સાદાં ખમણ અને નાયલોન ખમણ

-[૧] 

-[૨] 


મિત્રો,આપ સહુએ આ બંને તસવીરો જોઈ.પ્રથમ તસવીર દેશી અથવા સાદાં ખમણની છે.બીજી તસવીર નાયલોન ખમણની છે.

બંનેની સરખામણી આ પ્રમાણે થઈ શકે.

* સાદાં ખમણ એ ખમણ બનાવવાની જૂની પદ્ધતિ છે જે ઘણું કરીને ઢોકળાં બનાવવાની રીતને મળતી આવે છે. નાયલોન ખમણ બનાવવાની પદ્ધતિ પાછળથી અમલમાં આવેલી છે. અર્થાત  સાદાં ખમણનો ઇતિહાસ , નાયલોન ખમણના  ઇતિહાસ કરતાં જૂનો છે.

* સાદાં ખમણ બનાવવા માટે સમય વધારે જોઈએ. જેમ કે ચણાની દાળને ચારથી પાંચ કલાક પલાળવી પડે. તેમાંથી ફોતરાં કાઢી નાખવા પડે.પછી પીસવી પડે. તૈયાર થયેલા ખીરામાં પ્રમાણસર પાણી,મીઠું અને હળદર વગેરે નાંખીને આથો લાવવા માટે એ ખીરાને હલાવવું પડે.   પછી એને ઢાંકીને મૂકી રાખવું પડે. જ્યારે આથો આવી જાય ત્યાર પછી એ બાફવામાં આવે. આ પ્રક્રિયા આજના ઝડપી સાધનોના યુગમાં પણ દસેક કલાક જેટલો સમય માંગી લે છે. કારણ કે આ પદ્ધતિમાં આથો કુદરતી રીતે આવે તેની રાહ જોવામાં આવે છે.

જ્યારે નાયલોન ખમણ બનાવવા એટલે “લાવ્ય ઘોડો અને કાઢય વરઘોડો” જેવી વાત છે!  નાયલોન ખમણ માટે ચણાનો લોટ એટલે કે બેસન લેવામાં આવે છે. તમે સમજી શક્યા હશો કે દાળને પલાળવાની અને પીસવાની જેવી પ્રક્રિયા આમાં કરવી નથી પડતી. માની લો કે લગભગ ચાર  કલાકો ઓછા થઈ ગયા. નાયલોન  ખમણ બનાવવા માટે બેસનમાં પ્રમાણસર પાણી, હળદર, લીંબુના ફૂલ, મીઠું ઉમેરવામાં આવે છે.  હવે મજાની વાત એ છે કે તૈયાર થયેલા ખીરામાં કુદરતી રીતે આથો આવે એ માટે રાહ જોવાની હોતી નથી. ખીરામાં ખાવાના સોડા ઉમેરીને તેમ જ ખીરાને હલાવીને તાત્કાલિક આથો લાવી દેવામાં આવે છે. પછી એને બાફવામાં આવે છે. બીજા પાંચથી છ કલાકો ઓછા થઈ ગયા! નાયલોન ખમણ એક કલાકની અંદર પણ તૈયાર થઈ શકે!

*  સાદાં ખમણ બફાઈને તૈયાર થાય પછી એણે વઘારવામાં આવે છે. એ માટે એના પર કાચું તેલ અને શેકેલી રાઈ નાંખીને હલાવી નાંખવામાં આવે છે. ઉપર લીલાં ધાણાં અને કોપરું પણ ભભરાવી શકાય. વડોદરા, સુરત,અમદાવાદ વગેરે શહેરોની દુકાનોમાં મળતાં વઘારેલાં ખમણ તે આ.  આવા ખમણને ટમટમ બનાવવા હોય તો એમાં  લાલ મરચાનો પાવડર અને લીંબુનો રસ ઉમેરી દેવામાં આવે.  દહીમાં નાંખીને દહીંનાં ખમણ બનાવી શકાય. એનો ભૂકો બનાવીને ખમણી બનાવી શકાય. 

જ્યારે નાયલોન ખમણ બફાઈને તૈયાર થયાં પછી એના પર  વઘાર પાથરી દેવામાં આવે છે. એ વઘાર પાણીમાં ખાંડ, લીલાં મરચાં અને રાઈ દ્વારા તૈયાર કરેલો હોય છે. .

