ખરેખર દુનિયા મૂળ ચાવી ગયેલાં માણસોની થતી જાય છે?

A line art drawing of a half-elf (or similar c...

Image via Wikipedia

દુનિયા બડી જાલિમ હૈ.

આવું આપણે ઘણી વખત બોલીએ છીએ કે સાંભળીએ છીએ.

સહેજ પણ ભોળા બન્યા કે બાટલીમાં પુરાઈ જવાય અને ઉપરથી બૂચ વાગી જાય!!!

જોજો, માહોલ બહુ ખરાબ છે. એવી ચેતવણી પણ વગર માંગે મળતી હોય છે અને સમય જતાં એવી ચેતવણી આપનારાં જ આપણને બાટલીમાં ઉતારી દેતાં હોય છે! !

સવાલ એ છે કે: શું ખરેખર દુનિયા મૂળ ચાવી ગયેલા માણસોની થતી જાય છે? કે પછી પહેલેથી જ એવી છે?

અચ્છા, માહોલ ખરાબ છે તો આપણે પણ એવા બની જવું જરૂરી છે? શું આપણે સરળ થઈને જીવી ન શકીએ?

” હા” પાડતાં પહેલાં વિચારવું પડે છે ને? નજર સમક્ષ આવીને કેટકેટલાં લોકો આવીને ઊભાં રહી જશે?

કોઈએ સંબધમાં ચાલાકી કરી છે! કોઈએ વ્યવહાર જાળવવામાં ચાલાકી કરી છે!

કોઈ” ભાઈસાબ”  કહીને પૈસા લઈ ગયું પણ હવે પરત કરવામાં ગલ્લાતલ્લા કરે છે!

વેપારી રકમ પૂરતી લે છે ને માલ ઓછો અને ખરાબ આપે છે!

રિક્ષાવાળો આપણને ઢીલા જાણીને વધારે પૈસા પડાવે છે!

મોંઘાભાવે ખરીદેલી ચીજ માથે પડે છે! જરૂરી સેવા મળતી નથી! અગાઉથી પૈસા ચૂકવ્યા છતાં ખરા સમયે જ કામ થતું નથી! જીવ બળી જાય છે!

બધાં જાણે કે આપણું કરી નાંખવા માટે જ મીઠું મીઠું બોલે છે!

આડે દિવસે સામું પણ ન જોનાર, જ્યારે પોતાને કામ પડે છે ત્યારે “જય શ્રી કૃષ્ણ”  “જય શ્રી કૃષ્ણ”  કરતો દોડતો આવે છે!

કોઈ આપણે ત્યાં મહેમાન થતુ હોય ત્યારે આપણે એમને  જાતજાતના ભોજન ધરી અને આપણે જઈએ ત્યારે એકલી  પાણીપૂરી  ખવડાવીને પૂછે કે: જલસો આવી ગયોને?

કાકો લુચ્ચો! મામો ભગવાનનો માણસ પણ મામી લુચ્ચી! જીજાજીએ જ કરી નાંખ્યું! શું કહેવું? કહીએ તો બહેનને દુ:ખ થાય! પોતાનાં હતાં તે આપણાં થયાં નહીં તો  પારકાની શી વાત કરવી?

છે કોઈ અંત?

ધોબી લુચ્ચો! દૂધવાળો લુચ્ચો! મકાનમાલિક સારો પણ એનો દીકરો લુચ્ચો! અને હવે એ જ વહીવટ કરવાનો છે

ડૉકટર લુચ્ચો! પણ મોંઢે નથી કહી શકાતું!

સ્કૂલવાળા અને કોલેજવાળા ઢગલો પૈસા ઓકાવે છે! ધંધો માંડીને બેટાં છે!  કિલોમોંઢે સોનું ભેગું કરે છે!

સરકારી ઓફિસવાળા બધાં જ ચોર છે! હરામનો પગાર લે છે!

પ્રધાનો લુચ્ચા! સરકાર લુચ્ચી!  એન.જી.ઓ. વાળા લુચ્ચા! સામાજિક કાર્યોકરો સેવાના નામે મેવા આરોગે! મીડિયાવાળા સત્ય પ્રગટ કરવાને નામે બ્લેકમેલ કરે!

સ્વામીજીઓ …. હરિ ઓમ ! હરિ ઓમ!

બાકી હોય તેમ પાકિસ્તાન લુચ્ચું! ઓસ્ટ્રેલિયાની આખી ટીમ લુચ્ચી! અમેરિકા ખંધું! બાંગલાદેશ તો કે મેરી બિલ્લી મુજકો મ્યાઉં! ..

