રાંધણિયું

થોડા દિવસો પહેલાં એક ગમ્મત-લેખ લખેલો.

પ્રાયમસ યુગ

જેના અનુસંધાનમાં બ્લોગમિત્ર દક્ષેશભાઈએ મજાનો  પ્રતિભાવ આપીને  રસોડાની જાહોજલાલીની વાત આ રીતે  કરી.

કોલસા ફૂંકીને પેટાવવા પડતો એવો ચૂલો અને જેના ધૂમાડાથી આંખ લાલ થઈ જાય તે આ પ્રાયમસનો પૂર્વજ. એટલે જલ્દીથી રસોઈ બનાવી દે એવા પ્રાયમસનું આગમન એ એક રીતે રસોડા-ક્રાંતિનું પ્રતીક હતો. ત્યાર પછી કેરોસીનમાં બોળેલી લાંબી વાટવાળો શાંત સ્ટવ આવ્યો અને પછી ગેસના બાટલાઓ … પાઈપમાં ગેસ અને હવે માઈક્રોવેવ તથા કૂકીંગ રેન્જનો જમાનો … રસોડાએ પણ કેવી કેવી જાહોજલાલી જોઈ :) )

દક્ષેશભાઈએ  ચૂલાની પણ યાદ અપાવી. ચૂલો તો અમારા ધ્યાનમાં હતો જ. પણ એની વાત કરવાની બાકી રાખેલી. આજે કરી નાખીએ.

રાંધણિયું……

ચૂલા અને પ્રયમસની વચ્ચે સગડી આવી ગઈ. સગડી મોટાભાગે નાનાં મોટાં શહેરોમાં વપરાતી હતી. હજુ પણ ક્યાંક ક્યાંક વપરાતી હશે. સગડીમાં મોટાભાગે કોલસા વપરાતા.  ગામડામાં ચૂલો હતો અને એમાં છાણાં અને ઈંધણાં [બળતણ] વપરાતાં.  સગડીને હેરવી ફેરવી શકાય જ્યારે ચૂલા રાંધણિયામાં[રસોડામાં]  જ ચણેલા રહેતા.

હા.અમારે પણ એક રાંધણિયું હતું. વગડાનો પવન ખાઈ ખાઈને ઉછરતાં ગામમાં. લીંપેલી ભોંય  અને દેશી નળિયાની છતવાળાં ઘરમાં.   બહુ નાનું નહીં ને બહુ મોટું નહીં એવું. એમાં જોડિયા ભાઈઓ જેવા બે ચૂલા હતા. ચૂલાની આગળ આગમણ હતી. આ આગમણ  શબ્દનો લખવા કે બોલવામાં ઉપયોગ   છેલ્લા ત્રીસેક વર્ષોથી તો મેં પણ નહીં કર્યો હોય!  પણ મને ઝાંખોપાંખો યાદ હતો.  શબ્દકોષમાં જોયું કે ભૂલ તો નથી થતીને? અર્થ મળ્યો કે : ચૂલાનો આગલો ભાગ; ચૂલાની બેળ. ત્યાં અંગારા કાઢી ઠારવામાં આવે છે.

રાંધણિયામાં એક લાકડાની પેટી રહેતી. જેમાં  ખાવાનું રહેતું. અભરાઈ પર રોજની જરૂરિયાત પૂરતાં વાસણો રહેતાં. ત્રણ ચાર જણાં જમવા બેસી શકે એટલી જગ્યા રહેતી. મહેમાન હોય ત્યારે બહાર ઓસરીમાં બેસવાનું. શિયાળાની ઋતુમાં રાત્રે રસોડામાં જ તાપણી થતી.

પણ રાત્રે બધાં ઊંઘી જાય પછી રાંધણિયું મારો અભ્યાસ ખંડ બની જતું.  ચૂલાની  પાળે દિવો કે ફાનસ રહેતાં.  હું બને એટલી ઝડપથી મારું લેસન પતાવી દેતો. અને પછી મારાં દફતરમાંથી;  કોઈ અમીર આદમી એની તિજોરીમાંથી કિંમતી દાબડો કાઢતો હોય એમ નિશાળની લાયબ્રેરીમાંથી લાવેલું પુસ્તક કાઢતો. પછી   હું અને પુસ્તક અંને ભાંગતી રાત!

અહાહાહા !કેવાં ભવ્ય હતાં એ પુસ્તક- દર્શન! આજે,માત્ર થોડી  પળો માટે  પણ મને એ ઉમર,એ રાંધણિયું,એ ચૂલો,એ દિવો,એ દફતર અને એમાંનું એકાદ પુસ્તક મળી જાય તો ફરીથી એ પુસ્તકનું મુખપૃષ્ઠને મારી નજરમાં સમાવી લઉં. એ પુસ્તકની ગંધ મારાં ફેફસાંમાં ભરી લઉં.એ પુસ્તકને મારાં હૈયે ચાંપી દઉં. એ  ક્ષણોને  એવી ને એવી જ ફરીથી  જીવી લઉં.

…પણ એવું હકીકતમાં થતું  નથી.

હા… થઈ શકે છે માત્ર સ્મૃતિના  સહારે!

..ને હું સ્મૃતિના સહારે ભૂતકાળના ઘમ્મર ઘૂનામાં ડૂબકી લગાવું  છું.

