કુંડલાની નાવલીનું પાણી પીધું હોય ઈ ક્યાંય પાછો નો પડે

મિત્રો,  અમુક વ્યક્તિઓની વાત કરવા માત્રથી  આપણામાં થોડુંઘણું જોર આવી જાતું હોય છે. “ફલાણો માણસતો મરદનો દીકરો” આવું બોલતી વખતે બોલનારના લોહીમાં પણ ગરમાવો આવી જતો હોય છે. એક જમાનામાં ધર્મેન્દ્ર કે અમિતાભની ફિલ્મ જોઈને થીએટરની બહાર નીકળ્યા પછી અમારી પણ ચાલ બદલાઈ જતી હતી!  અમારી શારીરિક  શક્તિની વાસ્તવિકતા પછી ગૌણ વાત બની જતી હતી!! જેવું વ્યક્તિઓનું,એવું જ અમુક પ્રદેશ કે નગર ક્રે ગામની બાબતમાં બનતું હોય છે. જેમ કે સૌરાષ્ટ્રના સાવરકુંડલા નગર માટે અમે ઘણી વખત સાંભળતા કે: કુંડલાની નાવલીનું પાણી પીધું હોય ઈ ક્યાંય પાછો નો પડે”

આ વાતનો સામાન્ય ભાવાર્થ એ જ કે: કુંડલામાં રહેલો માણસ એવો તો ઘડાઈ જાય કે એ ક્યાંય અને ક્યારેય સુખમાં કે દુ:ખમાં  હિંમત ન હારે. મતલબ કે એ નગરજન પર નગરના ઇતિહાસ, આબોહવા અને સમાજજીવનની એવી તો અસર પડે કે, એને સાવરકુંડલા યાદ આવે ને એ પોતાના વર્તમાનને ભૂલીને કુંડલાની નાવલીમાં આંટા મારવા લાગે!!! અમે પણ ઘણી  વખત સાવરકુંડલાની નાવલીમાં આંટા મારી લઈએ છીએ. અમે વર્તમાન સાવરકુંડલાની વાત નથી કરતા. અમે કરીએ છીએ એ સાવરકુંડલાની વાત જે સાવરકુંડલામાં ગામને વચ્ચેથી ખરેખર અને સાચુકલી એક નાવલી નામે નદી વહેતી હતી. અને નદી પર પુલ નહોતો! કેવું હતું એ સાવરકુંડલા!!

એક તરફ સાવર અને બીજી તરફ કુંડલા. વચ્ચે નાવલી નદી. રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશન બંને સાવરમાં અને મોટાભાગની દુકાનો કુંડલામાં. એથી જે કોઈ કુંડલામાં ખરીદી કરવા આવે એણે આવતી વખતે અને પાછા ફરતી વખતે નાવલીમાં પગ બોળવા પડે.વિચાર કરો કે કોઈ નવાં કપડાં પહેરીને  સાવરકુંડલામાં આવ્યો છે અને એક હાથમાં થેલી અને જોડાં અને બીજા હાથમાં કપડા ઊંચા કરીને નાવલી પસાર કરી રહ્યો છે… અને સામેથી અચાનક એક ઘોડાગાડીવાળો ભોપોંપ ભોંપોપ કરતો આવી રહ્યો છે અને એને જગ્યા આપવામાં હાથમાંથી કપડા છૂટી જાય છે અને પાણીથી ભીંજાય જાય છે!  અને એ કાંઠે આવીને પાયચાને નીચોવતો નીચોવતો અને હસતાં હસતાં બોલે છે કે: ભારે કરી !!! અને એ ભીનાં કપડે જ  કુંડલાંની બજારમાં જ હટાણું કરે છે. ગાંઠીયાંજલેબી ખાય છે  એનાં ભીનાં કપડાં સુકાઈ જાય છે અને  પાછો ફરે છે ત્યારે ફરી નાવલી નદીમાં ભીનો થાય છે!!!

