પ્રાયમસ યુગ

હે બ્લોગજનો. સૌને ટાઢી સાતમ મુબારક. ચૂલાને એક દિવસ આરામ આપવા કાજે જેનાં  જેનાં રસોડામાં આજે પ્રાયમસનો પ્રયોગ થયો હશે એ સૌએ આજે એક જુદા પ્રકારની સવારનો અનુભવ કર્યો હશે. વાલમની વાંસળીનો નાદ સાંભળીને  વૃંદાવનની વાટ પકડતી ગોપીઓની માફક ઘણાંએ રસોડાં તરફ  કૌતૂહલપૂર્વક દોટ   મૂકી હશે કે :આ નવું શું થાય છે ટોળે વળો

ઘણાં મૂઢ આત્માઓ કશોપણ  સાર ગ્રહણ કરવાના બદલે દુ:ખી થયા હશે કે એકવીસમી સદીમાં આ વીસમી સદીનો ઉપાડો શાંને માટે? પરંતુ  જે  ભાગ્યશાળીઓને અમારા આત્મા જેવો આત્મા પ્રાપ્ત થયો હશે એમણે જરૂર સેવખમણીમાંથી દ્રાક્ષના દાણા  તારવવા જેવો સાર તારવ્યો હશે. કશો વાંધો નહીં. આ રહો તમારાં સૌના  માટે દ્રાક્ષના દાણા સમાન  મીઠો સાર…

*  પ્રથમ તો પ્રાયમસના  અવાજની વાત કરીએ તો  એ અવાજથી ગુણીજનો દુ:ખી થવાના બદલે પ્રસન્નતાનો અનુભવ કરે છે. અહાહા!!! કેવો એકધારો એકધારો નવી ઉર્જા પૂરી પાડતો એ પ્રાયમસ-નાદ! જાણે એકધારો એકધારો વરસતો વરસાદ! જાણે એકધારો એકધારો ખાબકતો ધોધ! જાણે એકધારા  એકધારા ઓમના નાદ સાથે ભક્તોને યોગા શિખવાડતા બાબા રામદેવ!!! ચંચળ ચિત્તને એકાગ્ર કરવાની પ્રેરણા આપતું આવું સાધન હવે ક્યાં વારંવાર જોવા મળવાનું છે? માટે  આજે દર્શનનો લહાવો લઈ લો … કાલ કોણે દીઠી છે!!!

* ઘણાંને એમ થાય કે આતો  જૂના  જમાનાનું સાધન! એનાં દર્શન શાંને? પણ ભાઈ, તમે જૂના કિલ્લાઓ કે ખંડેરો જોવા માટે રૂપિયા ખર્ચીને જાઓ છો કે નહીં? આતો ઘેર બેઠાં ગંગા. એનાં દર્શન કરીને કલ્પના કરો… ગુણીજનો જરા મગજને તસ્દી આપીને કલ્પના કરો કે કેવો હશે એ પ્રાયમસ-યુગ!   જ્યારે ઘેર ઘેર પ્રાયમસનો નાદ ગુંજતો હતો. એ પ્રાયમસ આધુનિકતાનું પ્રતિક ગણાતું હતું.  મધ્યમ વર્ગની નારી હોંશે હોંશે નવા પ્રાયમસની ખરીદી કરાવતી હતી. પ્રાયમસનો અવાજ સાંભળીને  સમજદાર પતિદેવો પથારીનો ત્યાગ કરતા હતા. પ્રાયમસના અવાજ પરથી પાડોશીઓ પણ ધારણા બાંધી શક્તાં હતાં કે કોને ત્યાં ક્યારે ચા બને છે ને ક્યારે રસોઈ બને છે! માતા બાળકને પંપાળી પંપાળીને લેસન કરાવે એમ  એ જમાનામાં નારી પ્રાયમસ પાસેથી કામ લેતી હતી. જરૂર પડે  પતિદેવને  પણ હાકલ કરતી હતી કે : “હજી સુધી પથારીમાં શું પડ્યા છો? ઊભા થાઓ અને આ પ્રાયમસ પેટાવી દો તો ખરા બહાદુર જાણું.” હા.નવલકથાઓમાં,વાર્તાઓમાં,,હાસ્યકથાઓમાં કે લલિત નિબંધોમાં પ્રાયમસનો ઉલ્લેખ થતો હતો. એક આખો યુગ પોતાની ટાંકીમાં સમાવીને એ પ્રાયમસ આજે ઘરના માળિયામાં ઉપેક્ષાનો ભાર સહન કરતો પડી રહે છે અને ટાઢી સાતમના દિવસે એક દિવસ માટે સાફ સફાઈ પામે છે ત્યારે એ શું કહેવા માંગે છે એ જાણવા માટે યોગ્ય કાન  અને મગજ હોવાં જોઈએ અને વિશેષ તો સમય હોવો જોઈએ જે આજકાલ કોઈની પાસે નથી! એટલે જ તો વદનારા વદી નાખે છે કે:

” છોડ આ પ્રાયમસની માથાકૂટ [orkut ની માસિયાઈ બેન!] તારે રિવાજ પાળવો  હોય તો પાળ. હું તો   ચા બહાર પી લઈશ અને જમવાનું  પણ બહાર જમી લઈશ.”

