તમારે તમારા બ્લોગની તબિયત મફતમાં બતાવવી છે?

[આગોતરા જામીન: અમે આ અહેવાલ વાસંતી વાયરાની અસર હેઠળ રંગીન મનોદશામાં તૈયાર કરેલો છે! કોઈ મિત્રને ખોટું લાગે તો અમારી પાસે એક જ જવાબહશે કે: બૂરા મત માનો ભાઈ, હોલી હૈ.]

બ્લોગજગતમાં અનેરી ચહલપહલ શરૂ થઈ ગઈ. વાત એમ હતી કે વિવિધ બ્લોગલેખકોના આગ્રહથી  વૈદરાજ શ્રી બ્લોગાચાર્ય પધારવાના  હતા અને તેઓ  બ્લોગની નાડી તપાસી ને યોગ્ય ઔષધ વિના મૂલ્યે આપવાના  હતા. આ અનેરી  તકનો લાભ લેવા કેટલાય બ્લોગલેખકો પોતપોતાના બ્લોગને આંગળીએ  વળગાડીને લાઈનમાં ઊભા રહી ગયા હતા.

યશવંત ઠક્કર પણ પોતાના બ્લોગ અસરિયા કહેતા અસર ને  લઈને  સહુથી પહેલા ઊભા રહી ગયા હતા. એમને એમનો બ્લોગ ગાંઠતો નહોતો! વારેવારે આંગળી છોડાવીને ભાગી જતો હતો.એ ઘડીમાં  ઘડીમાં શાહરૂખખાનની વાત કરતો હતો તો  તો બીજી જ ઘડીએ  વિચિત્ર કહેવાય એવાં ભજન ગાતો હતો!  બધાં હસતાં હતાં એમ એમ એ વધારે ને વધારે ચગતો જતો હતો. યશવંત ઠક્કરને ઘણું નીચાજોયું થતું હતું પણ શું કરી શકે? એક બે વખત ઠપકો આપ્યો તો  એ ભાગી  જવાની વાત કરવા લાગ્યો!.

… ને બ્લોગાચાર્ય  આરોગ્યખંડમાં પધાર્યા. યશવંત ઠક્કર પોતાના અસરને ઢસરડીને અંદર લઈ ગયા. એમણે ફરિયાદ શરૂ કરી દીધી: “વૈદરાજ,આનો કશો ઇલાજ કરો. મનમાં આવે તે બોલ બોલ કરે છે. ચિત્ર વિચિત્ર કલ્પનાઓ કરે છે. ભાતભાતના ગાંડા કાઢે છે. બધાંને હસવાનું થાય છે ને આ ભાઈ ચગતા જાય છે.”

“એમાં વાંધો શો છે? ” વૈદરાજ બોલ્યા.” બીજાને હસાવે છે ને રડાવતો નથીને? “

“પણ એની હદ હોવી જોઈએને? બધું રીતે સારું લાગેને?”

” એ તો ભાઈ , જેવો તમારો ઉછેર!. “

વૈદરાજે અસરિયાની નાડી  પર હાથ મૂક્યો. માથા પર હાથ દબાવ્યો.તો અસરે પણ વૈદરાજની નાડી પર  પોતાનો હાથ મૂક્યો અને વૈદરાજનું માથું દબાવ્યું. યશવંત ઠક્કરે એની સામે આંખો કાઢી પણ અસર પર એની કોઈ અસર થઈ નહીં.

” થોડોક કલ્પના પ્રકોપ થયો છે. આખું માથું કલ્પનાઓથી ફાટ ફાટ થાય છે. પણ  ચિંતા જેવું નથી. ” વૈદરાજ બોલ્યા.

“પણ  મારી તો ઊંઘ  હરામ થઈ ગઈ છે. એના લીધે કોઈની ફરિયાદ આવે તો મને તો મરવા જેવું થાય!. “

“એવું કાંઈ ન થાય.ભલા માણસ,આ જમાનામાં તો બધા બ્લોગ એવા જ હોય. આ કલ્પનાશામક ચૂર્ણ આપું છું. કલાકે કલાકે એને ઠંડા જળ સાથે પીવડાવતા રહેજો.  ધીરે ધીરે સુધારો જણાશે. “

“પણ આવું થવાનું કારણ? “

” પ્રકૃતિ. બીજું કશું નહીં. એમાં તાત્કાલિક ફેર પાડવાના ધમપછાડા કરવાના નહીં.”

યશવંત ઠક્કર પોતાના બ્લોગને લઈને બહાર નીકળ્યા અને  વારો આવ્યો રાઉલજીનો.

ધગધગતા “કુરુક્ષેત્ર”  ને લઈને રાઉઅલજી વૈદરાજ ની સામે બેઠા. બોલ્યા:”વૈદરાજ, આ મારા  બ્લોગ નું શરીર ચોવીસે કલાક અને બારે મહિના ગરમ રહે છે. તમે  હાથ લગાડો તો ખ્યાલ  આવશે. ”

વૈદરાજે કુરુક્ષેત્રને તપાસ્યો ને કહ્યું કે: “આક્રોશજન્ય બીમારીમાં આવું થાય. બ્લોગ હંમેશા ફાટ ફાટ થતો હોય, એની આંખોમાં હંમેશા  લાલાશ રહેતી  હોય અને  વાણીમાં પણ ગરમાવો હોય! ”

” એનું કારણ ? ”

“અસમતોલ આહાર. તમે એને આક્રોશી પદાર્થો વધારે ખવડાવ્યા છે.  એનો પ્રકોપ થયો છે. એનું શમન કરવું પડે. આ લલિત ઘનવટીની ડબ્બી આપું છું. એમાંથી  રોજ સવાર .બપોર અને સાંજ બબ્બે ગોળીઓ  આપજો. આજુબાજુમાપણ  કોઈ કવિ કે શાયર રહેતા હોય તો એની પાસે રોજ એકાદ કલાક બેસાડજો. જેને લીધે એનામાં લલિત ભાવ જાગશે. થોડા દિવસો સુધી  ઐતિહાસિક વાતાવરણથી  દૂર રાખશો એટલે જરૂર ફેરપડશે. ”

“પણ પછી ઊલમાંથી ચૂલમાં પડવા જેવું નહીં થાયને? એ ગીતડાં ગાતો નહીં થઈ જાયને? મને એ નહીં પોસાય. જો એવું જ થવાનું હોય તો  આ લઈ લો તમારી દવા પાછી.”

