ગુજરાતી સાહિત્યના વાચકો છે/નથી.

મિત્રો,  સાક્ષરતા દિનના પાવન પ્રસંગે  આપણી ભાષાના જાણીતા લેખક શ્રી મોહમ્મદ માંકડ દ્વારા લખાયેલા એક લેખની લિંક મૂકવાનું મન થયું છે.   એ લેખની લિંક આ રહી.  

વાચક ક્યાં છે? (કેલિડોસ્કોપ)(Columnist).

આ લેખમાં એમને વર્તમાન સાહિત્ય ક્ષેત્ર બાબત કેટલીક વાતો કહી છે.  એમની ફરિયાદ છે કે: વાચક ક્યા છે?   જેની એકચક્રી સત્તા હતી એવી ચક્રવર્તી વાર્તા કેમ વિલાઈ ગઈ?

વર્તમાન સાહિત્ય ક્ષેત્રનાં વાતાવરણ વિષે પણ એમણે નિરાશા વ્યક્ત કરી છે.  જેમ કે:

*આજે પણ સારી વાર્તાઓ અને નવલકથાઓ લખાય છે, પરંતુ આજના લેખકના હાથમાંથી દોર છૂટી ગયો છે. બજારની રીતે જોઈએ તો આજે બજાર લેખકનું નથી, પરંતુ પ્રકાશકનું છે. આજે ભાગ્યે જ કોઈ લેખકના વાર્તાસંગ્રહની બે કે અઢી હજાર નકલો છપાય છે. હજી દિવાળી અંકોમાં બીજા લેખો સાથે વાર્તાઓ છાપવાનો રિવાજ છે એટલે લેખકોને આમંત્રણો મળે છે, પરંતુ એ તો એક દિન કી સુલતાની છે!

*પરંતુ, આગળ કહ્યું તેમ આજના લેખકને પ્રકાશક ઉપર આધાર રાખવો પડે છે. એ જ રીતે એને વિવેચકો અકાદમીઓ, સાહિત્ય પરિષદો અને અન્ય સાહિત્ય સંસ્થાઓ, યુનિવર્સિટીમાં પાઠયપુસ્તકોની પસંદગી કરનારાઓ ઉપર આધાર રાખવો પડે છે. આજે પણ અમુક માસિકોમાં અને સામયિકોમાં ‘વાર્તા’ વિશે ચર્ચા થાય છે, પરંતુ એમાં વધારે તો મામકાઓની કૃતિઓનો જ ઉલ્લેખ થાય છે. “હું તારી પીઠ થાબડું અને તું મારી પીઠ થાબડ.” એવું ચાલ્યા કરે છે અને જે બીજાની પીઠ થાબડી ન શકે એની પીઠ થાબડવાની તો દૂર રહી એના નામનો ઉલ્લેખ પણ ક્યારેય થતો નથી.

* અત્યારે પણ દૈનિકોમાં હપ્તાવાર છપાતી નવલકથાઓ સિવાયની નવલકથાઓ છાપવા માટે પ્રકાશકો તૈયાર થતા હોય છે. જો એના લેખકો સરકારમાં કોઈક હોદ્દા ઉપર હોય, કોઈક સાહિત્યસંસ્થા કે શિક્ષણસંસ્થા સાથે સંકળાયેલા હોય કે વેચાણમાં પ્રકાશકને ઉપયોગી થઈ શકે તેમ હોય, કારણ કે આજે જમાનો રૂપિયાનો છે. આજે કરોડ બે કરોડ તો જાણે કોઈ હિસાબમાં નથી. આવી સ્થિતિમાં પ્રકાશકો પણ વધુ રૂપિયા મળી શકે તેમ હોય એવો માલ તૈયાર કરવાનું જ વિચારે છે. પ્રકાશકો પાસેથી આપણે ‘સાહિત્ય સેવા’ની આશા ન રાખી શકીએ, પરંતુ પુસ્તક પ્રકાશનનો વ્યવસાય બીજા વ્યવસાય કરતાં જુદો છે. એની સાથે ‘સરસ્વતી’નું નામ જોડાયેલું છે. એ નામ અગાઉ ક્યારેય આટલું અભડાયું હોય એવું યાદ નથી. આજના માણસને આયુર્વેદમાં જેને ભસ્મક રોગ કહે છે એવો રોગ લાગુ પડયો છે. કહે છે કે, જેને ભસ્મક રોગ લાગુ પડયો હોય એ માણસ ગમે તેટલું ખાય તોય એની ભૂખ મટતી નથી. આનો અંત ક્યારે આવશે એ આપણે જાણતા નથી.

*પુસ્તકમેળાઓ થશે, એમાં લાખો રૂપિયાનાં પુસ્તકો પણ ખપશે અને મોટાં શહેરોની અને છેવાડાનાં નાનાં ગામોની લાઇબ્રેરીઓમાં પુસ્તકો ખડકાશે પણ ખરાં, પરંતુ એ પુસ્તકો વંચાશે નહીં. આનો અર્થ એ કે સરકાર ગમે તેવી સારી યોજનાઓ કરે પણ એ યોજનાઓ લોકોને વાંચતા કરી શકતી નથી. ઘોડાને તમે નદીકાંઠે લઈ જઈ શકો છો, પરંતુ પાણી પીવડાવી શકતા નથી.

***************

મિત્રો, આવું  લખાણ કોઈ  નવાસવા કે અપ્રસિદ્ધ લેખકે લખ્યું હોય તો એનું કદાચ વજન ન પડે! કોઈને એમ લાગે કે, આ તો પોતાને જે નથી મળ્યું એની ફરિયાદ  છે.  

