બ્લોગજગતની ગાડી આવી રે રસિયા રાજા

મિત્રો,

આ બ્લોગજગત એ લાંબા અંતરની લોકલ ગાડી  જેવું છે. જેમ લોકલ ગાડીમાં વિવિધ પ્રકારના મુસાફરો જોવા મળે છે તેમ આ બ્લોગગાડીમાં વિવીધ પ્રકારના બ્લોગમુસાફરો જોવા મળે છે. જેવાં કે:

* ઘણા વખતથી બેઠેલા. જામી ગયેલા. પહોળા અને લાં…….બા થઈને પડેલા.પુષ્કળ બિસ્તરા- પોટલાં સાથે લઈને નીકળેલા. બ્લોગના ડબ્બાને જ પોતાનું ઘર સમજનારા. બ્લોગપાટલી પર જ મોટા ભાગની દૈનિક  ક્રિયાઓ કરનારા. થોડીવાર માટે ન દેખાય તો કોઈને એમ થાય કે, એ કોઈ સ્ટેશને બ્લોગગાડીમાથી ઉતરીગયા હશે! ત્યાં તો એ દેખાય! એ કદાચ બાથરૂમમાં જઈને આવ્યા હોય! એ બ્લોગગાડીના ભોમિયા થઇ ગયા હોય. બ્લોગડબ્બાના પંખા ને બારીઓ ને બટનો વગેરેની એમને પૂરી જાણકારી થઇ ગઈ હોવાથી આત્મવિશ્વાસથી ભરપૂર હોય! ચપટી વગાડતા હોય તેમ તેઓ  પોસ્ટ  મૂકી દે. છીંક ખાતા હોય તેમ પ્રતિભાવ આપી દે. નવા આવેલા અને ઊભા રહેલા બ્લોગમુસાફરો  તરફ એ દયાની નજરે જોતા હોય. આવા જામેલા બ્લોગમુસાફરો  ઊભા થાય ત્યારે ઊભા રહેલા બ્લોગમુસાફરોને એમ થાય કે, હવે  આપણને બેસવા મળશે. પરંતુ પેલા જામેલા બ્લોગમુસાફર તો  કસરત કરવા માટે ઊભા થયા હોય! હા, આવા બ્લોગમુસાફરો પાસે  પુષ્કળ બ્લોગસામગ્રી હોય જેમાં કેટલીક પોતાની હોય તો કેટલીક તૈયાર લીધેલી હોય. આવા બ્લોગમુસાફરો  બ્લોગ લખતાં લખતાં ઊંઘી શકે અને ઊંઘતાં ઊંઘતાં બ્લોગ લખી શકે! આવા બ્લોગમુસાફરોને સારી ભાષામાં “પૂર્ણ સમયના બ્લોગર્સ”  કહી શકાય.

* થોડા વખતથી બેઠેલા ને રાહતના શ્વાસ લેનારા. હવે,પોતાની સાથે લાવેલી સામગ્રીના ડબ્બા ખોલવાની એમનામાં હિમત આવે છે. એમાંના કેટકાલ,પોતે ભોગવેલી તકલીફો ભૂલ્યા ન હોવાથી; અન્ય ઊભા રહેલા બ્લોગમુસાફરોને પણ બેસવાની જગ્યા આપવાની ખાનદાની દાખવે છે. કેટલાક વળી એકબીજાની સામગ્રી વહેંચે છે.  .. લો આ ફલાણા કવિની કવિતા… લો આ ક્યાંકથી આવેલું છે . કોનું છે એ ખબર નથી પણ  છે મજાનું! …ના ના નામઠામ વગર ન મૂકાય!ફજેતી થઇ જાય! … આ ગીત છે કે ગઝલ ખબર નથી પડતી. જે હોય તે ઠપકારોને. આફરડું વાજતું ગાજતું માંડવે આવશે.મુલાકાતીઓ અને પ્રતિભાવોની વધતી જતી સંખ્યાથી આવા બ્લોગમુસાફરો ખુશખુશાલ હોય છે. એમનો ઉમંગ પોસ્ટમાંથી છલકાઈને બહાર ઢોળાતો હોય છે! આવા બ્લોગમુસાફરોને સારી ભાષામાં”વિકાસશીલ બ્લોગર્સ” કહી શકાય.

