जिंदगी इत्तेफ़ाक हैं!

અસર, વાયરા

જિંદગી એટલે અણધાર્યા અવસરોનો સરવાળો

જિંદગીમાં આયોજન જરૂરી છે. ધંધા, વ્યવસાય, શિક્ષણ, ઉજવણી, સામાજિક પ્રસંગો વગેરેમાં તો આયોજન ખૂબ જ મહત્વ ધરાવે છે.  એમાં ‘હરિ ઇચ્છા બળવાન’ વાળી વાત ચાલતી નથી. ધાર્યું પરિણામ ન મળે ત્યારે ભલે ‘હરિ ઇચ્છા બળવાન’ એમ માનવું પડે, પરંતુ કાર્યની શરૂઆતમાં તો આપણે આયોજનને જ મહત્વ આપતા હોઈએ છીએ.

છતાંય, એ વાત પણ માનવી જ પડશે કે, જિંદગીમાં કેટલીક નાનીમોટી ખુશીઓ આપણને વગર આયોજને પણ મળી જતી હોય છે.  કોઈ માણસ પોતાના ઘરના દરવાજે પતંગિયાનું સુંદર ચિત્ર મુકાવીને ખુશ થવાનું આયોજન કરી શકે છે. પરંતુ ક્યારેક કોઈક જીવતુંજાગતું, સાચુકલું પતંગિયું ઊડતું ઊડતું એના ઘરના દરવાજે આવીને બેસી જાય અને એ જોઈને એને જે ખુશી થાય, એ ખુશી મેળવવા માટે એણે કોઈ જ આયોજન કર્યું હોતું નથી. અરે, એ પતંગિયાને તસવીરમાં કેદ કરવા માટે એને કેમરો પણ હાથવગો હોતો નથી!  કોઈ માણસ જાણીતી જગ્યાએ પ્રવાસે જાય ત્યારે પ્રવાસમાં વચ્ચે કોઈ અજાણી જગ્યા પણ આવે. એ અજાણી જગ્યાએ એને એટલો બધો આનંદ મળે, જેટલો આનંદ એને પેલી જાણીતી જગ્યાએથી પણ ન મળ્યો હોય. એ જગ્યાની મુલાકાત માટે એણે આયોજન પણ ન કર્યું હોય.

ખુશી તો અણધારી ગમે ત્યાંથી મળી જાય. મોંઘેરી હોટેલના બદલે ફૂટપાથ પરના ધાબા પરથી પણ મળી જાય. તમે ઘરની બારી પરથી પરદો હટાવો ને તમને મેઘધનુષ જોવા મળી જાય. વતનની દૂર એવી કોઈ જગ્યાએ વર્ષો પછી વતનનો કોઈ માણસ ભેગો થઈ જાય. તમે મનમાં ઉદ્વેગ લઈને મંદિરે ગયા હો અને કોઈ સાવ અજાણી વ્યક્તિ કોઈ પણ સ્વાર્થ વગર તમને ‘જય શ્રી કૃષ્ણ’ કહે અને તમારું મન શાંત થઈ જાય. તમે જવા ખાતર કોઈ પ્રસંગમાં ગયા હો અને ત્યાં કોઈની સાથે કાયમી મિત્રતા બંધાઈ જાય. ફેસબુક પર ભૂલથી કલિક થઈ જાય, કોઈને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલાઈ જાય, એ ફ્રેન્ડ બનેલી વ્યક્તિ સુખદુઃખમાં તમારી સાથે રહે, એવું પણ બને. જીવનમાં ખુશી માટે અઢળક અઢળક શક્યતાઓ છે. બસ, એને વધાવી લેવી પડે.

