એક ગામ કે જે નજર સામેથી હટવાનું નથી લેતું નામ!

મિત્રો, 

ચોમાસાનો દબદબો વ્યાપી ચૂક્યો છે. હું પણ એની અસરમાં છું. પરંતુ મન ખામોશીથી ઘેરાયેલું છે. વળી એ વારંવાર  વર્તમાનની નજર ચૂકવીને બાળપણ અને વતન તરફ નીકળી પડે છે. આ બાવરાપણું, જીદે ચડેલા ભમરાની માફક મારા મનની આસપાસ સતત ગુંજ્યા કરે છે.

જિંદગીના નકશા પર  બાળપણ અને વતનને મનના mouse દ્વારા વારંવાર click  કરવાની આ રમત, વર્તમાન સાથે છેતરપીંડી કરનારી હોવા છતાં રમાઈ જતી હોય છે! બદલાતા વાતાવરણના કારણે મનમાં બદલાતા રંગ અને રસાયણોથી ભલભલા નથી બચ્યા તો હું કોણ?   

જ્યારથી આકાશ વાદળાંઓથી ઘેરાવા લાગ્યું ત્યારથી જ મન મીઠા ઝુરાપાથી ઘેરાવા લાગ્યું છે. એ ઝુરાપાનું કેન્દ્ર છે એક ગામ! એક ગામ કે જે નજર સામેથી હટવાનું નથી લેતું નામ! 

કોઈ બાળક પોતાની માતાને ધાવતું હોય એવી અનુભૂતિ સાથે ટેકરીને વળગેલું એ ગામ.

ગીરપ્રદેશની હથેળીની યશરેખા જેવી એક નદીને કિનારે આળોટતું એક ગામ.

“સાવધાન! અહીં સપાટ પ્રદેશ પૂરો થાય છે અને ટેકરિયાળ પ્રદેશ શરૂ થાય છે” એવી જીવતીજાગતી નોંધ સમું એક ગામ.  

ચોમાસાના પહેલા વરસાદના સ્વાગતમાં ગ્રામજનો બોલતાં કે: વરહય મારાજ વરહય! વરસાદને મહારાજનું બિરુદ અપાતું! વરસાદ મન મૂકીને વરસતો તો બાકીના આખા વરસમાં સહુના મન રાજી રહેતા. 

ગીરમાં બહુ વરસાદ વરસ્યો એ ખબર  ગામમાં ફેલાવાવા કાજે  ‘જીવતા જાગતા માણસ’ સિવાય બીજું કોઈ  NETWORK  નહોતું. ને એ ખબર લાવનાર ખેડૂતના કંઠ દ્વારા  જાણે સાક્ષાત સરસ્વતી પ્રગટ થતાં! એ ખબર, માત્ર ખબર ન રહેતા  કુદરતની કૃપાનું જાહેરનામું બની રહેતું. 

વગડામાં અનરાધાર વર્ષાને ઝીલીને ભીંજાયેલા આત્મા સાથે ગામમાં પ્રવેશતો એકેએક ખેડૂત,ગોકુળ-મથુરાની જાત્રા કરીને આવ્યો હોય એટલો રાજી રાજી દેખાતો. ગામના વેપારીઓ હાટડીઓમાંથી ડોકાં કાઢી કાઢીને એ ખેડૂતોના દર્શન કરતા અને એમનાં મનનાં ડબ્બા  ઉધારી પતવાની આશા સાથે છલક છલક છલકાવા લાગતાં! વર્ષાદેવીના પ્રભાવથી ગામના કારીગરો અને મજૂરોનાં મનમાથી પણ દુખના ભૂત ભાગવાં લગતાં. 

વરસાદમાં,મોંઘેરી અમાનત સમું ગાયોનું ધણ લઈને ગામનો ભરવાડ વગડામાંથી વહેલાસર ગામભેગો થતો અને ડેલી કે ખડકીમાં પ્રવેશતી ગાયો ભાંભરડા દ્વારા વગડાના બદલાયેલા રૂપરંગનાં ખબર પ્રસારિત કરતી.

