શું બ્લોગજગત મિથ્યા છે?

[ કડક ચેતવણી: આ એક નર્યો ગમ્મતલેખ છે. અમારી અન્ય ગમ્મત રચનાઓની જેવો જ! જેમાં ‘જગત’ કે ‘જીવન’ કે ‘મિથ્યા’ જેવા શબ્દોથી ગેરમાર્ગે દોરવાઈને;આ લેખ  જીવન કે જગત બાબતે ઉચ્ચ વિચારો ધરાવતો લેખ હશે એમ માની લેવું નહીં.  જેઓ જીવન કે જગત બાબતે ખરેખર ઉચ્ચ અને ગંભીર ચર્ચાની અપેક્ષા રાખતા હોય તેમની અપેક્ષા અહીં સંતોષી શકાશે નહીં. એવા ઘણા સ્થાનો આ બ્લોગજગતમાં ઉપલબ્ધ છે. જે સ્થાનો પર આવી બાબતોની ઘણીજ  નિષ્ઠાપૂર્વક ચર્ચા થાય છે.  જે સ્થાનોની મુલાકાતથી અમને પણ આનંદ પ્રાપ્ત થાય છે. પણ અત્રે, અમે જણાવ્યું તેમ માત્ર યથાશક્તિ  ગમ્મતને જ અવકાશ છે.]

મિત્રો,

અત્રે અમે શ્રી પંચમ શુક્લ (પ્રત્યાયન) સાથે કરેલી બ્લોગછૂટી વાત રજૂ કરીએ છીએ.

[1]અમારો હેતુ હાસ્યરચના રજૂ કરવાનો હોય ત્યાં અન્ય લેખકોની જેમ નિરીક્ષણ કરીને સામગ્રીની નકલ કરીએ છીએ. તેમાં અમારી અક્કલ ઉમેરીએ છીએ. એ રીતે સામગ્રીની શકલ બદલી નાખીએ છીએ. એ રીતે આનંદ મેળવવાની અને આપવાની કોશિશ કરી છીએ. ક્યારેક મહેનત લેખે લાગે તો ક્યારેક ન પણ લાગે.
બ્લોગજગત અમારી મનગમતી જગ્યા છે. અમે એને ખૂબ ખૂબ ચાહીએ છીએ. એટલે તો એના વિષે ઘણું ઘણું લખીએ છીએ. તમે જોયું હશે કે અમે અમારા બ્લોગ પર એક ટેગ “બ્લોગજગત” ની રાખી છે. જેમાં બ્લોગજગતને લગતી વિવિધ બાબતોને લગતી ચર્ચાઓ,વાર્તાઓ,ભવાઈ, સનેડો,પાંચકડાં, હાસ્યરચનાઓ, આરોગ્યકૅમ્પ વગેરે મૂક્યાં છે. જેમાં બ્લોગલેખન, ગઝલલેખન,ગીતલેખન, કૉપીપેસ્ટ, કોમેન્ટ-પ્રાપ્તિ, બ્લોગમુલાકાતીઓ ..જેવી ઘણી બાબતો પર હળવાશભર્યાં લખાણો લખ્યાં છે. અન્ય મિત્રોને પણ પ્રોત્સાહિત કર્યા છે. ગમશે ત્યાં સુધી કરીશું. બાકી જેવી બ્લોગેશ્વરની મરજી.

[2] બ્લોગજગત પ્રત્યેના પ્રેમના કારણે અમને અલગ શબ્દકોષ બને એવા શબ્દો પણ સૂઝતા રહે છે. જેવા કે: બ્લોગાચાર્ય, બ્લોગાનંદજી, બ્લોગેશ્વર, બ્લોગનારાયણ , બ્લોગલેખન, બ્લોગનગર, બ્લોગવાડી, બ્લોગખેતર,બ્લોગબજાર,બ્લોગટેકરી, બ્લોગસાગર, બ્લોગાધિપતિ, બ્લોગવિસ્તાર, બ્લોગદાતા, બ્લોગકહેવતો, બ્લોગભવાઈ, બ્લોગચોર.. વગેરે બગેરે. એટલું જ નહીં પણ “બ્લોગવૈરાગ્ય” જેવો શબ્દ પણ અમને સૂઝ્યો છે. જે કયારેક લેવો પણ પડે!!!! હા! હા! હા!!!!

