બચના એ બ્લોગરો લો મૈ આ ગયા

હસના  એ બ્લોગરો… લો મૈ આ ગયા

હાસ્ય કા આશિક ફિકર કા દુશ્મન

અપના બ્લોગ  હૈ યારોસે જુદા

હૈ હૈ… હૈ  હા હા  અપના બ્લોહા..હૂ.. હૂ..હૂ… હો… હો…હો...

મિત્રો, બ્લોગલેખનના વિષય પર જો  ફિલ્મ બને તો ફિલ્મનો હીરો આવા એકાદ ગીત સાથે  એંન્ટ્રી પાડે!!

પણ, ગમતાંનો ગુલાલ ઉડાડતી ગુજરાતી બ્લોગદુનિયામાં હાસ્યરચનાઓ  લખનારને આવો ફાંકો રાખવો પોસાય નહીં! કારણ કે, આ  બ્લોગદુનિયામાં ..

પહેલું સુખ તે વાચક મળ્યાં

બીજું શુખ તે કૉમેન્ટ  લાવ્યાં

ત્રીજું સુખ તે છાપરે ચડાવ્યાં

ચોથું સુખ તે …

[તમે પૂરું કરો. હેઠે પછાડવા હોય તો પછાડી પણ શકો]

લોકપ્રિય લેખકો કહેતા હોય છે કે: વાચકો છે તો અમે છીએ. વાચકો જ અમને જીવાડે છે!

આ લેખકો માત્ર મસકો  નથી મારતા. હકીકતની વાત  કહે છે. કારણ કે  તેઓ સમજે છે કે, વાચકો હશે તો પોતાના પુસ્તકો વંચાશે ને વંચાશે તો થોડાંઘણાં વેચાશે!

બ્લોગલેખકને વાસ્તવિક જગતમાં  જીવવા માટે બ્લોગવાચકો કદાચ થોડોઘણો આનંદ પૂરો પાડી શકે પણ બાકીબધું તો પોતાના જોરે જ મેળવવું પડે! પણ અમને કહેવા દો કે, એ જ બ્લોગલેખકને  બ્લોગજગતમાં જીવવા માટે મુલાકાતીઓના માત્ર આંકડા જ  શેર લોહી ચડવનારા હોય છે! ને કૉમેન્ટસ? એ તો બાપુ.. તમે જે ક્યો ઈ! ચરબી કહો તો ચરબી! વિટામિન કહો તો વિટામિન! પ્રોટીન કહો તો પ્રોટીન!

અમે તો અમારી જ વાત કરીશું કે, વાચકો થકી જ અમને વધારે ને વધારે હાસ્યરચનાઓ લખવાનું જોર ચડે છે! ભલે બેપાંચ મિત્રો જ અમારા લખાણને વધાવતાં હોય  પણ અમે ખૂબ જ કલ્પનાશીલ હોવાથી અમને એવું લાગે છે કે; જાણે હજારો બ્લોગવાચકો બૂમો પાડી પાડીને કહેતાં ન હોય કે : યશવંત ઠક્કર .. તુમ આગે બઢો .. [હમ ઘર જાતે હૈ!]

જો કે, અત્યારે અમારો વિચાર તમારી  સમક્ષ હાસ્યરચના રજૂ કરવાનો બિલકુલ નથી!!અમે તો રજૂ કરવા માંગીએ છીએ, “હાસ્યલેખન બાબતના અમારા ગંભીર વિચારો.”. હા, અમે આજે ગંભીર લેખ લખી રહ્યા છીએ. અને હવે પછી અનેક ગંભીર લેખો લખવા માંગીએ છીએ!

આટલું વાંચ્યું ત્યાં સુધીમાં જો તમે હસ્યા નહીં હો તો એ અમારી મોટામાં મોટી સફળતા હશે!! ને જો હસ્યા હો તો પ્લીઝ.. હવે  ન હસતાં. અમને  હાસ્ય બાબત ગંભીર લેખ પૂરો કરવામાં સહકાર આપજો.

તો પહેલો સવાલ અમે જ રજૂ કરીએ છીએ કે: હાસ્યલેખન શા માટે?

