આજનું ‘ખેતર’ આવતી કાલની ‘સોસાઇટી’ છે!!!! 

[બ્લોગજનો,  ‘જલારામદીપ’ના મે, 1991માં પ્રગટ થયેલો આ લેખ આજે આપ સહુ સમક્ષ રજૂ કરું છું. સમય ઘણો પસાર થઈ ગયો છે. તેથી ઘણી વાતો કદાચ અપ્રસ્તુત જણાશે. પરંતુ એક બાબત આજે પણ એટલી જ પ્રસ્તુત છે જે ત્યારે હતી. એ બાબત છે: મોટાપાયે ચાલી રહેલું શહેરીકરણ . ખેતરના ભોગે સોસાઇટીનું સર્જન એ જાણે કે અનિવાર્ય પરિવર્તન ગણાઈ ચૂક્યું છે.]

શહેર અને કારખાનાઓની વચ્ચે ઊભાં રહેલાં થોડાંક ખેતરઓમાંનું વધુ એક ખેતર આજે હારી ગયું. થાકીને ઝૂકી ગયું. હવે તે ખેતર નહીં રહે! ત્યાં ‘સોસાઇટી’ થઈ જશે. તેને ‘મધુવન’ જેવું નામ  અત્યારથી  અપાઈ ગયું છે. ‘મધુવન’ની જાહેરાતના મોટા પાટિયામાં એ ખેતરનું ભવિષ્ય વાંચી શકાય છે.

તે જ્યારે ખરેખર લીલુંછમ રહેતું હતું  પંખીઓના ટહુકાઓથી છલકાતું હતું અને ખેડૂતની મહેનતથી શણગારાતું હતું ત્યારે તેને ‘ખેતર’ કહેવામાં આવતું હતું પણ  હવે જ્યારે ત્યાં બ્લોક્સની હારમાળા ઊભી થશે ઈંટ અને રેતી ને કપચીનું સામ્રાજ્ય સોળે કળાએ ખીલી ઊઠશે અને વિજયપતાકાઓ સમાન  ઊંચા એટેના ઊભા હશે ત્યારે  તેને ‘મધુવન’કહેવામાં આવશે.

હવે ત્યાં ઝાડ નડતાં હશે તો માણસના હાથે કપાઈ જશે. માણસ ઝાડની જગ્યાએ દુકાન ઉછેરી હોય તો કેટલો ફાયદો થાય તેની ત્રિરાશી માંડશે. જ્યાં સુધી માટી સંપૂર્ણપણે દેખાતી બંધ નહીં થાય ત્યાં સુધી માણસ તે ખેતર પર ત્રાસ ગુજારશે. તેના પર ધગધગતો ડામર પાથરશે. હવે ખેતરમાં ખાતર નહીં નંખાય કે  બીજ નહીં વવાય! હવે ખેતરના પેટાળમાં ભૂંગળાં વવાશે.  હોંશે હોંશે ટેલિફોન અને વીજળીંના થાંભલા રોપાશે.  હવે કૂવો પુરાઈ જશે ને ધોરિયા પણ પુરાઈ જશે. ખેડૂતના હાકલા પડકારા ભજન અને દુહા બધું સદાયના માટે દટાઈ જશે. સમયની ટેપરેકર્ડર પરથી હવે ખેડૂતના કાલાંઘેલાં ગીતો ભૂંસાઈ જશે. તેની જગ્યાએ છેલ્લામાં છેલ્લી ફિલ્મનાંગીતો વાગશે. વહેલી સવારે પ્રભાતિયાંના બદલે   આખી રાત ચાલેલી  વીડિયો-ફિલ્મના બેસૂરા સંવાદો વાતાવરણમાં ઠલવાશે.

હવે   કોયલ આંબેથી નહીં ટહુકે પરંતુ  ડોરબેલમાંથી  ટહુકશે મોર અને ઢેલ હવે ખેતરનિકાલની સજા ભોગવશે. ચકલાંની ખેતર સાથેની લેણાદેવી પૂરી થઈ જશે.  નસીબદાર કૂતરાઓને જ લીસા ગાલીચા પર આળોટવાનું મળશે. પાંજરામાં પુરાયેલા પોપટો અંગ્રેજી નામો બોલી શકશે.  સ્વર્ગસ્થ સાબરના શીંગડાંને કોઈના દીવાલખંડની દીવાલો પર સ્થાન મળશે. જીવજંતુઓ જંતુનાશક દવાના જોખમ સાથે  માણસની અનુકૂળતાનો ખ્યાલ રાખીને શિસ્તપૂર્વક  હરીફરી શકશે.