*દેશી ખમણ બનાવવા માટે સમય વધારે લાગે જ્યારે નાયલોન  ખમણ બનાવવા માટે એક  કલાક પણ પૂરતો છે.

*  સાદાં ખમણ ફૂલેલાં હોય છે પરંતુ નાયલોન  ખમણ એનાં કરતાં પણ વધારે ફૂલેલાં હોય છે. બસની સીટ કે સોફામાં વપરાતાં રેક્ઝીન જેવાં. એણે નીચોવશો તો એમાંથી પાણી નીકળશે. 

*  સાદાં ખમણ સ્વાદિષ્ટ જરૂર હોય છે. એમાં જે સ્વાદ હોય છે તે કુદરતી હોય છે. જયારે નાયલોન  ખમણ લીલાં મરચાં અને લીંબુના ફૂલના લીધે તીખાં અને  ખાટાં હોય છે. અર્થાત જીભના ચટાકા પૂરાં કરવામાં નાયલોન  ખમણ મેદાન મારી જાય.

* સાદાં  ખમણથી સાંધા પકડાવાનું જોખમ ઓછું છે જ્યારે નાયલોન  ખમણમાં લીંબુના ફૂલનો ઉપયોગ થતો હોવાથી  એનું અતિ સેવન કરવામાં  આવે તો સાંધા પકડાવાનું જોખમ રહે  છે. સ્વાભાવિક રીતે જ મોટી ઉમરનાં લોકો દેશી કે સાદા ખમણ પસંદ કરે. જ્યારે યુવાનોને નાયલોન  વધારે માફક આવે.

*બજારમાં બંને પ્રકારનાં ખમણની માંગ રહે છે. પરંતુ કેટલી દુકાનોવાળા સિદ્ધાંતને પકડી રાખીને કે પછી જરૂર ન લાગતી હોવાથી માત્ર  સાદાં ખમણ જ વેચે છે. એનાથી વિપરીત ઘણા દુકાનદારો માત્ર નાયલોન  ખમણ જ વેચવાનું પસંદ કરે છે.  જ્યારે કેટલાક દુકાનદારો એકપણ ગ્રાહક પાછું ન જાય એ ઈરાદાથી બંને પ્રકારનાં ખમણ રાખે છે.

ગ્રાહકો પણ ત્રણે પ્રકારનાં હોય છે. માત્ર  સાદાં ખમણ પસંદ કરનારાં, માત્ર નાયલોન ખમણ પસંદ કરનારાં અને બંને પ્રકારનાં ખમણ પસંદ કરનારાં.   

* બંને પ્રકારનાં ખમણ બનાવાવામાં મહારત હોવી જરૂરી છે. નાયનોલ ખમણ ભલે તાત્કાલિક તૈયાર થતાં હોય પરંતુ એમાં પણ મહારત જરૂરી છે.  વિશેશ જરૂરી છે કારણ કે તાત્કાલિક પરિણામ આપવાનું  હોય છે.

મિત્રો.  આ બંને પ્રકારનાં ખમણ વચ્ચે સરખામણીના મુખ્ય મુદ્દાઓ રજા કર્યાં પછી હું મૂળ વાત પર આવું છું.

ક્ષમા કરજો મિત્રો. અત્યાર સુધી કરી એ આડવાત જ હતી. મૂળ વાત હવે આવે છે. જો તમે આડવાત સમજી શક્યા હશો તો મૂળ વાત સમજવામાં વાર નહિ લાગે.

મૂળ વાત એમ છે કે આપણે વિવિધ લેખકોનાં જે લખાણો વાંચીએ છીએ એ લખાણો પણ  સાદાં કે નાયલોન ખમણ જેવાં જ હોય છે.

જેમ કે:

પન્નાનાલાલ પટેલની નવલકથાઓ, ધૂમકેતુની વાર્તાઓ, ઉમાશંકરનાં કાવ્યો અને એવાં અનેક પ્રકારનાં લખાણો  સાદાં ખમણ જેવાં છે. જેને તૈયાર કરવા પાછળ વધારે સમય આપવામાં આવેલો હોય છે. જેમાંથી ફોતરાં જેવી સામગ્રી વીણી વીણીને કાઢી નાખવાની ચીવટ રાખવામાં આવી હોય છે. જેમાં પણ અનુભવો અને વિચારોનો આથો આવે એની રાહ જોવામાં આવી હોય છે. વળી આવાં લખાણો સાત્વિક આનંદ આપનારાં હોય છે. આવાં લખાણો પસંદ કરનારો ખાસ વર્ગ હોય છે. હવેના ઝડપી યુગમાં આવાં લખાણો તૈયાર કરનારાં ઓછાં છે. 