* ઊભા રહેલા બ્લોગમુસાફરો.  આમાંથી ઘણાના શ્વાસ હજી હેઠા બેઠા ન હોય. ચડી તો ગયા પણ હવે શું કરવું? આ બ્લોગગાડીનું એન્જીન કઈ દિશામાં છે એની પણ એમને ખબર ન હોય! ઘણા તો પહેર્યે લુગડે આવ્યા હોય એવા બેફીકર હોય! એમને એમ કે :આપણી પાસે શું છે તે કોઈ લઈ  જાશે? બ્લોગગાડી કઈ દિશામાં જશે એની પણ એમને પરવા ન હોય.  પરંતુ જેમને બ્લોગગાડીમાં લાંબી મુસાફરી કરવી  છે  તેમને જગ્યા મળે તો સામગ્રીના ડબ્બા ખોલવાની હોંશ હોય છે.  કેટલાક  બ્લોગમુસાફરો તૈયાર સામગ્રીના પેકેટ તોડી તોડીને પોસ્ટમાં મૂકવા લાગે છે.  તેઓ રાજી થાય ન થાય ત્યાં તો .. ચોરીનો માલ.. ચોરીનો માલ… એવી બૂમાબૂમ થવા લાગે! વળી પાછું જાહેર થાય કે: આ તો ગેરસમજ  થઇ ગઈ છે! ઊભા રહેલા બ્લોગમુસાફરોમાથી ઘણા ધીરજ ગુમાવીને બીજા બ્લોગડબ્બે ચાલ્યા જાય છે! પરંતુ જેઓ પૂરી નિષ્ઠા ધરાવે છે તેઓ છેવટે પોતાના માટે સ્થાન મેળવી લે છે.

 આવાબ્લોગમુસાફારોને “અર્ધ વિકસિત બ્લોગમુસાફરો ” કહી શકાય.

 બ્લોગમુસાફરોના આ ત્રણ મુખ્ય પ્રકારો જણાવ્યા છે.  એ સિવાયના પણ ઘણા બ્લોગમુસાફરો હોય છે. જેવાં કે: લટકતા, ભટકતા, ખટકતા, અટકતા વગેરે વગેરે!

જેની વાત આપણે પ્રતિભાવના ડબ્બામાં બેસીને કરીશું.  એ સિવાયની પણ વાતો છે. તો આવજો. અમે પ્રતિભાવના ડબ્બામાં બેસીને તમારી રાહ જોઈએ છીએ.

અને હા, રાહ જોતાં જોતાં અમને ઊંઘ આવી ગઈ હોય તો ઉઠાડજો.  વાંધો નહિ. બને તો ચાવાળાને પણ લેતા આવજો.

27 thoughts on “બ્લોગજગતની ગાડી આવી રે રસિયા રાજા

  • સૌરભભાઈ.. આ પ્રશસા વધારે પડતી છે. પરંતુ આ બ્લોગજગતની જ બલિહારી છે. મને બ્લોગજગતને અવનવી રીતે જોવું અને રજૂ કરવું ગમે છે. એટલે ક્યારેક ભવાઈ દ્વારા તો ક્યારેક સનેડા દ્વારા.. ક્યારેક મેળાના રૂપે તો ક્યારેક ફિલ્મ રૂપે… ક્યારેક સંવાદો દ્વારા તો ક્યારેક ગીતો દ્વારા .. બ્લોગજગતને રજૂ કરવાના પ્રયાસો કર્યા છે. વળી મારા બ્લોગ પર ‘બ્લોગજગત’ નામે અલગ કેટેગરી રાખી છે જેમાં બ્લોગજગતને લગતી રચનાઓને સ્થાન આપ્યું છે.
   આ બધાની સાથે સાથે કોઈપણ રીતે ખુદને અને અન્યને જાણવાની અને સમજવાની મથામણ તો ખરી જ!
   આ રીતેય જો કોઈને થોડુંઘણું પણ હસાવી શકાય તો મારે મન એ બહુ મોટો પુરસ્કાર છે.
   બાકી..
   આદમી મુસાફિર હૈ .. આતા હૈ જાતા હૈ….
   એ રીતેજ દરેક બ્લોગર પણ એક મુસાફર જ છે. જે ખૂબીઓથી ભરેલો છે. બસ એને તક મળે તો કશું ને કશું અન્યને વહેચી શકે છે.

