બ્લોગજગતમાં ટકોરાપંથ

[મીઠી ચેતવણી: આગળ જતાં આ બ્લોગપંથ પર બંધબેસતી પાઘડીઓના ઢગલા હશે જે પહેરવાની લાલચમાં આવશો નહીં. હા, જો મલકાટની ટોપી નજરે ચડે તો જરૂર પહેરશો.]

બ્લોગમિત્રો, આજે આપ સહુની સમક્ષ બ્લોગજગતમાં ખૂબ જ ઝડપથી પ્રચાર પામેલા ટકોરાપંથના વર્તમાન ગાદીધારી શ્રી ટકોરાનંદજી મહારાજ ઉપસ્થિત છે. જેમની વાણીનો લાભ આપ સહુ જલદીથી લઈ શકો તે માટે હું અહીંથી કૂદકો મારીને  મારી જગ્યાએ જતો રહું છું. તો આપની સમક્ષ પધારી રહ્યા છે શ્રી ટકોરાનંદજી મહારાજ. બોલો ટકોરાનંદજી મહારાજની જય.

વહાલા બ્લોગજનો,

હું  ટકોરાનંદ આજે આપ સહુને ટકોરાપંથ બાબત બેચાર વાતો કહેવા આવ્યો છું. તમે ટકોરાપંથી હો કે ના હો પરંતુ બેધ્યાનથી મારી વાતો સાંભળવાની તસ્દી લેશો એવી આશા રાખું છું. મારા પ્રવચન દરમ્યાન આપના મોબાઈલને બંધ રાખવાની જરૂર નથી. કારણ કે કોઈ પણ પ્રકારના ટકોરાને રોકવામાં ટકોરાપંથ માનતો નથી.

આપમાંથી ઘણાંને એ સવાલો  સતાવતો હશે કે આ ટકોરા એટલે શું? આ ટકોરાપંથ શા માટે? એનું મહત્વ શું? એ ક્યારે અસ્તિત્વમાં આવ્યો? આ પંથની ખૂબીઓ અને ખામીઓ કઈકઈ? હે શ્રોતાજનો આવા વિવિધ સવાલોના જવાબો થોડા જ સમયમાં આપવા એ મારા વશની વાત નથી. વળી આ ભાગદોડના જમાનામાં  આપ લોકો પાસે એટલો સમય પણ નહીં હોય. માટે હું જે પણ થોડુંઘણું કહીશ એના કારણે આપના અજ્ઞાનમાં થોડોઘણો પણ વધારો થશે તો હું મારી જાતને ભાગ્યશાળી સમજીશ.

આપણે ટકોરાથી શરૂઆત કરીએ. ટકોરા એટલે શું?તો હે બ્લોગજનો, કોઈપણ મંદિરમાં  પ્રવેશદ્વારે લટકતા ઘંટનું જે મહત્વ છે તેવું જ મહત્વ આ બ્લોગજગતમાં બ્લોગના પ્રવેશદ્વારે લટકતા ટકોરાયંત્રનું છે. જેના દ્વારા બ્લોગની મુલાકાત લેનારાઓની નોંધ થતી જાય છે. બ્લોગદ્વારે ટકોરા પાડનારને કોઈ વિઝિટર કહે છે તો કોઈ મુલાકાતી કહે છે! કોઈ અતિથિ કહે છે તો કોઈ મહેમાન કહે છે! કોઈને એમાં વાચક નજરે ચડે છે તો કોઈને એમાં વાચકના રૂપમાં છુપાયેલા  યાચકના  દર્શન થાય છે. જે બ્લોગર પોતાના બ્લોગદ્વારે આવું ટકોરાયંત્ર લટકાવે છે તે બ્લોગર ટકોરાપંથી કહી શકાય.

ટકોરાપંથી હોવું  કે ટકોરાને મહત્વ આપવું એ કોઈ ખોટી વાત નથી. જેમ હૃદયના ધબકારા છે તો આપણી જિંદગી છે તેમ બ્લોગના ટકોરા છે તો બ્લોગની જિંદગી છે! ટકોરા છે તો બ્લોગ છે! ટકોરા જ બ્લોગને ધબકતો રાખે છે! ટકોરા વગરનો બ્લોગ એ નર્યા પૂતળા જેવો છે! પાંદડાં વગરના વૃક્ષ  જેવો છે! કાટ ખાઈ ગયેલી તલવાર જેવો છે. હલેસાને કારણે  સાગરમાં નાવ ગતિ કરે છે તેમ ટકોરાને સહારે આ નેટસાગરમાં  બ્લોગ ગતિ કરે છે.