બાળકો!

કાગળની હોડી બનાવવાનું તો એક શહેરી શિક્ષકે શીખવાડ્યું હતું. બાકી તો ખીલાખુતામણી માટે અણીદાર સળિયાઓ અને તૂટેલાં દાતરડાંની બોલબાલા હતી.  વળી ભીના રસ્તા પર લપસી જવાની ઘટનાને  રમતમાં ખપાવી દેતાં કોણ રોકતું હતું? …ને વરસાદ અટકવાનું નામ ન લેતો હોય ત્યારે નાનામોટાં ગમે તેની સાથે  નવકૂકરી, અઢીયું કે ચોપાટમાં મગ્ન થઈ જવાની સેવા વિનામૂલ્યે ઉપલબ્ધ હતી. એ ઉપરાંત નીશાળના મેદાનમાં નવા છોડવા રોપવાનું કામ પણ કોઈ રમત જેટલું જ સુખદાયી હતું.    

વાવણીલાયક વરસાદ થાય એટલે સહુના મનમાં  ઉમંગની સપાટી વધવા લાગતી. ઉનાળાની ઋતુ દરમ્યાન મનમાં ધામો નાખીને પડેલી અકળામણ, ઉમંગના વહેણમાં તણાતી તણાતી કોને ખબર ક્યાં મલકમાં જઈને અટકતી! ધરતીમાતાની બેન્કમાં બીયાંની ફિક્સ ડિપોઝીટ મૂકીને આવતાં ખેડૂતોનાં ચહેરાપર એનાં પ્રમાણપત્રો નજરે પડતાં; જે ભણેલાં કે અભણ સહુ કોઈ વાંચી શકતાં. 

વરાપ  નીકળતી ત્યારે એમ લાગતું કે જાણે કુદરતે એક ઓઢણી ઉતારીને બીજી ધારણ કરી છે! વરાપ વૈભવ પ્રદર્શનના કાર્યક્રમમાં ભાગ લેવા કાજે રંગરંગનાં પતંગિયાં ઉતરી પડતાં. પ્રસંગને શોભાવવા પધારેલા અતિથિવિશેષ સમાં અવનવાં જીવજંતુઓ જીવના જોખમે ટહેલવા નીકળી પડતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા કાજે સમગ્ર વનસ્પતિ સમાજ સક્રિય સહયોગ આપતો. સ્વયંસેવકો તરીકેની ફરજ બજાવતા હોય તેમ વૃક્ષો ડાળીઓ નમાવી નમાવીને દર્શકોને આવકારો આપતા હતાં. મોરલા સહીત અન્ય પક્ષીઓ વગર આગ્રહે ગીતો ગાવા કાજે તત્પર રહેતાં. ગામ અને વગડા એમ બંને તરફનાં કિનારા ફેલાવતી નદી ભવ્ય કાર્યક્રમનું  ઉદ્ઘાટન કરતી મહિલા આગેવાન સમી લાગતી હતી. 

ચોમાસામાં ગામમાં તકલીફો પણ ઘણી હતી.

ગામમાં વૈદ કે દાક્તર નહોતા. બાજુના ગામમાંથી વૈદ આવ્યા હોય તો, ગામલોકો એમને આખો દિવસ રોકી રાખતાં.ઘેર ઘેર એમની પધરામણી થતી.મોટાભાગનાં બાળકો બે જણથી બહુ ડરતાં. એક વૈદથી અને બીજા માસ્તરથી. માસ્તરને હક હતો કે, રમતા છોકરાઓને  ઘરભેગાં કરી દે. જે માસ્તર છોકરાઓને  દબડાવે નહિ તે નમાલો ગણાતો.

