મોરારિબાપુ, સાહિત્યકારો અને લોકપ્રિયતા

જૂની વાત છે. સાહિત્યને લગતો એક  કાર્યક્રમ હતો.  જેમાં કેટલાક કવિમિત્રો થેલાં લઈને આવી પહોંચ્યા હતા. થેલાંમાં ડાયરીઓ  હતી અને ડાયરીઓમાં સ્વાભાવિક રીતે ગઝલો હતી. એ કાર્યક્રમમાં  મોરારિબાપુ પણ પધાર્યાં હતા. પરંતુ, કેટલાક કવિમિત્રો એવી કચકચ કરવા લાગ્યાં કે: સાહિત્યના કાર્યક્રમમાં મોરારિબાપુની શી જરૂર છે?

ખરેખર તો એ કવિમિત્રોએ આ સવાલ કાર્યક્રમના આયોજકોને પૂછવો જોઈતો હતો. કારણ કે આયોજકો જાણતા હતા કે – કવિતા વાંચવાં માટે કવિઓ તો એક કહેતાં એકાવન મળી રહે પણ શ્રોતાઓ  ક્યાં?  ને.. મોરારિબાપુની લોકપ્રિયતા  થકી કાર્યક્રમનો પ્રચાર થતો હોય, શ્રોતાઓની સંખ્યા વધતી હોય, એ શ્રોતાઓ સુધી કવિઓની કવિતાઓ  પહોંચતી હોય તો એમાં ખોટું શું છે?  પરંતુ, કેટલાક સાહિત્યકારોને એવું લાગતું હોય છે કે – મોરારિબાપુને સાહિત્ય સાથે કોઈ પ્રકારની નિસ્બત નથી અને હોવી પણ ન જોઈએ! અરે મારા વાલીડાઓ, તમે જો સાહિત્યની અવનવી વાનગીઓના કારીગરો છો તો મોરારિબાપુ તો ફાઈવ સ્ટાર સાહિત્યિક હોટેલના સંચાલક છે! વર્ષોથી સાહિત્ય પીરસી રહ્યા છે.  જે દ્વારા માત્ર તુલસીદાસ જ નહિ પરંતુ કેટલાય નામી અનામી ગુજરાતી સાહિત્યકારોની રચનાઓ લોકો સુધી પહોંચાડી રહ્યા છે.  જરૂર પડે તો ફિલ્મી ગીતોની પંક્તિઓ પણ રજૂ કરે છે. કેટલાક સાહિત્યકારો  વળી  ફિલ્મી ગીતોને સાહિત્ય ન  પણ ગણે.  જ્યારે સમાજને આ બધાં સાથે નિસ્બત છે.

હવે ધારો કે , પેલી કચકચ કરનારા કવિઓની રચનાઓ  જો મોરારિબાપુને ગમી ગઈ હોય અને તેઓ એ રચનાઓ પોતાની કથામાં અવારનવાર રજૂ કરતાં હોય તો?  તો તો પેલાં કચકચિયા કવિઓ પોતાની જાતને ધન્ય ધન્ય માને કે નહિ? તો વાત એમ થઈને  કે- જેને દ્રાક્ષ ખાવા મળી એને માટે  દ્રાક્ષ મીઠી અને જેણે ખાવા ન મળી એનાં માટે ખાટી!

સમાજમાં બધું એકબીજાં સાથે એટલું તો સંકળાયેલું છે કે, એ બધું છૂટું પાડવું એટલે ઉનાળાની ઋતુમાં AC રૂમમાં બેસીને ACના ગેરફાયદાની ચર્ચા કરવા જેવું લાગે.  હુ  મોરારિબાપુનો ભક્ત નથી.  વફાદાર શ્રોતા પણ નથી. એમણે કથા ક્યાં કરવી જોઈએ અને ક્યાં ન કરવી જોઈએ એવી ચર્ચાનો આ વિષય પણ નથી. પરંતુ, એઓ જે કાઈ સારું કરી રહ્યાં હોય એને માણવાના બદલે એઓ શું સારું નથી કરી રહ્યા એની યાદી બનાવવા બેસું  એ તો ભારતીય વિરોધ પક્ષોની આડોડાઈ જેવું ગણાય.  

સાહિત્ય કે કળા સાથે સંકળાયેલી સંસ્થાઓનાં કાર્યક્રમોમાં ઘણી વખત કાગડાઓ પણ નથી આવતા.  સરિતા જોશીના સન્માનના એક કાર્યક્રમમાં પૂરાં પચીસ ભાવકો પણ નહોતા આવ્યાં. કારણ? આયોજનમાં અને પ્રચારમાં ખામી. કેટલીક સંસ્થાઓના કાર્યક્રમોમાં વધારાના શ્રોતાઓની  વાત જવા  દો, સંસ્થાના ચોથા ભાગના સભ્યો પણ આવતાં નથી.  એમાં પણ સંપ્રદાયો! ગઝલ સંપ્રદાય! નાટક સંપ્રદાય! વિવેચન સંપ્રદાય!

મોરારિબાપુ પોતાનું કાર્યક્ષેત્ર માત્ર  કથા પૂરતું માર્યાદિત ન રાખતા હોય અને સાહિત્યમાં પણ રસ લેતા હોય તો  સાહિત્યકારો અને ભાવકો બંને માટે લાભની વાત છે. એમના લીધે સાહિત્યકારો અને શ્રોતાઓ એકબીજાની નજીક આવી શકે છે. બાકી, ઘણી જગ્યાએ  એવું બનતું હોય છે કે , સાહિત્યકારો હોય ત્યાં શ્રોતાઓ નથી હોતાં  અને શ્રોતાઓ હોય ત્યાં સાહિત્યકારો નથી હોતાં.   

