ચતુર હોય તે જવાબ આપે

[મંદિરના બાંકડાઓ પર વડીલ પરિવારના સભ્યો  વચ્ચેની વાતચીત  ચલી રહી છે… ] 

ભગુભઈ – ચ્યમ રાવજીભાઈ આજે મોડા પડ્યા?

રાવજીભઈ- ઓ ભઈ! જવાદોને વાત! એક પોસ્ટ લખીને પબ્લિશ કરવા જતોતોને એની માને પૈણે સાલી લાઈટ ગૈ! અર્ધો કલાકે આઈ રઈ! એમાં મોડું થઈ જ્યું. 

ભગુભઈ- પોસ્ટ નહોતી કરવી!

રાવજીભઈ- મારો નિયમ છે  કે એક વખત પોસ્ટ લખાઈ ગૈ એટલે એને રાખી નૈ મૂકવાની. એને  હેડતી કરવાની  એટલે  પ્રતિભાવો  આવતા થાયને?

ભગુભઈ-  કેટલા દસ પંદર આયા હશે?

રાવજીભઈ-ઓ ભઈ! દસપંદરની ક્યાં મેથી મારો છો ? રેઢા પડ્યા છે? બધા આપણી જેમ નવરા નોય! હા બે  પ્રતિભાવ આવી જ્યા!

સોમભઈ – એમાં એક તો પેલા  રાધારમણનો હશે?

રાવજીભઈ- હોવે! તમને ચ્યમ ખબર ?

સોમભઈ- ચ્યમ ના હોય!  મને પણ એ ભઈ પ્રતિભાવ આલે છે હો .

રાવજીભઈ- એ રાધારમણ તો જબરા  છે લ્યા! તમે પોસ્ટ મૂકો ન મૂકો ત્યાં તો એનો પ્રતિભાવ આવીને ઊભો જ હોય!

ભગુભઈ- ઝડપી પ્રતિભાવ સેવા!  

રાવજીભઈ-  વાંચ્યા વગર જ પ્રતિભાવ આલે પછી ઝડપી જ હોયને! તમે લખો  કશું ને એ લખે કશું! સાંધાનોય મેળ નૈ!

સોમભઈ – ઓ ભઈ! એવું બધું નૈ જોવાનું !  પ્રતિભાવ આલે છે એ જ ઘણું!  ધરમની ગાયના દાંત નૈ જોવાના! શું કો  છો ભગુભઈ?

ભગુભઈ- આપણે તો પોસ્ટ મૂકીને  છૂટ્ટા! જેને વાંચવું હોય તે વાંચે ને પ્રતિભાવ આલવો હોય તે આલે! આપણે પાછું વળીને એ પોસ્ટ પર જોવાનું જ નૈ!  રોજ નવી ગીલ્લી ને નવો દાવ! મારા બ્લોગ પર જોજો.. એકદમ શાંતિ! ટાંકણી પડે તોય સંભળાય.

સોમભઈ- સંભળાયજને! તમારા બ્લોગ પર તમારી સિવાય કોઈ હોય જ નૈ તો! આ રાવજીભઈના બ્લોગે તો ભાતભાતની ખોપરીઓ સામસામી ભટકાય!

રાવજીભઈ- હોવે! મને તો ખેંચાખેંચી વગર મજા જ નૈ આવે!

સોમભઈ – હવે એમાં એવું થાય છે કે રાવજીભઈની દાઝ ઘણા મારા બ્લોગ પર કાઢે છે! મારા લખાણ  માટે રાવજીભઈએ પ્રતિભાવ આલ્યો હોય તો એની સામે મોરચો મારા બ્લોગ પર મંડાય!  એમાં મેં શું લખ્યું ને કેવું લખ્યું એની વાત તો બાજુ પર રૈ જાય ને સામસામે પથ્થરમારો થતો હોય એમ પ્રતિભાવો ના ઘા થાય! સાલું આપણે દિમાગનું દઈં કરીને પોસ્ટ  મૂકી હોય પણ પ્રતિભાવોમાં  બીજી જ વાતોની મેથી મરાતી હોય!

ભગુભઈ-  બ્લોગમાં પોસ્ટ  મૂકવા ખાતર  દિમાગનું દઈં કરાય જ નૈ .  

સોમભઈ- તો શું કરાય? 