અરે, આ જગતમાં પાર વગરની તકલીફો છે.. પીડાઓ ભોગવતી જિંદગીઓ છે…. વેદનાના ગરમ ગરમ વાયરા સહેતાં હૈયાં છે..એક સાંધે ત્યાં તેર તૂટે તેવાં અભાગી માનવી છે.. પીઠ પાછળ ભોંકાતાં ખંજરો છે… ક્યાંક લાગણી-તરસ્યા તો ક્યાંક સ્વાર્થ-ભૂખ્યા સંબધો છે… ડગલે ને પગલે કચડાતાં સપનાં છે…ગોળીએ દેવાનું મન થાય તેવા શેતાનો છે.. જેની છુટ્ટે હાથે લહાણી થાય છે એવી આરાજકતા અને અવ્યવસ્થા      છે.. અરે, લેખક બીજું કશું ન કરે ને માત્ર ને માત્ર આરાજકતા બાબત લખ્યા કરે તોય ખુટે નહીં એટલી આરાજકતાનો ભંડાર છે આ ભૂમી પર… ને તોય હાસ્યરચનાઓ રચવાના અભરખા શા માટે? શા માટે? શા માટે?

શું હાસ્યલેખકને આ બધું અસર નહીં કરતું હોય? એને કોઈ જાતની પીડા નહીં થતી હોય? જે ઝપાટે ચડે એને હાસ્યનો બકરો બનાવી દેવાનો? કોઈ ન મળે તો છેવટે પોતાની જાત તો છે ને? બસ એક જ ધ્યેય કે: હાસ્ય પેદા થવું જોઈએ!!

ને શું હાસ્યલેખકને  ખરેખર ચોવીસે કલાક માત્ર “ફીલગુડ” ના શીતળ વાયરા જ વાયા કરતા હશે? એને ક્યારેય અકળામણ નહીં થતી હોય? ગુસ્સો નહીં આવતો હોય? ને આ બધાંને કારણે એના માથે ટાલ નહીં પડતી હોય? ને એના ચહેરા પર કરચલીઓ નહીં પડતી હોય? હાસ્યલેખક ખરેખર ગુલાબી ગલાબી હશે?  “ઊલ્ટા ચશમાં” સિરિયલમાં આવે છે તેવો તારક મહેતા જેવો જ!

ને હાસ્યલેખન સહેલું છે કે અઘરું છે? ડાબા હાથનો ખેલ છે કે મનનો મેલ છે? હાસ્યલેખકને મંજૂર હોય તે જ હાસ્ય કે વાચકને મંજૂર હોય તે જ હાસ્ય?

બ્લોગ કે પોસ્ટને હાસ્યનું પાટિયું મારી દેવાથી જ કામ ચાલે કે પછી મહેનત કરવી પડે? ને મહેનત કરે તોય દરવખતે એ મહેનત લેખે લાગે ખરી? કે પછી ક્યારેક હાસ્યલેખક  પોતે જ હાસ્યાસ્પદ ન બને?

ને સહુથી અગત્યના સવાલો કે:  શું ક્યારેક હસવામાંથી  ખસવું ન થઈ જાય? ડસવું ન થઈ જાય? ભસવું ન થઈ જાય?

શું લાગે છે તમને? અમે ગંભીર લેખો લખી શકીશું?ને એ પણ હાસ્ય બાબત!  થોડુંઘણુંય આશાનું કિરણ જણાતું હોય તો કહેજો. અમે આગળ વધીશું.  આ તો હજુ શરૂઆત છે એટલે કદાચ થોડીઘણી ખામી જણાય. પણ તમે જોજો આના પછીનો લેખ એકદમ ગંભીર હોય તે માટે અમે પૂરતા પ્રયાસો કરીશું.

બ્લોગકસમ!

36 thoughts on “બચના એ બ્લોગરો લો મૈ આ ગયા

  • અમને પણ ગર્વ છે આપ સમાન વાચકો પર કે જેઓ રજૂઆતની નવી રીત રસમોને વધાવી શકે છે.
   અન્યથા… મૈ ઔર મેરી તન્હાઈયાં!!!! તાલીઓ ન પડે તો મદારીને પણ મોરલી વગાડવાનું જોર ન ચડે!!! આ બ્લોગલેખન પણ કાંઈક એવું જ છે!!!!

 1. પહેલું સુખ તે વાચક મળ્યાં

  બીજું શુખ તે કૉમેન્ટ (લાવ્યાં) રળ્યા

  ત્રીજું સુખ તે ચડાવ્યા (છાપરે) ચડ્યા,

  ચોથું વાદે ચડ્યા તો પડ્યા !!

  તમતમારે જી લખવું હોય ઈ લખો, લોકોને તો ઈમાંય હાસની જ વાસ આવસે !!