મોરારીબાપુ ભલે નમ્રતાપૂર્વક કહેતા હોય કે- મને સાહિત્યકારોની જરૂર છે.  પરંતુ, હકીકત એ છે કે – સાહિત્યકારોને  મોરારિબાપુની વધારે જરૂર છે.  કારણ કે, મોરારિબાપુ એક એવું સબળ અને જીવતું-જાગતું માધ્યમ છે કે જેના દ્વારા સાહિત્યકારો વિશાળ શ્રોતા વર્ગ સુધી પહોંચી શકે છે.  લખનારા લખી તો નાખે.  ગમેતેં કરીને છપાવી પણ નાખે.  પણ પછી શું? છપાયેલું વંચાવું ને વેચાવું તો જોઈએને? બહુ અઘરી વાત છે.  છેવટે વાત પ્રચારની આવે છે. સાહિત્યની સબળ સંસ્થા જે કામ નથી કરી શકાતી એ કામ મોરારિબાપુ જેવી વ્યક્તિઓથી  જાણ્યે અજાણ્યે પણ થઈ જતું  હોય છે.  એટલે જ કોઈ નવાસવા  કવિ ને પોતાનો પહેલો કાવ્યસંગ્રહ બહાર પાડવા  માટે પ્રકાશક જેટલા જરૂરી લાગે છે,  પ્રસ્તાવના લખી આપનાર જેટલા જરૂરી લાગે છે એટલા જ જરૂરી કે એથી વિશેષ જરૂરી,આશીર્વચન  લખી આપનારાં કોઈ ધાર્મિક  કે  સામાજિક  આગેવાન લાગે છે.  એક સંગ્રહ બહાર પાડતાં પહેલાં એણે નમસ્કારની તમામ મુદ્રાઓ અજમાવવી પડતી હોય છે.  પછી ભલે એ સંગ્રહમાં ગમે એટલી ખુમારીની ગઝલો લખી હોય! કડવી લાગે તો પણ આ હકીકત છે. વેલ ગમે એવી ગુણકારી હોય પણ, એને ટેકાની જરૂર તો પડે છે!  બની શકે કે વાડના ટેકે, ગુણકારી ન હોય એવાં વેલા પણ ચડી જાય! પરંતુ , માત્ર એ વાત જ ધ્યાનમાં રાખીને જ  વાડનું મૂલ્યાંકન કરનારા વિવેચકો ભલે કરે.  સાહિત્યકારો અને વાચકો પોતપોતાનાં કામથી મતલબ રાખે છે. ક્યાંક ન કે ક્યાંક આપણે મન મનાવવું પડે કે – આપણે રોટલાથી કામ છે અને નહિ કે ટપટપથી. 

તો અસલ દેશી બાજરાના લોટમાંથી  કોઈ દેશી બાઈના હાથેજ ઘડાયા હોય અને જેના પર શુદ્ધ દેશી ઘી રેડાયેલું હોય એવાં ત્રણ ત્રણ રોટલા તાજેતરમાં જ  મોરારિબાપુની હાજરીમાં ‘અસ્મિતાપર્વ’ નાં પ્રસંગે રજૂ થયા  એની વાત બાકી રાખીએ.   જો કે એમાં ખરેખર એક રોટલી હતી જે બબ્બે રોટલા ભાંગીને બનાવી હોય એવી હતી. 😀

Advertisements

33 thoughts on “મોરારિબાપુ, સાહિત્યકારો અને લોકપ્રિયતા

 1. સાચી વાત છે…

  એ બે રોટલા ને એક રોટલીનું પૂરેપૂરો આસ્વાદ ત્યાં જ બેસીને મેં માણ્યો છે. મને લાગે છે કે મોરારીબાપુની ધર્મ કે કથાઓની વાત ન લઈએ અને ફક્ત તેમણે સાહિત્યને આપેલા પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રોત્સાહનની વાત જ કરીએ તોય તેમને માન આપવું જ પડે. દ્રાક્ષ ઘણા માટે ખાટી હશે, પણ એ તો સાપેક્ષ વસ્તુ છે….

  પ્રસંગોચિત લખાણ… સરસ

 2. એટલું જ નહી, મેં તો સાંભળ્યું છે કે મોરારિબાપુ સાહિત્યમાં ઊંડો રસ લે છે, અને સમયાંતરે માતબર રકમનું દાન પણ આપતા હોય છે, આવા સાહિત્યને લગતા કાર્યો માટે. અને આ ”સાંભળ્યું છે” એ કોઈક અધિકૃત સ્રોત મારફતે, એટલે માનવા જેવું ખરૂં.

  • દીપકભાઈ,
   ઇરાદો તો કોઈને વગાડવા કરતાં મનની એ વાત રજૂ કરવાનો છે કે-સાહિત્યના રસપ્રદ કાર્યક્રમો રજૂ થતા હોય તો એણે માણવામાં પાછા ન પડવું. સાહિત્ય અને લોકો વચ્ચે ખાઈ પુરાતી હોય તો વાડમાં છીંડાઓ પડે એમાં સાહિત્યકારોએ અફસોસ કરવાની જરૂર નથી .

 3. ઠક્કરબાપુ, આપનું આ વાક્ય તો લેખનો ‘સર’ પંચ છે.

  “મોરારીબાપુ ભલે નમ્રતાપૂર્વક કહેતા હોય કે- મને સાહિત્યકારોની જરૂર છે. પરંતુ, હકીકત એ છે કે – સાહિત્યકારોને મોરારિબાપુની વધારે જરૂર છે. કારણ કે, મોરારિબાપુ એક એવું સબળ અને જીવતું-જાગતું માધ્યમ છે કે જેના દ્વારા સાહિત્યકારો વિશાળ શ્રોતા વર્ગ સુધી પહોંચી શકે છે.”

  • લખનારનો હેતુ એવો હોય જ કે, પોતાની વાત વધુમાં વધું વાચકો કે શ્રોતાઓ સુધી પહોંચે. તો સામા પક્ષે વાચકોને પણ પોતાનાં પ્રિય લેખકોની વાણી સરળતાથી અને વિના મૂલ્યે સાંભળવાનો આનંદ હોય જ!
   તો એમ પણ કહી શકાય કે- સાહિત્યકારોની સાથેસાથે શ્રોતાઓને પણ મોરારિબાપુ જેવાં માધ્યમોની જરૂર છે.