પરંતુ એક વાત ધ્યાનમાં રાખજો કે: ટકોરા એ સાધન છે .. સાધ્ય નથી. માર્ગ છે પણ મંઝિલ નથી! ચટણી છે પણ હોજરી નથી. જેમ ચટણી એ ખમણ કે ભજીયાંને હોજરી સુધી ઝડપથી  પહોંચાડવાનું એક માધ્યમ માત્ર છે તેમ ટકોરા એ બ્લોગને ગતિમાન રાખવાનું એક સાધન માત્ર છે! ટકોરાપંથી બનજો પણ ટકોરા મય ન બની જતા. આપમાંથી ઘણાંએ જડભરત મુનીની વાત સાંભળી હશે. અતિ જ્ઞાની એવા આ મુનીએ હરણનું  એક બચ્ચું જે મા વગરનું હતું, એને ઉછેરવાની જવાબદારી સંભાળી. પણ પછી તો તેઓ એવું જ માનવા લાગ્યા કે : આ બચ્ચાનું અસ્તિત્વ મારા થકી જ છે! તેઓ હરણમય બની ગયા. એ મોહને કારણે જીવનના અંતિમ શ્વાસ વખતે પણ એમને એ હરણની ચિંતા  હતી. જે કામ ઇશ્વરનું હતું એ કામ પોતાનું માનવા લાગેલા એ મુનીના જીવની ગતિ ન થઈ!એમનું જિંદગીભરનું બ્લોગિંગ એળે ગયું!

હે બ્લોગજનો, આપના બ્લોગદ્વારે બાંધેલું ટકોરાયંત્ર એ જડભરતની ઝૂંપડીના દ્વારે બાંધેલા હરણ જેવું છે! તમારો જીવ એમાં બંધાયેલો ન રહે તેનું ખાસ ધ્યાન રાખજો. ટકોરાના આંકડાના જોરે દેડકાની જેમ પેટ ફૂલાવતા બ્લોગજનો પોતાના પેટની મર્યાદા સમજે .

હે ગુણીજનો, ટકોરા એ હંમેશા બ્લોગની ગુણવત્તાની ખાતરી આપતા નથી. ઉત્તમકક્ષાનો બ્લોગ અલ્પ ટકોરા ધરાવતો હોય એવું પણ  બને! અને નિમ્ન કક્ષાનો બ્લોગ વિશેષ પ્રમાણમાં ટકોરા ધરાવતો હોય એમ પણ બને! એટલે જ તો ઘણા બ્લોગમિત્રો ટકોરાને નર્યો  ભ્રમ કહે છે.  એ વાત અમુક સંજોગોમાં સત્ય પણ છે. આપણા ઘરમાં માત્ર  ડોકિયું કરીને જતા રહેલી વ્યક્તિને મહેમાન ન કહી શકાય! ઘરમાં ઝગડો ટંટો થયો હોય ને ટોળું ભેગું થાય તો એને મુલાકાતીઓ ન કહેવાય! ટકોરાયંત્ર ભલે એની નોંધ લેતું હોય! ઘણી વખત ટકોરાની પ્રાપ્તી માટે બ્લોગની ગુણવત્તા સુધારવાના બદલે અન્ય પ્રકારના ઉપાયો અજમાવવામાં આવે છે. એક વખત આવા ઉપાયો અજમાવવાના ચાળે ચડેલો બ્લોગર સમય જતા બ્લોગપંથેથી  ભટકી જાય છે! તે માત્ર ટકોરાના મોહમાં પડી જાય છે! ટકોરાની પ્રાપ્તિ માટે ગમે તેવા અનર્થો કરવામાં તેને નાનપ લાગતી નથી! આવા બ્લોગ ક્યારેય પોતાનું તેજ પ્રગટ કરી શકતા નથી. એવા બ્લોગ પરના આંકડા અવાવરુ ભૂમી પર ઊગી નીકળેલા ઘાસ જેવા છે.