હે બ્લોગજનો,   ઘણા વખતથી અમારા મનમાં ઘુંટાઈ રહેલી વાત અમે પંચમભાઈ સાથે  વહેંચી. એ જ વાત  આજે અમે તમારી સાથે પણ વહેંચી. આથી પણ વિશેષ એક સવાલ  અમે તમારી સાથે આજે ચર્ચવા માંગીએ છી કે: શું બ્લોગજગત મિથ્યા છે?

આ પવિત્ર બ્લોગોત્તમ  મહિનામાં આ પ્રશ્ન ઘણાં બ્લોગજનોને સતાવતો હશે. અમે આ બાબતમાં સ્પષ્ટ છીએ. અમે એને માણવામાં માનીએ છીએ. હાલના તબક્કે રસ પડે છે કે નહીં એ મહત્વનું છે. જો રસ પડે છે તો પછી : આજની પોસ્ટ લખીએ રે કાલ્ય કોણે દીઠી છે…

જે લોકો બ્લોગજગતને મિથ્યા  કહે છે એ લોકોને અમારો સવાલ છે કે: જો બ્લોગજગત મિથ્યા છે તો ક્યું જગત સત્ય છે? એમ તો આપણે જે જગતમાં રહીએ છીએ કે જેને આપણે વાસ્તવિક જગત કહીએ છીએ તે જગતને પણ મિથ્યા નથી કહેવાતું? ને છતાં એ કહેવાતા મિથ્યા જગતમાં ભોજન કરતી વખતે ભોજન મિથ્યા કેમ નથી લાગતું? જેમ કોઈ બ્લોગર પોતાના બ્લોગમાં એક જ ઝપાટે  ડઝન બે ડઝન પોસ્ટ મૂકતો હોય ત્યારે તેને પોતાનો બ્લોગ પાપી નથી લાગતો પણ અતિપવિત્ર લાગે છે: તેમ ડઝન બે ડઝન પાણીપૂરી પોતાના પેટમાં પધરાવનારને જે તે વખતે પોતાનું પેટ પાપી નથી લાગતું પણ  અતિ પવિત્ર લાગે છે! ચાલો, કદાચ કોઈ એમ દલીલ કરશે કે:ભાઈ, અમે એવો વિકૃત આહાર નથી લેતા. માત્ર સાત્વિક ભોજન જ લઈએ છીએ. તો એ કહેવાતું સાત્વિક ભોજન લેતી વખતે પણ હંમેશા માપ જળવાય છે ખરું? તે વખતે જગત મિથ્યા કેમ નથી લાગતું? ને જેને તમે સાત્વિક ભોજન કહો છો તે હંમેશા સાત્વિક હોય છે ખરું? એમાં ભેળસેળ નથી એની શી ખાતરી? અરે! ક્યારેક ક્યારેક તો સાત્વિક ભોજનના નામે જે ભોજનચટાકા મહોત્સવ ઉજવાય છે એના કરતાં તો ભૂખ્યાજનોનો જઠરાગ્નિ ઠારતું કોઈ સસ્તું પરોઠાહાઉસ સાતગણું સારું!!!

અમારું કહેવું એમ છે કે: આપણે  જેને વાસ્તવિક જગત કહીએ છીએ તે જગત પણ શંકાના ઘેરામાં હોવા છતાં પણ આપણે એને માણીએ છીએ. મિથ્યા કહેતાં કહેતાં પણ માણીએ છીએ!  તેમ બ્લોગજગતને પણ માણીએ. અગર આ જગત એક સપનું છે તો બ્લોગજગત એ સપનામાં આવેલું સપનું છે. અગર આ જગત એક નાટક છે તો બ્લોગજગત એ નાટકમાં પણ નાટક છે!!