પરંતુ, શ્રી મોહમ્મદ માંકડને  તો વાચકો, પ્રસિદ્ધિ , માનસન્માન  … વગેરે બધું જ મળ્યું છે.  એટલે,  ‘દ્રાક્ષ ખાટી છે’ એ કહેવત  અહીં લાગુ પાડી શકાય એમ નથી.  અન્ય  પ્રસિદ્ધ સાહિત્યકારોએ  જે વાત ન કરી એ વાત એમણે કરી છે.   

એક તરફ એવી વાતો સંભળાય છે  કે: ‘ગુજરાતી વાચકો વધ્યા છે.  પુસ્તકોનું વેચાણ વધ્યું છે.  અર્થાત ‘ઓલ ઇઝ વેલ’   તો બીજી તરફ એક જાણીતા સાહિત્યકાર તરફથી જ આકરી લાગે એવી જે  વાત કહેવામાં આવી છે એ વાત પણ હકીકત પર આધારિત હશેને?

સાહિત્ય સાથે સંકળાયેલી સંસ્થાઓમાં બધું હેમખેમ હશે કે પછી જેમતેમ હશે?

એક વાચક તરીકે તમને શું  લાગે છે?

જો તમે થોડુંઘણું લખતા હો તો તમને શું લાગે છે?

ઈન્ટરનેટનું માધ્યમ આવ્યા પછી પરિસ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર થયો છે? થશે? 

ચિંતા કરવાનું નથી કહેતો! મનની વાત કરવાનું કહું છું. 

Advertisements

29 thoughts on “ગુજરાતી સાહિત્યના વાચકો છે/નથી.

 1. યશવંતકાકા,

  મને એમ લાગે છે કે ૧૯૯૦ ના દશકમાં આપણે ત્યાં જે આર્થિક ઉદારીકરણ ચાલુ થયું એના પરિણામે ઉદ્યોગધંધા વધ્યા અને ઉદ્યોગલક્ષી શિક્ષણની જરૂરિયાત વધી. પરિણામે મેડિકલ, એન્જીનિયરીંગ અને મૅનેજમેન્ટ શિક્ષણસંસ્થાઓનો રાફડો ફાટ્યો. આ બધાનો સૌથી વધુ ફટકો કળા શાખાને પડ્યો. શરૂઆતમાં હું કવિતા લખું છું એવું કહેવામાં મને શરમ આવતી. કારણ કે આ સાહિત્ય વગેરે નકામી ચીજ ગણાય છે.

  ઈન્ટરનેટ આવ્યું એનાથી ફાયદો અને નુક્સાન બંને થયા છે. સારા સાહિત્ય સાથે આખા જગતમાંથી જોડાનારા લોકો મળ્યા છે તો બીજી બાજુએ ફેસબુક, ટવીટરના ખોળામાં ચાર પંક્તિથી વધુ અવધાન (attention span) ન હોય એવી એક પેઢી પાંગરી રહી છે. ગુજરાતી ભાષાના પાંચ કવિઓનું નામ ન કહી શકે એવા લોકો ગાલિબ પછી પોતે જ છે એવા ભ્રમમાં રાચે છે. ફેસબુક પર લખાતી ૯૦ ટકા કવિતાઓ કચરો છે એના પર પાછા અબુધોની વાહ વાહ જોઈને હસવું કે રડવું એ જ નક્કી કરી શકતો નથી.

  સરવાળે હું નથી કહી શકતો કે આ બધું ક્યાં જાય છે. બે ફાંટા પડતા દેખાય છે. એક જે કળાનો ખરેખર આનંદ લઈ શકે છે અને બીજો જેને કળા શું છે એની સાથે સ્નાન સુતકનોય સંબંધ નથી. મને એટલી ખબર છે કે હું કાવ્ય લખું છું કારણ કે એમાં નિજાનંદ છે અને બ્લૉગજગતની કૃપાથી એમાં સામેલ થનારા થોડાક સમજુ-સંવેદનશીલ ભાવકો આજેય મળી રહે છે! મરીઝ યાદ આવી જાય છેઃ

  ફકત હું એમના માટે ગઝલ લખું છું મરીઝ
  આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે

  • હેમંતભાઈ,
   તમે પહેલા ફકરામાં જે વાત કહો છો એ બરાબર. પરંતુ, આજના જમાનામાં એન્જીનિયરો કે ડોકટરો બીજા લોકો કરતાં સાહિત્યમાં વધારે રસ લે છે. ઘણા તો સક્રિય પણ છે એ વાત ધ્યાનમાં લેવા જેવી છે. હા, અભ્યાસમાં સાહિત્ય કે કળાની મનપૂર્વકની પસંદગી ઓછી થતી ગઈ હશે.
   કવિ પોતે જ જો પોતાની રુચિ માટે મક્કમ ન હોય તો એને સમાજમા એક કવિ તરીકે ઓળખાવું શરમજનક લાગે! જે લોકોને વિવિધ સંસ્થાઓમાં કવિ તરીકેનો માન મરતબો મળે છે એ લોકોને વાંધો નથી આવતો. સામાન્ય કવિ મુશાયરા સિવાય ખોંખારો ખાઈને વાત કહેવાની સ્થિતિમાં નથી! એટલે જ, તમારા ધ્યાનમાં આવ્યું હશે કે, કવિઓ પોતે જ કવિઓની મજાક ઉડાવતા હોય છે. હાસ્યકારો કે હાસ્યલેખકો તો એકતરફી મજાક ઉડાવે પરંતુ કવિઓ પોતે જ! કેટલાક કવિઓમાં ક્યાંક ને ક્યાંક ‘લઘુતાગ્રંથી’નો ભાવ ડોકિયા કરતો હોય છે. કવિતા લખવી છે પણ કવિ તરીકે ઓળખાવું પણ નથી! 😀
   સાહિત્ય દ્વારા સર્જન થઇ શકે છે પરંતુ મૂડીસર્જનની સંભાવના બીજાં ક્ષેત્રોની સરખામણીમાં ઓછી છે.
   ફેસબુક કે બ્લોગ્સમાં લખાણો લખીને ખુશ થનારાઓનો શો વાંક?ખુશ થવા માટેનો તો આ મંચ છે. એને સાહિત્યના વિકલ્પ તરીકે જ શા માટે જોવો જોઈ? એમનાં પર પણ આસપાસના વાતાવરણની અસર હોય ને? ‘પ્રિન્ટ મીડિયા’માં પ્રગટ થતું અને વખણાતું બધું જ ક્યાં ગુણવત્તાવાળું હોય છે. ત્યાં સ્થાન પામવા માટે ક્યાં ઓછી કવાયતો કરવી પડે છે? હકારાત્મક રીતે જોઈએ તો ઇન્ટરનેટનું માધ્યમ કોઈને પણ આગળ વધવા માટે ખૂબ જ સહાયરૂપ થઈ શકે એમ છે.
   આશા છોડવા જેવી લાગણી નથી. દુનિયા ભલે સંપૂર્ણ સારી નથી પરંતુ એટલી બધી ખરાબ પણ નથી! 😀