 4. શ્રી યશવંતભાઈ, ઘ……ણા સમયે દેખાયા ! પરંતુ વટક વાળી દીધું હોં !
  હવે અણજાણતો એવો હું તો શું બોલું ?! પણ ખરે જ મનનિય વાતો લખી છે. મોરારિબાપુને ને સાહિત્યને શું સગપણ એમ કહેનાર તો ખરે જ આ વિષયે જરા વધારે પડતું અજ્ઞાન ધરાવે છે એમ કહેવાય !! જો કે મને આગળ પાછળનાં સંદર્ભની જાણ નથી ! દીપકભાઈને હોય તેમ લાગે છે !! 🙂 (“કોથળામાં પાંચશેરી?”), ખેર વાડ અને વેલાનું તથા ખાટી દ્રાક્ષનું દૃષ્ટાંત એકદમ યોગ્ય રીતે ટાક્યું છે, એ વડે સમગ્ર વાત સારી રીતે સમજાય છે. અને ખાસ તો આપણે રોટલાથી કામ છે અને નહિ કે ટપટપથી એ બહુ ગમ્યું. તો હવે રોટલા-રોટલીની વાતની રાહ રહેશે. આભાર.

  • અશોકભાઈ,
   આમાં આગળ પાછળના સંદર્ભની કોઈ વાત નથી. (“કોથળામાં પાંચશેરી?”), જેવું પણ નથી. વાત સાહિત્યકારો અને શ્રોતાઓ વચ્ચે મોરારીબાપુ જે સેતુ જેવું કામ કરે છે .. એની વાત છે. વાચકોને રસ પડશે તો વાત લંબાવીશું. નહિ તો ક્યાં ઘરની ગાયું હતી ને રોજ દૂધે વાળું કરતાં’તા!

  • અશોકભાઈ,
   મને પણ ખબર નથી! મેં તો માત્ર પ્રશ્ન પૂછ્યો છે, અભિપ્રાય નથી આપ્યો. પણ યશવંતભાઇએ તરત ખુલાસો કરેલો છે.

   મારા સવાલનું કારણ એ કે યશવંતભાઈના લેખો અને કવિતાઓ વાંચ્યા પછી મારી સમક્ષ એમનું જે વ્યક્તિત્વ ઉપસે છે તે એક ‘આઉટસાઇડર’ (અલિપ્ત)નું છે. ઘટનાઓને જોવાની આવી વ્યક્તિઓની રીત અલગ હોય. કારણ કે એમનો ‘દેશ’ જુદો હોય છે. આવી વ્યક્તિઓ કશાનો કે કોઈનો વિરોધ ન કરે, પરંતુ કોઇથી અંજાય પણ નહીં. બન્ને છેડાઓથી દૂર રહે. સરઘસોમાં જોડાય નહીં અને જોડાવું પડયું હોય તો ચારેબાજુ જોરથી નારા પોકારાતા હોય ત્યારે યશવંતભાઈ (મારી કલ્પનાના) મધ્યમ સ્વરે નારા પોકારતા હોય! ભીડમાં હોય તો અલગ પડી આવે.

   આ કારણે યશવંતભાઇ કોઈનાં ફાટ્યે મોંએ વખાણ પણ ન કરે અને ટીકાઓની ઝડીઓ પણ ન વરસાવે.

   (યશવંતભાઈને રૂબરૂ મળવાનું સૌભાગ્ય હજી પ્રાપ્ત થયું નથી. વડોદરા જવાનું થાય તો મોકો ચૂકવાની ઇચ્છા નથી, બસ, ફોન નંબર તો ઇ-મેઇલથી મેળવી લઈશ).

   • દીપકભાઈ,
    આભાર. મારા માટેનું મોટાભાગનું તારણ સાચું કાઢ્યું છે. પરંતુ, હુ માનું છું કે: એમાં માત્ર મારી ખૂબીઓ જ નથી પણ મારી ખામીઓ પણ છે જ. ગમે તેં તોય સામાન્ય માણસ! વગર મરજીએ સરઘસોમાં જોડાવાનું બન્યું છે અને બનતું રહે છે! હા, નારા પોકારવામાં તમે કહો છો તેમ બહુ જોર ન થઈ શકે! 😀
    કોઈપણ વિષયને કટાક્ષ કે વ્યંગ દ્વારા રજૂ કરવાની આદતને કારણે (“કોથળામાં પાંચશેરી?”) જેવું લાગે એ સ્વાભાવિક છે. પણ , અહીં તો મેં કહ્યું એમ મનની વાત- મોરારિબાપુ, સાહિત્યકારો અને લોકપ્રિયતા- એ વિષય પર જ વાત કરવાનો ઇરાદો છે.

    • હા એ વાત કરવાની રહી ગઈ કે- મને, શું હોવું જોઈએ કે શું ન હોવું જોઈએ -માત્ર એની જ ચર્ચા કરવાનાં બદલે – એ કેમ છે કે કેમ નથી એ વિષે પણ વિચારવાનું કે વાત કરવાનું ગમે છે. એટલે જ કદાચ મને ક્યારેક એક જ મુદ્દો પકડી રાખીને બહુ દલીલબાજીમાં ઉતરવું ઠીક નથી લાગતું.

    • બરાબર છે. મને સંતોષ છે કે તમારા વિશેનાં તમારાં અવલોકનો તમને મોટા ભાગે સાચાં લાગ્યાં. તમે કટાક્ષ દૃષ્ટિ રાખો છો તે તો તમારા ‘આઉટસાઇડરત્વ’નું મત્ર એક લક્ષણ છે.

     હવે મૂળ ચર્ચા પર આવું તો, શ્રી મોરારી બાપુની મૂળ પ્રવ્રુત્તિ કથા કરવાની છે. આ મૂળ પ્રવ્રુત્તિથી સમાજનું કશું ભલું થયું હોવાનું જણાયું નથી અને થાય પણ નહીં. મોરારીબાપુ પોતે એમ માનતા હોય કે તેઓ કથા દ્વારા લોકોમાં આધ્યાત્મિકતા વધારવામાં સફળ થયા છે, તો એમણે ગુજરાતમાં આધ્યાત્મિકતા વધી કે નહીં તેની સર્વે કરાવવી જોઇએ.