આપણે ઘણી વખત કહીએ છીએ કે: અપેક્ષા જ સર્વ દુ:ખોનું મૂળ છે. છતાં અપેક્ષા રાખીએ છીએ ને દુ:ખી થઈએ છીએ. કારણ કે એવું કરવામાં પણ  આપણને મજા આવતી હોય છે!  બ્લોગજગતને પણ આ જ તત્વજ્ઞાન લાગું પાડી શકાય! જેમ કે બ્લોગરચના પછી આપણે જાતજાતની અપેક્ષાઓ રાખીએ છીએ. જેવી કે:

વધુને વધુ મુલાકાતીઓ મળે..[પછી ભલે એમાંથી મોટાભાગના માત્ર ડોકિયાં કરીને જતા રહ્યા હોય.]

વધુને વધુ પ્રતિભાવકો મળે…અને એકે એક પ્રતિભાવ ઠાવકો મળે!

વધુને વધુ બ્લોગચાહકો મળે…

વધુને વધુ બ્લોગમિત્રો મળે…

ને એવી અગણિત અપેક્ષાઓ!

ને આ અપેક્ષાઓ જ્યારે નથી સંતોષાતી ત્યારે મનમાં બ્લોગવૈરાગ્ય જાગે છે. જેમ આપણા માથામાં ક્યારેક પહેલોવહેલો સફેદ વાળ જાગે છે!! પણ આપણે  સફેદ વાળનો પણ ઉપાય કરીએ છીએ. પહેલાં તોડવાનો અને પછી થાકીને એને  મનગમતાં રંગે રંગીને પણ  પાલવવાનો! જાળવવાનો અને જેવો છે તેવો પણ જોઈને રાજી થવાનો!! તો મિત્રો, બ્લોગજગતને પણ જાળવવાનું છે.. પાલવવાનું છે… જોઈને રાજી થવાનું છે… મિથ્યા છે મિથ્યા છે એવા રુદન સાથે પણ માણવાનું છે!

આપણું આ ગુજરાતી બ્લોગજગત તો હજી શરૂઆતના તબક્કામાં છે. હજી તો ઘણું ઘણું રચાવાનું બાકી છે. જેમ કે: બ્લોગપુરાણ, બ્લોગગીતા, બ્લોગોપનિષદો, બ્લોગભાષ્ય, બ્લોગરહસ્ય… જેવા અનેક ગ્રંથો રચાવાના બાકી છે. જેની જવાબદારી આજના યુવાન બ્લોગર્સ પર છે.

એવું પણ બને કે : ભવિષ્યમાં તમારાં સંતાનો કે પછી એમનાં સંતાનો ગુજરાતી બ્લોગોલોજીનો વિષય ભણતાં હોય અને એમાં જ્યારે એક સવાલ એવો પૂછાય કે: ગુજરાતી બ્લોગોલોજી બાબત સહુથી પહેલો વિચાર ક્યા મહાબ્લોગરને આવ્યો હતો? ને એના જવાબમાં તેઓ એક માર્કની રોકડી કરવા માટે આંખો મીંચીને અમારું નામ લખી નાંખે!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!હાહાહાહાહાહાહાહાહાહાહા……….

આ માથું ફાડી નાંખે એવી ગરમીમાં આમ્રકુંજેથી પ્રગટતાં કોકિલના  ટહુકા  જેવા વિચારો અમારા મનબાવળિયેથી પ્રગટે છે! હોઈ શકે કે અમને કશું મતિભ્રમ જેવું થયું હોય!!!!

ચલો ત્યારે એ વાત પર અટકીએ! આવજો અને જલસા કરજો.

બોલો શ્રી બ્લોગનારાયણની જય!

શ્રી બ્લોગાનંદ મહારાજની જય!

સ્વામી શ્રી ચિત્તભ્રમજીની જય!

શ્રી બ્લોગિયાબાપુની જય!