ઘરની છત પર દેશી નળિયાંઓ  આખું વરસ અઘોરી અવસ્થામાં રહેતાં. વરસાદ પડે ત્યારે તેઓ નહાઈને સાફસુથરાં થતાં. શિવલિંગ પર જળ અભિષેક થતો હોય તેમ ઘરમાં એ દેશી નળિયાંની છતમાંથી ઠેકઠેકાણે જળ ટપક્યાં કરતુ. એ ટપકતી જલાધારાની વચ્ચે પથારી માટે ગાદલાને બદલે ગોદડીનો ઉપયોગ જ યોગ્ય રહેતો.સરકારી બંગલા પર વિલાયતી નળિયાંનો અડ્ડો જળવાઈ રહેતો. બહુ ખમતીધર ગણાતાં લોકોના ઘરની છત પર પણ જ ગોરા અમલદારો જેવાં વિલાયતી નળિયાં જોવાં મળતાં. 

માટીની ભીંતો આમ તો વરસાદ સામે ઝઝૂમવામાં પોતાનાં તરફથી કોઈ કચાશ ન રાખતી. પરંતુ જો લાચાર થઈને ઢળી પડતી તો એણે ફરીથી ઊભી કરવામાં મહિનાઓ પણ ઓછા પડતાં. 

શહેર તરફ જવાના રસ્તા કાચા હતાં. ચોમાસામાં તો કાદવથી એનું રસ્તાપણું લજવાઈ ઊઠતું. શહેર તરફથી આવતી બસ તો, વહીવટી તંત્રના સમયપત્રક પ્રમાણે સમયસર જ બંઘ થઈ જતી.એને વરસાદનાં આવવા ન આવવા  સાથે કશું લાગતુંવળગતું નહોતું. જેને  ફરીથી શરૂ કરાવવા માટે અરજી વ્યવહાર કરવો પડતો. ને બસ ફરીથી પધારતી ત્યારે એવું લાગતું કે જાણે સાક્ષાત માતાજી પધાર્યા છે. 

દીવા અને ફાનસનું અજવાળું જ પર્યાપ્ત ગણાતું. ઘાસલેટના બચાવ કાજે એનો ઉપયોગ વિવેક પૂર્વક થતો. અંધકારને એની ફરજ બજાવવાનો પૂરો અધિકાર હતો. 

હોંશે હોંશે જેને આવકારો આપ્યો હોય એ જ વરસાદ ત્રાગે ચડેલા બાવાની જેમ જવાનું નામ ન લે ત્યારે એને ખમૈયા કરવાનું પણ કહેવું પડતું.

જો કે, ચોમાસું જે આપે છે એની સામે આ બધી તકલીફો તો વેવારિક છે એમ સહુ કોઈ માનતાં. 

એ  ચોમાસું જાતું તો આખું વરસ ચાલે તેટલી  ખુશીઓ મૂકતું જાતું. 

એમાંની કેટલીક ખુશીઓ અત્રેથી વહેંચવાની આ હરકત  કરી છે. 

બાળપણ કે વતનની યાદ તો સહુને આવતી જ હોય. એ રીતે જોઈએ તો આ માત્ર મારી જ વાત નથી. કે આમાં ક્યાંક ને ક્યાંક તમારી પણ વાત હશે જ. 

બાકી  તો.. 

આજ વરસાદ નથી એમ ન કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

ધોધમાર ખાબકતા શ્રી  રમેશ પારેખને યાદ કરીને આ વાતને વિરામ આપું છું.   

Advertisements

14 thoughts on “એક ગામ કે જે નજર સામેથી હટવાનું નથી લેતું નામ!

 1. યશવંતભાઈ,

  “વાહ”થી આખું પાનું ભરી દઉં તો પણ ખોટું નથી. આમ છતાં, ‘સિલેક્ટિવ’ બનીને અમુક વાતો પર ભાર આપવા માગું છું.

  “બાળપણ અને વતનને મનના mouse દ્વારા વારંવાર click કરવાની આ રમત…” શબ્દ સાથે ‘રમત’ કરવાની તમારી કુશળતા.

