‘સત્યમેવ જયતે’ NO બેન્ડ બાજા બારાત!

 

આમિરખાનનું કહેવું છે કે, ‘સત્યમેવ જયતે’ કાર્યક્રમનો હેતુ માત્ર તમાશો કરવાનો નથી; પરંતુ એવી વાતો રજૂ કરવાનો છે કે જે વાતો લોકોના દિલને સ્પર્શી જાય. એ વાતો લોકોના દિલને સ્પર્શે પણ છે. અને સ્પર્શ્યા પછી ઉખડી પણ જાય છે! જેવી જેના દિલની સપાટી! ગુંદર ગમે તેટલો સારો હોય પણ જે તે સપાટી પર પણ આધાર રહેને?

દહેજના બિહામણા રૂપથી આપણે પરિચિત તો હતા જ. આમિરખાને વધારે પાકો પરિચય કરાવ્યો.  દહેજરૂપી મોટા રાક્ષસનો પરિચય તો કરાવ્યો પણ સાથેસાથે કેટલાક પેટા-રાક્ષસોનો પણ પરિચય કરાવ્યો. એ પેટા-રાક્ષસોમાનો એક રાક્ષસ તે ‘ધામધૂમથી લગ્ન.’

આમિરખાને બહુ જ અસરકારક રીતે એ સમજાવ્યું કે, લગ્ન ખર્ચાળ હોય એ વાત ધ્યાનમાં રાખવાને બદલે લગ્ન ટકાઉ હોય એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. આ તબક્કે વિરોધનું બ્યૂગલ વાગવાની શક્યતા છે કે, ‘જેના પોતાનાંના જ લગ્ન ટકાઉ નહોતાં એ બીજાને ટકાઉ લગ્નની સલાહ કેવી રીતે આપી શકે?’ પરંતુ, આપણે અનેક વખત સાંભળ્યું છે કે, ‘ગુરુ કહે તેમ કરાય, કરે તેમ નહિ.’ જેને પણ આમિરખાનની વાતમાં દમ લાગતો હોય એણે આમિરખાનનાં ‘ડબલમેરેજ’વાળી વાતને ધક્કો મારવો જ રહ્યો.

જેને ત્યાં લગ્નપ્રસંગ હોય એ; બેન્ડ,બાજા અને બારાતના જોરે કમર હલાવી હલાવીને નાચી તો લે પણ બીજે દિવસેથી એ જ કમર તૂટવાની અસર જણાવા લાગે! ‘હલાવી કમર લાખની… બીજે દહાડે રાખની!’ જેનામાં ત્રેવડ હોય એ ભલેને જલસા કરે અને કરાવે. પણ, દેખાદેખીમાં ‘દેવું કરીને પણ ધામધૂમ કરવી’ એ સૂત્રમાં માનનારને માટે આમિરખાનની સલાહ ખોટી તો નથી જ. વળી, એક એવા ગામની વાત પણ કરવામાં આવી કે જે ગામમાં વર્ષોથી બેન્ડ,બાજા અને બારાત વગર લગ્નપ્રસંગો  ઉકેલાય છે!

વિચાર કરો કે, આમિરખાનની વાત ખરેખર લોકોનાં દિલને જડબેસલાક ચોંટી જાય, લોકો સાદાં લગ્ન તરફ વળી જાય અને સમગ્ર દેશમાં ‘નો બેન્ડ,નો બાજા, નો બારાત’ એ સૂત્ર સફળ થાય તો સમગ્ર દેશમાં કેવાં કેવાં દૃશ્યો જોવા મળે? આવો આપણે એવાં કેટલાંક સંભવિત દૃશ્યો પર નજર કરીએ…

[૧] મોટા પાર્ટીપ્લોટ:  મોટા પાર્ટીપ્લોટના માલિકો ઘરાકની રાહમાં ઝોકાં ખાય છે. રડ્યોખડ્યો એક ઘરાક આવે છે જે કહે છે કે: ભાઈ, આપણે ‘સત્યમેવ જયતે’ ટાઈપના લગ્ન કરવાં છે. જરાય ધામધૂમ નથી કરવાની. તમારો પાર્ટીપ્લોટ તો બહુ મોટો છે. અમારે એટલી બધી જગ્યાની જરૂર નથી. આપણે તો એક નાનકડો અને સાદો મંડપ નાખવાનો છે. અને, પચાસેક માણસો જમે એટલી જ જગ્યા જોઈશે. બોલો શું ચાર્જ છે? અને એમાં કોઈ સ્કિમ હોય તો બોલો.

