ઉલાળા! ઉલાળા!

ઉલાળા! ઉલાળા!

મિત્રો, આ  શબ્દો વાંચીને તમને, “ડર્ટી પિક્ચર”નું આજકાલ ખૂબ ઉલાળા મારતું ગીત ઉલ્લાલા.. ઉલ્લાલા હોઠે ચડી જાય અને તમે મનોમન ઉલાળા મારવા લાગો તો તેમાં કશું અજુગતું નથી. ગીત જ  ઉલાળા મરાવે એવું છે. જોવાનું એ રહે છે કે, નાયિકા વિદ્યા બાલનના ઉલાળા ફિલ્મને થિયેટરમાથી વહેલી વહેલી ઉલળતી બચાવી શકે છે કે નહિ. 

[તસવીર: http://gallery.southdreamz.com/actress/vidya-balan/indian-glamour-actress-vidya-balan-hot-dirty-picture-garam-maslala-photos-2.jpg.html ]

મનુષ્ય સામાજિક પ્રાણી છે. મતલબ કે પ્રાણી તો છે જ. પ્રાણીમાત્ર ઉલાળા મારવાને પાત્ર છે. સામાજિક પ્રસંગોએ મનુષ્ય ઉલાળા મારે તે સ્વાભાવિક છે. લગ્નની મોસમમાં રસ્તા વચ્ચે વિહરતા વરઘોડા આ બાબતમાં  ઉત્તમ ઉદાહરણ છે. વરઘોડો શબ્દ જ મનુષ્ય અને પ્રાણી વચ્ચેની સમાનતા સૂચિત કરે છે.  જેમાં વરનારો અને વરાવનારાઓ ઘોડાની જેમ ઉછળી શકે તે વરઘોડો!

ધાર્મિક પ્રસંગોમાં તેમજ તહેવારોમાં પણ મનુષ્યને ઉલાળા મારવાના મોકા મળે છે.  આ પ્રસંગોએ પણ ધાર્મિક ગીતોના બદલે ફિલ્મી ગીતો વગાડવામાં આવે છે કારણ કે ફિલ્મી ગીતો ઉલાળા મારવા માટે શક્તિ મેળવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. 

રાજકીય ક્ષેત્રે તો  આજકાલ ઉલાળાયુગ ચાલી રહ્યો હોય તેવું લાગે છે!

ચાર રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે એટલે સ્વાભાવિક છે કે નેતાઓ ઉલળી ઉલળીને ભાષણો કરવા લાગે! રાહુલ ગાંધી ખરેખર બાંયો ચડાવીને અને ઉલળી ઉલળીને,માયાવતીની સરકારને ઉલાળી નાખવા માટે લોકોને આહવાન કરી રહ્યા છે. તો સામે પક્ષે વગર ઉલાળા માર્યે માયાવતી ભાષણ વાંચી જાય છે! એમનું કહેવું એમ છે કે, સપનાં જોયા કરો. હું કે મારો હાથી ઉલળીએ તેવાં નથી.

ભાજપના નેતાઓને રૂડા રૂડા શબ્દો ઉલાળવામાં કાબેલ છે. સુષ્મા સ્વરાજ બોલતાં હોય ત્યારે ડોલમાંથી સાબુનાં ફીણ ઉલાળા મારતાં હોય તેવું લાગે છે. અડવાણીજીને તો ધોળે દિવસે સરકાર ઉલળી જવાનાં સપનાં આવતાં હોય તો નવાઈ નહિ.

સરકારે વોલમાર્ટ માટે રસ્તો ખોલવાની વાત કરીને વિરોધ પક્ષો અને નાનામોટા વેપારીઓને ઉલાળા મારતાં કરી દીધા છે. નાના નાના વેપારીઓ ને  હવે પોતે ઉલળી  જશે એવી બીક લાગી છે.

પેટ ઉલાળવાની અનોખી કળા જેને આવડે છે તે બાબા રામદેવને સરકારે પોલીસ મારફતે મંચ પરથી એક વખત ઉલાળો મરાવ્યો. હવે તેમને લોકોની નજરમાંથી ઉલાળી નાખવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. અન્ના મંડળીના અભ્યોને ઉલાળી નાંખવા માટે એમની નાનીમોટી ભૂલો શોધી કાઢીને ઉછાળવામાં આવી રહી છે.

આન્નાજીના વ્યક્તિત્વમાથી તો  ક્યારેક  ગાંધીજી તો ક્યારેક  શિવાજી ઉછળીને બહાર આવી જાય છે! ટુ ઇન વન! ડબલ પર્સનાલીટી!! ન ઉછળવા જેવાં શબ્દો તેમના હોઠેથી ઉછળી જાય છે ત્યારે કેટલાક લોકોને તેમનાં પૂતળાં ઉછાળવાના મોકા મળી જાય છે! તેમાં મિડીયાનો ફાળો પણ નોંધપાત્ર હોય છે. અન્નાજીના મોંઢેથી “ચાટા મારા? એક હી મારા?” શબ્દો ઉછળ્યા એક વાર. પરંતુ મીડિયાએ ઉછળતા દેખાડ્યા વારંવાર!  “ચાટા મારા? એક હી મારા?”… “ચાટા મારા? એક હી મારા?”…. “ચાટા મારા? એક હી મારા?”.  મીડિયા પોતે તો ઉલાળા મારે પણ બીજાંને પણ ઉલાળા મરાવી શકે છે. 

સંસદ સભ્યો પણ સંસદમાં વિરોધ કરવામાં મર્યાદા રાખતાં નથી ત્યારે  સંસદના આખેઆખાં સત્રો કામ કર્યાં વગર ઉલળી  જતાં હોય છે.  

