રા’નથી ફરતો …રા’નો દી ફરે છે

[મિત્રો. આજકાલ કૌભાંડયુગ ટોપ લેવલે પહોંચ્યો હોય તેવું લાગે છે. માની લોકો ચારે પગે ઊભો થઈ ગયો છે! કોઈ પણ મંત્રીના પરિચય આપતી વખતે જે તે મંત્રીના નામ સાથે સંકળાયેલાં કૌભાંડોનો ઉલ્લેખ જરૂરી થઈ પડ્યો છે.   આ વાતાવરણમાં આ જૂનો લેખ પણ નવો લાગશે…]

આજના મુખ્ય સમાચાર છે: ટેલિકોમ પ્રધાન રાજા પર 60 હજાર કરોડના કૌભાંડનો આક્ષેપ.

કોઈને વળી એમ થાય કે: અરે! આ રાજા ક્યાંથી આવ્યા? રાજા અને રાજાનાં રાજપાટ તો ક્યારનાં જતાં રહ્યાં છે.

ના ભાઈ ના. આ જગતમાંથી કશું જતું નથી. કશું જાય છે એ આપણો ભ્રમ છે. જે કાંઈ જાય છે એ ફરીથી નવા સ્વરૂપે પાછું આવે છે. જેવી રીતે જૂની ફેશન ફરીથી પાછી આવે છે. એવી જ રીતે રાજાઓ પણ પાછા આવ્યા જ છે. પહેલાના રાજાઓ માથે મુગટ ધારણ કરતા હતા. પછીથી તેઓ માથે પાઘડી ધારણ કરવા લાગ્યા. ત્યારપછી સમય બદલાયો તો રાજાઓએ પણ ફેશન બદલી. તેઓ માથે ટોપી ધારણ કરવા લાગ્યા. એમાંય પાછી ટોપીઓના રંગ બદલાતા રહ્યા! ને હવે તેઓ ઉઘાડાં માથે ખૂલ્લમખૂલ્લાં રાજ કરે છે!!

ને રાજાઓ ન કરે એટલું ઓછું!

એટલે તો એક કહેવત આવી હતી કે: “રાજાને ગમે ઈ રાણી!”

બ્લોગજગતમાં જેમ ગમતાંનો ગુલાલ કરવાની ભાવના સાથે ફાવે ત્યાંથી ઉઠાંતરી થાય છે એમ કેટલાક રાજાઓ પણ ગમતી કન્યાને રાણી બનાવવા માટે એવો જ રસ્તો અપનાવતા.પછી ભલે રાજનું કે પ્રજાનું જે થવું હોય તે થાય! [પછી તો બાપલા ધીંગાણાં ય થઈ જાતા હો!]

વળી પોતાની રાણીઓ માટે પણ રાજાઓ શું નહોતા કરતા? કેવા કેવા મહેલો બનાવતા? મહેલોય ગયા. જે થોડાઘણા રહ્યા એને અમર પ્રેમની સાક્ષી રૂપે આપણે જોવાના!

આજે મહેલો નવા રૂપે જોવા મળે જ છે ને? હવે એવા મહેલ કાંઈ વગર કૌભાંડે થોડા બને? તમે ન્યાયની વાત કરો કે આમાં રાજાનો કાંઈ વાંકગુનો?

વર્ષો પહેલાં ભવાયા જુનાગઢના રાજા રા’માંડલિકનો ખેલ નાખતા. પછીથી ફિલ્મ પણ બની. એ ફિલ્મનું એક દ્શ્ય અમને યાદ રહી ગયું છે.

એક ચારણ કન્યા રાજા રા’માંડલિકનું ચાંદલો કરીને સ્વાગત કરવા જાય છે ત્યારે રા’ પોતે અવળો ફરી જાય છે. કન્યા બિચારી પોતે રાજાની સામે ઊભી રહીને ફરીથી સ્વાગત કરવા જાય છે તો રાજા ફરીથી ફરી જાય છે. આવું વારંવાર થવાથી કન્યા મૂંઝાઈ જાય છે અને માને ફરિયાદ કરે છે કે “મા,રા’તો ફરે છે.”

