મૈ ‘બક્ષી’ કા પ્યાલા પી આયા!

શિયાળે,ઉનાળે કે ચોમાસે એમ ઋતુ પ્રમાણે ભલે ગુજરાતી સાહિત્યનાં વિવિધ પીણાંની બોલબાલા હોય, પરંતુ  ‘બક્ષી’ બારેમાસ પીવાતું પીણું છે. એ નશાકારક પણ છે! ને આજે ‘નશાદિવસ’ છે.  

આજે  વાચકલાડીલા સાહિત્યકાર શ્રીબક્ષીબાબુનો  જન્મદિવસ છે. એ પ્રસંગે  આજે ઘણી જગ્યાએથી  ‘બક્ષી પ્યાલા’ ધરવામાં આવશે. એક પ્યાલો મારા તરફથી.  એમના વાચક અને ચાહક  તરીકે એક ગુસ્તાખી! 

વર્ષો પહેલાં , મને વાંચવાનો શોખ છે એ જાણીને અમરેલીમાં  એક મિત્રએ સલાહ આપી કે: ચંદ્રકાંત બક્ષીને વાંચો. મજા પડી જશે.  મને એમ કે: કશુક ઉપદેશાત્મક લખાણ હશે. કમને વાંચવાનું શરૂ કર્યું તો ખ્યાલ આવ્યો કે. ‘સાલું, વાંચ્યા પછી કિક વાગવા જેવું થાય છે! પછી તો આદત પડી ગઈ.  પુસ્તકાલયમાં બક્ષીના જેટલાં પુસ્તકો મળે એટલાં વાંચી નાખ્યાં. એનાં તમામ લખાણો વાંચ્યાંનો કે ગમ્યાંનો  મારો દાવો નથી. પરંતુ, એને લીધે એ પીણાની અસરમાં કોઈ ફરક પડતો નથી.  આજે પણ બક્ષીનું કોઈ ન વાંચેલું લખાણ વાંચવા મળે તો રાજી રાજી થઈ જવાય છે.  વાંચેલું લખાણ પણ ફરીથી વાંચવા મળે તો  ‘ડબલ ધમાકા’ જેવું લાગે છે.   

 બક્ષીબાબુના જાદુ  વિષે બીજાં લેખકોએ નહિ લખ્યું હોય એટલું એમના વાચકોએ લખ્યું હશે.  મારે એ લખાણોનું પુનરાવર્તન નથી કરવું.  પરંતુ, મારે મારો અનુભવ લખવો હોય તો આવું લખું: બક્ષીબાબુ વિષે વાતો કરવી હોય તો  રસિકજનોને ગોતવા નહોતું જવું પડતું.  એ લોકો  હાજર સ્ટોકમાં જ મળી રહેતા.   સાહિત્યરસિકો જ  બક્ષીને વાંચે એવું નહોતું. સાથે નોકરી કરનારા પણ એમના ચાહક હતા.  ભજિયાંભૂસું વેચનારા પણ એમના ચાહક હતા.  આજે પણ છે. જ્યારે પણ ભેગા થાય અને વાત નીકળે તો એક પછી એક બક્ષી-પંચ મારવાની મજા આવે છે.  એક જમાનો એવો હતો કે, લેખકોનું જે લખાણ ગમે એ લખાણ ડાયરીમાં ‘રત્નકણિકા’ તરીકે ટપકાવી લેવાતું હતું.  પણ, બક્ષીની ‘રત્નકણિકાઓ’ લોકોને હોઠવગી રહેવા લાગી.  લોકો દુહાઓ કે શાયરીઓ  યાદ કરીને બોલતા હોય એમ બક્ષીના તાતા તીર જેવાં વાક્યો આખેઆખા બોલતા થયા.  આજે પણ બોલે છે.  આ એક મોટો ફેરફાર હતો.  આ ગદ્યકાર  બક્ષીનો જાદુ છે. એટલે જ, આજે પણ નેટગલીઓમાં ઠેરઠેર બક્ષીપ્યાલીઓ પ્રસાદીરૂપે વહેંચાઈ રહી છે.  બક્ષીપ્યાલી પીવાની અને માણવાની પણ એક મજા છે. 

પીવાની અને માણવાની વાત કરીએ  તો ઘણાને ખબર હશે કે, બક્ષીએ પીવાની અને માણવાની રીતભાત વિષે પણ લખ્યું છે. બહુ જ સારી રીતે લખ્યું છે.  કેમ પીવું, કેટલું પીવું, શાંની સાથે  શું મિલાવીને પીવું, પીધાં પછી શું કરવું ને શું ન કરવું .. વગેરે   વિષે  પણ લખ્યું છે.  અર્થાત, પીવાની તમીજ બાબત લખ્યું છે. એમણે તો એ પણ લખ્યું છે કે,  પીધાં પછી ક્યા સાહિત્યકાર ખૂલતા હતા અને ક્યા સાહિત્યકાર સૂમ થઇ જતા હતા!