રતનભાઈ નામે મારા એક પરિચિત સજ્જન, એમના પોતાના આયોજન મુજબ સફરમાં નીકળ્યા. તેઓ એક બસ ચૂકી ગયા. એમને ખૂબ જ અફસોસ થયો. મોડેથી એમણે  બીજી બસ પકડી. એમને એ બસમાં ઊભાં ઊભાં મુસાફરી કરવી પડી. વચ્ચે એકાદ સ્ટેશન પર બસમાંથી થોડા મુસાફરો ઊતર્યા, એથી રતનભાઈને બેસવા માટે જગ્યા મળી ગઈ. એમણે બાજુમાં બેઠેલા મુસાફર સાથે વાતચીતની શરૂઆત કરી. એ બંનેના રસના વિષયો સરખા હોવાથી એમની વચ્ચે ઘણી વાતો થઈ. છૂટા પડતી વખતે રતનભાઈને એ નવા પરિચિત મુસાફરે પોતાનું ‘વિઝિટિંગ કાર્ડ’ આપ્યું. એ કાર્ડના લીધે રતનભાઈની જિંદગીમાં મોટું પરિવર્તન આવ્યું. બન્યું એવું કે, એ કાર્ડના આધારે એ બંને વચ્ચે વારંવાર મુલાકાતો થઈ, જે મુલાકાતોએ રતનભાઈને એમનો વ્યવસાય જમાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. એ મુલાકાત રતનભાઈ માટે  ચમત્કારિક જ ગણાયને? રતનભાઈએ પોતાના વ્યવસાયના વિકાસ માટે મળેલી તકનો લાભ લેવા માટે પૂરતું આયોજન કર્યું હતું, પરંતુ એ બંને વચ્ચેની પહેલી મુલાકાત માટેનું આયોજન કોણે કર્યું હશે! રતનભાઈ એક બસ ચૂકી જાય અને બીજી બસ પકડે એ કારસો કોણે રચ્યો હશે!

‘છોટીસી મુલાકત પ્યાર બન ગઈ’ એ વાત માત્ર ફિલ્મોમાં જ નથી બનતી, હકીકતમાં પણ બનતી હોય છે. એવી મુલાકાત મોટાભાગે  આકસ્મિક જ હોય છે! કોઈ યુવાન કે યુવતી પ્રેમમાં પડવાનું આયોજન કરીને કે ચોઘડિયાં જોઈને ઘરેથી નથી નીકળતાં! પછી, એમનાં લગ્ન માટે ચોઘડિયાં જોવાય અને નાનાંમોટાં આયોજનો થાય એ જુદી વાત છે.

વિજ્ઞાનની કેટલીય શોધખોળોમાં અકસ્માતે પણ ભાગ ભજવ્યો છે! એવા અકસ્માતો વિશે ઘણું ઘણું લખાયું છે. પરંતુ કેટલીય સ્વાદિષ્ટ વાનગીઓ બનવવાની રીતની શોધ પણ અકસ્માતે જ થઈ છે. કહેવત છે કે: ‘બનાવવા ગયા’તા કંસાર અને બની ગઈ થૂલી.’ એ કહેવત મુજબ જે બનાવવું હોય એ ન બને અને બીજું કશુંક બની જાય. પરંતુ એ બીજું કશુંક એવું બને કે બનવાનારનાં ભાગ્ય ઊઘડી જાય! બીજા કેટલાય લોકોનાં પણ ભાગ્ય ઊઘડી જાય. લોકોને આજીવિકાનું એક નવું માધ્યમ મળી જાય. આજકાલ, સુરતનો લોચો વખણાય છે. એ લોચા માટે એવું કહેવાય છે કે, ‘કોઈનાથી ખમણ બનવાતી વખતે લોચો પડ્યો અને એ લોચાના કારણે લોચો બનાવવાની રીત અમલમાં આવી!’ લોચા જેવી કેટલીય વાનગીઓ આપણે અપનાવી લીધી છે. એવી વાનગીઓ વિશે કોઈકે તો સંશોધન કર્યું હશે. ન કર્યું હોય તો કોઈકે તો કરવા જેવું છે.

મેં ‘પ્રસન્નતા’ શીર્ષકથી એક વાર્તા લખી છે. એ વાર્તાનો નાયક એક લેખક છે, જે સામાન્ય  સ્થિતિનો છે. એ ઘરેથી કેરોસીનની દુકાને કેરોસીન લેવા જાય છે અને લાંબી લાઈનમાં ઊભો રહે છે. એક દારૂડિયાની ગાળ પણ ખાય છે. કેરોસીન ખલાસ થઈ જાય છે. એ કેરોસીન લીધા વગર જ ઘરે પાછો આવતો હોય છે. એ દરમ્યાન એનું મન વિચારે ચડે છે. એ ઘરે પહોંચે છે ત્યારે એનું મન પ્રસન્નતાથી ભરેલું હોય છે. એને કેરોસીન નથી મળ્યું છતાં એ પ્રસન્ન હોય છે. કારણ કે, એને એ દિવસના અનુભવ પરથી એક વાર્તા મળી ગઈ હોય છે! કેટલીય વાર્તાઓ, કવિતાઓ, નવલકથાઓ વગેરેનાં સર્જન માટે અણધાર્યા પ્રસંગો નિમિત્ત બન્યા હોય છે. આયોજનનો વારો પછીથી આવે છે.