તાજેતરનો સહુથી વધારે ચર્ચાસ્પદ ઉલાળો, હરવિન્દરસિંહનો ગણી શકાય. આ ઉલાlળાના પરિણામે તેણે શરદ પવારના ગાલે તમાચો ચોડી દીધો. આ ઉલાળાના પ્રભાવે જ તમામ સંસદ સભ્યોએ એક થવું પડ્યું અને હરવિંદરસિંહના ઉલાળાને એકી અવાજે વખોડવો પડ્યો! કાશ! આવી જ એકતાનું પ્રદર્શન  જનતાની ભલાઈ માટેના ઠરાવો પસાર કરવા માટે થયું હોત  તો દેશના કોઈ યુવાનના દિમાગમાં  ગુસ્સો  ઉલાળા ન મારતો હોત!

बात हद से बढ गई तो हो गई बबाल

ढाई किलो के हाथने ढूंढ लिया एक गाल!

મિત્રો, શિયાળો આવી ચૂક્યો છે. શિયાળામાં વ્યાયામના બહાને સહુને ઉલળવાના અવસર મળે છે. યથાશક્તિ ઉલળવાથી આપણું દિલ પણ સારી રીતે ધબકતું રહે છે. જેનું દિલ ધબકતું બંધ થાય તે આ દુનિયામાંથી ઉલળી જાય છે. 

આ હિસાબે ઉલળવું તે આપણો જન્મસિદ્ધ જ નહિ પરંતુ મરણસિદ્ધ અધિકાર પણ છે!   

9 thoughts on “ઉલાળા! ઉલાળા!

 1. પિંગબેક: » ઉલાળા! ઉલાળા! » GujaratiLinks.com

 2. ઉલાળા! ઉલાળા!……………
  અમને ઉલળી ઉલળીને પ્રતિભાવો આપવાના ઉલાળા આવે છે ! પણ પહેલાં હું આ વિ.બા.નાં ’ઉલાળા ! ઉલાળા !’ જોવાની કંઇક જુગતી કરી લઉં !! ભારે મોજ આવી. ખાસ તો એક ’ઉલાળા ! ઉલાળા !’ જોઈ (કે સાંભળી !) વિચારોના આટલા ઉલાળા આવવા માટે ’યશવંત મગજ’ જ જોઈએ ! જેવાતેવા મગજથી આ કામ ન થાય 🙂 આભાર.

 3. તમે મારી બુધ્ધીને ઉલાળા મરાવ્યા અને આ ૬૦ વરસના ડોસાની આંખોને વિદ્યા બાલને-બધું અંતે તો સુખમય જ છે,વિચારનો સંતોષ અને જોવાનો.મારા નિકળ્યા પછીની સંસ્કૃતિના સિનેમા, રાજકારણ,વેપારી પરિવર્તન વગેરેનો એકજ લેખમાં તાગ મેળવ્યો…તા થૈયા થૈયા તા થૈ.

  • અન્ના મંડળીના સભ્યોને બદલે ‘અભ્યોને’ ટાઈપ થયેલું છે. તેના ઉપરથી જાણી શકાય છે કે આ પોસ્ટ રજુ કરતી વખતે શ્રી યશવંતભાઈનું મન પણ ઉલાળા મારતું હતુ..
   ઉલાળા..! ઉલાળા..!! ઉલાળા..!!! ઉલાળા..!!!!

   • સાચી વાત છે. પરંતુ જો “અન્ના મંડળીમાં” કોઈ સભ્યથી આવી નાનકડી ભૂલ થાય તો તેમનાં પર ભાષાઉલાળનો આરોપ લાગી શકે!
    હું જો અન્નાજીની મંડળીમાં હોત તો મીડિયા આવી બાબતમાં અનેક સવાલો કરીને વાતને ચગાવી હોત! જેમ કે:
    યશવંત ઠક્કર શું લખવા માગતા હતાં? સભ્યો? કે અસભ્યો?
    તેમણે શા માટે અભ્યો લખ્યું? શું તેઓ અસભ્યો લખવા માંગતા હતાં? તેમનાથી સ છૂટી ગયો છે? કે પછી આ જાણી જોઈને કરવામાં આવેલી ભૂલ છે?
    જો તેઓ સભ્યો લખવા માંગતા હોત તો અ લખવાનો પ્રશ્ન જ નહોતો. માટે આ બનાવ વિસ્તૃત ચર્ચા માંગી લે તેવો સવાલ છે!
    આવી જ એક ચર્ચા માટે અત્રે અમારા સ્ટુડીયોમાં ઉપસ્થિત મહેમાનોનો પરિચય કરીએ.
    આ છે ગુજરાતી ભાષાના વિદ્વાન સાહિત્યકાર શ્રી ભૂલવન્તભાઈ..
    આ છે અન્નાટીમના લટકતા અને ભટકતા સભ્ય સ્વામી શ્રી બકરીવેષ.
    આ છે તડફડિયા ટાઈપ કલાસના સંચાલક શ્રી ટપુભાઈ તડફડિયા.
    [ ઓહ! માફ કરજો. મને લાગ્યું હતું કે હું post લખી રહ્યો છું.]

 4. આદરણીય શ્રી યશવંત કાકા,

  સરસ અને મનનીય ચાબકાથી શોભતો લેખ “ઉલાળા ..ઉલાળા”

  ખુબ ગમ્યો…આજકાલ આ નેતાઓ બધા જ પક્ષોના જનતાના પૈસે

  ઉલાળા મારી દેશને ઉલાળિયો જ કરી રહ્યા છે…..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s