  સુજ્ઞેષુ ! કિં, ભહું ના ??

 2. પહેલું સુખ તે વાચક મળ્યાં

  બીજું શુખ તે કૉમેન્ટ લાવ્યાં

  ત્રીજું સુખ તે છાપરે ચડાવ્યાં

  ચોથું સુખ તે … બ્લોગરોલ માં છવાયા…….
  પાંચમું સુખ તે જરા હટકે લાગ્યા …
  છઠું સુખ તે …… છોડો હવે પહેલા ચાર સુખ તો ગોતી લે મારી બાઈ …..પાંચમું … છઠું…… ની ક્યાં વાતું કરી ને હાલી નીકળી છે તે તી ……….

 3. બ્લોગ કસમ આપ ગંભીર લેખ નહિ લખી શકો ! તો જે કોઈ લેખ બ્લોગ ઉપર મૂકો તે ને તમામ વાચકોએ ગંભીર લેખ ગણી વાંચવા આપે ગંભીર થઈ જણાવી દેવું. ઠીક વાત કરી ને ?

 4. યશવંતભાઇ,

  તમારી આ વાત સાથે હું પુરેપુરી સંમત છુ કે આ જગતમાં પાર વગરની તકલીફો છે.. પીડાઓ ભોગવતી જિંદગીઓ છે…. વેદનાના ગરમ ગરમ વાયરા સહેતાં હૈયાં છે..એક સાંધે ત્યાં તેર તૂટે તેવાં અભાગી માનવી છે.. પીઠ પાછળ ભોંકાતાં ખંજરો છે… ક્યાંક લાગણી-તરસ્યા તો ક્યાંક સ્વાર્થ-ભૂખ્યા સંબધો છે… ડગલે ને પગલે કચડાતાં સપનાં છે…ગોળીએ દેવાનું મન થાય તેવા શેતાનો છે.. જેની છુટ્ટે હાથે લહાણી થાય છે એવી આરાજકતા અને અવ્યવસ્થા છે..

  અને ગંભીર વાતો અને ચર્ચાતો ફિલોસોફરો કરવાના જ છે.તો એવા સંજોગોમાં હાસ્ય લેખ લખવા અને એના દ્વારા વાચકોના ચહેરા પર સ્મિત આણવુ મારા મતે તો અઘરી અને છતાંય શ્રેષ્ઠ વૃત્તિ અને પ્રવૃત્તિ છે.

  • રાજુલબેન,
   તમે મહત્વની વાત કરી. અમે બ્લોગ શરૂ કર્યો ત્યારે અમને હતું કે: જૂની વાર્તાઓ અને કવિતાઓ જે છપાયેલી છે તે મૂકીશું. ને વળી અહીં તો આઝાદી હતી કે: ન છપાયેલું પણ મૂકી શકાય!
   સમય જતાં અમને લાગ્યું કે: અહીં તો નવું લખવાની ઘણી જ તકો છે. વળી વાચકોનો પણ ઘણો જ ઉમળકો મળ્યો. પરિણામે જૂની વાર્તાઓ રહી ગઈ બાજુ પર્ અને ગાડી હાસ્યના પાટે ચડી ગઈ.
   આગળ જતાં અમે એ વાત કહીશું કે: હાસ્યલેખક કે હાસ્યકલાકારને પણ અકળામણ કે પીડા વગેરે થતી હોય છે.. પણ એ રજૂ કરવાની રીત જુદી હોય છે. એ હાસ્ય દ્વારા રજૂ કરે છે.
   વધારે.. અમારા બ્લોગ પર વાંચજો!
   [ બધું જ અહીં કહી દઈશું તો બ્લોગ પર આવશે કોણ? ખોટી વાત છે? ]

 5. હાસ્યલેખન બહુ જ અઘરું છે? હાસ્યનું પાટિયું મારી દેવાથી જ કામ ના ચાલે ખૂબ ખૂબ મહેનત કરવી પડે છે. અને ક્યારે હસવાનું ખસવું કે ડસવું ના થઇ જાય તેનું પણ બહુ ધ્યાન રાખવું પડે છે. (તાજેતરમાં જ અનુભવેલી વાત)

  આપ બ્લોગકસમ પાળો તેની રાહ જોઇએ છે. અમને તો આશાનું કિરણ દેખાય છે.

