નવા વરસનો દિન તને સાંભરેરે!

મિત્રો,  ધારો કે બેસતા વરસની વહેલી સવાર હોય અને પાંચ કે છ વાગ્યે કોઈ આપણે  ત્યાં સાલમુબારક કરવા પધારે તો આપણે એ ઘટના માટે માનસિક રીતે તૈયાર હોઈએ ખરા? મોટાભાગે આપણા માટે એ  અચાનક ધાડ પડ્યા જેવી ઘટના લાગે! પણ અમને કહેવા દો કે ત્રીસેક વર્ષો પહેલાં આવું નહોતું.

ત્યારે ઘરનાં વડીલ સહુથી પહેલાં તૈયાર થઈ જતાં અને છૂટથી પ્રસાદ વહેંચતાં હોય તેમ આશીર્વાદ વહેંચવા બિરાજી જતાં. એમની નજર વારંવાર દરવાજા તરફ જતી કે: કેમ ફલાણાં હજુ દેખાયાં નથી? ને જ્યારે એ દેખાય ત્યારે એમને  ભગવાન દેખાયા જેટલો આનંદ થતો! એમને વડીલ હોવાનું સાર્થક જણાતું. આવનાર પણ બસ પકડવા દોડતો હોય એમ વડીલ તરફ દોડતો. એ સમગ્ર પ્રક્રિયા જાણે કે, પરંપરા, વ્યવહાર, વિવેક, સંસ્કાર, ઉમંગ, વિવેક ,ફરજ વગેરેના મિશ્રણથી બનેલી મધુર વાનગી હતી! વડીલના નવાનકોર વસ્ત્રોના ગજવામાં નવીનકોર નોટો રહેતી!

એ વખતે દિવાળીના તહેવારો એટલે બધું નવું નવું વસાવવાનું બહાનું હતું.  ચાના કપરકાબી જેવી રોજિંદી ચીજો  ખરીદવા માટે દિવાળીના તહેવારોની રાજ જોવાતી.  બેસતા વરસના દિવસે પહેરવાનાં કપડાં તૈયાર કરી આપવા માટે દરજી પણ મુશ્કેલી અનુભવતો! એને ત્યાં લોકો ધક્કા ખાતા.  અમારો એક ઓળખીતો દરજી યુવાન લોકોને ના પાડવાની હિમત ન દાખવી શકવાથી ડામચિયાની પાછળ સંતાઈ ગયો હતો! સમય  બડા બલવાન … નહીં દરજી બલવાન!!!

વડીલ જ નહીં પણ ઘરના તમામ સભ્યો આ તહેવારોમાં હળવામળવાનું યથાશક્તિ જોર દાખવવા  તત્પર રહેતાં.  ઘરની મહિલાઓને  દિવાળીની રાત્રીએ પણ ઉજાગરો જ થતો. મોડે સુધી  વાનગીઓ તૈયાર કરવાનું કામ રહેતું. ને વહેલી સવારે તૈયાર થઈને રંગોળી પૂરવા નુ કામ હોંશે હોંશે નિભાવી લેતી. એક તરફ થાક અને બીજી તરફ ઉમંગ! ને ઉમંગ જીતી જતો. થાક ઝીરોમાં આઉટ થયેલા બેટ્સમેનની જેમ મેદાન છોડી જતો!

સવાર પડે ન પડે  ત્યાંતો ટોળેટોળાં “સાલમુબારક”નો મંત્ર લઈને નીકળી પડતાં! બહારવટિયાઓ ગામ ભાંગતા હોય તેમ તેઓ બહુ જ મજાપૂર્વક ફાફડા,મઠિયાં કે ઘૂઘરા ભાંગતાં! ક્યારેક ક્યારેક  તો એમ લાગતું કે, ઘરમાં મહેમાનો નહીં સમાય! પણ ઘરધણીને મૂંઝવણ ઘેરી વળે  તે પહેલાં તો મહેમાનોની સમજદારી એનો રંગ બતાવી દેતી! અમુક મહેમાનો  દરવાજેથી જ “બાજુમાં જઈને  આવીએ” એમ કહીને એ મૂંઝવણને ભગાડી દેતાં. જરૂર પડે પાડોશમાંથી ખુરશીઓ કે થાળીવાટકાઓ ઉછીનાં લાવવા પડે એ શરમની વાત નહોતી ગણાતી.  ચીજો આપનારને પોતાની ચીજો ધન્ય થઈ ગઈ હોય એમ લાગતું.