કોલંબસ જળમાર્ગે નીકળ્યો’તો ભારત આવવા અને પહોંચ્યો અમેરિકા! રાજીવ ગાંધી હતા પાયલોટ અને એમની માતાજીની હત્યાના કારણે તેઓ બની ગયા ભારત દેશના વડાપ્રધાન! શ્રીમતી ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાગુ કરી, ત્યારે કેટલાય યુવાનોને એકાએક જેલમાં જવું પડ્યું. એ યુવાનો જેલમાંથી બહાર નીકળ્યા પછી કેટલાક યુવાનોની રાજકીય કારકિર્દી બની ગઈ. કારણ કે, એ યુવાનોને જેલમાં કેટલાંય અનુભવી નેતાઓનાં સંપર્કનો લાભ મળ્યો. જે કટોકટીએ એમને દુઃખી કર્યા, એ જ કટોકટીએ એમને સુખી કર્યા. આ તો એના જેવી વાત છે કે, રામને વનવાસ ન થયો હોત તો રાવણનો નાશ ન થાત. ઇતિહાસ પણ કેટલાય અકસ્માતોથી હર્યોભર્યો છે!

કહેવાનો આશય એ પણ નથી કે, ‘બધું જ અકસ્માતે થાય છે માટે કોઈ પ્રકારનું આયોજન જ ન કરવું.’  વળી, જેમ સુખદ અકસ્માતો થાય છે એમ  દુખદ અકસ્માતો પણ થતા હોય છે.  કેટલાક લોકો જિંદગીમાં સુખદ અકસ્માતો જ બને અને દુખદ અકસ્માતો ટળે એ માટે અવનવી અને ખર્ચાળ વિધિઓમાં જ રચ્યાપચ્યા રહેતા હોય છે. એ લોકો ભલે ઈશ્વરમાં માનતા હોવાનો ડોળ કરતા હોય, હકીકતમાં ઈશ્વરના નિર્ણયોને ન  સ્વીકારવાનાં એ ધમપછાડા જ હોય છે.

તો ચાલો, તમારા જીવનમાં સુખદ અકસ્માતો થતા રહે એવી શુભ ભાવના સાથે રજા લઉં. કદાચ કોઈ સુખદ અકસ્માત મારી પણ રાહ જોતો હોય!

આવજો અને જલસા કરજો.

 

Advertisements

3 thoughts on “जिंदगी इत्तेफ़ाक हैं!

 1. સાવ સાચી વાતઃ ” કેટલાક લોકો જિંદગીમાં સુખદ ઘટનાઓ જ બને અને દુખદ ઘટનાઓ ટળે એ માટે આંધળી વિધિઓમાં જ રચ્યાપચ્યા રહેતા હોય છે. એ લોકો ભલે ઈશ્વરમાં માનતા હોવાનો ડોળ કરતા હોય, હકીકતમાં ઈશ્વરના નિર્ણયોને ન સ્વીકારવાનાં એ ધમપછાડા જ હોય છે.”