  • મીતાબેન,
   આપ સહુ વાચકો રસ ધરાવો છો તેથી જ મનમાં ઘૂમરાતી વાતો બ્લોગ પર મૂકવાનું મન થાય છે. ક્યારેક એમ થાય છે કે, ઘણું બધું કહેવા જેવું છે. તો ક્યારેક એમ પણ થાય કે, શી જરૂર છે? કોણ વાંચશે? કે વિચારશે?
   અમે જે કહીએ છીએ કે કહેવાના છીએ તે વાતો, કદાચ વધારે સારી રીતે અને શાસ્ત્રીય રીતે વિદ્વાનો કે અભ્યાસીઓ દ્વારા કહેવાઈ ગઈ હશે.
   છતાંય આપણને આપણી રીતે કહેવાનો આનંદ પણ હોય છે. ને બેપાંચ પ્રતિભાવ આવે એટલે જોર ચડે છે!
   અમારો હેતુ એ છે કે: બ્લોગર મિત્રો વધુને વધુ હાસ્ય રચનાઓ વાંચે અને લખે પણ ખરા. જો રસ પડે તો કોઈ કામ અઘરું નથી!!
   “એ અઘરું છે અને જે લોકો લખે છે તેઓ જ એ સારી રીતે લખી શકે અને બાકીનાનું એમાં કામ નહીં” એ જે માન્યતાઓ છે તેને દૂર કરવાની અમારી મથામણ છે. એ માટે મિત્રો જે સહજતાથી વાતો દ્વારા એકબીજા પાસેથી કશું જાણે કે સમજે; એ રીતે આગળ વાતો કરવાનો ઈરાદો છે.
   ટૂંકમાં જે લખવું છે તે વિદ્વાન કે લેખકભાવે નહીં પણ મિત્ર ભાવે , વાચકભાવે કે એક સામાન્ય બ્લોગરભાવે લખવું છે. અન્ય હાસ્યરચનાઓના ભોગે પણ લખવું છે. .
   [* શરતોને આધીન]
   * આ લેખમાળા આગળ વધ તે માટે રસ ધરાવનારાઓના પૂરતા પ્રતિભાવો જરૂરી છે.
   હા! હા! હા!……

  • ડસવાના ને ભસવાના અનુભવો થયા કરે! એમાં શું થઈ શકે? આપણે આપણી રીતે લખતાં રહેવાનું.
   અમે માત્ર સામુહિક નબળાઈઓ કે વિશેષતાઓ બાબત વ્યંગ, કટાક્ષ કે મજાક કરતા હોઈએ છીએ. વ્યક્તિગત રીતે કોઈની સાથે વાદવિવાદ થાય તેવી ચર્ચા કે અથડામણમાં ઉતરવાનું પહેલેથી જ ટાળ્યું છે. જે કાંઈ થોડાઘણા વાચકમિત્રો રસ ધરાવે છે તેના લીધે લખીએ છીએ. મજા આવશે ત્યાં સુધી લખીશું. બાકી ક્યાં ઘરની ગાયું હતી ને દૂધે વાળુ કરતાતા!!!
   કશું ફરજિયાત તો છે નહીં.. લખવું , વાંચવું વખાણવું કે વખણાવું બધું જ મરજિયાત છે.

   • યશવંતભાઇ આપના વિચારો ગમ્યા કે આપણા વિચારો આપણને આપણી રીતે કહેવાનો આનંદ હોય છે. જે લખવું છે તે વિદ્વાન કે લેખકભાવે નહીં પણ મિત્ર ભાવે , વાચકભાવે કે એક સામાન્ય બ્લોગરભાવે લખવું છે. કશું ફરજિયાત તો છે નહીં. લખવું , વાંચવું વખાણવું કે વખણાવું બધું જ મરજિયાત છે. અને વાદવિવાદથી દૂર રહેવું.

    • એ બધું તો ઠીક,પણ .. તમને અમારી લખેલી કહેવત કે: ક્યાં ઘરની ગાયું હતી ને દૂધે વાળુ કરતાતા
     એ સમજાઈ?
     સૌરાષ્ટ્રમાં તો અવારનવાર હોઠે ચડતીતી…હવે અમે એને બ્લોગે ચડાવી છે.
     સૌરાષ્ટ્રમાં હાલમાં એ કહેવતનો વપરાશ કેટલો થાય છે તે જાણમાં નથી. કદાચ અશોકભાઈ અહેવાલ આપે!

