હાલો ભેરુ શહેરમાં

મિત્રો,

અમે ગામડે નિશાળમાં ભણતા હતા ત્યારે સાહેબે અમને બધાંને એક બાળગીત  અભિનય સાથે ગાતાં શીખવાડ્યું હતું :ભીની માટીની ગંધ આવે યાદ રે હાલો ભેરુ ગામડે.. હાલો ભેરુ ગામડે.

કવિ શ્રી નાથાલાલ દવે લેખિત આ ગીત તમે લોકોએ પણ કદાચ ગાયું હશે, સાંભળ્યું હશે કે વાંચ્યુ હશે.

સાચુ કહીએ તો અમે ગામડે રહેતા હતાઅંને   આવાં ગીતો ગાતા હતા છતાંય મન તો પોકારતું હતું કે: હાલો ભેરુ શહેરમાં…. હાલો ભેરુ શહેરમાં.

હા જી! શહેર એક સપનું હતું. સવાલો ઊઠતા હતાકે .. શહેર કેવું  હશે? કેવડું હશે? બહુ મોટું હશે? આપણા ગામ જેવડાં દસ બાર નહીંપણ સો જેટલાં ગામ સામી  જાય એવડું હશે????

શહેરમાંથી આવેલા માણસને જ નહીં  પણ  મોટર,ભારખટારા,રેડિઓ, થાળીવાજુ જેવી નિર્જીવ ચીજોને પણ અમે નિરખતા હતા.

ને… માત્ર નાના બાળકોના મનની આ વાત નહોતી! મોટાઓના મનની પણ આ વાત હતી!

ને એકાદ ગામની આ વાત નહોતી! ગામે ગામની આ વાત હતી!

ગામડાનાં રળિયામણાં ચિત્રો, ગીતો,  વાર્તાઓ વગેરેથી આપણું સાહિત્ય ફાટફાટ થાય છે! શું એ બધું માત્ર કલ્પના પર આધારિત છે ?

શું ખરેખર બધાં  ખરેખર ગોકુળિયાં હતાં.. ત્યાં ઘી દૂધની નદીઓ વહેતી હતી… પનઘટે પનિહારીઓ ગીતો ગાતી ગાતી પાણી ભરતી હતી.. આંગણે મોર ચણવા આવતા હતા.. ખળખળ ઝરણાં વહેતાં હતાં… દુહાઓની રમઝટ બોલતી હતી… બધાં જ ડાહ્યાંડમરાં થઈને અને સંપીને રહેતાં હતાં!

અમારું કહેવું એમ છે કે: આ બધી વાતો ‘આધી હકીકત આધા ફસાના’ જેવી છે!

ગામડાનું ચિત્ર ખરેખર આવું હતું પણ ખરું અને આનાથી સાવ અવળું પણ હતું!

સંજોગો બદલાય તેમ ત્યાં પણ બધું બદલાતું હતું. ઘણું ખરું બદલાયા પછી પણ કવિકર્મના કારણે ઘણુંખરું એનું એ જ લખાતું રહ્યું ને આપણને સહુને ગમતું રહ્યું. સારી વાતો સહુને ગમે એ સ્વાભાવિક છે.

પણ યાદ કરો એ કહેવતો..

બાપના કૂવામાં ડૂબી ન મરાય.

ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે.

મતલબ કે ગામના માણસોમાં શહેર તરફ જવાના ભૂખ અને તરસ જાગ્યાં હતાં.

એવું નહોતું કે શહેરની હાડમારીની વાતો ગામડે નહોતી પહોંચતી.

પહોંચતી હતી. કથાકારો અને ગઢવીઓ ગમડાની ગરવી ગરવી વાતો કહેતા હતા અને શહેરના લોકોના સાંકડા ઘરની અને સાંકડા મનની  વાતો પણ કરતા હતા.

ભવાયા શહેરના લોકોની તકલીફોની વાતો ગમ્મત ગમ્મતમાં કહેતા હતા.  ફેશનેબલ વહુ બંગાળી સાડી પહેરીને અને બે ચોટલા લઈને  સેનેમા જોવા જાય એવી ગમ્મતો રજૂ થતી હતી.

આંધળી માનો કાગળ પણ ગવાતો હતો.  ને લોકોને મજા મજા થઈ જતી હતી.

પણ સાથે સાથે આવાં ગીતો પણ ગવાતાં હતાં..

તેરા તન ડોલે મેરા મન ડોલે… મેરા દિલકા ગયા કરારરે ..

પ્યાર કિયા તો ડરના ક્યા ..

ને લોકોને એમાં પણ મજા પડતી હતી.  સાંભળીને તરસ જાગતી હતી.. સેનેમા જોવાની…સારું સારું પહેરવાઓઢવાની.. બગીચામાં બેસીને સીંગચણા ખાવાની!