*પ્રાયમસ તમને પરિવર્તનને પચાવવાની સમજ આપે છે. સૌ સૌનો એક જમાનો હોય છે. એકસરખા દિવસો કોઈના હોતા નથી. એક જમાનામાં સૌની  જઠરપૂર્તીનો આધાર જે પ્રાયમસ પર હતો એ પ્રાયમસ પોતાની જરૂરિયાત ગુમાવ્યા પછી જેમ એકબાજુ  પડ્યો રહે છે એમ સૌએ એવી જ તૈયારી રાખવાની જોઈએ. જેથી કરીને વ્યથિત થવાનો વારો ન આવે!!.

*ઘરમાં એક દિવસ માટે પણ પ્રાયમસ પેટાવવો હોય તો તમારી કસોટી થઈ જાય છે તો વિચાર કરો કે એક આખી પેઢીની નારી  રોજ રોજ એ આગનાં રમકડાં સાથે રમતી હતી!!! આજે પણ  પ્રાયમસથી દાઝવાના બનાવો છાપાંમાં આવતા રહે છે. પેટાવવો એ પણ એક કળા હતી. જેમ ઘોડો પોતાના માલિકના સ્પર્શને ઓળખી જાય અને એને જ વફાદાર રહે એમ પ્રાયમસ પણ પોતાની માલિકણને ઓળખતો હતો! અને એને જ વફાદાર રહેતો હતો. અને ક્યારેક તો એને પણ  પરેશાન કરતો હતો. આવું થાય ત્યારે પાડોશીઓ પણ સલાહ આપવા દોડી આવતાં હતાં કે “આમ કરો અથાવા તો તેમ કરો.”  એક કે બે પૈસાની પિન વાંકે પણ ઘણાંની સવાર બગડતી હતી. પિન ઉછીની માગવાનો રિવાજ હતો. “પિન મારો ” એ મુહાવરો કદાચ પ્રાયમસ-યુગની દેન  હશે.

* અને છેલ્લે આ ટાઢું ખાવાની વાત.  એક દિવસ ટાઢું ખાવાનો વારો આવે છે તો  આપણાથી સહન નથી  થતું તો વિચાર કરો કે કેટલાંય લોકો ટાઢું કે લૂખુંસૂકું  ખાઈને ચલાવી લેતાં હશે. એમની તકલીફનો અહેસાસ થશે તો પણ ટાઢી સાતમ કરી લેખે લાગશે. અરે આપણાંમાંથીજ કેટલાંયના માબાપે  કદાચ રોજ રોજ લૂખું સૂકું ખાઈને આપણને ઉછેર્યાં હશેને? ટાઢી સાતમ કદાચ એમણે વેઠેલાં દુ:ખોને યાદ કરવાનું બહાનું તો નહીં હોય!

*ખેર ટાઢું ખાધું હોય કે ન ખાધું હોય પણ મગજને હંમેશા ટાઢું રાખજો અને સાચવજો.

જન્માષ્ટમી અને સ્વાતંત્ર્યદિનનાં  શુભ પર્વ કાજે ખૂબ ખૂબ શુભેછાઓ. આવજો. … અને જલસા કરજો.

Advertisements

7 thoughts on “પ્રાયમસ યુગ

  1. કોલસા ફૂંકીને પેટાવવા પડતો એવો ચૂલો અને જેના ધૂમાડાથી આંખ લાલ થઈ જાય તે આ પ્રાયમસનો પૂર્વજ. એટલે જલ્દીથી રસોઈ બનાવી દે એવા પ્રાયમસનું આગમન એ એક રીતે રસોડા-ક્રાંતિનું પ્રતીક હતો. ત્યાર પછી કેરોસીનમાં બોળેલી લાંબી વાટવાળો શાંત સ્ટવ આવ્યો અને પછી ગેસના બાટલાઓ … પાઈપમાં ગેસ અને હવે માઈક્રોવેવ તથા કૂકીંગ રેન્જનો જમાનો … રસોડાએ પણ કેવી કેવી જાહોજલાલી જોઈ :))

    • આપની વાત સાચી છે. શહેરમાં સગડી અને ગામડાંમાં ચૂલો .. બંનેનું સમાજમાં આગવું સ્થાન હતું. સગવડતાઓ વધી છે અને વાનગીઓ પણ વધી છે. રોટલા,કઢી.ખીચડી,ઓળો વગેરેનું હવે માર્કેટિન્ગ થાય છે. ને એ અગવડતાઓ કોઈ આર્ટ ફિલ્મનો વિષય બની ગઈ છે.

  2. પિંગબેક: રાંધણિયું « અસર

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.