     સાહિત્યકારોને શ્રોતાઓ કે ભાવકો નહીં મળતા હોય એ વાત સાચી અને મોરારીબાપુને કારણે એમને શ્રોતાઓ મળતા હોય તેમાં કઈં ખોટું નથી. આ વાત પણ હું સ્વીકારું છું. પણ ્મોરારી બાપુને સાહિત્યકારોની જરૂર નથી એ વાત ગળે ઉતારવી મુશ્કેલ જણાય છે. એક નર્યા કથાકારતરીકેની એમની છબી બદલવામાં આવા સમારંભો કામ આવે છે. બાપુ શૌચાલયો બનાવવા માટે પણ કથાઓનું આયોજન કરે છે. આ પણ અસ્મિતા પર્વની જેમ જ સારી પ્રવ્રુત્તિ છે અને એ પણ એમની છબી બદલવામાં મદદ કરે છે. જાણીતા રૅશનાલિસ્ટો પણ પોતાના પુસ્તકનું વિમોચન મોરારી બાપુના હાથે કરાવે છે.

     હવે સાહિત્યકારો, રૅશનાલિસ્ટો, પત્રકારો, કટારલેખકો અને શૌચાલયોનો ઉપયોગ કરનારા એમની કથા-પ્રવૃત્તિની અર્થહીનતા વિશે કશું બોલે એવી કેટલી શક્યતા છે? આમ એમની ગૌણ પ્રવૃત્તિ મુખ્ય છબી બનાવવામાં મદદરૂપ બનશે, તો બીજી બાજુ એમની મુખ્ય પ્રવૃત્તિ પર તો કોઈ ધ્યાન આપશે જ નહીં.

     આ કો-ઑપ્શન છે. એટલે કે સંભવિત વિરોધીઓને પોતાના ગ્રુપમાં સમાવી લેવા. સાહિત્ય અને શૌચાલય નિર્માણ ધાર્મિક પ્રવચનોથી અલગ પ્રકારનાં ક્ષેત્રો છે. શ્રી મોરારીબાપુની પ્રતિભા સમાજને બહુ કામ આવે એમ છે. અંધશ્રદ્ધા, અંધભક્તિ, ખોટા રિવાજો, વહેમો. નાતજાત વગેરે વિરુદ્ધ એમના અવાજની જરૂર છે. રામ સમગ્ર માનવસમાજ માટે આદર્શરૂપ હોય તો એ આદર્શ સિદ્ધ કરવા માટે દરેક જણે શું કરવું જોઇએ તે શ્રી મોરારી બાપુ વધારે સારી રીતે કહી શકે. આ આદર્શ સમજાવવા માટે એમણે અમદાવાદમાં રમખાણ પછી મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં કથા રાખી હતી. એમણે મુસ્લિમ વિસ્તાર કેમ પસંદ કર્યો? હિન્દુ વિસ્તાર શા માટે નહીં? શું પોલીસે હિન્દુ વિસ્તારમાં કથા માટે મંજૂરી ન આપી અને માત્ર મુસ્લિમ વિસ્તાર માટે આપી? ઘણા સવાલો ઊભા થાય છે, પણ પૂછશે કોણ?

     અસ્મિતા પર્વનાં કેટલાંક ભાષણૉ મેં પણ સીધાં જ અથવા ‘યૂ-ટ્યૂબ’ પર સાંભળ્યાં છે અને એમની ગુણવત્તા બાબતમાં વિવાદ છે જ નહીં. પરંતુ શ્રી મોરારીબાપુની ગૌણ પ્રવ્રુત્તિઓમાંથી કોઈ મને પસંદગી કરવા કહે તો હું કહીશ કે અસ્મિતા પર્વ કરતાં શૌચાલય નિર્માણ પ્રવ્રુત્તિનું મહત્વ વધારે છે.

     • શ્રી. દીપકભાઈ
      ગઈ સાલ આવા જ કોઈ પર્વમાં બાપુની હાજરીમાં કોઈ વિવેચક સ્વ.ચંદ્રકાંત બક્ષી બાબુના લૂગડાં ઉતારતા હતા. કારણ?? બક્ષીબાબુના બહુ મોટા ફેન પાર્થ નાણાવટી આ બાબતે ફેસબુક પર બધાની સામે ટકરાઈ ગયા હતા. ખાસો વિવાદ થયેલો, જય વસાવડા સામે પણ તે ભાઈ ટકરાઈ ગયા હતા. એમણે મારો બક્ષી બાબુ વિશેનો અભિપ્રાય ” બક્ષી બાબુ ગુજરાતી સાહિત્યનાં સિંહ હતા” કોપી કરીને ત્યાં મુકેલો પણ ખરો. જોકે તે સમયે હું ફેસબુક પર ખાસ જતો નહોતો. મને સ્વર્ગસ્થ સિંહના લૂગડાં ઉતારનાર વિવેચકનું લેક્ચર શોધવા છતાં વાચવા મળ્યું નહિ. મોરારીબાપુ ઉદ્ભવ પામ્યા તે પહેલા ગુજરાતી સાહિત્યની કેટલી ખરાબ દશા હશે નહિ?? સમર્થ સાહિત્યકારોને બાપુની જરૂર હશે ખરી?? બાપુ નમ્રતાપૂર્વક ઘણીવાર સાચું બોલતા હોય છે કે એમને સાહીત્યકારોની જરૂર છે. શ્રી. ગુણવંત શાહ અને શ્રી. કાંતિ ભટ્ટ જેવા લેખકો એક સમયે બાપુની નિંદા કરતા જ હતા આજે આ લોકોએ બાપુ માટે બટરના ડબ્બા ખોલી નાખ્યા છે. આમ બાપુને પણ સાહીત્યકારોની જરૂર હોય જ છે. આમેય ધર્મના ધંધામાં પડેલા લોકોને મીડિયાની જરૂર પડતી જ હોય છે. પણ એ બહાને નવોદિત સાહીત્યકારોનું કામ થઇ જાય છે તે સારું જ કહેવાય ને?

