સાંજ!

બ્લોગમિત્રો,

ભાદરવાનો આજે અંતિમ દિવસ છે. આવતી કાલથી નવરાત્રીનું શુભ પર્વ શરૂ થઈ રહ્યું છે. આ પર્વ નિમિત્તે આપ સહુને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

વરસાદે વિરામ લીધો છે. વરાપના વૈભવને માણવાનો આપણને મોકો મળ્યો છે. જે લોકો ગામડામાં કે નાનાં નાનાં નગરોમાં રહેતાં હશે તેઓ તો મન ભરીને એ વૈભવ સરળતાથી માણી શકે છે. એ લોકો માટે તો અત્યારે તો લીલી મગફળી અને ચીભડાં ખાવાના દિવસો  હશે.

આ દિવસોમાં મને એક ઘટના અચૂક યાદ આવતી રહે છે.  ચાલો, આજે એ ઘટના એક કથાના રૂપે તમારી વચ્ચે વહેંચું. કદાચ એના લીધે મારી લાગણીની વહેંચણી થશે. 

              સાંજ 

સંધ્યાનો સમય હતો.  હું મારી હાટડીમાં દિવાબત્તી કરી રહ્યો હતો.

વગડામાંથી ગોવાળિયાઓ ગાયો-ભેંસો સાથે ગામમાં પાછા ફરી રહ્યાં હતા.  

… ને  ધડ! ધડ!  અવાજ આવ્યો!

હું ચમક્યો. મને લાગ્યું કે કોઈ અવળચંડાએ હાટડીમાં પથરા ફેક્યા લાગે છે.

મેં જોયું તો એ પથરા નહોતા!

નાનાં નાનાં  કૂણાં કૂણાં ચીભડાં હતાં! ફટ દઈને મોમાં મૂકવાનું મન થાય તેવાં.

પણ ફેંક્યાં કોણે? આ કૃપા કરી કોણે?

હાટડીની બહાર તો કોઈ દેખાયું નહિ. ચીભડાં ફેંકીને કોઈ સંતાઈ ગયું કે શું?

મેં હાટડીનાં ઓટલે જઈને નજર નાંખી તો ગોબર,ભેંસોની પાછળ પાછળ  જઈ રહ્યો હતો.

ગોબર. કાચા કુંભારની ડેલીમાં રહેનારો છોકરો. વાઈનો દર્દી હતો. ઘણી વખત ગામમાં જ  રસ્તા વચ્ચે પડી જતો હતો. ભાનમાં આવતા વાર લાગતી.  બહુ જ ભલો. કોઈની સાથે ક્યારેય લડે કે ઝઘડે નહિ. બોલાચાલી પણ કરે નહિ. આવા દર્દીને ઘણો જ સાચવવો પડે. પરંતું ખેડૂતનો દીકરો વગડાથી દૂર કેવી રીતે રહી શકે? ગોબર મોટાભાગે સવારથી સાંજ સુધી વગડામાં રહેતો. પોતાના જ પરિવારની જ ભેંસો ચારતો.

ગોબર સાથે મારે સીધો કોઈ સંબધ નહિ. મારાથી મોટી ઉંમરનો હોવાથી ભેરૂબંધી પણ નહિ. બસ, એક જ ગામના. એ ખેડૂતનો દીકરો અને હું વેપારીનો દીકરો.

એને  લાગ્યું હશે કે આ વેપારીનો દીકરો આવાં કૂણાં કૂણાં ચીભડાં ખાવા ક્યાં જાશે?

એટલે જ એણે પ્રેમથી મારી હાટડીમાં ચીભડાં નાંખ્યાં.

કોઈપણ  પ્રકારના  સ્વાર્થ વગર! કશાં વળતર વગર! બીડી તો એ પીતો નહોતો. પણ, મારી હાટડીમાં ખાધાચીજો તો હતી. માંગત તો હું નાં પણ ન પાડત. .