ભગુભઈ- …… …… 

[હે ચતુર વાચકમિત્રો ભગુભઈએ સોમભઈના સવાલમાં માત્ર બે શબ્દોમાં જવાબ આપ્યો કે બ્લોગમાં પોસ્ટ મૂકવા માટે શું કરાય! એ બે શબ્દો ક્યા હશે તે બાબત આપ સહુ જણાવશો તો અમારા આ લેખની શોભામાં અભિવૃદ્ધિ  થશે. ]

16 thoughts on “ચતુર હોય તે જવાબ આપે

 1. વાંચ્યા વગર જ લખાણ ગમી જતું હોય (!) અને એની જાહેર જનતાના લાભાર્થે પોસ્ટ બની જતી હોય (!) તો પ્રતિભાવ લખવા માટે વાંચવાની શું જરૂર?

  લેખને અંતે ખાલી જગ્યા છે તેમાં જવાબ આવશે: કૉપી-પેસ્ટ ઉર્ફે વાનર-નકલ

 2. આ કોપિ પોસ્ટ વાળાઓને તમે ખખડાવ ખખડાવ કરો છો એના કરતાં એને “બુધ્ધિહિન
  ભોળપણ” નામ આપી મંદબુધ્ધિ બાળક તરીકે ટ્રીટમેન્ટ આપો તો કેવું,રંગલાનો નવો વેશ લખો તમાં??

 3. વ્યંગમા પોસ્ટ અને પ્રતિભાવ અંગે મઝાની વાત કહી.

  દરેકના વિચારોના પ્રમાણમા પ્રતિભાવમા મતભેદ રહેવાના જ .અને પ્રકતિ પ્રમાણે સહજતા- ઉગ્રતા રહેવાની.અને ઢગલાબંધ ભળતા જ નામ ઠેકાણા વગરના સ્કેમમા મૂકાયલા પ્રતિભાવ
  .
  પચરંગી સમાજ વચ્ચે એક ટ્રેનીંગ છે.

  તો બીજી તરફ આ ટેકનોલોજીમા સરકારો ઉથલાવવાની પણ તાકાત છે .

 4. ભાઈજી,

  જરાય ખોટુ ના લગાડતા. એક નાનકડી મજાક કરું છું, જેમ લખ્યું છે એમ મારી ઓરીજીનલ પંચમહાલની લોકબોલીમાં બોલવાનો પ્રયત્ન કરજો.

  “અલ્યો ભઈ આ તો લોસો પડ્યો. પેલાના નાંમે કોમેન્ટો આઈ સી એ તો જુવાં. મારું હાળું બધ્ધાં આઈ જ્યાં બોલાયેલાં એ ની નતાં બોલાયાં એયે આયાં પણ,…… પેલો ભાઈ……

  અલ્યો ચાં મરી જ્યો મેર મુવા…. અમી હોમે આયની ભાય…. બધાં તારી રાહ જોવી સી…”


  અસ્તુ

  ગુજરાતીસંસાર ગૃપની મુલાકાત લઈ રજીસ્ટર કરવા તમામને વિનંતી.

 5. ભાઇ… ભાઇ… અમોને તો બે માણહની વાતું હાંભળવાની ઘણી મોજ પડી.. પણ.. તમે તો છેલ્લા ફકરામાં વાંચનારનેય ધંધે લગાડી દીધા હોં… ખૈર..એનો જવાબ તો બીજો શું હોય ભાઇ.. “પારકો માલ પોતાનો કરીને વેચવાનો !!!.. એય પાછા અભિમાનથી અને ઉંચા નફામાં..!!!”

 6. આજની પોસ્ટ વાંચી મને ‘Outlook’ સામયિકમાં આવતી કમેન્ટ્સ યાદ આવી ગઇ. તેમાં પણ મૂળ પોસ્ટ બાજુએ રાખી ટૅક્સસના અનવાર, દિલ્હીનાં ગાયત્રી દેવી, અંબાલાના હરયાનવી વગેરે વગેરે એકબીજા પર રાવજીભાઇ-વાળી કરતા હોય છે! મૂળ પોસ્ટ બાજુએ રાખી ઘણા વાચકો તેમની લડાઇ વાંચવાનો આનંદ ઉઠાવતા હોય છે – જેવું આપની પોસ્ટમાં લખ્યું છે. બાકી વાત રહી આજના સવાલની.

  આપના વાચકોમાંથી કોઇએ અનુભવ્યું છે કે કેટલાક પ્રતિભાવ આપનારા આપની પોસ્ટના જ ચાર-પાંચ વાક્યો કૉપી-પેસ્ટ કરી તેમના પ્રતિભાવમાં છાપે છે અને તેમનો પોતાનો “મૌલીક” પ્રતિભાવ એક કે બે શબ્દોનો હોય છે? દા.ત. ‘બહુ સરસ!’

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s