“બાપુ, તમે આકરા ન થાવ. એવું કશું જ નહીં થાય.  એની ગરમ પ્રકૃતિ તો જળવાઈ જ રહેશે. આ તો જરા કોઠો ઠંડો કરવાની વાત છે. ”

” તો ઠીક”  કહીને રાઉલજી કુરુક્ષેત્રને લઈને બહાર નીકળ્યા.

… ને  વિનયભાઈ પોતાના બ્લોગ funngyan.com [ફનગ્યાનને] લઈને અંદર ગયા.

ફનગ્યાનના હાથમાં  રમકડાની ગન હતી અને તે વારેવારે  એનાથી નિશાન તાકતો હતો! અંદર જઈને તે દવાખાનામાં ખાંખાખોળા કરવા લાગ્યો.વૈદરાજના ટેબલ પર એક ચબરખી પડી હતી જેમાં એક શાયરી લખેલી હતી.

” આ શાયરી કોણે લખી છે? ” ફનગ્યાને પૂછ્યું.

“મેં  હમણા જ લખી છે. કેવી લાગી? ”

“જૂઠું ન બોલો. આ શાયરી મેં વર્ષો પહેલાં વાંચેલી છે. તમે કેવી રીતે લખી  હોય?”

“અરે દોસ્ત, હું ભૂલી ગયો.આ શાયરી તો  મેં  મારા મોબાઈલના મેસેજબોક્ષમાંથી જોઈને લખી છે.  એ ક્યા શાયરે લખી છે એની મને નથી ખબર. ”

“ખબર ન હોય તો એની નીચે “અજ્ઞાત” લખો.  જે  સારું લાગે તે તમારા નામે ચડાવી દેવાની ટેવ સારી નથી “

વૈદરાજે આનાકાની કરી પણ ફનગ્યાને પીછો છોડ્યો નહીં એટલે છેવટે એમણે  પેલી શાયરીની નીચે “અજ્ઞાત’ લખ્યું .

”  વિનયભાઈ, આ તે તમારો બ્લોગ છે કે  જાસૂસ? ”

“શું કરું?આનો કશો ઇલાજ કરો. એને નકલખોરી સિવાય બીજું કશું ધ્યાનમાં જ નથી આવતું! ઘણાં બ્લોગલેખકોની આંખે ચડી ગયો છે!”

” પણ એમાં ખોટું શું છે? આપણા સમાજમાં પોલિસખાતાની જરૂર કેમ છે? એટલા માટે છે કે  સમાજમાં ચોરી કે ઉઠાતંરીના કિસ્સા અવારનવાર બને છે. બ્લોગજગતમાં પણ જાણ્યે અજાણ્યે અન્યની રચનાઓ પોતાના નામે મૂકનારા બ્લોગધારીઓનો તોટો નથી.  શહેરમાં પોતાની ગાયોને છૂટી મૂકનારા માલધારીઓ જેવા જ આ બ્લોગધારીઓ છે.  એ લોકોમાં  તમારા  આ બ્લોગ દ્વારા પર થોડોઘણી સમજ આવતી હોય તો  એ સારું જ છે ને? ”

“પણ આ બીજાંની આંખે ચડવાના ધંધા ક્યાં સુધી? “

“જૂઓ ભાઈ, દરેક બ્લોગજન એવું જ વિચારે કે હું ચૂપ જ રહું , અળખામણો ન થાઉં કે જેમ ચાલતું હોય તેમ ચાલવા દઉં  તો પછીઆ સુંદર મજાના બ્લોગજગતની દશા કેવી થાય? એમાં ને ચોરબજારમાં કશો ફેર રહે ખરો? ”

” પણ તોય કશી દવા આપો. એ  ગીત કે ગઝલ  બોલતો થાય એવું કરો. ”

વૈદરાજ ખડખડાટ હસ્યા. ” હવે આની તાસીર ન બદલાય! પણ એક કામ કરો. એને ખાંખાખોળા તો કરવા જ  દો.એમ કરીને નવા નવા ઉત્સાહી બ્લોગલેખકોને પ્રકાશમાં લાવવા દો. એમને મદદરૂપ થવા દો.  જૂના, જાણીતા અને કહેવાતા વિદ્વાન લેખકોનું એંઠું ચાટનારાં અને ચટાવનારાં તો આ બ્લોગજગતમાં બહુ છે. હરાયા ઢોરની જેમ એની એ જ રચનાઓ  બ્લોગજગતમાં શીંગડાં ઉછાળતી ઘૂમી રહી છે. એની પૂજા કરનારા ભલે કરતાં.પણ તમારો ફનગ્યાન જો  નવા બ્લોગરની રચાનાઓને નકલખોરીથી બચાવશે અને એને પોતાની ઓળખાણ મળે એવું કરશે  તો  બ્લોગજગત માટે  સારું કામ કર્યું કહેવાશે. ફનગ્યાન , નવા બ્લોગલેખકોને બ્લોગરચનામં કોઈ તકલીફો પડતી હોય તો એને સહાય કરશે તો જરૂર એ હકારાત્મક પ્રવૃત્તિ કહેવાશે. બ્લોગજગતમાં તાજગીને અને નવીનતાની જરૂર  છે. બાકી ,તમારો આ ફનગ્યાન ગીત કે ગઝલ  બોલતો થાય એવી કોઈ દવા નથી. અને એ એવું કરે  એ જરૂરી હોવાનું હું માનતો  પણ નથી. માટે એને ખુશીથી ખાંખાખોળા કરવા દો. એને નવરો ન પડાવા દેતા. ”