પરંતું, ગોબર જેવાં ફરિશ્તાને લાલચ હોતી નથી. એમના હૈયાં કુદરતે દીધેલા ખજાનાથી ભરેલાં હોય છે. વળી એમના મન પણ સમજણથી ભરેલાં હોય છે.  નહિ તો વગર સંબંધે મને જ શાં માટે ચીભડાં ખવડાવે!

..અને મનનો કેવો મોટો કે આભારના બે શબ્દો સાંભળવા પણ રોકાયો નહિ. જાણે કશું આપ્યું જ નથી!

હું તે દિવસે એટલો રાજી થયો કે ગામડાની જિંદગીની તમામ હાડમારી ભૂલી ગયો.

… આજે વારસો થઈ ગયાં. ચીભડાની ઋતુ આવે ને એ લીલીછમ સાંજ યાદ આવ્યા વગર રહેતી નથી જે સાંજે ગોબરે મારી હાટડીમાં કૂણાં કૂણાં ચીભડાં ફેંક્યાં હતાં. 

… ને એ સાંજ પણ નથી ભુલાતી જે સાંજે અમે ઇંગોરાળા ગામની નિશાળેથી છૂટીને અમારા ગામને પાદર પહોંચ્યા ને અમે ખબર સાંભળ્યા કે ગોબર ગુજરી ગયો!!! 

મિત્રો, સાંજ પણ કેવી કેવી હોય છે?

કોઈ ખુશહાલ તો કોઈ ગમગીન!  

10 thoughts on “સાંજ!

 1. “કોઈ હસી જાય છે કોઈ રડી જાય છે,
  કોઈ અડી જાય છે કોઈ ચડી જાય છે,
  કોઈ સમી સવારે ને કોઈક સમી સાંજે,
  કોઈક ‘ગોબર’ પણ આવો ‘સોબર’ બની…
  આવી ને આમ અચાનક પડી જાય છે!”

  ઠક્કરબાપા…રીફ્રેશ કરતુ ગીત માણી લ્યો…
  આદમી મુસાફિર હૈ, આતા હૈ જાતા હૈ, આતે જાતે રસ્તેમેં યાદેં છોડ જાતા હૈ….

 2. સાંજ કયા અને કેવા અંધકારથી ભરેલી હોય એ તો કોને ખબર હોય, પણ તમારી સાંજ સંસ્મૃતિ અને વેદના ભરેલી છે.
  કોઈઅન પ્રકારના સ્વાર્થ વગર! ……”કોઇપણ”…..જોઇએ સુધારી લેશો.

  • હિમાંશુભાઈ,
   આભાર.
   સંધ્યા,સાંજ, ગોધૂલિ, શામ … નાં વિવિધ રંગો વિષે કવિઓએ સુંદર સર્જન કર્યું છે.
   આ સમય ક્યારેક ભારેખમ લાગે તો ક્યારેક એકદમ હળવો હળવો…. જેવી માણસની મનોદશા.
   સમય અને મન બંને એકબીજા પર પ્રભાવ પાડે ત્યારે જ આ દશા આકાર લેતી શેને?

 3. બપોરે શું જમ્યા હતા તે સાંજે વિસરાઈ ગયું હોય તેવા સમયમાં આવી કોઈક સાવ નાની અને નગણ્ય લાગતી યાદ સંઘરાયેલી રહી જવી એ ધબકતા હૃદયની નિશાની છે ! કોઈ ગોબરનાં બે ચીભડાંની, કોઈ યશવંતના હૈયામાં અંકાયેલી કિંમત તો કોઈ કૉમોડીટી માર્કેટ પણ ના કરી શકે !

  બહુ માઠાં પડ્યા ત્યારે ગલઢેરાં કહેતા : તળાવડાં ભલે કોરા ધાકોડ પડ્યા, આંખમાં પાણી રાખજો.
  કો‘ક ભલા ગોબરની યાદમાં ગામના શેઠના દીકરાની આંખમાં પાણી આવે ત્યાં દુકાળ ટકે નહીં ! આભાર.