   • માન શ્રી યશવંતભાઈ,, આજે મુરરબી શ્રી MUKULBHAI JANI ની fb લીંક પર થી આપના બ્લોગ પર આવવાની તક મળી અને તરત તે જડપી લીધી,,,
    આપણા બ્લોગ પર ની સફર ( હજુ તો શરૂવાત જ છે ) છતા Very very intersting.. મજા પડી, office કામ હોવા છતાં સફર ચાલુ રાખી છે.. એટલાજ intrest થી જેટલો intrest JV ( જાય Vasvada કે રોઉલ જી ના બ્લોગ માં)…

    થોડી સફર પછી જેવું લગછે તેવા પ્રતિભાવ જરૂર થી આપીશ ( ખૂબી હોય ક ખામી, કારણ કે મારી પ્રકૃતિ કે સ્વભાવ જે કહો પણ જે મને લાગે અને જેવું લાગે તેવું કહેવામાં માનું છુ becoz Its my ઓપીનીઓન… હું મોઢા પર કહેવામાં માનું છુ.. હા એ હા કહેવામાં કે ખોટી પ્રશંશા માં માનતો નથી પણ સારું અને સાચા ની દિલ થી કદર કરું છુ.)..

    ફરી મળી છુ યશવંતભાઈ,, કઈ વધારે લાગ્યું હોય તો માફ કરછો…

    આપનો ચાહક PARSHOTAM SHIYAL

    Parshotam Shiyal

  • દીપકભાઈ… તમે ભલે બ્લોગગાડીમાં હમાણા જ બેઠા હો પણ પેલા કુરુક્ષેત્રવાળા મુસાફરને એકે એક સ્ટેશને મળવા આવતા હતા એ કોઈનાથી અજાણ્યું નથી. ને એમ મળવા મળવામાં જ આ બ્લોગગાડી ઉપડી ગઈ છે. હવે તમે કાયદેસરના બ્લોગમુસાફર બની ગયા છો.ટિકિટની ફિકર ન કરતાં. આમાં ટિકિટ કોઈ નથી લેતું. બધાં જ લાલમાં!!!!
   આ લાલમાં એટલે શું? ન ખબર હોય તો કહેજો.

 1. ઓ.. મુર્તઝાભાઈ,
  આમ LIKE નું બટન દવાવીને ઉપલી પાટલી પર છાનામાના ચડી ગયા છો તે નહિ ચાલે! હેઠા ઉતરો અને આ બ્લોગગાડીના ડબ્બામાં પણ કેવું કેવું માર્કેટિંગ ચાલતું હોય છે એ બાબત બે વાતો કહો.
  બાકી.. લોકલ ગાડીમાં ફેરિયાઓની વેચાનાકળા જબરી હોય છે. હમણા ભરૂચથી આવતી વખતે એક વેચાણકળાનો ખેલ જોયો. એક ખારીસિંગવાળાએ પહેલાં મીઠું મીઠું બોલીને કેટલાકને મફત સીંગ ચખાડી. અને પછી ચાખનારા તમામને વળગાડી! એ માટે જરૂરી શબ્દપ્રયોગો પણ કર્યા.

  • ઓ અમારા દિમાગને ‘ઠક’કરતા બાપા યશવંતજી ! તમારા આ “લટકતા, ભટકતા, ખટકતા, અટકતા..(મટકતા ને ચટકતા પણ ઉમેરીજ દ્યો) ની સામે મારા કેટેગરાઈઝડ થયેલાં બ્લોગજનોની વાત મારા શરૂઆતના લેખોમાં (આડકતરી રીતે) કરી ચુક્યો છું. આ રહ્યાં: શેઠિયા, વેઠિયા, પોથીયા(કે પોઠિયા) અને ગઠીયા.

 2. શ્રી બ્લોગાચાર્યાજી મારે બ્લોગગાડી ના “પૂર્ણ સમયના બ્લોગર્સ કોચ ” ”વિકાસશીલ બ્લોગર્સ કોચ ” “અર્ધ વિકસિત બ્લોગર્સ કોચ ” જેમાં મળે તેમાં એક સારી બારી પાસે આવે તેવી જગ્યાની ટીકીટ ની વ્યવસ્થા કરાવી દેશો. ટીકીટ માટે ગાર્ડ ને થોડા ખવડાવવા પડે તો ચિંતા ના કરતા…!!!!

  • યશવંતભાઈ
   આ બારી પાસે જગ્યા કદાચ તમે મને આપી હોત તો જેટલો આનંદ થયો હોત એના કરતા પણ વધારે આનંદ બારીમાં બેઠેલા મુસાફર ને જોઇને થયો. હવે તો બારીમાંથી મંદ મંદ પવન આવશે અને એક સમૃદ્ધ લેખક ના જ્ઞાન નો લાભ પણ મળશે.