હવે ગર્જના, ટહુકા, કેકારવ, કલબલાટ કે ચીંચિયારી જેવા પ્રાણીવેડા માણસ કરશે. પ્રાણીઓને પોતાની ઓળખ ટેલિવિઝનના પરદેથી આપવી પડશે. કોઈ આર્ટ-ફિલ્મમાં ખેતરનું વાતાવરણ રજૂ થશે ત્યારે ટેલિવિઝનની સામે બેઠેલાંને વિચાર સરખો પણ નહીં આવે કે;આવા વાતાવરણના ભોગે પોતે  પોતાના ઘરમાં બેઠાં છે.

ભૂમીપૂત્રોના હાથે  જોતજોતામાં મકાનો  તો મકાનો તૈયાર થઈ જશે પરંતુ  પછી એ મકાનોમાં બે ઘડી બેસવાનો પણ એમને હક નહીં રહે! મકાનમાલિકો રહેવા આવી જશે ને પછી વધ્યાઘટ્યા ખેતરપણાનો નાશ કરશે.  એ ફેરફારને કાયાપલટ જેવા રૂપાળા નામથી નવાજવામાં આવશે. ને ખેતરનો  માલિક ભવિષ્યમાં ભૂલેચૂકેય જો સોસાઇટીમાં ચક્કર મારવા જશે તો તેને પણ ચક્કર આવી જશે! તેને ખ્યાલ પણ નહીં આવે કે  ક્યાં હતો ખેતરનો શેઢો ને કાયાં હતો ખેતરનો કૂવો? બ્લોક નંબર દર્શાવતાં તીર એના હૃદયને ચીરી નાંખશે.  જે  જગ્યાએ બેસીને એ બપોરનું ભાથું ખાતો હતો એ જગ્યા તો એને શોધી નહીં મળે! પાણી પીવું હશે તો એને પૈસા ખર્ચવા પડશે.  જ્યાં  ખાટાંમીઠાં બોરથી લૂમઝૂમ બોરડીઓ ઝૂલતી હતી ત્યાં હવે ચપટી બોર માટે છોકરાઓ કજિયા કરશે!

… પરંતુ એમ પણ વિચારી શકાય કે ભાડાં ભરી ભરીને થાકેલું કોઈ દંપતી ‘મધુવન’માં પોતાના ઘરના ઓટલે સંતોષથી બેઠેલું જોવા મળશે. કેટલાય ભૂલકાઓને સારી રીતે  ઊછરવા અને રમવા મળશે. હવે હોળીમાં ત્યાં રંગો ઊડશે અને દીવાળીમાં દીવાઓ પ્રગટશે. કેટલીય પેઢીઓ સુધી એ ઘરોમાં સુરક્ષિત રહીને માનવજાત પોતાની સંસ્કૃતિને નવો ઓપ આપશે.  બીજાં એવાં અનેક કારણોસર મધુવન નામ સાર્થક પણ થાય.

પરિવર્તન અફસોસને પાત્ર હોવા છતાં  હંમેશા વિરોધને પાત્ર નથી હોતું. એ પરિવર્તનની પાછળ સમયનો તકાજો હોય છે. સંસ્કૃતિને સ્થિર કરી દેવી તે માણસના હાથની વાત નથી.  તેવું કરવું તે માણસના સ્વભાવમાં પણ નથી. એવું થઈ શકતું હોત તો ખળખળ વહેતી નદીઓ પર બંધો ન બંધાયા હોત્ મથુરાના આકાશમાં કારખાનાઓનો ધુમાડો ન છવાઈ જતો હોત.  ગોકુળની વાત કહેવા માટે તો  શ્રી રમેશ પારેખના કાવ્યની એક પંક્તિ બસ થઈ પડશે…

ગોકુળમાં હોઈ શકે દહીંની દુકાન

ને રાધાને હોઈ શકે ચશ્માં

અમરેલી ગામના મસાણને જોઈને

અલ્યા જીવણિયા તું ખીખીખીખી હસ મા.