વિનયભાઈ અને વૈદરાજની મુલાકાત લાંબી ચાલત પણ બહાર લાઈનમાં ઊભેલા બ્લોગલેખકો અધીરા થયા હોવાથી, વૈદરાજ પાસેથી  ફરી મળવાના વચન સાથે વિનયભાઈ પોતાના ફનગ્યાનને લઈને બહાર નીકળ્યા અને હેમંત પુણેકર પોતાના ઊંઘતા બ્લોગ ” હેમકાવ્યો” ને  લઈને અંદર આવ્યા. 

વૈદરાજને નમસ્કાર કરીને હેમંતભાઈએ “હેમક્કાવ્યો”ને ટેબલ પર સૂવડાવી દીધો અને ચિંતા વ્યક્ત કરી. ” વૈદરાજ,  આ મારો બ્લોગ ઊંઘ્યા જ કરે છે. ઊઠવાનું નામ નથી લેતો. “

” કયારથી આવું થયું છે?”

” બે મહિના થવા આવ્યા. જૂઓને, એની નોંધ  “કવિતા’ અને “દિવ્યભાસ્કરે”  લીધી ત્યારપછી જ આવો થઈ ગયો છે. મોટાભાગે સૂનમૂન જ પડ્યો રહે છે. એ  વધારે પડતી ખુશીને લીધે એવો થઈ ગયો હશે? “

“બની શકે.” વૈદરાજે ‘હેમકાવ્યો” ને તપાસ્યો અને આગળ બોલ્યા:”  આનો કોઠો તો ઘણો જ તેજ છે. ભલભલી વાહ વાહ કે ટીકાને પચાવી શકે એવો છે.”

” તો પછી શું થયું હશે? એને હજી ઘણી જ મંઝિલ કાપવાની છે. આમ અત્યારથી જ આળસુ થઈને પડ્યો રહે એ બરાબર તો નથીને? “

“ચિંતાનું કોઈ કારણ નથી. હેમંતભાઈ,તમારો બ્લોગ પહેલીથી જ ઓછું બોલનારો,પણ જ્યારે બોલે ત્યારે ભલભલાનું ધ્યાન ખેંચાય એવું બોલનારો છે. એમાંય થોડાક મોટા માણસોનું ધ્યાન ખેંચ્યા પછી એ હવે પોતાની જવાબદારી વધી ગઈ હોવા નું માનવા લાગ્યો હોય એવું બની શકે છે. એના લીધે એ નિષ્ક્રિય થઈ ગયો  હોય એવું  લાગે છે. એને થોડોક  સક્રિય કરવો પડે! “

“કોઈ દવા?”

“આ ‘ સક્રિયતા લેપ’  આપું છું. એના કપાળે રોજ રાતે લગાડજો. સવારે ઊઠશે ત્યારે એક નવી ગઝલ  લઈને ઊઠશે.

“રોજ એક ગઝલ? મારો બ્લોગ રોજ ઊઠીને  ગઝલ રજૂ કરે એ મને ન પોસાય! એની ગુણવતાને અસર ન થવી જોઈએ. ”

“નહીં થાય. જે  રચનાઓ  એના મનમાં એકઠી થઈ ગઈ  છે એ  બધી પ્રગટ થઈ જશે ત્યારપછી બધું જ રાબેતા મુજબ થઈ જશે.”

વૈદરાજનો આભાર માનીને હેમંતભાઈ બહાર નીકળ્યા એટલે વારો આવ્યો  પંચમ શુક્લનો. પોતાના બ્લોગ પ્રત્યાયન  ને  લઈને તેઓ વૈદરાજની સામે બેઠા.

“તમારા બ્લોગનું કપાળ તો ઝઝગારા મારે છે. ભારે તેજસ્વી બ્લોગ  છે.” વૈદરાજ બોલ્યા.

એટલામામાં પ્રત્યાયનનું ધ્યાન એક લાકડી તરફ ગયું.એ મોટે મોટેથી બોલવા લાગ્યો:”બડીકો!બડીકો!” લાકડીનીબાજુમાં એક પથ્થર હતો.એ જોઈને પ્રત્યાયન ખુશ થઈને બોલવા લાગ્યો કે: “પાણકો!પાણકો!”

“જોયું વૈદરાજ, એ ગીત અને ગઝલમાં એવા એવા જૂના શબ્દો બોલે છે કે લોકોને શબ્દકોષનો સહારો લેવો પડે છે.”

“ભલા માણસ.  તમારે તો  રાજી થવું જોઈએ. આપણી ભાષાના ભુલાયેલા  શબ્દોને વીણી વીણીને રજૂ કરે છે.  એ પણ સાહિત્યમાં!”

“પણ એનો અતિરેક તો સારો નહીંને? મને અતિરેક થવાની બીક લાગે છે? ”

વૈદરાજે પ્રત્યાયનની નાડી પર હાથ મૂક્યો.  “ધબકારા એકદમ  લયબદ્ધ છે. શંકાને કોઈ સ્થાન નથી. ”  તેઓ બોલ્યા.

“કોઈ સારવારની જરૂર? ”

“મને તો જરૂર લાગતી નથી.એની ક્યારેય  કોઈ  ફરિયાદ આવી છે? ”

“ફરિયાદ તો  નથી આવી. પણ કદાચ આવે તો?”