      • રાઓંલજી,
       * “બક્ષીબાબુની ટીકા થઈ શકે કે નહિ?” .. એ વિષય પર એક પોસ્ટ મૂકવાનો વિચાર છે. પણ, વાત નીકળી છે તો- હુ પણ બક્ષીબાબુનાં લખાણોનો ચાહક હોવા છતાં, ‘બક્ષી’ બ્રાન્ડનો નશો ચડે છે એવું કહેવાનું ગમતું હોવા છતાં – માનું છું કે, કોઈપણને બક્ષીબાબુનાં સર્જનને પોતાની કસોટીએ ચડાવવાનો હક છે. એનાથી બક્ષીબાબુની લોકપ્રિયતાના કિલ્લાની એક કાંકરી પણ ભલે ન ખરતી હોય. ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ, મડિયા વગેરેના સર્જન વિષે પ્રશંસાની સાથેસાથે ટીકાઓ પણ થઈ છે. એનાથી આ સર્જકોને કોઈ નુકસાન થયું નથી. કોઈપણ બક્ષીબાબુનાં સર્જન વિષે જે કાઈ લખે એની સાથે આપણે સહમત ન હોઈએ તો આપણે આપણો અભિપ્રાય જણાવી શકીએ. ટીકા કરનારને એ જ રીતે સખત જવાબ આપી શકીએ. પરંતુ, કોઈ સર્જકનું લખાણ કસોટીની એરણે ન ચડે એવો આગ્રહ નથી રાખી શકાતો.
       * આપણને એમ પણ લાગે કે – બક્ષી હયાત હતા ત્યારે કોઈને પોગવા નહોતા દેતા.હવે એ નથી ત્યારે એમની ટીકાઓનો અવાજ આવવા લાગ્યો છે. એ હકીકત હોય તો પણ એને યોગાનુયોગ માનીને ”શકનો લાભ’ આપવો જોઈએ.
       * ‘ ગુજરાતી રંગભૂમિ સાથે જેનું નામ ગૌરવપૂર્વક જોડાયેલું છે એવા સુરેશ રાજડાએ ‘ગુજરાત સમાચાર’માં એક લેખ લખેલો. જેમાં બક્ષીબાબુને સારી રીતે ઝાટકી નાખેલા! છેલ્લે એ મતલબની ચેતવણી પણ આપેલી કે:”ખબરદાર! હવે પછી ક્યારેય ગુજરાતી રંગભૂમિ બાબત ગમેતેમ લખ્યું છે તો. ભલે દોસ્તીનું જે થવું હોય તે થાય…” આ લેખ વાંચ્યા પછી પણ બક્ષીબાબુ અને સુરેશ રાજડા તરફનું મારું માન ઘટ્ય નહોતું. આ આદત પાડવી પડે. એમાં જ મજા છે. પરંતુ, આપણી ગણના ‘દૂધ અને દહીં બંને પક્ષમાં પગ રાખનાર’ તરીકે થઈ જશે એવી સમજથી ક્યારેક આપણે કારણ વગર કોઈ બે છાવણી વચ્ચે વહેંચાઈને એ મજા ગુમાવી દેતા હોઈએ છીએ. ને બટર કોઈ બીજાં લઈ જાય છે. .
       .
       * કોઈ લેખકો એક સમયે મોરારિબાપુની ટીકા કરતા હતા અને હવે પ્રશંસા કરતા હોય તો આપણે શાં માટે વિચલિત થવું? પોતપોતાના વિચારો અને સમજમાં પરિવર્તન આવતું હોય છે. એની પાછળ અનેક પરિબળો ભાગ ભજવતાં હોય છે. આપણને આપણી માન્યતાને વળગી રહેતાં કોણ રોકી શકે છે? સહુ સહુને પોપોતાની માન્યતા હોય છે. [સંજયદત્તની જેમ. :D]

     • વિષયાંતર થઈ જાય છે. છતાંય-
      * એક કથાકાર તરીકે મોરારિબાપુએ લોકને ” રામાયણ” ગ્રંથનું સફળતાપૂર્વક રસપાન કરાવ્યું છે. એમ કરતાં કરતાં એમણે સામાજિક બદલાવ માટે દિશાસૂચનો કર્યાં હોય અને એ પ્રયત્નો રંગ ન લાવી શક્યાં હોય એમ કોઈને લાગતું હોય તો એમાં નિષ્ફળતા માત્ર મોરારીબાપુની નથી. આપણા સમાજની પણ છે.
      *આપણે જોઈએ છીએ કે-નર્મદ અને દયાનંદ જેવાં સમાજસુધારકો આપણા સમાજમાં થઈ ગયા છતાં એમના વખતમાં નહોતી એટલી અંધશ્રદ્ધા આજના વખતમાં જોવા મળે છે. તો શું એ લોકોને નિષ્ફળ માનીશું? કે ક્યાંક ને ક્યાંક એમની મહેનત લેખે લાગી હશે એવો સંતોષ લઈશું.
      *મોરારિબાપુ પોતાની એક નર્યાં કથાકાર તરીકેની છબી બદલવા માંગતા હોય તો એ પણ સારી જ વાત છે ને? એમને શું શું નથી કર્યું એવી યાદી તો ઘણી લાંબી થઈ શકે.
      * આપણને એમ લાગે કે મોરારીબાપુના પ્રભાવનો અમુક જગ્યાએ ઉપયોગ થવો જોઈએ પણ થતો નથી. પણ શું બધું જ મોરારીબાપુ કે અન્ના હજારે જેવી વ્યક્તિઓએ જ કરવાનું છે? કે પ્રજા તરીકે આપણે પણ કશું કરવાનું છે? સમાજની બધી જ નબળાઈઓ એ લોકો જ દૂર કરે એવી અપેક્ષા વધારે પડતી નથી?
      * પ્રવૃત્તિઓની પસંદગી અલગ અલગ હોઈ શકે.
      *મોરારીબાપુની કથાપ્રવૃત્તિ માટે દરેકના અલગ અલગ વિચારો છે.ઘણાંને એ પ્રવૃત્તિ નિરર્થક લાગે છે તો ઘણાને સાર્થક લાગે છે.

      • શ્રી યશવંતભાઈ,
       તમે ત્રણ સવાલ પૂછ્યા છેઃ ” પણ શું બધું જ મોરારીબાપુ કે અન્ના હજારે જેવી વ્યક્તિઓએ જ કરવાનું છે?
       કે પ્રજા તરીકે આપણે પણ કશું કરવાનું છે?
       સમાજની બધી જ નબળાઈઓ એ લોકો જ દૂર કરે એવી અપેક્ષા વધારે પડતી નથી?”

