ખાઓ અને ખવડાવો: મંતવ્યોના ઠોસા!

મિત્રો,

જેઓ શહેરની મંડી-બજારમાં જતાં હોય છે તેઓ જાણતાં જ હોય છે કે, ઠોસા એ મફતમાં મળતી વાનગી છે. જે ન ભાવતી હોવા છતાં ખાવી પડે છે! વળી, લોકો પોતે ઠોસા ખાય છે અને બીજાંને ખવડાવે પણ છે. એ રીતે જોઈએ તો આ  અરસપરસ અને આપોઆપ થતી સામુહિક ક્રિયા છે. શરૂઆતમાં થોડી અઘરી લાગે છે પરંતુ વારંવારની મંડીની મુલાકાતથી તે આવડી જાય છે.

 ભીડમાં મોટું મન રાખીને આપણે ઠોસા ખાઈએ છીએ અને મારીએ પણ છીએ. પરંતુ  ઠોસાના કારણે વાતવાતમાં ઝઘડા કે મારામારી નથી કરતાં. એકાદ ઠોસો કાઈને કે મારીને આપણે આગળ વધી જઈએ છીએ.જેને ઠોસા મંજૂર નથી હોતા તેઓ એવી જગ્યાએ જવાનું ટાળે છે. જેઓ ઠોસા જીરવી નથી શકતાં તેઓ ઠોસાબાજી છોડીને મુક્કાબાજી પર પણ આવી જાય છે.

વિવિધ પ્રકારની સોશિયલ વેબસાઈટ્સ પરપણ ક્યાંક ક્યાંક ઠોસાબજાર જેવું વાતાવરણ જોવાં મળે છે. લોકો વાતવાતમાં ઠોસા મારતાં જણાય છે. મંતવ્યોના ઠોસા! પરંતુ ત્યાં સદેહે મુક્કાબાજી પર આવવાની સંભાવના નથી હોતી તે સમગ્ર સમાજ માટે એક મોટી રાહત છે.

[તસવીર: http://benisawesome.net/2009/10/page/2/]

સોશિયલ વેબસાઈટ્સ પર કોઈ પણ નબળું સબળું માણસ મંતવ્યનો  ઠોસો મારી શકે છે. તે માટે એનો દેહ તાકાતવાન હોવો જરૂરી નથી. વળી, એ ઠોસો શારીરિક રીતે નબળા કે સબળા ગમે તે માણસને  વાગી શકે છે. આ પ્રક્રિયામાં  ઠોસો મારનારની ઈચ્છાની સાથેસાથે ઠોસો ખાનારની ઈચ્છા જ વધારે ભાગ ભજવે છે.

એક ઉદાહરણ લઈએ.

ધાર્મિક વિધિઓમાં ન માનનાર, સમાજ સુધારણા માટેના  પોતાના લેખમાં એવું મંતવ્ય આપે કે: “ટીલાંટપકાંમાં રચ્યાંપચ્યાં રહેનારી ધરમની પૂછડીઓને ઊંચકીને દરિયામાં ફેંકી દેવી જોઈએ.”  આવું મંતવ્ય આપનારમા ભલે પાંચ  કિલો વજન પણ ઊંચકવાની ત્રેવડ ન હોય! પરંતુ તે આવું સાહસિક મંતવ્ય આપી શકે છે.  કારણ કે આ લોકશાહીમાં સહુને અભિવ્યક્તિનો અધિકાર છે. તેની અભિવ્યક્તિને વાસ્તવિકતા સાથે કેટલું અંતર છે તે માપવામાં આવતું નથી. આમ આ મંતવ્ય આપનારે હવામાં એક ઠોસો માર્યો છે એમ કહી શકાય. હવામાં ઠોસા મારવાનો વ્યાયામ કરનારને રોકી ન શકાય.