…. આજ ખેતરની જગ્યાએ ભૂતકાળમાં  જંગલ, પહાડ, ટેકરી કે ઝરણાં હશે.  તેમાંથી  ખેતરમાં થયેલું પરિવર્તન એ જમાનામાં ઘણાંને નહીં પણ ગમ્યું હોય! ઝાડપાનને પોતાની સ્વતંત્ર રીતે ઊગવા ઊછરવા  દેવાના બદલે માણસની ઈચ્છા મુજબ ઊગવા-ઊછેરવાની વાતથી તે વખતના પ્રકૃતિપ્રેમીઓ નારાજ પણ થયા હશે! પરંતુ પરિવર્તનને કોણ  અટકાવી શક્યું છે ?

ધગધગતી પૃથ્વી ઠંડી પડી ને જંગલ થયું હશે. એ જ જંગલમાંથી ખેતર થયું હશે. એ જ ખેતરમાંથી હવે ‘મધુવન’સોસાઇટી થશે. ને મધુવન સોસાઇટી પણ ક્યાં અમરપટ્ટો લઈને આવવાની  છે ? જે કિલ્લાઓ નગરોની સલામતી કાજે મુખ્ય આધાર ગણાતા હતા એ જ કિલ્લાઓ આજે એ જ નગરની વચ્ચે ઉપેક્ષિત વૃદ્ધોની જેમ પડવા વાંકે ઊભા છે. મિત્ર અરવિંદ ભટ્ટનું એક કાવ્ય યાદ આવે છે:

ગઢની રાંગે હાલને સખી છાણાં થાપવાં જાઈ…

ભવિષ્યમાં તો જે થાય તે પણ આજે તો પરિવર્તનને માન આપીને ખેતર છેલા શ્વાસો લઈ રહ્યું છે…

19 thoughts on “આજનું ‘ખેતર’ આવતી કાલની ‘સોસાઇટી’ છે!!!!

 1. ધન્યવાદ.

  ચામડી ઉતરડવા જેવી વેદનાનો નાનકડો હેવાલ છે આ.

  એક ખેતરની લાહ્ય આટલું લખાવી ગઈ તેમ આખાં ને આખાં ગામડાં ગળી ગયેલાં શહેરોનુંય કાંક લખોને !!

  કેટકેટલા રિવાજો, કેટકેટલાં ગ્રામીણ ઉપકરણો આ નવી હવાના ઝપાટે ચડીને નામશેષ થઈ ગયાં છે !

  એક સામાન્ય ઉપકરણ ‘મિક્સર’ દ્વારા પણ કેટલી નવાજૂની થઈ છે તેનું કંઈક બયાન અહીં મૂકવાની રજા લઉં – jjkishor.wordpress.com

  • જુગલકિશોરભાઈ,
   કેટલીક વખત એવું લાગે છે કે-જે અહોભાવથી ગામડાનું રળિયામણું ચિત્ર રજૂ થાય છે તે વધારે પડતું છે! તેવી જ રીતે શહેરજીવનને જે રીતે હાડ્યહાડ્ય કરવામાં આવે છે તે પણ વધારે પડતું લાગે છે.
   ખરેખર તો ગ્રામ્યજીવન કે નગરજીવન જેવું છે તેવું કેમ છે એ સમજવું અને એમાં જણાતી ઉણપો દૂર કરવી એ જ આપણા હાથમાં હોય છે. અને એ પ્રક્રિયા પણ સામાજિક રીતે થતી જ હોય છે. જેના રૂપરંગ જુદાં હોય છે.
   તમારા સૂચનને ધ્યાનમાં લઈને શહેરીજીવન બાબત હવે પછી જરૂર લખીશું.

 2. હમ્મ્મ..સરસ પોસ્ટ. બાળપણનું તોફાની ક્રિકેટ યાદ આવ્યું.વિશાળ પોપડો,ગણ્યા ન ગણાય એટલા ખિલાડીઓ અને એટલી ક્રિકેટ ટીમ.શિયાળો,ઉનાળો કે ચોમાસુ પોપડો સૌને પ્યારો. આજે ત્યાં બિલ્ડીંગ છે.બિલ્ડીંગનો પડછાયો એટલી છાયા નથી આપતો જેટલો તાડકો વિશાળ પોપડો આપતો હતો.અમે ત્યાં ક્રિકેટ રમતા હતા, આજે ત્યાં ઘર બાંધીને ક્રિકેટ(ગેમ)રમે છે. ‘પરિવર્તનને માન’