     • હાલમાં પણ બહુ ચલણમાં છે જ. કદાચ થોડો ઉચ્ચારભેદ હશે, બરડા બાજુ “ગોલાને ક્યાં ગા હતી તી દુધે વાળુ કરતા” તેમ બોલાય છે.
      સમજુતી: ખાસ તો કોઇક પ્રકારની સગવડ ઝુંટવાઇ જવાની ધમકી અપાય ત્યારે તે સગવડ વગર અમેં કંઇ દુઃખી નહીં થઇ જઇએ તેવું સુચવવા માટે આ કહેવાય છે. બરાબરને યશવંતભાઇ ?

 6. સંગીતસભામાં ગાયકો બધા રાગો વગાડી લ્યે પછી છેલ્લે ભૈરવી ગાય (કે વગાડે). એનાં બે કારણો છે. એક તો એ કે છેલ્લે સવાર પડવા આવી હોય તેથી સવારના રાગ તરીકે બરાબર જામે. પણ બીજું મહત્ત્વનું કારણ એ છે કે ભૈરવી ગાયા પછી બીજો કોઈ રાગ ગાયકને કે શ્રોતાને ચડે જ નહીં, એવો તો એનો કેફ હોય છે !!

  સૌથી અઘરું સર્જન હાસ્યરસનું હોય છે. તમે એમાં સફળ થયા જ છો. તમે ભૈરવી ગાઈ ચુક્યા છો !! હવે કદાચ બીજા રાગો નહીં ચડે તો ? આ બીક સૌને હોય તેમ બને !!

  મને તો જોકે તમારા અન્ય રાગો / રસોમાં પણ રસ પડશે જ એની ખાત્રી છે. એટલે તમતમારે થાવા દ્યો, બાપલા !

  • જુગલભાઈ,
   સાચી વાત છે. પડી ટેવ તે ટળે કેમ ટાળી? આદતસે મજબૂર. લખાણમાં ન લાવવી હોય તોય સ્વભાવિક રીતે હળવાશ આવી જ જાય! વળી ભજીયાં બંધ કરીને બરફી વેચવા બેસીશું તોય માનનારા તો એમ જ માનશે ને કે:આ બરફી તીખી જ હશે.
   આનાથી ઉલ્ટું .. કેટલાક લેખકો જે સદાય ગંભીર લખાણો લખતા હોય તેઓ જ્યારે હાસ્યલેખો લખવા જાય છે ત્યારે બાવાના બેય બગડ્યા જેવા ઘાટ થાય છે.. એ દાખલા પણ છાપાંવગાં છે.
   પણ અમે મક્કમ છીએ! અમારે કશું જુદું લખવું છે.

   • તમારા બેય બગડવાના તો નથી જ. એટલે મક્કમ જ રહેજો, અમે પોંખવા ત્યાર ઝ છઈં.

    દૂધે વાળુ વાળી કહેવતે મને મારું નાનપણ યાદ કરાવી દીધું ! શબ્દોની શક્તી જાણવી હોય તો કહેવતોને ખોળે બેસવું. આપણામાંના કેટલાક પાસે હજી આ ખજાનો પડ્યો છે. એને છુટથી વાપરવા જેવો છે. પસૅ ક્યાં ખોવાઈ જાહે ઈ કીને ખબર્ય સૅ ?

    તમતમારે દીધ્યે રાખો બાપલા, હમ તમારી વાહણ્ય ઝ સયીં.

    • તમારી વાત બરાબર છે. તમારા બ્લોગ પર જ એક વખત અમે આ મતલબની વાત વાંચી હતી કે :જૂના શબ્દો ને કહેવતો વગેરે સાચવી લેવાની જરૂર છે. એ પરથી અમને પણ એક લખાણ મૂકેલું કે જેમાં ગામડાની નદીએ બપોરે કેવી બઘડાટી બોલતી. ને છોકરાઓ કેવા ડાયલોગ્સ મારતા.