   • યશવંતકાકા,

    હું નિરાશા કે આશાની વાત નથી કરતો, આ તો મને જે દેખાય છે એ બસ જણાવી રહ્યો છું. એટલી વાત નક્કી કે લોકોની લાંબી વાત વાંચવા/સાંભળવાની તૈયારી ઓછી થતી જાય છે. બ્લૉગજગતમાં કવિતા ટૂંકીવાર્તા કરતા વધુ વંચાય છે કારણ કે ૨ મિનિટમાં પતી જાય. કવિતામાં ગઝલનો જે રાફડો ફાટ્યો છે એનું કારણ એ જ કે બે પંક્તિથી વધારે અવધાનની જરૂરિયાત નથી. આ બધી આર્થિકનીતિની સામાજિક અસરો છે. ફરી એક વાર કહીશ કે જૂની નહેરુવાળી આર્થિક નીતિ સારી હતી અને દેશે એમાં જ રહેવું જોઈતું હતું એમ નથી કહેતો પણ નવી વ્યવસ્થામાં માણસમાં ઉતાવળ વધી છે, દરેક વસ્તુને પૈસાથી તોલવાની વૃત્તિ વધી છે અને સુક્ષ્મની જગાએ સ્થૂળની માગ વધી ગઈ છે. પણ આ સ્થિતિ પણ બદલાશે. ભગવાન બુદ્ધ કહે છે તેમ સૌથી મોટું યથાર્થ પરિવર્તન છે. પણ એથીય મોટું યથાર્થ એ જ છે કે પરિવર્તન પણ પરિવર્તનીય છે. 🙂

    • તમારી એ વાત બરાબર છે કે: લોકો હવે સાહિત્ય માટે ઝાઝો સમય ફાળવી નથી શકતા. એક સમય એવો પણ હતો કે, નાનાંમોટાં ઘણાં લોકો સમય કાઢીને પુસ્તકાલય તરફ દોટ મૂકતાં. અત્યારે પણ એવું હોવું જોઈએ એમ કહેવા નથી માંગતો. પરંતુ પુસ્તકો મેળવવાની શક્તિ અને સગવડો વધી હોવા છતાં વાચકો બાબત ફરિયાદ કેમ છે?
     તમે જણાવો છો એ મુજબ એટલો હાંફળો ફાંફળો થઈ ગયો છે કે એનો જીવ પુસ્તકમાં પરોવાતો નથી. તમે તો ત્યાં સુધી જણાવો છો કે એની પાસે ટૂંકી વાર્તા વાંચવાની પણ ધીરજ નથી! … પણ હેમંતભાઈ, આ જ માણસ પાસે ટીવીની સિરિયલ જોવા માટે તો સમય હોય છે! કમ્પ્યુટર પર બેસવાનો સમય હોય છે. ભલે ટીવીના કાર્યક્રમો માટે ટીકાઓ થતી હોય પરંતુ એમાં આપણને રસ પડે એવું હોય છે એ પણ ધ્યાનમાં રાખવું પડે!
     તમારા કહેવા મુજબ વાચકો પાસે સમય,,અને ખંત નથી. પણ હેમંતભાઈ , એવું તો નથીને કે લેખકો પાસે પણ સમય અને ખંત નથી! વાર્તા કે નવલકથા વધારે માવજત માંગે એટલે ઉપર ઉપરથી સહેલી લાગતી ગઝલ તરફ વળ્યા હોય. હું નથી માનતો કે કવિતા કે ગઝલ રચવી સહેલી હોય.કદની બાબતમાં સહેલી લાગે પરંતુ ગુણવત્તાની બાબતમાં તો એ પણ અઘરી જ ને? ,
     વાચકો તો ભૂખ્યાતરસ્યા હોય પણ લેખકો સુકાઈ ગયા હોય એવું તો નહિ બન્યું હોય? વાચકોને જે જોઈએ એ મળતું ન હોય એમ પણ બનેને?