  • ક્રિકેટની વાત કરતા હો તો શહેરના છોકરાઓને નહીં રમવા મળતું હોય તેટલું કદાચ ગામડાના છોકરાઓને રમવા મળે છે.નાના નાના નગર પાસેથી પસાર થતી વખતે જે દૃશ્યો જોવા મળે છે તે જોવા જેવા હોય છે. શહેરમાં તમામ બાળકોને મેદાનોનો લાભ નથી મળતો. એ લાભ લેવા માટે પણ મોટી ફી ચૂકવવી પડે! જ્યારે નાના નાના નગરોમાં રમવા માટે ભલે અન્ય સુવિધાઓ કે તાલીમ ઓછી હોય છે પણ મેદાનો સહેલાઈથી મળી રહે છે. એ છોકરાઓ મન મૂકીને રમી શકે છે. આ ઉપરાંત ટેલિવિઝનના પ્રતાપે પણ નાના નગરોના છોકરાઓ આ ક્ષેત્રે આવવામાં સફળ થતા જાય છે.

   • શહેરમાં નાના નાના છોકરાઓને ડરતા ડરતા રમવું પડે છે! દોડવું તો હોય પણ જગ્યા ક્યાં? four કે six ન જાય તેનું પણ ધ્યાન રાખવું પડે!!!! નહીં તો રમત જ બંધ કરવાનો વારો આવે!!!! ગામને પાદર આ મગજમારી નથી હોતી!!!! શહેરમાં તો દાદરમાં રમતાં બાળકો પણ જોવા મળે!!!

  • પરિવર્તનના દાખલા તો તમારી પાસે પણ ઓછા નથી. બહુ મજાનો વિષય છે. ને સતત ચાલતી પ્રક્રિયા છે. જો કે તમે તો વધારે અભ્યાસી છો. અમે તો જે અલ્પ જોયું-જાણ્યું તે અમારી રીતે મૂક્યું. આનાથી અમુક મિત્રોને પણ સારું લાગે છે.

 3. ‘આજે તો પરિવર્તનને માન આપીને ખેતર છેલા શ્વાસો લઈ રહ્યું છે…”
  ખૂબ ચિંતાનો વિષય
  કદાચ તેથી જ કટાક્ષમા કોંકરીટના ખેતરો કહેવાય છે!
  એક આશાનું કિરણ દેખાય છે તે જાપાનના ધાબા પરના ખેતર અને પ્રગતિશીલ ખેડૂતો હવે વિશાળ ગ્રીન હાઉસમાં ખેતી કરતા થયા છે. આ પઘ્ધતિ અત્યાર સુધી દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં જ પ્રચલિત હતી ત્યારે હવે ઉત્તર ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો પણ ગ્રીન હાઉસ ઉભા કરીને નવી હરિયાળી ક્રાંતિ તરફ પહેલ કરી રહ્યા છે.

  • આપે બહુ જ મહત્વનો મુદ્દો રજૂ કર્યો છે. નવી હરિયાળી ક્રાંતિ તરફની પહેલ એ પણ એક પરિવર્તન તરફની જ ગતિ થઈ. સૌરાષ્ટ્રમાં પણ ખેતી સમૃદ્ધ થતી જવાના ખબર મળે છે ત્યારે આનંદ થાય છે.

 4. “જે કિલ્લાઓ નગરોની સલામતી કાજે મુખ્ય આધાર ગણાતા હતા એ જ કિલ્લાઓ આજે એ જ નગરની વચ્ચે ઉપેક્ષિત વૃદ્ધોની જેમ પડવા વાંકે ઊભા છે” wah,
  Tamari niriksan shakti karta pan rajuvat ni sakti agad pade che, yashwantbhai.

  • અમરેલી નગરને પાદર ગઢની દિવાલે છાણાં થપાયેલાં જોઈને જ કવિના મોંઢે ગીત રમવા લાગ્યું હશે કે- ગઢની રાંગે હાલને સખી છાણાં થાપવા જાઈં.
   છાણાંનું તો એવું છે કે- અહીં વડોદરામાં પણ અમે રોડ ડીવાઈડર પર છાણાં થપાયેલાં જોયાં છે!! જરૂરિયાત શું ન કરાવે!!!!

   .

 5. આદરણીય યશવંતકાકા,

  આપ શ્રી સમાજ ઉપયોગી વિષયોને એક સરળ ભાષામાં વણી

  લઇ બ્લોગમાં મુકો છો એ એક અલભ્ય કળા છે. બીજું કે વિકાસના

  ભોગે વિનાશનું આમન્ત્રણ મળી રહ્યું છે. ગામડા ભાગતા જાય છે.