એ વખતે સાવરકુંડલામાં વજનકાંટા બનાવવાનો ઉદ્યોગ જોરમાં હતો. સાવરકુંડલાની બજારમાં આખો દિવસ ધડ ધડ અવાજો સંભળાતા રહે. સાથે સંભળાતા રહે ઘોડાગાડીના હોર્નના ભોંપોપ ભોંપોપ અવાજો!  ઘોડાની તવડક તબડક ચાલના અવાજો. ચાબૂકના ફટકારના સટાક સટાક અવાજો.

વજન ભરીને  આવનજાવન કરતા લારીવાળાઓની બૂમો અમને અત્યારે પણ એવીને એવી જ  સંભળાય છે: એ ભાઈ, જાવા દ્યો જાવા દ્યો. એ આઘા રહ્યોની, વાગી જાહે તો પાછા રાડ્યું નાખશો. લે કરો વાત! આઘા રહ્યો એમ નો કેવું? એમાં સું  તમને કઈ દીધું? ઉતાવળ તો હોય જ ને? બસ કાંઈ મારી કાકી નથી થાતી કે  ઊભી રહે! મારેય કોઈનો માલસામાન તો પોગાડવો જ પડેને!

અને સાંભળો આ ઘોડાગાડીવાળા  અને  મહિલા ઉતારુઓ  વચ્ચેનો સંવાદ:

– એ  ઘોડાગાડીવાળા ભાઈ, ટેશન આવવું છે?

-આવવું જ હોયને?

-કેટલા  લેશો?

– જે  ભાવ છે એ લેશું.  તમારી પાહેથી નઈં વધારે લઈ.

-એમ નઈં. ચોખવટ સારી.

– બે રૂપિયા આપી દેજો.

-બે રૂપિયા હોય કાંઈ? અમે રોજ દોઢમાં આવીઈ છઈ.

-દોઢમાં નો પોસાય.

– નો પોસાય તો કાંઈ નઈં.  અમે હાલી નાંખશું.

ઘોડાગાડીવાળો થોડે દૂર જઈને ગાડી ઊભી રાખે છે અને કહે છે કે: હાલો. આવતાં રહ્યો. હેરાન થઈ જાહો. ટેશન  ઓરું નથી.

-દોઢથી વધારે નઈં. આ પેલા કીધું.

– હા. બેન હા.

અને પછી ઘોડાગાડીવાળાની બૂમો: એ હાલો ભાઈ હાલો. એક કોર રહ્યો. એ લારી, નો ત્રેવડ હોય તો આટલું વજન નો ભરતો  હો તો.  એ સાયકલ. વાતું  કરવી હોય તો એકકોર્ય રઈને કર. માણસ પણ કેવા  થાય છે? વચોવચ બીડી પીવા ઊભા થઈ જાયસ! … .

ને… તાવડામાંથી થાળમાં ઠલવાતા ગાંઠિયા,  લખોટીવાળી સોડાબાટલીના અવાજો, ફોનમાં મોટેથી ભાવતાલ કરતાં શેઠિયાઓ , ફિલ્મની જાહેરાત કરવા ઢોલનગારા સાથે  નીકળેલી રેકડી, ગામડેથી રોકડિયા પાકની રોકડી કરવા બળદગાડામાં મગફળી ભરીને આવેલા ખેડૂતો, ગબડી પડતા સાયકલ સવારો, પથારા પાથરીને બેઠેલા શાકભાજીવાળા, કટલેરીની દુકાનોમાંથી  હોંશે હોંશે શૃંગારસામગ્રી ખરીદતી ગ્રામીણ  કન્યાઓ… ને સાથોસાથ પેલા લોખંડ ટીપાવાના  ધડ ધડ અવાજો… ને.. એ આઘા રહ્યો આઘા રહ્યો… જાવ દ્યો જાવા દ્યો…. ભોંપોપ ભોંપોપ ભોંપોપ ભોં……..પોપ!