કહાં તક નામ ગિનવાયે સભીને હમકો લૂંટા હૈ… એ ગઝલયાદ આવી જાય છે ને?

મિત્રો, કોઈ કટારલેખક જિંદગી આખી બીજું કશું જ ન કરે ને માત્ર દુનિયા કેટલી ખરાબ છે તે બાબત જ લખતો રહે તો એને બીજો કોઈ વિષય જ ન શોધવો પડે!એનું ગુજરાન આખી જિંદગી ચાલતું રહે!

તો માહોલ આવો છે!  રમેશ પારેખની  એક રચના છે…

આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં

આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે , કહેવાય નહીં

આ તો ખરું કહેવાય નહીં? ચહેરા પર ચહેરો ચિપકાવ્યા સિવાય છૂટકો નહીં?  ને  એ જ રચનાની છેલ્લી બે પંક્તિ જોઈએ તો…

ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે

કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં

ભલે વાતાવરણ ગમે તેવું લાગતું હોય પણ આટલી હદે શંકાશીલ બનવું જરૂરી છે! ખરેખર દુનિયા મૂળ ચાવી ગયેલા માણસોની થતી જાય છે?

શું સાચું?

આપ ભલા તો જગ ભલા,

કે પછી..

થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ!

અચ્છા,  આપણે જે ન હોઈએ તે થઈ શકાય ખરું?

પાકા ન હોઈએ તો પાકા થઈ  શકાય ખરું?

ફિલ્મનું નામ નથી યાદ આવતુ. ડૉ. શ્રી રામ લાગુ એક અધિકારીનું પાત્ર ભજવે છે.  જે પહેલી જ વખત લાંચ લેવા જાય છે ને પકડાઈ જાય છે! ત્યારાબાદ તે પાત્ર એ  મતલબનું કહે છે કે: લોકોને તો કેટકેટલાં પાપ માફક આવી જાય છે! હું તો પહેલી વખત પાપ કરવા ગયો ને પકડાઈ ગયો.

સમાજમાં પણ એવું જોવાં મળે છે કે, રીઢા કે ખડ્ડુસનું નામ ભાગ્યે જ કોઈ લેશે! જ્યારે સીધા કે સરળ માણસને વાતવાતમાં દબડાવશે!

તો શું જિંદગી એ જંગલમાં રહેવાનો ખેલ છે?

હંમે કુછ નહિ પતા!

Advertisements

9 thoughts on “ખરેખર દુનિયા મૂળ ચાવી ગયેલાં માણસોની થતી જાય છે?

  • જિંદગી ફિલ્મિ ઇલમથી કે દૈવી ચીસોથી ઉકલતી નથી કે જિવાતી નથી,મુહમે રામ બગલમે છુરી જેવા અનુભવો વચ્ચે જીવવાનું હોય ત્યારે કે ઇશ્વર જ્યારે મકાનો બાંધવામાં,ઇન્દ્રિય જન્ય અનુભવો મેળવવામાં કે કતલ કરવાંમાં (ફુરચા ઉડાડવામાં) વ્યસ્ત હોય…

   • શ્રી હિમાંશુભાઈ,

    જ્યારે ઈશ્વર વીશે વાત થતી હોય ત્યારે શ્રીમદ ભગવદ ગીતાની એક વાત ટાંકવી મને ગમશે.

    જેવા ભાવ થકી મને ભક્ત ભજે મારા
    તેવા ભાવે હું ભજું તે સહુને પ્યારા

    આ સરળગીતા દ્વારા કરેલો ભાવાનુવાદ છે. ઈશ્વર એટલે સમષ્ટી ચેતના – ઈશ્વરને જીવો જેવા ભાવથી ભજે છે તેવા ભાવથી તે પ્રતિભાવ આપે છે. ઈશ્વરને આપ એકાંગી અને કોઈ એક ચોકઠામાં પુરાઈ રહે તેવો તો નહીં જ ધારતા હો એમ માનુ છું.

 1. શું ખરેખર દુનિયા મૂળ ચાવી ગયેલા માણસોની થતી જાય છે?…હક્સ્લેની root નવલકથા યાદ કરાવી ગયું આ વાક્ય.અને માણસ પોતે જ પોતાને અસ્થિર બનાવે છે સ્વકના મૂળ ચાવીને-જે થાળીમાં ખાવ તેમાં જ છેદ આને કહેવાય ભાઈ તાક થૈયા થૈયા તા થૈ…

 2. ઠક્કરબાપા! તમારી આજની વાત પરથી એક મસ્ત મજાની ૨ અંગ્રેજી કવિતાઓ યાદ આવી ગઈ…શબ્દો આ સાઈટ પરથી જ માણી લ્યો ને…

  http://guidezone.e-guiding.com/jmif_you_think.htm
  http://www.thedontquitpoem.com/thePoem.htm

  આપનું આટલું મજ્જાનું લખાણ પછી બીજુ શું લખું?