યુવાનો અને યુવતીઓને કોડ જાગતા હતા કે પોતે પણ પ્રેમપત્રો લખે..

ચલી ચલી રે પતંગની માફક પોતે પણ ઊડે!

આ તો હળવા હળવા કારણો થયાં… શહેર તરફ ભાગવાના ભારે ભારે કારણો બાકી રાખીએ! ફરી મળીએ..

ત્યાંસુધી કરો જલસા!!!!

ને એમાં પાછા પડવું નહીં!!!!

Advertisements

11 thoughts on “હાલો ભેરુ શહેરમાં

 1. યશવંતભાઇ સાચી વાત આ બધી વાતો ‘આધી હકીકત આધા ફસાના’ જેવી છે! પહેલાં ગામનાં માણસોને શહેર તરફ જવાના અભરખાં હતાં આજે ગામ કે શહેરના તમામને વિદેશ જવાનાં અભરખાં જાગે છે તેમાં પણ હાડમારીની વાતો દરેકને ખબર હોય છે અને ત્યાં જઇને જ વિદેશી કરતાં તો વધુ ભારતીય લોકોનાં સાંકડા મનની(ડૉલરિયા અને પાઉન્ડના) ખબર પડે છે. છતાં ચમકદમકથી અંજાઇ જવું એ કદાચ માનવમનની ભૂખ અને તરસ હશે. સરસ લેખ.

  • તમે ઠીક તારણ કાઢ્યું છે. આપણા દેશથી વિદેશ જવું એ પણ આ રીતની જ પ્રક્રિયા છે. વિદેશ જવું એટલે નવાઈ નથી રહી! ગુજરાતના નાના ગામડેથી લોકો વિદેશ પહોંચ્યાં છે.હવે તો એવું થયું છે કે- જો અમે એવું કહીએ કે અમે બહાર જવાના છીએ તો સામેવાળા એવું માની લે કે અમે વિદેશ જવાના છીએ. પછી ભલે અમે માત્ર ઘરની બહાર જવાની વાત કરી હોય! બહાર જવું = વિદેશ જવું !!!!
   વિદેશમાં વસતાં ગુજરાતીઓની હાલત પણ ક્યારેક ન અહીંના કે ન ત્યાંના જેવી લાગે છે! થોડા દિવસો પહેલાં જય વસાવડાનું લખાણ વાંચ્યું હતું..કેટલાક અમેરિકન-ગુજરાતીઓની માનસિકતા બહુ જ જોરદાર રીતે રજૂ કરી હતી.
   વિદેશગમનનો આશય પરિવારનો ઉધ્ધાર કરવા જેવો શુભ જ હોય … તોય કમળના ફૂલમાં ભમરો ફસાય જાય એમ ફસાવા જેવી ઘટના પણ બને.
   “નામ” ફિલ્મનો સંવાદ યાદ આવે છે… યહાં આને કા રાસ્તા હૈ… જાને કા નહીં…

 2. આદરણીય શ્રી યશવંતકાકા ,

  વાહ કાકા વાહ, ગામ અને શહેરનો સમન્વય તે જમાનાનો.

  આપ લખો છો તેમ બન્ને વચ્ચે અડધું અડધું અંતર એટલે કે ગામ

  ગોકુળિયા નહોતા. અને શહેરો પણ એટલા વિકસિત નહોતા.

  ગામમાં ભાર ખટારા, મોટર થાળી વાજું અરે ટ્રેક્ટર પણ અજાયબી

  જેવું લાગતું. અમારા આણંદ જીલ્લામાં પેટલાદ તાલુકામાં મારું ગામ

  રેલ્વે ટ્રેક પર છે સ્ટેશનથી આગળ જતા પંડોળી ગામ આવે મારા

  ગામ જેસરવા અને પંડોળી ની સહદે ખેતરોમાં એક નાનું વિમાન તૂટી

  પડેલું. ૧૯૬૧- નીસાલમાં અહોહો મેળાની જેમ માણસો ૨૦ થી ૨૫

  દિવસ મેળા જેવું. કહેવાતું કે અમદાવાદ, વડોદરા સુરતથી માણસો જોવા

  આવે છે. અમે ૧૧ ૧૨ વર્ષના. એટલે આવું શહેરનું માણસ જોઈ અચંબો પામતા.

  ખરેખર સુંદર લેખ અને મઝા આવે તેવી વાત.

