સડકથી સંસદનો માર્ગ:અગ્નિપથ અગ્નિપથ અગ્નિપથ

૨ ઓક્ટોબર ૨૦૧૧ ના દિવસે આ બ્લોગ પર મેં એક પોસ્ટ મૂકી હતી.  જેનું શીર્ષકહતું કે,
શું પહેલાં હટાવી શકાય? ભ્રષ્ટાચાર કે સરકાર?

આ રહ્યું પૂરું લખાણ:

October 2, 2011

મિત્રો,

કોઈ માને કે ન માને! વાત લપાતી છુપાતી … હરતી ફરતી.. એક મુકામે આવીને ઊભી રહેશે કે-  પહેલાં સરકાર  હટાવો.  એ વગર ભ્રષ્ટાચાર નહીં હટે!

આ પરંપરા છે આપણા દેશના રાજકારણની!

ગાંધીજીનો ધ્યેય માત્ર શાસનપલટો નહોતો.  તેઓ પણ ભ્રષ્ટાચાર હટાવવા માંગતા હતા. પણ પ્રાથમિકતા આપવી પડી વિદેશી શાસન હટાવવાના મુદ્દાને.

શાસન પલટો થયો.  ભ્રષ્ટાચાર રહ્યો! ગાંધી ટોપી પહેરીને જાડિયો પાડિયો થયો.  ને અફવાની જેમ ફેલાયો.

એક સમય એવો આવ્યો કે ગાંધી ટોપી ને ગાંધીનું નામ મજાકને પાત્ર બની ગયા.

ગુજરાતમાં નવનિર્માણનું આંદોલન થયું ત્યારે ઠેર ઠેર સરકારના મૃત્યુઘંટ  વાગતા હતા  કોંગ્રેસી નેતાઓના નામની ઠેર ઠેર  હાય હાય બોલાતી હતી.  કોંગ્રેસી નેતાઓની નનામીઓ નીકળતી હતી. ગધેડાઓના શરીર પર નેતાઓનાં નામ લખાતાં હતાં. પોલીસો પકડી પકડીને કેટલાને પકડે?

144 ની કલમની નવાઈ ન રહી.   કેટલાક લોકોએ તો એમની જિંદગીમાં પહેલી વખત કર્ફ્યુ જોયો અને માણ્યો!

યુવાન છોકરા છોકરીઓએ લડત લડી રહ્યાં હતાં. એમને ત્યારના વિરોધ પક્ષોની દોરવણી અને ટેકો  હતા.

પાછળથી એવી પણ ખબર આવી કે  – આખી લડત કોઈ કોંગ્રેસના જ  નેતાના મગજની પેદાશ હતી!

બોલો! અશક્ય શું છે?

યુવાનોઅને યુવતીઓની  આંખોમાં સપનાં હતાં.. બેકારી હટવાના મોંઘવારી હટવાના.. ભ્રષ્ટાચારીઓને ખદેડવાના…

એમનું મુખ્ય સૂત્ર હતું અંધકાર મેં એક પ્રકાશ .. જયપ્રકાશ જયપ્રકાશ.

નવનિર્માણ આંદોલનની ત્રણ મુખ્ય માંગણીઓ હતી..

*મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ રાજીનામું આપે.

** ગુજરાત વિધાનસભાનું વિસર્જન થાય.

***ભ્રષ્ટાચાર નાબુદ થાય.

લગભગ સો જેટલા  લોકો ગોળીએ વીંધાયા પછી પહેલી બે માંગણીઓ પૂરી થઈ.

ચૂંટણી  આવી. કોંગ્રેસનો પરાજય થયો.  જનતાપક્ષની  સરકાર આવી.   મુખ્યમંત્રી તરીકે બાબુભાઈ જશભાઈ પટેલ આવ્યા.

જો કે  સરકાર બનાવવા માટે  એમણે કિમલોપ ના સભ્યોનો ટેકો લેવો પડ્યો.  ને  કિમલોપના વડા હતા  શ્રી ચીમનભાઈ પટેલ. એ જ ચીમનભાઈ કે જેને હટાવ્યા  હતા.