ત્યારે   બાળકો નંવા કપડાં પહેરીને  માબાપના દોરવાયા દોરવાતા.  એમનાં ગજવાં નવી નવી નોટોથી ભરાઈ જતાં!

નગરના માર્ગે મિત્રોની ટોળકી નીકળી પડતી! ભેટવા ને નમવાની સાથેસાથે ચા અને પાન અને સોડાનો મારો પણ ચાલુ જ રહેતો.  એમાં ચાવાળો  કે ગાંઠિયાંવાળો કે  વાળ કાપવાવાળો કે અન્ય કોઈપણ વાળો બાકી ન રહેતો.  બધા વાળા વહાલા જ લાગતા!  બપોર સુધીમાં  અર્ધા નગરને સાલમુબારક કહેવાઈ જતું.  બાકીનું બપોર પછી! ગળપણના અતિરેક પછી બપોરના જમણમાં દાળભાતની કિંમત સમજાતી!

રાત્રે મિત્રો  વળી મિત્રો  મારતી સાયકલે આવે ને હાકલો કરે કે – હાલો ફિલમ જોવા!  ભંગાર ફિલ્મ હોય તોય પૈસા ફેંકવાના! મજા ન આવતી હોય તોય તાળીઓ પાડવાની! નાવા વરસનો દિવસ વ્યર્થ  તો ન જ જવા દેવાય.

… પણ સિત્તેરનો દસકો પૂરો થતાં થતાં તો આ બધી રીત રસમોમંથી રંગ ઊડવા લાગ્યો.

ને આજકાલ તો નવા વરસની સવારે કોઈ પાડોશીને સાલ મુબારક કહેતા વિચાર કરવો પડે છે કે- એ  મહાશય ડિસ્ટર્બ તો નહીં થઈ જાયને!

પણ આ પરિવર્તન પાછળ પણ કારણો હશે જ. ને..  એ રીત રસમોના  વિકલ્પો પણ છે જ.

એ વિકલ્પોનો વાજબી ઉપયોગ એ જ આપણા હાથની  વાત.  બાકી.. જો બિત ગઈ સો બાત ગઈ!

પણ.. છોટી છોટી બાતોં કી હૈ યાદેં બડી!

******************************************************************************************

બિહારની ચૂંટણીના પરિણામ  પછીનું એક યુગલગીત …. .

लालू—- अपन बडे चालु… है!

राबडी—- हा है!

लालू— जंगल में भालू… है!

राबडी— हा है!

लालू— समोसे में आलू…. है!

राबडी–हा है!

लालू— तो बिहार में लालू… है!

राबडी— नानाना नानाना नानानानानानानानानानानाना

Advertisements

8 thoughts on “નવા વરસનો દિન તને સાંભરેરે!