  શહેર વિસ્તરતા જાય છે. પણ વિકાસની હરણફાળમાં પર્યાવરણના

  સંદેશ આપતા ગામોની દશા અને દિશા બદલતી જાય છે. જોકે ગામોમાં

  હવે સોસાયટીનું ચલણ વધ્યું છે. અને તેઓ શહેરની પ્રતિકૃતિ અપનાવે છે.

  ગામમાં સાજે એકઠા મળતા સુખ દુખની વાતો થતી. હવે સોસાયટીના

  રહેવાસીઓને એવી મઝા ક્યા મળે. જોકે તેમાં તેમને રસ પણ નથી.

  ખુબ જ સરસ રીતે સમાજના પ્રશ્નને મુક્યો છે. અભિનંદન.

  • ગામડાં ભાંગતા અટકે એ જરૂરી છે. ગામડામાં જે સુવિધાઓ પહેલાં નહોતી તે હવે પહોંચી રહી છે.
   બાકી નિરાંતે મળવાની વાત ભૂલી જજો! ગામડાનો માણસ પણ રઘવાયો થતો જાય છે કારણ કે વિકાસની સાથેસાથે સમસ્યાઓ પણ વધતી જ જવાની!!!

 6. સરસ લખાણ છે. પરિવર્તન એ જીવનનો નિયમ છે અને એ આમ જોવા જઇએ તો અનિવાર્ય છે પણ વિકાસ અને પરિવર્તન સાથે સામાજીક અને પર્યાવરણનું સંતુલન જળવાઇ રહે એ પણ જરૂરી છે.

  આજે ગામડામાંથી લોકો શહેર તરફ વળી રહ્યા છે એનુ કારણ છે કે ગ્રામ્ય જીવન અને ગ્રામ્ય વિસ્તારોનું સશક્તિકરણ નથી થઇ રહ્યું. આશા રાખીએ કે આવનાર સમયમાં ગ્રામ્ય જીવન અને શહેરી જીવન વચ્ચે સંતુલન જળવાઇ રહે.

 7. શ્રી યશવંતભાઇ, હમણા આગળનો લેખ વાંચી અને પછી આ લેખ પર આવ્યો તેથી હવે અહીં તો શું લખું ! (હમણાં હું મોડો ચાલું છું !)
  આપ હજુ ગામડાઓમાંથી ભાગવાના વધુ કારણો વિશે લખવાના જ છો તેથી વૈચારીક અંતરાય નાખતો નથી પણ તે લેખમાળાનાં અંતે, જે આપ ચૂકી જશો તે, મારા ધ્યાને રહેલા (ખાસ તો સૌરાષ્ટ્ર વિસ્તારના) કેટલાક કારણોની ચર્ચા જરૂર કરીશું.
  હવે જો કે આ પરિવર્તનની ઘટમાળ રોકી રોકાય તેમ તો નથી જ પણ કૃણાલભાઇએ કહ્યું તેમ ગ્રામ્ય જીવન અને શહેરી જીવન વચ્ચે સંતુલન જળવાઇ રહે તો એકંદરે ખળભળેલાં પાણી પોતાની સપાટી શોધી લેશે અને સૌને માટે તે લાભદાયી બનશે. ટેન્કનાં ત્રણ પાસાઓની જેમ સમાજનાં ત્રણ જરૂરી પાસાઓ રોટી-કપડા અને મકાનમાં પણ સંતુલન રાખીને જ ઉત્તમ સમાજ રચના શક્ય બને. આભાર.

  • કૃણાલભાઈએ જે મંતવ્ય રજૂ કર્યું તે વર્તમાન પેઢીની સાચી સમજ રજૂ કરે છે. અત્યારે જે યુવાન પેઢી વતન છોડે છે તેનું મુખ્ય કારણ વિકાસની ઓછી તકો છે. શહેર અને ગામડા વચ્ચે સંતુલન રહ્યું નહીં.
   ને અશોકભાઈ…. વૈચારિક અંતરાયનો સવાલ જ નથી. કારણ કે અમે તો બહુજ ઓછું લખી શકવાના છીએ. આ તો દરિયા જેવો વિષય છે. માટે તમે પણ તમારા બ્લોગ પર જરૂર અને જેમ અને તેમ જલ્દી લખો. એ જ વધારે ઠીક કહેવાશે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s