અણગમતાંનો ગુલાલ

હોમ સાયન્સ કોલેજના એક વર્ગમાં એક મેમ વિદ્યાર્થીનીઓને ભણાવી રહ્યાં હતાં.મેમ  શિસ્તના આગ્રહી હતા.  અર્થાત કડક હતાં.  

બન્યું એવું કે તેઓ ખુરશીમાંથી ઊભાંથવા ગયા ને એમનો દુપટ્ટો ખુરશીની એક ખીલીમાં ભરાઈ ગયો.  આ અણધારી મુસીબતમાંથી છૂટવા માટે તેમણે દુપટ્ટાને હળવેથી ખેચ્યો પણ દુપટ્ટો ખીલીની પકડમાંથી છૂટ્યો નહિ.  

છોકરીઓને  થયું કે મેમ હવે અકળાશે.

પણ મેમ તો  અદા અને પૂરી નજાકત સાથે ગાવાં લાગ્યાં કે:   છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા…. 

ને વર્ગ તાળીઓનો ગડગડાટથી ગુંજી ઊઠ્યો.

છોકરીઓને એ જ મેમમાં એક નવા મેમના દર્શન થયા. 

એ મેમ કે જેઓ  અવળી પરિસ્થતિને  પણ  સવળી પરિસ્થિતિમાં ફેરવી શકતા હતાં. 

જે છોકરીઓ મેમની  અકળામણથી ખુશ થવાની તૈયારીમાં હતી તે જ છોકરીઓ  મેમની રમૂજવૃત્તિથી ખુશ થઇ ગઈ. 

*****

હે પ્રિય વાચકજી,

હાસ્યના કાર્યક્રમનું  તો અગાઉથી આયોજન થયેલું હોય છે.  એમાં કોઈ હસાવે અને આપણે હસીએ છીએ.  આવા કાર્યક્રમમાં  હસવાનાર અને  હસનાર  બને પક્ષ માનસિક તૈયારી સાથે આવેલા હોય છે.

પરંતુ સાવ અચાનક જ અને એ પણ અવળી પરિસ્થિતિમાં હસવું અને હસાવવું સહુને સહજ નથી હોતું.  અમુક લોકો અમુક વખતે એવું કરી શકે છે.  તેઓ  પોતાની ફજેતી થઇ જાય તેવી ઘટનાને  પણ પોતાની વાહ વાહ થઇ જાય તેવી ઘટનામાં પલટાવી  નાખે છે!

કોઈનામાં આવી આવી આવડત રાતોરાત નથી આવતી.  એ કોઈ શીખવાડતું નથી.

સિવાય કે  જિંદગી.

ઘા ખાઈ ખાઈને  ઘાને પચાવવાની  જેમને ફાવટ આવી જાય છે તેઓ દુર્ઘટનાને સુઘટનામા ફેરવી શકે છે.

*******

તાજેતરમાં જ એક સમાચાર પ્રચારિત થયા હતાં.

શ્રી નરેન્દ્ર મોદી એક કાર્યક્રમમાં પ્રવચન આપી રહ્યા હતાં.

ને માઈકે  સ્ટેન્ડ પરથી જમીન તરફ ગતિ કરી.

પરંતુ મોદીજીએ એને પાડવા ન દીધું.  ઝીલી લીધું.

..અને જાણે કશું જ ન બન્યું હોય તેમ સાવ સહજતાથી એને  સ્ટેન્ડ પર ગોઠવી દીધુ.

પણ  મોદીજીની ફજેતી કરવાના ઈરાદાથી જીદે ચડ્યું હોય તેમ માઈક ફરીથી  પડવા લાગ્યું.

ને મોદીજીએ એને ફરીથી ઝીલીને ફરીથી સ્ટેન્ડ પર ગોઠવી દીધું.

ને એમ કરતી વખતે એ મતલબનું બોલ્યા કે:  આ ઘટના પાછળ પણ વૈશ્વિક પરિબળો કામ કરી રહ્યા હોય તેમ લાગે છે!

***

શું આપણે આવું કરી શકીએ છીએ?

જિંદગીમાં ડગલે ને પગલે ત્રાસ થાય  એવી ઘટનાઓ બને છે.

ચાર રસ્તે, પેટ્રોલ પંપ પર, બસ સ્ટેન્ડ પર,ટ્રેનમાં,  બિલ ભરવાની લાઈનમાં, ધર્મ સ્થાનોમાં .. એવી કેટલીય જગ્યાએ ; આપણે ધાર્યું હોય તેનાથી અવળું બનતું હોય છે.

બજારમાં જ નહિ.. ઘરમાં પણ  અકળાવા માટેના કારણો  આપણી સેવામાં  હાજર જ હોય છે.

ક્યારેક ક્યારેક તો એવું લાગે છે કે , મોટાભાગના માણસો હ્રદયરોગને આવકારવા માટે અધીરા બની ગયા છે.

આ સંજોગોમા ગબડી પડ્યા પછી પણ આગવી અદામાં ઊભાં થવાની આવડત કેળવવા  જેવી નથી લાગતી?

ગમતાંનો ગુલાલ  તો સહુ કરે મારા ભાઈ! 

અણગમતાંનો ગુલાલ કરનારા જ કરે છે મોટી નવાઈ. 