  • ત્યારે શહેર પણ આટલાં વિશાળકાય નહોતાં! મુંબઈની વાત તો પહેલેથી જ અલગ હતી! પણ ગુજરાતનાં શહેરોની વાત કરીએ તો જીવન હજી સરળ હતું. મહેમાનોને હોંશે હોંશે રાજમહેલ,બાગ,બગીચા,ફિલ્મ વગેરે જોવા લઈ જતાં. અત્યારે તો ખુદને જ આ બધું જોવા જવાના ફાંફા પડતાં હોય છે!!
   માણસ સમયથી પણ એટલો બધો કાયર થઈ ગયો છે કે -કદાચ ભગવાન પણ આવીને ઊભ રહે તો એમ કહી દે કે— ફોન કર્યા વગર કેમ આવ્યા????

 3. યાયાવર પણ કુદરતી રીતે સ્થળાંતર કરે.સાઈબિરીયા તેમજ યુરોપના વિવિધ ભાગોમાંથી સ્થળાંતર કરીને ભારતમાં આવીને વસવાટ કરતા આ વિદેશી મહેમાનો પોતાના મૂળ વતનમાં જઈને જ ઈંડા મૂકે છે. પક્ષીઓ તેમણે સ્થળાંતર કરેલી નવી જગ્યાએ ઈંડા મૂકતા નથી. જેના કારણે બચ્ચાને મારી નાંખવાનો ડર ઓછો રહે છે તેમજ તેઓ સલામત રહી શકે છે. વળી આ પક્ષીઓ જેટલાં ઈંડાનંુ સેવન કરી શકે તેટલાં જ ઈંડા મૂકે છે. જો કે આ ઘટના માટે પક્ષીઓના શરીરમાં થતી જૈવિક પ્રક્રિયા તથા તેનું નિયંત્રણ કરતો અંતસ્ત્રાવ કારણભૂત હોય છે,
  દરેકના મગજમા પાઈનિયલ નામની ગ્રંથી આવેલી હોય છે જેમાંથી મેલેટોનીન નામનો અંતઃ સ્ત્રાવ છૂટો પડે છે. તેના જીન્સ અંધારામાં એક્ટીવ થાય છે જેથી આ અંતઃ સ્ત્રાવનું નિર્માણ રાત્રે થાય છે. જેમ દિવસ નાનો તથા રાત મોટી થાય તેમ આ અંતઃસ્ત્રાવના ઉત્પાદનનંુ પ્રમાણ વધી જાય છે. જેથી આ પક્ષીઓને ઋતુ બદલાઈ રહી હોવાનો ખ્યાલ આવે છે. જેના કારણે તેઓ સ્થળાંતર કરે છે. તેવી જ રીતે દિવસ મોટો થઈ રાત ટૂંકી થતાં આ અંતઃસ્ત્રાવના નિર્માણ થવાનંુ પ્રમાણ ઘટી જાય છે. જેના કારણે ફરી ઋતુ બદલાઈ રહી હોવાનો અહેસાસ થતા પક્ષીઓ ફરી પોતાના મૂળ વતન તરફ પ્રયાણ કરે છે.હાલો ભેરુ શહેરમાં- માટે આવું કોઈ કારણ હશે?

 4. શ્રી યશવંતભાઇ,
  હળવા હળવા કારણો તો જાણ્યા, ભારે ભારે કારણોની રાહ રહેશે.
  એક સમય એવો ચાલ્યો કે ગામડાઓ ભાંગ્યા અને શહેરો તરફ પ્રવાહ ચાલી નીકળ્યો. તેના કેટલાયે કારણો તો અમે ભણતી વખતે પોપટપાઠની જેમ ગોખ્યા ! પરંતુ આપ જેવાની અનુભવવાણીમાં ખરા કારણો જાણવા મળશે.
  જો કે હવે અમારી બાજુના ગામડાઓમાંથી વર્ષો પહેલાં જે લોકો યુ.કે. આફ્રિકા ધસેલા તેમાંના ઘણા બધાનો (ખાસ તો હવે પ્રોઢાવસ્થાએ પહોંચેલા અને આર્થિક સુઃખી થયેલાઓનો) પ્રવાહ ફરી વતનના ગામડાઓ તરફ વહ્યો છે. હવે વાડીઓમાં બંગલાઓ બાંધી અને મોજની જીંદગી વિતાવવાનો લેટેસ્ટ ટ્રેન્ડ ચાલુ છે. કદાચ, તેઓના દૃષ્ટિકોણથી, જુના સમયમાં ગામડા છોડવા માટેના જે કારણો હતા તે આજે નથી રહ્યા કે બહુ ઓછા રહ્યા છે. છતાં પણ, આજે પણ જેમણે કદી ગામડું નથી છોડ્યું તેમને જો તક મળે તો એક વખત ક્યાંક બહાર જવું છે ખરૂંજ. (આપે કહ્યું તેમ જ ’બાપના કુવામાં ડુબી ન મરાય’) અને આ લાલસાએ ગ્રામ્ય વિસ્તારને સમૃદ્ધ તથા સગવડદાયક બનાવ્યો તો છે જ.