 1. વાહ જૂની વાતા સંભારી દીધી
  અમારા જેવા બેવતનને યાદ કરાવતા આંખ ભીની થાય.નવાઇની વાત છે કે અહીં આવા રીવાજો જાણે ફરીને અપનાવાય છે ! કદાચ પાલવને બદલે ટીશ્યુ વપરાય.તેમા આ વખતે રજા તેથી દરેક મંદિરોમા ટોળા-અજાણ્યાને પણ સાલમુબારક કહે!
  લેખ પૂરો થયો અને મનમા આશિતનો સ્વર ગુંજવા લાગ્યો
  ગહેક પીધી ને રગેરગથી કસુંબલ થઇ ગયો,
  આયખે અનહદ ભર્યો એ ટહુકે સાજણ સાંભરે.
  સાવ અણધાર્યા સમયના ઘૂંટ ઘેરાતા ગયા,
  કેટલી અણગત છતાં તરસી એ પાંપણ સાંભરે.
  બંધ મુઠ્ઠીમાં હતી આકાશની ગેબી અસર,
  એટલે કૈં કેટલાં કોડીલા સગપણ સાંભરે.
  સાવ ધુમ્મસીયા ચહેરાઓ હવે વાંચી શકું,
  સાવ આભાસી સંબંધોનાંય પગરણ સાંભરે.
  ચૂંટણી પરિણામની ગંમ્મત માણી.રાજકારણના આટાપાટા ભૂલી જ્યારે પણ ટીવી પર લાલુને બોલતા સાંભળીએ ત્યારે મને તેમા અદના ભારતિયજન સાંભરે!

 2. સાંભરે ને ભાઈ ખુબ ખુબ સાંભરે…….
  “બાળકો નંવા કપડાં પહેરીને માબાપના દોરવાયા દોરવાતા. એમનાં ગજવાં નવી નવી નોટોથી ભરાઈ જતાં!”
  વહેલા વહેલા ઉઠીને નહિ ધોઈને નવા કપડા પહેરીને તૈયાર થઇ જવાનું … મંદિરમાં નમન કરીને વડીલોને પગે લાગીને સૌથી પહેલા આશીર્વાદ લેવાની તો હોડ લાગતી … નવી નોટોથી ભરાઈ જતાં! અને હા તે પહેલા સરસ મજાની રંગોળી પણ કરવાની , પોતાના ઘરની અને અડોસપડોસ માં કોઈ કરવાવાળું ના હોય તો તેના આંગણની પણ !!!! અને હા … આસોપાલવના પાન તોડી ને તોરણ પણતો જાતેજ બનાવતા ને !!!….

 3. મારા સમય પહેલાનો પણ મને જોવા વાંચવા સાંભળવા મળ્યો.આભાર અને ગમ્યુ પણ-
  ‘ને આજકાલ તો નવા વરસની સવારે કોઈ પાડોશીને સાલ મુબારક કહેતા વિચાર કરવો પડે છે કે- એ મહાશય ડિસ્ટર્બ તો નહીં થઈ જાયને!’-આ “ડિસ્ટર્બ” પ્રાણી ક્યાંથી પેઠૂં આપણામાં આ તો વિદેશી બાળક છે કોણે આપણા ઘરમાં ઉછેર્યુ? અમારા જેવાં અંગ્રેજો કે અમેરિકનોએ
  પહોંચાડ્યુ?
  છેલ્લેઃ આ ટાઇપો સુધારી લેજો -‘આપણા હાથી વાત’ આપણા હાથની, જોઇએ.
  આભાર

  • આ ડિસ્ટર્બ પ્રાણીને અમે અવતરણ ચિન્હના દોરડે બાંધીને મૂકવાના હતા.પણ ટાઈપમાં ગરબડ છે એટલે છૂટું રાખવું પડ્યું. એ પાડોશીને અનુલક્ષીને મૂક્યું છે. એ અમારી પસંદગી નથી જ!
   રહી હાથની … તો સુધારી લીધું છે. આમાં પણ એક ગમ્મત થઈ છે કે- हाथनी ના બદલે હાથી આવી ગયો!!!!

 4. વિકલ્પોનો વાજબી ઉપયોગ એ જ આપણા હાથની વાત. બાકી.. જો બિત ગઈ સો બાત ગઈ!

  પણ.. છોટી છોટી બાતોં કી હૈ યાદેં બડી.

  જીવનમાં પરિવર્તન આવતું જ રહે છે. કદાચ એ જરૂરી હશે માટે. પણ જૂનાં સ્મરણો પણ જીવનને રંગીન બનાવે છે.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.