 2. પરિસ્થિતિનું મારું અવલોકન પણ કંઈક આવું જ છે.
  http://bestbonding.wordpress.com/2013/02/27/rataniyo/
  શ્રી માંકડ સા. જેવાને સમજવાની/ માણવાની ક્ષમતા હવે રહી છે ? જો ક્ષમતા હોય તો ‘રસ’ છે ? ફેઈસબુક પર લટાર મારો – કટપેસ્ટની મોજેમોજ અને બે ઘડીની મોજ. મનમાં કે હૃદયમાં અંદર કોને ઉતરવું છે ? કદાચ ‘રસહીન થઈ ધરા…’ની જેમ સંવેદનાનો પ્રવાહ ‘સરસ્વતી’ની જેમ ખોવાય ગયો છે.
  લગભગ બધા ‘હું’ અને મારું’ માં ગોઠવાય ગયા છે, અને તેનો ‘વિકાસ’ એ આજની વિકાસની પરિભાષા છે.
  (‘સ્વ વિકાસ’ ની વ્યાખ્યા બદલાય ગઈ છે.)
  હવે તો લેનારની ચિંતા કર્યા વગર આપનારે ‘આપવાનું’ છે, જો આપવું હોય તો !

  • શ્રી મોહમ્મદ માંકડે પોતાના લેખમાં છેલ્લે લખ્યું છે કે; ‘આટલું લખ્યા પછી એક છેલ્લી વાત કહી દઉં. હું હંમેશાં આશાવાદી રહ્યો છું, એટલે મને શ્રદ્ધા છે કે ‘વાર્તા’, ‘કથા’ ક્યારેય મરવાની નથી.’
   એમની એ વાત સાથે સહમત થવું ઠીક લાગે છે. … મને તો લાગે છે કે: વાર્તા કે કથા હજી મરી નથી. પરંતુ એને ધક્કે ચડાવી દીધી છે!
   ફેસબુકને દોષ આપવાનું મને ઠીક નથી લાગતું. એ માધ્યમ જ અલગ છે. એને સાહિત્યના વિકલ્પ તરીકે ન જોઈ શકાય. એમાં સાહિત્ય મળે પણ ખરું અને ન પણ મળે. લેતા આવડે તો એમાંથી ઘણા લાભ મળી શકે એમ છે. એ એક એવો મંચ છે કે જ્યાંથી સહુને મનગમતું મળવાની સંભાવના છે! મોટાભાગે એ યુવાન લોકો માટે મજાકમસ્તીનો મંચ છે , છતાંય ત્યાં બધું નકામું તો નથી જ.
   હા, વ્યાપ વધતો જાય છે .. પરંતુ ઊંડાણ ઘટતું જાય છે. અને એ આજના સમયની તાસીર છે.

 3. એક વાચક તરીકે મને લાગે છે કે સારી વાર્તાઓ લખાય અને યોગ્ય રીતે રજુ કરવામાં આવે તો આજેય વંચાય. જગદીશભાઈની વાત પણ બરાબર લાગે છે કે હવે તો લેનારની ચિંતા કર્યા વગર આપનારે ‘આપવાનું’ છે, જો આપવું હોય તો !

  નીલમ બહેન દોશી જેવા કેટલાક લોકો આજેય નીયમીત રીતે વાર્તાઓ પીરસે છે અને તેમને વાચકો યે મળી રહે છે.

 4. ૧૯૬૩, ૧૯૬૪ અને ૧૯૬૫માં આઠમી, નવમી, દસમીમાં ગામડામાં છાત્રાલયમાં રહી અભ્યાસ કરતો હતો અને ગામની લાયબ્રેરીમાંથી પુસ્તકો લઈ વાંચન શરું કર્યું.

  લા મીજરેબલ પ્રથમ ભાગ નવમીમાં ગુજરાતીમાં વાચેલ.

  ૧૧મી પછી મુંબઈ આવ્યો અને અંગ્રેજી છાપા અને મેગેજીન વાંચવાનું શરુ થયું.

  ગુજરાતી સાહીત્ય પરીષદનો સભાસદ વર્ષોથી અને ક્યારેક હાજરી પણ આપું પણ એ બધું યંત્રજેમ. દસમી પછી લાગણીઓ ગાયબ થઈ એ પાછી ન આવી.

  કોમ્યુટર ૧૯૮૯થી, ઈન્ટરનેટ ૨૦૦૧થી, યુનીકોડ ૨૦૦૧, બ્લોગ ૨૦૦૫થી અને ફેસબુક આવ્યા પછી કોશીસ કરું કે બધે કોમેન્ટ લખું.

  યુનીકોડ જેમ ગુજરાતીમાં ટાઇપ કરી શકું છું અને કોમેન્ટ લખી લખી આનંદ મેળવું છું.

  • દરેક વયના લોકો પુસ્તકાલયમાં જતા અને વિવિધ પુસ્તકો વાંચવા માટે લઈ આવતા.એ દિવસો ઘણાને યાદ આવતા હશે. આજે સરકારી પુસ્તકાલયો સૂનાં સૂનાં હોય છે. વાંચવું હોય એમના માટે બીજા રસ્તાઓ ખૂલ્યા છે. નવું નવું લખાય અને પણ આકર્ષક રીતે એ જરૂરી છે.

 5. સાહિત્યક્ષેત્રને ખરો ધક્કો તો આર્થિક ઉદારીકરણનો લાગ્યો છે.પ્રકાશકો તો પહેલાં પણ વ્યવસાય જ કરતા હતા. પ્રકાશકો રૉયલ્ટી ન આપતા હોવાની ફરિયાદ આજથી ચાલીસ વર્ષ પહેલાં પણ હતી જ. આમ સાહિત્યનું આર્થિક મૂલ્ય તો પહેલાં પણ નહોતું. જો કે વિદેશોમાં લેખકોના એજન્ટો હોય છે, તેઓ જ પ્રકાશનો કરાવતા હોય છે. ત્યાં પૈસા પણ ઢગલાબંધ મળે છે. ભારતમાં સ્થિતિ વધારે બગડી છે? કદાચ આજે વાંચનારા નથી મળતા.