13 thoughts on “અણગમતાંનો ગુલાલ

 1. એ તો છ્ઠ્ઠી ઈન્દ્રિ – જેને કૉમન સેન્સ કહે છે-ની કમાલ છે. પ્રેસન્સ ઓફ માઈન્ડ અણગમતાંનો ગુલાલ કરે છે, પોલિટીશીયનો ખાસ કરીને આવા વ્યવહાર માટે જાણીતા છે એક્મેકેની ‘મીઠી’ મશ્કરી કરી લેવા. ડૉકટરો હમેશા કહે છે તમને હસતાં આવડે તો સ્વસ્થ રહેતાંય આવડે..તમે આ બન્ને કામ કરી શકો છો…

 2. સાચી વાત છે, સાવ અચાનક અને અવળી પરિસ્થિતિમાં હસવું અને હસાવવું સહજ નથી.

  અમુક લોકો અમુક વખતે એવું કરી શકે છે. તેઓ ખરેખરા મહાન હાસ્ય કલાકાર છે. ધન્યવાદને પાત્ર છે.

  • વિનયભાઈ,
   સાચી વાત છે. દરેકે હાસ્યની બાબતમાં પણ સ્વાવલંબી બનવું જોઈએ! 😀
   કોઈ હસાવે અને હસીએ એ તો સમજ્યા મારા ભાઈ પરંતુ આપણે પણ યથાશક્તિ હાસ્યનું ઉત્પાદન કરીએ એ પણ જરૂરી છે. આમેય બહુ બહારનું સારું નહિ! ઘરનું એ ઘરનું!

 3. આદરણીય શ્રી યશવંતકાકા,
  અસામાન્ય સંજોગોમાં પ્રવક્તા મુશ્કેલ ક્ષણોને હાસ્યમાં પલટાવી દે
  તે એક સાચો અને સરળ પ્રવક્તા કહેવાય .દરેક્નામાં આ કળા હોતી નથી.
  ૧૯૬૨ માં ચીને જયારે આપના પર અચાનક આક્રમણ કર્યું ત્યારે કોંગ્રેસની
  ખુબ બદનામી થઈ હતી સંસદમાં વાતાવરણ ગંભીર હતું . વિપક્ષો બરાબર
  તૈયારી સાથે આવ્યા હતા. ત્યારે શેર શાયરી અને કટાક્ષમાં માહિર એવા સ્વ.
  તારકેશ્વરીસિહાને કોગ્રેસ દ્વારા જવાબ આપવા ઊભાં કર્યા .વિપક્ષ પણ ધમાલ
  મચાવવા તૈયાર હતો. તારકેશ્વરીસિહા જયારે સંસદમાં ઉભા થયા ને કહ્યું કે

  ” ઉનકી જફાઓકા ક્યાં હમ શિકવા કરે , હમ તો મર ગયે ખુદ અપની વફાઓસે ”

  બસ સંસદમાં હાસ્ય સાથે વાહ વાહ બધા પોકારી ગયા હતા.આપે સ્વ. પીલુ મોદી
  વિષે કહ્યું તે સત્ય છે. આપ પણ ભારેખમ વાતાવરણમાં લેખો દ્વારા હળવાશ ભરી
  દો છો. ખુબ સરસ લેખ.

 4. “ઘા ખાઈ ખાઈને ઘાને પચાવવાની જેમને ફાવટ આવી જાય છે તેઓ દુર્ઘટનાને સુઘટનામા ફેરવી શકે છે.”….જીવન સરળતાથી જીવવા માટે આવું જ્ઞાન આપ જેવા અનુભવીઓ પાસેથી જ મળી શકે.

 5. “ઘા ખાઈ ખાઈને …” વાહ ! યશવંતભાઇ.
  ટુંકમાં પચવું એ મહત્વની વાત છે, જે કંઇ પણ પચાવી જાણે એ નરવો થઇ જાય. પણ એવા કોઠાએ આ હાઈબ્રિડના જમાનામાં ક્યાં રહ્યા છે !! અહીં તો તરત અપચો થઇ જાય છે, અને ક્યાંક ક્યાંક સુઘટનાએ પણ દુર્ઘટનામાં ફેરવાય જાય છે !!

  રંગ છે એમને જે અણગમતાનોએ ગુલાલ કરી જાણે છે. અને આપને તો હોય જ !

  • અશોકભાઈ,
   એક વધારે સત્યઘટના!
   મારા એક સંબંધીને ફરસાણનો ધંધો.
   કાઉન્ટર પર એક ચોકીમાં લાંબા લાંબા ફાફડાનો ગોઠવીને રાખે.
   એક દિવસ એવું બન્યું કે, એક કાગડો આવ્યો ને ચાંચમાં ફાફડાનું એક નંગ લઈને ઊડી ગયો.
   સંબંધી કાગડાને ઠપકો આપતા હોય તેમ બોલ્યા: ભાવ તો પૂછ્ય!

 6. મિત્રો,
  પ્રતિભાવ તેમ જ j LIKE દ્વારા પ્રોત્સાહન વધારનાર સહુનો આભારી છું.
  વાચકમિત્રોએ આ પ્રકારનાં લખાણ વધારે લખવા માટે મને ઉત્સાહિત કર્યો છે તેમ હું માનું છું.

 7. ચોક્ક્સાઈપૂર્વક કહી શકું (કોઈ પણ જાતની ધારણા બાંધ્યા વગર) કે હમણાં જ એક લેખ ‘અસર’ ના ઓટલે વાંચેલો કે અહીં, ફક્ત ‘અજ્ઞાન’ ની જ વહેંચણી થાય છે.
  આ લેખ એ વાતની સાબિતી આપે છે કે ‘અસર’ ના ઓટલે જ્ઞાન જ વહેંચાય છે. જેની ‘અસર’ વાંચકોને લાંબા સમય સુધી રહે જ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s