મેરે દિલમેં આજ ક્યા હૈ…

મિત્રો, આ પહેલાંની પોસ્ટમાં જે રચના મૂકી હતી તેની પહેલી બે પંક્તિ આ પ્રમાણે છે:

બેફિકર થઈ હું મિલાવું હાથ પણ

શહેરમાં શકમંદ એકે એક જણ.

આ પંક્તિઓ બાબત અમારે થોડી [ઝાઝી!!!] વાત કરવી છે. પણ  તે પહેલાં એક ગીત યાદ કરાવું.

મેરે દિલમેં આજ ક્યા હૈ…

આ પંક્તિ વાંચીને તમને રાજેશખન્નાવાળી ફિલ્મ “દાગ” યાદ આવી ગઈ હોય તો સોનામાં સુગંધ જેવું! પર્દા પર ખન્નાજીએ તેમની આગવી અદામાં આ ગીત રજૂ કરીને નાયિકાની સાથે સાથે પ્રેક્ષકોને ખુશ કરી દીધાં હતાં.

અમે  વર્ષો પહેલાં આ ફિલ્મ જોઈ હતી. ત્યારે અમે નાદાન હતા એટલે અમારા દિલમાં કોઈ સવાલો જાગ્યા નહીં. વળી ત્યારે  અમારી વાત સાંભળનાર કોઈ નહોતું જ્યારે આજે ભગવાનની [ ભગવાન મતલબ wordpress ] દયાથી તમે લોકો છો!!! { કોઈને આ બાબતમાં wordpress ની કોઈ મહેરબાની ન જણાય એવું પણ બને! આ તો અમને જે લાગ્યું તે લખ્યું!! }

અમારું કહેવું એમ છે કે: ફિલ્મમાં બતાવેલા સંજોગોમાં નાયકના દિલમાં શું હોય તે નાયિકાને ખબર ન પડી જાય? નાયકે તે કહેવું પડે? કે પછી પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને ગીત બતાવ્યું હશે! અરે એણે બીજા કોઈ કલાસ ન ભર્યા હોય ને માત્ર હિદી ફિલ્મસ્ જોઈ હોય તો પણ એને ખબર પડી જાય કે આવા સંજોગોમાં નાયકના દિલમાં શું હોય! અરે! આ ફિલ્મની પહેલાં તો “આરાધના” આવી ગઈ હતી! અને “રૂપ તેરા મસ્તાના…” ગીત પણ આવી ગયું હતું! વળી આજ નાયક હતો અને આ જ નાયિકા હતી! તો પણ ફરીથી ભૂલ! ભૂલોની જ પરંપરા!

અમારું કહેવું એમ છે કે: આવા વિશિષ્ઠ સંજોગો ન હોય અને સામાન્ય સંજોગો હોય તો પણ નાયિકાને ખબર પડી જ જાય કે, નાયકના કે ખલનાયકના દિલમાં શું છે! નાયકે એ વાત  હાવભાવ સાથે અન્ય ગાયક કલાકારની મદદથી જણાવવાની જરૂર રહેતી નથી!

પણ .. ફિલ્મ બનાવવાનો સવાલ હતો! એટલે આ સરસ મજાનું ગીત બતાવ્યું!  ગીત એ મોટાભાગની હિદી ફિલ્મનો પ્રાણવાયુ છે! હિંદી ફિલ્મ એ માછલી જેવી હોય છે. માછલીએ જેમ શ્વાસ લેવા માટે વારેવારે પાણીની સપાટી પર આવવું પડે છે તેમ હિંદી ફિલ્મની પણ મજબૂરી છે કે એણે વારેવારે કહાનીની બહાર ગીત લેવા આવવું પડે છે! ઘણી ફિલ્મસ્ તો ગીતો થકી જ તરી ગઈ છે!

ચાલો જવા દઈએ એ મુદ્દો! આપણે યાદ કરીએ એ ગીત… મેરે દિલમેં આજ ક્યા હૈ.. તૂ કહે તો મૈ બતા દૂ…અમારું કહેવું એમ છે કે: શું નાયક ખરેખર જે પોતાના દિલમાં હશે એ બતાવવાની વાત કરે છે કે પછી બીજું કશું ક ભળતું જ! શું ખરેખર કોઈપણ વ્યક્તિ દિલની વાત કહે છે ખરી? ખરેખર દિલમાં જે હોય તે કોઈ કહે છે ખરું?