  • ઉદારીકરણને કારણે બધું મુલ્યમાં ફેરવાઈ ગયું. ગુજરાતમાં ગુજરાતી ઉપર વધારે ભાર આપવાના અખતરાએ શહેરના બાળકને અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રવેશ માટે પ્રોત્સાહન આપ્યું અને સફળતા જોઈ અંગ્રેજી માટે વધારે આકર્ષણ થયું. મુંબઈમાં હવે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, શાકભાજી મારકેટ એમ ઠેક ઠેકાણે ઈન્ટરનેશનલ પ્રાથમીક શાળાઓની જાહેરાતો દેખાય છે.

  • તમારી વાતનો પડઘો આ સમાચારમાં પડે છે. http://gujaratsamachar.com/index.php/articles/display_article/writer-amish-tripathi-wins-record-1-million-advance#.UTVnXRWAP0Y.facebook
   નવી દિલ્હી, તા.4
   અંગ્રેજી લેખન વિશ્વમાં એડવાન્સ રકમ ચુકવવાની પ્રથા છે. મતલબ કે કોઈ લેખક તેનું પુસ્તક લખે એ પહેલાં જ તેને એ પુસ્તક માટે રકમ ચુકવી દેવામાં આવતી હોય છે.
   થોડા સમય પહેલા અમિષે લખેલી ધાર્મિમ કલ્પપનાકથા ધ ઓથ ઓફ વાયુપત્રની 5 લાખ કરતાં વધારે નકલો વેચાઈ ચુકી છે. ભુતકાળમાં ભારતીય લેખકો વિક્રમ શેઠ અને અમિતાવ ઘોષ આવી સિદ્ધી મેળવી ચુક્યા છે
   જે સિરિઝ લખવા માટે આ રકમ ચુકવાઈ છે એ સિરિઝ પણ કોઈ હિન્દુ ધાર્મિક કલ્પનાકથા જ હશે
   *********************************************.
   દીપકભાઈ, “ગુજરાતી લેખકોને મળતું વળતર” એ હાસ્યલેખકો માટેનો એક માનીતો વિષય હતો અને હજી પણ છે! તમારી વાત માનીએ તો, પ્રકાશકો પૂરું વળતર નથી આપતા માટે પ્રતિભાશાળી લેખકો નથી તૈયાર થતા. અને એટલે વાચકો પણ નથી મળતા.
   પરંતુ, કેટલાક લેખકો તો પૂરી તાકાતથી કહે છે કે ” આજની તારીખે પણ વાચકો છે છે અને છે.. અમને તો મળી રહે છે. વાચકો નથીની ફરિયાદ જ ખોટી છે!”
   જો કે એવા લેખકોનું પ્રમાણ ઓછું હશે પણ એવા લેખકો છે એ પણ હકીકત છે.
   ઉદારીકરણથી તો વાચકોને ફાયદો થવો જોઈએ! થયો જ હશે!

   • ઉદારીકરણનો ઘણો ફાયદો થયો છે. મસાણના ઘોરખોડીયા અને લાકડા વેંચનારા નવરા હતા તે બધા કામે લાગી ગયા છે.

    મુંબઈમાં બે પારીમાં ૩૦૦૦ વીદ્યાર્થીઓ ભણતા હતા એવી ગુજરાતી મરાઠી શાળાઓ બંધ થઈ ગઈ અને મોંઘી ફી વાળી અફલાતુન ઈન્ટરનેશન શાળાઓ આવી ગઈ.

    પ્રવેશ વખતે શાળાના અધીકારીઓ સમક્ષ હાજર થવા મા બાપ કલાસ અને ટયુશન લે એ જમાનો આવ્યો.

    માસ્તર મારા છોકરાને ખેડ માટે રજા આપો એ જમાનો ગયો.

    • ઉદારીકરણનો વિરોધ થઈ શકે એવું હવે રહ્યું નથી. નવરા લોકો કામે લાગી જાય એ તો આનદની વાત છે. ભૂખ્યાં રહીને તો બજાનમાં પણ રસ ન પડે તો સાહિત્યમાં તો ક્યાંથી પડે! અંગ્રજી માધ્યમની શાળાઓ વધતી જાય છે એ પણ હકીકત છે. એ બાબતની ટીકાઓ પણ ખૂબ જ થઇ છે અને થઈ રહી છે. આ મુદ્દાને માત્ર પોતાની નજરથી જોવાથી કામ નહિ ચાલે. એવું કેમ થયું એ સામાજિક નજરે જોવું પડશે. ઝૂંપડાંમાં રહેનારા કેટલાક લોકો પણ બાળકોને લઈને અંગ્રેજી માધ્યમની શાળાઓ તરફ દોટ મૂકે છે તો એ માટેનાં તાકાતવાન પરિબળોને પણ ધ્યાનમાં રાખવા જોઈએ. માબાપ માટે એ પ્રથમ જરૂરિયાત કેમ બની ગઈ એ સમજવું જરૂરી છે.
     જે થયું એ થયું પરંતુ હજી થઈ શકે એમ છે? લોકોને દિવસ દરમ્યાન આર્થિક પ્રવૃત્તિઓમાંથી સમય કાઢીને પોતાને રસ પડે એવી પ્રવૃત્તિઓમાં જોડાઈ જવાનું ગમતું હોય છે. આવી પ્રવૃત્તિઓમાં ગુજરાતી સાહિત્યને કોના દ્વારા કેટલું સ્થાન મળે છે? ગુજરાતી સાહિત્યમાં રસ પડવો એ મોટી વાત છે. જો એવો રસ હશે તો કોઈ બહાનાં નહિ નડે. એ બહાનાં ગૌણ બની જશે.