[૨] કેટરિંગ: કેટરિંગના ધંધામાં મોટા ધંધાવાળાની વાત લાગી ગઈ છે. પરંતુ, નાના ધંધાવાળા ખૂશ છે. એ લોકોની ‘આમિર-પ્લેટ’ની બોલબાલા છે. ‘આમિર-પ્લેટ’ માં માત્ર છસાત વાનગીઓ હોય અને એ પણ સસ્તી અને સાદી! નો ફાસ્ટ ફૂડ! નો આઇસક્રીમ! નો સરબત! બીજું કશું જ નહિ. જેણે એવું બધું ખાવુંપીવું હોય એ બહાર જઈને રોકડેથી લઈ શકે.  

[૩] ફરાસખાનું: મોટા ફરાસખાનાવાળાં છ મહિનામાં બાર મહિનાનું કમાઈ લેતા’તા એ દિવસો ભૂતકાળની વાત થઈ ગઈ છે! ‘નાનો મંડપ..ચાલે મારા ભાઈ’ એ વિચારસરણી સહુને માફક આવી ગઈ છે. ફરાસખાનાવાળા વધારાનો માલસામાન હરાજીથી વેચી રહ્યા છે.  

[૪] ડેકોરેશન:  ડેકોરેશન કેવું ને વાત કેવી? ઘરમાં પડી હોય એ ચાઈનાની સીરિઈઝથી લોકોનું કામ ચાલી જાય છે. તોરણો માટે આસોપાલવનાં પાનને બદલે શેરીના લીમડાનાં પાનનો ઉપયોગ થાય છે. આવાં તોરણો ‘આયુર્વેદિક તોરણો’ તરીકે ઓળખાય છે!  

[૫] લગ્નગીતો: લગન્ગીતો ગાનારાંને હવે કોઈ જ બોલાવતું નથી. એને બદલે સ્વરચિત ગીત-ગઝલ ગાનારા કવિઓ સસ્તામાં મળી રહે છે.

[૬] બેન્ડવાજાં : લગ્નમાં બેન્ડવાજાં અને ડીજેની હાજરી કશે જ જણાતી નથી.  બેન્ડવાજાંને ધૂળ ચડી ગઈ છે. કેટલાંકમા તો ઊંદરડીઓ બચ્ચાં મૂકે છે! બેન્ડવાજાં અને ડીજેની સેવા આપનારાઓ આમિરખાન વિરોધી મોરચા કાઢી રહ્યા છે અને આમીરખાનના ઘર સામે ઊભા રહીને ‘રાજા હિન્દુસ્તાની’નાં ગીતો વગાડી રહ્યા છે. તેમજ ‘નથિંગ ઇઝ વેલ’ નાં નારા પોકારી રહ્યા છે.

[૭] વરઘોડા: વરઘોડાનો રિવાજ હવે નથી. વરરાજા  અને જાનૈયાઓ રોજ ઓફિસ કે કામધંધે જતાં હોય એમ બાઈક કે સ્કુટર પર માંડવે પહોંચી જાય છે. નજીક હોય તો ચાલતાં પણ પહોંચી જાય છે! માંડવે પહોંચીને વરરાજા કન્યાના બાપને મિસ-કોલ કરે છે એટલે એ લોકો સ્વાગત માટે આવી જાય છે! વરઘોડાના કારણે ટ્રાફિક જામ થવાના બનાવો હવે બનતા નથી.  

[૮] કપડાં અને ઘરેણાં : લગ્ન પ્રસંગે નવાં કપડાં પહેરવા જરૂરી નથી.સોનાનાં ઘરેણાં પહેરાનાર જૂનવાણી ગણાય છે.  બગડેલાં કમ્પ્યુટર અને કીબોર્ડમાંથી બનાવેલાં સસ્તાં ઘરેણાની બોલબાલા છે.  બ્યુટીપાર્લરની જરૂર પડતી નથી. જેવું આવડે એવું જાતે જ તૈયાર થવાનો જમાનો આવી ગયો છે.      

[૮] ફટાકડા : લગ્નપ્રસંગે બોમ્બ તો શું કોઈ ચકલીટોટા પણ નથી ફોડતું. પરિણામે પ્રદૂષણની માત્રા ઓછી થઈ ગઈ છે.  ઓઝોન વાયુનું પાતળું થઈ ગયેલી પડ ફરીથી જાડું થયું હોવાની ચર્ચાઓ ટીવી-ચેનલ્સ પર થવા લાગી છે.