એ જનરલ મરચન્ટ  એન્ડ કમિશનરના બોર્ડ્સ ! એ જુદીજ દુનિયામાં લઈ જતી મહેશ ટોકિઝ! એ વિવિધ જ્ઞાતીના છાત્રાલયો! મહાજન વાડીઓ! એ મંદિરો!  એ ઉછળતાં કૂદતાં  શિક્ષણના ધામો! એ બાવડાં ફૂલાવતું વ્યાયામ મંદિર! સાંજ પડેને “બહારો ફૂલ બરસાઓ.. ” જેવા ગીતો સાંભળવા માટે પહોંચી જવાનું મન થાય એ જનતાબાગ! એ ઝાડવાંની છત્રછાયામાં  બેસીને રોફ મારતું પોલીસ સ્ટેશન! એ ઢગલા મોંઢે ગ્રામજનોને ઠાલવતું બસ સ્ટેશન ! મહુવા ને ઢસાની વચ્ચે ઠાવકું થઈને  ઊભેલું રેલ્વે સ્ટેશન! અને એની પેલે પાર ગાંધીજીના સપનાંને સમાવતું  ખાદીકાર્યાલય! ને  વીજળીને વહેતી રાખતું જીઈબી!

ને એ દિવાળી! એક બાજુ સાવરના લોકો અને બીજી બાજુ કુંડલાના લોકો! ને  દારૂ ભરેલાં ઈંગોરિયાંની સામસામે ફેંકાફેંકી! ને બીજા દિવસે દવાખાને દાઝેલાઓની મુલાકાતો!!

ને …ચૂંટણીના દિવસોમાં એકબીજાને હરાવવા માટે ચોટીનું જોર લગાવી દેનારા એ મુરબ્બી શ્રી લલ્લુભાઈ શેઠ અને એ કાપેલી ધારના શ્રી નવીનચંદ્ર  રવાણી!! એમનાં વ્યંગબાણોથી ભરેલાં  ભાષણો!

આટલું આટલું લખ્યા પછી પણ  જો અમે “એ જોગીદાસ ખુમાણનું સાવરકુંડલા” એવું ન કહીએ તો આ આખો લેખ જાય પાણીમાં!!!

મિત્રો ભૂતકાળને પૂરેપૂરો પકડી શકાતો નથી. એ પતંગિયાં સમો છે. હાથમાં આવતો નથી ને કદાચ આવે તો સમગ્ર આવતો નથી. આવે છે નાજુક નમણી પાંખો!!!

તમે પણ  તમારા જૂના નગરને યાદ કરજો અને વિચારજો કે સમયના બદલાતા  રંગો કેવા કેવા હોય છે!!!

Advertisements

13 thoughts on “કુંડલાની નાવલીનું પાણી પીધું હોય ઈ ક્યાંય પાછો નો પડે

 1. ક્યારેય એ નાવલીમાં પગ બોળવા તો જઈ નથી શકાયું પણ તમારા આ શબ્દ્પ્રવાસે જોડાઈને તો એવું લાગ્યું કે જાણે હુંય તમારી સાથે તમારા એ સમયનાં સાવરકુંડલાની સફર પર જઈ આવ્યો … !!

  અને છેલ્લે જે વાત કરી એ ખુબ સાચી કરી … નાજુક નમણી પાંખો જ હાથમાં આવતી હોય છે … હવે જુઓ ને મારેય કંઈકેટલાય ગામ અને શહેરોમાં રહેવાનું થયું .. મારું વતન ખેરગામ, વલસાડ, નવસારી, નડીયાદ, બારડોલી, પુણે, ગુરગાંવ, હૈદરાબાદ વગેરે .. !! મન તો થાય છે કે જીવનનાં એ બાળપણનાં અનન્ય અને યાદગાર વર્ષો જ્યાં જ્યાં વિતાવ્યા એ બધાને આ જ રીતે સ્મૃતિ-અંજલી ધરું …
  પણ સાચું કહું તો સાવર કુંડલાની આ તમારા ભૂતકાળ વખતની તસ્વીર જોઇને એવું લાગ્યું કે હુંય ત્યાં ફરી આવ્યો છું … !!