” આવે ત્યારની  વાત ત્યારે. અત્યારે તો મને  દવા આપવા જેવું લાગતું નથી. ”

“દવા નહીં. ઔષધ કહેવાય. ”  પ્રત્યાયન  બોલ્યો.

“જોયું એનું ડહાપણ! ” પંચમજી બોલ્યા.

” અમારા જેવાના કાન પકડે એવો છે. પંચમજી.  આની સારવાર  ન હોય! ‘ વૈદરાજ હસતા હસતાબોલ્યા.

… અને પંચમજી હસતા હસતા બહાર નીકળ્યા.

મિત્રો,  અમે આટલો  અહેવાલ આપીને અટકી એ છીએ.  અમરે બ્લોગલેખન કરવાનું હોવાથી અમે વધારે વખત  બ્લોગલેખનના દવાખાને  રોકાયા નહોતા.  પણ અમે એટલું જરૂર કહીશું કે સહુ બ્લોગલેખકોએ પોતાના બ્લોગની તબિયત મફતમાં બતાવવાનો આ મોકો જતો કરવા જેવો નથી!!

આવજો અને જલસા કરજો.

61 thoughts on “તમારે તમારા બ્લોગની તબિયત મફતમાં બતાવવી છે?

   • બ્લોગાચાર્યનું કહેવું છે કે સમગ્ર બ્લોગજગતમાં તમારા બ્લોગની તબિયત ઉદાહરણરૂપ છે. ખૂબ જ ખુશમિજાજી, નિખાલસ અને સ્પષ્ટવક્તા હોવાથી તબિયત સારી બનાવી છે. વળી પોતાની તાકાત પ્રમાણે જ જોર કરે છે. ખોટું ઉર્બળ કરતો નથી. જેથી શક્તિ જાળવી રાખે છે. ગીત.. ગઝલ વગેરેથી દૂર રહે છે. પણ એ એની પ્રક્રુતિ હોવાથી એમાં ફેર નહીં થાય. પણ હાલ
    માં રાવજી પટેલ જેવા લેખકોમાં રસ ધરાવતો થયો છે એ ખૂબ જ આનંદ અને નવાઈની વાત છે. બને તો થોડું ઘણું વાર્તા કે કાવ્યપાન કરાવશો તો સારું ગણાશે. બાકી, સારવારની જરૂર નથી.

  • સારવાર બિલકુલ મફત છે. વળી દવાની કોઈ આડ અસર નથી. બ્લોગાચાર્ય વારંવાર આવાવાના નથી. તમારા બ્લોગનું નામ…. જીવન પુષ્પ … અમારા બ્લોગના પ્રથમ પાને નજરવગું હોવાથી લખી લીધું છે. વારા ક્રમાંક 3 છે.

   • સરસ સરસ ..

    અને પ્રથમ પાને જ મારા બ્લોગનું નામ તમે હાથવગું રાખ્યું છે એ મેં ઘણા વખત થી જોઈ રાખ્યું હતું … 🙂 એ જ રીતે મેં પણ તમારા બ્લોગ નું નામ હાથવગું રાખ્યું છે …
    પણ હવે તો સારવાર થવાની રાહ જોઉં છું .. ટોકન તો આવી ગઈ છે .. નંબર પણ આવી જશે ..

   • બ્લોગાચાર્યનું કહેવું છે કે તમારો બ્લોગ પ્રમાદવાયુનો શિકાર થયેલ છે. પાંચ છ મહિનાઓ સુધી નિષ્ક્રિય રહે છે. સારી તબિયત ન કહેવાય. નિયમિતપણે સક્રિયતાલેપ લગાડીને ઉપરથી સર્જકતાનો પાટો બાંધવથી લાભ થશે. દરરોજ દસેક બ્લોગ સુધી ચલાવવો. લેખનની હળવી કસરતો કરાવવી.

  • રજનીભાઈ. માફ કરજો . અહીં તો સોનેરી કાગળનાય ફાંફા છે. પણ આપની વાત જન્મોજનમ ધ્યાનમાં રાખીશું. જે ભવે વેંત થશે તે ભવે સોનાથી મઢેલ ટોકન આપી દઈશું. રાહ જોવા વિનંતી.

  • સોનડે મઢેલ ટૉકન નહી તો સોનેરી સલાહ તો આપવી’તી.. આપણે તો ભાઈ “મફતિયા પરા”માં રહેવા વાળા એટલે બધુ મફતનું હોય ત્યાં લાળ પાડીયે…. એની વે હવે તો વૈદરાજ “ભાગી” ગયા એટલે લમણે હાથ દાઈને બીજા બધાની જેમ હું પણ મારા બ્લોગડાને લઈને વેઈટીંગમાં બેઠો છું…. હો શકતા હૈ શાયદ આ ભી જાયે.

   • આવા હટ્ટાકટા બ્લોગને વારેવારે ભાષાઅશુદ્ધીનાં ઠહકાં આવે એ વાત બ્લોગાચાર્યને ઠીક ન લાગી. [રહુય કે રહ્યું? .. ગયી કે ગઈ?] સામાન્ય ઉધરસ જો લાંબો સમય રહે તો હાનિકર્તા નીવડે એવી જ રીતે આવાં ઠહકાં ભવિષ્ય માટે સારાં નહીં. નિયમિતપણે શુદ્ધ ભાષારસ પીવડાવવો જરૂરી છે. ખાસ કરીને ક્રિયાપદ લેખનની હળવી કસરતો કરાવવી.
    યાદ રહે. બ્લોગનું ગાડુ ગબડાવવામાં તકલીફ પડે એવું નથી. વાત એને રાજમાર્ગ પર દોડાવવાની છે… અને તાકાતવાળો હોવાથી દોડશે પણ ખરો.