   • શ્રી યશવંતભાઈ,
    લેખકની પ્રતિભાને હું વળતર મળવા/ન મળવા સાથે જોડતો નથી. મારૂં કહેવાનું એ છે કે પ્રકાશકો માત્ર નફો થઈ શકે એવા પુસ્તકો જ લેશે. આથી જે ખરેખર લેખક છે અને લેખનને જ વ્યવસાય બનાવવા માગે છે, તેના માટે મુશ્કેલી છે. વિદેશોમાં પ્રકાશકો પુસ્તક લખાયા પહેલાં જ ઍડવાન્સ રૉયલ્ટી આપી દે છે. નફો તો એ પણ કરતા હશે, પરંતુ તેઓ નફો કરવા માટે જોખમ ખેડે છે. અને લોકોની અભિરુચિને પણ ઍડવાન્સમાં કેળવે છે. પરિણામે પુસ્તક બહાર પડે ત્યારે એ વેચાય પણ છે અને નફો પણ થાય છે.
    આપણે ત્યાં પ્રકાશકો માની લીધેલી અભિરુચિની પાછળ ચાલે છે. કશું જોખમ લઈને બજારને પોતાની તરફ વાળવા તૈયાર નથી. પરિણામે અભિરુચિ પણ વાડકાના મંકોડાની જેમ એક સીમાની અંદર ફર્યા કરે છે.
    જે લેખકો કહેતા હોય કે એમને વાચકો મળી રહે છે, તો શું એમની નકલો વીસ-ત્રીસ હજાર છપાય છે? એક અઠવાડિયામાં રીપ્રિન્ટનો ઑર્ડર આપવો પડે છે? છેલ્લાં વીસ વર્ષમાં ચકચાર જગાવી હોય એવાં કેટલાં પુસ્તક બહાર પડ્યાં? વળી આવાં પુસ્તક લખનારા લેખક મોટા ભાગે કૉલમ-રાઇટર હશે અથવ તો એમની નવલકથા શ્રેણીબદ્ધ અખબારમાં છપાતી હશે. આમ પુસ્તક કરતાં નામ પહેલાં પ્રચલિત થઈ ગયું હોય છે. નામ નહીં તો પુસ્તક નહીં.
    તમે જોઈ શકશો કે અહીં મેં માત્ર બજારની દૃષ્ટિએ જ વાત કરી છે. સાહિત્યની દૃષ્ટિએ નહીં. આજે તો જૂના જમાનાના રસિક મહેતા કે કોલક પણ છપાય એમ નથી!

    • સંપૂર્ણ સહમત.
     “પ્રકાશકો માત્ર નફો થઈ શકે એવા પુસ્તકો જ લેશે.” … એ પણ ધંધો લઈને બેઠા છે. શા માટે ખોટનો ધંધો કરે? પરંતુ એ લોકો જરા પણ જોખમ લેવા તૈયાર નથી એ પણ હકીકત છે. એનાથી વિપરીત એવા પુસ્તકો પણ છપાય છે કે જેમના માટે લેખકો અને પ્રકાશકોને ખ્યાલ હોય છે કે આ બધા ઝપાટાબંધ વેચાવાના નથી. છતાય એ છપાય છે.. જમણવાર સહિતના . વિમોચનનાં કાર્યક્રમો થાય છે . મતલબ કે પ્રકાશકોને ગુણવત્તા સાથે હમેંશા સંબંધ ન પણ હોય. લેખક કે કવિ પોતે જ જોખમ લઈને પોતાના ખર્ચે પુસ્તકો છાપાવતો હોય તો એમને શા માટે વાંધો હોય? ..પ્રકાશક અને પ્રિન્ટર વચ્ચેની ભેદરેખા ભુંસાઈ રહી છે? પોતાના જોખમે પુસ્તકો છાપાવાવાનું ચલણ વધ્યું છે. કેટલાક પુસ્તકો વેચાવા માટે નહિ પણ વહેંચાવા માટે પણ છપાતાં હોય છે. 😀

     • ખરેખર જ આજે પબ્લિશર અને પ્રિંટર વચ્ચેની ભેદરેખા ભુંસાઈ જવા લાગી છે. લેખકો પણ નવા જમાનાને સમજીને ચાલે એ જરૂરી છે. પોતાનાં ઓજારોને નવો ઘાટ તો આપવો જ પડશે. “મને દુનિયાની પરવા નથી” એવો ભાવ હોય તો છપાવવાની કડાકૂટમાં જ ન પડવું.કારણ કે દુનિયાને તો તમારી પરવા તો ઠીક, જરૂર પણ નથી!

    • તમારી એ વાત પણ સાચી કે: છેલ્લાં વીસ વર્ષમાં ચકચાર જગાવી હોય એવાં કેટલાં પુસ્તક બહાર પડ્યાં? વળી આવાં પુસ્તક લખનારા લેખક મોટા ભાગે કૉલમ-રાઇટર હશે અથવ તો એમની નવલકથા શ્રેણીબદ્ધ અખબારમાં છપાતી હશે. આમ પુસ્તક કરતાં નામ પહેલાં પ્રચલિત થઈ ગયું હોય છે. નામ નહીં તો પુસ્તક નહીં.
     *******
     આ વાતનો અર્થ એ થયો કે લેખક પાસે પ્રચલિત થવા માટે છાપાં કે બહુ જ જાણીતાં સામાયિકો [જે ગણ્યાંગાંઠ્યાં છે] એ જ આધાર છે. અને એ આધારની પણ મર્યાદા છે કે એ વધારે લેખકોને ન મળે. લેખકે પોતે જ જોર દાખવીને પ્રચલિત થવું રહ્યું. એને પણ થોડાઘણા ધંધાદારી થવું રહ્યું. ઓલિયા લેખક હોવું પૂરતું નથી.
     સામાન્ય વાચકો પાસે છાપા છે અને જાણીતાં સામયિકો છે. એ સિવાય એણે સાહિત્યની સરકારી અને અર્ધા સરકારી સંસ્થાઓ તરફ જવું રહ્યું..