આજ ફિલ્મમાં આગળ જતાં બીજું એક ગીત આવે છે કે:  જબ ભી જી ચાહે નઈ દુનિયા બસા લેતે હૈ લોગ, એક ચેહરે પે કઈ ચેહરે લગા લેતે હૈ લોગ...

આવી  ગઈને એ જ વાત કે:

ચાવવાના દાંત જુદા ને બતાવવાના જુદા ! … મુખમેં રામ બગલમેં છૂરી!  …માણસના મનને કોણ ઓળખી શક્યું છે? .. મુખવટો… આંચળો…બેવડું વ્યક્તિત્વ … દંભ… વગેરે વગેરે વગેરે!

પણ નાયક શું કહે છે? એનું તો કહેવું છે કે, આ બધું હાલાતને કારણે થયું!

હાલાત, સંજોગો, સમય, વક્ત, મજબૂરી, જરૂરિયાત… આ બધા કેવા મજાના શબ્દો છે! ખરા સમયે કેવા કામ લાગે છે! ચાલો જોઈએ…

હું તો ભાઈ ભગવાનનો માણસ! પણ સંજોગોએ ભાન ભુલાવ્યું!

શું કરીએ? સમય એવો આવ્યો! બાકી અમે જિંદગીમાં કદી આવાં કામ કર્યાં નથી!

સમય ભાન ભુલાવે છે ભાઈ! નહીં તો પાંચમાં પૂછાતો માણસ આવું કરે?

સંજોગો જ માણસને મજબૂર કરે છે!

… ઓળઘોળ જાય બધું સંજોગો કે સમય પર! આપણો શો વાંક!

બધાંને સાફ દિલના રહેવું છે પણ મજબૂરી!!! નથી રહેવાતું!! કારણ તો કે, દુનિયા એવી જાલિમ છે! થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ! જમાનો ખરાબ છે! કોણ ક્યારે બાટલીમાં ઉતારીને બૂચ મારી દે તે કહેવાય નહીં. સંભાળી સંભાળીને જીવવા જેવું છે! … આમને આમ સંભાળતાં સંભાળતાં આપણે દૂધને બદલે છાશ પણ ફૂંકી ફૂંકીને પીતાં થઈ જઈએ છીએ! ને આપણને ખબર પણ નથી પડતી કે: જમાનો તો પહેલાં જેવો ભલે ન રહ્યો હોય પણ આપણે પોતે પણ પહેલાં જેવા નથી રહ્યા!!!  જાતનો બચાવ કરતાં કરતાં બીજાનો શિકાર કરતાં થઈ જઈએ છીએ! સામે આવનારો એકે એક માણસ જાણે આપણને બાટલીમાં ઉતારવા જ આવ્યો હોય તેવું લાગે છે!!!  ખરાબ અનુભવોના બહાનાં મદદે આવે છે!! ને આપણે હોશિયાર થઈ જઈએ છીએ! પછી ભલે મામલો ધંધાનો હોય કે સંબધનો હોય કે વહેવારનો હોય! આપણી આંખો પર જાસુસનાચશ્માં લાગી જાય છે! .. ને લખનાર લખી નાંખે છે કે:

બેફિકર થઈ હું મિલાવું હાથ પણ

શહેરમાં શકમંદ એકે એક જણ.

કોઈને કદાચ એમ થાય કે: આ લખનાર આખા શહેરને શકમંદ કહે છે તો પોતે શું સજ્જનનો સાતમો અવતાર છે? પોતે શું હંમેશા ભરોસાને પાત્ર છે? બીજાને શકમંદ કહેનાર પોતે કેવો છે તે નહીં વિચારતો હોય? પોતાની જાતમાં ડોકિયું  નહીં કરતો હોય? અરે! હાથ ન મિલાવવો  હોય તો ન મિલાવે! પણ બીજાને શા માટે વગોવે છે?