  “કોઈ બાળક પોતાની માતાને ધાવતું હોય એવી અનુભૂતિ સાથે ટેકરીને વળગેલું એ ગામ.” મેઘાણી યાદ આવ્યા.

  “ગામના વેપારીઓ હાટડીઓમાંથી ડોકાં કાઢી કાઢીને એ ખેડૂતોના દર્શન કરતા અને…” આ ફકરાનું શબ્દચિત્ર.

  “અને ડેલી કે ખડકીમાં પ્રવેશતી ગાયો ભાંભરડા દ્વારા…..” -સજીવ ચિત્ર

  “વરાપ નીકળતી ત્યારે…” આખા ફકરામાં પ્રકૃતિનું માનવીકરણ

  “શહેર તરફ જવાના રસ્તા કાચા હતાં. ચોમાસામાં તો કાદવથી એનું રસ્તાપણું લજવાઈ ઊઠતું. ” – રસ્તાનું ‘રસ્તાપણું’! ધન્ય!!

 2. ધરતીનો ધબકાર,માટીમાં જેના મુળીયા હોય તેવા લેખકો અને કવિઓ બહુ ઓછા હોય છે.ટહુકાને હિંચકે બેસી મુલાયમ ટહુકા કરનારા પણ વર્તનમાં બરછટ એવા ચિંતકો કરતા આપના જેવાને વાંચીને ખૂબ આનંદ સાથે પોતીકાપણું લાગે છે.જાણે પહેલા વરસાદમાં માણસે જઈ આવ્યો ને ખેતરમાંથી પલળતો આવ્યો હોઉં તેવું લાગ્યું.પહેલા વરસાદમાં ગમેતે બહાને શ્રીમતી સાથે બહાર નીકળી એમાં રસસરોબર થઇ આનંદ લેવાનો મારો નિયમ અહીં આવીને તૂટી ચૂક્યો છે.એજ અજંપો આજેય છવાઈ જતો હોય છે.

 3. આ કમાલ તો યશવંતભાઇની કલમ જ કરી શકે.

  યશવંતભાઇ,
  લેખક માત્ર લેખક ન રહેતા પ્રકૃતિને જીવતો અને માનતો બને ત્યારે અન્ય લોકોને અનન્ય જીવ મળ્યાનો અનુભવ મળે છે… વરસાદ પ્રત્યે મને ઘણો પ્રેમ છે એટલે આ ગમે તેમાં કોઇ બેમત નથી પણ આ વર્ણન તો અદભુત રહ્યું.. છેલ્લે એક જ શબ્દ કહેવાનો રહે છે – “વાહ !!!”

 4. શ્રી યશવંતભાઈ, (હવે કાકા કહેતાં જીવ નથી ચાલતો)

  આપની કલમ દ્વારા પ્રકૃતિ જિવંત થઈ જાય છે – આપના શબ્દો પાસે કદાચ વાસ્તવિક ચિત્રો ઝાંખા પડી જાય અને એટલે જ કદાચ હું આપનો ચાહક રહ્યો છું.

  આડ વાત: સહુની પોત પોતાની આગવી લાક્ષણિકતા હોય છે. આપની / દિપકભાઈની / અશોકભાઈની / ભુપેન્દ્રસિંહજીની / સુરેશદાદાની અને અન્યોની. સહુને હું આગવી રીતે માણું છું કદી કોઈની કોઈ સાથે સરખામણી નથી કરતો. ઘણી વખત અમુક પ્રકારની કોમેન્ટથી અણગમો થાય છે – પણ હશે હવે – આપણે આપણું કામ કરવું તેમ મન સાથે સમાધાન કરી લઉ છું.