 3. શ્રી.યશવંતભાઈ,
  બહુ ઊંડાણપૂર્વક વિચાર્યું છે. માનવ સ્વભાવ વિશે વિચારવા બેસીએ તો વિરોધાભાષી વિચારોનું દ્વંદ્વ જામે જ. ખાસ તો જેને જેવો અનુભવ થયો હોય તેવા વિચારનું પ્રભુત્વ સમયાનૂસાર વધુ રહે. સારું અને નરસું એ બે પાસા સાથે જ રહેવાના પેલા ડૉ.જેકિલ અને હાઈડની માફક.

  મારા અનુભવ મુજબ મને તો ’આપ ભલા તો જગ ભલા’ એ વાક્યમાં વધુ વિશ્વાસ બેસે છે. પણ…..મેં કહ્યું ને તેમ આ વ્યક્તિગત અનુભવ પર આધારીત હોઈ શકે. એક સમય-સ્થળે દૂર્જન દેખાતો માણસ કોઈ બીજા સમય-સ્થળે સજ્જનતાનો અનુભવ પણ કરાવી શકે, એથી ઉલ્ટું પણ એટલું જ સાચું. હા, એક્ઝીક્યુશનર શ્રેણીનો લેખક ડૉન પેન્ડલ્ટન પણ આપની જેમ જ કહે છે ને કે ’આ સંસારમાં જંગલનો કાનૂન જ ચાલે છે’ અને એ વાત તો ખરી જ છે કે ’બકરાની માનતા સૌ કરે, સિંહની માનતા કોઈ ન કરે !’ અને મને સૌથી વધુ ગમ્યો છે મહાવીરનો એ ઊપદેશ કે; કરડવું નહીં પણ ફૂંફાડો રાખવો !! (અને ક્યારેક આવા નિર્દોષ ફૂંફાડતા લોકોમાં આપણને પાછા નાગરાજનાં દર્શન થાય ! અને પેલા ઠંડી ઠંડી ફૂંક મારી કરકોલી ખાતા ઉંદરોને આપણે ઓળખી પણ ન શકીએ ! એટલે જ સાચો નિર્ણય કરવો બહુ મુશ્કેલ !)

  પ્રબુદ્ધજનો એમ પણ કહી ગયા છે કે; ’એટલા કડવા ન બનવું કે લોકો થુંકી કાઢે અને એટલા મીઠા પણ ન બનવું કે લોકો ચાવી જાય !’ આપે થોડામાં ઘણૂં સમજાવ્યું, મેં, આપે સ્ટાર્ટ સ્વિચ દબાવતા શરૂ થઈ ગયેલા આ ઘમ્મરવલોણાને રોકી ન શકતાં, ઘણું કહી થોડું ઉમેર્યું !! આભાર.

  • અશોકભાઈ,
   કાઠીયાવાડ તો વધું હોશિયાર માટે “ફાડો” વિશેષણ વપરાતું! .. એવા ઊડતાં પંખીઓ પાડનારની વાહ વાહ થતી! આવા ફાડાઓ ચોખ્ખું ઘી લાવી દેવાની લાલચ આપીને બરણી લઈને જાય તે રાહ જોનારો જોયા જ કરે! ઘી તો આવતાં આવે… ગાંઠની બરણી જાય! આ તો માત્ર ઉદાહરણ છે. દાખલા તો આનાથી મોટા હોઈ શકે.
   અત્યારની પેઢી પ્રમાણમાં વધું સંતુલિત લાગે છે. ઘણાં યુવાનો ઓછું બોલે છે, ખોટો વિવેક એમને આવડતો નથી. પરંતુ વિશ્વાસભંગ કરતાં નથી. જે જવાબદારી લીધી હોય તે નિભાવી જાણે છે.
   તમારી વાત બરાબર છે કે: બહુ તંગ કે ઢીલા ન થવું.
   મને લાગે છે કે, જેને કુદરતી જ સરળતા પ્રાપ્ત થઈ હોય તેમણે દેખાદેખીમાં વધું પડતાં ચાલાક બનવાના પ્રયાસો ન કરવા જોઈએ. બાવાના બે ય બગડે!!!

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.