 6. Most modern Gujarati writers/publishers show no interest in promoting Gujarati literature and Gujarati Lipi at national level by writing Hindi in India’s simplest Shirorekhaa free Gujarati script.Some writers write books based on ideas from English and Urdu literature.
  Why buy books when you can read them on line for free?
  In internet age viewers prefer short, facts finding articles.

 7. આપનો લેખ વાંચ્યા પછી લાગે છે કે હવે માર્કેટિંગ ના જમાના માં જે વેચાય છે તે વંચાય એ જરૂરી નથી પણ જે વંચાય છે તે જ વેચાય છે …અને બ્લોગ જગત માં આવ્યા પછી જે બ્લોગમાં વાચક મળે છે એનો મતલબ છે કે ગુજરાતી રચના વંચાય જ છે …કોઈ પણ જાતની જાહેરાત વગર કે કોઈ માહિતી આપ્યા વગર ચુપચાપ મારા વિચારો વ્યક્ત કરવા આ માધ્યમે મને સમજાવ્યું છે કે વાચક તો મળી જ જાય છે …પ્રિન્ટીંગ માધ્યમ માં ખુબ સ્ટ્રગલ કરવી પડે છે …અને કોઈ પ્રકાશક પોતાની સમજ પ્રમાણે આપણી કૃતિ ને મુલવે એની કરતા સીધા જ વાચક વર્ગ સુધી પહોંચવાનો રસ્તો બ્લોગ બન્યા ….હા કમાણી નથી એ સ્વીકાર્ય છે …પણ એકવીસમી સદીમાં મોબાઈલ માં નેટ ની સગવડ સાથે બહોળા વાચક વર્ગ સુધી પહોંચી શકાયું છે …અને અજાણ્યા નામો ની કેટલીક ખુબ સુંદર કૃતિઓ વાંચીએ ત્યારે લાગે કે એ કદાચ ખ્યાતનામ રચનાકાર કરતા પણ ખુબ ક્ષમતા ધરાવે છે ….બસ બ્લોગ વેચાતા નથી માત્ર વંચાય છે …પણ લખવાની કળા ને જીવંત રાખવાનું એકવીસમી સદીનું માધ્યમ …..આપનો લેખ ગમ્યો …શબ્દો ચોર્યા વગર સીધી ને સટ વાત કરી ….

 8. આપ જે કહેવા માંગો છો એ સાથે હો છો એ વાતની સાથે સહમત.
  પરંતુ માર્કેટિંગના આ જમાનામાં ન વંચાતું પણ વેચાઈ શકે છે! 😀 જેમ કે છાપામાં આવતું બધું જ બધા લોકોથી વંચાતું નથી. વાંચવા જેવું હોતું નથી.
  બ્લૉગલેખન માટે હકારાત્મક વિચારો માટે ધન્યવાદ. આશા રાખીએ કે વધારે ઉજળું જોવા મળે. હા, પ્રિન્ટના માધ્યમમાં સંપાદક કે તંત્રી હોય કે જે ગુણવત્તાનું ધ્યાન રાખે.બ્લૉગલેખનમાં તો… અપની તો પાઠશાલા! ન કોઈ રોકનેવાલા…
  http://wp.me/phscX-1 આ લિંક પર મારું લખાણ વાંચી શકો છો.

  આપની એ વાત ખાસ ગમી કે : પ્રકાશક પોતાની સમજ પ્રમાણે આપણી કૃતિ ને મુલવે એની કરતા સીધા જ વાચક વર્ગ સુધી પહોંચવાનો રસ્તો બ્લોગ બન્યા ….હા કમાણી નથી એ સ્વીકાર્ય છે …પણ એકવીસમી સદીમાં મોબાઈલ માં નેટ ની સગવડ સાથે બહોળા વાચક વર્ગ સુધી પહોંચી શકાયું છે …અને અજાણ્યા નામો ની કેટલીક ખુબ સુંદર કૃતિઓ વાંચીએ ત્યારે લાગે કે એ કદાચ ખ્યાતનામ રચનાકાર કરતા પણ ખુબ ક્ષમતા ધરાવે છે ….બસ બ્લોગ વેચાતા નથી માત્ર વંચાય છે …પણ લખવાની કળા ને જીવંત રાખવાનું એકવીસમી સદીનું માધ્યમ
  … આભાર.