હવે જુઓ રમત! આ મંતવ્યથી કોઈની ધાર્મિક લાગણી દુભાઈ જાય છે. લાગણી દુભાવી એ આપણો મોટો સામાજિક રોગ છે. તે અતિશય ચેપી પણ છે. જેની લાગણી દુભાણી હોય તેને કોઈએ હવામાં વીંઝેલો ઠોસો વાગ્યો છે એમ કહી શકાય.

કોઈએ હવામાં  વીંઝેલો મંતવ્યનો ઠોસો જેને સ્વેચ્છાએ વાગે છે તે જો એ ઠોસાને જીરવી શકે વાત આગળ વધતી નથી .પરંતુ જો તેનાથી ઠોસો જીરવાતો નથી તો તે સામો ઠોસો મારે છે.મંતવ્યનો ઠોસો! તે સામે પ્રતિભાવ દ્વારા મંતવ્યનો વળતો ઠોસો મારે છે કે: “TILATAPKA KARNARAOE   TILATAPKA  TAMARE KAPALE TO NATHI KARIYANE? TO PACHHI BALATARA SHANE KARO CHHO? KOINI DHARMIK LAGANI DUBHAVAVAAO HAK TAMNE KONE APYO CHHE? “

આ થયો વળતો ઠોસો! વિદેશી પ્લેટમાં દેશી ઠોસો!

હવે જો મૂળ ઠોસો મારનાર વળતો ઠોસો ખાઈને ખાતું સરભર થઈ ગયું એમ માનીને આગળ વધે તો કોઈ સવાલ નથી. પરંતુ મોટાભાગે તેમ થતું નથી. પહેલાં તો તેણે હવામાં જ ઠોસો માર્યો હતો પણ હવે  તો તેને ઠોસો ખાનાર પ્રાપ્ત થઈ ગયો હોવાથી ખાસ તેને જ વળતો  ઠોસો મારે છે.કે: મારી દીવાલ પર ગમે તે લખવાનો મને હક છે. કડવું સત્ય સહન ન થતું હોય તો આ તરફ આવવું જ નહિ. અહીં તો તેજાબમાં બોલાયેલા શબ્દો પ્રગટ થાય છે! દાઝી જશો.

ત્યાં તો બેની લડાઈમાં કોઈ ત્રીજો કૂદી પડે! તે પણ પ્રતિભાવ દ્વારા મૂળ ઠોસો મારનારને ટેકો જાહેર કરતો હોય તેવો પોતાનો આગવો ઠોસો વીંઝે કે:તમારું લખાણ જોરદાર છે. વીર નર્મદ પછી આવું લખાણ કોઈએ લખ્યું નથી. પણ મારું માનવું છે કે આ ટીલાંટપકાં કરનારાઓ કદી સુધારવાનાં નથી. તેમની અક્કલ ઘાસ ચરવા ગઈ છે.

બસ પતી ગયું. વળતો ઠોસો હાજર: TAMARI  PASE KETALI AKKAL CHHE TE TAMARA LAKHAN PARTHI JANAY AVE CHHE. TAME TAMARA SANSAKARONU PRADARSHAN KARI RAHYA CHHO.

પછી તો ઠોસાયુદ્ધ એવું તો જામે કે મૂળ વાત કે વિચાર બિચારો ત્યાંથી ઊભી પૂછડીએ ભાગી નીકળે! ને રહી જાય માત્ર ઠોસા, ઠોસા ને ઠોસા!!

મિત્રો, તમે પણ ક્યારેક ને ક્યારેક  મંતવ્યોના ઠોસા ખાધા હશે કે ખવડાવ્યા હશે, જો બની શકે તો આપના અનુભવો જણાવશો તો અમારાં ઠોસાજ્ઞાનમાં વધારો થશે. 

આવજો અને નવાં વર્ષની પાર્ટીમાં યથાશક્તિ જલસા કરજો. 

8 thoughts on “ખાઓ અને ખવડાવો: મંતવ્યોના ઠોસા!