  • અતુલભાઈ,
   આભાર.
   લખાણને અનુલક્ષીને પ્રતિભાવ મળે ત્યારે મને મારો પ્રયાસ લેખે લાગ્યાનો આનંદ થાય છે.પછી ભલે તે દ્વારા લખાણની ટીકા થઈ હોય.
   લખાણની રજૂઆત, ભાષા ,વ્યાકરણ ,પ્રકાર વગેરેની ચર્ચા થવાના બદલે ભળતી ચર્ચા થાય ત્યારે મનમાં નિરાશા થતી હોય છે. ખાસ કરીને વાર્તા કે લેખ મૂક્યા પછી.
   આપણે કોઈએ પોતાની રચના દ્વારા એના વિચારો કેટલી સશક્ત રીતે વ્યક્ત કર્યા છે કે કઈ રીતે વ્યકત કર્યા છે તે ધ્યાનમાં લેવાના બદલે એ વિચારો તરફ જ ધ્યાન દઈને એનું ખંડન કરવામાં કે એનો બચાવ કરવામાં જ રોકાઈ જઈએ છીએ. જ્યાં ઇરાદો જ ચર્ચાનો હોય ત્યાં ઠીક છે પરંતુ જ્યાં કોઈ હોંશે હોંશે કશી વાત જુદી રીતે રજૂ કરવાના ઇરાદા સાથે આવ્યો હોય તેને તો એમ જ લાગે કે, આખું કોળું શાકમાં ગયું છે!
   આ લેખની જ વાત કરીએ. કોઈ વાચક એવો પ્રતિભાવ આપે કે: ગામડું બહુ ગમતું હોય તો જાવને ગામડે જઈને રહો! કોણ રોકે છે?
   તો એની વાત આમ તો બરાબર કહેવાય. પરંતુ ધ્યાનથી મારો લેખ વાંચનારને ખ્યાલ આવી જ જાય કે: આમાં ગામડા અને શહેર વચ્ચેની સરખામણી નથી. કે પસંદગી પણ નથી. આમાં ચોમાસાની ઋતુના પ્રભાવ હેઠળ બાળપણ અને વતનની તીવ્ર યાદ આવવાની વાત છે! ને એ વાત કેવી ખૂબી કે ખામી સાથે રજૂ થઈ છે એની ચર્ચા મુખ્ય હોઈ શકે. ને એમ કરતાં કોઈ પોતાનાં અનુભવની કે માન્યતાની વાત કરે ત્યાં સુધી ઠીક છે. પરંતુ ચર્ચા જ જો, ગામડું સારું કે શહેર સારું .. એ વિષય પર ચાલી જાય તો .. જાના થા ચીન ઔર પહોંચ ગયે જાપાન.. એવું થાય. ને મોટાભાગે એવું જ થતું હોય છે. જેમ કે, અત્યારે આપણે જ કોઈ જુદા વિષયની વાતો કરી રહ્યાં છીએ!
   એમ કરીએ.. આ વિષયને બાકી રાખીએ. આખી પોસ્ટ લખાય તેવો વિષય છે!
   બાકી રહ્યો અણગમો. સફરનો આનંદ લેવો હોય તો અણગમાને ટાળવો જ રહ્યો. બાકી તો તમે તમે બધું જાણો જ છો.

 5. યશવંતભાઇ,

  ‘ચોમાસું જતું તો આખા વર્ષની ખુશીઓ મુક્તું જતું.” એવો જ ખુશીઓના ખજાના જેવો લેખ. ગ્રામ્ય જીવનને હૈયે ધબક્તું કરી દીધું. ખેડૂતના માટે ચોમસું એટલે મહામૂલો અવસર. આબેહૂબ વર્ણન…વાહ અદભૂત કે કોઇપણ શબ્દો ઓછા પડે તેવો લેખ. આવી ઉત્તમશૈલી તો આપની જ હોઇ શકે. લેખના દરેક શબ્દની વર્ષામાં હ્રદય ભીંજાય ગયું. ધન્યવાદ.