ત્યારે મા જવાબ આપે છે કે : “દીકરી, આ રા’ નથી ફરતો પણ રા’નો દી ફરે છે”

…અને પછી રા’નો દી કેવો ફર્યો એ ઇતિહાસમાં નોંધાયેલું છે. અને “ રા’ નથી ફરતો પણ રા’નો દી ફરે છે” એ વાક્ય એક કહેવત સમું થઈ ગયું.

પણ આજના રાજાઓઅના દી કેવા ફરે છે? પહેલાના રાજાઓના દી ફરતા હતા તો તેઓ પાયમાલ થઈ જતા હતા. આજના રાજાઓના દી ફરે છે ને તેઓ માલંમાલ થઈ જાય છે. આમ જૂઓ તો તેઓ પોતાના દી ફરે એટલા માટે જ આપણા સેવક બનીને આવે છે. ચૂંટાયા પછી તેઓ વચનોમાંથી ફરી જાય છે. સેવકમાંથી રાજામાં ફેરવાઈ જાય છે. કારણ કે એમને પોતાના દી ફેરવવા હોય છે! પોતાના દી ફેરવવા માટે કોઈ રાજા કૌભાંડ ન કરે તો શું કરે? તમે ન્યાયની વાત કરો. આમાં રાજાનો કાંઈ વાંકગુનો?

એટલે આજે આજે ભારતમાતાની પ્રજા જો પેલી ચારણકન્યા માફક માને ફરિયાદ કરે કે : “મા,રાજા તો ફરે છે તો ભારતમાતાનો જવાબ પણ એ જ હશે કે : “આ રાજા નથી ફરતો, પણ રાજાનો દી ફરે છે!!!”

સૌજન્ય: clipartoday.com/clipart/cartoons…

उसने किये थे काम जैसे जैसे

मैंने भी किये थे काम वैसे वैसे…

फिर भी उसका गोटाला

मरे गोटाले से

बड़ा कैसे??????

3 thoughts on “રા’નથી ફરતો …રા’નો દી ફરે છે

 1. આ રાજાઓમાં શરુઆત પૃથ્વીરાજ ચૌહાણથી થાય છે. પોતાની માસીયાઈ બહેન સંયુક્તાનું હરણ કર્યું અને જયસીંહ સંયુકતાનો બાપ, પૃથ્વીરાજ ચૌહાણની આ લપંટગીરીથી ખીજાયો તે સીધો ગયો મહમ્મદ ગોરી પાસે. પછીનો ઈતીહાસ બધાને ખબર છે.

  બીજેપીના પ્રમોદ મહાજને આવા જ કૌભાંડ કરી દસ હજાર કરોડ ભેગા કરેલ. એનો વંઠેલ છોકરો બીડી, ચરસ કે ગાંજો પીતો તે પાંચસો કે હજારની નોટની ચીરુટ બનાવી પીતો. છેવટે પ્રવીણ મહાજને એને ગોળીથી ઠાર કરેલ.

 2. રાજાવાળી કહેતી તમે અધુરી રાખી. રાજાની નજર ગમે ત્યાં ને ગમે તેવામાં પડતી. ને પોદળો પડે એટલે ધુળ સોતો જ ઉપડે એમ રાજાની નજરમાં આવ્યું તે સીધું રાજમહેલમાં !

  એટલે જ કહેતી થઈ કે “રાજાને ગમી ઈ રાણી; છાણાં વીણતી આણી.”

  પણ બીજી કહેતી તો હંધાયથી વટી જાય એવી,

  “રાજા, વાજાં ને….?(હુંય તે બાકી જ રાખું ?!)

  • જુગલકિશોરભાઈ,
   શુભ પ્રભાત. કહેવત પૂરી કરવા બદલ આભાર. આખી કહેવત સાંભળેલી ખરી પણ અર્ધી જ યાદ રહી ગઈ. બીજી કહેવત “રાજા, વાજાં ને વાંદરાં” તો મગજમાં છે જ. વાજાં અને વાંદરાંની વાત કહેવાની બાકી રાખી છે! ખરેખર તો આ લેખનું શીર્ષક જ પણ એવું જ રાખવું હતું; પણ મનમાં કોતરાઈ ગયેલો એ સંવાદ રજૂ કરવાની તક ઝડપી લીધી. “આ રા’ નથી ફરતો પણ રા’નો દી ફરે છે” અહાહા! શું કહેવાની રીત હતી!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s