  • કુણાલભાઈ, 1969માં અમે નડિયાદમાં હતા. SSCમાં હતા. સ્પેશ્યિલ અંકગણિત રાખેલું.ભાડાનું ઘર નાનું હતું. શાંતિથી દાખલા ગણી શકાય એટલે અમે ને એક મિત્ર શશીકાંત રેલ્વે સ્ટેશન સામેના જાહેર બાગમાં જઈને દાખલા ગણતા. અમે ખાસ તો પેલા મિત્રને શીખવાડવા માટે જ આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરતા. પણ બગીચામાં દાખલા!!! સમય સમયની વાત છે!

   • 😀 સાચ્ચે જ .. સમય સમય ની વાત !! બગીચામાં દાખલા ગણવા જવાનો ભવ્ય કાર્યક્રમ … !!

    પણ આ સ્પેસીઅલ અંકગણિત .. !! વાહ .. ગણિતનું નામ સાંભળીને મને તો ચક્કર જ આવે … !!

    નડીયાદમાં હું અઢી વર્ષ રહ્યો… ગ્રેજ્યુએશન કરેલું ધર્મસિંહ દેસાઈ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીમાંથી… અને ‘૬૯ એટલે મારી એ કોલેજ શરુ થયાને એક જ વર્ષા થયેલું … 🙂

    અને રેલ્વે સ્ટેશન સામે નો બગીચો !! જ્યારે હું હતો ત્યારે તો બગીચા જેવું કશું બચ્યું નહોતું … !! 🙂 અત્યારે શું હશે એય ખબર નથી .. કારણ કે છેલ્લાં ૭ વર્ષોથી નડીયાદની સૂરત નથી જોઈ … 🙂 અરે ૨-૩ વર્ષોથી તો સુરતની સૂરત પણ નથી જોવા પામ્યો .. 🙂

    તમે હતા ત્યારે તો ખબર નહિ પણ જ્યારે હું હતો ત્યારે તો નડીયાદનો એક અનેરો રૂઆબ હતો .. ! એક તુમાખી ભર્યો રૂઆબ … 🙂

    • સાચી વાત છે. નવરાત્રીના દિવસોમાં દેસાઈ વગામાં બહેનો ગરબા ગાય અને સ્વયંસેવક યુવાનો ખડેપગે ઊભા હોય . કોઈની તાકાત નહોતી કે એલફેલ બોલી શકે કે વાતાવરણ બગાડી શકે.
     એ દિવસોમાં જ પહેલી વખર રજનીશને સાંભળ્યા. એ દિવસોમાં જ કોમી રમખાણો થયા. લૂંટફાટો જોઈ. અફવાઓ સાંભળી.
     એક લાગણીભર્યો પ્રસંગ ભુલાતો નથી. SSC ની પરીક્ષા પહેલાં મારા પરિવારે નડિયાદ છોડી દીધેલું. પણ મેં પરીક્ષા સેન્ટર નડિયાદ રાખેલું હોવાથી મારા વર્ગશિક્ષક બારોટસાહેબને ત્યાં રહીને પરીક્ષા આપી. એમના પત્નીને હું બેન કહેતો. પરીક્ષા પૂરી થયા પછી મેં રજા લીધી. બેનને ખબર ન પડે એમ ત્રીસ રૂપિયા એમના બાબાના હાથમાં મૂક્યા. પણ હું હજી સ્ટેશને પહોંચ્યો ત્યાં તો બેન છેક બારોટવગાથી હાંફળાફાંફળાં દોડતાં આવી પહોંચ્યાં. મને કહે : ભાઈ આવું કરવું હતું તો પછી મારે ઘેર શા માટે રહ્યા? હોટલમાં જ રહેવું હતુંને?
     એમણે માન રાખવા ખાતર દસ રૂપિયા રાખ્યા અને વીસ મને પાછા આપ્યા.
     એમનું ઘેરથી છેક સ્ટેશન સુધી પાછળ આવવું … અને એમનાં ભાવભર્યા શબ્દો… હૈયામાં save થઈ ગયું છે.