[૯] વિડિયો-ફોટોગ્રાફી: લગ્નપ્રસંગે વિડિયો કે ફોટોગ્રાફી માટે હવે લોકો પૈસા ખર્ચતા નથી. પરણનારનું ફેસબુક પર ખાતું હોય તો એના લગ્નનો વિડિયો  ઉતારવાની તેમજ ફોટા પાડવાની અને ફેસબુક પર તુરત જ મૂકી દેવાની સેવા ફેસબુક દ્વારા જ મફતમાં પૂરી પાડવામાં આવે છે!

મિત્રો, યાદી લાંબી થઈ શકે. જો ખરેખર સાદાઈથી લગ્નો થવા લાગે તો એની સારી અને નરસી, આડી અને   ઊભી અસરો વિષે તમે ધારણાઓ બાંધી શકો છો. એક તરફ પેટ્રોલ અને વીજળીની બચત થાય તો બીજી તરફ સરકારની તિજોરીમાં ઠલવાતા ટેક્ષ ઓછા થાય. એક તરફ માધ્યમ અને ગરીબ વર્ગોની બચતથી બેન્કો ઉભરાવા લાગે તો બીજી તરફ વરઘોડામાં માથે બત્તી લઈને ચાલનારી મહિલાઓથી માંડીને વાસણો ધોનારી મહિલાઓની બેકારીનો પ્રશ્ન ઊભો થાય. એનાં પર પાછું રાજકારણ ખેલાય! ટીવી-ચેનલ્સવાળા નેતાઓને પૂછવા લાગે કે: ‘લગ્ન ધામધૂમથી કે સાદાઈથી? તમારું સ્ટેન્ડ જણાવો.’  લોકપાલ બિલ વિષે પણ ગોળ ગોળ વાત કરનારા નેતાઓ કેવા જવાબો આપે એની કલ્પના તમે કરો. બધું અમારે જ કરવાનું?

આવજો… 

12 thoughts on “‘સત્યમેવ જયતે’ NO બેન્ડ બાજા બારાત!

 1. લેખ વાંચવાની બહુ જ મજા પડી. આ કલ્પનાઓ/વાક્યો ખાસ ગમ્યાં..

  ૧) લીમડાનાં પાનના ‘આયુર્વેદિક તોરણો’
  ૨) માંડવે પહોંચીને વરરાજા કન્યાના બાપને મિસ-કોલ કરે
  ૩) બગડેલાં કમ્પ્યુટર અને કીબોર્ડમાંથી બનાવેલાં સસ્તાં ઘરેણા

  અમારી કૉમ્યુનિટિ (ખત્રી)માં વર્ષોથી બેન્ડ/બાજા વગરના (સાદાઈથી) લગ્ન થાય છે, જો કે હવે આજની પેઢી દેખાદેખીમાં ખર્ચો કરવા લાગી છે.

  ઈવેન્ટ મેનેજ કરતી કંપનીઓ હવે ‘સાદાઈથી લગ્ન’ કે તમે કહ્યું તેમ ‘આમીર લગ્ન’ની ઓફર બહાર પાડે એવું બની શકે. હિના કે રાજ ટ્રાવેલ્સ મુંબઈના ગ્રાહકો માટે ‘છોટા કાશ્મિર’ની હનિમુન પેકેજ ટૂર જાહેર કરી શકે…

  આ બાબતો સ્ટાર ન્યુઝ પર શુક્રવારે રાત્રે ૮ વાગે આમીરના પ્રોગામની ‘અસર’માં દેખાડે એવું ય બને!

  1. વિનયભાઈ,
   આભાર. સૌરાષ્ટ્રમાં પણ સાદાઈથી લગન માટે પ્રયાસો થયા છે. આગેવાનો જ પોતાને ત્યાંથી જ એની શરૂઆત કરતા હતા. પણ, સમય જતાં દેખાદેખીડી ફરી શરૂ થઈ ગઈ. આજના માહોલમાં લગ્ન એક રિવાજ ન રહેતાં મોટો ઉદ્યોગ બની ચૂક્યો છે. છતાંય વિવેક રાખનારને તો રોકડો ફાયદો જ છે.
   આમિરખાનની ‘શો’ પરની પકડ સારી છે. ટીવી ચેનલ્સ પર વિવિધ સમસ્યાઓ પરનાં કાર્યક્રમો આ પહેલાં પણ રજૂ થયા છે અને થાય છે. પણ, ‘સત્યમેવ જયતે’નો પ્રચાર અને આમિરખાનની રીત કાર્યક્રમને જીવંત બનાવી દે છે.