 2. મને મારો પોતાનો એક અનૂભવ યાદ આવી ગયો આ લેખ વાંચીને…

  વાત છે 1998ની. એ વખતે મેં મારી ઇજનેરીની ઉપાધિ મેળવી પહેલી નોકરી શરૂ કરી હતી. કંપનીના કામે મારે રાયપુર (હાલના છત્તીસગઢનું પાટનગર) જવાનું થયું હતું. ત્યાં બિરલા સમુદાયની એક કંપનીના સિમેન્ટ બનાવવાના પ્લાન્ટમાં જવાનું હતું. અમારા પ્રોજેક્ટની ત્યાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી. એ વખતે ઇન્ટરનેટનો એટલો વિસ્તાર નહોતો વળી પ્લાન્ટ રાયપુરથી પણ લગભગ 50કિમી દૂર કોઇ ગામમાં હતો એટલે ત્યાં ઇન્ટરનેટની સુવિધાનું વિચારવું જ અશક્ય હતું. ઓફિસમાંથી મને અમુક અમારા સોફ્ટવેરની અપડેટ અમારા સાહેબે મોકલાવી હતી પણ એને ડાઉનલોડ કરવાની કોઇ સુવિધા નહોતી. હું બરાબરનો મુંઝાયો હતો કે શું કરવું. એવામાં ત્યાં પ્લાન્ટમાં કોમ્પ્યુટરની સર્વિસ કરવા એક માણસ આવ્યો હતો. એને મેં વાત કરી. એણે કીધું કે રાયપુર ગયા વગર છૂટકો નથી. એણે મને મદદ કરવાની બાંહેધરી આપી. બપોર સુધી એણે પોતાનું કામ પતાવ્યું અને પછી અમે લોકો લોકલ ટ્રેન દ્રારા રાયપુર પહોંચ્યા. સ્ટેશનેથી મને ત્રણ પૈડાવાળી સાયકલની યાત્રા કરાવી એ મને સાયબર કેફે લઇ ગયો. સાયકલ સફરના પૈસા સુધ્ધા એણે આપ્યા. મારી પાસે ફ્લોપી ડીસ્કની તંગી હતી તો એની પણ વ્યવસ્થા કરી આપી. અમે ફાઇલો કોપી કરીને બહાર નીકળ્યા ત્યારે સાંજ પડી ગઇ હતી. એ માણસ આગ્રહ કરીને મને પોતાના ઘરે લઇ ગયો. એના નાનકડા ઘરમાં (કદાચ બે રૂમનું જ નાનું મકાન હતું) એ પોતે અને એની વિધવા મા બે જ જણ હતા. એની માતાએ અમારા બન્ને માટે ગરમા ગરમ રસોઇ બનાવી અને પ્રેમથી મને જમાડ્યો. ઘરની સ્થિતિ જોતા એમની પરિસ્થિત ખૂબ સાધારણ હોય એવું દેખાઇ આવતું હતું પણ તેમ છતા માણસનો પૈસો નહીં પણ એમની માણસાઇ મોટી હોય છે એ મા દિકરાએ મને મહેસુસ કરાવી દીધું. રાત્રે પાછા ફરતી વેળાએ મેં થોડા રૂપિયા આપવાનો પ્રયત્ન કર્યો (જે એના હક્કના બનતા હતા જેમ કે સાયકલ સવારીના, ફ્લોપીના અને કદાચ જમવાના ગણો તો જમવાના) પણ એ વ્યક્તિએ ઘણા આગ્રહ પછી પણ પૈસા ના લીધા તો ના જ લીધા.

  પહેલી જ વખત મળતી કોઇ વ્યક્તિ પાસેથી તમને જ્યારે આવી નિસ્વાર્થતાઓ અનૂભવ થાય ત્યારે એ જીંદગીભરનું સંભારણું બની જ રહે. આ બનાવ પછી મારે ક્યારેય એ વ્યક્તિ સાથે સંપર્ક નથી પણ જ્યારે આ વાત યાદ આવે છે ત્યારે મારુ દિલ એને કાયમ સલામ કરતું રહે છે.

  આવા અનેકો રસપ્રદ કિસ્સાઓ મારી સાથે બનેલા છે અને એ જીંદગીભરના સંભારણા છે. ફક્ત એક મૂલાકાતમાં કોઇ તમારા પર અમીટ છાપ છોડી જતું હોય છે. તમે સાચે જ કહ્યું એમ जिंदगी इत्तेफ़ाक हैं!…..

  1. તમને થયા છે એવા સુખદ અનુભવ મને પણ થયા છે. જેમાના એકાદ બે આ બ્લોગ પર મૂકીશ અને તમને જાણ કરીશ. સામાન્ય રીતે એમ કહેવાય છે કે, જમાનો ખરાબ છે. આપણને કડવા અનુભવો વધારે યાદ રહી જતા હોય છે. આપણે એવા અનુભવો જ વહેંચતા હોઈએ છીએ. પરંતુ, જો આવા સુખદ અનુભવો યાદ કરીએએ તો ચોક્કસ દિલ બાગબાગ થઇ જાય અને એની હકારાત્મક અસર પણ થાય! 😀
   જો જરા ઊંડાણથી તપાસીએ તો ખ્યાલ આવશે કે આપણું જીવન આવી કેટલીક અચાનક બનેલી નાનીમોટી ઘટનાઓથી ભર્યું ભર્યું છે. કેટલીક ઘટના સાવ સામાન્ય લાગે પણ એની અસર મોટી હોય. .

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.