મરવા માટે બે ગજ જમીન પણ ન મળે!

મિત્રો, 

આપણે એવાં કેટલાય ભજનો કે ગીતો સાંભળ્યા હશે કે જેમાં ભગવાનને ભીડ ટાળવા માટે આજીજી કરવામાં આવી હોય. અહીં ભીડનો અર્થ થાય છે :અડચણ; મુશ્કેલી; હરકત.આવી ભીડ ટાળવા માટે ભગવાનની મદદ લેવી પડે એ સમજી શકાય તેવી વાત છે. પરંતુ ઘણી વખત આવી ભીડ આવી પડે તે માટે જ જાણે કે માનવ-સર્જિત આયોજનો થતાં હોય છે. એવાં આયોજનો કે જેમાં માનવમહેરામણ ઉમટી પડે. અર્થાત ભીડ થાય. અહીં ભીડનો અર્થ થાય છે:પરસ્પરનો ભીંસો, ગિરદી, ઠઠ, ભરાવો. 

જુઓ. થઈને અજબ ભીડ કી ગજબ કહાની! ભીડ એટલે કે અડચણો કે દુઃખદર્દ વગેરેથી મુક્તિ મેળવવાના બહાને  ભીડ એટલે કે ગિરદીનું  સર્જન કરવામાં આવે. એકલોઅટુલો પડી ગયેલો માણસ ભીડથી મુક્તિ  મેળવવા ભીડ તરફ દોટ મૂકે. પરિણામે ઘણી વખત જે ભીડથી મુક્તિ મેળવવા એ ઘેરથી મોટાં ઉપાડે નીકળ્યો હોય એ ભીડ રહી જાય બાજુ પર અને અણધારી નવી ભીડનો ભોગ થઈ પડે.  

ભગવાન કરે કે ક્યારેય ભીડના કારણે કોઈનો ભોગ ન લેવાય. પરંતું એક નહિ અનેક દાખલાઓ છે કે ભીડના કારણે માણસો ચગદાયા હોય. ખાસ કરીને ધાર્મિક સ્થાનોમાં કે ધાર્મિક કાર્યોક્રમોમાં. આયોજકો લાખો લોકો ભેગાં થાય મોટાં પાયે જાહેરાતો કરે. પરંતું એ વિચાર ન કરે કે આટલાં બધાં લોકો એકઠાં થશે તો જગ્યા કે અન્ય સુવિધાની ભીડ ઊભી થશે.  અહીં ભીડનો અર્થ થાય છે:  ખેંચ, તંગી, અછત, ‘શૉર્ટેઇજ’ .આ ભીડના કારણે ધકામુક્કી થાય અને ન ધારેલી ભીડ ઉભી થાય.   

આપણી શ્રદ્ધાનો ધકામુક્કી સાથે ગાઢ નાતો છે. મંદિરમાં ઘણાંને ધક્કામુક્કી કર્યાં પછી જે પ્રભુદર્શન થાય એમાં જ મજા આવે.કષ્ટ વગરનાં દર્શન આપણને માફક આવતાં નથી. પછી ભલે એવાં દર્શનના કારણે અશક્ત કે ઘરડાં લોકોને ધોળા દિવસે તારાઓનાં દર્શન થઈ જાય. વળી માન્યતાઓ પણ એવી જ સર્જવામાં આવે કે: અમુક સમયે જ  અને અમુક જગ્યાએ જ દર્શન કરવામાં આવે તો અનલિમિટેડ પુણ્ય મળે બસ,આ અનલિમિટેડ પુણ્ય મેળવી લેવાની લ્હાયમાં જ ઘણાં લોકો, અનલિમિટેડ ચરણોની નીચે કચડાવાનું જોખમ પસંદ કરે છે.   ક્યારેક પ્રસાદ માટે ધકામુક્કી થાય તો ક્યારેક ગુરુજી કે સ્વામીજીનાં ચરણસ્પર્શ માટે  થાય. પરિણામે ક્યારેક  ભક્તોને મંદિરેથી સીધાં દવાખા ભેગાં થવું પડે. 

એક માણસ  બીજા માણસને મળવાનું ટાળે છે. લોકો એક જ ફલેટમાં રહેતાં હોય અને રોજ એકબીજાની નજરે ચડતાં હોય તોય વાતચીત કરવાનું ટાળે છે. નવા વર્ષના અભિનંદન આપવા માટે પણ એમના હાથ સળવળતા નથી.  શહેર કે ગામમાં કેટલાય જાણીતાં સનેહી કે મિત્રો હોય તેમનાથી ભાગી છૂટવું હોય તેમ ઘણાં પ્રવાસને  બહાને અજાણ્યાં લોકોની ભીડમાં ભળવા માટે દોટ મૂકે છે. 