 2. NO બેન્ડ બાજા બારાત! ???
  તો પછી પૈણવામાં મજા શું ?! અને આ બધુંય ભેગું શેના માટે કરી જાવું છે ? ગામને ખબર ન પડે કે ગગજીભાઈનો ગગો ગોરી ? ગોરી ? ગોરી ! લઈ આવ્યો છે તો તો પછી ગોરી હોય કે અઘોરી ! કીં ફરક પેંધા ? આમેય હવે લગનુંમાં ઝાઝો સવાદ રહ્યો નથી ! (કરવા વાળા ને મહાલવા વાળા બેઉને !) એમાં માથે જાતાં આ બે બે વાર સવાદ લેવા વાળા આમિરે કોક બચાડાવને એક એક વાર જલ્સો કરવામાંએ આડાં રોળાં નાખવાનો ઉદ્યમ આદર્યો !!!

  અમારા એક વડીલનું તો કહેવું છે કે, જેની પાસે સગવડ છે એણે આવા પ્રસંગુમાં તિજોરીઓ ફાડીને ખર્ચો કરી લેવો જોયે ! એની વાંહે પાંચ પંદર ગરીબ ગુરબા (ઢોલ-વાજાં વાળાથી લઈ રસોયા ને ફોટા વિડિયો વાળા સુધીનાં)નાં છોકરાંવને પરણાવવાનો જોગ થઈ જાહે ! હા, બાકી કોકના બંગલા જોઈ પોતાના ઝુંપડા બાળવા બેહે એવા અબુધોએ આમિર પાંહેથી ’નોલેજ’ પણ મેળવવું જોયે ! પારકા લગનમાં સોનાનાં ગણપતિ બેહાડનારા ગોર પોતાનાં ગગાને સોપારીનાં ગણપતિએ પૈણાવી દ્‍યે છે !

  દેખાદેખીમાં અદેખાઈનો ધ્વની સંભળાશે, દેખાદેખી કરતાં આપણાં ખીસામાં દેખાય એટલું ગજું કરવું ! આ ’આમિર’ના કેવાની ’અસર’ થાય તો હંધાય ’અશોક’ થઈ જાય ! ધન્યવાદ, આપની અદ્‌ભૂત કલ્પનાશક્તિ અમને આટલુ વિચારવા પ્રેરે છે ! હવે હાંઉ ! આભાર.

  1. અશોકભાઈ,
   જમણવારમાં ખૂબ બગાડ થાય છે એ તો સહુ જાણે છે. પણ એ બગાડ બાબત જાગૃતિ કોણ લાવે?
   મોટો જમણવાર ધમધમાવીને ચાલતો હોય . એંઠી પ્લેટ્સ જ્યાં ઠલવાતી હોય ત્યાં ઊભા ઊભા આમિરખાન જો
   અન્નના બગાડ બાબત ઠપકો આપે તો કદાચ એ વાત લોકોના દિલને સ્પર્શ કરે! પણ એ કેટલી જગ્યાએ પહોંચે?
   આવી તો કેટલીય સમસ્યાઓ છે . બધે આમિરખાન ન પહોંચે. પણ ,આમિરરખાન વગર આપણા દિલને જાણે કોઈ વાત સ્પર્શતી જ નથી!
   આપણા દિલ સાલા દિલ છે કે પ્લાસ્ટીકના ડબલાં છે?

 3. સરસ આર્ટીકલ. ખાસ તો આયુર્વેદિક તોરણો .. જીનીયસ આઈડીયા .. એવી રીતે અગર પર્યાવરણલક્ષી કે ગ્રીન મેરેજની કલ્પના કરીએ તો .. લગ્નમાં પેટ્રોમેક્ષના લેમ્પને બદલે સોલર લેમ્પ (ગ્રીન એનર્જી) … દહેજ કે લગ્ન પછી સ્નેહીઓ દ્વારા ચાંલ્લાની આપલે સમયે રૂપિયા કે વસ્તુઓને બદલે ફળના છોડ-ઝાડની આપ-લે … લગ્નમાં લાલ રંગના મંડપને બદલે લીલા રંગનો મંડપ .. શહેરમાં હોલને બદલે કોઈ બગીચામાં ઝાડની નીચે લગ્ન ……

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.