  • અશોકભાઈ.
   આ બધા કેમિકલ્સ લોચા વિષે તો બાપુ વધારે જાણે.
   આજનું કેમ ભૂલાઈ જાય … પહેલાની નાની નાની વાતો કેમ યાદ રહે…. સાંજ પડે ને મનની દશા ને દિશા કેમ બદલાતી રહે… એ વિષે બાપુ કહે તો ખબર પડે!

   • ભાઈ ! લાગે છે આપ મને બાપુનાં મોંએથી થોડી સરસ્વતિ સંભળાવડાવીને જ જંપશો 🙂 !!
    પણ વાંધો નહીં ! ખરી મિત્રતામાં એ પણ સાંભળવું વહાલું લાગશે, ભલે બાપુ અમારૂં પૂંછડું થોડું ખેંચે પણ એક વાત કહીશ કે વિશ્વનો કોઈ સમર્થ રસાયણશાસ્ત્રી આંસુનાં ટીપામાં રહેલા અણુએ અણુનું વિશ્લેષણ કરી શકશે પરંતુ આ આંસુ સુઃખનું છે કે દુઃખનું તે નહીં કહી શકે !!

    હમણા કો‘ક પાસેથી સરસ વાત સાંભળી કે લોહીમાં હિમોગ્લોબીન, રક્તકણો, શ્વેતકણો, ફલાણું, ઢીંકણું તત્વ, મેલેરિયા કે ટાઈફોઈડના જંતુઓ વગેરે વગેરે કેટલા ટકા છે તે તો કોઈપણ હોંશિયાર લેબ ટેક્નિશિયન જણાવી શકે પરંતુ આ લોહીના ટીપામાં ખાનદાની કેટલા ટકા છે તેનો રીપોર્ટ ઊપરથી નીચે પછડાય તોયે હાથમાં ના આવે 🙂 !! બાકી બાપુનું ચાલે તો પ્રેમીઓ પાસે પ્રેમપત્રમાં લાલચોળ દિલ (એમાંથી પાછું એક તીર સોંસરવું નિકળ્યું હોય તેવું !) દોરાવવાને બદલે અખરોટનાં અડધા ફાડા જેવું મગજ દોરાવડાવે અને કહે, ’કોડાઓ ! પ્રેમની સંવેદના દિલમાં નહીં મગજમાં કોર્ટેક્ષ મધ્યે ઉત્પન્ન થાય છે !!!’ અને બાપુ પાછા ટેકનિકલી સાચા પણ હોય છે ! (હવે આપણી ધોલાઈ પાકી !! હા ! હા ! હા ! 🙂 )

    • 🙂 અશોકભાઈ, ધારો કે ફિલમના ગીતાકારો બાપુની વાત અમલમાં મૂકે તો કેવાં ગીતો લખે?
     *યે મેરા દિમાગ પ્યારકા દિવાના…
     *દિમાગ મેં તુઝે બિઠાકે કર લુંગી બંધ મૈ આંખે…
     *દિમાગ તોડને વાલે તુઝે દિમાગ ઢૂંઢ રહા હૈ તુંઝે દિમાગ ઢૂંઢ રહા હૈ…
     *દો દિમાગ મિલ રહે હૈ છૂપકે છૂપકે..
     *તુઝ બિન જીવન કૈસે બિતા.. પૂછો મેંરે દિમાગ સે .. પૂછો મેરે દિમાગ સે..
     હવે તમે જ કહો આવાં ગીતો જામે?
     પણ .. બાપુ હૈ કિ મનતે નહીં

 4. સમયનાં સ્વરૂપ હર સમયે એક સરખાં નથી હોતાં, ભલેને એજ ઘડી રોજ એના સમયે આવી ને જાય. એજ સવાર કોઈના માટે ખુશનુમા તો કોઈના માટે ગમગીન હોઈ શકે. કોઈ સાંજ સલોણી હોય શકે તો કોઈ સાંજ શોકાર્ત હોઈ શકે. એક નાની અનોખી ઘટનાની સુંદર રજૂઆત. તમારા લેખમાં ગામડાંની મહેક માણવાની મજા આવે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s