 3. કેટલાક એવાય મુસાફર હોય છે જેઓને ખબર જ નથી હોતી કે તેઓ શા માટે બ્લૉગગાડીમાં ચડ્યા છે? બસ કોઈને બ્લૉગગાડીમાં ચડતા જોયા એટલે પોતે પણ ચડી બેઠા હોય છે!

  કોઈ સહ પ્રવાસી ટિકિટ બાબત સહજ પૂછપરછ કરે ત્યારે ‘પહેલી જ વાર ગાડીમાં ચડ્યો છું’, ‘મિત્રોને મળવા આવ્યો હતો…’ વગેરે બહાના કાઢતા જોવા મળે છે..! વળી એ સહપ્રવાસી પાસેથી ગાડીમાં ચડતાં પહેલા ટિકિટ લેવી જોઈએ એવો શિષ્ટાચાર શીખવાને બદલે પોતાના દુશ્મન માનતા જોવા મળે છે અને ફલાણો વગર ટિકિટે ફરે છે એવી દલીલ કરીને ટિકિટ ન લેવા માટે અનુભવી સહપ્રવાસીને સમજાવતા જોવા મળે છે!

 4. “બ્લોગ જગતની ગાડી આવી મીઠો મઝાનો સંદેશ લાવી

  બ્લોગરમિત્રો બ્લોગ જગતની ગાડી છે મઝાની….મઝાની..”

  થોડા દુર છીએ એટલે જરા મોડા પડીએ તો ગાડી દોડાવી

  ના જતા…… મજા પડી ગઈ…..

 5. એય..ને ડાયરાને રામ રામ.
  અમે જગો રાખવા રૂમાલ મેલીને આપના ડબ્બે આવ્યા છીએ ! માંડમાંડ ઠાવકીથી જગા ગોતીને જરાક ઠરીઠામ થયા છીએ, હવે ઇ જગા સાચવવાની કપાણમાંથી નવરા થાતા નથી !!

  કોક કોક મારા વાલીડાવ ખોટું ખોટું ઓ…..ઈઈઈ, ઓ…..ઈઈઈ એવા ઉબકા કરીને કોકની સારીથી બારી વાળી જગા પચાવી પાડે છે. એ થયા હોંશિયાર બ્લોગમુસાફર ! અમે તો હમણા કોક કોક મુસાફરોએ શણગારેલા એવા ડબાય જોયા કે બે ઘડી ચક્કર આવી જાય ! એમ થાય કે, ઓઇ..લા, આ તો અદ્દલોઅદ્દલ આપણે ટેશને ટેશને જેમાં ચઢીએ છીએ એ આપણાં ભેરૂનો જ ડબો !! માથે પાટીયુંએ ઈ જ ! માંહે ચઢો તો સીટુ, પંખા ને લાઇટુય અદ્દલ એવી જ !! હા, સહમુસાફરો ઈ ના ઈ ના દેખાય એટલે થોડો અહાંગરો લાગે ને પાછા મુળ ડબે જતા રહીએ ખરા. પણ આવડા આ કહેવાય ખરા જાદુગર બ્લોગમુસાફર !!

  હવે જાઉં ? વળી મારી જગા ભેગો રૂમાલેય કોક બઠાવી જાશે તો મારે વળી નવી જગા ગોતવી પડશે ! 🙂

  • અશોકભાઈ, સોમનાથ મહેલમાં કાઠીયાવાડમાંથી આવતા મુસાફરોને ઠગ ભટકાઈ જાતા. સસ્તાની લાલચમાં નકલી માલ ભટકાડી દેતા.
   આ બ્લોગજગતમાં ચીજની વાહ વાહ કર્યા પછી ખબર પડે કે- આ તો બીજાનો માલ હતો.
   તમે લોકલ ગાડીમાં વેરાવળ તરફ ગયા હશો. અત્યારની તો ખબર નથી પણ એક જમાનામાં ઈંધણના ભારા ગાડીમાં ચડાવાતા. એ માટે ગાડી ખાસ જંગલમાં રોકાઈ પણ જાય!
   આ બ્લોગગાડીમાં શું શું ચડાવાય છે એની વાત આગળ આવશે!