ભીડનો ભોગ ન બનવું પડે તેવી ગણત્રીથી અમે વહેલાસર, દિવાળીને પંદરેક દિવસોની વાર હતી ત્યારે સોમનાથ ગયા તો ત્યાં મોટાભાગનાં ગેસ્ટહાઉસ બૂક થઈ ગયા હતાં.જે ખાલી હતાં તેમાં અસુવિધાઓની ખાતરી સાથે ચારગણા ભાવ બોલાતા હતાં. દેશમાં તો મોંઘવારી છે જ. પરંતું સોમનાથમાં એનાથી પણ વધારે મોંઘવારી ખાબકવાનું કારણ એ હતું કે ત્યાં બીજા દિવસથી શ્રી મુરારીબાપુની સપ્તાહ બેસવાની હતી. અમને થયું કે આજે તો સુવાના ભાવ બોલાય છે તો કાલે કદાચ બેસવાના કે ઊભા રહેવાનાય ભાવ બોલાય! સમય વર્તે સાવધાન! અમે ભોળાનાથનાં દર્શન કર્યાં અને ક્ષમા માંગીને એમના ધામમાંથી વહેલાસર વિદાય લઈ લીધી.

અમે એવી પણ વાત સાંભળી કે દિવાળીના તહેવારોમાં અમુક ધાર્મિક સ્થાનોમાં એટલી બધી ભીડ હતી કે ; સુવા માટે ધાબે એક ગાદલુ મેળવવાના ૧૫૦૦ રૂપિયા ભાવ બોલાતો હતો. 

અમને થયું કે: અરેરે!અમારો અસરનો ઓટલો આવી કોઈ જગ્યાએ હોત તો અમે હોંશે હોંશે કહેત કે: આવતાં રહો બાપલા . ઓટલે બેસવા ઊઠવાનો કે સુવાનો કોઈ ચાર્જ નથી. 

પરંતું લાંબુ વિચારતાં અમને ભાન થયું કે:એવું ય બને કે ઓટલે આશરો લેવા બાપલીયાઓની ધકામુક્કી થાય તો નાં થાવાનું પણ થઈ જાય! માટે જે છે તે બરાબર છે. આ આભાસી ઓટલો જ સારો છે કે જ્યાં વટથી આવો બાપલા આવો એવા હાકલા કરી શકાય છે. ઓટલે ભીડ થવાની બીક લાગતી નથી. 

એ મતલબની જાણીતી પંક્તિઓ છે કે: જીવવા કે મરવા માટે બે ગજ જમીન પૂરતી છે. 

પરંતું નસીબમાં લખાયું હોય તો ભીડમાં મરતી વખતે  બે ગજ  જમીન પણ ન મળે!!  

                                                                ****

12 thoughts on “મરવા માટે બે ગજ જમીન પણ ન મળે!

 1. આયોજન કોઈક કરે, મરે કોઈક અને મૃતકને વળતર ચૂકવાય કર આપનારના પૈસામાંથી.

  આવાં આયોજનો થતાં હોય ત્યારે સરકારે આયોજકો પાસેથી વ્યવસ્થાની બાંહેધરી મેળવવી જોઇએ અને ભીડને કારણે માણસ મરે તો એનું વળતર આયોજક સંસ્થા પાસેથી વસૂલ કરવું જોઇએ, જેથી સાન ઠેકાણે આવે.

  આ વાત રાજકીય પક્ષોની રૅલીઓને પણ લાગુ પડવી જોઇએ.

 2. રાવજી પટેલની ભીડ કરતા આ સાવ અનોખી છે-આમાં ટાળવાનું અને માર ખાવાનું બન્ને સાથે બને છે.અને ઇશ્વર પૂતળા જેવો ઊભો રહે,સામું જોતોય નથી કે કેમછો પૂછતો ય નથી…..ચાલો હું મારા ગાદલામાં તો સુવા જઊ, મફત છે.

 3. “આટલાં બધાં લોકો એકઠાં થશે તો જગ્યા કે અન્ય સુવિધાની ભીડ ઊભી થશે” માર્મિક વાક્ય!

  બીજું, મને પણ એજ સમજાતું નથી કે કોઈ ચોક્ક્સ દિવસે જ ભગવાન સુપર પાવર થઈ જતા હશે? સામાન્ય દિવસે દર્શન કરીએ તો એ નો કંઈ અર્થ નથી?

  ધાર્મિક સ્થળ (દા.ત. પ્રખ્યત મંદિર) હોય કે પર્યટક સ્થળ (દા.ત. ગોઆ) ઑફ સિઝનમાં જ જવું તેમાં જ મજા છે. નિરાંતે દર્શન થાય, યોગ્ય ભાવે યોગ્ય હોટલમાં રૂમ તેમજ જમવા માટે ટેબલ મળી રહે. બજેટ લિમિટમાં રહે અને ભગવાન કે સ્થળ તો એ જ હોય!