થાય! કોઈને પણ થાય! અને થવું જ જોઈએ! કોઈએ જે પણ લખ્યું તેના પર ઓળઘોળ થઈ જવાની જરૂર નથી! સારું સારું લખનાર પોતે ખરેખર બત્રીસ લક્ષણો હશે એમ માનવાની જરૂર નથી! સુંદર મજાની ચિંતન કણિકાઓ લખતો ચિંતક દૂરથી દેખાતા અને કુદરતી દૃશ્ય દોરવામાં કામ લાગે તેવા રળિયામણા ડુંગર જેવો હોય છે! નજીક જાઓ તો ખબર પડે કે: કેટલા કંટકો સંઘરીને બેઠો છે! તેને સારા સારા વિચારો આવવાનું કારણ નિયમિતરૂપે મળી  જતા પુરસ્કારના ચેક પણ હોઈ શકે! અત્રે આ લખનારને સારું લખવાની આવી કોઈ મજબૂરી નથી. તે કોઈ ચિંતક પણ  નથી. છતાંય તે ક્યારેક ભૂલથી સારું સારું લખી નાંખતો હોય તો પણ તેનું લખાણ સવાલોને પાત્ર હોઈ શકે! કોઈ મફત ભજીયાં ખવડાવે એનો અર્થ એ તો નથીને કે, તે વાસી ભજીયાં ખવડાવે!

તો વાત કરીએ મુદાની! આ લખનારે શું લખ્યું છે? શહેરમાં શકમંદ એકે એક જણ! તો એકે એક જણમાં તે પોતે પણ આવી ગયોને?

તો પછી?

5 thoughts on “મેરે દિલમેં આજ ક્યા હૈ…

 1. શ્રી યશવંતભાઇ, ’શહેરમાં શકમંદ…..’ કાવ્ય તો વાંચેલું, મજા પણ આવી, પરંતુ અમારી મંદબુદ્ધિમાં કાવ્યો બહુ ફીટ આવતા નથી !! લો આ લખાણ બરાબર સમજાયું !
  ભાઇ જમાનો જ એવો આવ્યો છે ! (જો કે આ વાક્ય કદાચ હજારો જમાનાઓથી સમાનરૂપે જ વપરાય છે ! અને વપરાતું રહેશે !!) કોઇનો પણ ધડ દઇને વિશ્વાસ ન થાય. આથી આપ ’શહેરમાં શકમંદ…..’ બાબતે ખોટા નથી ! અને આમે ભોળાનો પર્યાય મુર્ખ ગણાતો હોય તેવા સંજોગોમાં ચતુર થવું જરૂરી છે. પરંતુ…….. આપણે જેનું કંઇ કામ ન હોય તેવી પંચાતમાં ન પડવું ! તણાવથી દુર રહેવા માટે કાઠિયાવાડીમાં કહે છે કે….’મુકોને લપ.. આપણે ક્યાં કોઇને ઘેર ભાણું માંડવા જવું છે!’ બાકી મારી રીતે આપની વાતથી હું એટલું સમજ્યો કે, ભમરીનું ચિંતન કરતી કરતી ઈયળ સ્વયં ભમરી બની જાય છે. માટે સારું ચિંતન કરવું. અને કબિરનો ’બુરા જો દેખન..’ દોહરો યાદ કરવો. આભાર.

  • અશોકભાઈ , કબીરજીએ આ દોહરો લખ્યા પછી આ બાબત કશું જ કહેવા જેવું બાકી રહેવા જ દીધું નથી.
   કુદરતી જ ભોળપણ હોય તો એના જેવું એકેય નહીં. પણ લાલચના કારણે કે લોભના કારણે કે જાણકારી મેળવવાની આળસના કારણે છેતરાઈ જવાય અને પછી ના છૂટકે કહેવું પડે કે: અમે તો છેતરાવામાં માનીએ, છેતરવામાં નહીં. … એનો કોઈ અર્થ નહીં.

 2. પિંગબેક: મેરે દિલમેં આજ ક્યા હૈ… | indiarrs.net Featured blogs from INDIA.

 3. “આ લખનારે શું લખ્યું છે? શહેરમાં શકમંદ એકે એક જણ! તો એકે એક જણમાં તે પોતે પણ આવી ગયોને?”

  રસેલે આવો પ્રશ્ન પૂછેલો: http://en.wikipedia.org/wiki/Russell%27s_paradox

  માટે જ

  “જે ન કરી શકે કવિકરણ, તે કરી શકે સમીકરણ!”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s