સમાચાર તો એવા હતા કે-  ચીમનભાઈ પટેલના ઘરની  પાછલી  દિવાલ કૂદીને બાબુભાઈ ટેકો મેળવવા ગયા હતા.

વખત આવ્યે કૂદકા ય મારવા પડે!

પછી તો ધારાસભ્યોની આવન જાવનની રમત શરૂ થઈ.  સરકાર બને ને ગબડે.

આમાં ભ્રષ્ટાચારને   હટાવવાનો વખત કોની પાસે? ને હટાવવા જાય તો એની સાથે સાથે પોતાને હટી જાવું પડે!

દિલ્હીની  વાત કરીએ તો કટોકટી પછી આવેલી ચૂંટણીમાં ઇંદિરાજી  અને એમનો પક્ષ હાર્યાં.

જાણે કે ન બનવાનું બની ગયું. રામલીલા મેદાનમાં વિજયી સભા ભરાણી.  વિવેક ભુલાયો. છાકટાં ભાષણો થયાં.  ઇંદિરાજીને હરાવનાર રાજનારાયણ  બોલ્યા કે- ભૂલ જાઓ ઇંદિરા કો! ઉસમે કુછ દમ નહીં! ઉસ મેં કુછ કસ નહીં!

ને મોરારજી દેસાઈની નવી સરકારે  અંદરોઅંદરની ખટપટને કારણે  દોઢેક વરસમાં દમ તોડી દીધો!  સરકાર સારી ચાલતી હતી અને ચાલી શકે તેમ હતી. પણ આપણા નેતાઓની સત્તાભૂખ!

છેલ્લે છેલ્લે જે સરકારો બદલાઈ તે તો લોહી રેડ્યા વગર બદલાઈ.

પરંતુ  એમની ય મજબુરી! એમની પાસે જાદુઈ છડી નથી.

[લખ્યા તા. ૦૭-૦૬-૨૦૧૧]

ઉપરનું લખાણ નહોતું મુકાયું. મનમાં હતું કે : આ લખાણ મૂકવાની  નોબત કદાચ નહિ આવે.

પરંતું આવી ગઈ!

આજે  મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ છે.  ચેનલ્સ  અને છાપાઓ ભરીને ગાંધીને યાદ કરાશે. આ વખતે સાથે સાથે અન્નાજીને રજૂ કરાશે. કારણ કે અન્નાજીનો પરચો તાજો જ છે.

વળી અન્નાજીએ પોતે આડકતરી રીતે પણ ચૂંટણીઓ પર પ્રભાવ પાડશે તેનો સંકેત આપી દીધો છે.

વળી એ પણ સ્વાભાવિક જ ગણાશે કે: ભ્રષ્ટાચાર હટાવવા માટે સરકાર હટાવવી જરૂરી છે. વહેલી નહિ તો એની મુદ્દત પૂરી થાય ત્યારે. કારણ કે , પ્રજાને વર્તમાન પરિસ્થિતિ અગર ઠીક ન લાગતી હોય તો તે માટે સહુથી પ્રથમ જવાબદારી સરકારની જ ગણાશે.

.. ને જ્યારે સરકાર હટાવવાની વાત આવશે ત્યારે અન્ય વાતો ગૌણ ગણાશે. પછી તો એક જ વાત કે: જો સરકાર નિકમ્મી હૈ વો સરકાર બદલની હૈ!

આપણે  ઈચ્છીએ કે:જે બદલાવું જરૂરી હોય તે ભલે બદલાય. છેવટે તો આ પરીસ્થિતી બદલાવી જોઈએ.

આ એટલે કઈ પરિસ્થિતિ?

એ જ કે જેની સામે મને,તમને અને મોટાભાગની પ્રજાને ફરિયાદ છે.

ડગલે ને પગલે અન્યાય, શોષણ અને આરાજકતા.

આશા રાખીએ. આશા અમર છે. બાપુ હાજરાહજૂર છે!

****************************************************************************************************

હવે જ્યારે અન્નાજીએ આંદોલન છોડીને ચૂંટણીનો માર્ગ અપનાવવાની વાત કરી છે ત્યારે ઘણાં લોકોને આઘાત લાગ્યો છે કે, એમણે  આવું કેમ કર્યું?