    • યશવંત ભાઈ , આપના મિત્ર શ્રી વૈદરાજ તો ભારે કુશળ છે!! તેમણે તો સરસ નાડ પકડી , તેમના દ્વરા કરવા માં આવેલા સૂચનો નો અમલ હવે જલ્દી થી શરુ કરી દેશું. તો હવે બીજી મુલાકાત માટે શ્રી વૈદરાજ ને ક્યારે મળવું ?

 1. બ્લોગમિત્રો, માત્ર એક ગમ્મત ખાતર મૂકેલા લેખને આટલો હકારાત્મક પ્રત્યુત્તર મળશે એવી ધારણા નહોતી. આ તો અમારી કસોટી થવા લાગી છે! અત્રે ખૂબ જ નમ્રતાપૂર્વક અમારે કહેવું છે કે: અમે પણ સાજીનરવી તબિયત ધરાવતા બ્લોગના વાલી છીએ. બે ઘડી આનંદ માટે આ રમત લઈને બેઠા છીએ. પ્રતિભાવ દ્વારા આ રમતમાં સહભાગી થનાર સહુનો ખૂબ જ આભાર માનીએ છીએ. .. ને લખ્યું કારવ્યું માફ કરજો.

 2. પ્રિય યશવંત ભાઈ,

  અમારા બ્લોગનેય જરીક સેક કરી જોવો ને બાપલીયા…. કાંઈક ટીકડા બીકડા આપો, જોઈ તો ઈંજેસન દ્યો, હમણાં બે તૈણ વરહથી રોજ હવારના પો’રમાં પોસ્ટવા ઉપડે સે….. ને પસી હાંજે કોમેન્ટ જોવા બેહી જાઈ સી…… આનો કાંઈ ઉપાય સે?

  કો’ક આ દરદને ય જાણે, કો’ક આ પીડાને પિછાણે….. લ્યો, આંયાંય ઢંગધડા વગરની, સંદ વગરની કવિતાયું કરવા મંડ્યા…. હાલો કયેં વારો સે ઈ કે’જો, એ…….. ને આંય બેઠો સું…

  • જિગ્નેશભાઈ,
   બ્લોગાચાર્યના દ્વારા મફતમાં કરવામાં આવતા નિદાનનો લાભ તમારા બ્લોગને અપાવવા ભલે આવી ચડ્યા પણ બ્લોગાચાર્યએ તો ચોખ્ખું કહી દીધું કે આ બ્લોગને સારવાર તો ઠીક પણ તપાસની પણ જરૂર નથી.

 3. યશવંતભાઈ હું ય ખોડાતો ખોડાતો આવ્યો છું બાપલિયા. જરા મારા બ્લોગની નાડી પણ તમારા બ્લોગાચાર્યને બતાવવા વિનંતી છે. સાજો નવરો છેક જ નવરો થી ગીયો લાગે સે…

  • નટવરભાઈ, બ્લોગાચાર્યએ જણાવ્યું છે કે તમારા બ્લોગ જેવા દોડવીરને સારવારની કોઈ જરૂર નથી. એ દોડતો રહે એ જ એની દવા. એ દોડવાનું છોડશે તો જ સમસ્યા ઊભી થશે.
   વળી, મફત નિદાનનો લાભ લેવા તમારા બ્લોગે ચલાતું ન હોવાનો જે
   ડોળ કર્યો છે તે પણ બ્લોગાચાર્યના ધ્યાનમાં આવી ગયું છે!!!!
   આભાર.

 4. Yashwantbhai, me agad lakhyu hatu ke haji tamara bhatha ma ketla teer baki che!!? hahaha…kharekhar, tamara blog ne vanchi ne lage che ke, blog hoy to avo- na koi ni nakal ke na koi dwesh ni lagni, wah.
  Mara blog ni ummar haji parna ma suva jetli pan nathi thae, haji mara hath ma j suve che..hahahah, etle hamna to vaidyaraj ni seva no labh leva ni jarur nathi joto, sathe sathe, bijana nidaan ne sambhadi ne thodu ghanthe bandhi lidhu che, chalse.
  Sara lakhan badal abhaar tamaro.

 5. બહુ મઝાનું યશવંતભાઈ!

  વૈદરાજનું ઘૃતઅવલેહ, ઘૃતલેપન અને રસાયન જ બ્લોગ-લલાટને ઓજસ્વી રાખી રહ્યું છે.

  બડીકો, પાણકો ઔષધ પછી શલ્યચિકિત્સા જ આવવાની હતી. સારું થયું વેળાસર નીકળી ગયાં.

  • પંચમભાઈ, તમે આવી ગયા તો આનંદ થયો.વૈદકિય શબ્દભંડોળમાં તમારી સામે અમારું ગજું નહીં. પણ એક ગમ્મત સૂઝી અને અમલમાં મૂકી દીધી. બ્લોગમિત્રો સાથે ગમ્મત કરવાની છૂટછાટ પ્રથમ વખત લીધી છે. વિશ્વાસ હતો કે કોઈને ખરાબ નહીં લાગે! તમે આવી ગયા તેથી સારું લાગ્યું. વગર રજાએ તમને લાઈનમાં ઊભા રાખવા માટે ક્ષમા માંગીએ છીએ.

 6. આદરણીય બ્લોગાચાર્યજી,
  આપ જતા રહ્યા છો પણ જો શક્ય હોય તો મારા આળસુ પ્રક્રુત્તિના બ્લોગ http://www.mukuljani.blogspot.com નું નિદાન કરીને ઇલાજ સૂચવશો તો ઉપકાર થશે, જે કહેશો તે પથ્ય અને પરેજી રખાવીશ.