 7. શ્રી યશવંતભાઇ,
  “: યશવંત ઠક્કર .. તુમ આગે બઢો .. [હમ ઘર જાતે હૈ!]”__ અરે સાહેબ આપનો ઓટલો મુકીને ઘરે જવા માટે પણ ઘણી હિંમત એકઠ્ઠી કરવી પડે તેવું છે !
  મારી બુદ્ધિ તો શ્રી અરવિંદભાઇ શાથે સહમત થાય છે, કે આપ અને ગંભીરલેખ !!! પરંતુ દિલ કહે છે કે હા, આપની કલાકારી ગમે તે ગુલ ખીલવી શકે છે ! આપ હાસ્યલેખ લખો કે હાસ્ય વિશે ગંભીર લેખ, સરવાળે ફાયદો તો અમારા જેવા વિદ્યાર્થીઓને જ થશે. આજના લેખમાં જ એક સદા યાદ રાખવા જેવો બોધ મળ્યો;
  “સહુથી અગત્યના સવાલો કે: શું ક્યારેક હસવામાંથી ખસવું ન થઈ જાય? ડસવું ન થઈ જાય? ભસવું ન થઈ જાય?” …..આ ન થઇ જાય તેનું હંમેશા ધ્યાન રાખીશું. તો લોકલાગણીને માન આપી થવા દો, અમે આપને (આપના જ્ઞાનને) ભરી પીવા માટે તૈયાર છીએ. આભાર.

  • અશોકભાઈ, મૂળ સૂત્ર તો .. ફલાણા આ ફલાણા તુમ આગે બઢો , હમ તુમારે સાથ હૈ..
   પણ એ તો દેખાવ જ હોય છે! બાકી તો સરઘસ પૂરું થાય એટલે ઘરભેગા જ થવાનું હોય છે!
   એટલે અમે એ સૂત્રને મજાકમાં ફેરવી નાંખ્યું કે: ભાઈ તુમ આગે બઢો. હમ ઘર જાતે હૈ..
   એ માત્ર ગમ્મત ખાતર અહીં મૂક્યું છે. બ્લોગમિત્રોને એ લાગુ પડતું નથી. જો ખરેખર અમને પાણી ચડાવીને બધા ઘરભેગા થયા હોત તો અમે પણ આ બ્લોગને બદલે નગરપાલિકાનો બાંકડો પકડ્યો હોત!
   હસવામાંથી ખસવું થવાનો સવાલ એટલા માટે નથી કે અમે હંમેશા ભયસ્થાનો બાબત ખ્યાલ રાખ્યો છે. સતત કાળજી રાખી છે કે ક્યારેય કોઈની માનહાની ન થાય.
   એ સિવાય અમે અમારા મનના રાજા.
   મળતા રહેજો. મજા આવે છે.

  • અને આ શું? અશોકભાઈ, તમે વિદ્યાર્થી તો અમે શું? અમે વિદ્યાર્થી નહીં?
   બસ આ જ તકલીફની વાત છે. કાં તો વડીલ બનાવી દેવાના.. કાં તો ગુરુ બનાવી દેવાના.. કાં તો મારીમચડીને વિદ્વાન બનાવી દેવાના!!!! પણ મિત્ર નહીં બનાવવાના!!!
   અરે ભાઈ.. હવે તો નવું મેનેજન્ટ પણ એમ કહે છે કે: ટીમ વર્ક કરો. કોઈ બોસ નહીં. કોઈ સર નહીં. ભેગા મળીને એકબીજા પાસેથી જાણો.માણો.
   અમારી તો ભાઈ, આ બ્લોગજગતમાં કઠણાઈ બેઠી છે! નથી જ્ઞાનની કે ધર્મની કે ભક્તિની વાતો આવડતી. એટલે પકડ્યો ઓટલો. એમાં તમારી જેવા વળી ઊંચા આસને બેસાડવાની વાત કરે! આ તો ઠીક છે .. બાકી થોડાક દિવસો દાઢીહજામત ન કરાવી હોય તો તમે બધા અમને બાપુ બનાવવામાં પાછા પડો એવાં નથી.

   • Sorry !!! આ તો શું કે ’વડીલ..વડીલ’ કરો તો પંચહાટડીમાં એટલા ઓછા નડે !! : – ) (બસ વધુ કશું નહીં, અમે ખોલાવી નાંખ્યું ! આપના ત્રણ એક્કા !!)
    (આ જુનાગઢની પંચહાટડી અને હવેલીબજારનો મામલો તો આપને જ્ઞાત જ હશે.)

