ધસત્ય” ના અંતમાં પણ છેલ્લે શું થાય છે તે પ્રેક્ષકો પર છોડવામાં આવેલું , આવી અંત પ્રેક્ષકો પર છોડી દે તેવી ફિલ્મો મેં ઓછી જોઈ છે એટલે આ એક જ ઉદાહરણ યાદ આવ્યું.

  1. જ્યારે ટીવી, નેટ વગેરે નહોતાં ત્યારે નવલકથાઓ વચનારોનો મોટો વર્ગ હતો. એમાંથી કેટલાક તો પુસ્તકાલયમાં જતા ત્યારે નવલકથાનું કદ જોઈને જ લેતા. નવલકથા મોટી હોય તો નિરાંત! જલ્દી બદલવા આવવું ન પડે! અને એવી નવલકથાઓ વંચાતી પણ ખૂબ. લાંબા લાંબા વર્ણનો. ચોકલેટી સંવાદો. .. સમય પસાર કરવા માટે પણ પુસ્તકોનો ઉપયોગ થતો.
   આજે તો નાટકો અને ફિલ્મ પણ ટૂંકા થવા લાગ્યાં છે. ટીવી સિરિયલ લાંબી લાંબી ચાલે છે. એને જોનારો વર્ગ છે એવો જ વર્ગ એક સમયે મોટી મોટી નવલકથાઓ વાંચનારો હતો. હજી પણ હશે.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.