 7. ભાઇ… રસ્તામા બહુ ટ્રાફિક હતો અને અહિ લાઇન પણ મોટી હતી

  મોડો પડ્યો. પુ. વૈદ્યરાજશ્રી ફરી આવે તો અમારી એપોઇન્ટમેન્ટ

  જરૂર થી ફાળવવા વિનંતી.

  બહુ જ સરસ વૈદ્યરાજનુ ચેમ્બર ખોલ્યુ.અમારા જેવા નવસીખ્યાઓ માટે

  નવુ કઈક જણવા મળ્યુ. આભાર.

 8. પિંગબેક: બ્લોગાચાર્ય ની ફાકી « આખી દુનિયા ની પંચાત

 9. શ્રી નરેન્દ્રભાઈની સાથે સહમત છું, તમારા ભાથામાંનાં તીર જોતાં એનેય અર્જુનવાળું અક્ષય નામ આપવું પડે.

  આ નવી રજુઆતે એક મોટું કામ કર્યું તે સૌને એમાં ભાગીદાર બનાવી દીધાં !! બ્લોગજગતનું આ એક મહત્તવનું લક્ષણ ગણાવું જોઈએ – એક નવું પગલું અનેકને સાથે લઈ જાય ! તમે એક જ પોસ્ટથી કેટલાબધાંને સક્રીય કરી દીધાં ?! નિદાનકૅમ્પ ફક્ત નિદાનકૅમ્પ ન રહેતાં એક વર્કશોપ બની રહ્યો !!! આ એક અદ્ભુત અને સફળ પ્રયોગ કહેવાશે. બ્લોગજગતમાં આ એક જ પોસ્ટને પણ ‘સીમાચીહ્નરૂપ’ કહેવામાં મને સંકોચ નહીં થાય. તમે અન્યના બ્લોગને તપાસતાં તપાસતાં એક નવીન પ્રકારને સર્જી દીધો. વર્કશોપને બ્લોગજગત પર કઈ રીતે અપનાવી શકાય તે તમે બતાવી દીધું. ભલે તમે વારંવાર કહ્યાં કર્યું કે આ એક હળવી મજાક છે, કોઈએ માઠું ન લગાડવું, પણ આ નિદાનયજ્ઞમાં એવી ભીતિ દેખાઈ નથી.

  કેટલાક બ્લોગર્સ તો તમારી શૈલી સાથે મૅચ થઈને તમારી પરિભાષામાં જ બોલ્યા, એ માર્ક કર્યું ?? આયુર્વેદની પરિભાષા, બ્લોગ અને બ્લોગર્સની ખાસિયતો, એ સૌનું લગભગ સચોટ નિદાન અને ઔષધો પણ એકદમ બંધબેસતી ભાષામાં અને ઉપચારક્ષમ !!

  બ્લોજગતની વિશેષતાઓ, ઉપયોગીતા અને એનું ભવિષ્ય આજની આ પોસ્ટથી ઉજાગર થાય છે. ધન્યવાદ અને શુભેચ્છાઓ –

  • આદરણીય જુ. કાકા,

   તમારી વાત સાથે સંપૂર્ણ સહમત છું. આમ તો બ્લોગજગતમાં અવનવા પ્રયોગો થતાં જ રહે છે, પરંતુ આવા “ઈન્ટરએક્ટિવ” પ્રયોગો જેટલા યશવંતભાઈ મારફત થાય છે એટલા કદાચ બીજે ક્યાંય નથી. બ્લોગજગતની અને ખાસ કરીને “ગુજરાતી” બ્લોગજગતની કેટલી ક્ષિતિજો છે એ તેમની આવી પોસ્ટ મારફત ઉજાગર થાય છે, અને ગમ્મત સાથે નિખાલસતા અહીં ભરપૂર મળી રહે છે, એટલે તો આ ઓટલે ડાયરો ખૂબ જામે છે…

   જો કે છાપાંઓ કે પુસ્તકોના લેખકો માટે આવા કોઈ વર્કશોપ યોજાતા હોય એવું મારા ધ્યાનમાં નથી, જે ખૂબ જરૂરી છે. જો કે બ્લોગજગત આમ પણ ઘણી વાતો માટે આવનારા દિવસોમાં દિશા સૂચક બની રહેશે, આ કદાચ તેની શરૂઆત હોઈ શકે.

   આવી વધુ ને વધુ નવી ક્ષિતિજો સર થતી રહે એવી શુભેચ્છાઓ સાથે વૈદ્ય સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ. કોઈકને કાયમચૂર્ણ આપ્યું કે નહીં ??

   • જિગ્નેશભાઈ, અત્યારની તો ખબર નથી,પણ એક સમયે અમદાવાદ જ નહીં,અન્ય નગરોમા પણ આપોઆપ નાટકના પ્રયોગો થતા. જેમાં એક પાત્ર મનમાં આવે તેવો એક સંવાદ બોલે અને એના જવાબમાં અન્ય પાત્રો સંવાદો બોલતાં જાય.કશું જ અગાઉથી ગોઠવેલું નહીં. છતાંય નાટકનું વાર્તાતત્વ આગળ વધતું જાય એનું ધ્યાન રાખવાનું હોય! આવી ગમ્મત કરતાં કરતાં ઘણી વખત એકાદ નાટક તૈયાર પણ થઈ જતું. અમરેલીમાં શ્રી રમેશભાઈ પારેખ આવું કરાવતા.
    કવિતાના મંડળો તો આજે પણ સક્રિય છે. પણ અન્ય મંડળોની જેમ એમાં પણ અમુક મર્યાદાઓ પ્રવેશી જવાના જોખમો છે.
    દોડધામના આ સમયમાં રૂબરૂ મળવામાં અનેક અડચણો નડે જ્યારે બ્લોગજગતમાં કેટલી સરળતા છે!