પરંતુ,  સમજનારા સમજી શકશે કે, ચૂંટણીનો માર્ગ એમના માટે સાવ અછુતો નહોતો.

હા, આટલો મહત્વનો લાગશે એ કેટલાકને નહોતી ખબર.

હવે શું થઇ શકે?

બસ, રાહ જુઓ  ચૂંટણીની.

મતદાનના દિવસે દાઝ ઉતારો.

કોના પર?

એ કહેવાની વાત છે?

ને એ પણ સમજદાર લોકોને!

Advertisements

12 thoughts on “સડકથી સંસદનો માર્ગ:અગ્નિપથ અગ્નિપથ અગ્નિપથ

 1. હટાવવાની વાતમાં ભુલી જવાય છે કે હટાવવા માગનારાઓમાં પણ ભ્રષ્ટતાનો અભાવ નથી. આઝાદી પછી કોંગ્રેસનું ‘અખિલ ભારતીય સેવા સંઘ’માં પરિવર્તન કરવાનું સ્વપ્ન કેમ સાકાર ન થયું ? અંગ્રજો ગયા પણ સત્તા અને વ્યાપારી મગજ તો જવાને બદલે રહી જ ગયાં હતાં.

  જાતને ભ્રષ્ટ ન થવા દેવી એ જ એક ઉપાય છે પણ એવું કોણ કરી શકે ? અન્નાજીને પણ ચુંટણી પછી આ જ સવાલો નડવાના…જો તેમના માણસો જીતે તો પણ !!

  ગરીબી ને બેકારી હવે પછીના મુદ્દાઓ છે જેને હટાવવાના છે. એને હટાવવા માટે હીંસક ક્રાંતી જેવું સાધન શક્ય બનતું જાય અને કદાચ એને જોવાનો વારો આવે તો નવાઈ નહીં.

  ગયા વરસે અણ્ણાજીની મજાક લોકસભામાં જે થઈ તે આપણા દેશની ક્રુર મજાકોમાંની એક છે.

  • હટાવો અને સ્થાપો: એકને હટાવ્યા પછી બીજાની સ્થાપના તો કરવી જ પડે. હવે જો, સ્થાપના થાય એ જ જો જનતાને બેવફા નીવડે તો? એવું થયું પણ છે. એટલે જ દેશમાં કોઈને આંદોલનોમાં વિશ્વાસ નહોતો રહ્યો. અન્નાજીએ લોકોમાં એ વિશ્વાસ ઊભો કર્યો. એ વિશ્વાસની તાકાતનું ધાર્યું પરિણામ મળ્યું નથી.પરંતુ જે મળ્યું છે એની પણ કિંમત કરવી જોઈએ. .
   આઝાદી પછીના, મહા ગુજરાતના આંદોલન પછીના, નવ નિર્માણના આંદોલન પછીના દાખલા નજર સામે છે. જેલમાં જનારાઓમાંથી કેટલાક મહેલમાં રહેતા થઇ ગયા! … પણ એનો મતલબ એ ન તારવી શકાય કે -આંદોલન થવા જ ન જોઈએ. જોખમ તો લેવું જ પડે!
   જાતને ભ્રષ્ટ ન થવા દેવી એ જ એક ઉપાય છે – આપની આ વાત સહુથી અગત્યની છે. સમજનારા આ વાત સમજે છે. કેટલાક સંતો, ઉપદેશકો વગેરે આ વાત કહે છે. એની અસર પણ થતી જ હશે. પરંતુ એ દિશામાં જે તાકાતથી પરિવર્તન થવું જોઈએ એ કદાચ થતું નથી. આંદોલનના વાતાવરણમાં પણ સામાન્ય માણસ તો રોજની આરાજકાતાથી પરેશાન થતો જ રહે છે. એ આરાજકાતમાથી મોટાભાગની આરાજકતા તો જનતાની જાગૃતિ વડે દૂર થઇ શકે એમ છે. એ માટે માત્ર વહીવટકર્તાઓને દોષ દેવાની જરૂર પણ ન લાગે! શાસકોના દોષ માટે એમને હટાવવા જોઈએ એ જેટલું મહત્વનું છે એટલું જ મહત્વનું એ છે કે- આપણામાં પણ સુધારો આવે. એક ઉદાહરણ આપું. વાહન ચલાવનાર ચાલુ વાહને રસ્તા પર પડીકે થૂંકે છે એને અટકાવવા માટે લોકાપાલનો કાયદો આવે ત્યાં સુધી રાહ જોવી જરૂરી લાગે છે? .. પણ જવા દો.. આ તો ફાલતું વાત ગણાશે!
   હિંસક ક્રાંતિ: લોકોમાં ગુસ્સો છે. અન્નાજીના આંદોલનમાં એ ગુસ્સાનો દુરુપયોગ નથી થયો એ વાત તો એમના ટીકાકારોએ પણ માનવી જ પડે. અહિંસક ક્રાંતિની વાત કરવી એ કેટલાકની નજરે કાયરતા છે. .. પણ, હિંસા કોની કરીશું? કેટલાની કરીશું? કોણ કોની કરશે?
   આ રાજનેતાઓ રીઢા છે. બોલવું અને ફરી જવું એ એમના માટે શ્વાસોશ્વાસ જેવી સ્વાભાવિક ક્રિયા છે. પરંતુ. આંદોલન કરનારાઓ મક્કમ હોય અને જે બોલે તે જવાબદારી સાથે બોલે,એવું લોકો આગ્રહ રાખે છે.
   ચૂંટણીની પ્રક્રિયામાં ઘણા સરકારી સારા સુધારા થયા છે. હવે એમાં લોકોની પોતાની શિસ્ત દ્વારા સુધારા થાય એવું વાતાવરણ નવો પક્ષ ઉભું કરશે તો એ પણ ક્રાંતિ કહેવાશે.
   આશાવાદી બનીએ.