    • ના. એ મામલાની ખબર નથી. જણાવશો તો આનંદ થશે.
     આજકાલ વડીલમાં ગણાવું કોઈને ગમતું નથી. એક પ્રસંગની વાત કરું તો અમે માંડવે હતા. જાનના વડીલોનું ફૂલહારથી સ્વાગત કરવાનું હતુ.પાંચેક જણને હાર પકડીને ઊભા રાખવામાં આવ્યા. એક હાર અમને પકડાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે : એકાદ વડીલને તમે હાર પહેરાવી દેજો.
     જાન આવી. પણ વડીલ ગણવા કોને? ધોતિયાવાળા તો હવે નામશેષ થઈ ગયા!! ને કોઈ હાર પહેરવા તૈયાર નહોતું. એકબીજા તરફ આંગળી બતાવે કે: આ વડીલ છે. અમે નહીં!
     બાકીના બધાએ તો જેમતેમ કરીને કોઈને કોઈને હાર પહેરાવ્યા પણ અમે ગોલ કર્યા વગર ઊભા રહ્યા. છેવટે એકના ગળામાં હાર નાખવામાં અમને સફળતા મળી.
     પણ એ ય માથાનો હતો! પાછળથી આવીને હાર અમારા ગળામાં નાખી ગયો!
     તે દીથી નક્કી કર્યું કે આવું કામ માથે ન લેવું.

     • લાગે છે કે આજે આપ અમારો વાંહો કાબરો કરાવશો !!
      જોખમ લઇને ખાનગી વાત જાહેર કરૂં છું, જો કે બહેનો અમને ખોટા અર્થમાં ન લે તેવી વિનંતી શાથે.
      પંચહાટડીમાં શાકમાર્કેટ અને બાજુમાં હવેલીગલીમાં બંગડી બજાર !!! અહીં યુવાઓ તો બીચારા ફક્ત ’કુતુહલવશ’, ગદબ વાંહે બકરૂં આવે તેમ પહોંચવાના જ. એમાં અમારા જેવા કોઇ ડાંફોરીયા મારતા દેખાય તો ’વડીલ નમસ્કાર’, ’પ્રણામ મોટાભાઇ’ આવું બધું જાહેરમાં કહી અને એક તો પોતે સંસ્કારી દેખાય અને બીજું ’વડીલ’ શરમના માર્યા (હેં..હેં.. હું તો જરા દર્શને ?? નીકળેલો કહી) વહેલાસર રવાના થાય, જેથી માર્ગ મોકળો રહે !!
      આમ તો એ વડીલોએ પણ ભુતકાળમાં પોતાના માર્ગ મોકળા કરવા આજ રીત અપનાવેલી હોય !! (જો કે વડીલ ગણાવામાં પણ ઘણાં ફાયદા, જે ફરી ક્યારેક વાત.)