 1. યશવંતભાઈ,
  કઈં લખીશ તો કહેશો કે ઠોંસો માર્યો, નહીં લખું તો કહેશો કે ઝીરવી ગયો! એટલે કોઈ જાતની ઠોંસાબાજી કર્યા વિના નવા વરસમાં પ્રભુ તમને વધારે ઠોંસા મારવાની અને ખાવાની શક્તિ અને તક આપે એવી શુભેચ્છાઓ આપું છું.

 2. કારણ વગર CAPITAL LETTERS વાપરીને પોતે કેટલા ઉદ્ધત છે તેનું પ્રદર્શન કરનારાનો મહા ત્રાસ છે.

  બીજો ત્રાસ gujarati bhasa na vakyo roman lipi ma lakhanarao no chhe! વર્ણશંકર ભાષા વાંચવા વધારે સમય લાગે અને તેથી ચીડ ચડે. જો કે નવા સવા હોય અને ગુજરાતી લખતાં આવડતું ન હોય એવા ને (થોડા સમય માટે) માફ કરી શકાય પણ બ્લૉગ જગતમાં ત્રણ-ચાર વર્ષથી પડ્યા પાથર્યા હોય અને ગુજરાતી લખતાં શીખ્યા ન હોય એવા ને શું કહેવું? જો કે વળતા જવાબ હું અંગ્રેજી ભાષાના શબ્દો ગુજરાતી લિપિમાં આપીને સાટું વાળી લઉં!

  • ઇંટરનેટ પર કૅપિટલ લેટર્સ વાપરવા એટલે શાઉટ કરવું. ગુજરાતી સોફ્ટ્વેર સહેલાઇથી મળી જતું હોય છે અને અંગ્રેજીમાં ગુજરાતી લખવા કરતાં અંગ્રેજીમાં ટેવ પ્રમાણે ટાઇપ કરે પણ, વાંચનારને તો ગુજરાતી મળે! આ કઈં બહુ મોટી તકલીફ નથી. અંગ્રેજીમાં ગુજરાતી લખવા કરતાં તો અંગ્રેજીમાં અંગ્રેજી લખવાનું વધારે સારૂં છે, ઍટ લિસ્ટ, સમજવામાં નૅચરલ તો લાગે!

 3. આજના મંગલ પ્રભાતે આપને તથા આપના કુટુંબીજનોને
  ૨૦૧૨ ના મંગલ નુતન વર્ષની શુભ કામના

  આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને
  બે હજાર બારનાં વધામણાં કરી (૨) નવા વરસને વધાવો ને… આવ્યો.

  સ્વપ્ન જેસરવાકર ( પરાર્થે સમર્પણ)

 4. ચર્ચા કરવાના શાસ્ત્રનું શાસ્રીય જ્ઞાન આપવાના ક્લાસ ખોલવાની જરૂર નથી લાગતી?
  તો જ કુસ્તીના અખાડા બંધ થાય.
  બૌદ્ધિકો સામાજિક ક્રાંતિ લાવી શકે – ગાંધીયુગમાં લાવ્યા જ હતા. પણ હવે એ આશા આ અખાડાઓમાં આકાસ કુસુમવત જ લાગે છે.

 5. જેની યશપતાકાઓ બ્લોગજગતના આકાશમાં ઉન્નત મસ્તકે લહેરાઈ રહી છે, જેના ઠોસા ખાવા લોકો લાઈન લગાવી દે તેવા અનંતશ્રી વિભૂષિત, સ્વનામધન્ય, ઠોસામહારાજની પવિત્ર ઠોસાતૂર કોણીને અમારા બરડાનાં પ્રણામ !! હું પણ શ્રી.દીપકભાઈ જેવી દૂવિધા અનુભવતા એટલું જ કહીશ કે:

  અસરના ઓટલાના સૌ મિત્રો અને ઓટલાધારી શ્રી.યશવંતભાઈને ઈસુના નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. વર્ષ ૨૦૧૨માં સૌ બ્લોગગલીઓનું વાતાવરણ ભર્યુંભાદર્યું અને ઠોંસાઠોંસીથી ગાજતું રહે તેવી અભ્યર્થના.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s