જ્યારે છાપાંની કટારોમાં વાંચવાં મળતાં લખાણો મોટાભાગે નાયલોન ખમણ જેવાં હોય છે. જે વર્તમાન ઘટનાઓ પરથી તાત્કાલિક તૈયાર થયેલાં હોય છે. પૂર્તિઓની માંગને પહોંચી વળવા માટે લખાતાં લખાણો પણ આવાં હોય છે. આવાં લખાણો નાયાલોન ખમણ જેવાં તીખાં અને ખાટાંમીઠાં હોય છે. આવાં લખાણો માટે વિચારોનો આથો આવવાની રાહ જોવામાં આવતી નથી. તાત્કાલિક આથો લાવી દેવામાં આવે છે. આવાં લખાણોથી ઘણાંના [મગજના] સાંધા પકડાઈ જાય છે. આજના જમાનામાં આવાં લાખાણોની માંગ વધારે છે. આવાં લખાણો તૈયાર કરવામાં પણ મહારત જરૂરી છે.  

બંને પ્રકારનાં લખાણોમાં મહારત જરૂરી છે. એનાં વગર લખાણ સ્વાદિષ્ટ બનતું નથી. નાયલોન લખાણ ભલે જલ્દી તૈયાર થતું હોય પરંતુ એ માટે વિશેષ મહારત જરૂરી છે. અન્યથા    એમાંથી એકેય પ્રકારનો સ્વાદ પ્રાપ્ત થતો નથી. બજારમાં મળતાં નાયલોન લખાણોમાંથી કેટલાં અને કેવાં સ્વાદિષ્ટ છે તે આપ સહુ જાણો જ છો.  

ચતુર વાચકોને વધારે શું કહેવાનું હોય? હવે પછી જ્યારે જ્યારે ખમણ સાથે કે લખાણ સાથે પનારો પડે ત્યારે ત્યારે તમે જ નક્કી કરજો કે  ખમણ કે લખાણ કેવું છે. સાદું કે નાયલોન? 

પરમ કૃપાળુ પરમાત્મા આપ સહુને એવી તબિયત આપે કે જેથી કરીને બંને  પ્રકારનાં ખમણ કે લખાણ  આપણે પચી જાય.

આવજો અને જલસા  કરજો.   

Advertisements

12 thoughts on “સાદાં ખમણ અને નાયલોન ખમણ

  1. સાદા અને નાયલોન ખમણ ની રેસીપી સાથે આજના બ્લોગ અને તેનું મહત્વ ખૂબજ સુંદર રીતે સમજાવવા કોશિશ કરી છે, ખૂબજ અસરકારક રજૂઆત સાથે નો લેખ.

    ધન્યાવાદ !

  2. પિંગબેક: » સાદાં ખમણ અને નાયલોન ખમણ » GujaratiLinks.com

  3. જ્યાં સુધી તમારી [વૈચારીક /સાહિત્યીક] તંદુરસ્તી સહન કરી શકે ત્યાં સુધી બધાં જ ‘ખમણ’ ખાવાનું જોખમ તો બધા જ ઉઠાવતા હોય છે જ. તે જ રીતે કાળ ક્રમે ચટાકેદાર ટેવોને કારણે નાની ઉમરમાં ‘મધુપ્રમેહ’ / ‘ઉચ્ચ લોહી દબાણ’ / ‘સાંધાના વા’ જેવાં દર્દો ભાષાને પણ લાગૂ પડી જતાં હોય છે.એટલે ભાષા સુધાર માટે કરી ને પ્રૌઢ શિક્ષણના વર્ગો શરૂ કરવા પડે તો નવાઈ નહીં લાગે. એમાં વળી ‘મેડીકલ પ્રવાસન’ જેવું ક્ષેત્રપણ વિકસશે(!).

  4. યશવંતભાઈના સાદાં ખમણ અને નાયલોન ખમણ વીશે વીનય ખત્રી, આર્ટ ઑફ રાઈટિંગ કૉલમ યાને ખમણ બનાવવાની કળા, – સૌરભ શાહ, ગુડમોર્નિંગ, મુંબઈ સમાચારમાં ફરી આજે નેટ ઉપર વાંચેલ છે અને અહીં કોમેન્ટ લખેલ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s