 6. યશવંતભાઇ,
  અવલોકન તમારું બહુ નિરાળુ હોય છે.
  બહુ ભીડ હોં તમારા પ્રતિભાવ ડબ્બામાં !! હવે તો દરવાજે લટકવા જેવી સ્થિતિ છે…

  બ્લોગગાડીમાં અમે તો હજુ તાજા-તાજા જ ચડયા છીએ ને… એટલે ઉભા-ઉભા સફર કરવી પડે છે.(અમારા જેવા નવા બચ્ચાને તરત જગ્યા કોણ આપે ??!!!!) રાહતનો શ્વાસ કયારે લેવા મળે છે તેની રાહ જોઇએ છીએ !! બ્લોગગાડી તો પુરપાટ દોડી રહી છે…. કયાંક વળી તમ જેવા લોકો અવાજ દઇ ને બોલાવી લે તો હરખાઇ જઇએ.. આજુબાજુ વાળાને પણ કહીએ કે – જોયું….તેઓ મને ઓળખે છે !!! સ્વભાવે થોડા આખાબોલા એટલે કોઇ પ્રવાસી સાથે ન ટસલ થઇ જાય એય ધ્યાન રાખવું પડે છે. છતાંયે એકંદરે સફર આનંદમય છે… એટલે આપણે તો ઉતરવાના નથી જ એ નક્કી.

  માથુ હવે તો ફર્યું જ હશે… હું તો ચા વાળાને લાવવાનુ ભુલી જ ગ્યો. પણ.. બીજા કોઇ લેતા આવે તો જરા બોલાવજો ને.. સાથે ચા પીશું.

 7. બ્લોગ વિશે એક ઓર સુંદર નર્મમર્મથી ભર્યો લેખ.

  કયારેક બ્લોગગાડીના એક-બે ડબ્બા જ હોય (કોઈ ક્લાસના ભેદભાવ વગરના) અને પાંચ-સાત મુસાફર સંપીને અલક-મલકની વાતું કરતાં / મન ગમતો ગુલાલ ઉડાડતા મોજમાં મસ્તાન હોય. પછી ધડાધડ ચારે બાજુથી ગાડીઓ ને ડબ્બાઓ ને માણસો ઉભરાવા માંડે ને ગોકીરો થાવા માંડે; પાટા પીગળવા માંડે; ને ગાડી પાતાળલોકમાં પેસવા માંડે! ગુલાલમાં અબીલ ને અબીલમાં ગુલાલ ભળવા માંડે. કોક હનુમાન સિંદુરના દરેડે દરેડે બધા ડબ્બાને પાળિયા બનાવી દે.

  ધક્કામુક્કીમાં કોક જબરું ટોળું બે ચાર ડબ્બાને ફર્સ્ટક્લાસમાં પલટી દઈ ને પેન્ટ્રી પણ સુવાંગ બથાવી ને બેય કોરના બધા બારણા ભીડી લે ને મંદિર ને કોઠાર એક કરી થોકેથોકે ચુનંદી બારીયુંમાંથી હવામાં કટલેસ- સેંડવિચનો એવો પરસાદ ઉલાળે એવો પરસાદ ઉલાળે કે ત્રણે લોકના દેવોને એમ જ થઈ જાય કે બ્લોગગાડી અટલે ઈવડો ઈ એકનો એક અન્નકૂટનો ડબ્બો – જેને પાતાળે ન મોકલાય… પાતાળને એની પાસે મોકલાય.

 8. યશવંતભાઈ,
  મુસાફરો પણ કેવી રીતે બ્લોગગાડીમાં આવ્યા તેનું નિરીક્ષણ રસપ્રદ થશે. ઘણાં રિઝર્વેશન કરાવીને બેઠા છે. અર્થાત્ સાહિત્યીક જીવ હતા, પુસ્તકો પ્રસિદ્ધ કરેલા હોય, વિગેરે …. ઘણાં જવાના દિવસે જ ટિકીટબારી પર ટિકીટ કઢાવીને બેઠા છે. ઘણાંએ ખાલી ટ્રેઈનનું પાટિયું જ વાંચ્યું અને દિશા જોઈને બેઠેલા છે. ઘણાં ટ્રેઈનમાં બેઠેલા અન્ય મુસાફરો સારા દેખાય છે તેથી કંપની સારી મળશે એવી આશામાં ટ્રેનમાં બેઠેલા છે. તો કેટલાક તત્કાલમાં ટિકીટ લઈને બ્લોગગાડીમાં ચઢેલા છે …કેટલાક ટિકીટ લીધા વગર મુસાફરી કરવામાં બહાદુરી છે એવી સમજ સાથે બેઠેલા છે … આવા વિવિધ મુસાફરો વિશે પ્રકાશ પાડશો તો હજુ ઘણી રસપ્રદ વાતો બહાર આવશે….
  બાકી દરેક વખતની જેમ મજાનો લેખ. તમારી creativity ને સલામ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s