ભલે આપણે શરાબપાન બાબત ઝાઝું ન જાણતા હોઈએ. પરંતુ, એટલું તો જાણતા જ હોઈશું કે, પીધાં પછી કોઈ સૂમ મારી જાય, કોઈ બરાબરનું ખૂલે, કોઈ ખીલે,.. આ બધું તો થાય. ભલેને ઘેરબેઠા એ બધું કરે. પણ કોઈનાથી જીરવાય નહિ તો ઓકે પણ ખરું.  કેટલાક તો પાવળું પીધું  નથીને રાજાપાઠમાં આવ્યા નથી.  જાહેર રસ્તા પર તમાશા કરે. બચ્ચન કે ધર્મેન્દ્ર જે  પર્દા પર કરે એવું એ લોકો જાહેરમાં કરે.   એક ફેંટનો ઘરાક હોય પણ હસુભાઈથી માંડીને હિટલરને લડવા માટે આહવાન કરે! ને મજાકને પાત્ર ઠરે. 

‘બક્ષી’ બ્રાંડ પીધાં પછી પીનારે પણ એ તમીજ જાળવવી જોઈએ.  નહિ તો એ બ્રાન્ડની બેઇજ્જતી કરી કહેવાય.  પીવું એ મોટી વાત નથી.  પીધાં પછી જીરવવું એ મોટી વાત છે.  કોઈ પણ લેખક કે કલાકારને ચાહવાની પણ એક તમીજ છે.  બક્ષીનાં લખાણ બાબત કોઈની ટીકા પસંદ ન આવતી  હોય તો એનો જવાબ મુદ્દાસર રજૂઆતથી  આપી શકાય. એમાં બક્ષીનાં લખાણોનો સંદર્ભ આપી શકાય.  પરંતુ, એના બદલે  ઉછીની ખુમારીનાં જોરે  હાકલા પડકારા કરવાથી તો  બક્ષીબ્રાન્ડનું અપમાન થયું કહેવાય!  

સીધી વાત.  બક્ષીએ પહેલા ગાદીતકિયે બેઠેલા  સાહિત્યકારોને નિશાન બનાવતાં પહેલાં પોતાની જાતને તૈયાર કરી હતી. એમનું વાંચન, એમનો અભ્યાસ, એમનો અનુભવ, એમનો સંઘર્ષ,  એમનું નિરીક્ષણ.. એ બધું કામે લગાડીને  તાકાત કેળવી હતી.   ઘા મારવાની સાથે ઘા ખાવાની પણ તૈયારી રાખી હતી.   એટલે રંગ જામ્યો’તો.  એમને વિવેચન સામે વાંધો નહોતો.  અભ્યાસપૂર્ણ વિવેચન ન હોવાનો વાંધો  હતો.   આજે એમની ટીકા થવાથી એમની લોકપ્રિયતાની એક કાંકરી પણ ખરવાની નથી.  એમના વાચકો કે ચાહકોએ એથી વિચલિત ન થવાનું હોય. પરંતુ, પૂરી સજ્જતાપૂર્વક એનો જવાબ આપવાનો હોય.  નહિ તો એની અવગણના કરવાની હોય.  પરંતુ, એમના લખાણોને કોઈ કસોટીની એરણે ચડાવે જ નહિ એવો આગ્રહ વધારે  પડતો છે.  વેદવ્યાસથી માંડીને તુલસીદાસ સુધીના સર્જકોને  આજે પણ કસોટીની એરણે ચડાવાય છે.  શું ફરક પડે છે?

 નવા ઊગતા લેખકોએ બક્ષી પાસેથી  પ્રેરણા લઈને નવું નવું  ખૂબ વાંચવાની, વિચારવાની, નવા નવા અનુભવો લેવાની, પોતાનું સ્વમાન જાળવવાની  ખાસ જરૂર છે.  ખુમારી કૉપીપેસ્ટથી નથી આવી શકતી. એ જાતમાં ઊભી કરવી પડે.  માત્ર બક્ષીસ્ટાઈલનો રૂઆબ લાંબો સમય સાથ ન આપે.  પોતાનું આગવું ખમીર પણ બતાવવું પડે. એ માટે બક્ષી પ્રેરણારૂપ જરૂર બની  શકે. સોય કે ટાંચણીએ પણ અણીદાર થવા માટે ટીચાવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.  થોડુંઘણું લખાયું, વખણાયું કે છપાયું હોય એટલામાત્રથી કોઈ પોતાનાં લખાણ માટે નબળો અભિપ્રાય આપે નહિ એવી ધાક  જમાવાવાથી તો નુકસાન પોતાને જ થવાનું છે.  કોઈને એમ લાગે કે, આને તો બક્ષીપ્યાલી ચડી ગઈ લાગે છે. એને નથી વતાવવો. આજના જમાનામાં કોઈ સગા ભાઈને પણ સાચું કહીને નારાજ કરવા નથી માંગતું તો નવા  લેખકને નારાજ કરવાનો દોષ કોણ વહોરે? લાયકાત મુજબ પ્રશંસા, પ્રોત્સાહન એ બધું જરૂરી છે.  પરંતુ,  ખોટી પ્રશંસા તો ભેખડે ભરાવે!    