 6. તમારી આ વાત એકદમ સાચે છે યશવંતભાઇ,
  બાળપણ કે વતનની યાદ તો સહુને આવતી જ હોય.
  ક્યારેક ઇશ્વર જીવનની કેસેટ રિવાઇન્ડ કરીને ગમતી પળો માણવાની તક આપે તો આ બધુ જ ફરી તાદ્રશ્ય કરવાની હંમેશા ઝંખના રહી છે.
  જ્યારથી આકાશ વાદળાંઓથી ઘેરાવા લાગ્યું ત્યારથી જ મન મીઠા ઝુરાપાથી ઘેરાવા લાગ્યું છે. એ ઝુરાપાનું કેન્દ્ર છે એક ગામ! એક ગામ કે જે નજર સામેથી હટવાનું નથી લેતું નામ!
  ગામ હોય કે શહેર , દૂર રહીને એનો ઝુરાપો હંમેશા એકધારો સાલતો રહેવાનો.
  ખુબ ગમી તમારી આ અભિવ્યક્તિ..

 7. આદરણીય શ્રી યશવંત કાકા,

  વર્ષના આગમન ટાણે બનતી બધી જ ક્રિયાઓનું આબેહુબ વર્ણન .

  ગ્રામ્ય જીવનમાં અનુભવતી ખુશી અને તકલીફનું સ્વાનુભવ સમું

  વર્ણન .સાથે વર્ષના આગમનથી ગામ એકરૂપ બની જઈ ઉત્સવ

  ઉજવતું હોય અને બાળપણમાં થતી ઉતેજના અને ગામ કક્ષાએ

  રમાતી નૈસર્ગિક રમતોનું વર્ણન આપે આબેહુબ એવી ઝીલ્યું છે કે

  વતનમાં વર્ષનો પ્રત્યક્ષ અનુભવ થયો અને રમતો માનસ પટ પર

  તાદ્રશ્ય બની. ખુબ સરસ.

 8. તમારો આ અમિબા જેવો ઝુરાપો અની જાતે વિભાજીત થતો ગયો,પછી બધાં અંશો સ્વયં એક અણું સ્વરુપે
  જીવંત બને છે અને ફરી નવા એકમ રુપે આવે છે, જે મૂળ સંવેદનને નવ્ય આકારે માણવા મજ્બુર કરે છે.
  ભાષા સરળ રસ નીતરતી છે.અનુભૂતિના પોષણ માટે એકકેન્દ્રિ થયેલી છે,એના લાલિત્યથી લલીત નિબંધની કક્ષાએ લઈ જાય છે આ સમગ્રતાને.
  ખરખર ખૂબ લવચિક લખાણ છે.વક્રોક્તિથી દૂર જઈ વાક્યોમાં કુમાશ જોવા ,સાંભળવા અને અનુભવવા મળી.રચનાની પ્રફુલ્લ્તા મારો સૌન્દર્યમય અનુભવ બની ગયો.

 9. વાંચીને જલસો પડી ગયો ..વરસાદ થાય એટલે સહુના મનમાં ઉમંગની સપાટી વધવા લાગતી…. ધરતીમાતાની બેન્કમાં બીયાંની ફિક્સ ડિપોઝીટ મૂકીને આવતાં ખેડૂતોનાં ચહેરાપર એનાં પ્રમાણપત્રો નજરે પડતાં … સ્વયંસેવકો તરીકેની ફરજ બજાવતા હોય તેમ વૃક્ષો ડાળીઓ નમાવી નમાવીને દર્શકોને આવકારો આપતા …. દેશી નળિયાંઓ આખું વરસ અઘોરી અવસ્થામાં રહેતાં. … શિવલિંગ પર જળ અભિષેક થતો હોય તેમ ઘરમાં એ દેશી નળિયાંની છતમાંથી ઠેકઠેકાણે જળ ટપક્યાં કરતુ. … વરસાદ ત્રાગે ચડેલા બાવાની જેમ જવાનું નામ ન લે ત્યારે એને ખમૈયા કરવાનું પણ કહેવું પડતું …
  આવા ઘણાં ઘણાં મજેદાર રૂપક સહિતના સજીવ વર્ણનો વાંચીને મન વરસાદની જેમ પલળ્યું … દિલથી સલામ.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.