       મારા જવાબઃ
       ૧) ના. પરંતુ લોકોને લીડર વિનાચાલતું નથી.
       ૨) પ્રજા તરીકે આપણે ઘણું કરવાનું છે.
       ૩) આવી અપેક્ષા હું નથી રાખતો.

       આભાર.

     • સાહિત્યકારોને શ્રોતાઓ કે ભાવકો નહીં મળતા હોય એ વાત સાચી અને મોરારીબાપુને કારણે એમને શ્રોતાઓ મળતા હોય તેમાં કઈં ખોટું નથી. આ વાત પણ હું સ્વીકારું છું. પણ ્મોરારી બાપુને સાહિત્યકારોની જરૂર નથી એ વાત ગળે ઉતારવી મુશ્કેલ જણાય છે.
      .. આ લેખમાં ‘મોરારી બાપુને સાહિત્યકારોની જરૂર નથી’ એવું લખાયું નથી. …. ફરીથી રજુ કરું:’
      ‘મોરારીબાપુ ભલે નમ્રતાપૂર્વક કહેતા હોય કે- મને સાહિત્યકારોની જરૂર છે. પરંતુ, હકીકત એ છે કે – સાહિત્યકારોને મોરારિબાપુની વધારે જરૂર છે. કારણ કે, મોરારિબાપુ એક એવું સબળ અને જીવતું-જાગતું માધ્યમ છે કે જેના દ્વારા સાહિત્યકારો વિશાળ શ્રોતા વર્ગ સુધી પહોંચી શકે છે. ‘

  • શ્રી. દીપકભાઈ, શ્રી. અશોકભાઈ,
   મોરારીબાપુ સાહિત્યની ખૂબ સેવા કરતા હોય છે. સાંભળ્યું છે કે નવોદિત લેખકોને એમના પુસ્તક પબ્લીશ કરવા ઉત્તેજન સાથે પૈસાની પણ મદદ કરતા હોય છે. સાહિત્ય તો ઘણું રચાય છે, પણ વાંચે કોણ? લોકપ્રિય હોય તો વંચાય. આમ લોકપ્રિય બનાવામાં બાપુ ફાળો આપી શકે. મોરારિબાપુ સાહિત્યમાં ઊંડો રસ લે છે, અને સમયાંતરે માતબર રકમનું દાન પણ આપતા હોય છે, આવા સાહિત્યને લગતા કાર્યો માટે. અને આ ”સાંભળ્યું છે” એ કોઈક અધિકૃત સ્રોત મારફતે, એટલે માનવા જેવું ખરૂં.મોરારિબાપુ તો ફાઈવ સ્ટાર સાહિત્યિક હોટેલના સંચાલક છે! વર્ષોથી સાહિત્ય પીરસી રહ્યા છે. જે દ્વારા માત્ર તુલસીદાસ જ નહિ પરંતુ કેટલાય નામી અનામી ગુજરાતી સાહિત્યકારોની રચનાઓ લોકો સુધી પહોંચાડી રહ્યા છે.
   મોરારીબાપુ ભલે નમ્રતાપૂર્વક કહેતા હોય કે- મને સાહિત્યકારોની જરૂર છે. પરંતુ, હકીકત એ છે કે – સાહિત્યકારોને મોરારિબાપુની વધારે જરૂર છે. કારણ કે, મોરારિબાપુ એક એવું સબળ અને જીવતું-જાગતું માધ્યમ છે કે જેના દ્વારા સાહિત્યકારો વિશાળ શ્રોતા વર્ગ સુધી પહોંચી શકે છે. લખનારા લખી તો નાખે. ગમેતેં કરીને છપાવી પણ નાખે. પણ પછી શું? છપાયેલું વંચાવું ને વેચાવું તો જોઈએને? બહુ અઘરી વાત છે. છેવટે વાત પ્રચારની આવે છે. સાહિત્યની સબળ સંસ્થા જે કામ નથી કરી શકાતી એ કામ મોરારિબાપુ જેવી વ્યક્તિઓથી જાણ્યે અજાણ્યે પણ થઈ જતું હોય છે. એટલે જ કોઈ નવાસવા કવિ ને પોતાનો પહેલો કાવ્યસંગ્રહ બહાર પાડવા માટે પ્રકાશક જેટલા જરૂરી લાગે છે, પ્રસ્તાવના લખી આપનાર જેટલા જરૂરી લાગે છે એટલા જ જરૂરી કે એથી વિશેષ જરૂરી,આશીર્વચન લખી આપનારાં કોઈ ધાર્મિક કે સામાજિક આગેવાન લાગે છે.
   માટે મને એવું થાય છે કે આપણે બ્લોગ જગતમાંથી આવા કવિઓ લેખકો શોધી કાઢીએ અને એમની માહિતી મોરારીબાપુને પહોંચાડીએ જેથી બાપુ દ્વારા એમને પ્રસિદ્ધિ મળે, એમનું સાહિત્ય વંચાય, વેચાય અને ગુજરાતી સાહિત્ય આવા સાહિત્યકારોથી વંચિત ના રહી જાય. શું માનવું છે? કોઈ સ્વમાની લેખક બાપુને કહેવા નાં જાય તે હકીકત છે તો આપણે એના બદલે બાપુને કહીએ. કહેવામાં શું જાય છે? લાગ્યું તો તીર!