ચાલો,   કોટો  ઉતરવા આવ્યો  છે. વધું  બક્ષીપ્યાલી પીવા માટે નેટબજારમાં ચક્કર મારવા જઉં છું. બને તો  ભેગા થઈશું. 

આવજો અને જલસા કરજો. 

6 thoughts on “મૈ ‘બક્ષી’ કા પ્યાલા પી આયા!

 1. ખુમારી કૉપીપેસ્ટથી નથી આવી શકતી. એ જાતમાં ઊભી કરવી પડે. માત્ર બક્ષીસ્ટાઈલનો રૂઆબ લાંબો સમય સાથ ન આપે. પોતાનું આગવું ખમીર પણ બતાવવું પડે.

  A la Bakshi….. Ek dam maja padi de evo article 🙂

 2. સવારથી બપોર સુધી મિત્રો સાથે જે બાબતની વાતો કરી, ડીટ્ટો એ જ તો તમે લખી કાઢ્યું અને મેં વાંચ્યું અત્યારે છેક !

  આ પોસ્ટમાં સૌથી વધુ વાત મને એ ગમી કે આમાં બક્ષીના વાચકનો મિજાજ છે પણ એમની ઝેરોક્ષ ‘અસર’ નથી
  અને તમારા પોતીકી સ્ટાઈલ છે !

  ખરેખર દિલથી આ પોસ્ટ ગમી ! શે’ર કરું છું…

  • રજનીભાઈ,
   બે ત્રણ વખત બક્ષીને કાગળ લખેલ પરંતુ રવાના નહોતા કર્યા. વડોદરામાં બે વખત રૂબરૂ મળવાના મોકા મળ્યા. કોઈ ઓળખાણ વગર બંને વખત પ્રેમથી ભેટ્યા. વિદ્વતાનો જરાય દેખાડો નહિ!
   એક કાર્યક્રમ વખતે સંચાલકે પોતે મજાકભરી વાત કરી જેના કારણે કાર્યક્રમની ગંભીરતા જળવાય એમ નહોતી અને બીજા લેખકોને ખરાબ લાગે એમ હતું તો તો બક્ષીબાબુએ જ ગંભીરતા જાળવવાનું કહ્યું. બક્ષી જે કહેતા હતા એ મુદ્દાને વફાદાર રહીને કહેતા હતા. એમની બધી વાતો સાથે સહમત ન પણ હોઈએ તો પણ એમના તરફનું માન ઘટતું નથી.
   એક વખત મિત્રો ભેગા થયા હતા ને બક્ષીની વાત નીકળી ત્યારે મને ખ્યાલ આવ્યો કે, સાહિત્ય સાથે ઝાઝો નાતો ન હોવા છતાં એ લોકોએ મારા કરતાં પણ બક્ષીને વધારે વાંચ્યા હતા. આખેઆખા વાક્યો બોલે અને ખૂબ ખૂબ હસે!
   ક્યારેક તો એમ લાગે કે, સામાન્ય લોકોથી જેમને ન પહોંચાયું એમને બક્ષી પહોંચ્યા. એમની ધોકાવાળી મોટાભાગે વાજબી જ હતી. એમાં મારાતામારા જેવા કેટલાયની લાગણીની પડઘો પડતો હતો.
   એમના તરફથી ઘણું મળ્યું છે. મળતું રહે છે.

 3. બક્ષીને એક લેખક કહીએ તો આપડે હલકા દેખાઈએ….
  વરસો પહેલા ચિત્રલેખા અને અભિયાન માં એમના લેખો વાંચી ને તૈયાર થયો છુ.

  પીવા ની વાત પર થી યાદ આવ્યું કે, એક વખત રાત્રે કમ્પની માં સાથીઓ ૨ કલાક રમણે ચડેલા, કોને વ્હિસ્કી કહેવાય અને કોને બીયર વગેરે..
  છેલ્લે કંટાળી ને મેં એમને ૧૦ મિનીટ માં બધા સવાલ ના જવાબ આપી ને કહ્યું કે મને ૨ કલાક થી ઊંઘવા નથી દેતા, હવે શાંતિ રાખજો 😉

 4. બક્ષીનો હું પણ ચાહક છું. લ્ગભગ તમામ પુસ્તકો વાંચ્યા છે અને વસાવ્યા પણ છે. કોઈની જીવતા ચામડી ઉતેડી લેવી હોય અને તે પણ એસીડ વડે નહિ પરંતુ માત્ર શબ્દો વડે તો તે બક્ષી ખૂબ કુશળતાથી કરવા સમર્થ હતા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s