આ દૃષ્ટિએ જોઈએ તો ટકોરાપંથીના ત્રણ પ્રકાર પડે છે! સત્વગુણી ટકોરાપંથી જે ટકોરાને ટકોરાને માત્ર સાધન  માને છે અને હંમેશા પોતાનું લક્ષ બ્લોગની ગુણવત્તા તરફ રાખે છે. અને એ રીતે બ્લોગને વધારે ટકોરા પ્રાપ્ત કરાવે છે. બીજો પ્રકાર રજોગુણી ટકોરાપંથીઓનો છે.  જેઓ જેઓ બ્લોગની ગુણવતાની સાથે સાથે ટકોરા તરફ પણ લક્ષ આપતાં રહે છે. વળી વધારે ટકોરા પ્રાપ્ત કરવા માટે ચિત્રવિચિત્ર ઉપાયો અજમાવતા રહે છે.  ત્રીજો પ્રકાર તમોગુણી ટકોરાપંથીઓનો છે કે જેઓ પોતાના બ્લોગને વધારે ટકોરા પ્રાપ્ત થાય તે માટે કોઈ પણ કક્ષાએ જવામાં સહેજ પણ અચકાતા નથી!  આવા ટકોરાપંથીઓની બ્લોગસામગ્રી પણ સત્વહીન હોય છે!

હવે છેલ્લી વાત! કોઈ બ્લોગજન  જો એવું કહેતો હોય કે, તે ટકોરાને જરાપણ મહત્વ આપતો નથી! તો એનું બેમાંથી એક કારણ હોઈ શકે. કાં તો તે સ્થિતિપ્રજ્ઞ બ્લોગર હોઈ શકે અથવા તો પેલી “દ્રાક્ષ ખાટી છે ” એ વાર્તામાં આવતાં શિયાળ સમાન હોઈ શકે!

તો હવે આ પ્રવચન હું  પૂરું કરીશ કારણ  કે હવે સમય થયો છે ટકોરાગાનનો!

આટલું કહી ટકોરાનંદજી મંચ પરથી નીચે ઉતરીને બ્લોગજનોની પાસે પહોંચી જાય છે અને ત્રણ તાલીના તાલે શરૂ થાય છે… ટકોરાગાન!   તમે કરો  એનું રસપાન!

ટકોરાના તાલે …. ટકોરાના તાલે  બ્લોગી બ્લોગ લખવા જાયરે..

બ્લોગરની જાત કેવી  બ્લોગરની જાત.

રંગબેરંગી… રંગબેરંગી થીમના લહેરણિયાં  લહેરાયરે…

બ્લોગરની જાત કેવી  બ્લોગરની જાત.

ગાંડોઘેલો બ્લોગરિયો ને બ્લોગ એનો ગરબડિયો

ગાંડોઘેલો…  ગાંડોઘેલો બ્લોગરિયો ને બ્લોગ એનો ગરબડિયો

કેવી મજાની નાતરે … બ્લોગરની જાત કેવી  બ્લોગરની જાત.

ટકોરાના તાલે  બ્લોગી બ્લોગ લખવા જાયરે..

બ્લોગરની જાત કેવી  બ્લોગરની જાત.

ઓરો ઓરો આવ બ્લોગી ઓરો ઓરો

ઓરો ઓરો આવ બ્લોગી ઓરો ઓરો

બ્લોગે બેસી ખાઈલે તારાથી ખવાય એટલો પોરો

કેવી મજાની વાતરે … બ્લોગરની જાત કેવી  બ્લોગરની જાત

ટકોરાના તાલે  બ્લોગી બ્લોગ લખવા જાયરે..

બ્લોગરની જાત કેવી  બ્લોગરની જાત.

બ્લોગ  લખો…  બ્લોગી  બ્લોગ  લખો…

લખો ભૂસો…  બ્લોગી લખો ભૂસો..

બ્લોગને કાઠે બ્લોગરિયો પાડે અવનવી ભાતરે…

બ્લોગરની જાત કેવી  બ્લોગરની જાત

ટકોરાના તાલે  બ્લોગી બ્લોગ લખવા જાયરે..

બ્લોગરની જાત કેવી  બ્લોગરની જાત.

10 thoughts on “બ્લોગજગતમાં ટકોરાપંથ

 1. ટકોરાનંદની જય બોલતાની સાથે એક ટકોરો વાગી ગયો.