  • વિનયભાઈ,
   કોઈ કોઈ સ્થળ એવાં પણ હોય કે જે બહુ જાણીતાં ન હોય તેથી ત્યાં બહુ ભીડ ન થતી હોય. પરંતું શાંતિ હોય, કુદરતી વાતાવરણ હોય.
   રોજિંદી જિંદગીમાંથી રાહત મેળવવા બીજું શું જોઈએ?
   બાકી જો એની એ જ દોડધામ ,ભીડ અને એના એ જ વહેવાર કરવાનાં હોય તો પ્રવાસનો મતલબ શો?
   પણ મોટાં ભાગે લોકો એ તરફ જ ભાગે છે જે તરફ ગામ ભાગતું હોય!
   દિવાળી પહેલાં અમે એવી જગ્યાઓએ જઈને રાહત મેળવી. 🙂

 4. માંડ રે મળી છે અલ્યા, ઉજ્જડ આ સીમ
  આમ અળગો અળગો તે શીદ ચાલે,
  આંકડિયા ભીડી લે લજ્જાળા છેલ !
  ભલે એકલદોકલ કોક ભાળે…

  ઉપરોક્ત પંક્તિ શ્રી હરિન્દ્ર દવેના કાવ્યની છે. તેમાં ભીડનો શું અર્થ થાય છે તે ય થોડું આ લેખમાં સમાવ્યું હોત તો વધારે આનંદ આવત.

  ભીડ – ગીર્દી , ભીડ – મુશ્કેલી, તકલીફ

  પણ ભીડમાંથી ભીડવું જ્યારે ક્રીયાપદ થાય ત્યારે વળી તેનો નવો જ અર્થ સ્ફૂટ થાય છે. આપની અને શ્રી જુ.કી. જેવા સાહિત્ય રસજ્ઞો આ બાબતે વધુ પ્રકાશ પાડી શકે.

 5. પિંગબેક: » મરવા માટે બે ગજ જમીન પણ ન મળે! » GujaratiLinks.com

 6. નાસભાગ, ધક્કા મુક્કીની દુર્ઘટના એ માનવ સર્જીત છે. પહેલાં ઘણા માનવ ભેગા થાય જેમકે પ્રસાદ લેવા, મંદીર, નદી કે સરોવર કીનારે કે અન્ય જગ્યાએ હોમ હવન કરવા, દર્શન કરવા બધા ભેગા થાય અને પછી જેવો કોઈ કહે કે બોમ્બ ફુટયો, ગુરુજીએ દર્શન આપ્યા, વધુ ભીડથી પહોંચી ન શકાય એટલે દરવાજા બંધ કરે અને ધસારો ચાલુ રહે અને પછી થાય ધક્કા મુક્કી. ધક્કા મુક્કી થાય એ માટે ખીસા કાતરુઓ રાહ જોતા હોય છે અથવા એ ખીસા કાતરુ પણ ધક્કા મુક્કી કરાવતા હોય છે.

 7. “ભીડ” — આપે વિચાર્યું તો અમને જ્ઞાન લાધ્યું કે કેવો અનેરો શબ્દ છે ! જે પોતે જ પોતાનો વિરોધી શબ્દ છે !
  * ભીડ = ગિરદી; ઠઠ; ભરાવો
  * ભીડ = તંગી; ઓછપ

  ભીડ પડે ને ભગવાન સાંભરે, ક્યારેક ભગવાન સાંભરે ને ભીડ થાય ! જો કે છાસવારે ઘટતી પડાપડીની ઘટનાઓ માટે ’શ્રદ્ધાળુઓની ભીડ’ શબ્દ વ્યવહારમાં વપરાય છે બાકી અયોગ્ય છે, આ બધી ભીડ ખરેખર તો “અશ્રદ્ધાળુઓની” ! શ્રદ્ધાળુ તો તે જેને માટે, ’મન ચંગા તો કથરોટ મેં ગંગા’. છતાં…………વાત જ્યારે દરેકને પોતાની માન્યતા પ્રમાણે ચાલવાના અધિકારની હોય ત્યારે ’અમે જ સાચા’નો ધોકો ન પછાડતાં નિયમાનૂસાર વ્યવસ્થાઓ થવા પર, જવાબદારીપૂર્ણ આયોજનો થવા પર ભાર રહેવો જોઈએ. ધાર્મિક સમારંભોમાં એવું માની લેવાય છે કે બધું ’ભગવાન ભરોસે’ પાર લાગશે જ !! અને ઊંધું વેતરાય ત્યારે ઘણું ઘણું ’પાર’ લાગી જાય છે !

  એકંદરે માણસને સૌથી મોટો ડર પોતાની જાતનો લાગે છે, જાત સાથે એકલું રહેવું તે બહુ ભયાવહ ઘટમાળ છે. એથી તે જ્યાં અને જ્યારે મોકો મળે ભીડમાં ખોવાઈ જવા દોડે છે. પછી ભલે સદાને માટે ખોવાઈ જવાનો ભય માથે તોળાતો રહે !! અને ’ભીડ’ને વખોડતા પહેલાં એ વિચાર પણ કરો કે; કેટલાકને ભીડ ભાંગે છે તો કેટલાયની ભીડ પણ ભાંગે છે !! જેમ કે, પ્રસિદ્ધિભૂખ્યા આયોજકો, નેતાઓ, ખીસ્સાકાતરૂઓ, તફડંચીબાજો, વ.વ.

  આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s