 10. જુગલકિશોરભાઈ,
  નમસ્તે. તમે આવ્યા તો રાહત થઈ. તમને કદાચ થતું હશે કે :આ મિત્ર, સળગતા અંગારા પકડવાની રમત શા માટે રમતા હશે!!!! પણ .. પ્રકૃતિ! બીજું શું?
  પેલી કહેવત છે ને કે: કરવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી! પણ આમાં તો ઊલટું થયું! અમે તો થૂલી જ કરવા ગયા હતા અને કંસાર થઈ ગયો!!!!! માત્ર એક ગમ્મત-લેખ લખીને છૂટી જવા માંગતા હતા. પણ બ્લોગમિત્રોનો ઉમળકાએ અમને પણ વિવિધ બ્લોગ્સ પર દોડતા કરી દીધા. અમને પણ મજા આવી. વાચકોના સહકાર વગર આ પ્રયોગ આટલો જામત નહીં. જશના સાચા અધિકારી તેઓ છે.
  આ માધ્યમ કેટલું ઝડપી છે!!!! કેટકેટલી શક્યતાઓથી ભરેલું છે!!!!આપણા સદભાગ્ય છે કે, યુવાન બ્લોગલેખકો સાથે નાતો જોડવાનો મોકો મળે છે.

 11. શ્રી યશવંતભાઈ,
  થુલીમાંથી કંસાર ક્યાં આતો મસ્ત લાડુ થઇ ગયો.ભાઈ હુંતો ફ્રીજ મૂકી ને મહિના સુધી ખાયા કરવાનો.વૈધરાજ ના કલીનીક આગળ આપના પછી લાગવગ થી તરત જ મને ઉભા રહેવા દીધો એ બદલ આભાર.ઘણા બધા રહી ગયા ને આપણે તો ફાવી ગયા.નિદાન પણ સચોટ.વર્ષો નો અનુભવ પછી જોવાનું રહે?જેને ખોટું લાગે તે બે લાડુ વધારે ખાય.હવે મારે શું કરવું?જગજીતસિંહ ની ગઝલો તો રોજ સંભાળું છું પણ લખતા ના આવડે.બીજું જાત ઉપર પણ જતું રહેવાય છે.

  • રાઉલજી. હાશ! અમારા જીવને નિરાંત થઈ. અમારા સહિત પાંચને અમે ઊભા કરી દીધેલા. અમે તો અમને શું કરી શકવાના? બાકી રહ્યા ચાર! એમાં પંચમજી તો આંટો મારી ગયા. બાકી રહ્યા ત્રણ . પણ એમાં અમને સહુથી વધારે બીક તમારી લાગતી હતી કે બાપુ બ્લોગમાંથી તલવાર સહિત ખાબકે નહીં તો સારું! કાઠી દરબારોના ગામમાં બીતા બીતા મોટા થયા છીએ એટલે એ ડર કોઠામાં ઘર કરી ગયો છે!!!!!
   આભાર. હા, તમારી હાસ્ય રચાનાઓ પણ કમ નથી. ગીત ગઝલ માટે તો કદાચ પૂર્વજન્મના કર્મો ભાગ ભજવતા હશે!!
   આપણે પ્રયત્નો કરવા!

   • શ્રી યશવંતભાઈ,
    આપે કહ્યું તેમ કવિઓ કે ગઝલકારો ને આસપાસ માં રાખું,તો લલિત ભાવ ખીલે પણ સંગ નો દોષ બે બાજુ લાગે,મારા સંગે ચડીને મને લલિત ભાવ થાય,એના બદલે આ કવિઓ તલવારો ખેચીને ઉભા ના થઇ જાય એની શું ખાતરી?સરળ હૃદય ના અતુલભાઈ ને માસુમ હૃદય ના દિલીપ ગજ્જર ના હાથ માં તલવારો ?પટેલ ભાયડા શૈલેશ તો બલરામ ની જેમ ખભે હળ લઈને ઉભા થઇ જશે.

 12. રાઉલજી અને યશ.ભાઈનાં એકબીજા માટેનાં વક્તવ્યો વાંચીને મન પ્રફુલ્લિત થાય છે. બ્લોગનો આ ઓટલો કેવો ભાવપૂર્ણ અનુભવ કરાવનારો બની શક્યો છે !! અહીં મૂકાયેલી બધી જ કોમેન્ટ્સનું મૂલ્યાંકન કરવા જેવું છે. આ બધાંએ ‘ઓટલા’ની કેવી ‘અસર’ અનુભવી છે અને એકબીજા પર પાડી છે એ મૂલવવા જેવું છે.

  એક સાથે એકાદ ગઝલ ને એકાદ ઊર્મિકાવ્યને સાથેસાથે મૂકીને સૌ એનું રસદર્શન કરે–કરાવે કે અન્ય મુદ્દો લઈને સૌ ચૅટની સગવડ પર ભેળાં થાય તો ભવિષ્યે વર્કશોપ પણ થાય. નાટકના યશવંતભાઈએ કહ્યા તેવા પ્રયોગો થયા જ છે. હું તો ઘણી વાર કોમેન્ટના ખાનામાં જ પંક્તિઓ સર્જી લઉં છું.

  હું નવોનવો નેટ પર આવ્યો ત્યારે ગુજરાતીભાષા અને ગુજરાતીઓ વિશે ઘણું લખ્યું હતું…ગુજરાતી નેટજગતની કદાચ સૌ પ્રથમ ત્રણ નેટ કોન્ફરન્સો પણ ચૅટના માધ્યમે થઈ ગયેલી ! આ નવું માધ્યમ જો સારા ભાવથી ને તંદુરસ્ત વાતાવરણમાં વાપરી શકાય તો ક્રાંતિ કરી શકે તેમ છે. મને તો સૌથી મોટો લોભ આ બહાને ભાષાશુદ્ધિનો લાભ થાય છે તે છે. યશવંતભાઈ દ્વારા સાહિત્યસ્વરૂપોના પ્રયોગો પણ આમાંથી જ નીવડી આવે એમ બને.