 8. ભોઃ ભગિનસુત પશ્ય પશ્ય, અતિવ નિર્મલા રજનિ તદ્અહમ્ ગીતમ્ કરિશ્યાપી,
  કતપેણ રાગેણ કરોમિ…અને ના હું તો ગાઈશનો હાસ્યરસ ગાનારમાટે કરૂણરસ બન્યો!
  જો કે બ્લોગ સફર હાસ્યાસ્પદ હાસ્યરસની અસર ઉત્પન્ન કરે છે.તમે તો હસીનોની પૅરડી બ્લોગર સાથે કરી…અમે બન્ને છીએ..તો પછી-હવે તો—
  ॐ सहनाववतु ।
  सह मया पयतु ।
  सह प्रिये भुनक्तु ।
  उच्छिष्ठानि पात्राणि सह मया धावतु ।
  वस्त्राणि प्रक्षालयतु ।
  सांधँ कायँ कुर्वहे ।
  साधँ स्नेहं कुर्वहे ।
  साघँ गेहं रचयावहे ।
  मा विद्विषावहै ।
  ॐ शांति: शांति: शांति: ।શુભેચ્છાઓ પાઠવી અમારા માજી પ્રમુખની વાત માની સલાહ નથી આપતા,,,”લિંકન જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા ત્યારે ગામના સંબંધીઓ અને નહોતા પરિચિત એવા પણ જૂની ઓળખાણો કાઢી લિંકનને મળવા આવનારમાં સામેલ થવા લાગ્યા. મુલાકાતીઓને લિંકને બેસાડયા. ચા-પાણી, નાસ્તો કરાવ્યા. સૌની સાથે વાતો કરી. લિંકનને એમ કે અભિનંદન આપી સૌ વિદાય થશે પણ ત્યાં તો અમુકે પ્રમુખ તરીકે લિંકનને શું શું કરવું એના સૂચનો માંડ્યાં કરવા. સંરક્ષણ, અર્થતંત્ર, આંતરિક સલામતી વગેરેમાં શું કરવા જેવું છે એ વિષે ઘણાં લિંકનને સમજાવવા મંડ્યા. અબ્રાહમ લિંકનમાં અજોડ હાસ્યવૃત્તિ હતી, ગમે તેવા વિકટ સંજોગોમાં એ હસી શકતા. આટલી મોટી જવાબદારી વહન કરવા છતાં તેઓ હળવાશથી જીવન જીવી શકતા. સૌની વાત સાંભળી લિંકને કહ્યું, ‘It uminds me a story આવું કહી વાત રજૂ કરવાની લિંકનની ટેવ જાણીતી હતી. તેમણે સૌને કહ્યું એક રાજા પોતાના દરબારીઓ સાથે શિકાર કરવા જતો હતો. ગામને પાદર કુંભારવાડા પાસેથી પસાર થતા એક કુંભારે પૂછયું, ‘‘નામદાર આપ ક્યાં પધારો છો ?’’ રાજાએ કહ્યું, ‘‘હું રસાલા સાથે શિકાર કરવા જાઉ છું.’’ કુંભાર કહે, ‘‘નામદાર આપ જાઓ છો ખરાં પરંતુ આજે અનરાધાર વરસાદ વરસવાનો છે.’’ રાજા કહે ઃ ‘‘હું એવો મૂર્ખ નથી. મેં સવારમાં રાજના જોષીને બોલાવીને હવામાનની સ્થિતિ જાણીને પછી જ શિકારે જવાનું નક્કી કર્યું છે.’’ કુંભાર કહે ‘‘જેવી આપની મરજી’’ રાજાનો રસાલો રવાના થયો જંગલમાં પહોંચ્યો ત્યાં એવો મુશળધાર વરસાદ વરસ્યો કે સૌ હેરાન થઈ ગયા. મહામહેનતે પાછા ફર્યાં.
  મહેલમાં પાછા ફરીને રાજાએ પહેલો હુકમ કર્યો રાજના જોષીને બરતરફ કરવામાં આવે છે અને કુંભાર જેણે વરસાદની આગાહી કરી તેને રાજ્યના જોષી તરીકે નિમણુંક કરવામાં આવે છે.
  શાહી ફરમાન લઈ રાજાના અનુચરો પહોંચ્યા કુંભાર પાસે. કુંભાર ગભરાઈ ગયો. એ મુંઝવણમાં રાજદરબારમાં આવ્યો તો ખરો પણ બે હાથ જોડી રજૂઆત કરી કે, ‘‘હજુર હું જ્યોતિષ વિદ્યામાં કાંઈ પણ નથી જાણતો. આ તો અમારા ગધેડા પગેથી જ્યારે ખડતલવા માંડે છે, પગથી ભોમકા ખોદવા મંડે છે ત્યારે અમે સમજી જઈએ છીએ કે વરસાદ આવશે.’’
  રાજાએ કુંભારની વિગત જાણી બીજો હુકમ કર્યો. કુંભારની જગ્યાએ રાજના જોષી તરીકે ગધેડાની નિમણૂંક કરવામાં આવે છે. લિંકનની વાત સાંભળી સલાહ આપનારા એક બીજા તરફ જોઈ રહ્યા અને સલાહ આપવાનું બંધ કરી ઘરભેગા થઈ ગયા.”

 9. યશવંતભાઈ ફરી આવ્યો !

  અહી “કોમેન્ટ” મુકવાનું ભુલી ગયો હતો !

  પ્રથમ તો દીલથી આ બ્લોગ શરૂં કર્યા માટે “અભિનંદન” !

  ચાલો, હવે જરા ગમ્મત !

  તને ત્રણ સુખોનું કહી દીધું જ છે તો “ચોથા”થી શરૂઆત >>>>

  ચોથું સુખ તે છાપરેથી ભોંય પર પડ્યા,

  પાંચમું સુખ તે જાતે જાતે ઉભા થયા,

  છઠ્ઠું સુખ તે પાછા તેવા ‘ને તેવા રહ્યા,

  સતમું સુખ તે પહેલા સુખ માટે દોડ્યા,

  અને, પછા બીજે, ત્રીજે, ચોથે,પાંચમે કરી, છઠ્ઠે તેવા ‘ને તેવા રહ્યા…

  આ પ્રમાણે, ચક્કર ચાલ્યું રહે !

  તો, યશવંત કે ચંદ્ર શું રે કરે ?

  >>>>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Enjoyed my 2nd visit on “Asara” !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s