10 thoughts on “રાંધણિયું

 1. યશવંત ભાઇ,
  મારા ગામની સગડીઓ યાદ આવી ગઇ સાંજે શેરીઓમાં દરેક ઘરની બહાર ધુમાડા કાઢતી સગડીઓ હોય,પત્થરીઆ કોલસા સળગતા વાર લાગે એટલે કેરોસિનનો ગાભો સળગાવી અંદર મુકે અને શેરીમાં ઘર આંગણે ઓટલા પાસે મુકીદે પછીનું કામ શેરીઓનો પવન કરે, કોલસા લાલઘુંમ થઇ જાય એટલે તે ઘરની નારી શેરીમાંથી સગડીને ઘરમાં રસોડામાં લઇ જાય,આ પ્રવૃત્તી બધા જ ગામમાં એક સરખી જ લાગે.ઘણી વાર નાનું છોકરું સાડી પકડીને રોતુ લટકતું સાથે હોય તેવા દ્રશ્યો પણ યાદ આવે છે.

 2. yashwantbhai,

  રાંધણિયામા શરૂઆત હતી અને અંત પણ હતો
  બળતરાની–સંસ્મ્રુતિમાં પલું પુસ્તક એ બળતરા જ છે !
  ઠરવું તો કવળ ઘટના હતી, સળગ્યા કરવું જ
  ઉપયોગીતા છે,….
  લેખ ગમ્યો.

 3. Yashwantji, sorry I cant write lines of poems but still, you are doing wonderful work by writing in such a simple yet effective way which takes us into the old memories and makes us kids again….I remember, in winter time, in the morning we all brothers used to sit around stove (used for making hot bath water) and everyone will give away his turn of bathing to other…hahhah, just to sit more near the hot place..These are all memories which now seems like dreams…thnx again

 4. ‘…પણ એવું હકીકતમાં થતું નથી.
  હા… થઈ શકે છે માત્ર સ્મૃતિના સહારે!’
  ..ને હું સ્મૃતિના સહારે ભૂતકાળના ઘમ્મર ઘૂનામાં ડૂબકી લગાવું છું.
  ………………..અને અમને પણ ડૂબાડો છો અને હીપ્નોસીસ્ટની જેમ અમારા ભૂતકાળમા મઝા કરાવો છો.! હંમણા તો આઇલેન્ડ કિચનમાં જગ્યા વધારે મળે છે અને કિચન નાનું હોય તો પણ આરામથી કામ થઇ શકે છે.આ ત્રિકોણાકાર કિચનમાં ગેસ રાખવા માટે વચ્ચેના ભાગમાં પ્લેટફોર્મ બનાવવામાં આવે છે. જમણી બાજુએ ફ્રજિ રાખવાની સુવિધા અને ડાબી તરફ વોશબેઝિન બનાવવામાં આવે છે. આના કારણે ક્યારેક વધારે રસોઇ કરવાની આવે તો પણ ઝડપથી થઇ જવાને કારણે મહિલાને રાહત રહે છે.આવા કીચનમા કામ કરતા યાદ આવે;;;
  દેશમાં કેવી ઝાકમઝોળી!
  મઠીયા તીખાં, સુખડી ગળી,
  અહીં તો મિઠાઇયે લાગે મોળી,
  હાલને, જઇએ દેશમાં દોડી…
  હાલને, જઇએ દેશમાં દોડી…
  અંધારામાં બળતો ચૂલો!
  ખૂણામાં ખળભળતો ચૂલો!
  જે પણ ઢાળમાં ઢાળો એને,
  ફટ્ટ દઈને ઢળતો ચૂલો! માટીનો જ ચૂલો, ત્રણ બાજુ બંધ એક બાજુ ખુલ્લી રાખી લીંપણથી પાકો કર્યો હોય. ઈંટો ઉપર લીંપણ હોય એટલે મજબૂતાઈ આવે. મા રોજ રસોઈ કરીને એને લીંપી નાખે. પવિત્ર કરે. ચૂલો શબ્દ લોકજીવનમાં કેવું સ્થાન ધરાવતો હતો !ઘરના એક અંધારા રૂમને રાંધણિયાનો દરજ્જો અપાતો. એમાં હવાઉજાસની વ્યવસ્થા હોય પણ ખરી, ન પણ હોય. એકાદ નાનકડી બારી હોય તો હોય. ચૂલાની બરાબર ઉપર છતમાં ધૂણી જવાની કોઈ વ્યવસ્થા પણ નહિ. છત આખી કાળીમેંશ થઈ ગઈ હોય. ચૂલામાંથી નીકળતો ધૂમાડો ઘરમાં ગોટાય. ચૂલો સળગાવતાં ન આવડે તો એકાદ કલાક ઘરનાં બધાં સભ્યો આંખો ચોળે. ચૂલો પેટાવવા માટે ખાસ છાણાં, સૂકી સળીઓ, સાંઠા રાખવા પડે. સુક્કાં તણખલાં આગ પકડી લ્યે પછી થોડાંક જાડાં લાકડાં મુકાય અને એ રીતે ક્રમશ: ચૂલો સળગાવાય. કાચી સામગ્રીને પકવવા માટે અગ્નિનો ઉપયોગ આપણે કરીએ છીએ, ત્યારે મને થાય છે કે સમગ્ર સંસારના જીવો આકરી કસોટીમાંથી પસાર થઈ, પાર વગરનાં કષ્ટો સહન કરે છે એ એક પ્રકારની અગ્નિપરીક્ષા છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s