  અમે વડોદરાવાસી મહુવાનિવાસી બ્લોગાભિલાષિ ક્લિક્માર્ગી ટકોરાપંથી છીએ અને 1001 શ્રી શ્રી શ્રી પરમ પૂજ્ય પ્રાત:સ્મરણીય રાત:નિઁદનિય મહારાજ અંકેશ્વરના અઠંગ ચેલા છીએ. ક્યાંક બ્લોગવેદમાં કહેવાયું છે, અયમાત્મા બ્લોગર, ટંકણજ્ઞાને બ્લોગ, અહં બ્લોગાસ્મિ અને ટકોરાસ્મિ

  ગમે તે રાખવું, બીજું છોડી દેવું…..

 2. તાલીઓનાં તાલે… ટકોરા ગાન કરવાની મજા આવી. કોઇક જાણકારે આ ગીત સંગીતબદ્ધ કરવું જોઇએ (અલબત, મંજૂરી લઇ ને !) અમારો અવાજ તો ફક્ત બાથરૂમમાં જ ચાલે તેવો છે !
  “ટકોરા એ સાધન છે .. સાધ્ય નથી. માર્ગ છે પણ મંઝિલ નથી!” ઉત્તમ કક્ષાનું જ્ઞાન મહારાજ ટકોરાનંદજીએ આપ્યું. જામી ગયું !! આભાર.

 3. ટકોરાનંદ સ્વામીજી નો જય હો!!’માં ફલેષુ કદાચન’રાખી ને અમે લખતા રહ્યા તો ખુબ ટકોરા મળ્યા.આ સ્વામીજીએ ખુદ સારા ખણ ખણતા ટકોરા મારી ને અમારી સુષુપ્ત શક્તિઓ જગાડી છે.અને હજુ જગાડતા રહેશે એવી આશા છે.જોકે મિત્રો ટકોરા ને સાથે બેભાન થઇ જવાય તેવા ઘણ પણ માર્યા છે, પણ અમે એને ટકોરા સમજી ને જ આવકારીએ છીએ.જેનાથી જાગૃત રહેવાય.ટકોરાનંદ સ્વામીજી ને પાયે લાગીએ ને પ્રતિભાવ પૂરો કરીએ.

 4. ટકોરાની સંખ્યાને વાચકની સંખ્યા તરીકે લેખાવતા નાદાન બ્લોગરોને શું કહેવું?

  ટકોરાની માયાજાળ વિશે મારા બ્લોગ પર ટૂંકમાં એક લેખ જોવા મળશે, અચૂક વાંચજો!

  ‘ટકોરાગાન’ મજાનું બન્યું છે. મજા પડી.

 5. આપના બ્લોગદ્વારે બાંધેલું ટકોરાયંત્ર એ જડભરતની ઝૂંપડીના દ્વારે બાંધેલા હરણ જેવું છે! તમારો જીવ એમાં બંધાયેલો ન રહે તેનું ખાસ ધ્યાન રાખજો. !!

  હળવા હાસ્યની saathe ખુબ જ માર્મિક વાત કરી હંમેશ ની માફક … 🙂

 6. takoranandjee ne “bhalee padariya“ khush aamdid““wellcome“kahee swagtam karu chu… have …. sawal kario…..phelo bhaishree su naam aap nu jawab malio …….“.blogarlakho“ ……sawal kario……bijo aap na pitashree nu nam….jawab malio………“blogarbhuso“ gammat khatar lakh u che …riyaz na aadab

 7. બ્લોગના ટકોરાઓ ને ચટણી સાથે સરખાવી સુરેશભાઈએ ટકોરાવાદીઓ ના ટકોરાની સંખ્યાનો ઘાણ વાળી નાખ્યો…. અને છેલ્લે ખાટી દ્રાક્ષની વાતથી ટકોરા પંથમાં ન માનનારના શિયાળ પણાને ઉઘાડું પાડ્યું છે… હવે અમારા માટે ટકોરા પંથમાં રહેવું કે તેના ટીકાકાર થવું તે અઘરું થઇ પડ્યું છે..

 8. સરસ શૈલિમાં વિનોદી વ્યંગ. મારા બ્લોગ પર મેં ટકોરા ગણતાં ઉપકરણને -ખણખણ ચીપિયો- નામ આપ્યું છે. જે રાખમાં ખોડાયેલો હોવાથી ખાસ ખણખણતો નથી. છતાંય બ્લોગચર્મ પર સમાધિભંગની સંપ્રાપ્તિ જરાય દુષ્કર નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s