   • તમે જે જણાવો છો કે: માટે મને એવું થાય છે કે આપણે બ્લોગ જગતમાંથી આવા કવિઓ લેખકો શોધી કાઢીએ અને એમની માહિતી મોરારીબાપુને પહોંચાડીએ જેથી બાપુ દ્વારા એમને પ્રસિદ્ધિ મળે, એમનું સાહિત્ય વંચાય, વેચાય અને ગુજરાતી સાહિત્ય આવા સાહિત્યકારોથી વંચિત ના રહી જાય. શું માનવું છે? કોઈ સ્વમાની લેખક બાપુને કહેવા નાં જાય તે હકીકત છે તો આપણે એના બદલે બાપુને કહીએ. કહેવામાં શું જાય છે? લાગ્યું તો તીર!
    … રાઓંલજી, તમારો ઇશારો અને તીર બંને સમજાય છે.ક્ષમા કરજો. તમારું સૂચન વ્યવહારિક લાગતું નથી. એમાં ગંભીરતા કરતાં ગમ્મત વધારે જણાય છે. શૌચાલયો પણ મોરારીબાપુ બનાવે અને નવાં લેખકોને પ્રોત્સાહન પણ એ જ આપે એવો આગ્રહ વધારે પડતો છે. બાકી, હકીકતની વાત કરું તો – વિદ્વાન સાહિત્યકારો જેને લેખક કે કવિ તરીકે માન્યતા ન આપે એવાં નવોદિતોને પણ મોરારિબાપુએ આશિર્વાદ દ્વારા પ્રોત્સાહન આપેલું છે.
    આ આગળ વધવું એ એક એવી પ્રક્રિયા છે કે -જે માટે દરેકે પોતે પણ સખત મહેનત કરવી પડે. રસ્તો શોધવો પડે. વ્યકતિગત પ્રોત્સાહન ન પણ મળે. પણ ઝીલી લેવું પડે.
    હુ જાણું છું કે -મોરારિબાપુની વિરુદ્ધમાં તમારી પાસે ઘણો દારૂગોળો છે. અને ભડાકાનો કોઈ અંત નથી. પરંતુ, અત્યારે તો ‘અસ્મિતાપર્વ’ માં જે ત્રણ વક્તવ્યો થયાં એની મીઠી અસરની વહેંચણી કરવાનો ઇરાદો છે.

    • અસ્મિતા પર્વના ત્રણ વ્યક્તવ્યો મેં પણ ભરપેટ માણ્યા જ છે. એક ભાઈએ જય વસાવડાના લેક્ચરનો વીડીઓ મૂક્યો હતો ફેસબુકમાં. હું સાંભળતો જતો હતો અને એમણે મારેલી સિક્સર પેલા સ્ટેટ્સ નીચે લખતો જતો હતો. ઘરમાં કોઈ હતું નહિ એકલો એકલો તાળીઓ પણ પાડી લેતો હતો. આમ શરદ ઠાકરનું લેકચર સાંભળતા આવેલા આંસુ પણ લુછ્યા હતા. કાજલ ઓઝા વૈદ્યના વેધક સવાલો સાંભળી અનુભવ્યું કે શ્રોતાઓ સ્તબ્ધ થઇ ગયા છે. દારૂગોળાનો કોઈ સવાલ જ નથી. મારી પાસે તો તોપખાનું જ છે. પણ તે એકલા મોરારીબાપુ માટે નથી. જ્યાં જરૂર લાગે ત્યાં વાપરું છું. છતાં મોરારીબાપુ માટે મને રીસ્પેક્ટ એક વાતનું જરૂર છે કે ભલે એમનો સ્વાર્થ હોય કે નાં હોય જુદા જુદા પર્વો ગોઠવી સાહિત્યની સેવા તો કરે છે. અને ગમ્મત કરવાનો ઈજારો કોઈ એક જણનો તો હોય નહિ. હહાહાહાહાહા!!!!

 5. Do these Sahityakaro promote Gujarati Lipi in Hindi literature?
  Do they promote Gujarati literature in Hindi or English?
  Do they write better literature (poems,Novels…etc) than old literature?
  Do they maintain Bhasha Shudhdhi as seen in Hindi Literature?

  In The internet age why buy their literature when you can find better answers via Google search or Wikipedia or blogs?

  (3)ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
  ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં,હિન્દી મીડિયા સામે સચોટ પડકાર આપવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.

  ભારત કી સરલ આસાન લિપિ મેં હિન્દી લિખને કી કોશિશ કરો……………….ક્ષૈતિજ લાઇનોં કો અલવિદા !…..યદિ આપ અંગ્રેજી મેં હિન્દી લિખ સકતે હો તો ક્યોં નહીં ગુજરાતી મેં? ગુજરાતી લિપિ વો લિપિ હૈં જિસમેં હિંદી આસાની સે ક્ષૈતિજ લાઇનોં કે બિના લિખી જાતી હૈં! વો હિંદી કા સરલ રૂપ હૈં ઔર લિખ ને મૈં આસન હૈં !http://saralhindi.wordpress.com/

 6. From My face book.

  અસ્મિતાપર્વના ત્રણ લેક્ચર સાંભળ્યા. જય વસાવડાએ એમની લાક્ષણિક શૈલીમાં ગંભીર વાતો કહીને શ્રોતાઓને તાળીઓ પાડવા, વાહ વાહ કહેવા મજબૂર કરી નાખ્યા. ડૉ શરદ ઠાકરે પ્રાસ બેસાડી ચબરાકિયા ફેંક્યા પણ આંખોમાં પાણી લાવી દીધું, શબ્દોના સથવારે સમાજસેવાનું કામ થઇ શકે છે તે સાબિત કરી દીધું. અને કાજલ ઓઝા વૈદ્યે ભુક્કા બોલાવી નાખ્યા. શ્રોતાઓ તાળીઓ પાડવાનું પણ ભૂલી જાય તેવું કડવું કડવું. મજા આવી ગઈ.
  comments from JV
  Jay Vasavada -‎Bhupendrasinh Raol આભાર સાહેબ. btw, બાપુ વિષે ઘણી ગેરસમજો અહીં બેઠેલાઓને ય છે તો તમે તો ખાસ્સા દુર છો. 🙂 અને દરેક વક્તાને વિષય લોકપ્રિયતા અને સાહિત્યની મૂળ થીમ પર આધારિત હોઈ, વ્યાખ્યાન દરમિયાન જરૂર લાગે તો અને ત્યાં નિસંકોચ એમના સ્વાનુભવો કહેવાનું અગાઉથી જ સૂચિત (આમંત્રણ સાથે) કરાયું હતું. જે મિત્રોને કેમેરા બાપુ પર તકાયેલો હોવા અંગે વાંધો છે, એમને લોકપ્રિયતાનું સાદું ગણિત પણ સમજાતું નથી. ઘેર બેઠાં મફત સાહિત્યિક (મનોરંજક નહિ) પ્રવચન એક પ્રોફેશનલ ચેનલ જાહેરાત વગર બતાવે છે તો એણે TRP વધુ મળે એવો મુખ્ય ચહેરો તો બતાવવો પડે ને. દેશભરમાં સેંકડો લોકો એ જોવા માંગતા હોય કે એમને પ્રિય બાપુના ચહેરા પર કઈ વાતના કેવા રિએક્શન/ભાવ આવે છે. સુપરસ્ટાર ફિલ્મમાં નાનો રોલ કરતો હોય તો યે પોસ્ટર પર એનો જ મોટો ફોટો એને પૂછ્યા વિના જ પ્રોડ્યુસર / એજન્સી જ મૂકી દે. અને હા, Dinesh Tilvaની વાત સાચી છે. અસ્મિતાપર્વ એના માહોલને માણવા માટે છે, ટીવી પર જ જોવામાં એનો અંદાજ ના આવે…. 😛