સમગ્ર બ્લોગજગતની જય!

Advertisements

12 thoughts on “શું બ્લોગજગત મિથ્યા છે?

  1. શ્રી યશવંતભાઇ, નમસ્કાર, ’કાર્તિકભાઇ’ જેવા ટેકનોક્રેટ આવી સરસ કાવ્યકણિકા (ભૂખ્યાં જનોનો …) બનાવી જાણે છે તે આજે જ જાણ્યું !!
    બ્લોગોલોજી, બ્લોગવૈરાગ્ય…… અરે ભાઇ હું કેટલાક શબ્દો કોપી કરીને અહીં ચોંટાડું !!! ’બ્લોગ…’ થી શરૂ થતા આપના શોધેલા બધા જ શબ્દોમાં જામી સાહેબ !! (આ મેં કશું સમજાણું કે ન સમજાણું !! તો પણ પ્રતિભાવ આપ્યોને ? આવી રખતરખા રાખજો સાહેબ !! મિથ્યા હોય તો પણ શું, જગતતો છે ને ? તો તૃષ્ણા તો રહેવાની જ !!) બ્લોગેશ્વર ભગવાનની જય.

  2. આદરણીય બ્લોગાચાર્ય મહારાજ,

    બ્લોગોલોજી અમારા રસનો વિષય રહ્યો છે. જો કે એમાં અમે હવે MBBS (માસ્ટર્સ ઓફ બ્લોગિઁગ એન્ડ બ્લોગર ઓફ સર્જરી) કરી શકવાનો પ્રયત્ન કરતા નથી. ભવિષ્યમાં MBA (માસ્ટર્સ ઓફ બ્લોગોલોજી એનાલિસીસ), BE (બ્લોગોલોજી એન્વાયરોન્મેંટ), BCom (બ્લોગ કોમેંટીઁગ), BSc (બ્લોગીઁગ એંડ સાઈટ કંસ્ટ્રક્શન) વગેરેમાંથી કોઈ એક ડીગ્રી લેવાનો પ્રયત્ન કરીશું. આપના માર્ગદર્શન (ટ્યૂશન) ની આવશ્યકતા પડશે……

    જો કે પરમ બ્લોગાળુ બ્લોગેશ્વર કહી ગયા છે તેમ, “આ બ્લોગમાં તેં શું લખ્યું અને શું ડીલીટ કરીને જવાનો છે? પોસ્ટ કર, કોમેંટ્ની ચિઁતા ન કર.” એવા પરમસત્યને માનીને અમે આ કોમેંટ કર્યાનો મોહ પણ છોડી દઈએ છીએ…..

    • જીગ્નેશભાઈ .. બ્લોગગીતા નું આ સુવાક્ય ” આ બ્લોગમાં તેં શું લખ્યું અને શું ડીલીટ કરીને જવાનો છે? પોસ્ટ કર, કોમેંટ્ની ચિઁતા ન કર.” દરેક બ્લોગર ના જીવનમાં ઉપયોગી બનશે … 🙂

  3. રામ: રામૌ, રામા: સંસ્કૃતમાં વ્યાકરણની વિભક્તીઓ ગોખતા, એમ

    બ્લોગ:, લખી લખી હરખે સદા, બ્લોગમ લખી લેખક બને,
    બ્લોગાણામ પ્રતિભાવ મંગલ કરે. પ્રતિભાવને ફરી ફરી જુએ
    બ્લોગેણા વિહતા પ્રતિભાવ, દુ:ખી બને, બ્લોગી તોય ફરી જુએ.
    બ્લોગાત કેમ કરી છુટે હવે ? બ્લોગાય તસ્મૈ નમ:

  4. બ્લોગ પર જ બ્લોગ વિશે બ્લોગછૂટી વાત કરી,
    તમે અમને યાદ કર્યા, અમે તમને દાદ ધરી.

    બ્લોગ અને બ્લોગજગતને હળવા છતાં ફિલસુફાના અંદાજમાં વિશ્લેષતો લેખ.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.