     • હા … હું હતો એ વખતે પણ આ વ્યવસ્થા તો હતી જ ઉપરથી એવું કે નવરાત્રીમાં જે પણ આયોજક હોય એ એન્ટ્રી ફી માત્ર છોકરાઓ પાસે લે … બહેનોને ફ્રી એન્ટ્રી … 🙂

      અને આ તો એક દુ:ખદ સંયોગ કહેવાય કે તમે જે રીતે કોમી રમખાણો જોયા તે રીતે મેં પણ જોયેલા… હું નડિયાદમાં ૨૦૦૦ થી ૨૦૦૩ સુધી હતો અને તે દરમિયાન જ કોમી રમખાણો થયા હતા અને તે દરમિયાન મારે એક મિત્રને કર્ફ્યુ વખતે જ CRPF નાં ટેમ્પોમાં રેલ્વે સ્ટેશન મુકવા જવું પડેલું …

      તમારે હૈયે save થયેલો આ કિસ્સો સાચે જ મુઠ્ઠી ઊંચેરા શિક્ષક અને એમની પત્નીને એક સ્મૃતિ-અંજલી સમાન છે …

      એ વિષે જાણી ને આનંદ થયો …

 2. સાહેબજી નમસ્કાર..

  નાવલીના પાણીનો તો તમે પરચો આપ્યો.. વાંચીને થયું અમારો ભોગાવો કેમ પાછો પડે.. ! જો કે, પાછું એમ પણ થયું કે ત્યાં તો પાણી રહેતું હશે.. અમારો ઝાલાવાડ પંથક ‘પાણીદાર’ તોયે પાણીની ખેચ વાળો પંથક.. મજા પડી વાચવાની..

 3. આ ઉછળ કૂદ કરતો ભૂતકાળ એની બોલચાલની ભાષાને કારણે નાનકડી આત્મકથા સમ સામે આવ્યો.
  તળપદ ભાષા જ જીવાતા જીવનનો સાચો અનુભવ છે.ને..પછી આવતા બન્ને ફકરા આપણી ગ્રામિણ
  લાક્ષણીકતા ને સાક્ષાત કરે છે.
  નાવલીનુ જુનુ નાવિન્ય જાણ્યુ.( એ માહિતિ માટે આભાર.)
  આ બદલાતા નગરનું શબ્દચિત્ર ખરેખર માણ્યુ.

 4. Yashwantbhai….jamo padi didho!
  Kyarek, juni smrutio ne yaad karvathi, man ne je shanti made che, te to adhbhut hoy che.
  Avij yaado, juna ghar ma rahya ni pan hoy che, ananya!
  Tamaru vakya gamyu tema thodo ferfar ‘Bagicha ma dakhal thata, dakhala’
  Tamari shailey sarad che pan prabhavi che. Mulakat levani adhirae thay tevi.

 5. ભૂતકાળને પૂરેપૂરો પકડી શકાતો નથી. એ પતંગિયાં સમો છે. હાથમાં આવતો નથી ને કદાચ આવે તો સમગ્ર આવતો નથી. આવે છે નાજુક નમણી પાંખો!!!

 6. ખુબ સરસ લખ્યું છે.

  આ વાંચીને તો ખરેખર સાવરકુંડલા પાછા જવા નું મન થઇ ગયું, અને ગર્વ પણ થાય છે કે ત્યાં જ મારું બાળપણ વિત્યું હતું તે બધું યાદ આવી ગયું.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.