   • Power tends to corrupt and absolute power corrupts absolutely.
    બદી-ઉઝ-ઝમાં સાહેબની એક હિન્દી નવલકથા છેઃ છઠા તંત્ર. પંચતંત્ર પરથી એમણે આ નામ રાખ્યું છે. એમાં ઉંદર-બિલાડાંના સંઘર્ષની વાત છે.

    શમશાદ નામની એક બિલાડીથી બધા ઉંદર બહુ નારાજ છે. એમની ફરિયાદ એ છે કે આપને એમનો ખોરાક છીએ એ કબૂલ પણ શમશાદ બહુ ક્રૂરતાથી મારે છે અને એને ખાવા કરતાં મારવામાં વધારે મઝા આવતી હોય છે. બધા ઉંદરો નક્કી કરે છે કે આનો કઈંક ઉપાય કરવો. તે પછી કોઈ પણ બિલાડી કોઈ ઉંદરને પકડે એટલે બધા ધસી જાય અને સપડાયેલા ઉંદરને છોડાવી આવે.. આમ ઉંદરોની તાકાત વધતી ગઈ અને અંતે બિલાડીઓને ભાગવું પડ્યું. ઉંદરોનો વિજય થયો.

    હવે એક મોટા મેદાનમાં વિજયોત્સવ યોજાયો. ઉંદરોમાં ભારે ઉત્સાહ. એમના નેતાઓ મંચ પર આવવાની જાહેરાત થઈ. એક એક નેતા મંચ પર આવે, ઉદ્‍ઘોષણા થાય અને આખું મેદાન ્તાળીઓથી ગૂંજી ઊઠે. સભા શરૂ થઈ. નેતાઓએ નવા સમાજની રચનાની જાહેરાત કરી. એક ખૂણેથી ઉત્સાહી ઉંદરો જયજયકાર કરવા લાગ્યા. બીજા ઉંદરોએ કહ્યું કે અરે, ભાઈ સાંભળવા તો દો. એમાંથી થઈ જીભાજોડી શરૂ અને પછી હાકલા પડકારા. નેતા ગુસ્સે થઈ ગયા. બોલ્યાઃ સમાજમાં શિસ્ત નથી એટલે જ આજ સુધી સહન કરવું પડ્યું એમણે શિસ્ત સ્થાપવા વોલંટિયરોને મોકલ્યા. ધડાધડ લાઠીઓ વીંઝાણી. કોઈને માથામાં વાગ્યું, કોઈનો હાથ તૂટ્યો, પણ શાંતિ થઈ ગઈ. સાવ જ સોપો.