  સૌને ધન્યવાદ !

  • જુગલભાઈ, સાચી વાત છે. અમને પણ જ્યારે ખરી જરૂર હતી ત્યારે જરૂરી માર્ગદર્શન અને માહિતી મળ્યાં નહોતા. એ વખતની મૂંઝવણ હજી યાદ છે. અત્યારે તો કેટલું આસાન થઈ ગયું છે! જે જોઈએ તે નેટ પરથી મળી શકે છે. જેમ કે ગઝલ ગમતી તો લખી લેતા.પણ એ કેવી રીતે રચી શકાય એની ગતાગમ પડતી નહોતી. જ્યારે આજે બ્લોગજગતમાં કવિમિત્રો ખુલ્લા દિલથી ચર્ચા કરીને માર્ગદર્શન આપી શકે છે. કોઈ કોઈ વખતે ગઝલના છંદ કે બંધારણ બાબત ઉપયોગી ચર્ચા પણ વાંચવા મળે છે. જેને મેળવવું હોય તેને ઘણું ઘણું મળી શકે છે. અન્ય કાવ્યપ્રકારો માટે આવું થતું હોવાનું જાણમાં નથી. જેમ કે ઊર્મિકાવ્ય કે ગીત વખતે રાખવાની કાળજી વિષે અમને પણ જાણવાનો સ્વાર્થ છે.
   ઢગલાબંધ વાર્તાઓ રજૂ થય છે.પણ વાર્તા કે નવલિકા લખવા પાછળની કાળજી વિષે કશું જ લખાતું નથી. એમાં વાચકોને વિશેષ રસ નથી. જ્યારે ગઝલ એકી વખતે વાંચી શકાતી હોવાથી એની વધારે ચર્ચા થાય છે.
   બ્લોગજગતમાં મોટાભાગે જે કહેવા જેવું લાગતું હોય તે કહેવાથી અમુક કારણોસર બધા દૂર રહે છે.

 13. હા હ્હા હહા હ્હા હહા હ્હા હહા હ્હા હહા!!!!!

  યશવંતકાકા, ઓહ સૉરી બ્લૉગાચાર્યજી, કમાલ કરી છે આપે. બ્લૉગને તપાસવાના બહાને બ્લૉગરોની નાડ પકડી લીધી તમે તો! બધા જ બ્લૉગની ખૂબીઓ (અને ખામીઓ પણ હોં કે) તમે એવી રીતે મૂકી છે, ખરાબ લાગવાનો તો પ્રશ્ન જ નથી, પણ હસી હસીને બેવડ વળી જવાય છે.

  હું અને મારી પત્નિ હેમકાવ્યો વાળો ભાગ વાંચીને ખૂબ હસ્યા. મજા પડી ગઈ! આવો મજાનો લેખ વ્યસ્તતાને કારણે ચૂકી ગયો એનું દુઃખ છે.

  હજી હમણા તો ખાલી લેખ પૂરો થયો છે. કમેન્ટ્સ વાંચવાની બાકી છે. એ તો વળી લેખથી ત્રણ ગણી મોટી છે. એ થાય એટલે ફરી કમેન્ટ મૂકીશ.

  બાકી તમારી દવાની (અરે ક્ષમસ્વ! ઔષધની, પ્રત્યાયનને ખરાબ લાગી જશે..) તાત્કાલિક અસર થયેલ છે. અને હેમકાવ્યોએ ફરી સક્રિયતા દાખવી છે. આપને ભીંજાવવાના કોડ છે ગઝલની નાડી પરિક્ષા કરવા બ્લૉગાચાર્યજીને આમંત્રણ છે.

  આપનો,
  હેમંત

 14. 🙂 સુંદર નિખાલસ ચર્ચા …!! હોળીની શુભકામના સહ ”સમન્વય ”ના દ્વિતીય જન્મદિને પરંતુ એક દિવસ વહેલા તારીખ ૨૮ – રવિવારે આપ સહુને પધારવા હાર્દિક આમંત્રણ છે …!!

 15. સરસ યશવંતભાઈ! આ મફતમાં નિદાન થાય છે એટલે મારા જેવા અમદાવાદીઓની જ નહિ પણ દેશ પરદેશથી દર્દીઓની લાઈન લાગી ગઈ છે! નીદાન તો મફત કરો છો પણ ગોળી બી મફત આપો છો કે કેમ તે જાણ નથી થતી! અમુક લોકોને ગોળીની પણ જરૂર છે,કઈ ગોળી તે ચોખવટ અસ્થાને છે!

 16. અરે વાહ યશવંતભાઈ… ઘણા વખતથી બ્લોગજગતમાં હરવા ફરવાનું ઓછું થઈ ગયું છે એટલે આ લેખ ચૂકી જવાયો હતો… આજે ખરેખર વાંચવાની ખૂબ જ મજા આવી.

  btw, રંગલો-રંગલી ક્યાં ફરવા ગયા છે ? 🙂

 17. યશવંતકાકા,

  સાચેજ ખુબજ નિખાલસ ચર્ચા… મજા આવી ગઈ… 🙂

  કદાચ હું બહુ મોડો પડી ગયો છું, આટલો સરસ લેખ વાચવાનો ચૂકી ગયો.. 😦

  માર બ્લોગને પણ આજ-કાલ તબિયત નરમ છે… ટૉકન મળશે?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s