 9. ખુબ રસપ્રદ ચર્ચા ચાલે છે. મને એક નવો તર્ક સુઝે છે – માંકડસાહેબ જે લેખકોનો ઉલ્લેખ કરે છે, તેવી હૃદય સુધી પહોંચી શકતી વાર્તાઓ, નવલકથાઓ લખનાર લેખકો રહ્યા નથી (કદાચ એ સમજનાર વર્ગ ખુબ ઓછો રહ્યો છે આથી નવા લખનાર લખવા તૈયાર નથી થતા), જે ખરેખરો વાંચક વર્ગ હતો તે આજે સીનીયર સીટીઝન થઈ ગયો છે, (બ્લોગીંગ કરનારાઓનું વિશ્લેષણ કરીએ તો કંઈક આવી સ્પષ્ટતા મળે છે.) આ વર્ગ મુળ તો ‘વાંચક’ હતો, હવે તે પોતાના વિચારો રજુ કરે છે પણ ‘લેખક’ તો નથી જ. યશવંતભાઈનો તર્ક – વાંચકો તો ભૂખ્યાતરસ્યા હોય પણ લેખકો સુકાઈ ગયા હોય એવું તો નહિ બન્યું હોય? વાચકોને જે જોઈએ એ મળતું ન હોય એમ પણ બનેને? – યોગ્ય જ છે. અમે નાના હતા ત્યારે ‘શિષ્ટ વાંચન’ની પરીક્ષાઓ લેવાતી જેમાં એક પુસ્તકનો વિધ્યાર્થીએ અભ્યાસ કરવાનો રહેતો, આમ ‘વાંચનભુખ’ નિશાળના માધ્યમ દ્વારા ઉઘડતી, હવે તો બાળકો હોમવર્કમાંથી જ ઉંચા નથી આવતા. ફેઈસબુક જેવી સોશીયલ સાઈટસ સારી છે પણ તેમાં છીછરાપણું વધારે છે અને આવી બાબતો નો વધુ સહવાસ માનવીને વધારે છીછરો બનાવશે.
  પ્રીન્ટ મીડીયા કરતા ઇન્ટરનેટ વધારે અસરકારક બની શકે તેમ છે પણ તેનો વ્યાપ જોઈએ તેવો ‘ગુજરાત’ અને ‘ગુજરાતી’ માં નથી. ગુજરાતીનો વ્યાપ વધારવાના પ્રયત્ન કરનારા મિત્રો પણ ચોક્કસ પ્રકારના ‘વિચારો’ માં ઘેરાયેલા છે પણ ભાઈ હેમંત કહે છે તેમ ‘… એથીય મોટું યથાર્થ એ જ છે કે પરિવર્તન પણ પરિવર્તનીય છે.’
  અને છેલ્લે માંકડ સા. કહે છે તેમ આશા અમર છે.
  (બાકી કોમેન્ટ કરનાર મિત્રોની મેચ્યોરીટી જોઈ ખુબ આનંદ થયો ! આવા જ મિત્રોનો સમુહ રચાતો જશે, વધતો જશે અને ફરી સંવેદના જગાવનારા લખાણો ચોક્કસ મળશે.)

  • કેટલાંક ગુજરાતી સામયિકોમાં કળાત્મક છતાંય સામાન્ય વાચકને સમજાય અને રસ પડે એવી રચનાઓ પ્રગટ થતી. એ સામયિકોનો બહોળો વાચક વર્ગ પણ હતો. વિવિધ કારણોસર એ બંધ થઈ ગયાં. આજે છાપાઓમાં ક્યાંક ક્યાંક સારી રચનાઓની વાંચવા મળે છે. પરંતુ મોટાભાગે છાપાઓના સંચાલકોને એ બાબતની ફિકર ઓછી હોય એવું જણાય છે. …. છાપાઓના વિવિધ ખાનાઓ ભરાય છે. નિયમિત લખનારાઓ ની પણ મર્યાદા હોયને? વાચકો અને લેખકો પાસે છાપાઓ અને થોડાંઘણાં સામયિકો સિવાય કોઈ સાધનો રહ્યા નથી. એક તરફ ટોચે બેઠેલા વિદ્વાનો નીચે ઉતારવા તૈયાર નથી તો બીજી તરફ એવા પણ લેખકો છે જેમને વાચકો જ નહિ પણ વાચકોનો પ્રેમ પણ મળે છે!
   જાણીતા લેખક સૌરભ શાહનું આ લખાણ વાંચવા જેવું છે જે એમને છેક ૧૯૯૫મા લખ્યું હતું…
   http://saurabh-shah.com/2011/07/29/vachak-bhagi-gayo-ke-lekhak-khali-thai-gayo/

   • સૌરભભાઈએ યોગ્ય જ કહ્યું છે – “શું વાચક મરી પરવાર્યો છે એવો પ્રશ્ન પુછવાનું કોઈને મન થાય ત્યારે એણે પહેલાં તો એ પુછવું જોઈએ કે વાચકને જીવનના સત્યોની પ્રતીતિ કરાવી શકે એવા કેટલા લેખકો અત્યારે હયાત છે ?……” એમનું ‘વિચારધારા’ બંધ થયું એનું ખરેખર ખુબ દુઃખ થયું. મારી એક પોસ્ટમાં તેમનો ટેકો લીધો છે –
    http://bestbonding.wordpress.com/2013/01/20/negativity/
    વાસ્તવિકતાનો પરિચય પણ ‘નેગેટીવીટી’ થી થઈ શકે તે આ પોસ્ટ પછી સમજાયું.

 10. webgurjari.in પર આ લેખ વિશેની લિંક મૂકી છે’ લખાણ આ પ્રમાણે છેઃ
  “સૌની ચિતાનો વિષય – ગુજરાતીને વાચકો છે ?
  મોહમ્મદ માંકડ જેવા સિદ્ધહસ્ત લેખકને સ્પર્શી ગયેલી ચિંતા આપણા સૌની પણ છે. આપણા સૌ વતી જ હોય જાણે, તેમ શ્રી યશવંત ઠક્કરે પોતાના બ્લૉગ ‘અસર’ પર આ આખા લેખને બહુ યોગ્ય રીતે મૂકી આપ્યો છે. વળી બહુ જ યોગ્ય રીતે વાચકોએ તેનો પડઘો સમદુખિયા બનીને પાડ્યો જણાય છે.
  વેબગુર્જરી આ વાતની ગંભીરતા સમજીને સૌને તેના તરફ ન પ્રેરે તે ન બને. આ લિંક દ્વારા સૌ વાચકો ‘અસર’ની અસર પામીને આ ચિંતા અંગે ચિંતન કરશે તો લેખક–બ્લૉગર બન્નેની મહેનત જરૂર ફળશે.
  વાંચો આ લિંક પર –
  (અહીં તમારા બ્લોગની લિંક આપી છે).

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s