  • રાઓલજી,
   ત્રણે વકતવ્યો માત્ર tv પર જ સાંભળીને સંતોષ માનવો પડ્યો છે. માહોલનો પૂરો અંદાજ ન આવે એ વાત પણ બરાબર છે.
   હવે જુઓ. મોરારિબાપુ એક કથાકાર અને ધાર્મિક વ્યક્તિ. “આસ્થા” એક ધાર્મિક ચેનલ. જેના પર રજૂ થતી બધી વાતોમાં મને કે તમને બહુ રસ ન પડે. છતાંય એમાના દ્વારા આપણને આ કાર્યક્રમ પહોંચ્યો! અર્થાત, દરેક જગ્યાએ વાડાબંધી નથી. આ જમાનાની આ જ તો ખૂબી છે. :

 7. from facebook
  DrPravin Bhatia-Purecha ‎Bhupendrasinh Raol…….એમાં પણ મોરારી બાપુથી છેલ્લે છેલ્લે રહેવાયું નહિ ….દિલ ની વાત – મન ની વાત જુબાન પર લાવી બેઠા ……આશા પારેખ ને જોઈ ને ………અને માંડ્યા ગીત ગાવા કોઈ મત વાલા આયા મેરે દ્વારે,અંખીયો સે કર ગયા અજબ ઈશારે,………….બધા ને મોરારી બાપુ ની મન ની વાત ખબર પડી ગઈ …… આપણે તો બસ ગદ ગદ થઇ ને ભાવ વિભોઓર બની ગયા બસ …..ના કોઈ દંભ ના કોઈ પ્રપંચ બસ આમ બિન્દાસ બાપુ …….. ….:)
  Tuesday at 10:44am · Unlike · 6

 8. મજાનું વિશ્લેષણ માણ્યું.

  આ લેખમાંથી મને એક સોનામહોર જેવું અવતરણ મળ્યું – એક સંગ્રહ બહાર પાડતાં પહેલાં એણે નમસ્કારની તમામ મુદ્રાઓ અજમાવવી પડતી હોય છે. પછી ભલે એ સંગ્રહમાં ગમે એટલી ખુમારીની ગઝલો લખી હોય!

  • વિનયભાઈ,
   કોઈપણ લેખક, કવિ કે કલાકારને શરૂઆતમાં સંઘર્ષ કરવો પડે. એને એમ પણ થાય કે: કાશ! કોઈ મારી કદર કરે! એક તક મળે એ માટે એ દર દરની ઠોકરો પણ ખાય. પોતાનો પહેલો સંગ્રહ બહાર પડે એ માટે છેવટે તો એણે બજારમાં જ જવું પડે! ને બજાર ક્યાં કોઈની શરમ રાખે છે? એ તો એના નિયમો પળાવે જ!
   ગમેતેવા તોતિંગ વૃક્ષે શરૂઆતમાં તો કોમળતા ધારણ કરવી પડેને?
   કલાકાર જ શાં માટે? કોઈપણ નવો ધંધો શરૂ કરનાર પણ આ પ્રક્રિયામાંથી જ પસાર થાય છે. ભજિયાંની નવી લારી શરૂ કરનારે પણ સત્તર જણાની દાઢીમાં હાથ નાખવો પડે! ઓછી મૂડી હોય, સાધનોનો અભાવ હોય, બજાર અજાણ્યું હોય… ને બાપુ, એ ભજિયાંનો પહેલો ઘાણ કાઢતો હોય અને પહેલું જ ઘરાક આવીને ઊભું રહે.. એ વખતનો એનો આનંદ .. અહાહા! પહેલાં ઘરાકે આપેલી નોટ એ વર્ષો સુધી સાચવી રાખે…
   .. ને સમય જતાં એનો વેપાર વધી જાય. મોટી દુકાનોનો માલિક બની જાય… એ રીઢો પણ થઈ જાય! નોટોની થપ્પી થઈ જાય! પેલી સાચવી રાખેલી નોટની કિંમત ન રહે!
   પણ, જો એ એની ખાનદાની જાળવી રાખે તો ચિત્ર જુદું હોય! ગમે તેટલો મોટો ધંધો હોય.. પણ કોઈ નવોસવો ધંધો શરૂ કરનાર માર્ગદર્શન માટે આવે તો કહેશે: મૂંઝાતો નહિ. હાલ્ય હુ ભેગો આવું…
   વિનયભાઈ, પાયાની બાબતો બધાંમાં સમાન હોય એવું નથી લાગતું?

 9. સાહિત્યકારોને મોરારિબાપુની વધારે જરૂર છે.
  ————
  એકદમ સાચી વાત. ગુજરાતી અસ્મિતાને ગુજરાતી વાચકો / કળારસિકોની જરૂર છે.

  ગુજરાતી સાહિત્ય અને કળા મોરારીબાપુ, ‘સમન્વય’, ‘અવસર’ , ‘ધબકાર’ જેવાઓઅનાં ઋણી છે.
  ————
  મોરારીબાપુનો પરિચય બનાવી આપશો? – આ ફોર્મેટમાં ?
  http://sureshbjani.wordpress.com/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s