  • અશોકભાઈ…
   તમે જે પ્રવાહને પારખી શક્યા છો તે પ્રવાહ અમને પણ નજરે ચડ્યો છે. પણ એવો વર્ગ કેટલો? જેમણે જમીન જ વેચી દીધી હોય તેમનું શું?
   થોડા દિવસો પહેલાંની જ વાત છે. અમે ચાલતા ચાલતા નગરથી થોડા દૂર નીકળી ગયા. ત્યાં સરસ મજાનું કુદરતી વાતાવરણ હતું. ગામડું શહેરરૂપી અજગરના જડબામાં આવી ચૂક્યું હતું છતાં પણ લોકો હકીકતને પચાવીને જીવતા હતા. મોટા બોર્ડ પર બૂકિંગ માટેની જાહેરાત હતી… ભવિષ્ય લખાઈ ચૂક્યું હતું.
   એક ખેડૂત વર્ગના બહેન મળ્યા… ગામડાના લોકો વગર ઓળખાણે પણ વાતચીત કરે. એમની પાસેથી જાણવા મળ્યું કે આ તમામ જમીન એમની જ હતી જે 25 વર્ષો પહેલાં વેચી દીધી હતી! અત્યારની સરખામણીએ તો ખરેખર પાણી નો જ ભાવ ગણાય! એમના ચહેરા પર પસ્તાવાના ભાવ હતા. પોતાના જ ખેતરના છેડે હવે થોડોઘણો આશરો બાકી રહ્યો હતો! થોડા વર્ષો પછી એ પોશ વિસ્તાર કહેવાશે. એ પોશ વિસ્તારના છેડે ખેડૂત પરિવાર પાસે રહેલી જગ્યા નડતર રૂપ તો ગણાશે જ ને?

   • અમારા પરિવારના તેમ જ જ્ઞાતિના ઘણા લોકો વર્ષો પહેલાં આફ્રિકા ગયેલા. ખૂબ સંઘર્ષ કરીને ઠરીઠામ થયેલા. પણ કુટુંબીઓના મોંઢા જોવા માટે આવી નહોતા શકતા. એ લોકો કદાચ મૂડી લઈને અહીં આવે તો પણ અહીંના કેટલાક લેભાગુ લોકો ફાવવા દે તેમ નહોતા! બિચારાં કોઈની મોટી મોટી વાતોમાં આવીને છેતરાઈ જાય! મૂડી ઓછી કરી નાંખે! દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીવે એમ પછી એ લોકો બધાંને શંકાને નજરે જૂએ! એટલે સામાજિક રીતે ક્યાંયના ન રહે!
    અમે 1970ની આસપાસ પોરબંદરમાં થોડો સમય રહેવા આવેલા. તે સમયે વાટવાળા પ્રાયમસના ભાવ વધી ગયેલા! એ સિવાય ઘણી ચીજો મોંઘી થઈ ગયેલી! કારણ કે આફ્રિકાથી મોટા પાયે લોકોને ભાગીને દેશમાં આવવું પડેલું. પોરબંદરમાં ઘણાં લોકો ઊતરેલાં. ઘણુંખરું મુકીને આવ્યા હશે તોય સામાનનો પાર નહીં! પણ સાંકડી ઓરડીમાં રહેવાનો વારો આવ્યા!
    એમાંના ઘણાં લોકો અહીં ગોઠવાઈ નહીં શક્યા હોય! ફરીથી લંડનની વાટ પકડી હશે જ!
    એવા લોકો તમે કહો છો તે રીતે આજે અહીં ઠરીઠામ થયા હોય તો તે આનંદની વાત છે. બાકી મોટાભાગે તો એમનું જીવન દેશ…આફ્રિકા…ઇન્ડિયા… યુરોપ… અમેરિકા… વચ્ચે વહેંચાયેલું જ રહ્યું!
    વિદેશમાં રહેલાં એમના સંતાનો માટે ‘ભારત’ … એક ખોજ !!!!

    • જૂના સમય માટે ગામડાં છોડવા માટે જે કારણો હતાં તે આજે ઓછાં રહ્યાં છે.. એ વાત સાથે સહમત! પણ કારણો તો આજે પણ છે તો ખરાં! એ કારણો કદાચ નવી પેઢીને જ વધારે સ્પર્શ કરે છે! જેમને માત્ર શાંતિ નથી જોઈતી! જેમને કશું નવું કરવું છે…કશું બદલી નાંખવું છે!! આવડતનો ઉપયોગ કરવો છે.

 5. પિંગબેક: હાલો ભેરુ શહેરમાં | indiarrs.net Classifieds | Featured blogs from INDIA.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.