    એક ઉંદર ઘરડો હતો. બહુ દૂરનું જોઈ શકતો નહોતો. એણે ચશ્માં ચડાવ્યાં તો પણ બરાબર દેખાતું નહોતું. ચહેરાની આકૃતિઓ ભેળસેળ થઈ જતી હતી. એને લાગ્યું કે આ ઉંદર નેતાઓની વચ્ચે કોઈ બિલાડી તો ઘુસી નથી ગઈ ને? એણે પાસે બેઠેલાને પૂછ્યું. બીજા ઉંદરે પણ બે વાર ચશ્માં સાફ કરીને જોયું. એને પણ લાગ્યું કે બધા ઉંદર નેતાઓના ચહેરા બિલાડી જેવા કેમ થઈ ગયા છે? એકે બીજાને કહ્યું, બીજાએ ત્રીજાને… એમ વાત ફેલાઈ કે આપણા નેતાઓ બિલાડી બની ગયા છે….!

 2. તમે ગમે તે લખો પણ સનાતન સત્ય એ છે કે બાબલાને અને એની માને ઇટાલી ભેગા કર્યા સિવાય મેળ નહીં જ પડે.

  અન્નાજી ગડથોલિયું ખાઇ ગયા છે. અરવિંદ કેજરીવાલ અને કિરણ બેદીએ અન્નાને ખભે બંદૂક રાખીને ગોળીઓ ચલાવી લીધી છે. જોઇએ હવે આગળ શું થાય છે.

  • મિત્ર,
   શાસકો તો હટાવી દેવાય. આ પહેલાં પણ હટાવાયા છે. મહારથીઓ ને ઘરભેગા કરવામાં આવ્યા છે. પરંતુ એ લકો જે જંતુઓ છોડતા જાય છે એ એની જગ્યાએ આવનારને વળગે છે.
   અન્નાની ટીમમાંથી કોઈની રાજકીય આકાંક્ષા ભલેને હોય. શરત એટલી કે તેઓ પોતાનું, જનતા સમક્ષ રજૂ કરેલું ધ્યેય ન ચૂકે.

    • આશા રાખીએ કે સાવ એવું ન થાય. પરંતુ, તમારી એ વાત સાચી છે કે ,બધાના મતભેદ અવારનાવર બહાર આવી જાય છે .બહુ બુદ્ધિશાળી અને વાચાળ લોકો ભેગા થાય ત્યાં આવું જ થાય.સરકાર, પાર્ટી , અંદોલન ચલાવવા માટે સમર્પિત લોકોની જરૂર રહે છે. કોઈના થી દબાતા રહે એ પણ જરૂરી છે. કોંગ્રેસમાં આ ગુણ છે. વધારે પડતો છે. હાઈકમાન્ડ કહે તે કરવા તૈયાર રહેનારાઓ છે. ઝાડુંથી માંડીને બંદૂક ચલાવવાની તૈયારી રાખનારા છે.
     ભાજપમાં બધા જ હોશિયાર. કોઈ કોઈને ગાંઠવાવાળું નહિ.. બોલીને બહાર પાડનારા.
     આને લીધે તો આ સરકારને મજા પડી ગઈ છે! જનતાનો રોષ પણ ડાયવર્ટ થઇ ગયો છે.

 3. પ્રત્યેક વ્યક્તિ બીજા તરફ આંગળી ચીંધે છે કે તેના ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર છે. સ્વની સામે ત્રણ આંગળીઓ પોતાને ય નથી દેખાતી. જ્યાં સુધી માણસ નહીં બને ત્યાં સુધી બાહ્ય પરિસ્થિતિ બદલાશે આંતરિક વ્યથા તો તેની તે જ રહેશે.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.